વસુધા/સાંઝને સમે

Revision as of 05:52, 12 October 2022 by MeghaBhavsar (talk | contribs)
સાંઝને સમે

સાંઝને સમે સખી આવજે,
સૂના સરવર કેરી પાળે,
અંતર કેરી પાળે, હો સખી!
સાંઝને સમે જરા આવજે!

છેલ્લું કિરણ પેલું આભથી વિદાય લે,
છેલ્લે ટહુકાર એને પંખીડું ગાઈ લે,
છેલ્લે ઝણકાર તારે ઝાંઝર ઝંકારતી
સાંઝને સમે સખી આવજે.

ભરતો ઉચ્છ્વાસ વાયુ કુંજોને કોટી લે,
ખરતાં ફુલડાંને એની છેવટની ચૂમી દે,
ખરતાં અંતર કાજે છેવટની એક વાર
સુરભિ ઉચ્છ્વાસતણું લાવજે,
હો સખી! સાંઝને સમે જરા આવજે!