અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કલાપી/ત્યાગ

Revision as of 09:08, 21 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> {{Center|''હું જાઉં છું! હું જાઉં છું! ત્યાં આવશો કોઈ નહીં! સો સો દીવાલો બ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

હું જાઉં છું! હું જાઉં છું! ત્યાં આવશો કોઈ નહીં!
સો સો દીવાલો બાંધતાં ત્યાં ફાવશો કોઈ નહીં!

ના આંસુથી, ના જુલ્મથી, ના વસ્લથી, ના બન્ધથી,
દિલ જે ઊઠ્યું રોકાય ના! એ વાત છોડો કેદની!

સૌ ખુશ રહો જેમાં ખુશી! હું જ્યાં ખુશી તે હું કરું!
‘શું એ હતું? શું આ થયું?’ એ પૂછશો કોઈ નહીં!

કૈં છે ખુશી! કૈં છે નહીં! દિલ જાણતું — જે છે તે છે!
જ્યાં જ્યાં કરી પેદા ખુશી ત્યાં ત્યાં ખુશી દિલ છે નકી!

પેદા કર્યો ’તો ઈશ્ક ત્યાં ના કોઈને પૂછ્યું હતું;
એ ભૂંસવા જો છ ખુશી તો પૂછવું એ કૈં નથી.

છે ઇશ્ક જોયો ખૂબ તો જોવું હવે જો ના દીઠું,
કિસ્મત બતાવે ખેલ તે આનન્દથી જોવા સહી!

આ ચશ્મ બુરજે છે ચડ્યું આલમ બધી નિહાળવા,
તે ચશ્મ પર પાટો તમે વીંટી હવે શકશો નહીં.

મારી કબર બાંધી અહીં ત્યાં કોઈને સુવારજો!
હું જ્યાં દટાઉં ત્યાં ફૂલોને વેરશો કોઈ નહીં!

છે શું ફૂલો, શું ઇશ્ક ને શું સૌ તમે જાનારને!
આ માછલું દરિયા તણું એ ઊર્મિઓ ગણતું નહીં!

તમ ઊર્મિ એ તમ વારિધિ, મુજ વારિધિ મુજ ઊર્મિ છે!
જે હિકમતે આ છે બન્યું તે જાણશો કોઈ નહીં!

શું પૂછવું? શું બોલવું? ખુશ છો અને રહેજો ખુશી!
વ્યર્થ આંસુ ખેરશો તો લૂછશે કોઈ નહીં.
(કલાપીનો કેકારવ, પૃ. ૨૩૧-૨૩૨)