કાવ્ય-આચમન શ્રેણી – રાવજી પટેલ/૨૧.હજી તે

Revision as of 10:41, 15 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૧.હજી તે|}} <poem> હજી હું તો ટાઢાઊના તડકામાં ઘઉં વીણું, હજીય ત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૨૧.હજી તે

હજી હું તો ટાઢાઊના તડકામાં ઘઉં વીણું, હજીય તે,
હું તો મારે આવુંતેવું કર્યા કરું. ખાલી પેલી ગમાણના
ખીલા જેવી, હું તો મારે પડી રહું. કદી કદી આંગણામાં
ખેતરને મૂકી દઉં. કદી કદી ઘઉં ઓરું. કદી કદી મહુડાનાં
વન આખાં, વન આખાં, વન આખાં વેડી દઉં,
કદી કદી છાપરીની છેક ઊંચી થાંભલીએ ઓઢણીને
વીંટી દઉં, પછી ગોફણમાં સીમ આખી ઊંચકીને,
એય ઓલ્યા ડુંગરાની પાર એની પાર એની પાર
ફેંકી દઉં. સ્હેજ ધણમાંનાં ઢોર બધાં આઘાંપાછાં થાય.
ઊંધું ઘાલી સાંજ ખસી જાય. ટહુકાના કૂંણા કૂંણા પ્હાણા
મારા કાળજાને વાગે; તોય ઘઉં વીણું; હજીય તે...
(અંગત, પૃ. ૩૨-૩૩)