કટ્ઠહારી જાતક
દેવધમ્મ જાતક
મહાદાન
વૈદ્યરાજ જીવક કૌમારભૃત્ય
વાનરિન્દ જાતક
અલિનચિત્ત જાતક
અસદિસ જાતક
ગુત્તિલ જાતક
સામજાતક
સોનાની થાળી
સુજાતા
બંધુલ અને મલ્લિકા
વિષનું મારણ
કન્યાનું પારખું
પૂર્ણ શ્રેષ્ઠી
કુરુધમ્મ જાતક
સરભંગ જાતક
ઘત જાતક
ગામણીચંડ જાતક
દદ્દભ જાતક
આસંક જાતક
વ્યગ્ધ જાતક
કુટિદૂસક જાતક
નિગ્રોધમૃગ જાતક
કૂટવાણિજ જાતક
કુસ જાતક
ગંડતિન્દુ જાતક
અમ્બ જાતક
ભદ્રસાલ જાતક
મહાજનક જાતક
મહાવેસ્સંતર જાતક: કથાસાર
આદિ કથાઓના અનુવાદ: હરિવલ્લભ ભાયાણી,
બાકીની જાતકકથાઓના અનુવાદ: ભદંત આનંદ કૌસલ્યાયન
કટ્ઠહારી જાતક
પ્રાચીન કાળમાં વારાણસી નગરીમાં બ્રહ્મદત્ત રાજા મોટો ઉત્સવ મનાવતો એક ઉદ્યાનમાં ગયો. ત્યાં ફળફૂલને જોતો માણતો ભમી રહ્યો હતો. તે વેળાએ ઉદ્યાનના એક ભાગમાં ગીત ગાતાં ગાતાં ઇંધણ વીણતી એક સ્ત્રીને જોઈ, તેના પર તે આસક્ત થયો અને તેની સાથે સહવાસ કર્યો. તે જ વેળાએ બોધિસત્ત્વે તેના ઉદરમાં પ્રવેશ કર્યો. તેનું ઉદર જાણે વજ્રથી ભરાયું હોય તેમ ભારે થઈ ગયું. પોતે સગર્ભા થઈ છે તે જાણીને તેણે કહ્યું, ‘દેવ, મને ગર્ભ રહ્યો છે.’ રાજાએ આંગળી પરથી વીંટી કાઢીને આપી અને કહ્યું, ‘જો દીકરી જન્મે તો વીંટી ફેંકી દેજે અને એ દીકરીનું પાલન કરજે. અને જો દીકરો જન્મે તો આ વીંટીની સાથે એને લઈને આવજે.’ એમ કહીને તે ચાલ્યો ગયો. પૂરા દિવસે તેણે બોધિસત્ત્વને જન્મ આપ્યો. બોધિસત્ત્વ આમ તેમ દોડાદોડી કરીને મેદાનમાં રમતો હોય ત્યારે કોઈ કોઈ બાળક બોલતાં, ‘પેલા નબાપાએ મને માર્યો.’ આ સાંભળીને બોધિસત્ત્વે માતા પાસે જઈને પૂછ્યું, ‘મા, મારા પિતા કોણ છે?’
‘તાત, તું વારાણસીના રાજાનો દીકરો છે.’
‘મા, આનું કોઈ પ્રમાણ છે?’
‘તેમણે જતી વેળાએ કહેલું, ‘જો દીકરી જન્મે તો વીંટી ફેંકી દેજે અને દીકરીનું પાલન કરજે. અને જો દીકરો જન્મે તો આ વીંટીની સાથે એને લઈને આવજે.’ એમ કહી તે મને વીંટી આપીને ગયા છે.’
‘મા, જો આમ હોય તો તું મને પિતા પાસે કેમ નથી લઈ જતી?’
તેણે પોતાના પુત્રની વાત જાણી. એટલે રાજદ્વારે જઈ રાજાને સંદેશો મોકલ્યો અને રાજાએ બોલાવી એટલે તેમને પ્રણામ કરીને તે બોલી, ‘દેવ, આ તમારો પુત્ર છે.’
રાજાએ તેને ઓળખી છતાં સભામાં લજ્જિત થઈને કહ્યું, ‘આ મારો પુત્ર નથી.’
‘દેવ, આ તમારી વીંટી છે, એ ઓળખો તો.’
‘આ વીંટી પણ મારી નથી.’
‘દેવ, તો હવે આ સિવાય મારી પાસે કોઈ પ્રમાણ નથી. જો આ બાળક તમારું હશે તો આકાશમાં અધ્ધર રહેશે, નહીંતર ભૂમિ પર પડીને મૃત્યુ પામશે.’ એમ કહી તેણે બોધિસત્ત્વના પગ પકડી આકાશમાં ફંગોળ્યો. બોધિસત્ત્વે આકાશમાં પલાંઠી મારી અને તે બેઠો રહ્યો, મધુર સ્વરમાં બોલ્યો, ‘મહારાજ, હું તમારો પુત્ર છું, તમે મારું પાલન કરો. તમે તો પ્રજાનું પાલન કરો છો, તો તમારા પુત્રની વાત જ શી?’
બોધિસત્ત્વને આમ આકાશમાં બેસીને અને બોલતો સાંભળીને હાથ ફેલાવીને રાજાએ કહ્યું, ‘તાત, આવતો રહે, હું તારું પાલન કરીશ. હું જ તારું પાલન કરીશ.’ બીજા લોકોએ પણ હાથ લંબાવ્યા. બોધિસત્ત્વ કોઈના હાથમાં જવાને બદલે સીધો રાજાના હાથમાં ઝીલાયો અને પછી તેમના ખોળામાં બેઠો. રાજાએ તેને યુવરાજ બનાવ્યો અને તેની માતાને પટરાણી બનાવી. તેના પિતાના મૃત્યુ પછી તે કાષ્ઠવાન રાજાના નામે ધર્મપૂર્વક રાજ કરીને તે કર્માનુસાર પરલોક સિધાવ્યો.
(જાતકકથા: ૧.૧.૭)
દેવધમ્મ જાતક
પ્રાચીન કાળમાં વારાણસી નગરમાં બ્રહ્મદત્ત રાજા રાજ કરતો હતો. બોધિસત્ત્વે રાજાની પટરાણીના પેટે જન્મ લીધો. નામકરણના દિવસે તેનું નામ પાડ્યું મહિસાંસકુમાર. તે રમતાં રમતાં મોટો થયો, રાજાને બીજો પુત્ર થયો અને તેનું નામ પાડ્યું ચન્દ્રકુમાર. પરન્તુ હજુ તો એ બાળકો રમવાની વયમાં હતાં ત્યાં તેમની માતાનું મૃત્યુ થયું. રાજાએ બીજી સ્ત્રી સાથે લગ્ન કર્યું. રાજાને તેનાથી એક પુત્ર થયો, તેનું નામ સૂર્યકુમાર. રાજાને એને જોઈને ખૂબ સન્તોષ થયો અને તેણે રાણીને કહ્યું, ‘તારા પુત્ર માટે વરદાન માગ.’ દેવીએ કહ્યું, ‘ઇચ્છા થશે ત્યારે માગી લઈશ.’ એમ વરદાન અનામત રાખ્યું. એનો પુત્ર મોટો થયો ત્યારે તેણે રાજાને કહ્યું, ‘તમે મને આ પુત્ર જન્મ્યો ત્યારે વરદાન આપ્યું હતું, હવે મારા પુત્રને રાજ્ય આપો.’ રાજાએ એમ કરવાની ના પાડી, ‘પ્રજ્વલિત અગ્નિપુંજ જેવા તેજસ્વી મારા બે પુત્ર છે, એમને નકારીને તારા પુત્રને રાજ્ય આપી નથી શકતો.’ પણ રાણી વારંવાર યાચના કરવા લાગી એટલે રાજાએ વિચાર્યું, ‘આ મારા પુત્રોનું અહિત પણ કરી શકે છે.’ એટલે પુત્રોને બોલાવી કહ્યું, ‘તાત, સૂર્યકુમારના જન્મ વખતે મેં વરદાન આપ્યું હતું. હવે તેની માતા રાજ્ય માગે છે. મારી ઇચ્છા નથી. પણ સ્ત્રીજાતિ પાપી હોય છે. તે તમારું અહિત પણ કરી શકે છે. એટલે તમે અત્યારે વનમાં જતા રહો. મારા મૃત્યુ પછી કુળને અધીન થઈ નગરમાં રાજ્ય કરજો.’ રુદન કરતા કુમારોનાં મસ્તક ચૂમીને તેમને વનમાં મોકલી દીધા. પિતાને પ્રણામ કરીને મહેલમાંથી નીચે ઊતરતા એ કુમારોને જોઈને સૂર્યકુમારને એ વાર્તાની જાણ થઈ. ‘હું પણ ભાઈઓની સાથે જઈશ.’ અને તે પણ તેમની સાથે નીકળી પડ્યો. તેઓ હિમાલયમાં પ્રવેશ્યા. બોધિસત્ત્વે રસ્તો છોડી વૃક્ષ નીચે સૂર્યકુમારને કહ્યું, ‘તાત સૂર્ય, આ તળાવ પર જા, નાહીધોઈ પાણી પી, અને અમને પીવા માટે પણ કમળપત્રમાં પાણી લઈ આવ.’ આ તળાવ કુબેરે એક જળરાક્ષસને આપ્યું હતું. અને કુબેરે કહ્યું હતું કે જે દેવધર્મ ન જાણતા હોય તે સૌ પાણીમાં ઊતરે તો એ તારા આહાર. જે તળાવમાં ન ઊતરે તે તારા આહાર નહીં બને.’ ત્યારથી એ રાક્ષસ જે કોઈ તળાવમાં ઊતરે તેને દેવધર્મ પૂછતો અને જે ન કહી શકે તેમને ખાઈ જતો. સૂર્યકુમાર ત્યાં પહોંચ્યો, વગર વિચાર્યે તે તેમાં ઊતર્યો. રાક્ષસે એને પકડીને પૂછ્યું, ‘તને દેવધર્મની જાણ છે?’ તેણે ઉત્તર આપ્યો, ‘હા, જાણું છું. ચન્દ્ર અને સૂર્ય દેવધર્મ છે.’ ‘તું દેવધર્મ નથી જાણતો.’ કહી પાણીમાં તે પ્રવેશ્યો અને પોતાનાં નિવાસસ્થાને લઈ ગયો. વિલમ્બ થયો એટલે બોધિસત્ત્વે ચન્દ્રકુમારને મોકલ્યો. રાક્ષસે તેને પણ પકડી લીધો અને પૂછ્યું, ‘તને દેવધર્મ એટલે શું તેની જાણ છે?’ ‘હા, ચારે દિશાઓ દેવધર્મ છે.’ રાક્ષસે ‘તું દેવધર્મ નથી જાણતો.’ એમ કહી એને પણ પકડીને ત્યાં બાંધી રાખ્યો. એને પણ વિલમ્બ થયો એટલે ‘કોઈ આપત્તિ આવી ચઢી છે.’ એમ વિચારીને બોધિસત્ત્વ જાતે ત્યાં પહોંચ્યા. પાણીમાં ઊતરતાં બંનેનાં પગલાં જોઈને તેમણે વિચાર્યું, ‘આ તળાવ કોઈ રાક્ષસના હાથમાં હોવું જોઈએ.’ તે તલવાર, ધનુષબાણ સજ્જ કરીને ઊભા રહી ગયા. બોધિસત્ત્વ પાણીમાં ન ઊતર્યા. એ જોઈને વનમાં કામ કરનારા માણસનું રૂપ લઈને રાક્ષસ બોલ્યો, ‘મહાશય, રસ્તામાં થાક્યા હશો, તો આ તળાવમાં ઊતરો, નાહો, ખાઈપી, ફૂલમાળા પહેરી તમે કેમ આગળ વધતા નથી? બોધિસત્ત્વે તેને જોયો, પછી વિચાર્યું, ‘આ જ એ રાક્ષસ લાગે છે.’ પૂછ્યું, ‘તેં મારા ભાઈઓને પકડી રાખ્યા છે?’ ‘હા.’ ‘શા માટે?’ ‘આ તળાવમાં જે ઊતરે તેમના પર મારો અધિકાર છે.’ ‘શું બધા પર તારો અધિકાર છે?’ ‘જે દેવધર્મ જાણતા હોય તેમના સિવાય બધા ઉપર.’ ‘હું દેવધર્મ જાણું છું.’ ‘તો કહે. હું દેવધર્મ જાણું.’ ‘હું દેવધર્મ જણાવવા તત્પર છું પણ મારું શરીર ચોખ્ખું નથી.’ એટલે યક્ષે બોધિસત્ત્વને નવડાવ્યા, ભોજન કરાવ્યું, પાણી આપ્યું, ફૂલની માળા પહેરાવી, સુવાસિત દ્રવ્યોની અર્ચા કરી. અલંકૃત મંડપની વચ્ચે તેમને બેસાડ્યા, બોધિસત્ત્વ આસન પર બેઠા અને યક્ષ તેમના પગ આગળ. ‘તો ધ્યાનપૂર્વક સાંભળ, દેવધર્મ.’ આ પ્રમાણે દેવધર્મ સાંભળીને યક્ષ પ્રસન્ન થયો અને બોધિસત્ત્વને કહેવા લાગ્યો, ‘પંડિત, હું તારા પર પ્રસન્ન છું. તારા એક ભાઈને પાછો સોંપું છું. બોલ, કોને જવા દઉં?’ ‘નાના ભાઈને લાવ.’ ‘પંડિત, તું દેવધર્મ માત્ર જાણે છે, એને અનુસરી આચરણ કરતો નથી.’ ‘કેમ?’ ‘કારણ કે તું મોટાને છોડીને નાના ભાઈને છોડાવે છે, મોટાનું ગૌરવ નથી કરતો.’ ‘યક્ષ, હું દેવધર્મ જાણું છું. એ પ્રમાણે આચરણ કરું છું. આ ભાઈને કારણે જ અમે વનમાં આવ્યા. આને કારણે અમારા પિતા પાસે આની માએ રાજ્ય માગ્યું. અમારા પિતાએ એ વરદાન ન આપ્યું, પણ અમારા રક્ષણ માટે વનવાસની આજ્ઞા કરી. આ કુમાર વિના જ જો અમે પાછા જઈએ અને ‘તેને યક્ષ ખાઈ ગયો’ એવું કહીશું તો કોણ સાચું માનશે? એટલે નિન્દાથી બચવા આ ભાઈ માગું છું.’ ‘ધન્ય, ધન્ય, પંડિત, તું દેવધર્મ જાણે છે અને એ પ્રમાણે આચરણ પણ કરે છે.’ અને પછી યક્ષે તેને બંને ભાઈ સોંપી દીધા. ત્યારે બોધિસત્ત્વે તેને કહ્યું, ‘સૌમ્ય, તું પૂર્વજન્મનાં પાપકર્મને કારણે બીજાઓનાં રુધિરમાંસ ખાનાર યક્ષની જાતિમાં જન્મ્યો. હજુ પણ પાપ કરે છે. આ પાપ તને નરકમાં ધકેલશે. તું આ પાપ ત્યજી દે અને પુણ્યકર્મ કર.’ બોધિસત્ત્વ તેને સમજાવી શક્યા અને તે યક્ષની રક્ષા કરતા ત્યાં રહેવા લાગ્યા. એક દિવસે નક્ષત્ર જોયું, પિતાનું મૃત્યુ નિકટ છે એમ જાણ્યું અને યક્ષને લઈ વારાણસી પહોંચ્યા. તે રાજગાદી પર બેઠા અને ચન્દ્રકુમારને ઉપરાજા અને સૂર્યકુમારને સેનાપતિ બનાવ્યો. યક્ષને માટે એક રમણીય સ્થળે નિવાસસ્થાન ઊભું કરાવી આપ્યું, જેથી તેને ઉત્તમ માળા, ઉત્તમ પુષ્પ અને ઉત્તમ ભોજન મળતાં રહે. ધર્માનુસાર રાજ્ય કરીને તે કર્માનુસાર સ્વર્ગે ગયા.
મહાદાન
‘રે વારાણસીવાસીઓ! સુણજો, ગંધ ભંડારીનો અદ્ભુત ભોજનવૈભવ જોવાની જેની ઇચ્છા હોય તે આજે બીજા પ્રહરને અંતે તેના મહાલય આગળ આવીને ખુશીથી જુએ.’ પોતાને ગામડેથી ઇંધણનાં લાકડાં અને એવા બીજા માલનું ગાડું ભરીને મધરાતે નીકળેલા શર્વિલકને આવી પહોંચ્યાને હજી ત્રણચાર ઘડી માંડ થઈ હશે. માલ વેચવા પૂરતું એકાદબે દિવસનું જ રોકાણ હોવાથી, નકામો ખર્ચ બચાવવા તે પોતાના મિત્ર ગોવિંદને ત્યાં ઊતર્યાે હતો. તે આવ્યો ત્યારે જ કોઈ મહોત્સવ હોય તેવી રીતે શણગારાયેલી વારાણસીનગરીએ તેનું ધ્યાન ખેંચ્યું જ હતું. ત્યાં તો દાંડી પીટીને કરાતી ઉપરની ઘોષણા તેણે સાંભળી. ‘શું છે ભાઈ, વારાણસીમાં આ બધી ધમાલ?’ તેણે મિત્રને પૂછ્યું. ‘અરે, હા! આજે પૂનમ થઈ ખરું ને? ગંધ ભંડારીનો ભોજનવૈભવ તેં કદી નથી જોયો? પણ ઘણા વખતે તું આવ્યો એટલે તને ક્યાંથી ખબર હોય? એ તો અમારી વારાણસીનું એક આશ્ચર્ય છે!’ ‘શું છે, વાત તો કર.’ ‘ગંધ ભંડારીની તો આખી વાત કરવા જેવી છે. જીવતરનો આનંદ ખરેખર એ જ માણી રહ્યો છે. સાંભળ, હું માંડીને જ વાત કરું. આ ગંધ ભંડારીનો બાપ શ્રીપાલ ભંડારી હજી ગયે વરસે જ મરી ગયો. રાજ્યનો એ મુખ્ય ભંડારી હતો અને રાજકૃપા પણ એના પર સારી, શ્રીપાલનું મોત થતાં રાજાએ તેના યુવાન પુત્ર ગંધને બોલાવી આશ્વાસનનાં બે વેણ કહ્યાં ને સમ્માનપૂર્વક તેના બાપની પદવી તેને આપી. ‘વંશપરંપરાગત સ્થાનનો પોતે અધિકારી થયાથી ધન્યતા અનુભવતો ગંધ ભંડારી પોતાને આવાસે પાછો ફર્યો, ત્યારે તેના ભંડારપાલે બધા ભંડારો એક વાર જોઈ લેવાનું તેને કહ્યું, પોતે કેટલી સમૃદ્ધિનો સ્વામી છે તે ચોક્કસ જાણવાનો ગંધને માટે એ પહેલો પ્રસંગ. ભંડારપાલ તો એક પછી એક નિધિ બતાવતો ગયો — આ તમારા પિતાએ એકઠું કરેલું દ્રવ્ય; પેલો સંચય તમારા પિતામહે કરેલો; આ તરફ પડ્યા છે તે બધા નિધિ તમારા વડવાઓનું ઉપાર્જન.’ ‘ધનના ચરુઓ પર ચરુઓમાં ભરેલી અઢળક લક્ષ્મી જોઈને ગંધ તો, ભાઈ! આભો જ થઈ ગયો. આટલું બધું દ્રવ્ય! ‘મહાન પ્રયત્નો વડે મેળવેલા આ નિધિઓ છોડીછોડીને સૌ ચાલ્યા ગયા? એક જણ પણ ધનભંડાર સાથે ન લઈ ગયો!’ તેના મુખમાંથી ઉદ્ગાર નીકળી પડ્યા. એટલે તેનો ભંડારપાલ સહેજ હસીને બોલ્યો, ‘સ્વામિન્! આપ પણ કેવી વાત કરો છો? અઢાર કોટિ દ્રવ્ય હોય તોયે, દેહ છોડીને જનાર તો પોતાની સાથે માત્ર બે જ વાનાં લઈ જાય છે: પોતે કરેલાં સત્કૃત્ય અને દુષ્કૃત્ય.’ ગંધ કહે, ‘પણ તો લક્ષ્મીનો આટલો સંઘરો કરવો ને પછી બધું છોડીને ચાલ્યા જવું એનાથી મોટી મૂર્ખાઈ કઈ? મારે એવી મૂર્ખતા નથી જ કરવી.’ ‘પણ ગંધ હતો ખરેખરો રસિક. તેને થયું કે જીવનમાં અન્નથી વધીને બીજું કશું નથી. આખી લોકયાત્રા અન્નથી જ ચાલે છે. ને ભાઈ! વાત પણ ક્યાં ખોટી છે? આ તું ને હું ત્રણ સો ને સાઠેય દિવસ દોડાદોડ કરીએ છીએ તે શેને માટે? ખાવા માટે સ્તો. ‘એટલે ગંધ ભંડારીએ ભોજનને પૂરા ઠાઠમાઠથી માણવાનું નક્કી કર્યું. નિષ્ણાત કારીગરોને બોલાવી એક લાખ સુવર્ણના ખરચે તેણે પારદર્શક સ્ફ્ટિકનું અદ્ભુત સ્નાનગૃહ બંધાવ્યું. ભોજનખંડમાં એક ભપકાબંધ ઝાકળમાળ મંડપ બંધાવવા પાછળ બીજા એક લાખ નાખ્યા. વારાણસીના કુશળમાં કુશળ મણિકારો ને સુવર્ણકારોને બોલાવી એકએક લાખના ખરચે રત્નજડિત આસન, કલામય કોતરણીવાળો સુવર્ણનો ભોજનથાળ અને તેની સાથે બરોબર શોભી ઊઠે તેવો બાજઠ, એ બધું તૈયાર કરાવ્યું. વળી તેના ભોજનખંડની જે બાજુ રાજમાર્ગ પરના ચોક તરફ છે.’ તેમાં તેણે એક શિલ્પ ને સ્થાપત્યના નમૂનારૂપ ઝરૂખો મુકાવ્યો. દર પૂનમે તે આખી વારાણસીને એક લાખના ખરચે શણગારે છે; તેં હમણાં સાંભળી તેવી ઘોષણા કરાવે છે; ને એમ અપૂર્વ ઠાઠમાઠ ને ભવ્યતાથી ભોજન કરે છે. ‘તેના ભોજનમાં પીરસાતા બિરંજ તો દેવોને પણ દુર્લભ ગણાય છે. તેની સુગંધ એક વાર જેણે લીધી હોય તે જીવનભર ન ભૂલે. એ ચોખાની જાત કઈ, એને પકાવનાર સૂપકારોની કુશળતા કેટલી, તેમાં ભળતાં કેસર, કસ્તૂરી આદિ તેજાના કેટલા — એ બધાંની કલ્પના જ કરવાની. એનું એ એક જ ટંકનું ભોજન એક લાખ સુવર્ણનું અમસ્તું થતું હશે? અરે, એકએક હજાર સુવર્ણ તો એ સવાર-સાંજના નાસ્તા પાછળ વેરી નાખે છે. લક્ષ્મીને ભોગવવાની કળા તો ખરેખર ગંધને જ વરી છે.’ શર્વિલક તો મૂઢ જેવો બની આ બધું સાંભળી રહ્યો હતો. વાત પૂરી થતાં જાણે સ્વપ્નામાંથી જાગ્યો હોય તેમ તે બોલ્યો, ‘ભાઈ ગોવિંદ! આવું જોવાનું મળે એ તો જીવતરનો એક લહાવો ગણાય. હું ખરેખર આજે શુકન જોઈને નીકળ્યો હોઈશ. આપણે ક્યારે જોવા જઈશું?’ ‘બસ, હમણાં જમીને ઊપડીએ.’ તૈયાર થઈ બંને જણ ગંધ ભંડારીના મહાલય પાસે પહોંચ્યા. તમાશાપ્રેમી લોકોનાં ટોળેટોળાં મહાલય આગળ એકઠાં થયાં હતાં. કેટલાંય જણ સાથે માંચી, ખાટ કે વેત્રાસન લઈને આવ્યાં હતાં, જેથી તેના ઉપર ઊભા રહીને બધું બરાબર જોઈ શકાય. સમય થતાં ગંધ ભંડારીએ સ્ફટિકના સ્નાનગૃહમાં પ્રવેશ કર્યો. જાતજાતનાં સુગંધિત જળથી ભરેલાં સોળ જળપાત્રો ત્યાં પહેલેથી રાખવામાં આવ્યાં હતાં. સ્નાન કરી, વસ્ત્રપરિધાન સજી, ગંધ ભોજનખંડમાં આવ્યો અને વાજિંત્રોના મધુર વૃંદસંગીત તથા નર્તકોના તાલઝંકાર સાથે, તેના શિલ્પમંડિત ઝરૂખાનાં દ્વાર ખૂલ્યાં. આખી મેદની ઉત્કંઠ બની કુતૂહલથી ઊભરાતાં નયને ત્યાં મીટ માંડી રહી હતી. ઝાકઝમાળ મંડળ નીચે મણિમય આસન પર કલામય વસ્ત્રાભરણમાં સજ્જ થયેલો ગંધ ભંડારીનો સુંદર, યુવાન પુષ્ટ દેહ અનેરી છટાથી શોભતો હતો. મંદમંદ વહી આવતી સૂરલહરી ને નર્તનની ઝંકૃતિ લોકોને મંત્રમુગ્ધ કરી રહી હતી. તરત જ તેની આગળ બાજઠ મુકાયો. ઉપર સુવર્ણથાળ ગોઠવાઈ ગયો. ગણવેશમાં સજ્જ થયેલા ચપળ સેવકો ભોજનની વાનગીઓ પીરસવા લાગ્યા. જેવી કસ્તૂરીકેસરે બહેકતી બિરંજ પીરસવામાં આવી તેવો જ આસપાસનો પ્રદેશ સુવાસથી મઘમઘી ઊઠ્યો. કૈંક પ્રેક્ષકો તો આ સોડમના આસ્વાદથી જ તૃપ્તિ અનુભવી રહ્યા. ‘ધન્ય છે’ ‘ધન્ય છે’ના પ્રશંસાઉદ્ગારો પ્રેક્ષકોમાંથી આપોઆપ ઊઠવા લાગ્યા. ઊઘડી ગયેલાં મોંએ ને એકીટશે ગામડિયો શર્વિલક આ આખું દૃશ્ય નિહાળી રહ્યો હતો, પી રહ્યો હતો. આવો વૈભવ જોઈ તેની ઇન્દ્રિયો કામ કરતી જાણે કે અટકી ગઈ હતી. મીઠા ભાતનો મઘમઘાટ તેના મગજને તર કરી રહ્યો હતો. આહાહા! આવા ભોજનનો ખાનાર કેટલો ભાગ્યશાળી! આટલે દૂર જેની મીઠી મીઠી મોહક સુગંધ પહોંચે છે એ ભાતનો સ્વાદ તો કોણ જાણે કેવો અદ્ભુત હશે? એક વાર પણ આવું ખાવા મળે તો તો જીવતર સફળ થઈ જાય ને! અરે એક કોળિયો પણ ચાખવા મળે તો... તેની આખી ઉપભોગવૃત્તિ જાણે કે તેની જીભમાં આવીને વસી. તેના ચિત્તનો એકેએક તાર ગંધ ભંડારીના થાળમાં રહેલા દેવદુર્લભ ભાતને ઝંખી રહ્યો. શર્વિલકે ગોવિંદને કહ્યું, ‘ભાઈ ગોવિંદ! મને ગંધ ભંડારીના ભાણામાં રહેલી બિરંજ ચાખવાનું એવું મન થયું છે!’ ‘લ્યો! સાંભળો! તારું ખસી તો નથી ગયું ને! એવું ઘેલું મન કર્યે શું વળે? એ ભાતનો એક દાણો પણ કોઈને મળે ખરો?’ ‘પણ ભાઈ, મને એવું મન થઈ આવ્યું છે, એવું મન થઈ આવ્યું છે કે જો મને એ ચાખવા નહીં મળે તો લાગે છે કે એને માટે વલવલતાં મારો જીવ નીકળી જશે.’ ગોવિંદને લાગ્યું કે આ ગામડિયાને સાચે જ ઘેલું વળગ્યું છે. તેણે તેને ઘણું સમજાવ્યો પણ કશું વળ્યું નહીં. તેનું ઢીલું મોં અને તેનો આર્દ્ર ચહેરો જોતાં ગોવિંદને પણ થયું કે લાલસાએ એ ગમારના મનને એટલું પરાધીન બનાવી દીધું હતું કે વખત છે ને એનો જીવ પણ જાય. ટોળાની પાછલી હારમાં ઊભેલા ગોવિંદે હતું તેટલું બળ ભેગું કરી, ગંધ ભંડારીને ઉદ્દેશીને ત્રણ વાર બૂમ મારી, ‘રે સ્વામિન્! નમસ્કાર.’ ગંધ ભંડારીએ બૂમ સાંભળી. પૂછ્યું, ‘કોણ છે એ?’ ‘હું બોલાવું છું, સ્વામિન્!’ ‘શું છે તારે?’ ‘અહીં મારી સાથે મારો એક ગામડાનો મિત્ર ઊભો છે. એને આપના થાળમાં રહેલી બિરંજનો સ્વાદ લેવાની ભૂખ ઊપડી છે. કૃપા કરી તેને વધુ નહીં, માત્ર એક કોળિયો જો આપી શકો તો.’ ‘નહીં, એ નહીં બને.’ ‘લે ભાઈ શર્વિલક, સાંભળ્યું કે તેં?’ ‘હા, સાંભળ્યું. પણ થોડોક પણ ભાત ચાખવા મળશે તો જ હું જીવી શકીશ. નહીં તો મારો પ્રાણ ઊડી જશે એ વાત નક્કી.’ મિત્રનું પ્રાણસંકટ જોઈ ફરી ગોવિંદે સાદ કર્યો. ‘સ્વામિન્! આ ગામડિયો કહે છે કે તેને ભાત ચાખવા નહીં મળે તો તેનો જીવ જશે. હું તમને વિનંતી કરું છું. તમે એને બચાવો.’ ‘અરે સજ્જન! આ બિરંજના એક કોળિયાનું મૂલ્ય તો સો સુવર્ણ — અરે બસો સુવર્ણ થાય છે એનું તને ભાન છે? ને એમ જેટલા માગે તેટલા બધાને આપવા બેસું તો પછી મારે ખાવા શું રહે?’ ‘ખરું, સ્વામિન્! પણ આ તો પ્રાણ બચાવવાની વાત છે.’ ‘એ ગમે તે હોય. એમ એને કશું ન અપાય.’ પણ પાછું ગંધ ભંડારીનું મન કાંઈક પલળ્યું અને તે બોલ્યો, ‘સાંભળ! તું કહે છે તેમ જ હોય, ને આ બિરંજનો સ્વાદ લીધા વિના તેના પ્રાણ જાય એવો ભય હોય, તો એમ કર. હું એટલી સગવડ આપું. ત્રણ વરસ મારે ત્યાં એક સેવક તરીકે તે કામ કરે. હું એના કામથી સંતુષ્ટ થાઉં, તો પછી એને મારો આખો ભોજનથાળ આપું.’ આ શબ્દો સાંભળતાની સાથે જ શર્વિલકે શરતનો એક ક્ષણના પણ વિચાર વિના સ્વીકાર કર્યો. ઘરનાં માણસોને એક વાર મળી આવી તે ગંધ ભંડારીને ત્યાં સેવક તરીકે રહી ગયો.
શર્વિલક ત્યાં રહ્યો તેટલા સમયમાં તેને જે જે કામ સોંપવામાં આવ્યું તે તે તેણે કુશળતાથી પાર પાડ્યું. ઘરમાં કે જંગલમાં, દિવસે કે રાત્રે, ગમે તે કામ તેને ભાગે કરવાનું આવ્યું તે તેણે એકનિષ્ઠાથી કર્યું. રજમાત્ર દોષ નીકળે એવો પ્રસંગ કદી પણ ન આવવા દીધો. જેવો ઉત્સાહ, તેવું જ તેનું વશવર્તીપણું; જેવો ખંત, તેવી જ તેની સમજદારી. આ બનાવથી વારાણસીવાળાઓમાં શર્વિલક ‘ભાતસેવક’ નામે જાણીતો થઈ ગયો. આમ તનતોડ અંગમહેનત કરતાં ત્રણ વરસની મુદત પૂરી થઈ. ભંડારપાલે ગંધ ભંડારી પાસે આવી નિવેદન કર્યું, ‘સ્વામિન્! ભાતસેવકની સેવાની મુદત પૂરી થઈ છે. ત્રણ વરસ આવી રીતે દૃઢપણામાં વિતાવવાં એ ઘણું કઠણ કહેવાય. એને હાથે થયેલા એક પણ કામમાં કશી ખામી કાઢી શકાય તેમ નથી.’ આ સાંભળી ગંધ ભંડારી ઘણો પ્રસન્ન થયો. તેણે ભાતસેવકને સવારસાંજના નાસ્તા માટે ત્રણ હજાર સુવર્ણ આપ્યા, અને એક પોતાની પત્ની ચિંતામણિના અપવાદે, બાકીના પોતાના સર્વ કુટુંબી, આશ્રિતો ને સેવકોને આશા દીધી કે તમારે આજનો દિવસ મારા જેવી જ ભાતસેવકની સેવાશુશ્રૂષા કરવી. વળી, તે દિવસ પૂરતાં તેણે ભાતસેવકને પોતાની વૈભવશાળી વેશભૂષા અને પોતાના અંગસેવકો આદિ પણ સોંપ્યાં. વારાણસીનગરીને શણગારવામાં આવી. તે દિવસે સવારે દાંડી પીટી ઘોષણા કરવામાં આવી, ‘ભાતસેવકે ત્રણ વરસ ગંધભંડારીને ત્યાં સેવકપણું કરી તેનો ભોજનવૈભવ એક દિવસ માણવાની યોગ્યતા મેળવી છે. જે ઠાઠ ને વૈભવથી તે પોતાનું ભોજન આજે લેશે તે જોવા સૌ લોકો આવે!’ ઘોષણા સાંભળીને વારાણસીવાસીઓનાં પૂરનાં પૂર આ અભૂતપૂર્વ દૃશ્ય જોવાને ઊમટ્યાં. ખાટો, પાટો ને વેત્રાસનોની હારની હાર ખડી થઈ ગઈ. તે ઉપર ચડી ચડી લોકો ગંધ ભંડારીના ભોજન ખંડના ઝરૂખા સામે આંખો ઠેરવી રહ્યાં. સમય જતાં ભાતસેવક ગંધ ભંડારીના સ્ફટિકમય સ્નાનગૃહમાં જઈ સુવાસિત જળમાં નાહ્યો, તેનાં જ સર્વ વસ્ત્રાભરણથી અલંકૃત થયો. ભોજનખંડમાં આવી તે મહામોઘા આસન પર બેઠો. ઝરૂખાનાં દ્વાર ઊઘડ્યાં. સંગીત ગુંજી ઊઠ્યું, નૃત્યની રુમ્મકઝુમ્મક હવાને આંદોલિત કરી રહી. ભાતસેવકે પોતાની આસપાસ એક પરમ સંતોષની દૃષ્ટિ નાખી રાજવી ઠાઠ નિહાળી લીધો. વિજયભર્ગ બીજી દૃષ્ટિ વડે તેણે ગોખ બહાર પ્રશંસામુગ્ધ નયને પોતાને નીરખી રહેલા લોકસમુદાયને માપી લીધો. સેવકોએ આવીને ભોજનથાળમાં બિરંજ પીરસી તેની મોહક સંતર્પક સૌરભ ચોતરફ પ્રસરી રહી — જે સૌરભે તેને તે દિવસે, ત્રણ વરસ પહેલાંના તે દિવસે, ગાંડો કર્યો હતો. ત્રણ વરસ પણ કેવાં? કાળી, અથાક અંગમહેનતનાં, ઊંઘ હરી લે તેવી સાવધાનીનાં. એ બધાંનું ફળ આજે તેની સમક્ષ ઉપસ્થિત થયું હતું. દેવો પણ જેને ઝંખે એવી બિરંજ, તેના ભાણામાં પીરસાઈ ગઈ હતી. આખું વારાણસી તેને, તેના જેવા એક મામૂલી ગામડિયાને જોવા અત્યારે પડાપડી કરી રહ્યું હતું. કોળિયો લેતાં પહેલાં તેણે ફરી એક દૃષ્ટિ ઝરૂખાની બહાર નાખી. જનસમૂહ તરવરતા કુતૂહલથી તેની સામે જોઈ રહ્યો હતો. નાના ને મોટા, સારા ને રખડુ, લહેરી ને કામઢા, નગરવાસી ને ગામડિયા કૈંક હતાં. ને લાગણીઓનું તુમુલ અનુભવતા તેના ચિત્તમાં, એક વિચાર ચમક્યો: આ ટોળામાં એવો પણ કોઈક નહીં હોય જેને, પોતાને ત્રણ વરસ પહેલાં જેવી પ્રબળ આંધળી ઇચ્છા થઈ હતી તેવી અત્યારે થતી હોય? તેની દૃષ્ટિ જરા ઝીણવટથી ટોળામાં ફરી વળી. ટોળાની વચ્ચે તેણે પીળાં વસ્ત્રમાં સજ્જ થયેલા, ભગવાન બુદ્ધના એક ભિક્ષુને જોયો. ને નવતર અનુભવો, વિચારો ને ઊમિર્ઓથી ઝણઝણતી થયેલી તેની હૃદયતંત્રી વળી એક નવા સૂરે તરંગિત બની: આ બિરંજનું ભોજન પૂરું થયું એટલે તેના વૈભવનો પણ અંત આવવાનો — જેને માટે તેણે ત્રણત્રણ વરસ પરસેવો વહેવડાવ્યો, લોહી રેડ્યું. પછી તો તે પહેલાં હતો તેવો ને તેવો આ સૌ ટોળામાંનો એક, લોકો તેને ભૂલી પણ જશે — ‘અરે! કોઈક મૂરખ પણ ગણશે, ને આનાથી એનું માત્ર એક ટંકનું ભોજન નીકળશે. — પછી પાછું એનું એ ગદ્ધાવૈતરું તેને કપાળે ચોંટવાનું. તો શા માટે આ ભોજન પેલા પવિત્ર ભિક્ષુને ભિક્ષામાં આપી ન દેવું? બીજે અવતાર તે વધારે સુખિયો જન્મશે ને લોકોમાં પણ ડંકો વાગી જશે. તો આપી દેવું? ને એક પણ કોળિયો લીધા વિના, સૌના અચંબા વચ્ચે પીરસેલા થાળ પરથી તે ઊઠ્યો. ભોજનથાળ હાથમાં લઈ બહાર આવ્યો, ને શું બની રહ્યું છે તેની ઊંચાનીચા થતા ટોળાને કશી ગમ પડે તેટલામાં તો તેણે ટોળામાં રહેલા ભિક્ષુ પાસે જઈ, પ્રણામ કરી તેના ભિક્ષાપાત્રમાં બિરંજ ઠાલવી દીધી! અરધું અન્ન ભિક્ષાપાત્રમાં પડ્યા પછી ભિક્ષુએ પાત્ર હાથ વતી ઢાંકી દીધું. ભાતસેવક કંપતા આર્દ્ર સ્વરે બોલ્યો, ‘ભદંત! એમ તો અધૂરું દાન થયું, મારી પુણ્ય કમાવાની ભાવના પૂરી કરવા દ્યો. પોતા માટે જરા પણ રાખવાની મારી ઇચ્છા નથી.’ ને એમ એણે બધો ભાત ભિક્ષામાં દઈ દીધો! ‘ભદ્ર! તારી બધી મનોકામના પરિપૂર્ણ થાઓ!’ ભિક્ષુએ આશિષ દીધી. પ્રેક્ષકોની તાળીઓના ગડગડાટ અને ધન્યવાદની બૂમોથી આખું વાતાવરણ ભરાઈ ગયું. કાન ફાડી નાખે તેવો કોલાહલ સાંભળતાં ગંધ ભંડારીને થયું, ‘નક્કી, કાંઈક મોટી ધમાલ થઈ ગઈ. ભાતસેવક મેં આપેલા વૈભવ ને ઠાઠ ગૌરવથી ભોગવી ન શક્યો. છેવટે તો ગમાર ને! મહેનત કર્યે શ્રીમંતાઈ મળે, ગર્ભશ્રીમંતાઈનું ગૌરવ નહીં. લોકો તેની હાંસીઠઠ્ઠા ઉડાવતાં લાગે છે. તેણે તપાસ કરવા લોકો દોડાવ્યા. સેવકો તપાસ કરી જે સમાચાર લાવ્યા તે ગંધ ભંડારી સાનંદાશ્ચર્ય સાંભળી રહ્યો. ‘ધન્ય, ભાતસેવક! ધન્ય છે!’ તેના મુખમાંથી પણ ઉદ્ગાર સરી પડ્યા. ‘ત્રણત્રણ વરસની તનતોડ સેવાના અમોઘ ફળનું તેં ક્ષણમાં દાન કરી દીધું. ને આ અઢળક સમૃદ્ધિનો સ્વામી હું એક કોળિયો પણ કોઈને કદી આપી ન શક્યો!’ તેણે ભાતસેવકને બોલાવી તેને મોઢેથી બધી વાત સાંભળી. તેના પ્રત્યે તેનો ભાવ ઊભરાઈ ઊઠ્યો. ત્યાં ને ત્યાં પોતાની સંપત્તિનો અરધો ભાગ તેણે ભાતસેવકને ભેટ આપી દીધો. વારાણસીના રાજાને આ બનાવની જાણ થતાં તેણે પણ ભાતસેવકને મળવા બોલાવ્યો ને ભંડારીને પદે નીમી તેનું બહુમાન કર્યું. ત્યારથી ગંધ ભંડારી અને ભાતસેવક ભંડારી ગાઢ મિત્રો બની રહ્યા.
વૈદ્યરાજ જીવક કૌમારભૃત્ય
કિશોર જીવકને જ્યારે ખબર પડી કે તેનાં માતાપિતા કોણ હતાં તે અંગે કોઈ કશું જાણતું નથી, ને રાજકુમાર અભય તો માત્ર તેનો પાલક પિતા છે, ત્યારે તેનાં દુઃખ અને મૂંઝવણનો પાર ન રહ્યો. વાત સાચી કે લોકોની દૃષ્ટિએ પોતે મહારાજા શ્રેણિક બિંબિસારના અસામાન્ય બુદ્ધિચાતુુુર્ય માટે પંકાયેલા કુમાર અભયનો પ્રીતિપાત્ર હતો. પણ જ્યારથી જીવકે જાણ્યું કે પોતે કોઈ અધિકારથી નહીં, પણ એક આશ્રિત તરીકે અભયકુમાર સાથે રહેતો હતો, ત્યારથી તેના મનમાં સ્પષ્ટ થઈ ગયું કે પોતે અભયકુમારની પ્રીતિનું નહીં, પણ દયાનું જ પાત્ર હતો. તે સાથે તેની તીક્ષ્ણ બુદ્ધિએ તેને એ સમજ પણ આપી કે રાજકુળમાં સ્વમાન સાથે રહેવું હોય તો કોઈની માત્ર કૃપાના બળે ન રહેવાય, તે માટે માણસમાં પોતાનામાં પણ કોઈ આગવી શક્તિ, કાંઈક વિશિષ્ટ કલાકૌશલ્ય હોવું જોઈએ. જીવક કૌમારભૃત્યે એવી કોઈ વિદ્યા, કોઈક કૌશલ પ્રાપ્ત કરવાનો નિર્ણય કરી લીધો, અને અભયકુમારને જણાવ્યા વિના જ તેણે તક્ષશિલાનો માર્ગ લીધો. તક્ષશિલામાં તે વેળા એક વિશ્વવિખ્યાત આયુર્વેદાચાર્ય હતા. જીવકે તેમની પાસે જઈ વિદ્યા શીખવવા વિનંતી કરી, આચાર્યે હા કહી. અને થોડા જ સમયમાં આચાર્યને લાગ્યું કે જે ઘડીએ તેમણે જીવકને શિષ્ય લેખે સ્વીકાર્યો તે ઘડી તેમના જીવનની એક ધન્યમાં ધન્ય ઘડી બનવાને સર્જાઈ હતી. જીવકની એકાગ્રતા અને નિષ્ઠાએ, તેની ગ્રહણ, ધારણ ને નિરીક્ષણની શક્તિએ આચાર્યને ચકિત કરી દીધા. ઝીણીઝીણી વિગતો હોય કે મૂળગામી સિદ્ધાંતો હોય — બધુંય જીવકની બુદ્ધિ ને સ્મૃતિમાં અણિશુદ્ધ રૂપે સંગ્રહાયે જતું, આચાર્ય પણ આવા સુયોગ્ય શિષ્ય આગળ પોતાનાં જ્ઞાન અને અનુભવનો નિધિ ઠાલવતા ગયા. આવી રીતે વિદ્યાપ્રાપ્તિમાં સાત વરસ તો વીતી પણ ગયાં. જીવકને થયું: સાત સાત વરસથી અખંડ સાધના કરું છું. પણ વિદ્યાનો હજી ક્યાંયે અંત દેખાતો નથી. ક્યારે આચાર્ય મને નિષ્ણાત ગણીને મુક્ત કરશે? ને એક દિવસ મન દૃઢ ક્રી આચાર્યને તેણે પૂછ્યું પણ ખરું. પણ જીવકના પ્રશ્નનો ઉત્તર આપવાને બદલે આચાર્યે એક કોદાળો તેના હાથમાં આપતાં કહ્યું: ‘વત્સ, જા. એક કામ કર. આ તક્ષશિલાની આસપાસ એક યોજનમાં ઘૂમી વળ. ને એટલા વિસ્તારમાંથી જેટલી એવી વનસ્પતિ તને મળે કે જે ઔષધ તરીકે સાવ નિરુપયોગી હોય, તે બધાના નમૂના લાવીને મને આપ.’ નમસ્કાર કરીને, ને કોદાળો તથા ભાતું લઈને જીવક નીકળી પડ્યો. આચાર્યે કહેલું એટલા પ્રદેશમાં સર્વત્ર ચોક્કસાઈથી તપાસ કરી કેટલાક દિવસે ખાલી હાથે તે પાછો આવ્યો ને આચાર્યને જણાવ્યું: ‘આચાર્યદેવ, આપની આજ્ઞા પ્રમાણે હું તપાસ કરી આવ્યો. એક પણ વનસ્પતિ મેં એવી ન જોઈ, જે ઔષધ તરીકે સાવ નકામી હોય. દરેક વનસ્પતિ કોઈ નહીં ને કોઈ ઉપચારમાં તો વાપરી જ શકાય.’ પ્રસન્ન થઈ આચાર્યે કહ્યું, ‘તારું વિદ્યાગ્રહણ હવે પૂરું થયું, જીવક જા. તારી આજીવિકા માટે હવે તારે ચિંતા કરવાની નહીં રહે.’ આશીર્વાદ અને માર્ગ માટે થોડુંક ભાતું આપી આચાર્યે જીવકને વિદાય કર્યો. જીવક રાજગૃહ આવવા નીકળ્યો. સાકેત પહોંચ્યો, ત્યાં તો આચાર્યને ત્યાંથી મળેલું ભાતું ખૂટી ગયું. હવે? રાજગૃહ તો હજી દૂર હતું. વચ્ચે એક અરણ્ય આવતું હતું, ને તેમાં અન્નજળના સાંસા હતા, ઠીકઠીક પ્રમાણમાં ભાતું સાથે હોય તો જ તે ઓળંગી શકાય તેમ હતું. એટલે જીવકે સાકેતમાંથી થોડુંક પ્રાપ્ત કરવાનું નક્કી કર્યું. ધનિક વર્ગના જ્યાં આવાસ હતા તે લત્તામાં જઈને તેણે પૂછપરછ કરી કે કોઈ એવો રોગી છે, જેને સાજો કરવાના ઉપચાર કરી કરીને વૈદ્યો થાકી ગયા હોય? તેને કહેવામાં આવ્યું કે એટલામાં રહેતા એક શ્રેષ્ઠીની પત્નીને સાત વરસથી શિરોવેદના છે. કૈંક વૈદ્યોએ આવીને જાત જાતના ઉપચાર કર્યા હતા, ને અંતે બાઈને એવી ને એવી મૂકીને અને સોનૈયાની કોથળીઓ લઈલઈને તેઓ ચાલતા થયા હતા. જીવક કુમારભૃત્ય તે શ્રેષ્ઠીના આવાસે પહોંચ્યો. દ્વારપાળ સાથે અંદર કહેરાવ્યું કે એક વૈદ્ય આવ્યો છે. ગૃહિણીએ દ્વારપાળને પૂછ્યું: ‘કેવો છે વૈદ્ય, દૌવારિક?’ ‘આર્યા, આમ તો છોકરા જેવો લાગે છે.’ ‘અરે, એવો છોકરો અહીં શું કરવાનો છે? કેટલાયે મોટા ધન્વન્તરિ જેવા આવીને અહીં માથું ફોડી ગયા — ને આપણા ભંડારને ખાલી કરી ગયા, ત્યાં વળી આ છોકરો શું ઉકાળવાનો હતો? હું તો ધરાઈ ગઈ છું વૈદ્યોથી હવે. કહી દે એને કે અમારે કશું કામ નથી.’ દ્વારપાળે જઈ જીવકને સ્વામિનીના શબ્દો કહ્યા. જીવકે પાછું કહેરાવ્યું કે મને પહેલેથી કોઈ પારિશ્રમિક આપવાની જરૂર નથી. પહેલાં તમે ઉપચાર કરવા દો. સારું થાય તો યોગ્ય લાગે તે આપજો. શ્રેષ્ઠીની પત્નીને આ વાત રુચી, દ્વારપાળ જીવકને અંદર લઈ આવ્યો. જીવકે બાઈને તપાસી, રોગ પારખ્યો. કહ્યું, ‘એક ચાપા જેટલું ઘી જોઈએ.’ ઘી આપવામાં આવ્યું. જીવકે પોતાની થેલીમાંથી જોઈતાં ઓસડિયાંં કાઢી એ ઘીમાં નાખ્યાં. ઘીને પકાવ્યું. પછી બાઈને મંચક પર ચત્તી સુવાડી એ ઔષધિવાળું ઘી તેના નાકમાં નાખ્યું. ઘી નાકવાટે થઈને બાઈના મોઢામાં આવ્યું, એટલે તેણે પીકદાનીમાં તે થૂંકી દાસીને કહ્યું, ‘અરે એ, આ પીકદાનીમાંના ઘીને રૂના પૂમડામાં ચૂસી લઈ, જાળવીને રાખી મૂક.’ સાંભળીને જીવક તો ડઘાઈ જ ગયો! અરે મેં તો આટલાં મોંઘાં ઓસડિયાં આને માટે વાપર્યાં છે, ને આ બાઈ થૂંકી કાઢેલા નજીવા ઘીને પણ રાખી મૂકવા જેટલી લોભણી છે, તો મારા કામના બદલામાં મને શું ધૂળ આપશે આ? વૈદ્યનું મોઢું એકાએક પડી ગયેલું જોઈ શ્રેષ્ઠીની પત્ની સમજી ગઈ કે આના મનમાં કાંઈક ખટકી ગયું. તેણે પૂછયું, એટલે જીવકે પણ પોતાના મનની વાત કહી દીધી. હસીને તે બાઈ બોલી: ‘આચાર્ય, ગૃહિણીની કરકસરથી તું અજાણ્યો લાગે છે. આ ઘી દાસો ને કામવાળાઓને પગે ઘસવા, અથવા દીવો બાળવા કામ લાગશે, સમજ્યો? તારા વેતન બાબત ચિંતા ન કરીશ.’ જીવકે એક જ નસ્યકર્મથી બાઈનો વ્યાધિ કાઢ્યો. બદલામાં તેને તેના તરફથી ચાર હજાર સોનૈયા ને તેના પુત્ર ને પુત્રવધૂ તરફથી કેટલીક ભેટ મળી. શ્રેષ્ઠી પોતે પણ આવા અસાધ્ય રોગને મટાડ્યો તે માટે જીવક ઉપર ઘણો પ્રસન્ન થયો, ને તેને પોતા તરફથી ચાર હજાર સોનૈયા, દાસદાસી ને અશ્વયુક્ત રથ આપ્યાં. પહેલે જ પ્રયાસે આવો તડાકો પાડી જીવક ત્યાંથી નીકળ્યો ને રાજગૃહ આવી પહોંચ્યો. પહેલવહેલો અભયકુમાર પાસે જઈ, પોતે પ્રાપ્ત કરેલું તેને નિવેદિત કરીને બોલ્યો: ‘દેવ, આ મારી પહેલી કમાણી, તમે મને પાળ્યોપોષ્યો તે ઋણના યત્કીન્ચિત બદલારૂપે આ સ્વીકારો.’ અભયકુમારે જીવકને પોતે જ રાખવાનું, અને તેના અંત:પુરમાં જ આવાસ બાંધીને રહેવાનું કહ્યું, જીવકે તેનું કહેણ માન્ય રાખ્યું. એક વાર મહારાજા શ્રેણિકને ભગંદરનો વ્યાધિ થયો. તેથી તેનાં વસ્ત્ર લોહીથી ખરડાતાં, તે જોઈ કોઈક પ્રસંગે રાણીઓને તે વિશે સ્થૂળ વિનોદ કરવાનું સૂઝ્યું, એકે તો કહ્યું કે, ‘મહારાજને સમય જતાં બાળકનો પ્રસવ પણ થાય.’ એટલે મહારાજાની ચીડ ને રીસનું તો પૂછવું જ શું? તેણે અભયકુમારને વાત કરી, ને કહ્યું કે શીઘ્ર કોઈ સારો વૈદ્ય બોલાવી લાવી, મને સત્વર સાજો કર. અભયકુમારે વૈદ્ય જીવક કૌમારભૃત્ય તરુણ છતાં નિષ્ણાત હોવાની વાત કરી. શ્રેણિક તેની પાસે ચિકિત્સા કરાવવા સંમત થતાં, જીવકે નખ પર રહે એટલું જ ઔષધ વાપરી, એક જ લેપથી મહારાજાનો રોગ મટાડ્યો. મહારાજાએ પ્રસન્ન થઈ પાંચ સો અલંકૃત દાસીઓ ભેટ આપવા માંડી. પણ જીવકે તે ન લેતાં રાજવૈદ્યનું પદ માગ્યું. તે શ્રેણિકે આપ્યું ને શરત કરી કે પોતે, અંત:પુરના માણસો, બુદ્ધપ્રમુખ સંઘ — એટલાં સિવાય બીજા કોઈની ચિકિત્સા જીવકે ન કરવી.
રાજગૃહના એક કોટિપતિ શ્રેષ્ઠીને વરસોની શિરોવેદના હતી. અનેક વૈદ્યો આવી ગયા. ને તેને સાજો કર્યા વિના તેનું ધન ઓછું કરતા ગયા. કેટલાક વૈદ્ય એમ કહીને ગયા કે શ્રેષ્ઠીનો દેહ સાતમે દિવસે પડશે, તો કેટલાક વળી પાંચમે દિવસે દેહ પડવાની વાત કરી ગયા. રાજગૃહના વ્યાપારીસમાજને ચિંતા થઈ કે અરે, આ શ્રેષ્ઠી મહારાજાને તથા આપણને ઘણી રીતે ઉપકારક છે, ને વૈદ્યો તો પાંચસાત દિવસથી એ વધારે નહીં કાઢે એવું કહી ગયા છે. આપણે એ બચે તે માટે બને તેટલા ઉપાય કરવા ઘટે, તો મહારાજાને કહીને આપણે જીવક કૌમારભૃત્યને ચિકિત્સા કરવા વીનવીએ. એ પ્રમાણે ગોઠવણ થતાં, જીવકે આવીને શ્રેષ્ઠીને તપાસ્યો, અને પછી ગંભીર સ્વરે કહ્યું: ‘જો, શ્રેષ્ઠી! તને સારો કરી દઉં તો બદલામાં મને શું આપીશ?’ ‘અરે, ભદ્ર! મારી પાસે જે કાંઈ છે તે બધું — મારું સર્વસ્વ તને સોંપી દઉં, ને હું તારો દાસ બનીને રહું. આ પીડામાંથી મારો ઉદ્ધાર કર, તો જેટલું તને આપું તેટલું ઓછું ગણાય.’ ‘સારું, પણ તેમાં એક આકરી શરત છે. તારાથી તે બરાબર પાળી શકાય, તો જ ચિકિત્સા કરવાનું હું માથે લઉં, નહીં તો નહીં.’ ‘શું છે આચાર્ય તારી શરત? હું બધી શરત સ્વીકારી લઉં છું. જા, પછી શું છે?’ ‘એમ નહીં, જો સાંભળ. મારો ઉપચાર એકવીસ માસ ચાલશે, તેમાં સાત માસ તારે એક પડખાભર સૂઈ રહેવું પડશે, સાત માસ બીજા પડખાભર, ને બાકીના સાત માસ ચત્તા. આમ એકવીસ માસ કાઢવાના રહેશે. એવી રીતે એકવીસ માસ કાઢે, તો તને સાવ નીરોગી કરવો તે મારે માથે. થઈ શકશે તારાથી આ? ચોખ્ખેચોખ્ખું બોલી દે.’ ‘અરે, આચાર્ય, આ યાતનામાંથી છૂટવા આથી પણ કાંઈ આકરું હોય તો તેયે કરવા હું તૈયાર છું.’ એટલે જીવકે શ્રેષ્ઠીને એક મંચક પર સુવાડી, તેની સાથે તેને બાંધી લીધો. પછી તેણે તેની ખોપરીના ઉપરના ભાગની ચામડી ઉઘાડી કરી, ચીપિયો નાંખી અંદરથી બે જીવડાં બહાર કાઢ્યાં, ને લોકો સમક્ષ તે બતાવતાં બોલ્યો: ‘જુઓ, આ બે જીવડાં ખોપરીમાંથી નીકળ્યાં તે. આ એક નાનો, ને આ મોટો. જે વૈદ્યો સાતમે દિવસે શ્રેષ્ઠી મરી જશે એમ કહી ગયેલા, તેમણે માથામાં આ નાનો જીવડો રહેલો હોવાનું કહેલું. એ જીવડો સાત દિવસમાં શ્રેષ્ઠીનું મસ્તિષ્ક કરડી ખાત અને પરિણામે શ્રેષ્ઠીનું મૃત્યુ થાત. એ વૈદ્યોનું નિદાન એટલા પૂરતું સાચું, તેમની દૃષ્ટિ પ્રમાણમાં ઠીક પહોંચેલી કહેવાય. તે જ પ્રમાણે જેમણે પાંચમે દિવસે મૃત્યુ થવાની વાત કરેલી, તેમણે આ મોટા જીવડાને, તેની શક્તિને અનુલક્ષીને ભવિષ્ય ભાખેલું — તેમનું પણ કહેવું એક રીતે સાચું હતું ’ આમ લોકોને પોતાના જ્ઞાનથી ચકિત કરી દેતા જીવકે મસ્તકની શિરાઓને પાછી સરખી કરી, ચામડીને સીવી લઈ ઉપર લેપ લગાડયો, ને સાત માસ સુધી માત્ર જમણે પડખે સૂઈ રહેવાનું શ્રેષ્ઠીને કહ્યું. પણ હજી માત્ર સાત દિવસ થયા, ત્યાં તો શ્રેષ્ઠી થાકી ગયો, જીવકને બોલાવી કહ્યું, ‘આચાર્ય, સાત માસ તો શું હવે તો એક પણ દિવસ મારાથી આ પડખે નહીં સુવાય.’ ‘પણ તેં તો કહ્યું હતું ને કે સૂઈ શકીશ?’ જીવક જરા ઉગ્ર થઈને બોલ્યો. ‘કહ્યું તો હતું, ભદ્ર! પણ મારામાં હવે શક્તિ નથી. ભલે હું મરી જાઉં.’ ‘ઠીક, તો બીજે પડખે તો સાત માસ સૂઈ રહીશ ને?’ ‘જોઉં, ભદ્ર.’ બીજે પડખે પણ સાત દિવસ કાઢ્યા, ત્યાં શ્રેષ્ઠી ત્રાસી ગયો. છેવટે જીવકે તેને ચત્તા સૂઈ સાત માસ કાઢવાનું કહ્યું, તેમાં પણ સાત દિવસમાં તે ગળે આવી ગયો. જીવકને બોલાવ્યો એટલે તેણે આવીને કહ્યું, ‘શ્રેષ્ઠી, તારે હવે વધારે સૂવાની જરૂર પણ નથી. એકવીસ દિવસમાં જ તું સાજો થાય તેમ હતો. એકએક સ્થિતિમાં સાતસાત દિવસ જ રહેવાની જરૂર હતી. પણ મેં પહેલેથી સાત દિવસનું નામ પાડ્યું હોત, તો તું સાત શું એક દિવસ પણ ન સૂઈ શકત. એટલે જ મારે સાત માસ કહેવા પડ્યા. ઊઠ, હવે સારો થઈ ગયો છે. બોલ, શું આપે છે મને હવે?’ આનંદાશ્રુ વરસાવતો શ્રેષ્ઠી બોલ્યો: ‘મેં તને કહ્યું તેમ, મારું આ સર્વસ્વ હવેથી તારું જ છે, અને હું આજથી તારો દાસ.’ ‘તેં આપ્યું, એટલે મને પહોંચી જ ગયું, ભદ્ર,’ જીવકે કહ્યું, ‘મારે વિશેષ ન ખપે. માત્ર એક લાખ મહારાજાને આપ, અને એક લાખ મને.’ શ્રેષ્ઠીને રાજીરાજી થઈને બે લાખ ત્યાં ને ત્યાં આપી દીધા. બીજા વૈદ્યોએ હાથ ધોઈ નાખ્યા હોય તેવા રોગીઓને સાજાસારા કરી દીધાના કેટલાક અદ્ભુત બનાવોએ જીવક કૌમારભૃત્યની કીર્તિ સમગ્ર ભરતખંડમાં ફેલાવી. ને તેથી જ એક દિવસ ઉજ્જયિનીના મહારાજા ચંડપ્રદ્યોતની મગધરાજ શ્રેણિક પર વિજ્ઞપ્તિ આવી કે મારો પાંડુરોગ ભલભલા વૈદ્યોથી પણ અસાધ્ય રહ્યો છે, તો થોડોક સમય તમારા રાજવૈદ્ય જીવકને મારી ચિકિત્સા માટે મોકલો. શ્રેણિકે જીવકને ઉજ્જૈયિની મોકલી આપ્યો. તેણે આવીને પ્રદ્યોતને તપાસ્યો, એ રોગનું નિદાન કરી કહ્યું: ‘દેવ, વિશિષ્ટ ઔષધવાળા ઘીનું આપને સેવન કરાવીશ એટલે પછી ટૂંક સમયમાં જ રોગ ગયો સમજો.’ સાંભળીને પ્રદ્યોત ભડકી ઊઠ્યો. તેને જગતમાં કોઈ વસ્તુ પ્રત્યે વધુમાં વધુ જુગુપ્સા હોય તો તે એક ઘી પ્રત્યે. તે બોલી ઊઠ્યો: ‘જીવક, એક ઘી સિવાય ગમે તેવું ઔષધ તું મને આપજે, પણ ઘીનું તો મારી પાસે નામ પણ ન લઈશ. એ મારી પ્રકૃતિને અત્યંત પ્રતિકૂળ છે. એને જોતાં વેંત જ મને સૂગ ચડે છે.’ પણ જીવકે જોયું કે પ્રદ્યોતના એ રોગની ચિકિત્સામાં ઘીનો ઉપયોગ અનિવાર્ય હતો. પણ તેણે પ્રદ્યોતને ‘સમજ્યો’ એટલું જ માત્ર કહ્યું. પછી જીવકે અનેક ઘટતાં ઓસડિયાં ભેળવી ઘીને પકાવ્યું, તેનો રંગ કાષાય બનાવ્યો, સ્વાદ તૂરો કર્યો ને ગંધ પણ સાવ ફેરવી નાખી, એટલે સેવન કરતાં, પહેલાં તો ખબર જ ન પડે કે આ ઔષધમાં ઘી જેવું કશું છે. પણ આ ઘી ચંડપ્રદ્યોતને પાવું એટલે જીવસટોસટનો ખેલ. મહારાજાનું મૂળ નામ પ્રદ્યોત, પણ ઘડીઘડીમાં તપી ઊઠે તેવા ઉગ્ર સ્વભાવને કારણે જ તે ચંડપ્રદ્યોત નામે જાણીતો હતો. એટલે જેવી તેને શંકા જાય કે જીવકે તેને તેની સ્પષ્ટ આજ્ઞા વિરુદ્ધ ઔષધમાં ઘી આપ્યું છે, તે ઘડીએ જ તે જીવકને હતો ન હતો કરી નાખે. પણ કપરામાં કપરી પરિસ્થિતિમાંથી માર્ગ ન કાઢે તો તે જીવક શાનો? તેણે મનમાં યોજના ઘડી કાઢી. પ્રદ્યોતને કહ્યું: ‘દેવ, એક વિનંતી. અમે વૈદ્યો ઓસડિયાં ને મૂળિયાં લેવા જવું હોય એ બધામાં ખાસ મુહૂર્ત જોઈને જઈએ. યોગ્ય મુહૂર્ત વિના અમારું કામ અમે કદી ન કરીએ. એટલે મારે સમયે-કસમયે રાજપ્રાસાદમાં આવવા જવાનું થાય, ને તમારી વાહનશાળામાંથી કોઈ પણ વાહનની ગમે ત્યારે જરૂર પડે, તો તે અંગે મને ઘટતો પ્રબંધ કરી આપો.’ તરત જ પ્રદ્યોતે જીવકને ગમે ત્યારે ગમે તે દ્વારમાંથી રાજપ્રાસાદમાં આવવાજવા દેવાની, અને રાજકીય વાહનશાળામાંથી કોઈ પણ વાહનનો ગમે ત્યારે ઉપયોગ કરવા દેવાની સેવકો ને રક્ષકોને આજ્ઞા આપી દીધી. પછી જીવક ઔષધિથી ભરેલું ઘી લઈને પ્રદ્યોત પાસે ગયો ને બોલ્યો: ‘લ્યો, દેવ, આ ઉકાળો પી જાઓ.’ પ્રદ્યોતે ઔષધ પીધું, એટલે ત્યાંથી નીકળીને જીવક સીધો જ વાહનશાળામાં પહોંચ્યો, ને દિવસના પચાસ યોજનના વેગવાળી પ્રદ્યોતની ભદ્રવતિકા હાથણીને સજ્જ ક્રી તેના પર બેસીને રાજગૃહ તરફ ભાગી નીકળ્યો. આ તરફ ઉકાળો પીધો ને થોડુંક થયું એટલામાં તો પ્રદ્યોતને ઘણો જ ઉગ્ર વિકાર વરતાવા લાગ્યો. તરત જ તે જીવકની યુક્તિ પામી ગયો. લાલચોળ થઈને તેણે ત્રાડ નાંખી: ‘અરે, કોણ મર્યા છે અહીં? જાઓ, જલદી દોડો. પેલા વૈદડા જીવકને પકડીને અહીં લઈ આવો. દુષ્ટે મને ઘી પાઈ દીધું!’ સેવકોએ તપાસ કરી ને ધૂ્રજતાં ધૂ્રજતાં જાણ કરી કે જીવક તો ભદ્રવતિકા પર બેસીને ક્યાંક ગયો છે. કહે છે કે પ્રદ્યોત પાસે કાક નામે એક અદ્ભુત શક્તિ ધરાવતો દાસ હતો. તે દિવસના સાઠ યોજન પગે કાપી શકતો! તેને બોલાવીને પ્રદ્યોતે કહ્યું, ‘કાક, જા, મારા નામે આજ્ઞા આપી જીવક વૈદ્યને પાછો વાળ, તે રાજગૃહ તરફ ભદ્રવતિકા પર બેસીને ભાગ્યો છે. અને જો સંભાળજે બરોબર. વૈદ્યો બહુ માયાવી હોય છે. જીવક કાંઈ પણ તને આપે તો તે લેવાની ઘસીને ના પાડી દેજે, જા.’ કાક જીવકના પાછળ ઊપડ્યો કે ઊડ્યો? ને જીવક કૌશાંબી પહોંચી સવારે શિરોમણ કરતો બેઠો હતો, ત્યાં તો તેને આંબી લીધો. તેણે જીવકને પ્રદ્યોતનો સંદેશો કહ્યો. જીવક મીઠાશથી બોલ્યો: ‘જરા બેસ તો ખરો, કાક. આમ દોડ્યોદોડ્યો એકશ્વાસે આવ્યો છે, તો ઘડીક થાક ઉતાર. આ શિરામણ કરવા જ બેસી જા. એક કરતાં બે ભલાં.’ ‘ના, આર્ય. તમારો, વૈદ્યોનો જરાય વિશ્વાસ નહીં. મહારાજાએ મને ખાસ ચેતવ્યો છે.’ કાકે કહ્યું. નખ પર અમુક ઔષધની માત્રા લઈ, તે એક આંબળામાં ભરી આંબળું મોઢામાં મૂકતાં જીવક બોલ્યો, ‘અરે ભલા માણસ, તારી આંખ સામે હુંયે ખાઉં છું. પછી શેનો અવિશ્વાસ? બીજું કાંઈ નહીં તો આ એક આંબળું લે: ઘણું જ પૌષ્ટિક ને શક્તિવર્ધક છે. એક ક્ષણમાં જ તું સ્ફુતિર્ અનુભવીશ. થાક તારો ક્યાં ચાલ્યો ગયો તેની તને ખબર નહીં પડે.’ કાકને થયું કે જીવક પોતે જે વસ્તુ તેની નજર સામે જ ખાય છે, ને તેને કાંઈ થતું નથી, તો પછી પોતાને લેવામાં શું વાંધો? આવડો પંથ કાપતાં થાકે પણ તેનું અંગેઅંગ અકડાવી નાંખ્યું હતું. એટલે તેણે જીવકે આપેલું ઔષધવાળું અરધું આંબળું ખાધું, ને ઉપર પાણી પીધું. પણ થોડીક વાર માંડ થઈ હતી, ત્યાં તો કાકને મોટા પ્રમાણમાં વમન ને વિરેચન શરૂ થઈ ગયું! બિચારો કાક, ગભરાઈને તેણે પૂછ્યું, ‘અરે, જીવક તેં મને ખરો ફસાવ્યો. મને લાગે છે કે હવે હું જીવી રહ્યો.’ સહેજ હસી આશ્વાસન આપતાં જીવક બોલ્યો, ‘કાક, ગભરાઈશ નહીં, ચાર છ દિવસમાં જ તું સાજો થઈ જઈશ. શું કરું? મારી પાસે બીજો કોઈ ઉપાય ન હતો. તું જાણે છે ને પ્રદ્યોતનો સ્વભાવ? હું ઉજ્જયિની આવું તો મને તે જીવતો રહેવા દે ખરો?’ ને કાકને ભદ્રવતિકા હાથણી સોંપી, જીવક ત્યાંથી નીકળ્યો ને રાજગૃહ પહોંચી ગયો. શ્રેણિકને મળીને બનેલી વાત કરી. તેણે પણ કહ્યું, ‘જીવક, તું ઉજ્જયિની પાછો ન ગયો તે સારું કર્યું. પ્રદ્યોત તને પૂરો જ કરત.’ થોડાક દિવસોમાં પ્રદ્યોત રોગમુક્ત થઈ ગયો. ફરી તેણે જીવક પાસે એક દૂત મોકલીને કહેવરાવ્યું કે તું એક વાર આવી જા, તને કશું નહીં કરું. ઊલટું, તારી સેવા બદલ તારું સન્માન કરીશ. પણ રાજસેવક તરીકે પોતે પરાધીન છે એમ જણાવી જીવક ન ગયો. છેવટે પ્રદ્યોતે તેની સેવાની કદર કરી. તેને શિવિદેશમાંથી આવેલું એક મહામૂલ્યવાન વસ્ત્રયુગલ ભેટ તરીકે મોકલ્યું. વસ્ત્રો જોઈ જીવકને થયું કે આવા અતિમૂલ્યવાન વસ્ત્રને યોગ્ય તો બે જ વ્યક્તિ ગણાય — ભગવાન તથાગત કે મહારાજા શ્રેણિક. કોઈ એક વાર ભદંત આનંદે આવીને જીવકને જણાવ્યું કે ભગવાન બુદ્ધનું શરીર અસ્વસ્થ રહે છે, એટલે એમને રેચ લેવાની ઇચ્છા છે. જીવકે, થોડાક દિવસ ભગવાનને શરીરે તેલનો અભ્યંગ કરી પછી પોતાને કહેરાવવાની સૂચના આપી, એ પ્રમાણે કરી ફરી આવીને આનંદે જણાવ્યું, ત્યારે જીવકને થયું કે ભગવાનને રેચક ઔષધ પીવા આપવું એ અનુચિત ગણાય. એટલે તેણે ત્રણ કમળગુચ્છ ઘટતાં ઓસડિયાં નાખી તૈયાર કર્યાં, ને તેમને સાથે લઈ, ભગવાન પાસે જઈને કહ્યું: ‘ભદન્ત, આ પ્રત્યેક કમળગુચ્છ સૂંઘતાં દસ વાર વિરેચન થશે. એમ ત્રીશ રેચ લાગતાં આપનું શરીર સ્વસ્થ થઈ જશે. દોષનું બળ છે તેથી પહેલાં ઓગણત્રીસ રેચ લાગશે. પછી આપ ગરમ પાણીથી સ્નાન કરશો એટલે બાદમાં એક રેચ લાગશે. પૂરું સ્વાસ્થ્ય ન પ્રાપ્ત થાય ત્યાં સુધી આપ ભિક્ષામાં માત્ર રસ જ લેજો.’ ત્યારબાદ થોડા સમય પછી જીવક, ધાર્યા પ્રમાણે ઔષધનું પરિણામ આવ્યું છે તેની ખાતરી કરીને બુદ્ધ પાસેથી ફરતો હતો ત્યારે તેને પ્રદ્યોતે આપેલાં પેલા શિવિદેશનાં મૂલ્યવાન વસ્ત્રયુગલનું સ્મરણ થયું. એ વસ્ત્રો લઈ આવી, બુદ્ધ પાસે આવી, વંદના કરીને તે બેઠો ને બોલ્યો: ‘ભદંત, આપની પાસેથી એક વરદાન માંગું છું. ’ ‘ભદ્રે, તથાગતો વરદાન આપવાની સ્થિતિથી પર છે.’ ‘પણ ભદંત, આ તો આપને ખપે તેવી, દોષરહિત વાત છે.’ ‘બોલ, જીવક.’ ‘ભદંત, આ એક અતિશય મૂલ્યવાન શિવિદેશનું વસ્ત્રયુગલ છે. લાખોમાં એક આવું જોવા મળે છે. એ મને મહારાજા ચંડપ્રદ્યોતે મોકલેલું છે. મારી પ્રાર્થના છે કે આપ આ વસ્ત્રયુગલ સ્વીકારો. તેમ ભિક્ષુસંઘને માટે કચરામાં ફેંકી દીધેલાં ગાભાંચીથરાંમાંથી વસ્ત્ર બનાવીને પહેરવાનો નિયમ છે. તેને બદલે તેને પણ ગૃહસ્થ તરફથી અપાતું વસ્ત્ર સ્વીકારવાની અનુજ્ઞા આપો.’ ભગવાને જીવકની ભક્તિભાવે કરેલી પ્રાર્થના માન્ય રાખી તેનું વસ્ત્રયુગલ સ્વીકાર્યું ને ત્યારથી ભિક્ષુસંઘને પણ ગૃહસ્થનું વસ્ત્રદાન લેવાની છૂટ આપી. પછી તથાગતે જીવકને ધર્મદેશનાનું શ્રવણ કરાવ્યું. ભગવાન પાસેથી પાછો ફરતો જીવક, તથાગતની અને સંઘની તે દિવસે પોતે વિશિષ્ટ સેવા કરવા શક્તિમાન થયો. તે બદલ વિરલ ધન્યતા અનુભવી રહ્યો હતો.
વાનરિન્દ જાતક
પ્રાચીન કાળમાં વારાણસી નગરીમાં બ્રહ્મદત્ત રાજા થઈ ગયા. તે સમયે બોધિસત્ત્વ વાનર જાતિમાં જન્મ્યા. તે ઘોડાના વછેરા જેટલા મોટા થઈને હાથી જેવા શક્તિશાળી બન્યા અને એકલા એકલા નદી કિનારે રહેવા લાગ્યા. એ નદીની વચ્ચે એક દ્વીપ હતો, ત્યાં આંબા, ફણસ જેવાં વિવિધ ફળાઉ ઝાડ હતાં. નદીના એક કિનારેથી ઊછળીને નદીની વચ્ચે પડેલા એક પથ્થર પર કૂદકો મારતા, ત્યાંથી કૂદકો મારીને પેલા દ્વીપમાં જઈ પડતા. ત્યાં વિવિધ પ્રકારનાં ફળ ખાઈ કરીને સાંજે એ જ રીતે પાછા, પોતાના ઘરે પાછા ફરતા. બીજે દિવસે પણ એમ જ કરતા. આમ તે દિવસો વીતાવતા હતા. તે જ સમયે આ જ નદીમાં એક મગર તેની મગરી સાથે રહેતો હતો. અવારનવાર બોધિસત્ત્વને નદી પાર જતા જોઈને મગરીને તેના હૃદયનું માંસ ખાવાની પ્રબળ ઇચ્છા થઈ. તેણે મગરને કહ્યું. ‘આ વાનરેન્દ્રના હૃદયનું માંસ ખાવાની મને ઇચ્છા થઈ છે.’ મગરે તેની વાત સ્વીકારી. ‘આજે સાંજે તે દ્વીપ પરથી પાછો ફરશે ત્યારે તેને પકડીશ.’ બોધિસત્ત્વે દિવસ આખો દિવસ ફળ ખાઈને સાંજે દ્વીપમાં ઊભા ઊભા જ પથ્થર જોઈને વિચાર્યું, ‘આ શું છે? આજે પથ્થર થોડો ઊંચો દેખાય છે.’ તેમણે પહેલેથી જ પાણી અને પથ્થરનો ખ્યાલ મેળવી લીધો હતો. એટલે વિચાર્યું, ‘આજે આ પાણી નથી વધતું કે નથી ઘટતું પણ આ પથ્થર મોટો દેખાય છે. શું આજે મને પકડવા માટે મગર તો પથ્થર ઉપર નથી ને? ભલે, તેની પરીક્ષા કરીશ.’ એમ વિચારી ત્યાં ઊભા ઊભા જ પથ્થર સાથે વાતો કરી. ‘અરે પથ્થર’- કહી બૂમ મારી. પણ પથ્થર શો ઉત્તર આપે? તો પણ પેલા વાનરે પૂછ્યું, ‘અરે પથ્થર, આજે તું શું મને ઉત્તર નહીં આપે?’ મગરે વિચાર્યું, ‘બીજા દિવસોએ તો આ પથ્થર આ વાનરને જવાબ આપતો હશે, આજે હું એને જવાબ આપું.’ એમ કહીને તે બોલ્યો, ‘અરે વાનર, શું છે?’ ‘તું કોણ છે?’ ‘હું મગર છું.’ ‘અહીં શું કામ પડ્યો છે?’ ‘તારું હૃદય ખાવું છે એટલે.’ બોધિસત્ત્વે વિચાર્યું, ‘મારે માટે જવાનો બીજો કોઈ રસ્તો નથી. આજે મારે આ મગરને છેતરવો પડશે.’ તે બોલ્યો, ‘અરે મગર, હું તને મારું શરીર સોંપી દઈશ. તું મોં ખોલે છે ત્યારે આંખો બંધ થઈ જાય છે.’ મગરને એ વાતનો ખ્યાલ ન આવ્યો અને તેણે મોં ખોલ્યું. આંખો બંધ થઈ ગઈ. બોધિસત્ત્વે દ્વીપ પરથી કૂદકો માર્યો ને મગરના માથે પડ્યા, પછી ત્યાંથી વીજળીની જેમ બીજા કિનારે જઈ પહોંચ્યા. મગરે આ આશ્ચર્ય જોઈ કહ્યું, ‘અરે વાનર, આ લોકમાં જે માનવીમાં ચાર બાબત હોય તે પોતાના શત્રુને જીતી લે છે. એ ચારે તારામાં છે. જેનામાં સત્ય, ધર્મ, ધૃતિ અને ત્યાગ હોય છે તે શત્રુને જીતી લે છે.’
અલિનચિત્ત જાતક
પ્રાચીન કાળમાં વારાણસી નગરીમાં બ્રહ્મદત્ત રાજા રાજ કરતા હતા. વારાણસી પાસે જ સુથારોના એક ગામમાં પાંચસો સુથાર રહેતા હતા. તેઓ નૌકા લઈને નદીના ઉપરવાસમાં જતા હતા. ત્યાં જંગલમાં ઘર બાંધવા માટેની લાકડીઓ કાપીને એક માળનું મકાન બનાવી થાંભલાથી માંડીને બધી લાકડીઓ પર નિશાન કરીને ત્યાં મૂકતા. પછી નદીકિનારે લઈ જઈ નૌકા પર લાકડીઓ ચઢાવી દેતા, અને નગરમાં જતા. જેને જે પ્રકારની લાકડી જોઈએ તેવી બનાવી આપતા. નાણાં લઈ એમાંથી ઘરનો સામાન લઈ આવતા. તેઓ એક વખત આમ જ ગુજરાન માટે પડાવ નાંખીને લાકડીઓ કાપતા હતા ત્યારે ત્યાં પાસે જ એક હાથી હતો. તેનો પગ ખેરના લાકડાના ઢીમચા પર પડ્યો. એનાથી એનો પગ વીંધાયો અને બહુ વેદના થવા લાગી. પગ સૂજી ગયો અને તેમાંથી પરુ નીકળવા લાગ્યું. બહુ વેદના થતી હતી તે વખતે લાકડીઓ કાપવાનો અવાજ તેને સાંભળ્યો. આ સુથારો મને મદદ કરશે એમ માનીને ત્રણ પગે ચાલીને તે ત્યાં ગયો અને પાસે જ પડી રહ્યો. સુથારો તેનો સૂજેલો પગ જોઈને તેની પાસે ગયા. એમાં તેમને મોટી ફાંસ દેખાઈ. તેમણે ધારદાર કુહાડી વડે ફાંસની ચારે બાજુ ઊંડું નિશાન કરીને તેને દોરીથી બાંધી ફાંસ ખેંચી કાઢી. પછી દબાવીને બધું પરું કાઢ્યું, પગ ગરમ પાણીથી ધોયો. યોગ્ય ઔષધ કરવાથી થોડા જ સમયમાં ઘા સારો થઈ ગયો. હાથીએ સાજા થઈ ગયા પછી વિચાર્યું, ‘આ સુથારોએ મારો જીવ બચાવ્યો છે. મારે એમની થોડી સેવા કરવી જોઈએ.’ ત્યાર પછી તે સુથારોની સાથે વૃક્ષ લાવતો થયો. લાકડું વહેરવાનું થાય ત્યારે તે થડ ઊલટસુલટ કરી આપતો. કુહાડી જેવાં સાધન લાવી આપતો. સૂંઢમાં લપેટીને કાળા દોરાને વીંટી લેતો. સુથારો પણ ભોજન વેળા તેને એક એક કોળિયો આપતા અને એ રીતે પાંચસો કોળિયા થઈ જતા. તે હાથીનું એક મદનિયું હતું. તેનો રંગ બિલકુલ ધોળો હતો, તે હતો મંગલ હાથી. હાથીએ વિચાર્યું, હવે હું ઘરડો થયો છું. હવે મારે મારા આ બચ્ચાને સુથારોના કામે જોતરવું જોઈએ, અને મારે જાતે જ જવું જોઈએ. તે સુથારોને કશું કહ્યા વિના વનમાં ગયો. ત્યાંથી પોતાના બચ્ચાને લાવીને સુથારોને કહ્યું, ‘આ મારું બાળક છે. તમે મને જીવનદાન આપ્યું છે. હું એના વળતર રૂપે આ બાળક આપું છું. હવેથી તે તમારી સેવા કરશે.’ આમ કહીને પુત્રને કહ્યું, ‘પુત્ર, અહીં હું જે કામગીરી કરું છું તે હવેથી તું કરજે’ એમ કહી પુત્રની સોંપણી સુથારોને કરી તે પોતે વનમાં જતો રહ્યો. ત્યારથી હાથી શિશુ સુથારો કહે તે પ્રમાણે બધાં કામ કરવા લાગ્યો. તેઓ પણ તેને પાંચસો કોળિયા ખવડાવીને પોષતા. પોતાનું કામ પૂરું કરીને નદીમાં રમતમસ્તી કરતો. સુથારનાં બાળકો પણ તેની સૂંઢ સાથે રમત કરતા, જમીન પર બધે તેની સાથે રમતા. શ્રેષ્ઠ હાથી હોય, અશ્વ હોય કે મનુષ્ય હોય — તે કોઈ પણ પાણીમાં મળમૂત્રનું વિસર્જન કરતા નથી. આ હાથી પણ પાણીમાં મળમૂત્ર ન કરીને નદીકિનારે એ ક્રિયાઓ કરતો. એક દિવસ નદીના ઉપરવાસમાં વરસાદ પડ્યો. હાથીનો અર્ધો સુકાયેલો મળ પાણીમાં વહીને નદીના રસ્તે વારાણસી નગરમાં એક ઝાડી આગળ જઈને પડી રહ્યો. રાજાના હાથીસેવકો પાંચસો હાથી નવડાવવા માટે લઈ ગયા. શ્રેષ્ઠ હાથીના મળની ગંધ પારખીને એક પણ હાથીએ પાણીમાં ઊતરવાની હિંમત ન કરી. બધાં પૂંછડાં ઉલાળીને ભાગવા લાગ્યા. હાથીસેવકોએ મહાવતોને સમાચાર આણ્યા. તેમણે વિચાર્યું પાણીમાં કોઈ જોખમ હશે. પાણીમાં ખાંખાંખોળાં કરતા તેમને ઝાડીમાં શ્રેષ્ઠ હાથીનો મળ જોયો. એટલે તેમને કારણ સમજાઈ ગયું. તેમણે કોઈ દ્રવ્ય મંગાવીને પાણીમાં તેનું મિશ્રણ કર્યું અને હાથીઓના શરીરે લેપ કર્યો. તેમનાં શરીર સુગંધિત થઈ ગયા ત્યારે હાથી નદીમાં ઊતરીને નાહ્યા. મહાવતોએ રાજાને આ સમાચાર આપ્યા, ‘મહારાજ, આ હાથી શોધીને લાવવો જોઈએ.’ રાજાએ નૌકાઓ મોકલી, નદીમાં આગળ વધતાં વધતાં તેઓ સુથારોની વસ્તીમાં જઈ ચઢ્યા. તે હાથી નદીમાં રમત કરતો હતો. માણસોનો કોલાહલ સાંભળીને તે સુથારોની પાસે ઊભો રહી ગયો. સુથારોએ રાજાને કહ્યું, ‘અરે મહારાજ, જો લાકડાં જોઈતાં હતાં તો કહેવડાવવું હતું ને? જાતે કેમ કષ્ટ લીધું? કોઈને મોકલીને મંગાવી શકાત.’ ‘અરે, હું લાકડાં લેવા આવ્યો નથી. હું તો આ હાથી માટે આવ્યો છું.’ ‘દેવ, પકડીને લઈ જાઓ.’ પણ હાથી જવા તૈયાર ન હતો. ‘અરે, આ હાથી શું કરે છે?’ ‘સુથારોનું પોષણ થાય એ બધી કામગીરી તે કરે છે.’ રાજાએ કહ્યું, ‘ભલે.’ હાથીની સૂંઢ આગળ, પૂંછડાં આગળ, ચારે પગ આગળ એક એક લાખ કાષાર્પણ મૂક્યા. હાથી તો પણ ન ગયો. બધા સુથારોને ખેસ, તેમની સ્ત્રીઓને પહેરવાનાં વસ્ત્ર રાજાએ આપ્યાં, પોતાની સાથે રમનારાં બાળકોના ભરણપોષણનો પ્રબન્ધ કરાવી આપ્યો. પછી હાથીએ સુથારોને પોતાની પાછળ પાછળ આવવા ન દીધા અને સ્ત્રીઓ તથા બાળકોને જોતો રાજાની સાથે તે ચાલ્યો ગયો. રાજા હાથીને લઈને નગરમાં ગયો. ત્યાં નગર અને હસ્તીશાળાને સુશોભિત કર્યાં. હાથીને નગરયાત્રા કરાવીને હસ્તીશાળામાં લઈ ગયા. તેને બધી રીતે અલંકૃત કર્યો, તેનો અભિષેક કરાવ્યો અને રાજાની સવારી માટે યોગ્ય બનાવ્યો. પછી તેને પોતાનો મિત્ર બનાવીને અડધું રાજ હાથીને આપી દીધું. રાજાએ તેને પોતાનો બરોબરિયો બનાવ્યો. હાથીના આગમન પછી જાણે સમગ્ર જંબુદ્વીપનું રાજ્ય રાજાના હાથમાં આવી ગયું એમ લાગ્યું. અને આમ સમય વહેવા લાવ્યો. બોધિસત્ત્વે રાજાની પટરાણીના ઉદરમાં પ્રવેશ કર્યો. તે ગર્ભ વિકસ્યો અને તેની સાથે જ રાજાનું મૃત્યુ થયું. લોકોએ વિચાર્યું, જો હાથીને રાજાના મૃત્યુની ખબર પડશે તો હાથીનું હૃદય ફાટી જશે. એટલે રાજાના મૃત્યુની વાત હાથીને કર્યા વિના તેની સેવા કરતા રહ્યા. તે વેળા પડોશના કોશલનરેશે જાણ્યું કે વારાણસીના રાજાનું મૃત્યુ થયું છે, રાજ્ય નધણિયાતું થયું એટલે સેના લઈને વારાણસીને ઘેરો ઘાલ્યો. નગરજનોએ બધા દરવાજા બંધ કરીને કોશલરાજાને સંદેશો મોકલાવ્યો. ‘અમારા રાજાની પટરાણી ગર્ભવતી છે. અંગવિદ્યાના નિષ્ણાતોનું કહેવું છે કે આજથી બરાબર સાતમા દિવસે પુત્રજન્મ થશે. જો તે પુત્રજન્મ આપશે તો આજથી સાતમા દિવસે અમે રાજ્ય નહીં સોંપીને યુદ્ધ કરીશું. એટલા દિવસ રાહ જોજો.’ કોશલ રાજાએ તેમની વાતનો સ્વીકાર કર્યો. દેવીએ સાતમે દિવસે પુત્રને જન્મ આપ્યો. પ્રજાજનોએ કહ્યું, ‘અમારા મનની ઉદાસીનતાને દૂર કરનાર જન્મ્યો છે.’ બાળકનું નામ પાડ્યું અલીનચિત્ત. તેનો જન્મ થયો અને તે સાથે નગરજનો કોશલરાજા સાથે યુદ્ધ કરવા લાગ્યા. યુદ્ધનો કોઈ નેતા ન હોવાને કારણે મોટી સેના પણ થોડી થોડી પીછેહઠ કરવા લાગી. મંત્રીઓએ રાણીને એ સમાચાર આપીને કહ્યું, ‘દેવી, આ પ્રકારે સેના પીછેહઠ કરી રહી છે એટલે બીક લાગે છે આપણે હારી તો નહીં જઈએ ને! રાજાનો મિત્ર મંગલ હાથી રાજાના મૃત્યુની વાત જાણે છે, પુત્રજન્મની પણ તેને જાણ નથી, કોશલરાજા સાથે આપણે યુદ્ધ કરી રહ્યા છે તેની પણ જાણ નથી. અમે તેને આ બધી વાત કરી દઈએ?’ રાણીએ હા પાડી. પછી પુત્રને અલંકૃત કર્યો, સુંવાળા વસ્ત્રની ગાદી પર સૂવડાવીને મહેલની ઉત્તરે મંત્રીઓને સાથે રાખીને હસ્તિશાળામાં ગઈ. ત્યાં હાથીના પગ આગળ બોધિસત્ત્વને મૂકીને તે કહેવા લાગી, ‘સ્વામી, તમારા મિત્રનું મૃત્યુ થયું. તમારું હૃદય એ સાંભળીને ફાટી જશે એમ માનીને કશું કહ્યું ન હતું. આ તમારા મિત્રનો પુત્ર છે. કોશલરાજા નગરને ઘેરો ઘાલીને તમારા પુત્ર સામે લડી રહ્યો છે. સેના પીછેહઠ કરી રહી છે. હવે તમે કાં તો આ પુત્રને મારી નાંખો કાં તો રાજ્ય જીતીને આ પુત્રને આપો.’ તે સમયે હાથીએ બોધિસત્ત્વને સૂંઢ વડે ઊંચકીને માથા પર મૂક્યો. તે રડ્યો. પછી બોધિસત્ત્વને ઉતારી દેવીના હાથમાં સોંપ્યો અને કોશલરાજાને પકડવા હસ્તિશાળામાંથી બહાર નીકળ્યો. મંત્રીઓ પણ કવચ ઉતારી, સજીધજીને દરવાજા ઉઘાડી હાથીની પાછળ પાછળ ચાલી નીકળ્યા. નગરમાંથી નીકળીને હાથીએ ક્રોધે ભરાઈને ગર્જના કરી. લોકોને બીવડાવીને ભગાડી દીધા. સેનાની દીવાલ તોડી કોશલ રાજાના કેશ પકડીને બોધિસત્ત્વના પગમાં ફંગોળ્યો. તે મારવા ગયો પણ તેને અટકાવ્યો. ‘હવે સાવધાન રહે. આ કુમાર બાળક છે એવું ન માનીશ.’ આમ કહીને તેને ઉત્સાહિત કર્યો. તે દિવસથી સમગ્ર જંબુદ્વીપનું રાજ બોધિસત્ત્વના હાથમાં આવી ગયું. એકે શત્રુએ વિરોધ ન કર્યો. સાત વર્ષની વયે બોધિસત્ત્વનો અભિષેક થયો. તે અલીનચિત્ત રાજાના નામે ઓળખાઈને મૃત્યુ પછી સ્વર્ગે સિધાવ્યો.
અસદિસ જાતક
પ્રાચીન કાળમાં વારાણસી નગરીમાં રાજા બ્રહ્મદત્ત થઈ ગયા. તેમની રાણીના પેટે બોધિસત્ત્વે જન્મ લીધો. સારી રીતે જન્મેલા તે પુત્રનું નામ નામકરણના દિવસે રાખ્યું અસદિસ કુમાર. જે સમયે તે દોડતો થયો, ઠેકડા ભરતો થયો તે સમયે એક બીજા પુણ્યશાળીએ દેવીના ઘેરે જન્મ લીધો. સારી રીતે જન્મેલા તે કુમારનું નામ રાખ્યું બ્રહ્મદત્ત. એ બંનેમાં જ્યારે કુમાર બોધિસત્ત્વ સોળ વરસના થયા ત્યારે તક્ષશિલાના પ્રસિદ્ધ આચાર્ય પાસેથી ત્રણ વેદ અને અઢાર વિદ્યા ગ્રહણ કરી. અસામાન્ય તીરંદાજી શીખીને તેઓ વારાણસી પાછા ફર્યા, પછી રાજાનું મૃત્યુ થયું. મરતી વખતે તેમણે કહ્યું, ‘અસદિસકુમારને રાજા બનાવજો અને બ્રહ્મદત્તકુમારને ઉપરાજા.’ આમ કહીને તે મૃત્યુ પામ્યા. તેમના મૃત્યુ પછી બોધિસત્ત્વનો રાજ્યાભિષેક કરવાની તૈયારી થઈ, પણ તેમણે રાજ્યનો અસ્વીકાર કર્યો, ‘મારે રાજ્ય નથી જોઈતું.’ બ્રહ્મદત્તનો રાજ્યાભિષેક થયો. બોધિસત્ત્વે કહ્યું, ‘મારે આ નથી જોઈતું. મારે કોઈ ચીજની ઇચ્છા નથી.’ નાના ભાઈના રાજ્યકાળમાં બોધિસત્ત્વ સાધારણ ઢંગથી જ રહેવા લાગ્યા. નોકરચાકરોએ રાજાને કૂથલી કરી. ‘બોધિસત્ત્વને તો રાજા થવું છે.’ રાજાનું મન બોધિસત્ત્વ વિરુદ્ધ થઈ ગયું. રાજાએ સેવકો પર વિશ્વાસ મૂક્યો અને તેના મનમાં શંકા-કુશંકા ઘેરી વળી. બોધિસત્ત્વના કોઈ હિતેચ્છુએ તેમને સાવધાન કર્યા. ભાઈ પર ક્રોધે ભરાઈને બોધિસત્ત્વ કોઈ બીજા રાજ્યમાં ચાલ્યા ગયા. ત્યાં રાજદ્વારે જઈને કહેવડાવ્યું કે કોઈ ધનુર્ધારી આવ્યો છે. રાજાએ પૂછ્યું, કેટલો પગાર લેશો? બોધિસત્ત્વે કહ્યું, વર્ષે એક લાખ. રાજાએ હા પાડી. તે પાસે આવ્યા એટલે રાજાએ પૂછ્યું. ‘તું ધનુર્ધારી છે?’ ‘હા, મહારાજ.’ ‘એમ? તો મારી સેવા કર.’ ત્યારથી તે રાજાની સેવામાં જોડાયો. તેમને જે પગાર મળતો હતો તે જૂના ધનુર્ધારીઓને ખૂંચ્યો, ‘આને વધુ પગાર મળે છે.’ એક દિવસ રાજા ઉદ્યાનમાં ગયા. ત્યાં મંગલ શિલા શય્યા પાસે કનાત બંધાવી આંબા નીચે બેઠા. ઉપર દૃષ્ટિ કરી તો એક કેરી જોઈ. આ કેરી ઝાડ પર ચઢીને લઈ શકાશે નહીં. એટલે તેણે ધનુર્ધારીઓને બોલાવીને પૂછ્યું, ‘શું આ કેરી તીર ચલાવીને પાડી શકાય.’ ‘મહારાજ, આ અમારે માટે અઘરું કામ નથી. પરંતુ મહારાજ, અમારી કુશળતા તો તમે ઘણી વાર જોઈ છે. જે નવો ધનુર્ધારી આવ્યો છે, તેને અમારા કરતાંય વેતન વધારે મળે છે. એની પાસે કેરી પડાવો.’ રાજાએ બોધિસત્ત્વને બોલાવીને પૂછ્યું, ‘ભાઈ, તું આ કેરી પાડી શકે?’ ‘હા, મહારાજ. થોડી જગ્યા મળે તો પાડી શકું.’ ‘કેટલી જગા જોઈએ?’ ‘જ્યાં તમારી શય્યા છે ત્યાં.’ રાજાએ શય્યા હટાવીને જગા કરી આપી. બોધિસત્ત્વ હાથમાં ધનુષ રાખતા ન હતા. તે વસ્ત્રોની નીચે સંતાડીને રાખતા હતા. એટલે કહ્યું, ‘કનાત જોઈશે.’ રાજાએ ભલે કહીને કનાત મંગાવીને બંધાવી આપી. બોધિસત્ત્વ કનાતની અંદર જતા રહ્યા. ત્યાં જઈને પહેરેલું શ્વેત વસ્ત્ર ઉતારી લાલ કપડું પહેર્યું, કાછડો વાળ્યો, થેલીમાંથી તલવાર કાઢી ડાબે પડખે બાંધી. સોનેરી ખેસ કમરે વીંટાળી, ઘેટાના શિંગડામાંથી બહાર કાઢી તે જ તીરને આજુબાજુ ઘુમાવી કનાતના બે ટુકડા કરી જાણે ધરતી ચીરીને નાગ બહાર આવ્યો હોય એમ નીકળ્યા. પછી બોધિસત્ત્વે તીર ચલાવવાની જગ્યાએ પહોંચીને રાજાને કહ્યું. ‘મહારાજ, આ કેરીને ઉપર જનારા તીરથી વીંધનારા તો બહુ જોયા છે પણ નીચે જનારા તીરથી વીંધનારા જોયા નથી.’ ‘તો નીચે જનારા તીરથી જ વીંધી બતાવ.’ ‘મહારાજ, આ તીર દૂર દૂર જશે. ચાતુર્મહારાજિક ભવન સુધી જઈને નીચે આવશે. એ નીચે આવે ત્યાં સુધી તમારે રાહ જોવી પડશે.’ રાજાએ ‘સારું’ કહીને તેની વાત માની લીધી. બોધિસત્ત્વે ફરી કહ્યું, ‘મહારાજ, આ તીર ઉપર જતી વખતે કેરીની દાંડીને વચ્ચેથી છેદી નાંખશે અને નીચે ઊતરીને કેશાગ્રભાગ આમતેમ ન થાય અને નિશ્ચિત જગાએ વીંધી કેરી લઈને નીચે ઊતરશે. મહારાજ, જુઓ ત્યારે.’ પછી બોધિસત્ત્વે તાકીને તીર માર્યું, તે કેરીની દાંડીને વચ્ચેથી છેદીને ઉપર ગયું. બોધિસત્ત્વે માની લીધું કે હવે આ તીર ચાતુર્મહારાજિક ભવન સુધી પહોંચી ગયું હશે. પછી પહેલા તીરથી પણ વધારે ઝડપથી બીજું તીર માર્યું. તે તીર પહેલા છોડેલા તીરની પાંખમાં લાગ્યું અને એને પાછું વાળીને પોતે તાવતિંસ ભવને પહોંચી ગયું. ત્યાં દેવતાઓએ હાથ વડે ઝાલી લીધું. જે તીર પાછું આવી રહ્યું હતું તે હવાને વીંધતી વખતે વીજગર્જના જેવો અવાજ કરતું હતું. લોકોએ પૂછ્યું, ‘આ શાનો અવાજ છે?’ બોધિસત્ત્વે કહ્યું, ‘આ તીરના પાછા ફરવાનો અવાજ છે.’ લોકોને બીક લાગી કે રખેને કે એ તીર અમારામાંથી કોઈના માથા પર ન પડે. બોધિસત્ત્વે તેમને આશ્વાસન આપ્યું, ‘તીરને હું જમીન પર પડવા નહીં દઉં.’ નીચે આવી રહેલા તીરે વાળ જેટલુંય આમ તેમ થયા વિના નિશ્ચિત સ્થાને પહોંચીને કેરી તોડી. બોધિસત્ત્વે તીર અને કેરી જમીન પર પડવા ન દીધાં. આકાશમાં જ અધ્ધર અટકાવી એક હાથમાં તીર અને બીજા હાથમાં કેરી પકડી લીધાં. લોકો અચરજ પામી ગયા. આવું તો અમે ક્યારેય જોયું નથી. એમ કહી બધા બોધિસત્ત્વની વાહવાહ કરવા લાગ્યા, તાળીઓ પાડી, હર્ષનાદ કર્યો. હજારો વસ્ત્રોને ઉછાળવા લાગ્યા. સંતુષ્ટચિત્ત રાજ્યપરિષદે બોધિસત્ત્વને એક કરોડ જેટલું ધન આપ્યું. રાજાએ પણ ધનવર્ષા કરી, તેની ખૂબ જ પ્રશંસા કરી. આમ બોધિસત્ત્વ ત્યાં રહ્યા એટલે સાત રાજાઓને જાણ થઈ કે હવે અસદિસકુમાર વારાણસીમાં નથી. એટલે તેમણે વારાણસીને ઘેરો ઘાલ્યો અને કહેવડાવ્યું, ‘કાં તો રાજ્ય સોંપી દો, કાં તો યુદ્ધ કરો.’ રાજાને મૃત્યુ નજીક લાગ્યું, પૂછ્યું, ‘અત્યારે મારો ભાઈ ક્યાં છે?’ ‘એક સામન્ત રાજાને ત્યાં છે.’ તેણે દૂત મોકલ્યા, ‘જો ભાઈ નહીં આવે તો મારું મરણ નક્કી છે. એટલે તમે મારા વતી તેમના ચરણોમાં પ્રણામ કરજો, તેમની ક્ષમા માગીને અહીં તેમને લઈ આવો.’ તેમણે જઈને બોધિસત્ત્વને બધી વાત કહી. બોધિસત્ત્વે ત્યાંના રાજાની સંમતિ લઈને વારાણસી પહોંચી ભાઈને આશ્વાસન આપ્યું. પછી એક તીર પર લખ્યું: હું અસદિશકુમાર આવી ગયો છું. બીજા તીર પર લખ્યું: બધાને મોતને ઘાટ ઉતારીશ. જેમને જીવ વહાલો હોય તે ભાગી જાય.’ એ તીર અગાસી પર ચઢીને ફંગોળ્યું, જ્યાં સાતેય રાજાઓ ભોજન કરી રહ્યા હતા ત્યાં જઈને બરાબર સોનાની થાળીમાં જઈને એ પડ્યું. તે વાંચીને મૃત્યુમાંથી બચવા તે બધા નાસી ગયા. આમ બોધિસત્ત્વે નાનકડો મચ્છર જેટલું લોહી પીએ તેટલું પણ લોહી રેડ્યા વિના સાતેય રાજાને નસાડી મૂક્યા. પછી તે નાના ભાઈને મળ્યા. વિલાસી જીવન ત્યજીને ઋષિઓ પાસેથી પ્રવજ્યા લીધી. આયુષ્યના અંતે તેઓ બ્રહ્મલોકમાં ગયા.
ગુત્તિલ જાતક
પ્રાચીન કાળમાં વારાણસી નગરીમાં બ્રહ્મદત્ત રાજા થઈ ગયા. તે સમયે બોધિસત્ત્વ ગંધર્વકુટુંબમાં જન્મ્યા. તેમનું નામ પડ્યું ગુત્તિલકુમાર. તેઓ મોટા થયા પછી ગંધર્વકળા(ગાયનવાદનકળા)માં એવા નિપુણ થયા કે સમગ્ર જંબુદ્વીપમાં ગુત્તિલ બધા જ સંગીતકારોથી ચઢિયાતા સાબિત થયા. તે પોતાની સ્ત્રીને સાચવવાને બદલે પોતાના આંધળા માતાપિતાનું ધ્યાન રાખતા હતા.
તે સમયે વારાણસીના વણિકજનો વ્યાપાર કરવા ઉજ્જૈન ગયા. ત્યાં તે વેળા ઉત્સવ યોજાયો. પછી તેઓ પૈસા ઉઘરાવી ફૂલમાળા, લેપન, ખાદ્યસામગ્રી લઈને એક સ્થળે ભેગા થયા. પછી કોઈને નાણાં આપીને ગાંધર્વને, બોલાવવા તૈયાર થયા. તે સમયે ઉજ્જૈનમાં મૂસિલ નામનો શ્રેષ્ઠ ગંધર્વ હતો. તેમણે તેને આમંત્ર્યો.
મૂસિલ વીણાવાદક હતો. તેણે વીણાનો તાર મેળવીને વાદન શરૂ કર્યું. ગુત્તિલ ગંધર્વથી ટેવાયેલા તે વણિકજનોને મુસિલનું વાદન ચટાઈના ખરબચડા સ્પર્શ જેવું લાગ્યું. કોઈ કશું ન બોલ્યું. પોતાનો રાજીપો પ્રગટ ન કર્યો. મુસિલે તેમના મોં પર આનંદની રેખા ન જોઈ એટલે વિચાર્યું, હું બહુ ઊંચા સૂરે વગાડું છું. તેણે મધ્યમ સૂરમાં વાદન કરવા માંડ્યું. તો પણ તેમના શ્રોતાઓ પર કશી અસર ન પડી. તેણે વિચાર્યું, લાગે છે કે આ લોકો કશું જાણતા નથી. એટલે તે પોતે સાવ અજ્ઞાની બનીને વીણાના તાર ઢીલા કરીને તેણે વાદન કર્યું. તો પણ તેઓ કશું ન બોલ્યા.
મૂસિલે કહ્યું, ‘અરે સાર્થવાહો, શું તમને મારું વીણાવાદન ન ગમ્યું?’
‘અરે તમે વીણા વગાડતા હતા? અમને તો એમ લાગ્યું કે તમે વીણાને મેળવી રહ્યા છો?’
‘શું તમે મારાથી ચઢિયાતા વીણાવાદકને જાણો છો? કે પછી તમારા અજ્ઞાનને કારણે પ્રસન્ન થયા ન હતા?’
‘વારાણસીમાં જેમણે ગુત્તિલગંધર્વનું વીણાવાદન સાંભળ્યું હોય તેમને તો તમારું વીણાવાદન સ્ત્રીઓ બાળકોને રીઝવતી હોય તેવું લાગે.’
‘એમ, તો તમે જે મારી પાછળ પૈસા વાપર્યા છે તે પાછા લઈ લો. મારે નથી જોઈતા. પણ હા, તમે જ્યારે વારાણસી જાઓ ત્યારે મને સાથે લઈ જજો.’
તેમણે હા પાડી, જતી વખતે તેઓ તેને સાથે લઈ ગયા. ‘આ રહ્યું ગુત્તિલનું ઘર.’ એમ ઘર દેખાડી તેઓ પોતપોતાને ઘેર ગયા.
મૂસિલે બોધિસત્ત્વના ઘરમાં દાખલ થઈ ત્યાં ભીંતે ટીંગાડેલી બોધિસત્ત્વની ખૂબ જ સરસ વીણા ઉતારી વગાડવા માંડી. બોધિસત્ત્વના માતાપિતા આંધળા હતા એટલે મૂસિલ તેમની નજરે ન પડ્યો. તેમને લાગ્યું કે વીણા પર ઉંદરો ફરી રહ્યા છે. એટલે તેઓ બોલી પડ્યા, ‘અરે અરે આ ઉંદરો વીણા ખાઈ રહ્યા છે.’
તે વેળા મૂસિલે વીણા યથાસ્થાને મૂકી ગુત્તિલના માતાપિતાને પ્રણામ કર્યા. તેમણે પૂછ્યું, ‘ક્યાંથી આવ્યા છો?’
‘ઉજ્જૈનથી આચાર્ય પાસે વીણાવાદન શીખવા આવ્યો છું.’
‘ભલે.’
‘આચાર્ય ક્યાં છે?’
‘તે બહાર ગયો છે. આવી જશે.’
એટલે મૂસિલ ત્યાં રાહ જોતો બેઠો. બોધિસત્ત્વ આવ્યા, તેમણે ખબરઅંતર પૂછ્યા, એટલે પછી મૂસિલે પોતાના આવવાનું કારણ કહ્યું. બોધિસત્ત્વ અંગવિદ્યાના નિષ્ણાત હતા. આ સજ્જન નથી એવું તેમને લાગ્યું. એટલે આચાર્યે તેને ના પાડી. ‘ભાઈ, આ વિદ્યા તારા માટે નથી.’
મૂસિલે બોધિસત્ત્વના માતાપિતાના ચરણ પકડ્યા. પોતાની સેવાથી તેમને રીઝવીને કહ્યું, ‘મારે સંગીત શીખવું છે.’ બોધિસત્ત્વના માતાપિતાએ વારંવાર ભલામણ કરી એટલે તેઓ માબાપને ના પાડી શક્યા નહીં, અને મૂસિલને સંગીતવિદ્યા શીખવાડી.
તે બોધિસત્ત્વની સાથે દરરોજ રાજદરબાર જતો હતો. રાજાએ તેને જોઈને પૂછ્યું, ‘આચાર્ય, આ કોણ છે?’
‘મહારાજ, આ મારો શિષ્ય છે.’
મૂસિલ ધીમે ધીમે રાજાનો વિશ્વાસપાત્ર બની ગયો. બોધિસત્ત્વે કશું પણ છુપાવ્યા વિના પોતાની બધી વિદ્યા તેને શીખવાડી, પછી કહ્યું, ‘ભાઈ, બધું જ શીખવાડ્યું.’ મૂસિલે વિચાર્યું મેં સંગીત શીખી લીધું. વારાણસી નગરી તો આખા જંબુદ્વીપમાં શ્રેષ્ઠ છે. આચાર્ય પણ હવે વૃદ્ધ થઈ ગયા છે. મારે અહીં જ રહેવું જોઈએ. તેણે આચાર્યને કહ્યું, ‘આચાર્ય, હું પણ રાજસેવા કરીશ.’ આચાર્યે કહ્યું, ‘ભલે ભાઈ, હું રાજાને કહીશ.’
તેમણે રાજાને જઈને કહ્યું, ‘મહારાજ, મારો શિષ્ય પણ તમારી સેવા કરવા માંગે છે. તેને જે આપવું હોય તે આપજો.’
રાજાએ કહ્યું, ‘તમને જેટલા મળે છે તેનાથી અડધા તેને આપીશું.’ તેમણે મૂસિલને વાત કરી. મૂસિલે કહ્યું, ‘મને તમારા જેટલું જ વેતન મળશે તો જ હું સેવા કરીશ, નહીં મળે તો સેવા નહીં કરું.’
‘કેમ?’
‘શું તમે જેટલું જાણો છો તે બધું હું નથી જાણતો?’
‘હા, જાણે છે.’
‘તો પછી મને અડધું વેતન શા માટે?’
બોધિસત્ત્વે રાજાને કહ્યું, રાજાએ ઉત્તર આપ્યો, ‘જો તે તમારા જેટલી વિદ્યાનું પ્રમાણ આપે તો તેને એટલું વેતન આપીશું.’ બોધિસત્ત્વે રાજાની વાત તેને કરી. તે બોલ્યો, ‘ભલે પ્રમાણ આપીશ.’
રાજાને વાત પહોંચાડી. રાજાએ કહ્યું, ‘પ્રમાણ આપો ત્યારે.’
તેને પૂછ્યું, ‘ક્યારે સ્પર્ધા થશે?’
મૂસિલે કહ્યું, ‘મહારાજ, આજથી સાતમા દિવસે.’
રાજાએ મૂસિલને બોલાવીને પૂછ્યું, ‘શું તું ખરેખર આચાર્ય સાથે સ્પર્ધા કરવા માંગે છે?’
‘હા, મહારાજ. સાચેસાચ.’
‘આચાર્ય સાથે સ્પર્ધા યોગ્ય નથી. આમ ન કર.’
‘મહારાજ, આજથી સાતમા દિવસે મારી અને આચાર્યની સ્પર્ધા થશે. એકબીજાની આવડત બધા જાણશે.’
રાજાએ તેની વાત માની લીધી અને જાહેર કર્યું , ‘આજથી સાતમા દિવસે આચાર્ય ગુત્તિલ અને તેમના શિષ્ય મૂસિલ રાજદરબારમાં એકબીજાની સાથે સ્પર્ધા કરીને પોતાની આવડત પ્રદર્શિત કરશે. નગરજનોને આ સ્પર્ધા જોવા આમંત્રણ.’
બોધિસત્ત્વ વિચારવા લાગ્યા, ‘આ મૂસિલ હજુ તો યુવાન છે, ઉંમર નાની છે. હું ઘરડો થઈ ગયો છું. શક્તિ ઓછી થઈ ગઈ છે. શિષ્ય હારી જશે તો એમાં મારી કશી વિશેષતા નહીં ગણાય. પરંતુ જો શિષ્ય જીતી ગયો તો લાજી મરીશ, એના કરતાં તો વનમાં જઈને મૃત્યુ પામવું સારું. તેઓ વનમાં જતા પણ મૃત્યુના ભયથી પાછા આવતા રહેતા. આમ ને આમ છ દિવસ વીતી ગયા. ઘાસના તણખલા દબાઈ ગયા અને ત્યાં પગદંડી બની ગઈ. તે વેળા ઇન્દ્રનું આસન ડોલવા લાગ્યું. ઇન્દ્રે ધ્યાન ધરીને જોયું તો જણાયું કે ગુત્તિલ ગંધર્વ શિષ્યના ભયથી વનમાં ભારે દુઃખ ભોગવી રહ્યા છે. ‘મારે એમની મદદ કરવી જોઈએ.’ એમ વિચારી તરત જ બોધિસત્ત્વ આગળ આવીને ઊભા રહ્યા.
‘આચાર્ય, વનમાં કેમ આવ્યા?’
‘તમે કોણ?’
‘હું ઇન્દ્ર.’
બોધિસત્ત્વે કહ્યું, ‘ઇન્દ્રદેવ, હું શિષ્યના ભયથી વનમાં દાખલ થયો છું. મેં મૂસિલ નામના શિષ્યને સાત તારવાળી સુમધુર રમણીક વીણા હું જેટલી જાણતો હતો તે બધી શીખવાડી. હવે તે મને મંચ ઉપર પડકારી રહ્યો છું. હે ઇન્દ્ર, મને શરણમાં લો.’
આચાર્યની વાત સાંભળીને ઇન્દ્રે કહ્યું, ‘ગભરાઓ નહીં. હું તમને ઉગારીશ. હું તમને શરણ આપીશ. હે મિત્ર, હું શરણદાતા છું. આચાર્યની પૂજા કરવાને પાત્ર છું. શિષ્ય સ્પર્ધામાં નહીં જીતે. આચાર્ય જ શિષ્યને પરાજિત કરશે.’
વળી ઇન્દ્રે કહ્યું, ‘તમે એક તાર તોડી નાંખી છ તારે વીણા વગાડજો. વીણામાંથી સહજ સૂર જ નીકળશે. મૂસિલ પણ તાર તોડી નાંખશે. તેની વીણામાંથી સ્વર નહીં નીકળે. તે જ ક્ષણે મૂસિલ હારી જશે. તેને પરાજિત થતો જાણી તમે બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો તાર પણ તોડી નાંખજો અને વીણા વગાડ્યે રાખજો. તાર વિના ખુંટામાંથી સ્વર નીકળશે. અને બાર યોજનવાળી વારાણસી નગરીમાં છવાઈ જશે.’ એટલું કહીને ઇન્દ્રે ગુત્તિલને ત્રણ ગુટિકા આપીને કહ્યું, ‘આખા નગરમાં જ્યારે વીણાનો રણકાર છવાઈ જાય ત્યારે આમાંથી એક ગુટિકા આકાશમાં ફંગોળજો. તમારી સામે ત્રણસો અપ્સરાઓ આકાશમાંથી ઊતરીને નૃત્ય કરવા માંડશે. તેમની સામે બીજી ગુટિકા ફેંકજો. બીજી ત્રણસો નીચે ઊતરીને વીણા આગળ નૃત્ય કરશે. પછી ત્રીજી ગુટિકા ફેંકજો. ફરી બીજી ત્રણસો ઊતરીને રંગમંડપમાં નૃત્ય કરશે. હું પણ તમારી પાસે આવીશ. જાઓ ગભરાઓ નહીં.’
બોધિસત્ત્વ નિયત સમયે પહોંચ્યા. રાજદરબારમાં મંડપ બનાવીને રાજસિંહાસન તૈયાર કર્યું. રાજા મહેલમાંથી ઊતરીને સુશોભિત મંડપમાં આસન પર બેઠા. દસ હજાર અલંકૃત સ્ત્રીઓ તથા મંત્રીઓ, બ્રાહ્મણો રાજાની ચોતરફ બેઠા. બધા નગરજનો એકઠા થયા. આંગણામાં ચક્રો, મંચ તૈયાર થઈ ગયા. બોધિસત્ત્વ સ્નાનશુદ્ધ થઈને, અંગે સુગંધિત દ્રવ્યનો લેપ કરીને, વિવિધ શ્રેષ્ઠ ભોજન આરોગીને હાથમાં વીણા લઈ તેમના માટે તૈયાર કરેલા આસન પર બેઠા. ઇન્દ્ર અદૃશ્યરૂપે ત્યાં આવીને ઊભા. માત્ર બોધિસત્ત્વ જ તેમને જોઈ શકતા હતા. મૂસિલ પણ પોતાના આસને બેઠો. પ્રજાજનો ચોતરફ ઊભા હતા. શરૂઆતમાં બંનેનું વીણાવાદન સરખેસરખું ઊતર્યું. પ્રજાએ બંનેના વાદન પર સંતોષ વ્યક્ત કર્યો અને હર્ષનાદ કર્યો.
ઇન્દ્રે આકાશમાં ઊભા રહીને બોધિસત્ત્વ જ સાંભળે એ રીતે કહ્યું, ‘એક તાર તોડી નાંખ.’ બોધિસત્ત્વે ભ્રમરતાર તોડી નાંખ્યો. તે તૂટ્યો છતાં તૂટવાની જગાએથી સૂર રેલાતો હતો. દેવગંધર્વ જેવો સ્વર નીકળતો હતો. મૂસિલે પણ તાર તોડી નાંખ્યો. એમાંથી સૂર ન નીકળ્યો. આચાર્યે બીજો, ત્રીજો અને એમ કરીને સાતે તાર તોડી નાંખ્યા. માત્ર દંડ વાદનથી નીકળેલો સૂર આખા નગરમાં છવાઈ ગયો. હજારો વસ્ત્રો ફેંકાયાં, ચારે બાજુ હર્ષનાદ થયો. બોધિસત્ત્વે એક ગુટિકા આકાશમાં ફંગોળી, ત્રણસો અપ્સરાઓ ઊતરીને નૃત્ય કરવા લાગી. અને એમ બીજી-ત્રીજી ગુટિકા ફેંકવાથી આગળ ઇન્દ્રે કહ્યું તેમ બધી અપ્સરાઓ નૃત્ય કરવા લાગી.
તે વખતે રાજાએ પ્રજાને ઇશારો કર્યો. પ્રજાજનો વિફર્યા, ‘તું આચાર્યની સામે પડીને એમની બરોબરીનો થવા માગે છે? તારી આવડત પણ નથી જોતો?’ એમ કહી મૂસિલને બીવડાવ્યો, હાથમાં પથરા, દંડા લઈને એને માર્યો અને એના પગ પકડીને ઉકરડે ફંગોળ્યો. રાજાએ આનંદિત થઈને બોધિસત્ત્વને ખૂબ જ ધન આપ્યું, નગરજનોએ પણ ધન આપ્યું.
ઇન્દ્રે તેની વિદાય લેતાં કહ્યું, ‘પંડિત, હજાર અશ્વોવાળો રથ લઈને માતલિ આવશે. તું સહ અશ્વોવાળા શ્રેષ્ઠ વૈજ્યન્ત રથ પર ચઢીને દેવલોક આવજે.’ ઇન્દ્ર સ્વર્ગમાં ગયા એટલે પાંડુકંબલ-શિલાતલ પર બેઠા. દેવકન્યાઓએ તેમને પૂછ્યું, ‘મહારાજ, ક્યાં ગયા હતા?’ ઇન્દ્રે તેમને બધી વાત માંડીને કરી. બોધિસત્ત્વના સદાચાર અને બુદ્ધિની પ્રશંસા કરી. દેવકન્યાઓએ કહ્યું, ‘મહારાજ, અમારે આચાર્યને જોવા છે. તેમને અહીં લઈ આવો.’
ઇન્દ્રે માતલિને બોલાવીને કહ્યું, ‘માતલિ, દેવકન્યાઓ ગુત્તિલ ગંધર્વનાં દર્શન કરવા માંગે છે. તેમને વૈજયન્ત રથ પર બેસાડીને લઈ આવ.’ માતલિ ‘ભલે’ કહીને બોધિસત્ત્વને લઈ આવ્યો. ઇન્દ્રે તેમના ખબરઅંતર પૂછ્યા.
‘આચાર્ય, દેવકન્યાઓ તમારું વાદન સાંભળવા માંગે છે.’
‘મહારાજ, અમે ગંધર્વો અમારી કળા વડે જ ગુજરાન ચલાવીએ છીએ. પુરસ્કાર મળશે તો ગાઈશ.’
‘વગાડો. હું તમને પુરસ્કાર આપીશ.’
‘મારે વિશેષ પુરસ્કારની જરૂર નથી. આ દેવકન્યાઓ પોતાનાં સુકૃત કહે. પછી હું વગાડીશ.’
દેવકન્યાઓએ કહ્યું, ‘આચાર્ય, અમે અમારાં સુકૃત પછી કહીશું. તમે વાદન કરો.’
બોધિસત્ત્વે સાત દિવસ વીણાવાદન સંભળાવ્યું. તે દિવ્ય વાદન કરતાંય વધુ ચઢિયાતું નીકળ્યું. સાતમા દિવસે દેવકન્યાઓનાં સુકૃત પૂછ્યાં.
કાશ્યપ બુદ્ધના સમયમાં એક ભિક્ષુને ઉત્તમ વસ્ત્રનું દાન કરીને ઇન્દ્રની પરિચારિકા બનેલી, હજારો દેવકન્યાઓથી ઘેરાયેલી એક ઉત્તમ દેવકન્યાને પૂછ્યું, ‘તું પૂર્વ જન્મમાં કયું કર્મ કરીને અહીં આવી?’
‘હે દેવકન્યા, આ તારા કાન્તિયુક્ત વર્ણથી બધી દિશાઓ પ્રકાશિત થઈ ઊઠી છે. તો આ તારો વર્ણ શા કારણે છે! તું શા કારણે અહીં સમૃદ્ધિવાન છે? તે ભોગ તને પ્રિય છે તે શા કારણે? હે દેવી, હું તને પૂછું છું. તેં માનવી તરીકે કયું પુણ્યકાર્ય કર્યું? કયા કર્મ વડે તને આ ઉજ્જ્વળ પ્રતાપ પ્રાપ્ત થયો? તારો આ વર્ણ બધી દિશાઓને પ્રકાશિત કરે છે.’
‘ઉત્તમ વસ્ત્ર આપનારી નારી સ્ત્રીપુરુષોમાં શ્રેષ્ઠ હોય છે. એ જ રીતે પ્રિય રૂપ આપનારી નારી મૃત્યુ પછી દિવ્ય સ્થાન પ્રાપ્ત કરે છે. મારું વિમાન જુઓ. હું ઇચ્છિત રૂપ ધારણ કરનારી અપ્સરા છું. હું સહ અપ્સરાઓમાં શ્રેષ્ઠ છું. આ પુણ્યનું ફળ છે. એને કારણે મારો વર્ણ આવો છે. એનાથી હું સમૃદ્ધ છું. એટલે જ મનગમતો ભોગ પ્રાપ્ત કરી શકું છું. એનાથી જ મારો પ્રતાપ પ્રજ્વલિત છે. એને કારણે જ મારો વર્ણ બધી દિશાઓને પ્રકાશિત કરે છે. બીજી દેવકન્યાએ ભિક્ષુકને પૂજા માટે પુષ્પ આપ્યાં હતાં. એક બીજીએ ચૈત્યમાં પંચાગુલિ નિશાની કરવા સુગંધિત દ્રવ્ય આપ્યાં હતાં. બીજીએ મધુર ફળ આપ્યાં હતાં. બીજીએ ઉત્તમ રસ આપ્યો હતો. કોઈએ કાશ્યપ બુદ્ધના ચૈત્ય પર સુગંધિત પંચાંગુલિ ચિહ્ન કર્યું. એક બીજીએ રસ્તે ચાલતા ભિખ્ખુઓ અને ભિખ્ખુણીઓને ઘેર જઈ ધર્મબોધ કર્યો. બીજીએ નૌકામાં બેસીને ભોજન કરી રહેલા ભિક્ષુને પાણીમાં ઊભા રહીને પાણી આપ્યું. કોઈએ પોતાને મળેલા અન્નમાંથી પણ વહેંચીને ખાધું અને શીલવાન રહી. એ પુણ્યના બદલમાં દેવરાજ ઇન્દ્રની પરિચારિકા બની. આમ સાડત્રીસ દેવકન્યાઓએ જે જે કર્મ કરીને જન્મ લીધો તે બધું બોધિસત્ત્વને કહ્યું. આ સાંભળી બોધિસત્ત્વે કહ્યું, ‘મને બહુ લાભ થયો. મને ખાસ્સી પ્રાપ્તિ થઈ. મેં અહીં આવીને નાનાં નાનાં કાર્ય વડે થયેલી પ્રાપ્તિની વાત સાંભળી. હવે અહીંથી મનુષ્યલોકમાં જઈએ દાન વગેરે કર્મ કરીશ. આજે મેં ઇચ્છિત રૂપ ધારણ કરનારી અપ્સરાઓને જોઈ. તેમની પાસેથી ધર્મબોધ પામીને કુશળ કર્મ કરીશ. દાન, સમચર્યા, સંયમના પ્રતાપે હું જ્યાં જઈશ ત્યાં પછી મનુષ્ય વિચાર કરતા નથી.’
સાત દિવસ પછી દેવરાજે માતલિ સારથિને કહી બોધિસત્ત્વને રથમાં બેસાડી વારાણસી મોકલી આપ્યા. ત્યાં પહોંચીને પોતે જોયેલા દેવલોકની વાત કરી. ત્યાર પછી બધા લોકોએ ઉત્સાહથી પુણ્યકર્મ કરવાનું સ્વીકાર્યું.
(આવું જ એક જાતક ‘ઉપાહન જાતક’ છે.)
સામજાતક
પ્રાચીન કાળમાં વારાણસીથી થોડે દૂર કોઈ નદીને કિનારે એક નિષાદગામ હતું અને બીજા કિનારે બીજું. દરેક ગામમાં પાંચસો કુુટુંબો હતાં. બંને ગામના મુખી મિત્રો હતા. યુવાનીના આરંભે જ તેમણે ઠરાવ્યું હતું કે જો બેમાંથી એકને ત્યાં પુત્ર અને બીજાને ત્યાં પુત્રી જન્મે તો બંનેનાં લગ્ન કરવાં. એક કિનારા પર રહેતા નિષાદમુખીને ત્યાં પુત્ર જન્મ્યો. જન્મ વેળા જ બંને કુુટુંબોએ સ્વીકાર્યો હતો એટલે એનું નામ દુકુલ પાડ્યું. બીજાને ત્યાં પુત્રી જન્મી, તેનું નામ પાડ્યું પારિકા. બંને રૂપવાન હતાં, કાંચનવર્ણા હતાં. નિષાદ કુટુંબમાં જન્મ્યા હોવા છતાં તે કોઈનો જીવ લેતા ન હતા. પુત્ર સોળ વરસનો થયો ત્યારે તેના માતાપિતાએ કહ્યું, ‘પુત્ર, તારા માટે કન્યા લાવીએ છીએ.’ બ્રહ્મલોકથી આવેલો આ શુદ્ધ જીવ હોવાને કારણે તેણે બંને હાથ કાને મૂકી દીધા, ‘મારે ગૃહસ્થ નથી થવું.’ ત્રણેક વેળા પૂછ્યું તો પણ તેણે ના પાડી. પારિકાને કહેવામાં આવ્યું, ‘અમારો મિત્રપુત્ર સુંદર છે, કાંચનવર્ણ છે. તારું લગ્ન તેની સાથે કરીશું.’ તો તેણે પણ કાને હાથ દઈ દીધા. તે પણ બ્રહ્મલોકથી આવી હતી. દુકૂલકુમારે છાનોમાનો સંદેશ તેને મોકલ્યો, ‘જો સંસારસુખની ઇચ્છા હોય તો બીજું ઘર શોધજે. મારી જરાય ઇચ્છા નથી.’ પારિકાએ પણ એવો જ સંદેશ મોક્લ્યો. તેમની ના હોવા છતાં તેમનું લગ્ન થઈ ગયું. તેઓ રંગરાગને બાજુએ મૂકીને બે બ્રહ્માની જેમ રહેવા લાગ્યા. દુકુલકુમાર માછલી કે માંસ ખાતો ન હતો, તે માંસ વેચતો પણ ન હતો. તેના માતાપિતાએ કહ્યું, ‘ભાઈ, નિષાદકુળમાં જન્મ્યા છતાં પણ તું નથી ગૃહસ્થ બનવા માગતો, નથી પ્રાણીવધ કરતો! તું કરીશ શું?’ ‘મા, પિતા, જો તમારી આજ્ઞા હોય તો આજે જ પ્રવજિત થઈ જઉં.’ ‘જાઓ ત્યારે.’ એમ કહી બંનેને વિદાય આપી. માતાપિતાને પ્રણામ કરી ગંગાકાંઠે હિમાલયમાં પ્રવેશ્યા. જે સ્થળે મિગ નામની નદી હિમાલયમાંથી નીકળીને ગંગાને મળે છે ત્યાં ગંગા નદીને બાજુએ મૂકીને મિગ નદીના ઉપરવાસમાં ચાલી નીકળ્યા. તે વેળા શક્રભવન તપી ઊઠ્યું. શક્રને આ વાતની જાણ થઈ એટલે તેમણે વિશ્વકર્માને બોલાવીને કહ્યું, ‘વિશ્વકર્મા, બે મહાન વ્યક્તિઓ ગૃહત્યાગ કરીને હિમાલયમાં આવી રહી છે. તેમને નિવાસની સગવડ મળવી જોઈએ. મિગ નદીના અડધા યોજનની અંદર આમને માટે પર્ણશય્યા તૈયાર કરો, પ્રવજિર્તોને જોઈતી બધી જ વસ્તુઓ ત્યાં મૂકો.’ વિશ્વકર્માએ તેમની વાત સ્વીકારી, બધું તૈયાર કરી દીધું. કર્કશ અવાજ કરતાં પ્રાણીઓને ભગાડી મૂકી પોતાના સ્થાને પાછા આવ્યા. બંને પતિપત્ની એ રસ્તે ચાલતાં આશ્રમમાં આવી પહોંચ્યાં. દુકુલ પંડિતે પૂર્ણશાલામાં પ્રવેશી બધા જ પ્રવજિર્તોની આવશ્યકતાઓ જોઈ સમજી લીધું કે આ બધું શક્રને આભારી છે. તેણે વસ્ત્ર બદલી લાલ રંગનું વલ્કલ પહેર્યું, અજિનચર્મ ખભે મૂક્યું, જટા બાંધી ઋષિવેશ ધારણ કર્યો, પારિકાને પણ પ્રવજ્યા આપી. બંને મૈત્રીભાવે રહેતાં થયાં. તેમની મૈત્રીને કારણે બધાં પશુપક્ષી મિત્ર થઈ ગયાં. કોઈ કોઈને દુઃખ આપતું ન હતું. પારિકા પાણી લાવતી, આશ્રમમાં ઝાડુ કાઢતી, બીજાં બધાં કામ કરતી, બંને ફળફળાદિ લાવી, ખાઈ પોતપોતાની કુટીરમાં જતા અને શ્રમણધર્મ પાળતા. શક્ર વચ્ચે વચ્ચે તેમની પાસે આવતા. એક દિવસ તેમને જોઈને વિચાર્યું — આ બંનેની આંખો જતી રહેશે. એટલે તે દુકુલ પંડિત પાસે જઈને પ્રણામ કરી બોલ્યા. ‘ભગવન્, ભવિષ્યમાં તમારાં જીવનમાં વિઘ્ન છે. સેવાચાકરી કરનાર પુત્ર જોઈએ, સંસારધર્મ આચરો.’ ‘શક્ર, આ શું કહો છો તમે. અમે એક જ ઘરમાં રહેતા હોવા છતાં લોકધર્મ ત્યજી દીધો છે, અમે એને તિરસ્કારીએ છીએ. હવે વનપ્રવેશ કરી, ઋષિપ્રવજ્યા લઈને એમ કેવી રીતે થાય?’ ‘તમે જો એવું ન કરી શકતા હો તો પારિકા જ્યારે રજસ્વલા થાય ત્યારે તેની નાભિને હાથ વડે સ્પર્શ કરજો.’ તેણે કહ્યું, ‘હા, એ તો થઈ શકે.’ શક્ર તેમને પ્રણામ કરી પોતાને ભવન ચાલ્યા ગયા. દુકુલે એ વાત પારિકાને કરી ને તે રજસ્વલા થઈ ત્યારે તેની નાભિનો સ્પર્શ કર્યો. બોધિસત્ત્વે દેવલોકમાંથી પારિકાના ઉદરમાં જન્મ લીધો. દસ માસ વીત્યા એટલે પારિકાએ કાંચનવર્ણ પુત્રને જન્મ આપ્યો. તેનું નામ પાડ્યું સ્વર્ણસામ. પારિકા માટે પર્વતમાં રહેતી કિન્નરીઓએ દાયણનું કામ કર્યું. તે બંને બોધિસત્ત્વને પર્ણશાલામાં સૂવડાવી ફળફળાદિ લાવતાં. ત્યારે કિન્નરો કુમારને કંદરામાં લઈ જઈ નવડાવતા, પર્વતશિખરે જઈને વિવિધ ફૂલોથી તેને શણગારતા, લીલી-પીળી અર્ચા કરીને પર્ણશાળામાં સૂવડાવતા. પારિકા પછી તેને સ્તનપાન કરાવતી. ત્યાર પછી સોળ વર્ષની વય થઈ તો પણ માતાપિતા સુરક્ષાનો વિચાર કરી તેને પર્ણશાળામાં સૂવડાવી જાતે ફળ લેવા વનમાં જતા. જે રસ્તે તેઓ જતા ત્યાં બોધિસત્ત્વ મીટ માંડીને બેસે કે કોઈ આફત ન આવે. એક દિવસ સાંજના સમયે પતિપત્ની ફળ લઈને આવી રહ્યાં હતાં ત્યારે આશ્રમની પાસે જ ઘનઘોર વાદળ ઊમટી આવ્યાં. તેઓ એક વૃક્ષ નીચે ઊભા રહી ગયાં. ત્યાં એક ઝેરી સાપ હતો. તેમના શરીરના પરસેવાની દુર્ગંધવાળું પાણી સાપની આંખો પર પડ્યું, તેણે ક્રોધે ભરાઈને ફુત્કાર કર્યો. બંને આંધળાં થઈ ગયાં, એકબીજાને જોઈ ન શક્યાં. દુકુલ પંડિતે પારિકાને કહ્યું, ‘પારી, મારી આંખે દેખાતું નથી. હું તને જોઈ શકતો નથી.’ તેણે પણ એવું જ કહ્યું, ‘હવે આપણે જીવી નહીં શકીએ.’ રસ્તો દેખાતો ન હતો એટલે રડતા કકળતા ભટકવા લાગ્યા. તેમનું પૂર્વકર્મ કેવું હતું? તેઓ આગલા જન્મમાં વૈદ્ય હતા. વૈદ્ય તરીકે એક ધનવાનની આંખોની સારવાર કરી હતી. ધનવાને તેમને કશું ન આપ્યું. વૈદ્યે ક્રોધે ભરાઈને પત્નીને પૂછ્યું, ‘શું કરું?’ તેણે પણ ક્રોધે ભરાઈને કહ્યું, ‘આપણે તેના પૈસા નથી જોઈતા. દવાનું બહાનું કરીને તેની આંખો આંધળી કરી નાખો.’ વૈદ્યે એ વાત માની લીધી અને એવું કર્યું. આ પૂર્વજન્મના કર્મને લીધે તેઓ આંધળા થઈ ગયા. બોધિસત્ત્વ વિચારવા લાગ્યો, ‘મારા માતાપિતા દરરોજ તો આ સમયે આવી જતા હતા. અત્યારે એમનું કશું ઠેકાણું નથી. હું તપાસ કરું.’ તેણે આગળ ચાલીને બૂમ પાડી. માબાપે તેનો અવાજ પારખી લીધો, અને સામો ઉત્તર વાળ્યો, ‘સામ દીકરા, અહીં આવીશ નહીં. અહીં જોખમ છે.’ ત્યારે તેણે તેમને એક લાંબી લાકડી આપી. ‘એ લઈને આવો.’ બંને લાકડીના ટેકે ટેકે આવ્યા. ‘આંખો કેવી રીતે જતી રહી?’ ‘વરસાદ પડતો હતો ત્યારે અમે એક ઝાડ નીચે ઊભા હતાં.’ તેને ખ્યાલ આવી ગયો હતો કે ત્યાં કોઈ ઝેરી સાપ હશે. તેણે જ ફુત્કાર કર્યો હશે. માતાપિતાને જોઈને પહેલાં રડ્યો અને પછી હસ્યો. તેમણે પૂછયું, ‘દીકરા, રડ્યો કેમ, હસ્યો કેમ?’ ‘માતા અને પિતા, તમારી આંખો નાની ઉંમરે જતી રહી એમ વિચારી રડ્યો. અને હવે તમારી સેવા કરવાની મને તક મળશે એમ વિચારી હસ્યો. ચિંતા ન કરતા, હું સેવા કરીશ.’ તે માતાપિતાને આશ્રમે લઈ આવ્યો. તેણે તેમને રાત્રિનું સ્થળ, દિવસનું સ્થળ, હરવાફરવાની જગ્યા, પર્ણશાળા, શૌચનું સ્થળ, પેશાબ કરવાનું સ્થળ — આ બધાં સ્થળે દોરડાં બાંધી દીધાં. પછી તે આશ્રમમાં તેમને મૂકીને વનમાં ફળફળાદિ લાવતો. સવારે તેમના રહેવાની જગા સાફ કરતો, મિગ નદી પર જઈને પાણી લાવતો, પીવાનું પાણી ભરતો. દાતણ, મોં ધોવાનાં પાણી આપી ખાવા મીઠાં ફળ આપતો. તેઓ મોં ધોઈ લે ત્યારે માતાપિતાને પ્રણામ કરી, મૃગોથી વીંટળાયેલો ફળ લેવા વનમાં જતો, સાંજે પાછો ફરતો, પછી ઘડામાં પાણી લાવી, તે ગરમ કરતો — તેમની જેવી ઇચ્છા હોય તે પ્રમાણે નવડાવી ધોવડાવી, શરીર કોરું થાય પછી ફળ આપતો. પછી પોતે ખાતો, જે બચે તે રાખી મૂકતો. આમ તે માતાપિતાની સેવા કરતો હતો. તે સમયે વારાણસીમાં પિલીયક્ખ નામનો રાજા રાજ કરતો હતો. મૃગમાંસના લોભે તે માતાને રાજવહીવટ સોંપી પાંચ આયુધ લઈને હિમાલયમાં પ્રવેશ્યો. ત્યાં મૃગોને મારીને, તેમનું માંસ ખાતો મિગ નદીએ જ્યાંથી સામ ફળ લાવતો હતો તે જગ્યાએ તે આવી પહોંચ્યો. રાજાએ તેને મૃગની નિશાની માની. તે મણિવર્ણ શાખાઓની આડશે ઝેર પાયેલું તીર ચઢાવીને છુપાઈ રહ્યો. બોધિસત્ત્વ સાંજે ફળફળાદિ લાવીને માતાપિતાને પ્રણામ કરી ‘નાહીને પાણી લઈ આવું છું.’ કહી ઘડો લઈને નીકળ્યો. હરણાંની આસપાસ ચાલતાં ચાલતાં તેણે બે હરણને સાથે રાખી તેમની પીઠ પર ઘડો મૂક્યો, તેમને હાથેથી ઝાલી તે નદીએ પહોંચ્યો. આડશે છુપાયેલા રાજાએ તેને આવતો જોઈ વિચાર્યું , આટલા બધા દિવસોમાં આવી રીતે ભમતો મનુષ્ય મેં જોયો નથી. આ દેવ હશે કે નાગ? જો તેની પાસે જઈને પૂછીશ અને તે દેવ નીકળશે તો આકાશમાં ચાલ્યો જશે, અને નાગ હશે તો ભૂમિમાં પેસી જશે. હું કંઈ હમેશાં હિમાલયમાં રહેવાનો નથી. વારાણસી જઈશ, ત્યાં મને પૂછવામાં આવશે, ‘મહારાજ, હિમાલયમાં કોઈ અદ્ભુત ઘટના જોઈ ખરી?’ હું જો કહીશ, ‘મેં આવું પ્રાણી જોયું.’ તેઓ મને તેનું નામ પૂછશે. જો કહીશ કે હું જાણતો નથી, તો તેઓ મારી ટીકા કરશે, એટલે આને વીંધી, નિર્બળ બનાવીને પૂછું. હરણાં પાણી પીને ઉપર આવી ગયાં હતાં ત્યાં મહાસ્થવિરની જેમ બોધિસત્ત્વ ધીમે ધીમે પાણીમાં ઊતર્યા, ગરમી ઓછી થઈ એટલે વલ્કલ પહેર્યું, ખભે જિનચર્મ નાખ્યું, પાણી લૂંછીને ઘડો ખભે મૂક્યો. તે સમય તીર ચલાવવાનો યોગ્ય સમય છે એમ માનીને રાજાએ ઝેર પાયેલું તીર માર્યું. તે તીર જમણા પડખેથી ડાબી બાજુ પડખામાંથી આરપાર નીકળી ગયું. હરણાંને જ્યારે ખ્યાલ આવ્યો કે બોધિસત્ત્વ વીંધાયા છે ત્યારે ગભરાઈને ભાગી ગયાં. સ્વર્ણસામ તીરથી વીંધાઈ ગયો હોવા છતાં તેણે પાણીનો ઘડો પડવા ન દીધો, ઘડો ધીરેથી ઉતારી રેતી પર મૂક્યો. પછી કઈ દિશા છે એનો વિચાર કરી માતાપિતાના રહેવાની દિશામાં માથું મૂકી રજતવસ્ત્ર જેવી રેતીમાં પડી રહ્યો. પછી સ્વસ્થતા મેળવીને વિચાર્યું, ‘આ હિમાચલ પ્રદેશમાં મારો કોઈ દુશ્મન નથી, મારા મનમાં કોઈને માટે વેરભાવના નથી.’ પછી તેના મોંમાંથી લોહી નીકળ્યું, રાજાને જોયા વિના જ તે બોલ્યો, ‘પાણી લેવા નીકળેલાને કોણે વીંધ્યો છે? મને વીંધીને છુપાઈ ગયેલો ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય કોણ છે? મારા શરીરનું માંસ અખાદ્ય છે, તે નિષ્પ્રયોજન છે. શા માટે મને વીંધવામાં આવ્યો છે. તું કોણ છે, કોનો પુત્ર છે? અમને કેવી રીતે જાણ થશે? હે મિત્ર, કહે તો, મને તીરથી વીંધીને તું શા માટે છુપાઈ ગયો છે?’ આ સાંભળી રાજાએ વિચાર્યું, ઝેર પાયેલા તીરથી આ વીંધાયો હોવા છતાં, નથી મને ગાળ આપતો, નથી મારી નિંદા કરતો. હૃદયદ્રાવક શબ્દોથી તે સંબોધન કરે છે. હું તેની પાસે જઉં, તે ત્યાં જઈને બોલ્યો, ‘હું કાશીરાજ છું. મારું નામ પિલિયક્ખ છે. હું કુશળ તીરંદાજ છું. એ વાત બધા જાણે છે. મારા તીરથી હાથી પણ બચી ન શકે.’ આમ પોતાના શૌર્યની પ્રશંસા કરતા તે બોલ્યો, ‘તું કોનો પુત્ર છે? તારું તારા પિતાનું નામ ગોત્ર કહે.’ બોધિસત્ત્વે વિચાર્યું, ‘આને હું દેવ, નાગ, કિન્નર કે ક્ષત્રિય તરીકે મારી જાતને ઓળખાવીશ તો પણ તે માની લેશે પરંતુ મારે સાચું જ બોલવું જોઈએ. ‘હું નિષાદપુત્ર છું. તારું કલ્યાણ થાવ, મને બધા સામ કહીને બોલાવે છે. આજે કે કાલે મારું મૃત્યુ થશે. હે રાજન, કોઈ મૃગને વીંધે તેવી રીતે ઝેર પાયેલા તીરથી મને વીંધ્યો છે: જો, હું અહીં લોહીના ખાબોચિયામાં પડ્યો છું. તીર શરીરને વીંધી ગયું છે. જો, મારા મોંમાંથી લોહી પડે છે. આવી ઘવાયેલી હાલતમાં તને પૂછું છું કે તું શા માટે છુપાઈ ગયો છે. વાઘને તેના ચામડા માટે મારી નાખવામાં આવે છે, હાથીને તેના દાંત માટે, તો મને શા માટે વીંધ્યો છે?’ રાજા સાચી વાત છુપાવીને બોલ્યો, ‘મારા તીરની સામે મૃગ આવી ગયો, તે તને જોઈને ડરી ગયો. એટલે મને ગુસ્સો આવ્યો.’ આ સાંભળી બોધિસત્ત્વે કહ્યું, ‘મહારાજ, શું કહો છો? આ હિમાલય વિસ્તારમાં મને જોઈને ભાગી જનાર મૃગ છે જ નહીં. મને યાદ છે, ત્યાં સુધી, હું સમજણો થયો ત્યારથી મારાથી કોઈ મૃગ ડરતો નથી, શિકાર થનારા પણ. મેં જ્યારથી વલ્કલ પહેર્યું છે, હું યુવાન થયો ત્યારથી કોઈ મૃગ મારાથી ડર્યો નથી. રાજા, ગંધમાદન પર્વત પર કિન્નરો રહે છે. તેઓ તો ખૂબ બીકણ છે. તેમની સાથે પર્વતોમાં અમે આનંદથી વિહાર કરીએ છીએ. તો પછી તે મૃગ મારાથી ડરી જ શકે કેવી રીતે?’ આ નિરપરાધનો વધ કરીને હું જૂઠું બોલ્યો, હવે સાચી વાત કહું, એમ વિચારી રાજા બોલ્યો, ‘સામ, મેં મૃગ જોયો ન હતો. હું જૂઠું બોલ્યો. મેં ક્રોધ અને લોભથી, પ્રેરાઈને તારા પર તીર છોડ્યું.’ આ સ્વર્ણસામ વનમાં એકલો નહીં રહેતો હોય, તેના સ્વજનો હશે. એમ વિચારી તેણે પૂછયું, ‘મિત્ર, તું ક્યાંનો છે? પાણી લેવા આ મિગ નદી પર તને કોણે મોકલ્યો છે?’ આ સાંભળીને દારુણ વેદના સહન કરીને, મોંમાંથી લોહી વહેતું હતું તે છતાં તે બોલ્યો, ‘મારા માતાપિતા અંધ છે. હું તેમને માટે ફળફળાદિ લાવીને આ ભયાનક વનમાં તેમની સંભાળ લઉં છું. તેમના માટે જ પાણી લાવવા હું અહીં આવ્યો હતો. તેમની પાસે માત્ર સાત દિવસ ચાલે એટલું જ ભોજન છે. પણ તે પાણી ન મળવાથી મૃત્યુ પામશે. હું માતાને જોઈ નહીં શકું. આવું દુઃખ તો દરેક માનવીને અનુભવવાનું આવે છે. હું પિતાને જોઈ નહીં શકું એનું દુઃખ મને નથી. મારી મા મોડે સુધી આંસુ સારતી રહેશે. પછી અડધી રાતે કે રાત પૂરી થાય ત્યારે નદીની જેમ સુકાઈ જશે. મારા પિતા મોડે સુધી રડતા રહેશે. હું આળસ ત્યજીને તેમની સેવા કરતો હતો. તેમના પગ દબાવતો હતો. મારાં માતાપિતા ‘સામ, સામ’ કરતાં ભયાનક વનમાં ભટકશે. હું મારા આંધળાં માતાપિતાને જોઈ નહીં શકું અને મૃત્યુ પામીશ, એ વાત મારા હૃદયને કંપાવે છે.’ રાજાએ તેનો વિલાપ સાંભળી વિચાર્યું, ‘આ એકનિષ્ઠ બ્રહ્મચારી છે. ધર્મપાલન કરે છે, માબાપનું ભરણપોષણ કરે છે. આવા દુઃખમાં પણ તેમને યાદ કરીને વિલાપ કરે છે. આ ગુણવાનનો મેં અપરાધ કર્યો. હવે તેને આશ્વાસન કેવી રીતે આપું? મારા નરકમાં જવાના સમયે રાજ્યનું શું? જેવી રીતે તે માતાપિતાની સેવા કરે છે તેવી રીતે હું તેમની સેવા કરું. આનાથી તેનું મૃત્યુ સુધરી જશે.’ ‘હે કલ્યાણકારી સામ, વધુ રુદન ન કર. હું સેવક બનીને આ ભયાનક વનમાં તેમની સેવા કરીશ. હું કુશળ તીરંદાજ છું. એ વાત જગસિદ્ધ છે. હું સેવક બનીને તેમની સેવાચાકરી કરીશ. મૃગોનો આહાર શોધતો, વનનાં ફળફૂલ શોધતો રહીશ. તારા માતાપિતા આ વનમાં ક્યાં છે? જેવી રીતે તું તેમનું ભરણપોષણ કરતો હતો તેવી રીતે હું કરીશ.’ ત્યારે બોધિસત્ત્વે કહ્યું, ‘ભલે મહારાજ, તમે માતાપિતાની ચાકરી કરજો. મારા માથાની દિશામાં જે પગદંડી છે ત્યાંથી અડધા કોસ જેટલા અંતરે તેઓ રહે છે. ત્યાં મારા માતાપિતા છે. અહીંથી નીકળી તેમનું ભરણપોષણ કરજો.’ આમ તેને રસ્તો બતાવ્યો, માતાપિતા પ્રત્યે પુષ્કળ સ્નેહ હોવાને કારણે પોતાની વેદના સહન કરીને પણ તેમની સેવાચાકરી કરવા બે હાથ જોડીને પ્રાર્થના કરી. ‘હે કાશીરાજ, તમને વંદન. ભયાનક વનમાં તેમની સેવાચાકરી કરો. હું હાથ જોડું છું. મારા માતાપિતાને પ્રણામ કહેજો.’ રાજાએ તેની વાત સ્વીકારી. બોધિસત્ત્વ માતાપિતાને પ્રણામ કરી બેસુધ થઈ ગયો. બોધિસત્ત્વે આ બધી વાત હાંફતાં હાંફતાં કરી. પરંતુ હવે ઝેરના પ્રભાવે તેનું મન શાંત થવા માંડ્યું. મોં બંધ થઈ ગયું, હાથપગ જડ થઈ ગયા. આખું શરીર લોહીથી ખરડાઈ ગયું. રાજાને થયું, ‘આ હમણાં તો વાતચીત કરતો હતો. શું થઈ ગયું.’ તેણે તેનો શ્વાસ જોયો. શ્વાસ બંધ થઈ ગયેલો લાગ્યું. શરીર જડ થઈ ગયું હતું. તેણે માની લીધું કે તે મૃત્યુ પામ્યો છે. તેના મૃત્યુનું દુઃખ વેઠાયું નહીં, બંને હાથ માથે મૂકીને તે રડવા લાગ્યો. ‘હું મારી જાતને અજરઅમર માનતો હતો. આજે સામના મૃત્યુથી સમજાઈ ગયું છે કે મૃત્યુ નિશ્ચિત છે. આ વાત પહેલાં સમજાઈ નહોતી. ઝેર પાયેલા બાણથી વીંધાયો હોવા છતાં તે મારી સાથે વાતો કરતો હતો. હવે સમય વીતી ગયો એટલે એકે શબ્દ બોલતો નથી. ચોક્કસ હું નરકગામી થઈશ. આ પાપ મને લાંબા સમય સુધી પીડ્યા કરશે. મને લોકો ‘ઘોર કર્મ કરનારો’ કહીને નિંદશે. આ જનશૂન્ય વનમાં મને કોણ કહેશે? વસતીમાં લોકો એકઠા થઈને મને મારું પાપ યાદ કરાવશે. જનશૂન્ય વનમાં મને કોણ યાદ કરાવશે?’ તે સમયે ગંધમાદનમાં બહુસાદેરી નામની દેવકન્યા હતી. તે બોધિસત્ત્વના સાતમા જન્મે તેની મા હતી. જૂના સ્નેહને કારણે તે હમેશાં બોધિસત્ત્વનો વિચાર કરતી હતી. તે દિવસે દિવ્ય ઐશ્વર્યમાં આસક્ત રહેવાને કારણે તેની સ્મૃતિ ન રહી. દેવસમ્મેલનમાં ગઈ હોવાને કારણે પણ આમ મનાય છે. તે બેસુધ થઈ ગયા પછી તેને થયું — મારો પુત્ર શું કરે છે. તેણે જોયું — ‘પિલિયક્ખ રાજાએ મારા પુત્રને ઝેર પાયેલા બાણથી વીંધી નાખ્યો છે. હવે તે મિગ નદીની રેતીમાં સૂવડાવી મોટે મોટેથી રુદન કરી રહ્યો છે. જો હું અત્યારે નહીં જઉં તો મારો પુત્ર સ્વર્ણસામ મૃત્યુ પામશે. રાજાનું હૃદય પણ ફાટી જશે. સામના માતાપિતા પણ નિરાહાર રહેશે, પાણી વિના તેઓ મૃૃત્યુ પામશે. હું જઈશ એટલે રાજા પાણીનો ઘડો લઈને પુત્ર પાસે જશે. તેમની વાત સાંભળીને રાજા પુત્ર પાસે લઈ જશે. ત્યારે તેઓ અને હું મળીને સત્યક્રિયા કરીશું. પછી સામનું ઝેર ઊતરી જશે. આમ મારો પુત્ર પુનર્જીવન મેળવશે. માતાપિતાની આંખો સારી થઈ જશે. રાજા સામનો ધર્મોપદેશ સાંભળી મહાદાન આપીને સ્વર્ગે જશે. એટલે હું ત્યાં જઉં.’ અને તે ત્યાં પહોંચી, મિગ નદીના કિનારે અદૃશ્ય રહીને આકાશમાં સ્થિર થઈ. તેણે રાજા ઉપર અનુકંપા કરવા કહ્યું, ‘મહારાજ, તમે બહુ મોટું પાપ કર્યું છે. તમારું આ દુષ્કૃત્ય છે. તમે નિર્દોષ સામને, તેના માતાપિતાને એક જ બાણથી મારી નાખ્યા. ચાલો તમને ઉપદેશ આપું, જેથી તમને સુગતિ મળે. ધર્માનુસાર વનમાં અંધ માતાપિતાની સેવા કરો. આનાથી તમારી સુગતિ થશે એમ માનું છું.’ દેવીની વાત સાંભળીને રાજાએ વિચાર્યું, ‘હું આના માતાપિતાની સેવા કરીને સ્વર્ગે જઈશ. મારે રાજ્ય સાથે શી લેવા દેવા? હું તેમની સેવા કરીશ.’ આવો નિશ્ચય કરીને રડી કકળીને થોડો શોક ઓછો કર્યો. હવે સ્વર્ણસામ મૃત્યુ પામ્યો હશે એમ માનીને વિવિધ પુષ્પો તેના શરીર પર મૂક્યાં, પછી પાણી છાંટીને ત્રણ વાર તેના શરીરની પ્રદક્ષિણા કરી. પછી પાણી ભરેલો ઘડો લઈને વનમાંથી દક્ષિણે ચાલી નીકળ્યો. રડી કકળીને રાજા બહુ દુઃખી હાલતમાં પાણીનો ઘડો લઈને ચાલ્યો. રાજા પ્રકૃતિથી બળવાન હતો. પાણીનો ઘડો લઈ આશ્રમભૂમિ પર ચાલીને તે પંડિતની કુટીરે જઈ પહોંચ્યો. પંડિતે અંદર બેઠા બેઠા જ રાજાનાં પગલાંનો અવાજ સાંભળી જાણી લીધું કે આ સામનાં પગલાં નથી. આ કોણ આવી રહ્યું છે? આ સામ નથી, આ કોઈ બીજું છે. ‘મિત્ર, કોણ છો તમે?’ આ સાંભળી રાજાએ વિચાર્યું , ‘હું રાજા છું એમ કહ્યા વિના કહીશ કે મેં તમારા પુત્રને મારી નાખ્યો છે તો તેઓ ક્રોધે ભરાઈને મને કઠોર વચન કહેશે. મારા મનમાં પણ તેમના પર ગુસ્સો આવશે. ત્યારે હું તેમને દુઃખ પહોંચાડી શકું. મારે માટે આ અયોગ્ય હશે. રાજા શબ્દ સાંભળીને બધા ડરે છે. એટલે હમણાં રાજાની વાત કહીશ.’ એમ વિચારી પાણી રાખવાની જગાએ ઘડો મૂકી દીધો, પર્ણશાલાના બારણે ઊભા રહીને તેણે કહ્યું, ‘હું કાશીનો રાજા છું. મારું નામ પિલિયક્ખ. હું કુશળ તીરંદાજ છું. આ વાત બધા જાણે છે. મારા તીરના માર્ગમાં આવેલો હાથી પણ બચી ન શકે.’ પંડિતે પણ રાજાના ખબરઅંતર પૂછ્યા, પછી રાજાએ વિચાર્યું, મેં તમારા પુત્રને મારી નાખ્યો છે એ વાત શરૂઆતમાં જ કહેવી યોગ્ય નથી. અજાણ્યાની જેમ જ તેણે વાતચીત શરૂ કરી. ‘આંધળી વ્યક્તિ તો વનમાં કશું જોઈ ન શકે. આ ફળ કોણ લાવે છે? આ બધી સામગ્રી આંખોવાળી વ્યક્તિએ જ ભેગી કરી છે.’ આ સાંભળી પંડિતે કહ્યું, ‘મહારાજ, અમે આ ફળફૂલ લાવતાં નથી, અમારો પુત્ર લાવે છે. તે યુવાન છે. બહુ ઊંચો નથી. બહુ નીચો નથી. તેનું નામ સામ છે. તે કલ્યાણદર્શી છે. તેના વાળ લાંબા, કાળા છે. તે કમંડળ લઈ પાણી લાવવા નદીએ ગયો છે. હવે એ દૂર નહીં જાય, આવતો જ હશે.’ રાજાએ કહ્યું, ‘જે તમારી સેવા કરતો હતો, જે કલ્યાણદર્શી હતો તેને તો મેં મારી નાખ્યો. તેના વાળ લાંબા અને કાળા છે. લોહીથી ખરડાયેલા વાળવાળો તે મારા દ્વારા ઘવાઈને પડ્યો છે.’ પંડિતની કુટીરની પાસે જ પારિકાની કુટીર હતી. ત્યાં બેઠી બેઠી રાજાની વાત સાંભળતી હતી. વધુ જાણવા માટે તે બહાર નીકળી અને દોરડું પકડીને દુકુલની પાસે જઈને તે બોલી, ‘સામ મરી ગયો એવું બોલનાર કોણ છે? સામ મૃત્યુ પામ્યો. એ સાંભળીને મારું હૃદય કંપી ઊઠ્યું છે. જેવી રીતે પીપળાની કૂંપળ હવામાં થરથરે તેવી રીતે ‘સામ મરી ગયો’ સાંભળીને મારું હૃદય કંપે છે.’ પંડિતે આ સાંભળી કહ્યું, ‘પારિકા, આ કાશીરાજ છે. ક્રોધે ભરાઈને મિગ નદીના કાંઠે આ રાજાએ સામને વીંધી નાખ્યો છે. તેનું ખરાબ ન ઇચ્છીશ.’ પારિકાએ કહ્યું, ‘બહુ મુશ્કેલીથી વહાલો દીકરો મળ્યો. તે વનમાં અંધ માતાપિતાની સેવા કરતો હતો. પુત્રનો વધ કરનાર પ્રત્યે ક્રોધ કેમ ન જાગે?’ પંડિતે કહ્યું, ‘બહુ મુશ્કેલીથી વહાલો દીકરો મળ્યો, તે અંધ માતાપિતાની સેવા કરતો હતો. પંડિતો કહે છે, આવા એક પુત્રના હત્યારા પ્રત્યે પણ ક્રોધ ન કરવો જોઈએ.’ એમ કહી બંને છાતી કૂટતા, બોધિસત્ત્વના ગુણોને યાદ કરી બહુ રડ્યાં. રાજાએ આશ્વાસન આપતાં કહ્યું, ‘સામ મૃત્યુ પામ્યો.’ એમ કરી કરીને બહુ રુદન ન કરતા. હું તમારો સેવક બનીને તમારું પાલનપોષણ કરીશ. હું કુશળ તીરંદાજ છું. એ વાત જાણીતી છે. મૃગોનું માંસ અને વનમાં ફળફૂલ શોધતો તમારો સેવક થઈને તમારું પાલનપોષણ કરીશ.’ પંડિતે એ સાંભળી કહ્યું, ‘મહારાજ, અમારી સેવા કરવાની તમારે જરૂર નથી. અમને દોરડું પકડાવીને સામ પાસે લઈ જાઓ. એના પગ અને સુંદર મોં લૂછીશું, પાછા આવીને મૃત્યુની પ્રતીક્ષા કરીશું.’ તેઓ આમ કહેતા હતા ત્યાં તો સૂર્યાસ્ત થઈ ગયો. ‘જો હું એમને અત્યારે લઈ જઈશ તો તેને જોઈને તેમનું હૃદય ફાટી જશે. આ ત્રણે મૃત્યુ પામશે તો હું ચોક્કસ નરકગામી થઈશ. એટલે તેમને જવા નહીં દઉં.’ ‘જે વનમાં સામ ઘવાઈને પડ્યો છે તે જાણે પૃથ્વી પર ચન્દ્ર પડ્યો ન હોય. તે મૃગોથી ઘેરાયેલા મહાવન આકાશના છેડે દેખાય છે. જે વનમાં સામ રેતીથી ઢંકાયેલો ઘવાઈને પડ્યો છે તે મૃગોથી ઘેરાયેલા મહાવન આકાશના છેડે દેખાય છે.’ ‘ત્યાં સો, હજાર, અગણિત મૃગ હોય તો પણ અમને વનમાં તેમના તરફથી કોઈ ભય નથી.’ રાજાએ જ્યારે જોયું કે તે તેમને રોકી નથી શકતો ત્યારે તેમને ઝાલીને ત્યાં લઈ ગયો. તેમણે ત્યાં જઈને કહ્યું, ‘આ રહ્યો પુત્ર.’ તેના પિતાએ પુત્રના માથે અને માએ તેના પગ પોતાની સાથળે રાખીને વિલાપ કર્યો. ધૂળથી ખરડાયેલા, પૃથ્વી પર પડેલા ચન્દ્રમા જેવો વનમાં પડેલો જોઈ, પૃથ્વી પર પડેલા સૂર્ય જેવો જોઈ તેઓ ગદ્ગદ થઈ ગયા. પુત્રને ધૂળમાં ખરડાયેલો જોઈ તેઓ રડવા લાગ્યા. ‘હે કલ્યાણદર્શન સામ, તું તો બહુ સૂતો. આટલો બધો સમય વીતી ગયો તો પણ તો પણ તું બોલતો નથી. હે સામ, તું બહુ મત્ત બની ગયો છે. આટલો બધો સમય વીતી ગયો તો પણ તું બોલતો નથી. હે સામ, તું બહુ પ્રમત્ત થઈ ગયો છે. તું બહુ ક્રોધે ભરાયો નથી. હે સામ, તું બહુ પ્રમત્ત થઈ ગયો છે. તું બહુ રિસાઈ ગયો છે; એટલે તો આટલો બધો સમય થઈ ગયો તો પણ તું બોલતો નથી. અમારી જટા ગૂંચવાઈ ગઈ છે. કીચડથી લથબથ થઈ ગઈ છે. હવે કોણ સરખી કરશે? આંધળાઓની સેવા કરનાર સામ હવે નથી. કોણ હવે ઝાડુ લઈને આશ્રમ સાફ કરશે? કોણ હવે ઠંડા અને ગરમ પાણીથી અમને સ્નાન કરાવશે? આંધળાઓની સેવા કરનાર સામ હવે નથી. કોણ હવે અમને વનનાં ફળફળાદિ ખવડાવશે? આંધળાઓની સેવા કરનાર સામ હવે નથી.’ તેની માએ બહુ રુદન કર્યા પછી પુત્રની છાતી પર હાથ મૂક્યો, તેને શરીર ગરમ લાગ્યું. શરીર હજુ ગરમ હોય તો ઝેરને કારણે તે માત્ર બેસુધ થયો હશે. તેણે નક્કી કર્યું કે તેનું ઝેર ઉતારવા હું સત્યક્રિયા કરીશ. ‘જે સત્ય વડે આ સામ પહેલાં ધર્મચારી હતો, બ્રહ્મચારી હતો, સત્યવાદી હતો, માતાપિતાની સેવા કરનારો હતો, વડીલોનો આદર કરનારો હતો, મને જીવથીય વધુ વહાલો હતો, તે સત્યના પ્રભાવથી આનું ઝેર ઊતરી જાય. મેં અને આના પિતાએ જે કંઈ કર્યું છે તેના પ્રતાપે તેનું ઝેર ઊતરી જાય.’ આમ માએ સત્યક્રિયા કરી એટલે સામે પડખું બદલ્યું. ‘મારો પુત્ર જીવે છે.’ એમ કહી તેના પિતાએ સત્યક્રિયા એ જ રીતે કરી. તેમની સત્યક્રિયા પછી બોધિસત્ત્વે ફરી પડખું બદલ્યું. ત્યાર પછી દેવીએ ત્રીજી સત્યક્રિયા કરી. ‘હું લાંબા સમયથી ગંધમાદન પર્વત પર નિવાસ કરી રહી છું. સામથી વધુ પ્રિય મને કોઈ નથી. આ સત્યના પ્રતાપે સામનું ઝેર ઊતરી જાય. ગંધમાદન પર્વત પર બધાં વન સુવાસિત છે. આ સત્યના પ્રતાપે સામનું ઝેર ઊતરી જાય.’ તે ખૂબ જ કરુણાસભર સ્વરે બોલી અને કલ્યાણસ્પર્શી યુવાન સામ તરત જ બેઠો થઈ ગયો. આમ બોધિસત્ત્વનું નીરોગી થવું, માતાપિતાની આંખો પાછી આવી તે, અરુણોદય, દેવીનો પ્રતાપ- આ ચારેયનું આશ્રમ પહોંચી જવું. — આ બધું એક જ ક્ષણમાં બની ગયું. માતાપિતા આંખો પાછી આવી તેનાથી અને સામ સાજો થયો તેનાથી બહુ પ્રસન્ન થયાં. સામ બોલ્યો, ‘તમારું કલ્યાણ થાય. હું સામ છું. સાજોસમો ઊભો છું. હવે બહુ વિલાપ ન કરો. મને સુંદર શબ્દો સંભળાવો.’ બોધિસત્ત્વે રાજાને જોયો. રાજાએ આ અચરજ જોઈને કહ્યું, ‘મને મોહ થયો છે. બધી દિશાઓ જુદી લાગે છે. મેં તો તારું શબ જોયું હતું, તને કોણે જીવતો કર્યો!’ સામને લાગ્યું કે રાજા હજુ મને મરેલો માને છે, એટલે તેણે કહ્યું, ‘રાજન્, ખૂબ જ વેદનાગ્રસ્ત પ્રાણીને પણ જીવંત હોવા છતાં મૃત માની લેવામાં આવે છે. અત્યન્ત વેદનાગ્રસ્ત પ્રાણી પણ નિદ્રાવસ્થામાં જીવતો હોવા છતાં તેને મૃત માની લેવામાં આવે છે. આમ લોકો મને જીવતો હોવા છતાં મરેલો માનતા હતા.’ રાજાને સત્ધર્મની દિશામાં વાળવા તેણે કહ્યું, ‘જે માનવી માતા-પિતાની ધર્માનુસાર સેવા કરે છે, દેવતાઓ પણ માતાપિતાની સેવા કરનારની ચિકિત્સા કરે છે. જે માનવી માતાપિતાની ધર્માનુસાર સેવા કરે છે તેમની અહીં પ્રશંસા થાય છે અને પરલોકમાં ગયા પછી પણ આનંદ મનાવાય છે.’ આ સાંભળી રાજા વિચારવા લાગ્યો, ‘કેવું આશ્ચર્ય, માતાપિતાની સેવા કરનારના રોગની દેવતાઓ ચિકિત્સા કરે છે. આ સામ ખૂબ જ સુશોભિત છે. હું વધુ ને વધુ મોહ પામી રહ્યો છું. બધી દિશાઓ મને શૂન્ય લાગે છે. સામ, હું તારી શરણે છું. તું મારી પ્રતિષ્ઠા બન.’ ત્યારે બોધિસત્ત્વે કહ્યું, ‘હે મહારાજ, જો દેવલોક જવા માગો છો, મહાન દિવ્ય ઐશ્વર્ય પામવા માગો છો તો દસ ધર્મચર્યાઓનું પાલન કરો.’ આમ બોધિસત્ત્વે રાજધર્મ સમજાવ્યો, બીજો ઉપદેશ આપીને પાંચ શીલ આપ્યા. રાજાએ એ ઉપદેશને માથે ચઢાવ્યો, વારાણસી જઈને દાનપુણ્ય કરી સભા સહિત સ્વર્ગવાસી થયો. બોધિસત્ત્વ પણ માતાપિતાની સાથે અભિજ્ઞા અને સમાપત્તિઓ પ્રાપ્ત કરી બ્રહ્મલોક વાસી થયા.
સોનાની થાળી
શંખ અને નંદન બંને સેરીગ્રામના. બંને વાણિયા અને બંને નજીકના અંધપુર નગરમાં ફેરી કરીને પેટગુજારો કરતા. જૂનાં વાસણોનો ભંગાર અને જરીપુરાણી ચીજો વેચાતી લેવાનો અને નવાં વાસણો તથા ખોટા મોતીમણકાનાં ઘરેણાં વેચવાનો ધંધો કરીને તેઓ પેટ પૂરતું ઉપજાવી લેતા. ગામ એક, જાત એક, ધંધો એક, ધંધાનું ઠેકાણું પણ એક, પણ આવું હોય ત્યારે કેટલીક વાર બને છે તેમ, બંનેનાં મન જુદાં. શંખને નંદનની ચડતી કાંટાની જેમ ખૂંચતી. નંદન પોતાના સરળ, સંતોષી સ્વભાવ ને મીઠી જીભને લઈને ઘરાકોમાં ઘણો પ્રિય થતો જતો હતો. શંખ લોભવૃત્તિથી સીધા કે આડા માર્ગે કસાય તેટલું કસી વધુમાં વધુ નફો મેળવવા મથતો, અને લુચ્ચો, કડવો ને ઝઘડાખોર હોવાની છાપ વધારતો જતો. નંદનની વધતી જતી ઘરાકી શંખથી ખમાતી નહી. મીઠું મીઠું બોલી, લલ્લોચપ્પો કરીને નંદન તેની ઘરાકી પડાવી લેતો હોવાનું તે માનતો ને એથી મનમાં ધૂંધવાયા કરતો. એનો ઉપાય શો કરવો એની ભારે મૂંઝવણમાં તે પડ્યો હતો, પણ આ મૂંઝવણની સાથે તેની કંજૂસાઈ વધી ગઈ. ઘરાકો સાથે વાંધા પણ વારંવાર પડવા લાગ્યા. જ્યાં ને ત્યાં તે અકારો થઈ પડ્યો. વિચાર કરતાં કરતાં છેવટે શંખને એક રસ્તો સૂઝી ગયો. નંદનને ધંધો કરતાં કે શબ્દોની જાળ પાથરી ઘરાકોને ફસાવતાં તો તે અટકાવી શકે તેમ ન હતું. પણ પોતાની ખાસ ઘરાકીવાળા લત્તામાંથી તેને કોઈક યુક્તિથી દૂર રાખી શકાય તો પછી તેની હૈયાબળતરા ઓછી થઈ જાય. પ્રસંગ મળતાં જ તેણે નંદન આગળ પ્રસ્તાવ મૂક્યો: ‘નંદન, કેટલાક વખતથી તને એક વાત કહેવાનું મારા મનમાં ઘોળાયા કરે છે.’ કોઈક જ વાર સરખી રીતે બોલતો શંખ આજે એકાએક કાં મીઠાશથી વાત કરવા આવ્યો એનો વિચાર કરતો નંદન બોલ્યો: ‘કહે ને, ભાઈ શંખ, શી વાત છે?’ ‘બીજું તો કાંઈ નહીં, પણ મને એમ થયા કરે છે કે આપણે બેય એક જ ગામના, જાત પણ એક, ને આટલાં વરસોનો આપણો સંબંધ, તો પછી શુંં કામ આપણે ધંધામાં એકબીજાની ખોટી હરીફાઈ કરીને એકબીજાને નુકસાન પહોંચાડવું?’ ‘શંખ, તું હરીફાઈની ને નુકસાન પહોંચાડવાની વાત કરે છે તેથી મને ઘણો અચંબો થાય છે. મારા મનમાં કદી એવો કોઈ વિચાર પણ નથી આવ્યો. સીધોસાદો ધંધો કરતાં જે બે ખોબા ચોખા મળી રહે છે એટલું બસ છે, છતાં તને લાગતું હોય કે હું ક્યાંયે તારી આડો આવું છું તો કહી નાખ, તું કહે તેમ કરવા હું તૈયાર છું.’ ‘એમ હું ક્યાં કહું છું કે તું મારી આડો આવે છે? આ તો બંનેના લાભની વાત છે, સમજ્યો ને? ને હમણાંથી કશીક ગોઠવણ કરી હોય તો આગળ ઉપર આપણો સંબંધ બગડવાના સંજોગો ઊભા ન થાય એ વાત છે, બીજું તો શું?’ ‘તું નામ પાડીને કહે તો કાંઈક સમજાય કે શી ગોઠવણ કરવાની છે.’ ‘ગોઠવણ તો બીજી શી કરવાની હતી? વાત સાવ સાદી છે. અત્યારે આપણે આખા અંધપુરમાં ટાંટિયા તોડતા ફરીએ છીએ, તેને બદલે અમુક લત્તા તારે માટે અલાયદા, અમુક મારા માટે અલાયદા, એવી વહેંચણી આપણે કરી લીધી હોય તો વધારે પડતું રખડવું ન પડે. કોઈ કોઈની ઘરાકી પડાવી લેવાનો પ્રસંગ જ ઊભો ન થાય. તેમ ન કદી કશો વાંધોવચકો પડે.’ શંખને શું પેટમાં દુઃખતું હતું તે નંદન હવે કળી ગયો. તેમ જે જાતની ગોઠવણ કરવાનું તે કહેતો હતો તેની પાછળ પણ શું રમત છે તેય તે તરત પામી ગયો. પણ હા — ના કરવાથી શંખ વધુ ખારીલો બનશે જાણી તે કબૂલ થયો. શંખે સારી ઘરાકીવાળા લત્તા પોતાને માટે રાખી લીધા. નંદને વાંધો ન ઉઠાવ્યો. વળતા દિવસથી ગોઠવણ પ્રમાણે બંને પોતપોતાના વિભાગમાં ફેરી કરવા લાગ્યા. પણ શંખને એ યોજનાથી તેની ધારણા હતી તેવો કશો ફાયદો ન થયો. કેટલાયે લત્તા એવા હતા જેમાં બંનેના હંમેશના ઘરાકો બાજુબાજુમાં રહેતા હતા. આથી વહેંચણીમાં એકના કેટલાક ઘરાક બીજાના વિભાગમાં આવી જાય એ અનિવાર્ય હતું. શંખના જે ઘરાકો નંદનના વિભાગમાં ગયા તે તો તેણે ખોયા. ને બદલામાં ખરાબ સ્વભાવને લીધે પોતાના વિભાગમાં તે નવી ઘરાકી બહુ ન બાંધી શક્યો. થોડાક દિવસમાં જ તેને થવા માંડ્યું કે આ ગોઠવણ તેને પરવડે તેમ નથી. તેણે નંદનને મળીને ફરી વાત કરી. ઘણા વખતથી મહેનતે બંધાયેલા કાયમી ઘરાકોમાંથી એકે ઓછો થાય તેમાં તો બંનેને નુકસાન થાય ને કોઈ ત્રીજો જ ફાવી જાય. એટલે કરેલી ગોઠવણમાં થોડોક ફેરફાર કરવો, ધંધો કરવાના લત્તાની વહેંચણી કાયમી ન રાખવી, પણ દરરોજ પૂરતી ફરતીફરતી વહેંચણી કરી લેવી. નંદન તો શંખને રાજી રાખવા તૈયાર જ હતો. અને આ ગોઠવણ પણ થોડાક દિવસમાં જ શંખને ખૂંચવા લાગી. ઘરાકોનો દિવસ કે સમય અમુક એક જ નથી હોતો. તેમ તેઓ લેવા-વેચવા માટે અમુક ફેરિયાની રાહ જોઈને બેસે એવું હંમેશા નથી હોતું. ને ધંધો જ એવો હતો કે જેટલી વધારે જગ્યાએ ફરાય એટલું વધારે સારું, એટલે નવી ગોઠવણ પણ બદલાવવાની તેને જરૂર લાગી. એવું કાંઈક કરવું જોઈએ કે નંદનનું નડતર ઓછું થાય ને છતાં ફરવાની છૂટ પૂરતી રહે અને પોતે બને તેટલો વધુ લાભ ઉઠાવી શકે. છેવટે એવું નક્કી કર્યું કે, દરરોજ લત્તા વહેંચવાનું તો રાખવું, પણ પોતાના ભાગના લત્તાઓમાં ફરી રહ્યા પછી બીજાના ભાગના લત્તાઓમાં પણ ધંધા કરવાની છૂટ. શરત એટલી રાખી કે, એક શેરીમાં એક જણ જ્યાં સુધી હોય ત્યાં સુધી બીજાએ ત્યાં ન જવું. પણ આમતેમ ફરતીફરતી પ્રપંચી યુક્તિ કરવાથીયે શંખને કશો ધાર્યો લાભ ન થયો. તેની ઘરાકી ઘટતી જ રહી. ને તેમ તેમ તેનો લોભ વધતો ગયો, સ્વભાવ બગડતો ગયો. હમણાંહમણાં તેની મુખમુદ્રા તંગ રહેતી. કારણ વગર તે ઉશ્કેરાઈ જતો ને ઝઘડો કરી બેસતો. સાધારણ વાત પણ બરાડા પાડીને જ કરતો. નંદન સાથે નાછૂટકે જ તે બોલતો અને તેમાંયે એકદમ છેડાઈ પડતો. તેને જ પોતાની બધી પાયમાલીનું મૂળ માનતો એટલે તેને જ્યારે જ્યારે જોતો ત્યારે તે અંદરથી સળગી ઊઠતો. પણ નંદન તેનું દુર્વર્તન સહી લઈ તેના પ્રત્યે બનતી ભલમનસાઈ દાખવતો. એક દિવસ દરરોજના ક્રમ પ્રમાણે લત્તાઓ વહેંચી લઈને બંને જણા ફેરીએ નીકળી પડ્યા. ઉપરાઉપરી છેલ્લા બે દિવસથી નામની જ કમાણી થઈ હોવાથી શંખ ગળા સુધી ધૂંધવાટે ભરેલો હતો. પોતાના ભાગના એક પછી એક લત્તામાં તે ફરવા લાગ્યો. ઘણી જગ્યાએ રખડ્યો, પણ કોડીનોયે વકરો ન થયો. તેની ખાતરી થઈ ગઈ કે આજે સવારના પહોરમાં કાળમુખા નંદને ઝગડો કરીને જે અપશુકન કરેલાં તેનું જ આ ફળ છે. બપોર પછી તે સામાન્ય સ્થિતિનાં વણિકકુટુંબો જ્યાં વસતાં હતાં તેવી એક શેરીમાં આવી પહોંચ્યો.‘લ્યો મોતીની માળા, હીરાનાં કંકણ, દાંતના ચૂડા, ભૂંગળી ને પારા, જૂનાંપાનાં વાસણ, જરીપુરાણી ચીજો,’ એમ લલકારતો લલકારતો તે આગળ વધ્યો. શેરીના એક ભાગમાં કેટલાંક ગરીબ કુટુંબોનો વસવાટ હતો. એક ઘરમાં એક ડોશી ને છોકરી રહેતાં હતાં. અંધપુરનું એક વખતનું ઘણું જ શ્રીમંત અને ભર્યુંભાદર્યું શ્રેષ્ઠીકુટુંબ પડતીના ચક્કરમાં ફસાતાં જોતજોતાંમાં તેનાં ધનભંડાર ને ઘરબાર બધું હતું ન હતું થઈ ગયું. માણસો પણ એક આઠનવ વરસની છોકરી અને તેની દાદી સિવાય સૌ એક પછી એક ટપોટપ કાળના મુખમાં ઝડપાઈ ગયાં. બચી ગયેલી ચીજવસ્તુ ને ઠામઠીકરાં વેચીવેચીને ડોશીએ ચાલે ત્યાં સુધી ચલાવ્યું. હવે તે પારકાં કામ કરીને બંનેનું પેટ ભરતી. છોકરીએ હમણાં થોડા દિવસથી મોતીની માળાનું વેન લીધેલું. એક વાર જ્યાં સાચાં હીરામોતીનાં ઢગલો ઘરેણાં હતાં ત્યાં આજે ખોટી માળા ખરીદવાને એક રૂપરડીના પણ સાંસા હતા. ભીની આંખે ડોશીએ દીકરીને ઘણું સમજાવી, પણ છોકરી કેમે હઠ નહોતી છોડતી. જ્યારે જ્યારે ફેરિયાની બૂમ કાને પડતી ત્યારે ત્યારે તેનું માળાનું રટણ રોકકળનું રૂપ લેતું. આજે પણ આઘેથી શંખનો સાદ સાંભળીને છોકરીએ માળા અપાવવા ડોશીને રડતે રાગે કહ્યું. ડોશી સમજાવતાં બોલી, ‘પણ માડી, તને મેં કેટલી વાર કહ્યું કે એવા રૂપકડાને કરવું છે શું? ને થોડાક પૈસા ભેગા થશે ત્યારે વળી તને લઈ દઈશ, પણ અત્યારે ને અત્યારે તારે જોઈએ તે ક્યાંથી લઈ દઉં? કોઈ ફૂટ્યુંતૂટ્યું ઠામઠીકરું પણ નથી કે એ આપીને બદલીમાં માળા લેવાય.’ ‘છે, છે, એક ભાંગેલી થાળી મેડામાં પડી છે.’ એમ બોલતી ઓઢણીના છેડાથી આંખો લૂછતી છોકરી દોડી ગઈ અને ઝટપટ મેડામાં પડેલા નકામાં આચરકૂચર ને કાટકૂટના ધૂળિયા ઢગલામાંથી એક મેલે ખરડેલી થાળી લઈ આવીને તેણે દાદીના હાથમાં મૂકી. વળેલી, ગોબાયેલી, ત્રણ જગ્યાએથી તૂટેલા કાંઠાવાળી, ભોંયમાંથી ખોદીને કાઢી હોય એવી ભૂંડીભૂખ થાળીએ છોકરીના મોં પર ચમક આણી દીધી. અને ડોશી કાંઈ કહે તે પહેલાં તો દોડતી તે બહાર પહોંચી ગઈ ને ફેરિયાને બોલાવવા બૂમ પાડવા લાગી. શંખ આવ્યો એટલે ડોશીએ થાળી દેખાડતાં કહ્યું, ‘જો ને ભાઈ, આનું શું આવશે? આ છોકરીએ મોતીની માળાનું વેન લીધું છે.’ શંખે થાળી હાથમાં લીધી. એક જગ્યાએ ભાર દઈને ઘસી જોતાં ધાતુ ચળકતી લાગી. તરત જ તેણે થાળી પર સોયથી થોડાક લીસોટા પાડીને તપાસી. તેની અનુભવી આંખો કળી ગઈ કે થાળી સોનાની છે. કુટુંબની પડતી દશા બેઠી ત્યારે થયેલી અનેક હેરફેરો, નાસભાગ ને અસ્તવ્યસ્તતામાં અકસ્માત બીજાં હલકાં વાસણોના ગંજ નીચે દટાઈ ગયેલી આ સોનાની થાળીનાં અથડાઇ કુટાઈને તદ્દન અળખામણાં રૂપરંગ થઈ ગયેલાં. જાણે કે આ કુટુંબની સાથોસાથ તે પણ ઉત્તરોત્તર બધાંયે દશાપરિવર્તન ભોગવતી આવી. તદ્દન હલકી ધાતુની ગણાઈને તે વેચવા જેવું બધું વેચાઈ ગયા છતાં કચરાના ઢગમાં પડી રહી હતી. શરીર શણગારવાની પોતાની સ્વભાવસહજ વૃત્તિને સંતોષવાનો અભાનપણે રસ્તો ખોળતી છોકરીના હાથે ચડતાં તે આજે ફેરિયા પાસે આવી પડી હતી. શંખ પામી ગયો કે થાળી ખરેખર સોનાની છે એની ડોશીને ગંધ સરખી પણ નથી. હંમેશનું દળદર ફિટાડે તેવડું મોટું ફાંફળ પડવાની આ લાખેણી તક એકાએક આવી પડી, એ ખ્યાલે તેનું હૃદય કૂદાકૂદ કરી રહ્યું. તકનો પૂરેપૂરો લાભ ઉઠાવવાની તેણે મનમાં ગાંઠ વાળી. મોં બગાડીને તોછડા અવાજે તે બોલ્યો, ‘ડોશી, આ ઠીકરા જેવા ભંગારનું તે શું આવતું હતું? જોઈએ તો બે આના આપી દઉં, બોલ.’ ‘બે જ આના? બે આનામાં મારું શું વળે, ભાઈ? મારે તો છોકરીનું મન રાજી કરવા માળા જોઈતી હતી. એ આપતો હોય તો થાળી લઈ જા.’ ‘આ ફૂટલા શકોરાના બદલામાં તારે રૂપિયા દોઢની માળા જોઈએ છે?’ શંખ બરાડીને બોલ્યો. ‘અહીં તે શું મફતિયો માલ છે? લે. આ તારા કિંમતી માલને પેટીપટારામાં સાચવી મૂક!’ એમ ખિજાઈ, થાળી ધૂળમાં પછાડી, તોરમાં ઊભો થઈને શંખ ચાલતો થયો. છોકરીનું મોં પડી ગયું. થાળી લઈ, છોકરીને માથે હાથ ફેરવતી ડોશી ઊભી થઈને ઘરની અંદર ગઈ. આ પછી થોડીક વારે નંદન એ જ શેરીમાં આવ્યો. પોતાના વિભાગના કેટલાક લત્તામાં તેનો ઠીકઠીક માલ આજે ખપ્યો એટલે હવે પોતે ફરતો હતો તે શેરીને લગતી આ શેરીમાં, તેના બેત્રણ ઘરાક હોવાથી તેણે ડોકિયું કર્યું. તેનો સાદ સાંભળીને છોકરી બહાર ડોકાઈ ને પછી તરત તેની દાદીને કહેવા લાગી. ‘મા, મા, બીજો ફેરિયો આવ્યો છે. એ થાળી લઈને માળા આપશે.’ ‘બાપુ! પેલો ફેરિયો બે આના આપવાનું કહી થાળી પછાડીને ચાલતો થયો તે તેં ન જોયું? નકામી લમણાઝીંક શું કરવી?’ ડોશીએ કહ્યું. ‘પણ આ તો આપણો ભલો ફેરિયો છે. પેલો તો બહુ ખરાબ હતો. એનું મોં જ કેવું હતું. ને હાઉહાઉ કરતો બોલતો હતો.’ છોકરી થાળી લઈને બહાર આવી ને નંદનને બોલાવવા લાગી. પહેલાં વાસણકૂસણ વેચવાનાં હતાં ત્યારે ઘણું ખરું ડોશી નંદનને જ વેચતી, તેથી છોકરી તેને સારી રીતે ઓળખતી અને કેટલાયે ઘરાકોમાં નંદન ભલા ફેરિયાને નામે જ ઓળખાતો હતો. નંદનના હાથમાં થાળી દેતાં ડોશી બોલી, ‘જો ને ભાઈ, આનું કાંઈ આવે તો. આ છોકરી માળા માળા કરતી અરધી થઈ ગઈ. એક માળા આપે તો એનું મન રહે.’ ‘અરે માજી, નાની બહેનને માળા જોઈતી હોય, તો મારાથી કાંઈ ના પડાય? થાળીનું ભલેને ગમે તે આવે. તમે તમારે આમાંથી એક માળા લઈ લ્યો,’ એક હાથે થાળી લેતાં અને બીજે હાથે કોથળામાંથી માળાઓ કાઢીને ડોશીની આગળ મૂકતાં નંદન બોલ્યો. ડોશી ને છોકરી માળા પસંદ કરવા લાગ્યાં એટલામાં થાળી તપાસીને નંદને કહ્યું, ‘માજી, આ થાળી જેટલા દામ તો મારી પાસે નથી. આના બે હજાર રૂપિયા તો સહેલાઈથી આવે.’ સાંભળીને ડોશી તો ડઘાઈ જ ગઈ! બોલી, ‘હેં! હેં! શું કહ્યું તેં?’ ‘હા, માજી,’ નંદન બોલ્યો. ‘આ થાળી ચોખ્ખા સોનાની છે. તેના બે હજારથી વધારે ઊપજે, ઓછું નહીં.’ ‘પણ ભાઈ, હજી બે ઘડી પહેલાં જ એક ફેરિયાને બતાવી ત્યારે તે બે આના આપવાનું કહી થાળી પછાડીને ચાલતો થયો. ને તું કહે છે કે સોનાની છે. તારા જેવા ભલા માણસનો હાથ અડતાં સોનાની થઈ ગઈ હોય તો કોણ જાણે. ભાવમાં મને બહુ સમજ ન પડે. તું તારે આ એક માળા ને બાકી તારી આગળ જે કાંઈ થોડાઘણા રૂપિયા હોય તે આપ એટલે થયું. હું વળી બીજાને ક્યાં વેચવા જાઉં?’ ‘એવું હોય તો માજી, આ મારી પાસેના પાંચસો રૂપિયા તમને આપી દઉં છું ને બીજો આ પાંચ સોનો માલ તમારે ત્યાં જ મૂકી જાઉં છું. તમારી થાળી વેચતાં જે કાંઈ ઊપજશે તેમાંથી વાજબી નફો રાખી બાકીના રૂપિયા પણ તમને આપી જઈશ. એ પછી તમારે કાંઈ બક્ષિસ પેટે આપવું હોય તો આપજો.’ એમ કહી હોડીના ભાડા પૂરતા ચાર આના અને ત્રાજવાં સિવાયનું બધું ડોશીને આપી દઈ, થાળી લઈને નંદન ગયો. આ અણધારી વાતથી ડોશી એટલી સ્તબ્ધ બની ગઈ કે માળા ગળામાં ઘાલીને હરખમાં કૂદતી ને ‘મા, જો તો !’ કરીને બોલાવતી છોકરી પણ ઘડીક તો તેની વિચારતંદ્રા તોડવામાં નિષ્ફળ નીવડી. નંદનને ગયાને એકાદ ઘડી માંડ થઈ હશે ત્યાં શંખ ડોશીના ઘરનાં બારણાં પાસે ફરી દેખાયો. તેણે ડોશીને બૂમ મારી, ’અરે ડોશી, નકામો લોભ કર મા ને થાળી લાવ. લાવ, બે આના વધુ આપું છું. ચાર આનાથી કોઈ કાકો એક કોડી પણ વધારે નહીં આપે સમજી કે?’ ડોશીએ આવીને કહ્યું, ‘થાળી તો વેચી દીધી.’ ‘હેં! કોને? કોને?’ ફાટેલા અવાજે શંખના ગળામાંથી સવાલ છૂટ્યો. ‘પેલો ભલો ફેરિયો આવે છે ને? પેલો નંદન? તેને, થાળી સોનાની છે કહીને તે હજાર રૂપિયા જેટલું આપી ગયો.’ ‘કોણ, નંદન? લુચ્ચો! દુષ્ટ! વિશ્વાસઘાતી! ક્યારે મર્યો હતો એ અહીં?’ ક્રોધે ધ્રૂજતા શંખે પૂછ્યું. ‘થોડીક વાર થઈ હશે.’ શંખના દેખાવથી જરા હેબતાઈ જઈને ડોશી બોલી. ‘દુષ્ટનો ટોટો જ પીસી નાખું,’ એમ બરાડતો ત્યાં ને ત્યાં માલનો કોથળો પટકી દઈને, હવામાં મુક્કી વીંઝતો, ગાંડાની જેમ તે ત્યાંથી ભાગ્યો ને તેલવાહા નદીની દિશામાં પૂરપાટ દોડ્યો. હાંફતો હાંફતો શંખ નદીને કાંઠે પહોંચ્યો ત્યારે નંદનને લઈને હોડી દોઢસો — બસો વામ જેટલી ઘાટથી આગળ વધી ચૂકી હતી. ‘હોડીવાળા! એય હોડીવાળા! ઊભી રાખ, હોડી ઊભી રાખ! મને આવવા દે! નીચ નંદનિયા! નાસી ક્યાં જાય છે? વિશ્વાસઘાતી! અધમ! તને મારી નાખીશ! સોનાની થાળી મારી છે, આપી દે! નહીં તો તારું લોહી પીશ! હોડીવાળા! એને પાછો લાવ! દોડો! કોઈ દોડો! નંદનિયાને પકડી લાવો! હાય! હાય! હું લુંટાઈ ગયો! મને મારી નાખ્યો! મરી ગયો રે!’ એમ તે ચીસો પાડવા લાગ્યો. ક્યાંય સુધી ચીસો પાડી ને પછી તે કાંઠા પર ઘડી મૂઠીઓ ઘૂમાવતો દોડે તો ઘડી ભોંય પર આળોટતો છાતી કૂટતો કકળાટ કરે, તો ઘડી ગમે તેવા ચેનચાળા કરતો બબડાટ કરવા માંડે.
અને તે દિવસથી જ્યારે જ્યારે હોડી અંધપુરથી ઉતારુઓને લઈને પાણીનો પટ કાપતી થોડીક આગળ વધતી ત્યારે ત્યારે તરત જ વિખરાયેલા વાળ ને મેલા લઘરવઘર વેશવાળો એક ગાંડો ઘાટ પર ધસી આવતો ને હોડીની દિશામાં લાંબા લાંબા હાથ કરી, ફાટેલા સાદે નંદનનું નામ લઈને ગાળો દેતો. હોડી પાછી વાળવા વીનવતો, સોનાની થાળી માટે રડતો, ઘડીક દોડતો તો ઘડીક આળોટતો અચૂક દેખાતો. ને તે દિવસથી નંદન જ્યારે જ્યારે અંધપુર આવતો ત્યારે ત્યારે એ ગાંડાની સામે કરુણાભરી, દુઃખી નજર પળ બે પળ ઠેરવતો ને પછી સહેજ વિષણ્ણ વદને અને ધીમે પગલે તે ચાલતો થતો.
સુજાતા
સુજાતાની આંખ ઊઘડી ગઈ ત્યારે ઘરમાં હજી બધે અંધારું અને સૂનકાર હતાં. મોટા મહાલયમાં હજી સૌ નિરાંતે ઊંઘતાં હતાં. ક્વચિત્ દૂરથી સંભળાતા કાગડાઓના ‘કો,’ ‘કો’ કે રસ્તા પરનાં રડ્યાંખડ્યાં પગલાંના અવાજ સિવાય મળસ્કાની શાંતિનો હજી કોઈ ભંગ કરતું ન હતું. આથમણી બારીમાંથી વૈશાખી ચૌદશની અખંડ ધારે નિર્ઝરતી ચાંદનીથી શયનખંડની ફરસબંધીનો એક લંબચોરસ ટુકડો નીતર્યા પ્રકાશમાં મઢાઈ ગયો હતો અને તેની આછીઝાંખી આભામાં ઓરડાની બધી ચીજોના અસ્પષ્ટ આકર્ષક આકાર વરતાતા હતા. તંદ્રા ખંખેરતી, વૈશાખી પ્રભાતની મધુર શીતળતા ને શાંતિનો આસ્વાદ લેતી સુજાતા પથારીમાં ઘડીભર જાગતી પડી રહી. રાત્રે પોતે કેટલી મોડી સૂતી હતી? ને તે પણ અમ્માએ જરા ખિજાઈને પરાણે સુવાડી દીધી ત્યારે. અને તોયે એટલા વહેલા પરોઢમાં સૌની પહેલાં એની ઊંઘ ઊડી ગઈ હતી. જ્યાં ઉત્સાહ ને ઉમંગમાં મન કૂદાકૂદ કરી રહ્યું હોય ત્યાં ઊંઘ આવે પણ શેની? પથારીમાં પડ્યા પછી પણ તે ક્યાંય સુધી સવારે ઊઠીને કરવાનાં હજાર કામનાં વિચાર, ભાંજગડ ને ગોઠવણ કરતી રહી હતી. તેને ચિંતા રહ્યા કરતી કે બધું સમુંસૂતરું પાર તો ઊતરશે ને? સારા કામમાં સો વિઘ્ન આવે. વળી મોડેથી આંખ મળ્યા પછી તેના નાનકડા સંજયને માટે તેને એક વાર ઊઠવાનું થયેલું. અત્યારે ઊંઘમાં એનું રૂપાળું મોં કેવું મીઠું લાગે છે! સંજયે આવીને તો પોતાના સુખ પર કળશ ચઢાવી દીધો. પણ ઘરનાં બધાં હજી સુધી સૂઈ કેમ રહ્યાં છે? કેટકેટલું કરવાનું બાકી છે? વધારે મોડું થશે તો કામને પહોંચી નહીં વળાય ને પૂજાનું મુહૂર્ત પણ કેમ સચવાશે? ચાલ, સૌને ઉઠાડું. પ્રભાતના વાયુની ધીમી ધીમી લહર: ઓરડાની ભોંય પર કેવડો પાથરતી મધુર ચાંદની: પડખામાં મીઠી નીંદરમાં પોઢેલા સંજયના હળવા લયબદ્ધ શ્વાસોચ્છ્વાસ. આ બધું માણતાં સુજાતાએ ઘડીક પોતાનાં અંગેઅંગ પર અમીલેપની ટાઢક ઢળતી અનુભવી. તેના શરીરમાં થઈને એક સુખદ કંપારી સોંસરી નીકળી ગઈ. કેટલી સુખી હતી પોતે? ઊજરતી વેલની જેમ, જેમ જેમ તે મોટી થતી ગઈ હતી, તેમ તેમ તેના સુખમાં પણ ઉપરાઉપરી ભરતી આવતી ગઈ હતી. ઉરુવેલા પ્રદેશના સેનાની ગામના મુખીની પોતે એકની એક પુત્રી. કૈંક દેવદેવીઓની માનતા ને શ્રમણસંતોની સેવાપૂજા પછી મુખીને ઘેર તેનાં પગલાં થયેલાં. માતાપિતા ફૂલની જેમ જતન કરતાં હોંશેહોંશે તેનાં નાનાંમોટાં બધાં લાડકોડ પૂરાં કરતાં, મધુરી સ્વપ્નમાળા સમું બચપણ રમતગમત ને મોજમસ્તીમાં જોતજોતાંમાં તો સરી પણ ગયું. અચાનક જ એક દિવસ પોતાનામાં કશો અપૂર્વ ફેરફાર થતો તેને લાગ્યો. અંગોમાં કોઈ નવતર સ્ફુર્તિ, હૈયામાં કોઈ અવનવો ઉલ્લાસ થનગની રહ્યો. પણ આમ યૌવનના ઉંબરમાં હજી તો તેણે માંડ પગ માંડેલા, ત્યારે બનેલો અને તેના સ્મરણમાં જેવો ને તેવો અણિશુદ્ધ કોતરાઈ ગયેલો એક પ્રસંગ અત્યારે તેની સામે હવામાં ભજવાવા લાગ્યો. સુજાતા પડખું ફરી. ગાલમસૂરિયા નીચે હાથ સેરવી તેણે તેના પર માથું બરાબર આશાયેશથી દબાવ્યું, અને ઊઠવાને બદલે ભૂતકાળના એ આખાયે પ્રસંગના કડવાંમીઠાં સ્મરણો પડીપડી રસપૂર્વક માણવા લાગી. એ પ્રસંગ બન્યો ત્યારે આગલે દિવસે રાતના અમ્માએ તેને સમાચાર આપ્યા હતા કે ભદ્રા સાસરેથી પાછી આવી ગઈ છે. ને પોતાની એ બાળપણની સહિયરને મળવા તેનું મન તલપાપડ થઈ રહ્યું. વરનાં કેવાંકેવાં લાડ પામી સાસરીમાં, સૌની સાથે કેવુંક ગોઠ્યું, કેટલી નવી ગોઠણો કરી, એવી ને બીજી હજાર રસીલીરંગીલી વાતો સાંભળવા ને કરવા તેનું હૈયું કૂદાકૂદ કરી રહ્યું. વળતે દિવસ સવારના જ તે ભદ્રાને ત્યાં દોડી ગઈ. પણ ભદ્રાને જોતાં જ તેના પગ ભોંમાં જડાઈ ગયા. આ તે ભદ્રા હતી કે ભદ્રાનું પ્રેત! રૂપ, ચતુરાઈ ને તોફાનમસ્તીમાં પોતાનાથી પણ વહેંત ચડી જાય તેવી લગ્ન પહેલાંની ભદ્રાને બદલે તેની સામે ઊભી હતી એક ફિક્કી, સુકલકડી — ઊંડી ઊતરી ગયેલી પણ હજી મૂળની ચમકને કાંઈક ટકાવી રાખતી આંખો, ગાલનાં ઊપસી આવેલાં હાડકાં, કપડાંમાં ક્યાંક સંતાઈ રહેલું શરીરનું માળખું! એક જ વર્ષમાં આ શો ઉલ્કાપાત થઈ ગયો? કશો રોગદોગ લાગુ પડ્યો હશે? તે એકાએક પોતાના ગળામાં ભરાઈ આવેલો ડૂમો તેણે મહામહેનતે દબાવી દીધો. તે દિવસે ભદ્રાને ત્યાંથી પાછી ફરી ત્યારે પોતે પણ સાવ બદલાઈ ગઈ હતી. સહિયરને ભેટવા દોડતી ગયેલી આશા, ઉત્સાહ ને જોમની મૂર્તિને ઠેકાણે તે ભાંગી પડ્યા જેવી, નિસ્તેજ મોંએ, સૂનમૂન, સુસ્ત પગલે ઘર ભણી જઈ રહી હતી. ભદ્રાને પતિ અને સાસરિયાં તરફથી જે સહેવું પડ્યું હતું તેથી તેનું હૃદય અત્યંત દ્રવતું હતું. પાછાં પડી ગયેલાં માબાપે મોટાં ઘર જોઈને ભદ્રાને આપેલી, વર પણ દેખાવમાં જરાયે ઊતરતો ન હતો. એટલે સાસરાવાળાં બધાં મળીને ભદ્રાની આવી દશા કરશે, તેને આટલું સોસવું પડશે એવી તો કલ્પના પણ ન હતી. ભદ્રા જેવી હસમુખી સમજુ ને સ્નેહાળ છોકરીને કોઈ આવો ત્રાસ આપવા જેટલું દુષ્ટ હોય તે તેના માન્યામાં આવતું ન હતું. ઘેર પહોંચતાં તેણે અમ્મા આગળ ભદ્રાનું આખું પ્રકરણ કહ્યું ને છેવટે ઉકળતા જીવે પૂછ્યું: ‘અમ્મા! અમ્મા! કહે તો ખરી, ભદ્રાને એ લોકો શું કામ રિબાવે છે? આવી દેવકન્યા જેવી છોકરીને અમથાં અમથાં દુઃખ દેતાં તેમનો જીવ કેમ ચાલતો હશે?’ ‘જેવાં જેનાં ભાગ્ય, બહેન,’ અનુભવે રીઢી થયેલી માતા બોલી. ‘નહીં તો વરઘરમાં આમ તો કશું કહેવાપણું નથી. કોને ખબર એ લોકો આવાં નીકળશે?’ ‘પણ કાંઈ વાંક નહીં, દોષ નહીં ને તોય માણસ પર દુઃખનાં ઝાડ ઊગે?’ ‘દુર્ભાગ્ય હોય તો ન થવાનુંયે થાય.’ ‘હવે જોયું દુર્ભાગ્ય! પૂરી તપાસ કર્યા વિના ભદ્રાને આપી દીધી ને પછી વાંક કાઢવો ભાગ્યનો.’ ‘સો તપાસ કરો તોયે લખ્યું હોય તેવું જ મળે, બહેન.’ ‘બળ્યું એ ભાગ્ય!’ સુજાતાએ બળાપો કાઢ્યો. ‘જો તું કહે છે તેવું હોય તો તો પછી આપણા હાથની તો કાંઈ વાત જ નહીં ને? થાય તેમ થવા દેવું ને મૂંગે મોઢે સહી લેવું, એમ જ ને?’ ‘એવું સાવ નથી. દેવતાને ભાવથી પૂજો, દાનદયા કરો, કોઈ સાચવાળા દેવની માનતા રાખો તો તે ફળે ને દુર્ભાગ્યનું સદ્ભાગ્ય પણ થાય. અમારાં વ્રતપૂજા ફળ્યાં, તો અમારાં ભાગ્ય પણ ફર્યાં ને તારા જેવી દીકરીને પગલે વાંઝિયામેણું ટળ્યું, એ તો તું જાણે છે ને?’ પોતે મૂંગી થઈ ગઈ. તેણે જીવતરમાં પહેલી વાર મથામણ, મૂંઝવણ ને દુઃખ અનુભવ્યાં. મન ઉદાસ થઈ વિચારે ચડી ગયું. ક્યાંક પોતાનું પણ ભદ્રા જેવું થાય તો? વિચાર આવતાં તેણે કમકમાટી અનુભવી. અજાણ્યા ભાવિભયથી તેનું સુકુમાર, બિનઅનુભવી હૃદય ફફડી રહ્યું. માતાએ આપેલી સમજણ કોઈ રીતે તેના મનમાં ગોઠવાતી ન હતી, તો વિચારોની ગૂંચવણમાંથી તેને કશો માર્ગ પણ સૂઝતો ન હતો. તે દિવસની આખી રાત કેવી વીતેલી એ સંભારતાં, અત્યારે સુખને હીંડોળે ઝૂલતી સુજાતાએ પણ વિકળતાથી પાસું ફેરવ્યું. ને સંજયને શરીરે મૃદુતાથી હાથ ફેરવી, ફરી તે પોતાની સ્મરણમાળાના મણકા અધૂરા મૂક્યા હતા ત્યાંથી પાછા ગણવા માંડી. એ યાદગાર રાતને અંતે તેણે એક પાકો નિશ્ચય કરી લીધો. ભદ્રાના જેવી પોતાની દશા ન થવા દેવી હોય તો આંખ મીંચીને કેવળ ભાગ્ય ઉપર આધાર ન રાખતાં, મનગમતું ઠેકાણું મળે તે માટે પોતે થઈ શકે તેટલું બધું કરી છૂટવું; વ્રતપૂજા, પૂછપરછ તેમ જ જાતતપાસ, જેટલું થાય તેટલું. ને તે દિવસથી જ તેણે વહેવારની ને સગાંસબંધીની વાતોમાં ધ્યાન આપવાનું અને વ્રતનિયમ આસ્થાપૂર્વક કરવાનું શરૂ કરી દીધું. એટલામાં વૈશાખી પૂનમ આવી, જે દિવસ તેના જીવતરનો મંગળમાં મંગળ દિવસ થવા નિર્માયો હતો ને એમ તેના હૃદય સાથે હંમેશનો જડાઈ ગયો હતો. તે દિવસે તેણે માતાના આગ્રહને માનીને પાદરમાં રહેલા પુરાણા અડાબીડ વડની માનતા રાખેલી કે પોતાને મનગમતો કુલીન વર ને સાસરીનું સુખ મળશે અને પહેલે ખોળે પુત્ર અવતરશે તો પોતે વડદેવતાને ખીરનું નૈવેદ્ય ધરાવશે. ને જોગાનુજોગ તેની માનતા પૂરેપૂરી ફળી! પોતે પણ મળતાં વરઘરની બાબતમાં ચોતરફથી ખાતરી ને પૂછપરછ કર્યા જ કરતી, એ વાત ખરી, પણ તેને જે ઠેકાણું મળ્યું તે એવું સોનામૂલું હતું કે તેમાં દેવતાની પણ કૃપા હોવાનું માન્યા વિના તેનાથી કેમ રહેવાય? તેના ત્રણ વરસના પરણેતરમાં તેણે જે સુખ અનુભવ્યું હતું તેને સ્વર્ગસુખ કહેવામાં તેને ક્શું વધારે પડતું નહોતું લાગતું. ને આ ફૂલના ગોટા જેવા સંજયે આવીને તો તેને ઘેલી જ બનાવી મૂકી હતી. ને સુજાતા પથારીમાં સફાળી બેઠી થઈ ગઈ. જે વડદેવતાએ તેનાં બધાં આશા ને ઓરતા પૂરાં કર્યા હતાં તેની માનતા પૂરી કરવાનો, તેમને નૈવેદ્ય ચડાવવાનો આજે દિવસ હતો. દેવતાએ પોતાને કેટકેટલું આપ્યું હતું! તેની પૂજા પૂરા ઠાઠમાઠથી ન કરે, તેમાં કશી કચાશ રહે તો તેના જેવી નગુણી કોણ? પણ તૈયારી હજી તો અધૂરી જ હતી, ને તોય પોતે તેમ જ ઘરનાં સૌ કશી ચિંતા ન હોય તેમ નિરાંતે સૂતાં હતાં હજી! તે ઝટપટ ઊભી થઈ. માતાને તેમ જ દાસી પૂર્ણાને પણ ઊઠાડ્યાં. પૂજાની સામગ્રી તૈયાર કરવામાં અહીંતહીં ઘૂમાઘૂમ ને બૂમાબૂમ કરી મૂકી. તેના હરખ ને ઉત્સાહના પૂરમાં સૌ તણાવા લાગ્યાં. જાતવાન ગાયનું દૂધ આવી ગયું, તેમાં સુગંધી ચોખા રાંધ્યા અને કેસર, એલચી વગેરે દ્રવ્યો મેળવીને સુવાસિત, સ્વાદિષ્ટ ખીર નૈવેદ્ય માટે કરવામાં આવી. પછી સંજય સહિત પોતે તૈયાર થાય તેટલામાં દાસી પૂર્ણાને વડ નીચેની જગા સાફસૂફ કરી, ત્યાં સુવાસિત જળ છાંટી, ફૂલ વેરીને તેને સુસજ્જ કરવા આગળથી મોકલી આપી.
હવે જોગ એવો બન્યો કે શાક્યરાજ શુદ્ધોદનના પુત્ર સિદ્ધાર્થ ગૌતમ રાજવી વૈભવ તજી દઈ શ્રમણ બન્યા હતા અને છ વરસથી બધાં દુઃખના નાશનો આધ્યાત્મિક માર્ગ શોધતા તપ, સંયમ ને ધ્યાન દ્વારા મથી રહ્યા હતા. તે એ અરસામાં ઉરુવેલા પ્રદેશમાં વિહરતા હતા. વૈશાખી પૂનમને દિવસે તેઓ સેનાની ગામના પેલા પવિત્ર મનાતા વડની નીચે ધ્યાનાવસ્થામાં બેઠા હતા. અમર્યાદ દેહદમનનો માર્ગ સાચો ન લાગતાં તેઓ કેટલાક દિવસથી પરિમિત આહાર લેતા હતા ને તેથી તેમની પહેલાંની મુખકાંતિ પાછી આવી હતી. તેમાં વળી સત્યના સાક્ષાત્કારમાંથી પરિણમતા આંતરિક સંવાદનું તેજ ભળતાં તે ઓર દીપતી હતી. કોઈ સૌમ્યમૂર્તિ દેવતા લોકકલ્યાણ માટે વડ નીચે ધ્યાન લગાવીને બેસી ગયા હોય તેવો ભાસ શ્રમણ ગૌતમને અત્યારે જોનારને થતો.
ને સુજાતાની મોકલેલી પૂર્ણા વડ પાસે આવી પહોંચી, ત્યારે તેણેયે એમ જ માની લીધું. અચંબામાં તેનું મોં ખૂલી ગયું: ખરેખર, સુજાતાના ભાગ્યનો સૂરજ પૂરા તેજે તપે છે! જુઓ ને, તેનું નૈવેદ્ય સ્વીકારવા દેવતા જાતે જ રૂપ ધરીને અહી બેસી ગયા છે!’ આવું માનીને બે હાથ જોડી તેણે પ્રણામ કર્યા ને હરખથી અરધીઅરધી થઈ જતી તે સુજાતાને બોલાવવા દોડી. ઘરમાં પેસતાં સુજાતાને જોઈ તેવી જ તે એકશ્વાસે બોલવા માંડી: ‘અરે, સ્વામિની! દોડ, દોડ! એક પળ પણ ન ગુમાવ. તારાં ભાગ્ય તો પૂરાં ઊઘડી ગયાં. આપણું નૈવેદ્ય સ્વીકારવા સાક્ષાત્ દેવતા વડ નીચે પ્રગટ થયા છે અને આસન લગાવીને તારી વાટ જોતા બેઠા છે. ચાલ, ઝટપટ બધી સામગ્રી લઈને આપણે દોડીએ.’ ‘શું વાત કરે છે તું? કાંઈ ઘેલી તો નથી થઈ ગઈ ને?’ ન મનાય એવી વાત કરતી પૂર્ણાને હસી કાઢતાં સુજાતા બોલી, ‘એમ દેવતા રસ્તામાં પડ્યા હશે! તારી પણ અક્કલ ઠેકાણે નથી લાગતી.’ ‘હું ઘેલી કે ગાંડી કશું નથી થઈ ગઈ. મારા કહેવામાં તને વિશ્વાસ ન બેસતો હોય તો તું કહે તેવા શપથ લેવા તૈયાર છું. ને છતાં તું આવીશ નહીં ને દેવતા અદૃશ્ય થઈ જશે, તો આવી સોનાની તક ગુમાવ્યા બદલ સદાનો પસ્તાવો રહી જશે એ નક્કી. પછી મને દોષ ન દેતી.’ ‘તું બરોબર પાસે જઈને જાતે જોઈ આવી કે આઘેથી જ કોઈકને ભાળીને ગમે તે માની બેસી અહીં દોડી આવી?’ સુજાતાને હજી પૂરેપૂરી શંકા હતી. ‘સ્વામિની, તું બીજી વાત જવા દે ને જાતે જ આવીને ખાતરી કર. કોઈની વાટ જોયા વિના ઝટ નૈવેદ્ય લઈ લે. હું પૂજાસામગ્રીના થાળને ને સંજયને ઉપાડું છું, ચાલ.’ ને અરધી શંકાશીલ, તો અરધી સુખ પર સુખની હેલી આવ્યે જતી હોવાથી સાચું માનવા તરફ ઢળતી સુજાતાએ ખીરનું સુવર્ણપાત્ર પોતાના માથા પર લીધું. પૂર્ણાએ પૂજાસામગ્રી ને સંજયને ઊંચક્યાં ને બંનેએ બીજા કોઈને પણ બોલાવ્યા વિના, કશા ઠાઠમાઠ વગર વડ ભણી ઉતાવળે પગલાં ભર્યાં. વડ નીચેની તેજસ્વી, શાંત, ધ્યાની મૂર્તિને જોઈને સુજાતાને હવે દાસીની વાત ગળે ઊતરી ગઈ. તેની આંખમાં આનંદાક્ષુ ઊભરાઈ આવ્યાં. દાસીએ શ્રમણ ગૌતમની આસપાસની જગ્યા સંભાળથી સ્વચ્છ કરી, જળ છાંટ્યું, પુષ્પો વેર્યાં. સુજાતાએ ધૂપદીપ ને નૈવેદ્ય ધર્યાં. ભક્તિભાવ ને હરખના આવેશમાં બંને મોટેમોટેથી રાગ કાઢી સ્તુતિ બોલવા લાગ્યાં. આ બધી ધમાલ ને ગરબડથી શ્રમણ ગૌતમનું ધ્યાન છૂટી ગયું. તેમણે આંખો ખોલી આસપાસ મૃદુ, સ્વસ્થ દૃષ્ટિ ફેરવી. પોતાની દેવની જેમ પૂજા થતી જોઈને કાંઈક સમજફેર થયાનો ખ્યાલ તેમને આવી ગયો. ધ્યાનસ્થ મૂર્તિએ આંખ ઉઘાડી અને તેમના મુખભાવમાં ફેરફાર થયો તે સુજાતાએ જોયું ને તે પણ કાંઈક એકાએક પામી ગઈ કે જેને તેમણે સાક્ષાત્ દેવતા માની લીધા છે તે દેવતા નથી, પણ કોઈ અતિ પવિત્ર સિદ્ધ પુરુષ કે તપસ્વી મહાત્મા છે. એટલામાં શ્રમણ ગૌતમ આછા સ્મિત સાથે ધીરે સ્વરે તેના પ્રત્યે જોઈને બોલ્યા: ‘ભદ્રે! તું આ બધું શું કરી રહી છે?’ ‘ભગવન્! આપ આ વડનું દેવતારૂપ ધરીને અહીં પ્રગટ થયા છો એવી ખબર મળી, એટલે મેં માનેલું નૈવેદ્ય ધરાવવા હું ઝટપટ દોડી આવી છું. કૃપા કરીને મારું નૈવેદ્ય સ્વીકારો.’ ‘ભદ્રે! તારી સમજ બરાબર નથી. આ દેહ કોઈ દેવતાનો નહીં, પણ મનુષ્યનો છે — જોકે મનુષ્ય તેમ જ દેવ સૌ મરણધર્મા છે, ક્ષણિક છે. હું શ્રમણ છું, અને જીવનમરણના ફેરામાંથી છૂટવાનો, દુઃખમાત્રનો અંત લાવવાનો ઉપાય શોધી રહ્યો છું.’ ‘ભદંત! અમે અજાણતાં એકને બદલે બીજું સમજી બેઠાં એ આપે સાચું કહ્યું. પણ તેમાં અમને લાભ જ થયો છે. આપ વડદેવતા નથી અને શ્રમણ છો તેથી શું થઈ ગયું? પવિત્ર મહાત્માને ઘરેલું નૈવેદ્ય મારા દેવતાને પહોંચવાનું જ, ને એમની કૃપા મારા પર સદૈવ વરસવાની જ; એટલે આ નૈવેદ્ય આપ ભિક્ષામાં સ્વીકારો. સાચા અંતરથી હું કહું છું કે મારી બધી કામનાઓ જેમ પૂરી થઈ તેમ, ભદંત! આપની પણ થજો. આપનું તપ ફળજો ને લોકોના કલ્યાણનો માર્ગ આપ શોધી રહ્યા છો તે આપને ઝટ મળશે!’ પૂર્ણ શ્રદ્ધા, ભક્તિ ને પૂજ્યભાવથી અપાયેલી એ ભિક્ષા શ્રમણ ગૌતમ સ્વીકારી. સંજયને પગે લગાડી, પોતે પ્રણામ કરી, ધન્યતા અનુભવતી સુજાતા દાસી સાથે પાછી ફરી. સુજાતાની ભવિષ્યવાણી જેવી અંતરની આશિષ જાણે કે ફળી હોય તેમ તે જ રાત્રે શ્રમણ ગૌતમને બધાં સંશયશંકાને ઓગાળી નાખતું, અંતરને અજવાળાથી ભરી દેતું, દુઃખમાત્રનો અંત આણી અનંત, પરમ સુખનો માર્ગ બતાવતું કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તેઓ સર્વજ્ઞ થયા, બુદ્ધ થયા. અને ભગવાન બુદ્ધને બુદ્ધપદની પ્રાપ્તિ થઈ તે પહેલાંની અંતિમ ભિક્ષા ઊંડી આસ્થા ને સદ્ભાવથી આપવા માટે સુજાતા અનન્ય જશ અને કીર્તિનું ભાજન બની.
બંધુલ અને મલ્લિકા
સેનાપતિ બંધુલ નહીં, પણ બંધુલમલ્લ કહો તો જ એની સાચી ઓળખાણ આપી શકાય. બંધુલમલ્લનો એક મુખ્ય સિદ્ધાંત એ હતો કે એક વિચાર તેના મગજમાં આવે અને તેનો તે અમલ કરે તે વચ્ચે ઓછામાં ઓછો ગાળો રહેવો જોઈએ. બંધુલમલ્લના આ સદ્ગુણની અનેક વાતો શ્રાવસ્તીના લોકોમાં પ્રચલિત હતી. કહે છે કે બંધુલમલ્લને એક દિવસ એકાએક ખ્યાલ આવ્યો કે એની સ્ત્રી મલ્લિકા વાંઝણી રહી છે. થયું. તેણે તરત જ મલ્લિકાને બોલાવી આજ્ઞા કરી, ‘જા! ચાલી જા તારે પિયર, કુશીનારા.’ પણ કોસલરાજના આ સેનાપતિની પત્ની વળી કોઈ જુદી જ માટીની મૂર્તિ હતી. ને બંધુલની તો એ રગેરગ જાણતી. જરા પણ ઓછું આણ્યા વિના તેણે કહ્યું, ‘એક વાર ભગવાન બુદ્ધનાં દર્શન કરી લઉં ને પછી જાઉં.’ મલ્લિકા જેતવનમાં આવી. તથાગતને વંદન કરી એક કોર ઊભી રહી. ‘કેમ જવાનું થયું?’ તથાગતે પૂછ્યું. ‘ભદંત! મારા પતિ મને પિયર મોકલી દે છે.’ ‘કશું કારણ?’ ‘મને સંતાન નથી થતું તેથી, ભદંત!’ ‘એટલું જ હોય તો તારે જવાની જરૂર નથી. તું તારે ઘરે પાછી જા.’ સંતુષ્ટ થઈ મલ્લિકા ઘરે આવી. જોતાંવેંત બંધુલમલ્લ તડૂક્યા: ‘કાં તું પાછી આવી?’ ‘તથાગતે પાછી વાળી, સ્વામી.’ તથાગતનું નામ આવ્યું એટલે બંધુલમલ્લ થઈ ગયા ચૂપ. તથાગતના શબ્દમાં બંધુલમલ્લને શ્રદ્ધા — અખૂટ શ્રદ્ધા. અને એ શ્રદ્ધા તે વખતે તો બરાબર ફળી. તેમાં કોઈ જરા પણ હા-ના કરી શકે તેમ ન હતું. કેમ કે એ પછી ટૂંક સમયમાં જ મલ્લિકા સગર્ભા થઈ ને તેને પુત્રોનું યુગલ અવતર્યું. પણ મલ્લિકા સગર્ભા હતી તે વેળા બંધુલમલ્લને તેનું વિચિત્ર દોહદ — સગર્ભાસ્થામાં થતી પ્રબળ સ્પૃહા — કેવાં પરાક્રમ કરીને પૂરેલું, તેની વાત તો શ્રાવસ્તીનું નાનું છોકરું પણ જાણતું. તેમ પહેલ વહેલાં શ્રાવસ્તીમાં આવ્યા હો તો કોઈ નહીં ને કોઈ શ્રાવસ્તીવાસીને મોઢેથી બંધુલના આ પરાક્રમની વાત સાંભળવાના જ. દોહદ તો સૌ સગર્ભા સ્ત્રીને થાય. પણ આ તો સેનાપતિ બંધુલમલ્લની સ્ત્રી, તેનું દોહદ પણ સેનાપતિના નામને શોભાવે એવું જોઈએ ને? સગર્ભા મલ્લિકાને એવી ઉત્કટ ઇચ્છા થઈ કે વૈશાલીના લિચ્છવિ ગણરાજાઓનો અભિષેક જે સરોવરના જળથી થતો, ને જેનો સ્પર્શ કરવાનો પણ બીજા કોઈને અધિકાર ન હતો, તેમાં સ્નાન કરું અને તેનું જળ પીઉં! તેણે બંધુલને પોતાની ઇચ્છા જણાવી. બંધુલ તો ભૂત સાથે પણ બાથ ભીડવાની તક શોધનારો. વાત કરી એટલી જ વાર. ઉપાડ્યું ધનુષ્ય — અને એનું ધનુષ્ય પણ કેવું, જાણો છો? હજાર સાધારણ ધનુષ્યોના કૂચા થઈ જાય તોયે બંધુલનું ધનુષ્ય ન તૂટે! ધનુષ્ય લઈ, રથ જોતરી, મલ્લિકાને કહ્યું, ‘ચાલ, બેસી જા રથમાં.’ ને રથ મારી મૂક્યો. વાતવાતમાં તો શ્રાવસ્તી છોડી ને રથ વૈશાલી પહોંચી ગયો. પણ વૈશાલી તો ગમે તે પહોંચી જાય. ખરો ખેલ તો પછી જ શરૂ થાય તેમ હતો. લિચ્છવિઓની વૈશાલીમાં પ્રવેશ કરી તેમની પવિત્ર પુષ્કરિણીમાં નહાવાનું નામ લેવું તે કરતાં સિંહની બોડમાં હાથ ઘાલવાનું કામ ઘણું વધારે સરળ ગણાતું. પહેલું તો નગરદ્વાર પર જ આંધળા લિચ્છવિ મહાલિની ચોકી હતી. આ મહાલિ હતો તો આંધળો, પણ વિચક્ષણ એટલો કે દરવાજો વટીને એક ચલ્લુંયે ફરકે તો તેની જાણ એને થયા વિના ન રહે! લિચ્છવિ રાજાઓ એને પૂછીને જ પાણી પીતા. ને ઓછામાં પૂરું બંધુલે ને એણે સાથે વિદ્યાધ્યયન કરેલું. એટલે જેવો બંધુલનો રથ દ્વારને વટાવતો પસાર થયો તેવો જ મહાલિ બોલી ઊઠ્યો, ‘અરે! આ ઘરઘરાટ તો બંધુલમલ્લના જ રથનો. લિચ્છવિઓ! સાવધાન!’ આ પછી બંધુલને જે બીજો ગઢ સર કરવાનો હતો તે પુષ્કરિણીની ફરતી શસ્ત્રસજ્જ સૈનિકોની ચોકી. ને ત્રીજો ગઢ તે પુષ્કરિણીની ઉપર જડેલી લોખંડની જાળી. ઉપરથી આવીને કોઈ પંખી પણ પાણીને અભડાવી ન શકે! પણ બંધુલમલ્લ આગળ એવા સો અંતરાયોની પણ શી વિસાત? પુષ્કરિણીની પાસે આવતાં તેણે આંખના પલકારામાં જ થોડાક રક્ષકોનો સોથ કાઢ્યો. એકદમ અણધાર્યા આ આક્રમણથી રક્ષકોમાં નાસભાગ થઈ. પછી ખડ્ગના બેચાર ઝટકાથી લોહજાળીને ભેદી માર્ગ કર્યો. મલ્લિકા નાહી. ધરાઈને જળ પીધું. બંધુલે પણ ડૂબકી મારી લીધી. ને ફરી બંને રથમાં બેસી જે રસ્તે આવ્યા હતા તે રસ્તે પાછા ઊપડ્યા. બધું પૂરતી આસાનીથી પતી ગયું. રક્ષકોએ પૂરઝડપે લિચ્છવિઓને સમાચાર પહોંચાડ્યા. દોડધામ મચી રહી ને પાંચ સો લિચ્છવિ રાજાઓ રથ જોડી બંધુલને પકડવા ઊપડ્યા. હમણાં જ એની ધૃષ્ટતાનું ફળ એને બરાબર ચખાડીએ. બંધુલના પ્રચંડ શરીર — બળની, બાણાવળી તરીકેની તેની અસાધારણ નિપુણતાની, અને તેના અદ્ભુત ધનુષ્યની વાત કરી અંધ મહાલિએ તેમને વાર્યા, ‘ડાહ્યા હો તો બંધુલને પડખે ચડવાનો વિચાર માંડી વાળો. તમને બધાને એ એકલો પૂરો પડશે.’ ‘નહીં, અમે તો જવાના જ!’ કાળથી ઘેરાયેલા લિચ્છવિઓ બીજો ઉત્તર કેમ આપી શકે? પરિણામ પહેલેથી જ નક્કી થઈ ગયું હતું. પાંચસોમાંથી એક પણ જીવતો પાછો ન ફર્યો. ને તમે માનો કે ન માનો, પણ લિચ્છવિઓ સાથેના એ બખેડામાં બંધુલે પાંચ સોયે જણને એક જ બાણથી વીંધી નાખેલા, ને તે પણ એવા ચાતુર્યથી કે લિચ્છવિઓને વીંધાયાની ખબર પણ ન પડી — માત્ર કટિબંધ છોડ્યો એટલે સૌ ઢગલો થઈને પડ્યા! આ અમારા સેનાપતિ બંધુલમલ્લ. બોલો, છે એનો જોટો બીજે ક્યાંય? અને શ્રાવસ્તીવાસીઓ પાસે તો બંધુલમલ્લની આવી એકએકથી ચડી જાય તેવી વાતોનો ભંડાર છે. તેઓ બંધુલને નામે જે પરાક્રમો ને કહાણીઓ વર્ણવે છે, તેમાંથી ઘણાંની તો બિચારા બંધુલને પોતાને પણ જાણ નહીં હોય! તમે શ્રાવસ્તીના ન હો ને આવી વાતોને જોડી કાઢેલી માનો એ બને ખરું, પણ તેમાંની એક વાત તો સૌના દેખતાં જ બનેલી. એટલે એમાં તો શંકાને કશું સ્થાન જ નથી. ને એ વાત બંધુલની કીર્તિ પર કળશ ચડાવે તેવી છે, એમ તમે પણ સ્વીકાર્યા વિના નહીં રહો. કેમ કે તે દિવસે અન્યાયનો ભોગ થઈ પડેલા ગરીબડા કૌશિકની વહારે ધાવાના બંધુલના સાવ અણધાર્યા પગલાથી તો રાજકર્મચારીઓના જગતમાં મોટી ઊથલપાથલ મચી ગયેલી. ઠેઠ મહારાજા સુધી બધી વાત પહોંચી ગયેલી. કેટલાંયે પોકળો ખુલ્લાં પડેલાં. સંખ્યાબંધ લાંચિયા ન્યાયાધિકારીઓ પદભ્રષ્ટ થયેલા. પણ એ વાત વળી કોઈ બીજે પ્રસંગે કરીશું. એ બનાવનું એક ખાસ પરિણામ એ આવ્યું કે સેનાપતિપદ ઉપરાંત મુખ્ય ન્યાયાધિકારીનું પદ પણ બંધુલને સોંપાયું. તેની લોકપ્રિયતામાં નવો જુવાળ આવ્યો. હાથમાં ધરાઈ જાય એટલી સત્તા, મોંમાગી લોકપ્રિયતા. સ્ત્રીનું પૂરું સુખ. પુત્રો પણ અનેક થયેલા ને બધા પાછા બંધુલ જેવા સમર્થ ને સાહસી. આમ બંધુલ જીવનની ધન્યતા પૂર્ણકળાએ અનુભવી રહ્યો હતો. પણ ચડતીપડતીની ઘટમાળમાંથી કોણ બચ્યું છે? ને બંધુલનાં ઐશ્વર્ય ને સુખ એટલાં વધી ગયેલાં કે સ્વયં વિધાતાને પણ તેની અદેખાઈ આવે. તો પછી પેલા પદભ્રષ્ટ થયેલા લાંચિયા અધિકારીઓ ઈર્ષ્યાથી બળે તેમાં શું અચરજ? પદભ્રષ્ટ અધિકારીઓએ બંધુલની વિરુદ્ધ રાજાના કાન ભંભેરવાનો એક પણ પ્રસંગ જવા ન દીધો. રાજાને ભરમાવ્યો કે સર્વાધિકારી જેવો થઈ પડેલો બંધુલ કયે દિવસે તમારું સંહાિસન પણ ખૂંચવી લેશે તેનું કાંઈ કહેવાય નહીં. અને એ દુણાયેલા અધિકારીઓને રાજા વિરુદ્ધના બંધુલે ગોઠવેલા કાવતરાની આછીપાતળી ગંધ પણ આવવા લાગી. વાત વહેમી રાજાને ગળે ઊતરી ગઈ. તેણે બંધુલનો અને તેના પુત્રોનો ઘાટ ઘડી નાખવાની ગોઠવણ કરી. ગુપ્ત રીતે પોતાના માણસો મોકલી રાજાએ સીમાડાના પ્રાંતોમાં એક બળવા જેવું કરાવ્યું, ને બંધુલને તે બળવો તરત દબાવી દેવાની આજ્ઞા દીધી. પુત્રો સહિત બંધુલ ઊપડ્યો. સાથે રાજાએ પોતાના વિશ્વાસુ માણસો મોકલ્યા ને તેમને સૂચના દીધી કે લાગ આવે ત્યારે બંધુલ અને તેના પુત્રોનું કાસળ કાઢી નાખવું. બંધુલે જઈને સીમાપ્રદેશના લોકોમાં ફરી શાંતિ સ્થાપી — જો કે ચળવળિયાઓ તો રાજાનો ગુપ્ત સંદેશો મળતાં નાસી છૂટેલા. બધી રીતે વ્યવસ્થા કરી બંધુલ પાછો ફર્યો. પણ શ્રાવસ્તી થોડે દૂર રહી ત્યાં લાગ મળતાં તેને તેમ જ તેમના પુત્રોને રાજપુરુષોએ રહેંસી નાખ્યા. આ વજ્રપાત સમી ઘટનાના સમાચાર મલ્લિકાને પહોંચાડવા બંધુલના એક વિશ્વાસુએ અનુચર દોડાવ્યો. જે દિવસે આ ઘટના બની તે દિવસે જ મલ્લિકાને ત્યાં પાંચસો ભિક્ષુઓ અને તથાગતના એક પટ્ટશિષ્ય ભોજન લેવાના હતા. નિમંત્રણ આગળથી જ આપી રાખેલું હતું. બધી તૈયારીઓ આગલા દિવસથી થઈ ચૂકી હતી. દિવસનો એક પહોર ચડ્યો ત્યાં અનુચર સંદેશો લઈને આવી પહોંચ્યો. મલ્લિકાએ પત્ર ઉઘાડી વાંચ્યો. તેના હૃદયની ગતિ જાણે કે થંભી ગઈ. અંધારાં આવ્યાં. બાજુની થાંભલીનો જેમતેમ ટેકો લઈ નિર્જીવવત્ તે ઊભી રહી. ક્ષણો વીતી ગઈ. જડતા ખંખેરી એક પણ અક્ષર બોલ્યા વિના તેણે પત્ર કટિવસ્ત્રની ઓટીમાં ચડાવ્યો. ધીમી પણ દૃઢ ગતિએ તે અંદર ગઈ અને પૂર્વવત્ વ્યવસ્થામાં લાગી ગઈ. સમય થતાં નિમંત્રિત ભિક્ષુઓ આવી પહોંચ્યા. સૌનો આદરસત્કાર થયો. યોગ્ય આસન અપાયાં. ભાત પીરસાઈ ગયો, એટલે ઘી પીરસવાનું શરૂ થયું. એક અનુચર ઘૃતપાત્ર લઈને આવતો હતો, ત્યાં સહેજ ઉતાવળમાં તે બીજાની સાથે અથડાયો ને એ સ્થવિરોના આચાર્યની સામે જ તેના હાથમાંનું પાત્ર પડી જઈ ટુકડે ટુકડા થઈ ગયું. મલ્લિકાને પાત્ર ભાંગી ગયું તે સાલશે ને તે ઉગ્ર થઈ, અનુચરને બેચાર કડવાં વચન કહેશે એમ સમજી આચાર્ય બોલ્યા, ‘હશે. જેનો ફૂટવાનો ધર્મ હતો એ ફૂટી ગયું. એથી તમે મનમાં કશું ન લાવશો.’ ને આચાર્યના કહેવાનો ધ્વનિ મલ્લિકાએ તરત પકડ્યો. હૃદય ગમે તેમ કરી દૃઢ રાખીને તે આ પ્રસંગ પાર પાડી રહી હતી. તેના મનની સ્થિતિ અત્યંત નાજુક હતી. તેમાં આ શબ્દોએ તેને તીવ આઘાત પહોંચાડ્યો. કાંપતે હાથે તેણે વસ્ત્રની ઓટીમાંથી પેલો પત્ર કાઢી આચાર્ય સામે ધરતાં ધીમા સ્વરે કહ્યું, ‘ભદંત! આ સમાચાર આવતાં પણ મેં એક શબ્દેય નથી ઉચ્ચાર્યો, તો એક અમસ્તું ઘીનું પાત્ર ફૂટી જવાથી હું શું મનમાં લગાડવાની હતી?’ આચાર્યે પત્ર વાંચ્યો. શોકસમાચાર પ્રગટ કર્યા. મલ્લિકાની ધૃતિની પ્રશંસા કરી. તેમણે પ્રસંગને યોગ્ય ધર્મદેશનાનાં વચનો કહ્યાં. ભોજનપ્રસંગ સમાપ્ત થયો. મલ્લિકાએ પુત્રવધૂઓને બોલાવી કહ્યું, ‘તમારા પતિ નિર્દોષ હતા, પણ તેમને તેમનાં પૂર્વકર્મનું ફળ મળ્યું છે. તો શોક ન કરશો, કે રાજાનું કૂડું ઇચ્છી, રાજાએ કર્યું તેથી પણ વધી જાય તેવું માનસિક પાપ ન કરશો.’ મલ્લિકાની આવી જ્ઞાન દૃષ્ટિ ને ક્ષમાશીલતાની જાણ થતાં રાજાને પણ પોતાના દુષ્કૃત્ય માટે અનુતાપ થયો. તે મલ્લિકાને ત્યાં ગયો, તેની ક્ષમા માગી, તેની ઇચ્છા અનુસાર તેને અને તેની પુત્રવધૂઓને પિયર જવાનો પ્રબંધ કરી આપ્યો, અને પોતાને હાથે થયેલો અન્યાય કાંઈક ધોવાય એ દૃષ્ટિ એ બંધુલના જ ભાણેજ દીર્ઘકારાયણને સેનાપતિપદે સ્થાપ્યો.
વિષનું મારણ
આજે ભાદરવી પૂનમ. ઉત્તરાને પરણીને આવ્યાને આજે બે માસ પણ થઈ ગયા. આજથી બે માસ પહેલાં આષાઢી પૂર્ણિમાને દિને ઉત્તરાએ રાજગૃહના કોટિપતિ સુમનશ્રેષ્ઠીના મહાલયમાં તેની પુત્રવધૂ તરીકે પગ મૂક્યો હતો. એ પ્રથમ પ્રવેશ વેળા કેટલા ઉમંગથી, કેટલા કેટલા કોડથી તેનું હૃદય થનગનતું હતું! અને અત્યારે? અત્યારે ઉત્તરાના મનમાં એક જ વિચાર વારંવાર સ્ફુર્યા કરતો હતો, ‘મારા જેવી હતભાગિની કોઈ હશે ખરી?’ એકાદ માસથી તો તેની પથારીને તેનાં ઊનાં ઊનાં આંસુથી નિયમિત ભીંજાવાની ટેવ પડી ગઈ હતી. તેના પિતા પૂર્ણશ્રેષ્ઠી કેટલી ઊંડી સમજવાળા, કેટલા દૂરદર્શી હતા તે ઉત્તરાએ પોતાને ભોગે હવે બરાબર જાણ્યું. કેમ કે પૂર્ણશ્રેષ્ઠી પહેલેથી જ ઉત્તરાને અહીં આપવાની વિરુદ્ધ હતા. જે દિવસે પહેલી વાર સુમનશ્રેષ્ઠીએ તેમની પાસે પોતાના પુત્ર માટે ઉત્તરાના હાથની માગણી કરી તે દિવસે જ તેમણે તેમને ના કહેવરાવી દીધેલી, ને પછી સુમનશ્રેષ્ઠીએ એ બાબતમાં વળીવળીને આગ્રહ કર્યો, તો પણ તેની સામે તેઓ ટકી રહેલા. કારણ ઉઘાડું હતું. પૂર્ણશ્રેષ્ઠીના કુટુંબનાં સૌ ભગવાન બુદ્ધનાં પૂર્ણ શ્રદ્ધાળુ ઉપાસક હતાં. જ્યારે સુમનશ્રેષ્ઠી હતા, વિધર્મી. એમની પાસે પૈસો ને પ્રતિષ્ઠા ગમે તેટલાં હોય તો ય શું? એમને ત્યાં આપતાં એમની લાડકી ધર્મિષ્ઠ ઉત્તરાનું ભાવિક મન ડગલે ને પગલે દુભાયા વિના ન રહે. આ વાત તેમની અનુભવી નજર આગળ દીવા જેવી દેખાતી હતી. પણ તેમના સ્નેહીમંડળમાંના બીજા શ્રેષ્ઠીઓ, ભંડારીઓ ને ઇતર રાજપુરુષોએ સુમનશ્રેષ્ઠી સાથે સંબંધ ન બગાડવા તેમને ખૂબ સમજાવેલા. એટલે પછી જેમતેમ મન મનાવીને તેમણે સુમનશ્રેષ્ઠીનું માગું સ્વીકારેલું. ને તેમના પુત્ર સાથે ઉત્તરાનો વિવાહ કરી આપેલો. પણ બે માસમાં જ પિતાની આશંકા કેટલી સાચી હતી તેનો ઉત્તરાને ગળા સુધી અનુભવ થઈ ગયો. આ સાઠ દિવસમાં એ એક વાર પણ નહોતી ભિક્ષુ કે ભિક્ષુણીનાં દર્શન પામી શકી, નહોતી કાંઈ દાનપુણ્ય કરી શકી કે નહોતી શ્રમણોની ધર્મદેશના સાંભળી શકી. તેના સ્વામીની સેવાશુશ્રૂષામાં ને તેની સાથે ભોગોપભોગમાં જ દિવસરાત વીતી જતાં. ઘરનું વાતાવરણ જ વૈભવવિલાસનું હતું. દાન ને નાશ: સુમનશ્રેષ્ઠીને ત્યાં દ્રવ્યની એ બે ગતિથી જાણે કે બચવા માટે ત્રીજી ગતિ ભોગની પાછળ જ બધો વ્યય થતો. એટલે ધર્મકૃત્યની દિશામાં ઉત્તરાને ઘર તરફથી કોઈ અનુકૂળતા મળવાની આશા જ બંધાય તેમ ન હતું. એમ ને એમ વળી પંદરેક દિવસ નીકળી ગયા. હવે તો ઉત્તરા પૂરેપૂરી અકળાઈ ગઈ હતી. આ ગૂંગળામણનો અંત કેમે કરી આવશે ખરો? તેણે પરિચારિકાઓને પૂછ્યું, ‘ચાતુર્માસને કેટલા દિવસ હવે બાકી રહ્યા?’ ‘પંદર દિવસ, આર્યા.’ ઉત્તર મળ્યો. શું ત્યારે આખું ચાતુર્માસ પુણ્યકર્મ વિના કોરેકોરું જશે? કાંઈ ઉપાય ન સૂઝતાં ઉત્તરાએ પિતાને સંદેશો મોકલી હૃદયવરાળ કાઢી, ‘તમે મને શા માટે આવા કારાગૃહમાં નાખી? આવા નાસ્તિકોના કુળમાં નાખવા કરતાં છાપ લગાવીને મને દાસી તરીકે જાહેર કરી હોત તો પણ વધારે સારું હતું. અહીં આવી ત્યારથી માંડીને આજ સુધીમાં નથી મેં કોઈ ભિક્ષુનાં દર્શન કર્યાં કે નથી મને એક પણ પુણ્યકર્મ કરવાની તક મળી.’ પુત્રીને દુઃખી જાણી પૂર્ણશ્રેષ્ઠી ઘણા ખિન્ન થયા. તેમને ભીતિ હતી તે સાચી ઠરી. પણ હવે થયું અણથયું થાય તેમ તો ન હતું. તો પછી શું કરવું? તેમની વ્યવહારકુશળ બુદ્ધિએ માર્ગ ખોળી કાઢ્યો. ઉત્તરાને પંદર હજાર કાર્ષાપણની એક થેલી મોકલી સાથે કહેવરાવ્યું, ‘આપણી નગરીમાં શ્રીમતી નામે એક ગણિકા છે, તે એક રાતના એક હજાર કાર્ષાપણ લે છે. તો આ દ્રવ્યથી તું તેને કામમાં લે. પંદર દિવસ તારા પતિની સેવામાં તારે સ્થાને તેને મૂકી એટલા દિવસ તું પુણ્યકાર્યમાં ગાળજે.’ પિતા તરફથી આવેલો સંદેશો ઉત્તરાએ ઉત્સાહથી વધાવી લીધો. તરત જ ગણિકા શ્રીમતીને બોલાવી મગાવી ને કહ્યું, ‘ભદ્રે! તું આ દ્રવ્ય લઈને બદલામાં એક પખવાડિયું મારા સ્વામીની પરિચર્યા કરવાનું સ્વીકાર. મારે માટે એટલું સખીકૃત્ય કર.’ ‘સારું.’ કહી શ્રીમતીએ સાટું માન્ય રાખ્યું. એટલે ઉત્તરા શ્રીમતીને સાથે લઈને સ્વામી પાસે ગઈ. તેના મનમાં થોડીક ભીતિ હતી. આ ગોઠવણ પાર ઊતરશે ખરી? કોઈ અજાણી સુંદરી સાથે ઉત્તરાને આવેલી જોતાં સ્વામીની રસવૃત્તિ સળકી. તે બોલી ઊઠ્યો, ‘કેમ શું છે?’ ‘સ્વામિન્’ ઉત્તરાના સ્વરમાં જેટલો સંકોચ હતો, તેટલી મીઠાશ હતી. ‘અનુજ્ઞા આપો તો આ પખવાડિયા પૂરતી આ મારી સહાયિકાને મારી બદલીમાં તમારી પરિચર્યામાં મૂકું. મારે આ પંદર દિવસ દાનપુણ્ય ને ધર્મધ્યાનમાં જ ગાળવાનું મન છે.’ વાત જરા વિચિત્ર હતી. રંગીલા શ્રેષ્ઠીપુત્રે શ્રીમતી ઉપર નજર ઠેરવી. નખશિખ સુંદરતાની મૂર્તિ સમી શ્રીમતીને જોઈને તે પાણી પાણી થઈ ગયો. વિના પ્રયાસે, વિના ઉપાધિએ દૈવે આ અમૃતફળ તેના મુખ આગળ ધર્યું, પછી શા માટે જતું કરવું? કાંઈક અણગમાના દેખાવ સાથે તે બોલ્યો, ‘તનેયે સુખે રહેતાં આવડતું નથી લાગતું. એ ધરમના ઢોંગ — ધુતારાને રવાડે ક્યાં ચડી? પણ તારી એટલી બધી હોંશ હોય તો પછી તું જાણે. મારે શું કામ આડે આવવું જોઈએ. તેં આટલી ગોઠવણ કરી છે, તો પછી તેમાં હા-ના કરી તારું મન દુભાવવું ઠીક નહીં.’ થયું. આટલી સરળતાથી બધું પતી ગયું, તેથી ઉત્તરા તો રાજી રાજી થઈ ગઈ. તે ઘડીએ જ તે ઊપડી અને એક પખવાડિયા સુધી બીજે ક્યાંય ન જતાં પોતાને ત્યાં જ ભિક્ષા ગ્રહણ કરવાનું ભગવાન બુદ્ધ તથા ભિક્ષુસંઘને નિમંત્રણ આપ્યું. ભગવાને એ નિમંત્રણનો સ્વીકાર કર્યો એટલે તો ઉત્તરાનું હૃદય આનંદથી ઊછળી રહ્યું. આજથી માંડીને પક્ષના અંતિમ મહોત્સવ સુધી ભગવાનની પરિચર્યા કરવાનો અને ધર્મનું શ્રવણ કરવાનો લહાવો લેવાનું સૌભાગ્ય એને મળ્યું છે એ વિચારે ઉત્તરા થોડીથોડી થઈ જતી. ઘરે આવી ભિક્ષામાં આપવાના ભોજનની તૈયારી માટે તે રસોડામાં આમતેમ ઘૂમવા લાગી. બધી સામગ્રી સારામાં સારી રીતે તૈયાર થાય તે માટે યવાગૂને બરાબર આમ રાંધો; આ અપૂપ તળવામાં ખૂબ સંભાળ રાખજો. હો, જરા પણ કચાશ ન રહે. એમ સૂપકારોને વારંવાર સાવધાન કરવા લાગી. દોડાદોડ કરીને દાસદાસીઓ પાસેથી કામ લેવા લાગી. આમ ભગવાન બુદ્ધને તથા સંઘને ભિક્ષા આપવામાં, ને ધર્મશ્રવણમાં ઉત્તરાના તેર દિવસ તો ઘડીકમાં વીતી ગયા. તેર દિવસથી એ પોતાના જીવતરની ધન્યતા અનુભવી રહી હતી. ચૌદમા દિવસની સાંજ હતી. ઉત્તરાનો સ્વામી ઉપર બારીમાં ઊભો ઊભો નીચે રસોડામાં શું ચાલે છે તે તરફ નજર નાખી રહ્યો હતો. કાલે પુણ્યપક્ષની પૂર્ણાહુતિનો દિવસ હતો. વર્ષાન્ત મહોત્સવ ઊજવવાનો હતો. તે માટેના ભોજનસમારંભની વ્યવસ્થામાં ઉત્તરા નિરાંતે શ્વાસ પણ ખાતી ન હતી. ઘડીક અહીં તો ઘડીક તહીં ઘૂમાઘૂમ કરતી તેની મૂર્તિ નજરે પડતી હતી. પરસેવાથી તેનો દેહ રેબઝેબ હતો. વાળ અસ્તવ્યસ્ત હતા. રાખ, કોલસા ને મેશથી તેનાં હાથપગ ને વસ્ત્રો ખરડાયેલાં હતાં. વેશભૂષાનું કશું ઠેકાણું ન હતું. બીજી દાસીઓ સાથે એક દાસી જેવી તે અત્યારે લાગતી હતી. સ્વામીને સાવ ભોટ લાગતી ઉત્તરા આ જોતી વેળા તો સાવ મૂર્ખી હોવાની ખાતરી થઈ. જુઓ તો ખરા! આવા ભર્યા સુખવૈભવ ભોગવવા છોડી એ બુદ્ધિ વગરની મૂંડિયા સાધુડા પાછળ આંધળી ભીંત થઈને લોહીનું પાણી કરી રહી છે, ને એમાં પાછો બહુ આનંદ માની રહી છે! મૂર્ખાઓનો પણ જગતમાં ક્યાં તોટો છે? ને આવી મૂર્ખાઈને કારણે તેને ઉત્તરા પર હસવું આવ્યું. હસતાં હસતાં તેણે બારીમાંથી પોતાનું મુખ અંદર ફેરવી લીધું. ગણિકા શ્રીમતી પણ ત્યાં ઉત્તરાના સ્વામીની બાજુમાં જ ઊભી હતી. તેને હસતો જોઈ તેને થયું, ‘એવું તે શું જોયું હશે કે શ્રેષ્ઠીપુત્રને હસવું આવ્યું?’ કુતુહલ શમાવવા શ્રીમતીએ પણ બારીમાંથી નજર નાખી, તો નીચે રસોડામાં ઉત્તરાને જોઈ. એટલે તેને થયું, ‘જરૂર ઉત્તરા ને તેના સ્વામી વચ્ચે મારાથી છૂપો કશોક ગુપ્ત સંકેત થયો.’ ને એકદમ તેના હૃદયમાં ઉત્તરા પ્રત્યે તીવ ધિક્કારની લાગણી પ્રગટી. આ ચૌદ દિવસ શ્રેષ્ઠીપુત્રે તેને જાણે હથેળી પર રાખી હતી. પેટ ભરીને આવો વૈભવવિલાસ માણ્યો તેને પરિણામે શ્રીમતીને કાંઈક એવો ખ્યાલ આવી ગયેલો કે પોતાને ઉત્તરાનું — એ ઘરની સ્વામિનીનું જ સ્થાન મળી ગયું છે! પોતે અહીં એક રખાત તરીકે છે એ વાત એ લગભગ વીસરી ગઈ હતી! એટલે આ મેલીઘેલી ને તેના પતિ વચ્ચે કશી નિકટતાનું ચિહ્ન તેની નજરે ચડતાં શ્રીમતીનું હૃદય અદેખાઈથી બળી ઊઠ્યું. ને ઉત્તરા પ્રત્યે ધિક્કારની આંધળી લાગણીના આવેશમાં તે ઝડપથી નીચે ઊતરી રસોડામાં પહોંચી. ત્યાં એક તરફ અપૂપ તળવા માટે તાવડામાં ઘી ઊકળતું હતું. તેમાંથી એક કડછી ભરી ઊકળતું ઘી લઈ શ્રીમતી ઉત્તરા ઊભી હતી તે તરફ ઉશ્કેરાટથી આગળ વધી. શ્રીમતીના આ ચેનચાળા ને ઉગ્ર મુખભાવ જોઈને ઉત્તરાને ગંધ આવી ગઈ કે કોઈ કારણે તે ભુરાઈ થઈને તેના પર આક્રમણ કરવા આવી રહી છે— પણ તેણે શ્રીમતીનું શું બગાડ્યું હતું? ઊલટું સારી એવી કમાણી કરાવી આપી, ઉપરથી મનગમતી મોજ માણવાની તક આપી હતી. તો પછી તેનો આટલો રોષ, આટલો દ્વેષ કાં? તેને કશી સમજ ન પડી. પણ ઉત્તરાને થયું, ગમે તે હોય. એણે મારા સ્વામીની પરિચર્યા કરવાનું સ્વીકારી મને જે આટલા દિવસ જીવતર સફળ કરવાની તક આપી છે, એનો મારા ઉપરનો ઉપકાર જગતમાં — બ્રહ્મલોકમાંયે ન સમાય એવડો મોટો છે. તો એના પ્રત્યે મને સહેજ પણ ક્રોધ ન થવો ઘટે. હું તો કહું છું કે મને અત્યારે જરાયે રોષ થાય તો ઊકળતું ઘી મને બાળજો, ન થાય, તો મને કશું ન થજો. ને આમ તે વેળા શ્રીમતી પ્રત્યે મૈત્રીની ભાવનાથી ઉત્તરાનું હૃદય પ્લાવિત થયું. ક્ષણ-અર્ધક્ષણમાં તો આવા આવા વિચારો ઉત્તરાના મનમાં દોડાદોડ કરી ગયા. ત્યાં તો શ્રીમતીએ આવીને કડછીમાંનું ઘી ઉત્તરાના માથા ઉપર ફેંક્યું. પણ ઉત્તરાએ ચપળતાથી એક કોર સરી જઈ પોતાની જાતને બચાવી લીધી. એટલે શ્રીમતી બીજી વાર કડછી ભરીને ધસી આવી. એટલામાં ઉત્તરાની દાસીઓને શું બની રહ્યું છે તેની સમજ પડી ગઈ. ચારે તરફથી દોડી આવીને બધી શ્રીમતીને ધમકાવતી બરાડી ઊઠી. ‘ચાલી જા, દુષ્ટ ! અમારી સ્વામિનીના માથા પર ઊકળતું ઘી નાખવાવાળી તું કોણ છે?’ ને એમ કહેતી એ દાસીઓ શ્રીમતી ઉપર તૂટી પડી, ને ગડદાપાટુથી ઢીબીને તેને ભોંય ભેગી કરી દીધી. ઉત્તરાએ દાસીઓને રોકવા ખૂબ પ્રયાસ કર્યો, પણ કાંઈ વળ્યું નહીં. છેવટે તે શ્રીમતીની આડે પોતાનું શરીર ધરીને ઊભી રહી અને ધકેલીને દાસીઓને દૂર કાઢી મૂકી. ‘ભલી બહેન, આવું તે કરાય?’ એમ મીઠાશથી ઠપકો દઈ ઉત્તરાએ શ્રીમતીને બેઠી કરી, ને તેને સ્નાન કરાવી, શતપાક તેલ વડે તેના દુઃખતાં અંગોનું મર્દન કર્યું ને એમ તેની બનતી બધી સારવાર કરી. શ્રીમતીનો આવેશ ક્યારનોયે ઊતરી ગયો હતો. થોડા દિવસ એક રખાત તરીકે તે રહેવા આવી. તેમાં ઉતરાનો સ્વાંમી એક વાર ઉત્તરા સાથે હસ્યો, ને એટલામાં તો પોતે તેના પર ઊકળતું ઘી નાખવા દોડી! કેટલું હલકું વર્તન! બદલામાં બીજી કોઈ હોત તો ક્યારનાંયે દાસીઓ પાસે તેનાં હાડકાં ખોખરાં કરાવી નાખ્યાં હોત. પણ ઉત્તરાએ કેટલી ઉદારતા બતાવી! કેટલા સદ્ભાવથી તેણે તેની સારવાર કરી! શ્રીમતીનું હૃદય પશ્ચાત્તાપથી દ્રવી રહ્યું. પોતે જે કર્યું તે માટે ઉત્તરાની ક્ષમા ન માગે તો પછી તેના જેવી અધમ કોણ? ને સીધી જ તે ઉત્તરાના પગમાં પડીને બોલી: ‘આર્યા, મને ક્ષમા કર.’ ‘ભદ્રે,’ ઉત્તરાએ સ્નિગ્ધ સ્વરે કહ્યું. ‘પિતા વિદ્યમાન હોય ત્યારે પહેલાં તે ક્ષમા આપે. ને પછી પુત્રી આપે. મારા પિતા વિદ્યમાન છે. એ ક્ષમા આપે. એટલે પછી હું આપીશ.’ ‘સારું, આર્યા! હું તારા પિતા પૂર્ણશ્રેષ્ઠીની પહેલાં ક્ષમા માગીશ, પછી તારી.’ ‘પૂર્ણશ્રેષ્ઠી તો મારા સાંસારિક પિતા છે.’ ઉત્તરા કહેવા લાગી. ‘સંસારથી પર સ્થિતિમાં જે મારા પિતા છે, તે તને ક્ષમા આપશે તો હું પણ આપીશ.’ ‘સંસારથી પર સ્થિતિમાં તારા પિતા તે કોણ વળી?’ શ્રીમતીને કશી સમજ ન પડી. ‘સંમ્માસંબુદ્ધ’ ઉત્તરાએ આદરથી કહ્યું. ‘ઓહો! પણ મને તેમના પર આસ્થા નથી, તો કેમ કરવું?’ શ્રીમતીએ પોતાની મૂંઝવણ કહી. ‘હું તને આસ્થા ઉત્પન્ન કરાવી દઈશ. કાલે ભગવાન ભિક્ષુસંઘને સાથે લઈને અહીં પધારશે. તને મળે તે સત્કારસામગ્રી લઈને તું અહીં આવી પહોંચજે. ને તેમની ક્ષમા માગજે.’ ‘સારું, આર્યા! કહી શ્રીમતી ત્યાંથી નીકળી ગઈ. ઘરે જઈ તેણે ભાતભાતનાં ખાદ્ય ને ભોજન તૈયાર કરાવ્યાં. વળતે દિવસે બધી સત્કારસામગ્રી સાથે પોતાની સેંકડો દાસીઓથી વીંટળાઈને શ્રીમતી ઉત્તરાને ત્યાં સમયસર આવી પહોંચી. ભગવાન તથાગત ભિક્ષુસંઘસહિત ત્યાં પધારેલા હતા. સાધુઓના ભિક્ષાપાત્રમાં પોતે લઈ આવેલી ભોજનસામગ્રી પીરસતાં શ્રીમતીને સંકોચ થયો. અને તે એમ ને એમ ઊભી રહી એટલે ઉત્તરાએ તે પીરસી દીધી. ભોજનવિધિ પૂરો થતાં. પોતાના પરિવાર સાથે શ્રીમતીએ ભગવાનના ચરણમાં પ્રણિપાત કર્યો. ભગવાને પૂછયું, ‘તેં શો અપરાધ કર્યો છે, ભદ્રે?’ એટલે શ્રીમતીએ પોતાનું આગલા દિવસનું દુષ્કૃત્ય કહી બતાવ્યું, ને બદલામાં ઉત્તરાએ દર્શાવેલી સહિષ્ણુતા ને ઉદારતાની, પસ્તાવો થતાં પોતે ક્ષમા માગ્યાની, ને ભગવાન ક્ષમા આપે તો ઉત્તરા પણ આપશે, એ બધી વાત કરી. ભગવાને ઉત્તરાને પૂછ્યું, ‘આ વાત સાચી છે, ભદ્રે?’ ‘હા, ભદંત.’ ‘શ્રીમતીએ ઊકળતું ઘી તારા મસ્તક પર ફેંક્યું, ત્યારે તારા મનમાં શો વિચાર આવેલો?’ ‘મને તે વેળા એમ થયેલું, ભદંત, કે આ પખવાડિયામાં દાનપુણ્ય ને ધર્મશ્રવણનો જે અનુપમ લહાવો લઈ હું આ અવતારને ધન્ય કરી શકી છું, તે શ્રીમતીએ મારું સ્થાન લેવાની હા કહી તેને જ આભારી છે. આમ તેનો મારા પર બ્રહ્મલોકથીયે વધી જાય એવડો ઉપકાર હોય, ને મારાથી એના તરફ ક્રોધ કેમ કરાય? તો મારામાં ક્રોધ આવે તો ઊકળતું ઘી મને બાળજો, નહીં તો નહીં: આમ મૈત્રીની ભાવના મને થયેલી, ભદંત.’ ‘ધન્ય છે,ધન્ય છે, ઉત્તરા! ક્રોધને એમ જ જીતવો જોઈએ.’ ને એમ કહીને ભગવાને ગાથા ઉચ્ચારી: :જીવવો ક્રોધી અક્રોધે ::સૌજન્ય થકી દુર્જન :::ઉદારતાથી કૃપણ ::::જૂઠાને સત્યવાદથી શ્રીમતીને કશું પણ ન કહેતાં ભગવાને અને ઉત્તરાએ ક્ષમા આપી. બુદ્ધનાં ઉદારતા અને કરુણાભાવથી તેમ જ ઉત્તરાએ બતાવેલી ક્ષમાશીલતા અને સદ્ભાવથી શ્રીમતી ખૂબ પ્રભાવિત થઈને ત્યારથી તે શ્રાવિકા બની તથાગત, ધર્મ ને સંઘની શ્રદ્ધાપૂર્વક ઉપાસના કરવા લાગી.
કન્યાનું પારખું
ચતુરરત્ન મહૌષધને જ્યારથી મહારાણી ઉદુંબરાએ ધર્મનો ભાઈ કર્યો, ત્યારથી તે ખરેખર એક સ્નેહાળ બહેનની જેમ જ તેની સારસંભાળ રાખ્યા કરતી. અસાધારણ બુદ્ધિપ્રતિભાને બળે મહૌષધને વિદેહરાજે મહામાત્યનું પદ આપ્યું હતું, તો પણ વયની દૃષ્ટિએ તો તે એક કિશોર જ હતો. ગમે તેમ પણ ઉદુંબરા તેને પોતાનો એક નાનકડો ભાઈ જ ગણતી. આથી મહૌષધે સોળમું વરસ પૂરું કર્યું એટલે મહારાણીએ તેના વિવાહનો પ્રસ્તાવ મહારાજા પાસે મૂક્યો. મહારાજા ઘણા આનંદથી એમાં સંમત થયા. થાય જ ને! પંડિતો ને ચતુરોનાં માથાં ભાંગે તેવો અને મહારાણીનો ખાસ પ્રીતિપાત્ર મહામાત્ય ચતુરરત્ન મહૌષધ મિથિલાનું એક અણમોલ રત્ન હતું. એટલે વિદેહરાજના પણ તેને માથે ચાર હાથ હતા. વિદેહરાજની સંમતિ મેળવી ઉદુંબરાએ મહૌષધ આગળ વિવાહની વાત મૂકી. તેણે મહારાણીનું વચન માન્ય રાખ્યું. પણ કન્યાની પસંદગીની વાત આવી એટલે તેને થયું કે કદાચ મહારાણીની પસંદગી પોતાને ન રુચે તો? એટલે તેણે કહ્યું: ‘દેવી, કન્યા લાવવા માટે હમણાં મહારાજને તમે વાત ન કરશો. હું જ મને મનગમતી શોધી લાવીશ.’ ‘સારું, તાત! તને રુચે તેમ કર.’ ઉદુંબરા સંમત થઈ, એટલે નમસ્કાર કરી મહૌષધ પોતાને આવાસે આવ્યો. યોગ્ય પાત્ર માટે ક્યાં અને કેમ તપાસ કરવી તેનો એણે થોડોક વિચાર કરી રાખ્યો હતો. આવી સમૃદ્ધ મિથિલાનગરી હતી: કુલીનો, શ્રીમંતો, ઐશ્વર્યશાળીઓનો પાર ન હતો. પણ મહૌષધે ગાંઠ વાળી રાખેલી કે કન્યા ગામડાની જ લાવવી. એટલે તેણે જનપદમાં જવાની તૈયારી કરી. સાથે તેણે એ પણ નક્કી ક્રી રાખેલું કે પસંદગી જાતતપાસથી જ કરવી. એ હેતુ બરાબર પાર પડે તે માટે તેણે વેશપરિવર્તન કર્યું. ચતુરરત્ને એક આબેહૂબ દરજીનો વેશ લીધો. ગજ, કાતર, સોય, દોરા વગેરે સામગ્રીની કોથળી, પાનસોપારીનો બટવો વગેરે લઈ લીધાં. સજાવટ એવી કરી કે ઘડીભર તો મિત્રો પણ થાપ ખાઈ જાય! એ રૂપે અચાનક રસ્તામાં તે મળ્યો હોય ને એકાદ મુહૂર્ત તેમની સાથે વાતચીત કરે, તો પણ તેમને ખબર ન પડે કે આ તો ચતુરરત્ન જ છે, કોઈ દરજી નહીં! મિથિલા છોડીને આ નવતર દરજી ગામડાંઓમાં ફરતો ફરતો જનપદમાં આગળ વધ્યે જતો હતો. અનેક ગ્રામકુમારીઓ તેની નજર તળે નીકળી ગઈ. પણ આંખ લાંબો સમય મંડાયેલી રહે, મનને ભર્યુંભર્યું કરી મૂકે એવું કોઈ પાત્ર હજી તેને હાથ નહોતું આવ્યું. એમ કરતાં એક ગામમાં રાતવાસો રહી, વહેલી સવારે ત્યાંથી તે નીકળ્યો, ને કેટલુંક અંતર કાપી બીજા ગામની ભાગોળ સમીપ આવી પહોંચ્યો. ત્યાં સામેથી એક ફૂટડી યુવતીને માથે મટુકી લઈને આવતી તેણે જોઈ. ઘાટીલું, ગોરું ગોરું મુખ, સુડોળ દેહ, પ્રશસ્ત લક્ષણ, પ્રસન્ન દર્શન. પ્રથમ દૃષ્ટિપાતે જ મહૌષધનું ચિત્ત રંગાઈ ગયું, એટલું જ નહીં, પોતાને જોઈને તે યુવતીના મુખ પર પણ લજ્જા અને પ્રસન્નતાના ભાવો તેણે વાંચ્યાં. ‘આ કુંવારી હશે કે પરિણીત?’ તેના ચિત્તે પ્રશ્ન કર્યો. સાથે જ તેણે આ વાત યુવતીને જ પૂછી જોવાનું નક્કી કર્યું. પણ સીધેસીધી નહીં, કરપલ્લવીથી. અને તેણે એક હાથ ઊંચો કરી યુવતીની સામે એક મુઠ્ઠી વાળીને ઘડીક ધરી રાખી. યુવતી આ સાંકેતિક પ્રશ્ન સમજી ગઈ, ને તેણે ઉત્તર પણ સંકેતથી જ વાળ્યો. પોતાના હાથનો પંજો પહોળો કરી તેણે આગંતુક પ્રવાસીની સામે ધર્યો. મહૌષધને નિરાંત થઈ: ચાલો, છે તો કુંવારી ને ચતુર પણ. એટલે પાસે જઈને એણે પૂછયું, ‘ભદ્રે, તારું નામ શું?’ મહૌષધનો પહેરવેશ સાવ સાધારણ હતો, પણ તેની સુંદર દેહાકૃતિ, બુુદ્ધિશાળી મુખમુદ્રા અને સંસ્કારી વાણીથી યુવતીને લાગ્યું કે જરૂર આ કોઈ અસાધારણ પુરુષ છે. ને તે જો પોતાના ચાતુુર્યની કસોટી કરવા માગતો હોય તો પોતે શું કામ ઓછી ઊતરે? એટલે તે બોલી: ‘જે હતી નહીં, છે નહીં ને હશે નહીં તેના નામે મારું નામ છે.’ હતી નહીં, છે નહીં ને હશે નહીં એ તો અમર વસ્તુ — ત્રિકાળમાં કોઈ વસ્તુ એવી નથી કે અમર હોય; એટલે મહૌષધ બોલ્યો: ‘ઓહો, તારું નામ અમરા એમ ને?’ ‘સાચું, સ્વામિન્!’ ‘ત્યારે અમરાદેવી, તમે કોને માટે ભાત લઈને જાઓ છો?’ ‘પૂર્વના દેવતા માટે, સ્વામિન્!’ પૂર્વેના દેવતા એટલે તો માતાપિતા. મહૌષધ સમજ્યો કે તેના પિતાને ભાત આપવા જતી હશે. આથી તેણે પ્રશ્ન કર્યો: ‘તારા પિતા શું કરે છે, ભદ્રે?’ ‘એકમાંથી બે કરે છે.’ ‘એટલે ખેતી કરે છે, એમ ને?’ ‘હા, સ્વામિન્!’ ‘તમારું ખેતર ક્યાં આવ્યું?’ ‘જ્યાં એક વાર ગયેલું પાછું નથી આવતું ત્યાં.’ વાહ રે! છોકરી તો બહુ ચતુર નીકળી! ‘એમ તમારું ઘર સ્મશાન પાસે છે?’ ‘બરાબર, સ્વામિન્!’ ‘તું ત્યાંથી પાછી આજે જ આવીશ કે?’ ‘આવશે તો નહીં આવું, પણ નહીં આવે તો આવીશ.’ અમરાએ તો સમસ્યાની ઝડી જ વરસાવી! ચતુરરત્ન મહૌષધે કહ્યું, ‘એમ છે? વાત તો સાચી. નદીકાંઠે ખેતર હોય એટલે કાંઈ ધાર્યું તો ન જ રહે. પૂર આવે તો તારે રોકાઈ જવું પડે, ન આવે તો વળી આ પાર ચાલ્યું અવાય.’ આટલું સંભાષણ થયું એટલે અમરાએ ભાવથી કહ્યું, ‘સ્વામિન્, પ્રવાસથી તમે થાક્યાપાક્યા છો, તો આ થોડીક કાંજી પીઓ: એટલે કાંઈક સ્વસ્થતા આવે.’ આવી વાતમાં નકાર ભણવો અમંગળ ગણાય, એટલે મહૌષધે નિમંત્રણ સ્વીકાર્યું. અમરાએ કાંજીની મટુકી ઉતારી. શકોરામાં પાણી લાવી તેણે મહૌષધના હાથપગ ધોવડાવ્યા, ને પછી એ શકોરું નીચે ભોંય પર મૂકી મટુકીને હલાવી, તેમાંથી કાંજી રેડીને શકોરું ભરી દીધું. અમરાની સુઘડતા કોઈને પણ આકષણ આકર્ષે તેવી હતી. પણ કાંજીમાં ચોખાનું પ્રમાણ જોઈએ તે કરતાં ઘણું ઓછું હતું. ‘કેમ ભદ્રે, કાંજી સાવ પાતળી છે?’ ચતુરરત્ને પૂછ્યું. ‘પાણી નહીં મળ્યું તેથી, સ્વામિન્.’ અમરાએ ઉત્તર આપ્યો. ખરું કહ્યું! પાણી ન મળ્યું તેથી કાંજી પાતળી થઈ? ‘સમજ્યો, ક્યારાઓને જોઈએ તેટલું વરસાદનું પાણી નહીં મળ્યું હોય, એટલે ચોખાનો પાક પૂરતો નહીં ઊતર્યો હોય.’ મહૌષધે સ્મિત સાથે કહ્યું. ‘સાચું અનુમાન કર્યું, સ્વામિન્!’ અમરાએ પિતાના ભાગની કાંજી રાખી, બાકીની મહૌષધને આપી. કાંજી પી, મોઢું પખાળી તે સ્વસ્થ થયો. અમરાના રૂપે, ચતુરાઈએ, રીતભાતે તેના મન પર ઘણી અનુકૂળ છાપ પાડી હતી. કોઈ કુલીન, પણ માઠી દશા ભોગવતા કુટુંબની આ છોકરી છે એટલું તો ચોક્કસ હતું. તેને ઘેર જઈ વિશેષ તપાસ કરવાનું તેણે વિચાર્યું; એટલે એણે અમરાને કહ્યું: ‘ભદ્રે, અમે તારે ઘેર જવા માગીએ છીએ. તો કયે રસ્તે થઈને જવું?’ ’સારું સ્વામિન્, હું તમને રસ્તો ચીધું. જ્યાં ચોખા છે, કાંજી છે, બેવડા પાનવાળું ખીલેલું પલાશવૃક્ષ છે, તે તરફ અમારે ઘેર પહોંચવાનો માર્ગ છે. આ સંકેતથી શોધી કાઢશો ને સ્વામિન્?’ એમ કહેતી, સ્મિત વેરતી, જરા આંખ નચાવતી અમરા મટુકી માથે ચઢાવીને સરી ગઈ. મહૌષધે ગામમાં પ્રવેશ કર્યો. ચોખાનું હાટ અને પછી કાંજીનું હાટ વટાવી તે આગળ ચાલ્યો. એટલે ખીલેલું પલાશવૃક્ષ પણ તેણે જોયું, તેના મૂળ પાસે ઊભા રહી જમણા હાથ પરના ઘરમાં તે ગયો. અમરાની માતાએ તેને અભ્યાસગત જાણી આસન આપ્યું ને પૂછ્યું: ‘થોડી કાંજી લેશો?’ ‘ના, માતા, નાની બહેન અમરાદેવીએ મને હમણાં જ પાઈ.’ માતા પામી ગઈ કે આ મારી દીકરીના અર્થે જ આવ્યા હશે. સાદા વેશ પાછળ ડોકાતા પ્રભાવશાળી વ્યક્તિત્વને પારખતાં તેને પણ વાર ન લાગી. મહૌષધે ઘરમાં સર્વત્ર દારિદ્ર્યનું સામ્રાજ્ય દીઠું. તેણે કહ્યું: ‘માતા, ધંધે હું દરજી છું, તો કાંઈ સાંધવાસીવવાનું હોય તો બતાવો.’ ‘સીવવાનું તો છે, પણ ભાઈ, સિલાઈના પૈસા અંગે ઘરધણી-’ ‘લાવો ને માતા,’ વચ્ચે જ તે બોલી ઊઠ્યો, ‘હું સીવી આપું. પૈસાનું તો થઈ રહેશે.’ માતાએ જરીપુરાણાં ફાટ્યાંતૂટ્યાં કપડાં દીધાં. મહૌષધે એ પટાપટ સાંધીસૂંધી સમારીને નવા સરખા કરી આપ્યાં. ચતુરરત્ન કાંઈ મોળો કારીગર હતો? કામ આટોપી તેણે કહ્યું: ‘માતા, તમારી શેરીના પાડોશીઓનું પણ કાંઈ કામ હોય તો લઈ આવો, હું કરી આપું.’ માતા તો તેના કૌશલથી અરધીઅરધી થઈ જતી, આડોશપાડોશમાં અને ઓળખીતાપારખીતામાં બધે ચોખા મૂકી આવી. વચ્ચે જમવા ઊઠ્યો તે બાદ કરતાં એક જ બેઠકે મહૌષધે સાંજ સુધી સિલાઈકામ કર્યું, ને એ દિવસના એક હજાર સોનૈયા કમાયો! સાંજ પડતાં માતાએ પૂછ્યું: ‘કેટલાં જણનું રાંધું?’ ‘માતા, આ ઘરમાં જેટલા જણ જમવાના હોય તેટલાનું.’ અમરાની માતાએ અનેક સૂપ ને વ્યંજન સહિત મોકળે હાથે ભાત રાંધ્યા. અમરા પણ સાંજ પડતાં માથે લાકડાનો ભારો ને ખોળામાં પાંદડાં લઈને સીમમાંથી આવી. ઘરના આગલા બારણા પાસે ભારો નાખ્યો ને પાછલે બારણેથી અંદર આવી. તેનો પિતા સહેજ મોડો આવ્યો. મહૌષધે રસરસની વાની આરોગી. અમરાએ માતાપિતાને જમાડ્યાં, પછી પોતે જમીને માતાપિતા અને પછી મહૌષધના પગ ધોઈ તે સૂવા ગઈ. વાતવાત ઉપરથી મહૌષધે જાણી લીધું કે એ શ્રેષ્ઠીકુટુંબ પરાપૂર્વથી ત્યાં જ વસતું હતું, ને કાળબળે ઘસાઈ ગયું હોવા છતાં તેની કુલીનતામાં કચાશ આવી ન હતી. પણ અમરાને બરોબર જાણવાજોવા માટે મહૌષધે કેટલાક દિવસ ત્યાં રોકાવાનું નક્કી કર્યું. તેની કાન્તિ, બુદ્ધિ, કુશળતા, સજ્જનતા ને સંસ્કારિતાએ શ્રેષ્ઠીકુટુંબને તો વશ કરી લીધું હતું. એક વાર પરીક્ષા કરવા તેણે અમરાને ક્હ્યું: ‘ભદ્રે અમરાદેવી, અરધું માપિયું ચોખા લે ને એટલામાંથી મારા માટે કાંજી, પૂડા ને ભાત બનાવી લાવ.’ ‘સારું.’ કહી અમરાએ કહ્યા પ્રમાણે અરધું માપિયું શાળ છડી, અને તેમાંથી આખા દાણા જુદા પાડી તેની કાંજી કરી, અડધા ભાંગેલા હતા તે રાંધી ભાત બનાવ્યો, ને બાકી રહેલી કણકીમાંથી પૂડા બનાવ્યા. ઘટતો હવેજમસાલો નાખી સ્વાદિષ્ટ બનાવેલી કાંજી અમરાએ મહૌષધને પીરસી. બેત્રણ ઘૂંટડા પીતાંમાં તો કાંજીના આસ્વાદથી તે પાણીપાણી થઈ ગયો. પણ કૃત્રિમ રોષથી મોઢામાંના કાંજીના ઘૂંટડાનો ત્યાં કોગળો કરી નાખી કડક સ્વરે તે બોલ્યો: ‘ભદ્રે, રાંધતાં નથી આવડતું, તો પછી નકામા મારા ચોખા શું કામ બગાડે છે?’ સહેજ પણ રીસ ન ચઢાવતાં અમરા નરમાશથી બોલી: ‘સ્વામિન્, કાંજી સારી ન થઈ હોય તો આ પૂડા ખાઓ.’ પણ પૂડાનાંયે બેચાર કટકાં લઈ તેણે થૂંકી કાઢ્યાં, ને ભાતનું પણ એમ જ કર્યું ને પછી તો ખૂબ ખિજાયાનો દેખાવ કરીને એ થૂંકી કાઢેલી કાંજી, પૂડાના બટકાં ને ભાતને ભેગાં મસળી, અમરાને માથે ને શરીરે ચોપડી તેણે રાડ પાડી: ‘જા, બેસ જઈને બારણા પાસે.‘ અમરાએ સહેજ પણ અસ્વસ્થ થયા વિના ‘સારું,સ્વામિન્...’ એટલું બોલી કહેવા પ્રમાણે કર્યું. તેની નિરભિમાનીવૃત્તિથી સંતુષ્ટ થઈ મહૌષધે તેને તરત જ પાછી બોલાવી. ‘ભદ્રે, અહીં આવ.’ ને આમ એક વાર બોલાવતાં સાથે જ તે તેની પાસે ગઈ. આ રીતે ઘરકામની આવડત ને સહનશીલતાના ગુણની પૂરી પ્રતીતિ થઈ એટલે મહૌષધે પોતાના પાનના બટવામાંથી એક અતિ મૂલ્યવાન સાડી કાઢીને અમરાના હાથમાં આપતાં કહ્યું, ‘સ્નાન કરી, આ સાડી પહેરી તારી સખીઓ સહિત મારી પાસે આવ.’ કહ્યા પ્રમાણે તૈયાર થઈને અમરા આવી. મહૌષધે પોતાની સાથે લાવેલા સોનૈયામાંથી એક હજાર, અને પોતે ત્યાં રહીને જે કમાયેલો તે એક હજાર-એમ બે હજાર સોનૈયા અમરાનાં માતાપિતાના હાથમાં આપ્યા, પુત્રીને અંગે તેમને નિશ્ચિત રહેવા સમજાવ્યાં, ને અમરાને સાથે લઈ મિથિલાનો માર્ગ લીધો. મિથિલા પહોંચતાં તેણે અમરાને દ્વારપાળને ઘરે જ રાખી, કેમ કે છેવટની એક મોટી કસોટી હજી બાકી હતી. પોતાની શી યોજના છે તે દ્વારપાળની સ્ત્રીને ગુપ્ત રીતે સમજાવી, અમરાને ત્યાં જ મૂકી મહૌષધ એકલો ઘેર ગયો. ખાસ વિશ્ચાસુ માણસોને બોલાવી તેણે આદેશ દીધો: ‘એક સ્ત્રીને દ્વારપાળને ઘરે રાખીને હું આવ્યો છું. તમે આ એક હજારની થેલી લો અને તેની પરીક્ષા કરો.’ પેલાઓએ દ્વારપાળને ત્યાં જઈ અમરાને ધનથી લોભાવવા ઘણી યુક્તિપ્રયુક્તિ વાપરી. દ્વારપાળની સ્ત્રીએ પણ આડુંઅવળું ઘણું સમજાવ્યું, પણ અમરાએ ‘આ તો મારા સ્વામીની ચરણરજની તુલ્ય પણ નથી.’ કહી થેલીને હાથ અડકાડવાની ના પાડી. છેવટે મહૌષધની સૂચનાથી તેના માણસો અમરાને પરાણે હાથ પકડીને તેની પાસે ખેંચી લાવ્યા. ક્યાં મેળ વિનાના લઘરવઘર દરજીના વેશમાં રહેલો, ઢીલુંઢીલું બોલતો મહૌષધ ને ક્યાં ઝાકઝમાળ મહાપ્રાસાદમાં અનેક દાસ-દાસીઓથી સેવાતો, વસ્ત્રાભરણથી મંડિત, દેવ સમો દીષતો, દૂર રત્નજડિત આસન પર બેઠેલો, પ્રતાપ ને વૈભવથી ચકિતમુગ્ધ કરી દેતો મહૌષધ! અમરા મહૌષધને ઓળખી ન શકી. પણ આવીને તે ઘડીક તેની સામે જોઈ રહી. પછી પહેલાં હસી ને તરત જ રડી પડી. વિસ્મિત મહૌષધે તેને આમ હસીને પછી એકાએક રડવાનું કારણ પૂછ્યું. અમરા બોલી, ‘સ્વામિન્, તમારો આ વૈભવ જોઈને મને થયું કે આટલી અઢળક સંપત્તિ એમ ને એમ ન મળે. આગલા ભવમાં ઘણાં પુણ્ય કર્યાં હોય તે જ આવાં સુખ ભોગવે. અહો! પુણ્યનું કેટલું ફળ છે! અને તેથી મને આનંદ થતાં હું હસી. પણ પાછું તરત જ મને થયું કે અત્યારે તો આ પુણ્યશાળી જીવ બીજાએ વરેલી સ્ત્રીને બળજબરીથી ઝૂંટવી લેવાનું પાપ કરે છે, એટલે આવતે જન્મે એ નરકે જવાનો, ને એ વિચારે કરુણાથી મારું હૈયું ભરાઈ આવતાં મેં રડી દીધું.’ મહૌષધનું અંતર પ્રસન્નતાથી નાચી ઊઠ્યું. શીલની અંતિમ કસોટી અમરાએ પૂરા ગૌરવથી પાર કરી હતી. પણ પોતાનો મનોભાવ સંતાડી તેણે માણસોને આજ્ઞા કરી, ‘જાઓ, આ બાઈને હતી ત્યાં પાછી મૂકી આવો.’ પરિચારકો અમરાને દ્વારપાળને ત્યાં મૂકી આવ્યા. થોડીક વાર બાદ મહૌષધ દરજીનો વેશ લઈ દ્વારપાળને ત્યાં ગયો. અમરાની વીતકકથા સાંભળી તેને આશ્વાસન આપ્યું ને રાત ત્યાં જ ગાળી. બીજે દિવસે રાજમહેલે તેણે ઉદુંબરાને બધી વાત કરી. ઉદુંબરાએ વિદેહરાજને કહ્યું. પછી અમરાદેવીને સર્વ અલંકારથી વિભૂષિત કરી સુંદર રથમાં બેસાડી, મોટા સત્કારસન્માન સાથે મહૌષધના આવાસ પર લાવવામાં આવી. પોતાને કોની પત્ની બનવાનું વિરલ સદ્ભાગ્ય સાંપડ્યું છે તે ખરેખરું તેણે જાણ્યું, ત્યારે તેના આનંદની અવધિ આવી ગઈ. વિવાહનો મંગળવિધિ ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યો. મહારાજાએ એક હજાર સોનૈયાની ભેટ આપી. દ્વારપાળ સુધીના પ્રત્યેક નગરજને પણ કાંઈ નહીં ને કાંઈ ભેટ પોતાના આ અદ્ભુત મહામાત્યના વિવાહપ્રસંગે મોકલી. અમરાદેવીએ દરેકની ભેટના બે ભાગ કરી એક ભાગ રાખ્યો, બીજો દરેકને પાછો આપ્યો, ને એ રીતે તેણે સૌનાં મન જીતી લીધાં. અમરા સાથે રહીને ચતુરરત્ન મહૌષધ વિદેહરાજને ધર્મ ને અર્થના વિષયમાં માર્ગદર્શન આપવાનું મહામાત્યના કર્તવ્યનું પૂર્ણપણે પાલન કરવા લાગ્યો. ‘(મહાઉમ્મગ્ગ’ જાતકનો એક અંશ)
પૂર્ણ શ્રેષ્ઠી
શૂર્પારકનો ભવ શ્રેષ્ઠી એક વાર માંદગીમાં પટકાયો, ત્યારે તેની માઠી દશા થઈ. ભવની પાસે ધન તો એટલું હતું કે શૂર્પારકના પહેલી હરોળના દસબાર ધનિકોમાં તેની ગણના થતી. રૂપાળી પત્ની હતી. ત્રણ નાના પુત્રો હતા — ભવિલ, ભવત્રાત, ને ભવનંદી. દાસદાસીઓ હતાં, ને સગાંઓ પણ હતાં. બધું હતું, પણ તેમાંથી કશું ભવને અત્યારે કામ નહોતું લાગતું, મંદવાડ લાંબો ચાલે તેવું લાગતાં ધીમે ધીમે સૌ તેનાથી કંટાળવા માંડ્યા. પેટે વાઢની શૂળ ઊપડી આવતાં તે અમળાતો હોય ત્યારે ઘણી વાર તેની પાસે કોઈ ન હોય. જોઈતી ચીજ ધીરજ ખૂટી જાય ત્યારે માંડ માંડ મળતી. ચોખ્ખું કરવા પાંચસાત વાર બોલાવે ત્યારે કોઈક આવતું. ઓસડવોસડ, પથારી કે કપડાંનાં પણ પૂરાં ઠેકાણાં નહોતાં. શૂળ કરતાં પણ તેને વિશેષ પીડતાં હતાં. આવી અવશતા ને ઉપેક્ષા તેણે કદી નહોતાં વેઠ્યાં. અત્યાર સુધી પોતાનું ગણતો હતો તેમાંથી ખરેખર પોતાનું કેટલું હતું? તેનાં વ્યાધિ ને ઉપેક્ષા બંને વધતાં ચાલ્યાં. શ્રેષ્ઠીની અવદશા જોઈને તેની એક ભલી દાસી વિનતાને લાગી આવ્યું. એક સારા વૈદ્યને જઈને વાત કરી. ‘આર્ય, ભવ શ્રેષ્ઠીને તમે ઓળખો છો?’ ‘ઓળખું છું, કેમ?’ વૈદ્યે પુછયું. ‘તેને પેટનો વ્યાધિ થયો છે. આંતરડાં નબળાં પડ્યાં લાગે છે. કશું ખાધું પચતું નથી. પેટમાં વઢાય છે. મરવા પડ્યો છે. ને અધૂરામાં પૂરું ઘરના માણસો એની પૂરી ઉપેક્ષા કરી રહ્યા છે. તો તેને સારું થાય તેવું ઓસડ બતાવો.’ ‘ઓસડ તો બતાવું, છોકરી,’ વૈદ્યે કહ્યું, ‘પણ તું કહે છે તેમ તેની પત્ની પણ સારસંભાળ લેતી ન હોય, તો શ્રેષ્ઠીને ઓસડ આપવું, અમુક જ ખાનપાન આપવાં, એ બધું કોણ કરશે?’ ‘હું કરીશ, આર્ય! પણ સોંઘાં ઓસડિયાં ચીંધજો.’ વૈદ્યે ચીંધેલાં ઓસડિયાં લાવી, ઔષધ તૈયાર કરી વિનતા ભવ શ્રેષ્ઠીને આપવા લાગી, પોતાને મળતા ખાવાપીવામાંથી થોડુંક બચાવીને, ઘરમાંથી થોડુંક ઉપાડીને તેણે વૈદ્યના કહેવા પ્રમાણે શ્રેષ્ઠીની તનતોડ સારવાર કરી. ધીરે ધીરે કરતાં ભવ સાજો થયો. ઘરવાળાઓએ પોતાને ખૂણે નાખી રાખ્યો હતો, ત્યારે વિનતાએ કરેલી માવજતથી જ પોતે જીવ્યો એ વાત ભવ ભૂલે કેમ ભૂલે? વિનતાને તેણે કહ્યું, ‘છોકરી, તેં મારી સેવા કરી. હું જીવતો છું તે તારી લાગણી ને ઉપચારોને લીધે જ. તો તારી ઇચ્છા હોય તે મારી પાસેથી માગી લે.’ ‘એમાં હું માગું શું, સ્વામી? મેં તો કરવું ઘટે તે કર્યું.’ વિનતાએ શરમાતાં ઉત્તર દીધો. ‘તને ગમે તે માગ, જે આપું તે ઓછું છે.’ ‘તમે પ્રસન્ન હો તો એક વાત મારા મનમાં છે.’ શબ્દોમાં સંકોચ, ધ્રુજારી ને કુમાશ સ્પષ્ટ નીતરતાં હતાં. ‘તારા મનમાં હોય તે બોલી દે.’ ‘મને તમારી અંગત સેવા માટે રાખી લો. તમારા સમાગમથી વધીને બીજું કશું મારે નથી જોઈતું.’ નીચી દૃષ્ટિએ વિનતા બોલી. ‘પણ મારી રખાત તરીકે રહેવાથી તારું શું વળશે? એને બદલે લે હું તને પાંચસો સુવર્ણ આપું છું, તેમ જ દાસીપણામાંથી મુક્ત કરું છું.’ ભવે લાગણીથી કહ્યું. ‘સ્વામી, તમારું આપેલું ક્યાં સુધી પહોંચે? પછી ફરી પાછો મારે ક્યાંક આધાર ગોતવો જ પડે. પણ તમે મને રાખી લો તો હંમેશાનો આશરો મળી જાય.’ વિનતાનો પણ થોડોક હક હતો. વળી વેપારમાર્ગમાં આની નવાઈ નહોતી, ને પત્ની ને પુત્રોને થોડીક શિક્ષા કરવાની પણ જરૂર હતી ને? સમય જતાં વિનતાને ભવથી એક પુત્ર થયો. નામ ‘પૂર્ણ’ રાખ્યું. તારુણ્યમાં પ્રવેશ્યો ત્યારે પૂર્ણ તેના ગૌર સોનેરી વાન, વિશાળ લલાટ, ઉન્નત નાસિકા ને પ્રલંબ બાહુને લીધે ઘણો રૂપાળો લાગતો હતો. વિદ્યાકળામાં પણ તેણે સારી નિપુણતા પ્રાપ્ત કરી. ભવે ત્રણે ઔરસ પુત્રોને માટે લાખલાખના ખરચે પોતપોતાના નિવાસ કરાવી આપેલા. પુત્રો પોતપોતાના પત્ની સાથે શરીર શણગારવામાં ને બાપકમાઈનો વૈભવ માણવામાં રચ્યાપચ્યા રહેતા. આને કારણે એક વાર હાથ પર માથું ઢાળીને ભવ બેઠો હતો. પિતાને ચિંતામાં ડૂબેલા જોઈને પુત્રો વિચારમાં પડ્યા. ‘તાત, અમે છીએ પછી તમારે કશી ચિંતા કરવાનું કોઈ કારણ નથી. તમે આટલા બધા ખિન્ન કેમ છો?’ મોટા પુત્ર ભવિલે વાત છેડી. ‘મારી ચિંતાનું કારણ તમારે પૂછવું પડે છે, તમને પોતાની મેળે એ નથી દેખાતું — એ જ ચિંતા કરવા માટે પૂરતું નથી? તમને રાજકુમારો જેવા આવાસ કરાવી આપ્યા, ને તમે વેપારધંધાને ખાડામાં નાખી, પત્નીમાં લટ્ટુ થઈને લહેર ઉડાવો છો! મારા ગયા પછી કુળની શી દશા થશે, એની ચિંતા તમને છેલબટાઉને તો થાય તેમ નથી, પછી એ મારે જ કરવી ને?’ ભવે મનનો ઉકળાટ ઠાલવ્યો. પિતાનાં વીંધી નાખતાં વેણ સાંભળી ભવિલ, ભવત્રાત ને ભવનંદી ઘડીક તો અવાક્ જ થઈ ગયા. એક પણ શબ્દ બોલ્યા વિના ત્રણેય નીચે મોંએ ને ધીરે પગલે ત્યાંથી ચાલ્યા ગયા. તેમના કાનમાં ઝૂલતાં રત્નકુંડળની આભા ઝંખવાણી લાગતી હતી. થોડીક વારે ત્રણેય પાછાં આવ્યા. ભવિલ સૌથી આગળ આવીને બોલ્યો, ‘તાત, મારી પ્રતિજ્ઞા છે કે એક લાખ સુવર્ણ કમાઈને ન લાવું ત્યાં સુધી હું રત્નકુંડળ નહીં પહેરું.’ ને ત્યાં ને ત્યાં તેણે પોતાનાં રત્નકુંડળ ઉતારીને લાકડાનાં કુંડળ પહેરી લીધાં. પછી ભવત્રાતે પણ એવી પ્રતિજ્ઞા કરી લાખનાં કુંડળ પહેર્યાં, ને ભવનંદીએ પણ બંનેને અનુસરીને કલાઈનાં કુંડળ ધારણ કર્યાં. શૂર્પારકના વેપારીઓમાં આ વાત ફેલાઈ ગઈ. ભવના પુત્રોનાં ભવિલ, ભવત્રાત અને ભવનંદી એ નામોને બદલે, આ પ્રસંગથી દારુકર્ણી, સ્તવકર્ણી ને ત્રપુકર્ણી એવાં નામ પડી ગયાં. પણ તેઓ એની કશી પરવા કર્યા વિના માલથી વહાણ ભરી સાગર ખેડવા ઊપડી ગયા. તરુણ પૂર્ણે પણ સાગર ખેડવા જવાની ભવ પાસે અનુજ્ઞા માગી, પણ ભવે કહ્યું, ‘વત્સ, તું હજી બાળક છે. અહીં રહીને તું આપણી અહીંની પેઢી જ સંભાળ.’ એટલે પૂર્ણે પોતાની ઇચ્છા પ્રમાણે શૂર્પારકની પેઢીનો વેપાર સંભાળી લીધો. પરદેશ ગયેલા ત્રણ પુત્રો એક વરસે પાછા આવ્યા. ભવને મળીને કહ્યું કે અમને થયેલો લાભ ગણી જુઓ. ત્રણેય એક એક લાખ કમાઈને આવેલા. ઘરે રહી ન્યાય ને પ્રામાણિકતાથી વેપાર કરતાં દાસીપુત્ર પૂર્ણે પોતે પેઢી ચલાવવા માંડી ત્યારથી થયેલો લાભ ગણી લેવા પિતાને કહ્યું, તેને શિખાઉ માનતા ભવે કહ્યું, ‘તારું શું ગણવું હતું? તું પલોટાઈને તૈયાર થા, એ જ મોટો લાભ.’ પણ પૂર્ણે આગ્રહ કર્યો, ભવે પેઢીના નફાતોટાનું સરવૈયું કાઢ્યું ત્યારે જણાયું કે પૂર્ણને હસ્તક વેપારમાંથી ત્રણ લાખનો નફો થયો હતો. નિપુણતા, બુદ્ધિ ને સુશીલતાને લઈને પૂર્ણ ભવનો અત્યંત પ્રીતિપાત્ર બન્યો. ભવની ઉંમર અને અશક્તિ વધતાં હતાં. એમ કરતાં એક વાર તે ભારે મંદવાડમાં ફરી પટકાયો. આ વેળા તેના સાજા થવાની આશા ન હતી. તેને થયું, મારા ગયા પછી છોકરાઓમાં ફૂટ પડવાની. સૌના સ્વભાવ એ જાણતો હતો. પુત્રવધૂઓનો પ્રભાવ કેવું પરિણામ લાવશે તેની ચિંતા થઈ. અંત નજીકમાં છે જાણી તેણે પુત્રોને બોલાવ્યા. સૌ આવ્યા. ભવ બોલ્યો: ‘સૌ આવી ગયા?’ ‘હા, તાત!’ ‘એક કામ કરો.’ ‘શા આજ્ઞા છે?’ ‘ચાર ઈંધણાં લઈ આવો.’ ઈંધણાં આવ્યાં એટલે ભવે સળગાવવા કહ્યું. ઈંધણાં સળગતાં ભવ બોલ્યો: ‘સળગતામાંથી એક ઉંબાડિયું કાઢી લો.’ કહેવા પ્રમાણે સળગતાં કરગાઠિયામાંથી એક ખેંચી લીધું, પછી ભવના કહેવાથી ક્રમે બીજું, ત્રીજું ને ચોથું પણ ઉંબાડિયું કાઢી લેવાયું. ઉંબાડિયાં લઈ લીધાથી અગ્નિ ઓલવાઈ ગયો. ‘જોયું ને તમે? બધાં ઉંબાડિયાં સાથે હતાં ત્યારે તે કેવા તપતાં ને અજવાળું આપતાં હતાં? એકએક લઈ લેતાં તાપ ને અજવાળું ઘટતાં ગયા ને બધાં કાઢી લીધાં એટલે અગ્નિ જ ઓલવાઈ ગયો. આમ જ, પુત્રો, મારા ગયા પછી સાથે રહેશો તો તમારા પ્રભાવ ને તેજ તપતાં રહેશે. નહીં તો કુળ નષ્ટ થશે.’ ‘તાત, તમારી ઇચ્છા પ્રમાણે કરીશું.’ પિતાના ઝાંખા પડતા જતા જીવનદીપથી દુઃખી પુત્રોએ આશ્વાસન દીધું. ‘ને બીજું’, થાકેલા ને તૂટતા સ્વરે ભવે આગળ ચલાવ્યું, ‘સુખી થવું હોય તો સ્ત્રીની ભંભેરણીનો ભોગ ન બનશો. તેમનું સાંભળવું જ નહીં. તમે કહેવત જાણો છો ને — કાયરનો વાણીથી, ગુપ્ત વાતનો અપાત્રથી, પ્રેમનો લોભથી અને કુટુંબનો સ્ત્રીથી નાશ થાય છે?’ શ્વાસ ને નબળાઈ વધી જતાં ભવ ઘડીક આંખ મીંચી પડી રહ્યો. મોટા પુત્ર ભવિલ સિવાયના બીજા ત્યાંથી ગયા, ભવિલને ભવ કાંઈક વિશેષ સમજુ ગણતો. રહીસહી શક્તિ એકઠી કરી તેણે તેને કહ્યું, ‘ભવિલ, જતાં જતાં એક વાત તારા હિતની કહેતો જાઉં છું. આ આપણો પૂર્ણ મહાપુણ્યશાળી જીવ છે.... ગમે તે ભોગે પણ તું પૂર્ણનો સંગ નહીં છોડતો.’ તે પછી થોડી વારે ભવે દેહ છોડ્યો. પુત્રોએ લીલાં, પીળાં, લાલ, વસ્ત્રોથી શબવાહિની સજાવી ને પિતાના ને કુળના મોભાને શોભે તેવી રીતે એની અંતિમ ક્રિયા કરી. પિતા ચાલ્યા ગયાનો શોક કાંઈક શમતાં ભવના પુત્રો વિચાર કરવા એકઠા મળ્યા. પિતાની સાથે જ તેમની વેપારની આવડત, અનુભવ, શાખ, બધું ગયું. શૂર્પારકની પેઢીમાંથી, કુટુંબનો મોભો એવો ને એવો જળવાઈ રહે એટલું હવે પ્રાપ્ત થાય તેમ ન હતું. તો શું કરવું? ત્યાં ને ત્યાં રહીને પડતીને નોતરવી કે તે કરતાં પરદેશ શું કામ ન ખેડવો? દેશાંતર જવાનો નિર્ણય લેવાયો. પૂર્ણે પણ સૌની સાથે જવાની તત્પરતા બતાવી, પણ તેને શૂર્પારકની પેઢી સંભાળવા રાખીને ત્રણેય ભાઈઓ માલના વહાણ ભરી સાગર ખેડવા ઊપડી ગયા. પરચૂરણ ખરચ માટે રોજરોજનું અમુક દ્રવ્ય ત્રણેની સ્ત્રીઓને પેઢી પરથી મળે એવો પ્રબંધ કરવામાં આવેલો, ખરચ માપ બહાર ન જાય એની હવે તો સંભાળ રાખવાની હતી ને! બાંધી આપેલી ખરચની રકમ લેવા માટે સ્વામિનીઓ દરરોજ પોતપોતાની દાસીઓને પેઢી પર મોકલતી, ત્યાં પૂર્ણ ઘણી વાર ખરીદવેચાણ, લેવડદેવડ વગેરે કારણે અનેક વેપારીઓ, શ્રેષ્ઠીઓ ને સાર્થવાહોથી આખો વખત વીંટળાયેલો રહેતો. તેથી દાસીઓને તેને મળવાનો અવકાશ તરત ન મળતો. કેટલીક વાર તો તેમને ઠીકઠીક વાટ જોવી પડતી. દાસીઓ ઘરે મોડી પાછી ફરતી તેથી તેમની સ્વામિનીઓ તેમને વઢતી ને ધમકાવતી. દાસીઓ પોતાને પેઢી પર કેટલું ખોટી થવું પડે છે તેની બઢાવીચઢાવીને વાત કરતી. આથી ‘જેમના કુટુંબમાં દાસીપુત્ર કર્તાહર્તા હોય, તેમને ત્યાં આવું જ હોય ને? બીજી શી સારાવાટ હોય?’ એમ પૂર્ણની ભાભીઓ બળાપો કાઢતી. થોડાક દિવસ આ પ્રમાણે ચાલ્યું, એટલે ભવિલની પત્નીએ પોતાની દાસીને કહ્યું કે તારે વખત જોઈને પેઢી પર જવું, તે વેપારીની ભીડ ન હોય તેવે સમયે જવા લાગી. તેને જતી તેવી જ ખરચીની રકમ લઈને પાછી આવતી જોઈ બીજી બંને દાસીઓ પણ તેને પૂછીને તેની સાથે જવા લાગી. એટલે તેમને પણ હવે થોભવું ના પડતું, ‘છોકરીઓ, ખરચી હવે તરત જ કેમ મળી જાય છે? પહેલાં તો વાટ જોવરાવી જોવરાવીને દાસીપુત્ર જીવ કાઢી નાખતો?’ વચલી અને નાની સ્વામિની પૂછતી. ‘આર્યા, ભલું થજો. મોટી દાસીનું, એ જાય ત્યારે જઈએ છીએ, એટલે હવે અમારો જલદી છૂટકો થાય છે!’ દાસીઓ કહેતી. ‘એમ વાત છે ત્યારે કહોને? મોટી માનીતી ને અમે અણમાનીતી? આવો અંતરટાળો? પણ જેમના કુટુંબમાં દાસીપુત્ર કર્તાહર્તા હોય, ત્યાં શો ભલીવાર હોય?’ સ્વામિનીઓના મોંમાંથી ધૂંધવાતા શબ્દો નીકળતા. એમ ને એમ ત્રણેક વરસ નીકળી ગયાં. ભવિલ, ભવત્રાત ને ભવનંદી સારી એવી કમાણી કરીને હેમખેમ પરદેશથી પાછા આવ્યા. ભાવિલે પત્નીને પૂછયું, ‘ભદ્રે! અમારી ગેરહાજરીમાં પૂર્ણ તારી સારસંભાળ તો બરાબર લેતો હતો ને?’ ‘હા, સ્વામી! મને એણે કશું ઓછું આવવા નથી દીધું.’ તેેને ઉત્તર મળ્યો. ભવત્રાત અને ભવનંદીએ પણ પત્નીઓને એવો જ પ્રશ્ન કર્યો. ‘અરે! જેમના કુટુંબમાં બધું દાસીપુત્રના હાથમાં હોય તેમની કેવી બુરી દશા થાય તેનો અમે બરાબર સ્વાદ લીધો,’ બંનેની પત્નીઓએ કહ્યું ને આંસુ, ડૂસકાં ને નિસાસાની સજાવટ સાથે, ત્રણ ત્રણ વરસ પૂર્ણે તેમને ઓશિયાળાપણાના કેવા કડવા ઘૂંટડા પાયા ને જેઠાણી પર તે કેવો વરસતો તેનો ભભકતો ચિતાર આપ્યો. પણ પિતાનાં વચન યાદ કરી, સ્ત્રીઓનો ભાઈભાઈ વચ્ચે ફૂટ પડાવવાનો સ્વભાવ જ હોય છે માની નાના ભાઈઓએ વાતને આગળ ન વધારી. અવારનવાર ભાઈઓના નાના છોકરાઓ પેઢીએ પહોંચી જતા ત્યારે પૂર્ણ તેમને રાજી કરવા કાંઈક ને કાંઈક આપતો. એક વાર ભવિલનો છોકરો દુકાને આવ્યો ત્યારે કોઈ ઘરાક સાકર ખરીદતો હતો. પૂર્ણે ભવિલના છોકરાના હાથમાં સાકરનો પડો આપ્યો. વળતે દિવસે ભવપાત્ર ને ભવનંદીના છોકરા દુકાન પર ગયા ત્યારે તરતમાં આવેલા ગોળના ગાડવા ત્યાં પડેલા હતા, એટલે પૂર્ણે તેમને થોડો થોડો તાજો ગોળ બાંધી આપ્યો. ગોળ જોઈને છોકરાઓની માતાઓએ તરત જ પતિના કાન કરડ્યા. ‘જોયું ને? અમે ખોટું કહેતાં હતાં? મોટા ઘરના છોકરાને સાકર ને આપણાં છોકરાંને બિચારાંને ગોળ? આ તો ઉઘાડો જ અંતરટાળો છે ને?’ જે જેની દૃષ્ટિમાં જ હોય તેને વાંધો શોધવા ક્યાં જવું પડે છે? વાંધાઓ આપોઆપ જ આવીને તેની પાસે ખડા થઈ જાય છે. એક વાર બનારસી કાપડનો એક સરસ સોદો પાર ઊતર્યો. તેથી પ્રસન્ન ચિત્તે પૂર્ણ બેઠો હતો, ત્યાં ભવિલનો છોકરો આવી ચડ્યો. પૂર્ણે તેને બનારસી કાપડના નમૂનાનો એક ટુકડો ત્યાં જ ગાદી ઉપર પડ્યો હતો તે આપ્યો. આ ખબર પડી કે તરત નાના ભાઈઓની સ્ત્રીઓએ પોતાના છોકરાઓને પેઢી પર ધકેલ્યા. એ છોકરાઓ ત્યાં પહોંચ્યા ત્યારે સુતરાઉ કાપડની ઘરાકી નીકળેલી. ભાવની ખૂબ રકઝક ને તાણાંખેંચ ચાલતી હતી. પૂર્ણે નાના ભત્રીજાઓને ઊંચી જાતના ઝીણા સુતરાઉ કાપડના નમૂનાના ટુકડા આપ્યા ને પાછો તે ઘરાક સાથે વાતે વળગ્યો, સુતરાઉ કાપડના ટુકડા જોઈને નાના ભાઈઓની સ્ત્રીઓ લાલચોળ થઈ ગઈ. આમ વાતનું વતેસર થતું ચાલ્યું ને ચાલુ ભંભેરણીઓથી ભાઈઓનાં મન પણ ઊંચાં થઈ ગયાં, છેવટે પરિસ્થિતિ એવી થઈ ગઈ કે કાંઈક નિકાલ તરતમાં ન આવે તો ગમે તે ઘડીએ ભડકો થાય. બંને નાના ભાઈઓને ભવિલ અને પૂર્ણ ખૂબ જ અકારા થઈ ગયા. ભવત્રાત ને ભવનંદીએ સંતલસ કરી. મજિયારાના ભાગલા પાડી લેવા. ને ભાગ એવી રીતે પાડવાની ગોઠવણ કરવી કે ભવિલના હાથમાં ધૂળ જ આવે. તેઓ જાણતા હતા કે ભવિલનો પૂર્ણ ઉપર ઘણો ભાવ છે. એટલે તેમણે ચોકઠું પણ એ પ્રમાણે ઘડી કાઢ્યું. ભવિલને બોલાવી ભવત્રાતે કહ્યું, ‘ભાઈ, સત્યાનાશ! હવે ભાગ પાડવા વિના છૂટકો નથી.’ ‘ભાઈઓ, વાત ઘણી જ માઠી છે,’ ભવિલે ભારે સ્વરે કહ્યું, ‘પૂરો વિચાર કર્યા વિના પગલું ન લેશો. પિતાજીનાં વચનો ભૂલી ગયાં કે સ્ત્રીઓથી ઘર ભાંગે છે?’ ‘એ બધું સાચું પણ અમે તો નક્કી કર્યું છે કે ભાગ પાડી લેવા. એમાં જ સૌનું હિત છે.’ ભવનંદી બોલ્યો. ‘તમે નક્કી કરી જ નાખ્યું હોય તો પછી ભલે. બોલાવીએ પંચને’ ‘એમાં પંચને શું બોલાવવું? આપણે જ ત્રણ સરખા ભાગ કરી નાખીએ.’ ભવત્રાતે સૂચવ્યું. ‘ત્રણ જ ભાગ કેમ? પૂર્ણનો ભાગ નહીં?’ ભવિલે પૂછયું. ‘દાસીપુત્રનો તે ભાગ હોતો હશે? અમે તો એને પણ મિલકતનો એક ભાગ ગણીને વહેંચણીમાં લીધો છે. જુઓ, એમ કરીએ કે એક જણ ઘર ને ખેતર રાખે, બીજો અહીંની પેઢી ને પરદેશનો વેપાર રાખે ને ત્રીજાને ભાગે એકલો પૂર્ણ આવે. તારે જોઈએ તો પૂર્ણને તું રાખ. બીજું અમે વહેંચી લઈએ.’ ભવત્રાતે ગોઠવી રાખ્યા પ્રમાણે ચોખ્ખી ને ચટ વાત કરી. ભવિલ ભાઈની બાજી સમજી ગયો. પાડેલા વિભાગોનો અન્યાય ઉઘાડો હતો. પણ તે વાંધો કાઢે તો કુટુંબક્લેશ થયા વિના ન રહે તે બીકે કશું ન બોલ્યો. પિતાનાં અંતિમ વચન સંભારીને તેણે એટલું જ કહ્યું, ‘સારું, હું પૂર્ણને રાખું છું.’ ભવત્રાતે પેઢી ને વેપાર રાખ્યાં, ભવનંદીએ ઘર ને ખેતર રાખ્યાં. આમ વહેંચણી પતી ગઈ એટલે ભવનંદી સીધો ઘરે પહોંચ્યો. જઈને તેણે ભવિલની પત્નીને કહ્યું, ‘મોટી ભાભી, ઘરની બહાર નીકળ.’ એ બહાર આવી એટલે ભવનંદી બોલ્યો: ‘હવે ફરીથી આ ઘરમાં તારે પગ નથી મૂકવાનો, સમજી?’ ‘શા માટે, ભાઈ?’ ડઘાઈ ગયેલી ભવિલપત્નીએ પૂછ્યું. ‘અમે મજિયારો વહેંચી લીધો છે. આજથી આ આખું ઘર મારું છે. તું પહેરેલ કપડે બહાર નીકળી જા.’ છોકરાંને લઈને તે ઘરની બહાર નીકળી. તો બીજી તરફ ભવત્રાત પણ સીધો પેઢીએ પહોંચ્યો, જઈને પૂર્ણને કહે, ‘એલા પૂર્ણ, દુકાનેથી હેઠો ઊતર.’ પૂર્ણ નીચે ઊતર્યો. ‘હવે સાંભળી લે. બરોબર, જો ફરીથી પેઢીમાં તેં પગ મૂક્યો છે, તો તારો પગ જ ભાંગી નાખીશ.’ ભવત્રાતે કઠોર સ્વરે કહ્યું. ‘કાંઈ કારણ?’ સમજ ન પડતાં પૂર્ણે પૂછયું. ‘કારણ એ કે અમે ત્રણે ભાઈઓએ ભાગલા પાડી લીધા છે. પેઢીનો સ્વામી હવે એકલો હું જ છું, ને તારો સ્વામી ભૂખડીબારસ ભવિલ, જા અહીંથી.’ કશું બોલ્યા વિના પૂર્ણ ઘરે આવ્યો, ત્યાં ભવિલના કુટુંબને ઘરબહાર કાઢેલું તેણે જોયું, ભવિલની પત્ની પિયર જઈ રહી હતી. ભૂખ્યાં છોકરાં રડતાં હતાં. પૂર્ણને જોયો એટલે ભવિલની પત્ની બોલી, ‘પૂર્ણ, છોકરાઓને કાંઈક નાસ્તો તો લાવી દે.’ ‘દામ આપો એેટલે હમણાં જ લઈ આવું.’ પૂર્ણે કહ્યું. ‘અરે, તું લાખો સોનૈયાનો વેપાર કરનારો ને તારી પાસે છોકરાઓના નાસ્તા જેટલું પણ ન મળે?’ ભવિલની પત્નીએ ટકોર કરી. ‘ભાભી, મને શું ખબર એ લોકો તમારી આવી દશા કરશે? એવું જાણતો હોત તો મેં લાખો સોનૈયા સંઘર્યા હોત.’ પૂર્ણ લાગણીથી બોલ્યો, ‘સ્ત્રીઓના છાયલને છેડે બેચાર તાંબિયા બાંધેલા જ હોય છે. તો તારે છેડે કાંઈ હોય તો જો.’ ભવિલની પત્નીએ છેડેથી તાંબિયો છોડી આપ્યો. તે લઈને પૂર્ણ ઉતાવળે પણ દૃઢ પગલે બજાર તરફ ઊપડ્યો. પૂર્ણનું ચિત્ત તેમ જ બધી ઇન્દ્રિયો અત્યારે ખૂબ જ સતેજ બની ગયાં હતાં. તેને હવે રાખમાંથી મહાલય ઊભો કરવાનો હતો. માબાપ ગયાં ત્યારથી આ અજાણ્યા જેવા વિશાળ જગતમાં તેની એકલતા હળવી બનાવે તેવું મોટા ભાઈ ને મોટી ભાભી સિવાય બીજું કોણ હતું? શેરીમાં રડવડતી દશામાંથી તેમને પહેલાં કરતાંયે સવાયાં પ્રતિષ્ઠિત કરવા એ હવે તેનું કામ. વચલાં ને નાનાં ભાઈભાભીએ બન્યું તેટલા કડવા ઘૂંટડા તેને પાયા ને એથી ન ધરાયા હોય તેમ છેવટે તેને તગડી મૂક્યો. એ તો ઠીક, પણ મોટા ભાઈનું પણ બધું આંચકી લીધું! ન્યાય, સત ને દયા જેવું કેમ બહુ ઓછું જોવા મળતું હશે? પણ એક રીતે તો એ ઘણું સારું જ થયું, હવે એમનું નડતર જતાં, પોતામાં કેટલું પાણી છે, મોટા ભાઈ માટે પોતે કેટલું કરી શકે છે એ પોતે બરાબર બતાવી આપી શકશે. વિચારોનાં આવાં આવાં ગૂંચળાં વાળતો પૂર્ણ એક તાંબિયાની મૂડી સાથે ધપી રહ્યો હતો. ધોરી બજાર તરફ જવાને બદલે તેની પછવાડે ત્રણચાર ગલીઓ હતી તેમાંથી એક પહોળી ગલીમાં તે વળ્યો. ત્યાં કૈંક જાણીતી ને અજાણી, મામૂલી ને ચિત્રવિચિત્ર જૂની નવી ચીજો ને જાતજાતની કાટકૂટ ને આચરકૂચર વેચાવા આવતાં. ગીધ જેવી નજરથી અનેક ચીજો નિહાળતો, ઠેકઠેકાણે થોભતો પૂર્ણ આગળ વધતો હતો. તેની નજર લાકડાંનો ભારો લઈને એક તરફ બેઠેલા એક કઠિયારા પર પડી. ધૂળના લપેટા, કાળા ભંઠ વાન ને ભારે થાકને લીધે કઠિયારો પોતે જ કોઈ જંગલી લાકડાની ગાંઠ જેવો લાગતો હતો. ભારામાં પણ જાતજાતનાં, જાડાં-પાતળાં, પુરાણાં ને વિચિત્ર દેખાતાં લાકડાં બાંધેલાં હતાં. દારુપરીક્ષામાં નિપુણ પૂર્ણે ભારાને આમતેમ તપાસ્યો. એકાએક તેની આંખમાં ચમક આવી. ભારાની અંદરના એક લાકડાને નખથી ખોતરી તપાસતાં તેણે કઠિયારાને પૂછ્યું. ‘શું લેવું છે ભારાનું?’ ‘પાંચ સો તાંબિયા, શેઠ.’ ‘કાંઈ ઓછું?’ ‘ક્યાંય ક્યાંય આઘે જંગલમાં રખડીને ભેગાં કર્યાં છે. પોલાંબોલાં નથી. વજન જુઓ, લોખંડના ટુકડા જ જોઈ લો. આવાં લાકડાં પાંચસોથી ઓછે કોઈ આપે?’ ‘સારું, ઉપાડ ભારો.’ કહી કઠિયારાને માથે ભારો મુકાવી પૂર્ણ તેને સાથે લઈને ચાલ્યો. બજારમાં એક ઓળખીતા વેપારીના હાટ આગળ ભારો ઉતરાવી, તેમાંથી પેલું લાકડું પૂર્ણે ખેેંચી કાઢ્યું. કરિયાણાં-ગંધિયાણાં પારખવામાં અનુભવી બની ગયેલી તેની આંખે વરતી કાઢ્યું હતું કે એ લાકડું બીજું કશું નહીં, પણ અતિ વિરલ એવું ગોશીર્ષ ચંદન હતું. એક અસાધારણ ઓસડિયા લેખે તેમ જ સુગંધી દ્રવ્ય તરીકે તેના મોંમાગ્યાં નાણાં ઉપજતાં. દુકાનદાર પાસેથી વાંસલો, ફરશી ને કરવત માગી પૂર્ણ ગોશીર્ષના લાકડાને છોલ્યું, ગોળાકાર બનાવ્યું, ને ચાર મોટા ટુકડા કરી કપડામાં બાંધી લીધા. છોડાં ને છોલ પડ્યાં હતાં તે લઈને પૂર્ણ બજારમાં ગયો ને એક હજાર તાંબિયામાં તે વેચ્યાં. સાથે પોતાની પાસે કેટલુંક ગોશીર્ષ ચંદન હોવાની વાત તેણે બે-ચાર આગળ પડતા ગાંધીઓને કાને નાખી દીધી. ઊપજેલા હજારમાંથી પાંચ સો કઠિયારાને આપ્યા અને ભાભીના પિયરનું ઠેકાણું દઈને તેને કહ્યું, ‘ભારો એ સ્વામિનીને આપી દેજે ને કહેજે કે પૂર્ણે મોકલ્યો છે.’ કઠિયારાએ કહ્યા પ્રમાણે ભારો પહોંચાડ્યો. કશી ખાદ્યસામગ્રી કે ચવાણાને બદલે માત્ર લાકડાં જોઈને ભવિલપત્ની કપાળ કૂટી બોલી, ‘અરેરે, ધન ગયું તે સાથે પૂર્ણની બુદ્ધિ પણ ચાલી ગઈ કે શું? રસોઈની સામગ્રીને બદલે રસોઈનું સાધન મોકલ્યું! લાકડાંથી શું મારા હાથ પકાવું?’ ત્યાં તો થોડી વારે પૂર્ણ પોતે આવી પહોંચ્યો. વધેલા પાંચ સો તાંબિયામાંથી તે રસોઈની બધી સાધનસામગ્રી, વસ્ત્રો, દાસી, ગાય ને બીજી ઘરઉપયોગી ચીજવસ્તુ પોતાની સાથે લેતો આવ્યો હતો. ભાભીનો કચવાટ કોણ જાણે ક્યાં અદૃશ્ય થઈ ગયો. હવે બનવાકાળ તે શૂર્પારકના રાજાને એ દિવસોમાં દાહજવર ઊપડી આવ્યો. અનેક ઓસડો ને ઉપચારો કર્યા, પણ કશી કારગત ન ચાલી. એટલે રાજવૈદ્યે કહ્યું કે ગોશીર્ષ ચંદન એ જ હવે મહારાજના રોગનું એકમાત્ર ઓસડ છે. અમાત્યોએ ગોશીર્ષ ચંદનની બજારમાં તપાસ કરી. કોઈ પણ ગાંધીને ત્યાં ન હતું, પણ ત્રણચાર જણ પાસેથી વાત મળી કે ભવશ્રેષ્ઠીના પુત્ર પૂર્ણ પાસે એ હોય તો હોય. અમાત્યો પૂર્ણ પાસે પહોંચ્યા. પૂછ્યું, ‘પૂર્ણ, તારી પાસે ગોશીર્ષ છે?’ ‘હા, છે તો ખરું, કેમ?’ પૂર્ણે સામે પૂછ્યું. ‘મહારાજાના દાહજ્વરમાં ઉપચાર માટે જોઈએ છે. બોલ, કેટલા લઈશ?’ ‘ઓહો! મહારાજાનું ઓસડ કરવા જોઈએ છે? તો તો મારાથી વધુ ન લેવાય. એક હજાર સોનૈયા હું પૂરતા ગણીશ,’ એમ કહી પૂર્ણે ચારેય ટુકડામાંથી થોડો થોડો ભાગ કાપી આપ્યો. ગોશીર્ષવાળા ઓસડના લેપથી રાજાનો દાહજ્વર મટી ગયો. રાજાને થયું, આવું ચમત્કારી ઓસડ રાજાને ત્યાં ન હોય એ તે કેવું? તેણે અમાત્યોને બોલાવીને પૂછ્યું: ‘ગોશીર્ષ તમે ક્યાંથી મેળવ્યું?’ ‘ભવશ્રેષ્ઠીના પુત્ર પૂર્ણશ્રેષ્ઠી પાસેથી મહારાજ! આખા શૂર્પારકમાં માત્ર તેની જ પાસેથી નીકળ્યું.’ ‘પૂર્ણને બોલાવો. હોય, તો તેની પાસેથી આપણે થોડુંક લઈ રાખીએ.’ પૂર્ણને સંદેશો અને તેડું ગયાં. ગોશીર્ષના ત્રણ ટુકડા રેશમી વસ્ત્રમાં બાંધી, એક છૂટો હાથમાં લઈ પૂર્ણ જઈને રાજાને મળ્યો. રાજાએ કહ્યું: ‘પૂર્ણ, તારી પાસે થોડુંક ગોશીર્ષ હોય તો મારે જોઈએ છે. ’ ‘આ રહ્યું, દેવ.’ હાથમાંનો ટુકડો ધરતાં પૂર્ણ બોલ્યો. ‘દેવ જાણે છે કે કેટલી વિરલ આ ચીજ છે તે. એક લાખે માગણી થઈ છે.’ ‘આટલું જ તારી પાસે છે કે બીજું પણ છે?’ ‘બીજા પણ ત્રણ ટુકડા છે.’ પૂર્ણે પોટલી છોડી ટુકડા રાજા આગળ મૂક્યા. રાજાએ પૂર્ણને ચાર લાખ ગણી આપવાની અમાત્યોને આજ્ઞા કરી. પૂર્ણ બોલ્યો: ‘દેવ, આમાંથી એક ટુકડાની આપને હું ભેટ ધરું છું, કૃપા કરી આપ એ સ્વીકારો ને મને ત્રણ લાખ જ આપો.’ ‘ભલે પૂર્ણ, તારી ભેટ સ્વીકારું છું, પણ મારાથી એ સાવ એમ ને એમ ન લેવાય. તુંયે એના બદલામાં મારી પાસેથી કાંઈક લે.’ ‘દેવ’, પૂર્ણ બોલ્યો, ‘ભેટનો બદલો લઉં તો એ પછી ભેટ ક્યાં રહી? પણ આપનું કહેણ પાછું ઠેલવું એ પણ અઘટિત ગણાય. એટલે આપની પ્રસન્નતા હોય, તો એક આટલું માગું કે આપના રાજ્યમાં મારું કોઈને હાથે અપમાન ન થાય.’ અપમાનના ઘૂંટડા પીને ગળે આવી ગયેલા પૂર્ણને આથી વધીને બીજી કઈ માગણી કરવા જેવી લાગે? રાજાએ અમાત્યોને કહી દીધું: ‘જુઓ, આજથી તમારે આ વાતની બરાબર સાવચેતી રાખવી. મારા કુમારોને આજ્ઞા કરવાનું પ્રાપ્ત થાય તો કરવી, પણ પૂર્ણને કદી પણ કોઈએ કશી આજ્ઞા ન કરવી!’ ત્રણ લાખ લઈ, રાજાને પ્રણામ કરી પૂર્ણ ઘરે આવ્યો. પૂર્ણે રાજકૃપાથી વિશિષ્ટ અધિકાર પ્રાપ્ત કર્યાની વાતને થોડોક સમય થયો હશે, તેવામાં પાંચ સો પરદેશી વેપારીઓ સાગર ખેડી માલનાં વહાણ ભરી શૂર્પારક આવી પહોંચ્યા. માલમાં ખાસ તો મહામૂલાં કેસર ને કસ્તૂરીનો મોટો જથ્થો હતો. શૂર્પારકના વેપારી મહાજનને પરદેશી માલ આવ્યાના સમાચાર મળ્યા. મહાજન એકઠુું મળ્યું ને એવો ઠરાવ કર્યો કે આવેલા વેપારીઓ પાસે માલ ખરીદવા કોઈએ એકલા ન જવું. મહાજન તરફથી જ માલની ખરીદી કરવી અને પછી વેપારી દીઠ વહેંચણી કરી આપવી. એટલે આપસઆપસની હરીફાઈનો પરદેશીઓ નકામો લાભ ઉઠાવી ન જાય. ઠરાવ કરવા સૌ ભેગા મળ્યા, ત્યારે કોઈએ સૂચવ્યું કે ભવિલને અને પૂર્ણને પણ બોલાવીએ. પણ ત્યાં તો બેચાર જણ બોલી ઊઠ્યા: ‘એ ભિખારીઓને તે શું બોલાવવા?’ એટલે વાત પડતી મુકાઈ ને તેમના વિના જ ઠરાવ થયો. શૂર્પારકના વેપારીઓ આવેલા પરદેશીઓના માલની ખરીદનીતિ નક્કી કરવાનો હજી તો આવો ઊહાપોહ ચલાવી રહ્યા હતા, ત્યારે પૂર્ણ તો માલ આવ્યાની જાણ થતાં જ ગુપચૂપ એકલો સીધો વહાણ પર પહોંચી ગયેલો, ને નાણાંની થેલી પણ સાથે લઈ ગયેલો. આવેલા વેપારીઓ પાસેનાં કેસરકસ્તૂરી ઘણી ઊંચી જાતનાં હતાં. વળી એની અત્યારે શૂર્પારકમાં ઘણી અછત હતી. અને ખાસ તો તેણે કરેલી ગુપ્ત તપાસ ઉપરથી જાણવા મળ્યું હતું કે રાજકુટુંબ માટે થોડાક જ દિવસોમાં સારા જથ્થામાં કેસરકસ્તૂરી ખરીદ કરવાનાં હતાં. ભવશ્રેષ્ઠીની જૂની શાખ હતી અને પૂર્ણ સાથે, આવેલા વેપારીઓને આ પહેલાં પ્રસંગ પડેલો. તેઓ પૂર્ણની સચ્ચાઈ ને બાહોશીથી સારી રીતે પ્રભાવિત હતા. વેપારીઓ પાસે કેટલો ને કેવો માલ છે તે જાણી લઈ પૂર્ણે ભાવતાલની વાત કાઢી. ‘શ્રેષ્ઠી, ભાવ અમે શું કરવાના હતા?’ પરદેશીઓનો મોવડી હસીને બોલ્યો, ‘આઘા જઈએ કે પાછા, છેવટે તો અમારે અહીં તને જ પૂછીને પગલું ભરવાનું હોય છે. પછી તારી સાથે ભાવતાલ શું કરવો? લઈ જા. તારો જ માલ છે.’ ‘ઠીક છે, એ તો. તમારો મારા પર ભાવ એ જ મોટી વાત છે. પણ કાંઈક નામ તો પાડો.’ પૂર્ણે કહ્યું. ‘માલ તો તેં જોયો ને? પણ અમારે તો જલદી ઘરભેળા થવું છે, એટલે થોડું ઓછું કે થોડું વધારે. ને તારી સાથે ભાવ કરવાનો થોડો હોય? જા, તું લઈ જતો હોય તો અઢાર લાખે આપ્યો. બીજો હોય તો વીશથી એક દામ ઓછો ન કરીએ. આવો માલ ક્યાં છે અત્યારે? ‘અછતનો લાભ લઈને જ તમે બમણો ભાવ માગો છો, પણ ભાવ કબૂલ. લો, આ ત્રણ લાખ બાના પેટે આપી જાઉં છું. બાકીના પહોંચાડી દઈશ. ને આ માલ હવે મારો.’ સોદો નક્કી થઈ ગયો. માલ પર પોતાના નામની મુદ્રા લગાવીને પૂર્ણ પાછો ફર્યો. બીજે દિવસે મહાજનનો પ્રતિનિધિ માલ ને ભાવતાલની તપાસ કરવા આવ્યો. પરદેશીઓએ તેને માલ બતાવ્યો. માલ જોઈને વેપારી આગળથી નક્કી કરીને આવ્યો હતો તે પ્રમાણે બોલ્યો, ‘માલ તો સારો છે જાણે, પણ તમે કવેળાએ આવ્યા છો. કેસરકસ્તૂરીનો ભરાવો અમારે ત્યાં એટલો થઈ ગયો છે કે તમારે માટે મને તો બહુ આશા નથી પડતી. હા, તમારી પાસે ઊંચી જાત છે. એટલી એક ઊગરવાની બારી છે.’ ‘શ્રેષ્ઠી, તું એ બાબતની ચિંતા મા કરીશ’ પરદેશીઓનો મોવડી ટાઢપથી બોલ્યો, ‘તમારે ત્યાં માલ ભર્યો પડ્યો હોવાની વાત કદાચ સાચી હશે. પણ આ અમારો માલ તો વેચાઈ ગયેલો છે.’ ‘માલ વેચાઈ ગયેલો છે?’ મહાજનનો પ્રતિનિધિ આભો થઈ ગયો. ‘કોને વેચ્યો?’ ‘પૂર્ણ શ્રેષ્ઠીને. આ એની મુદ્રા જ જોઈ લે ને!’ ‘ઓહો! પૂર્ણને? ત્યારે તો તમને ઘણું મળ્યું હશે એની આગળથી,’ પ્રતિનિધિ શ્રેષ્ઠી દાઢમાંથી બોલ્યો. ‘કેમ એમ બોલો છો?’ ‘શ્રેષ્ઠી, તમે છો પરદેશી, અહીંની વાત તમે શું જાણો? પણ મારી સાથે સંબંધ છે એેટલે કહું છું કે પૂર્ણ હવે સાવ ખાલીખમ થઈ ગયો છે. એણે જે કાંઈ મોટી મોટી વાતો કરી હોય તે આભના તારા જ માનજો.’ ‘શ્રેષ્ઠી,’ પરદેશીના મોવડીએ સહેજ ખુલ્લા સ્વરે કહ્યું, ‘આભના તારા નથી, આ તો હથેળીના જ તારા છે. તમે ભાવ પેટે પણ ન આપો એટલું પૂર્ણ બાનામાં આપી ગયો છે, સમજ્યા?’ ‘કેટલા આપ્યા?’ ‘ત્રણ લાખ.’ ‘એમ વાત છે!’ મહાજનના પ્રતિનિધિએ હસતાં હસતાં કહ્યું, ‘ત્યારે તો પૂર્ણે તેના ભાઈઓને પેટ ભરીને લૂંટ્યા. આટલું બધું હશે, એની આપણને ખબર નહીં.’ મહાજનનો પ્રતિનિધિ પાછો ફર્યો. તેણે મહાજનને વાતની જાણ કરી. તેમણે પૂર્ણને બોલાવીને કહ્યું, ‘પૂર્ણ, મહાજને ઠરાવ કર્યો છે કે કોઈ વેપારીએ હાલ આવેલા પરદેશીઓનો માલ વ્યક્તિગત ન ખરીદતાં, મહાજન તરફથી જ ખરીદવો. એ છતાં તેં એકલા જઈ માલ ખરીદી લઈને મહાજનના ઠરાવનો ભંગ કેમ કર્યો?’ પૂર્ણે ઉત્તર દીધો, ‘આ અંગે મારે તમને એટલું એક પૂછવાનું છે કે મહાજને આ ઠરાવ કર્યો ત્યારે મારા ભાઈ ભવિલને કે મને બોલાવેલો ખરો? ઠરાવ તમે કર્યો હોય તો તમે પાળો. મને એ કઈ રીતે લાગુ પડે?’ જરાયે દબાયા વિના પૂરા નીડરપણે અપાયેલો આ ઉત્તર મહાજનના મોવડીઓને માટે પૂરતો હતો. તેમણે પૂર્ણનો સાઠ સોનામહોર દંડ કર્યો અને તેની સાથે કોઈ પણ વેપારીએ વહેવાર ન રાખવો એવો ઠરાવ કર્યો. પૂર્ણ પ્રત્યેના આવા વર્તાવની વાત અધિકારીઓ દ્વારા રાજાને કાને પહોંચી. તેણે મહાજનના મોવડીઓને બોલાવ્યા. પૂર્ણની સંમતિ વિનાનો ઠરાવ પૂર્ણને બંધનકર્તા કઈ રીતે હોય એવું મોવડીઓને પૂછતાં તેઓ ઝંખવાણા પડી ગયા અને પૂર્ણ ઉપર મૂકેલા પ્રતિબંધો તેમણે પાછા ખેંચી લીધા. થોડા દિવસમાં જ રાજાના અધિકારીઓએ પુષ્કળ પ્રમાણમાં કેસરકસ્તૂરી પૂરાં પાડવા વેપારીમહાજનને જણાવ્યું. સૌની વખારો ખાલી હતી. માત્ર પૂર્ણ જ જોઈએ તેટલો માલ પૂરો પાડી શકે તેમ હતો. મહાજને રાજાને આ વાત કરી. રાજાએ કહ્યું, ‘પૂર્ણને હું આજ્ઞા ન કરું. તમે જ તેની પાસેથી ખરીદવાની ગોઠવણ કરો.’ મહાજને પૂર્ણને બોલાવવા માણસ મોકલ્યો. પૂર્ણ ન આવ્યો. એટલે આ બધા મહાજનના મોવડી ભેળા મળી પૂર્ણને નિવાસે ગયા. બારણા આગળ ઊભા રહી અંદર માણસ મોકલ્યો. માણસે પૂર્ણને કહ્યું, ‘પૂર્ણ, જલદી બહાર આવ. તારે બારણે વેપારીમહાજન આવીને ઊભું છે.’ પૂર્ણ કશી ઉતાવળ વિના નિરાંતે થોડી વારે બહાર આવી મહાજનને મળ્યો. મોવડીઓએ કહ્યું, ‘પૂર્ણ, તારી પાસે જે કસ્તૂરી ને કેસર છે, તે મહારાજા માટે જોઈએ છે. તો તું ખરીદેલા ભાવે અમને આપ.’ ‘મહાજનને મોઢે આવી વાત શોભે ખરી?’ પૂર્ણ બોલ્યો. ‘કોઈ વેપારી ખરીદભાવે પોતાનો માલ વેચે ખરો? અને તે પણ મહારાજા જેવા ખમતીધરને પૂરો પાડવાનો હોય ત્યારે?’ મોવડીઓ સૌ શૂર્પારકના પ્રમુખ વેપારીઓ જ હતા. રાજાને જોઈતી ચીજવસ્તુઓ નફાનો કેટલો ગાળો રાખીને તેઓ પૂરી પાડતા એ જાણીતું હતું. મોવડીઓએ બમણે ભાવે પૂર્ણનો માલ ખરીદવાની તૈયારી બતાવી. ‘મહાજનનું વચન પાછું નથી ઠેલી શકતો,’ એમ ઉપર હાથ રાખી પૂર્ણે તેમને માલ વેચ્યો, ને આવેલાં નાણાંમાંથી તેણે પરદેશીઓની બાકીની રકમ ચૂકવી દીધી. આમ સૂક્ષ્મદશિર્તા ને અનુભવને બળે પૂર્ણ ઝડપથી પગભર થવા લાગ્યો. પૂર્ણ પગભર થવા લાગ્યો એમ કહેવું તે કરતાં એણે ઘડીક પગ ઠરાવવા જેવી પરિસ્થિતિ ઊભી કરી દીધી એમ કહેવું જ વધુ ઠીક હતું. પૂર્ણને થયું, આ રીતે તો ક્યારે ઊંચા આવીશું? અકસ્માત તક મળી ને બેત્રણ સોદા સારા પાર ઊતર્યા એમાં કોઈનું દળદર ફીટે ખરું? ઝાકળનાં ટીપાંથી ઘડો કયે દહાડે ભરાવાનો હતો? આ ગતિએ ચાલવું એ ભવશ્રેષ્ઠીનો હતો તેવો મોભો જમાવવો એમાં તો આખો જન્મારો પણ પૂરો ન પડે. અને તેણે મહાસાગર ખેડવાની તૈયારી કરી. બેવાર તેના ભાઈઓ સાગર ખેડવા ગયેલા. પણ બંને વાર પૂર્ણને શૂર્પારકમાં જ રહેવું પડ્યું હતું. તેની સ્વભાવગત સાહસવૃત્તિ આથી વધુ ઉત્કટ — વધુ ઉગ્ર બની હતી. અનેક વાર તે કૂદાકૂદ કરતી હવે તે દાબી દબાય તેમ ન હતું. પૂર્ણે શૂર્પારકમાં ઘંટાઘોષ કરાવ્યો: પૂર્ણ સાર્થવાહ મહાસાગરની ખેપે જાય છે. જે કોઈ વણિક સાથે જવા ઇચ્છતો હોય તે પૂર્ણને જાણ કરે ને લઈ જવાનો માલ તૈયાર રાખે. તેના રક્ષણ, જકાત ને પ્રવાસખર્ચનો બધો ભાર પૂર્ણ પોતે ઉઠાવશે. અનેક વેપારીઓ પૂર્ણ સાથે જવા તૈયાર થઈ ગયા. માંગલિક વિધિ ને સ્વસ્તિવાચન કરાવી શુભ શુકને અને મૂહુર્તે તેઓ ઊપડ્યા. દિવસોના દિવસો પ્રવાસ કરી દૂરના દ્વીપોમાં પહોંચ્યા. ને માલની લેવેચ કરી ઘણો સારો એવો લાભ પ્રાપ્ત કરી ક્ષેમકુશળ સૌ શૂર્પારક પાછા આવી ગયા. હવે લોહી ચાખી ગયેલા વાઘની જેમ પૂર્ણ કોઈનો ઝાલ્યો રહે તેમ ન હતો. એક દ્વીપદ્વીપાંતરોમાંથી અઢળક દ્રવ્ય રળી લાવ્યો. સમૃદ્ધિ ને પ્રતિષ્ઠાનાં એક પછી એક શિખર તે સર કરતો ગયો. હવે શૂર્પારકના ત્રણચાર અગ્રગણ્ય સાર્થવાહોમાં તેની ગણના થવા લાગી. એટલું જ નહીં, એક સાહસિક સફળ સાગરખેડુ તરીકે તેની નામના દેશદેશાંતરમાં પ્રસરી ગઈ. એક વાર શ્રાવસ્તીનગરીના કેટલાક આગળ પડતા વેપારીઓ માલનાં વહાણો ભરીને શૂર્પારક આવ્યા. પ્રવાસનો થાક ઉતારતાં તેઓ પૂર્ણ સાર્થવાહને મળવા ગયા અને તેને મહાસાગરની ખેપમાં પોતાની સાથે આવવા કહ્યું. પૂર્ણે કહ્યું, ‘સાર્થવાહો! હું તમને એક પ્રશ્ન પૂછું છું, તેનો ઉત્તર આપશો? તમે આટલા બધા જણ છો, એમાંથી એક પણ એવો છે ખરો જેણે છ વાર મહાસાગર સફળતાથી ખેડ્યો હોય, ને જે પાછો સાતમી વાર જતો હોય?’ પૂર્ણની આવવાની અનિચ્છાથી નિરાશ થતા વેપારીઓએ કહ્યું, ‘સાર્થવાહ, અમે ઘણે દૂરથી તારી કીર્તિ સાંભળીને આશાથી આવ્યા છીએ.’ ‘તારે અમને સાથ ન જ આપવો હોય તો પછી જેવી તારી ઇચ્છા. બીજું તો અમે શું કહીએ?’ વેપારીઓનું મન દુભાતું જોઈને પૂર્ણ હવે ધનની કશી અબળખા નહોતી રહી તોયે તેમની સાથે નીકળ્યો. પ્રવાસની પહેલી રાત પૂરી વીતી. વહેલા પ્રભાતે શ્રાવસ્તીના સાર્થવાહો ઊઠીને મધુર, પ્રલંબ સ્વરે સ્તોત્રો, ગાથાઓ ને સૂત્રોનો સ્વાધ્યાય કરવા લાગ્યા. તેમાંથી નીતરતી શ્રદ્ધા ને પવિત્રતાની નિર્મળ ભાવનાથી પૂર્ણ ઘણો પ્રભાવિત થયો. તેણે તેમને કહ્યું, ‘તમે ઘણાં સુંદર ગીતો ગાઓ છો.’ ‘સાર્થવાહ,’ શ્રાવસ્તીના વેપારીઓ તરફથી ઉત્તર મળ્યો, ‘એ ગીતો નહોતાં, એ તો હતાં બુદ્ધવચન.’ ઊંડા ભાવથી ઉચ્ચારાયેલું આ બુદ્ધનું નામ પૂર્ણે આ પહેલાં કદી પણ નહીં સાંભળેલું. તેણે આદરથી પૂછયું, ‘એ બુદ્ધ કોણ?’ એક વેપારીએ ખુલાસો કર્યો. ‘બુદ્ધનું નામ તેં નથી સાંભળ્યું, સાર્થવાહ? એ શ્રવણ ભગવાનનો જન્મ શાક્યકુળમાં થયેલો — ગૌતમ તેમનું નામ. તેમણે મસ્તક ને દાઢી મૂંડાવી. કાષાય વસ્ત્ર ધારણ કરી સાચી શ્રદ્ધાથી ઘરવાસ છોડ્યો, પ્રવજ્યા લીધી ને સમ્યક સંબોધિ પામ્યા, એટલે તેઓ બુદ્ધ કહેવાય છે.’ ‘અત્યારે ભગવાન શ્રાવસ્તીના જેતવનમાં અનાથપંડિકના આરામમાં વિહરે છે.’ તેને ઉત્તર મળ્યો. આ પ્રસંગે પૂર્ણને ઘડીક ઊંડા વિચારમાં નાખી દીધો. તેના ચિત્તમાં બુદ્ધ પ્રત્યેની સાચી આસ્થાનું બીજ વવાયું. પ્રવાસીઓ નિર્ધારિત સ્થળોનો પ્રવાસ કરી સારો એવો લાભ કરી સ્વદેશ પાછા ફર્યા. પૂર્ણે પણ શૂર્પારકમાં પ્રવેશ કર્યો. પણ આ વખતે સાગર ખેડીને પાછા આવેલા પૂર્ણમાં કાંઈક અવનવું પરિવર્તન જણાતું હતું. ઉપર ઉપરથી તો તેનો અદમ્ય ઉત્સાહ, અણથક શ્રમ લેવાની શક્તિ ને તીક્ષ્ણ દૃષ્ટિ એનાં એ જ લાગતાં હતાં. પણ તેનાં બોલવા ચાલવામાં પહેલાં આછી આછી કળાતી વિષાદની રેખા હવે કાંઈક વધુ પ્રકટ, વધુ સ્ફુટ લાગતી. પ્રવૃત્તિના પૂરમાં એ એટલો જ ડૂબેલો રહેતો. પણ તેનો સ્વાદ જાણે કે તેને માટે ફિક્કો પડી ગયો હોવાની શંકા હતી. ખૂબ જ મહત્ત્વના કામની વચ્ચે તેનું મન કોઈ કોઈ વાર સૂનમૂન થઈ જતું. કાંઈક ઊંડી ગડમથલમાં તે ગૂંચવાયેલો લાગતો. તેના મોટાભાઈ ભવિલની દૃષ્ટિથી પૂર્ણમાં થયેલો ફેરફાર છાનો ન રહ્યો. તેને થયું, સંકટ ને જોખમભર્યા અનેક લાંબા પ્રવાસો ખેડીખેડીને પૂર્ણ હવે ગળે આવી ગયો લાગે છે. અત્યાર સુધી આવતાં અનેક સારાં સારાં માગાં પૂર્ણે એક નહીં ને બીજે બહાને પાછાં ઠેલ્યાં છે. પણ હવે ગૃહસ્થીનું સુખ માણવાનો સમય તેને માટે ક્યારનોયે પાકી ગયો છે. અવસર જોઈ તેણે પૂર્ણને કહ્યું, ‘ભાઈ, હવે તારા મનની ચોખ્ખી વાત કરી દે. અત્યાર સુધી તેં ના ના કર્યું છે. પણ હવે નહીં ચાલે. કહે, શૂર્પારકના કયા ધનપતિની, કયા સાર્થવાહની પુત્રી પર તારું મન છે? તું કહે એટલે આજ ને આજ જઈને માગું નાખું. હવે નથી થોભવું.’ ‘મોટાભાઈ,’ પૂર્ણે સહેજ ભારે સ્વરે કહ્યું, ‘ખરું કહું? કોણ જાણે કેમ પણ બધામાંથી મારો રસ એકાએક સુકાઈ જતો લાગે છે. ને કામભોગ તરફ તો મને કશી વૃત્તિ જ નથી. એથી થોડીયે ઇચ્છા કે રુચિ હોત તો તમારું કહેવું જરૂર માથે ચડાવત.’ ‘એવું તે હોય, ગાંડા,’ ભવિલ બોલ્યો. ‘વિવાહ વિના જ તારું મન મૂંઝાય છે. રૂપાળી, સુશીલ વહુ આવશે એટલે ધંધો શું, અમને પણ ભૂલી જઈશ.’ ‘વાત ઊલટી છે, મોટાભાઈ, મને તો હવે એમ થાય છે કે તમે આજ્ઞા આપી તો હું પ્રવજ્યા લઈ લઉં? ‘શી વાત કરે છે તું આ?’ ભવિલ આભો બની ગયો. ‘પ્રવજ્યા? પ્રવજ્યા લેવાનું કોઈ કારણ? અને પછી આ આટલું અઢળક ધન રળ્યો, આટલી પ્રતિષ્ઠા, આટલી કીર્તિ એ બધું કોને માટે? હા, પ્રવજ્યા લેવા જેવું હતું ખરું એક વાર, જ્યારે ભવત્રાતે ને ભવનંદીએ આપણને પહેરેલા કપડે કાઢી મૂક્યાં હતાં, ને ખાવા ધાન ન હતું, પણ અત્યારે લક્ષ્મીની છોળો ઊછળે છે, કીર્તિની ટોચે બેઠો છે ત્યારે પ્રવજ્યા?’ ‘મોટાભાઈ, પડતી દશામાં લીધેલી પ્રવજ્યા તો કાયરતા ગણાત. કાંઈ છોડવાનું ન હોય ને છોડવા બેસે એનું મૂલ કેટલું? શોભા તો હવે જ પ્રવજ્યા લેવામાં છે. પિતાશ્રીથી સવાયો મોભો મેળવ્યો, કુળપરંપરા જાળવી, જગત જોયું ને તમારી થોડીક સેવા કરી. પણ હવે આ બધું નીરસ લાગે છે.’ અને ભવિલે તેને ઘણો સમજાવ્યો, છતાં પૂર્ણનો નિર્વેદ એટલો વ્યાપક હતો કે તેને ન છૂટકે ને ઊંડા દુઃખે અનુજ્ઞા આપવી પડી. વિદાયવેળાએ પૂર્ણે ભવિલને કહ્યું, ‘ ભલે મોટાભાઈ, જતાં જતાં એટલી વિનંતી કરું છું કે બે વાનાં આપે કદી પણ ન કરવાં. એક તો એ કે કદી પણ સાગર ખેડવા ન જશો. તમે બે વાર જઈ આવેલા છો ને હું પણ સાત વાર જઈને આવેલો છું, છતાં ખરી વાત એ છે કે એમાં દુઃખ ઝાઝાં ને સ્વાદ થોડો છે. ને એ ખેડે તો કૈંક, પણ પાર ઊતરે છે કોઈક. ને બીજું એ ભવત્રાત ને ભવનંદી ગમે તેટલું કહે તો પણ તેમની સાથે રહેવા ન જશો. આપણું ધન ન્યાયથી મેળવેલું છે, એમનું અન્યાયથી. બસ, આટલી છેવટની વાત મારી માનજો.’ ભાઈ-ભાભીને પ્રણામ કરી, સાથમાં માત્ર એક અનુચર લઈ, પૂર્ણ શૂર્પારક છોડીને નીકળ્યો. અનેક દિવસોના પ્રવાસનો છેવટે અંત તો આવ્યો, પૂર્ણ શ્રેષ્ઠીએ શ્રાવસ્તીની ભાગોળ દીઠી, ને કોઈ અવનવી શાતાએ એના ચિત્તને ભરી દીધું. એક પ્રબળ ઉમળકો તેના રોમને તરંગિત કરી રહ્યો. સાગરની તેણે ખેડેલી સાતસાત ખેપોમાં એવી કટોકટીની પળો ઓછી નહોતી. જ્યારે તેણે જીવન ને મરણની વચ્ચે ઝોલાં ખાધાં હોય, ને જ્યારે કાંઠાનો આધાર ને માનવી હૂંફ મળતાં ઊંડી શાતા અનુભવી હોય, વેપારવાણિજ્યમાં પણ એવી સંકડામણો ઠીકઠીક આવી ગયેલી, જ્યારે ઊંધું પડે તો રસ્તાના ભિખારી થવું પડે; પણ એવી ભીડોયે ભાંગી ગયેલી, ને એ ભાંગતાં તેણે નિરાંતે સાહસના સાફલ્યની મદિરાનો નશો માણેલો, પણ અત્યારની તેની શાતાનો ને તેના ઉમળકાનો સ્વાદ અનોખો, સાવ અજોડ હતો. અને આમાં પૂર્ણની હમણાંની મનોદશાએ પણ જેવોતેવો ભાગ નહોતો ભજવ્યો. તેણે શૂર્પારક છોડ્યું ને અત્યારે શ્રાવસ્તી આવી પહોંચ્યો, એ પ્રવાસમાં તેને જીવનમાં પહેલી જ વાર ખરેખરું એકાંત સાંપડ્યું હતું. ચોવીસે કલાક વીંટળાઈને રહેતો, તેનામાં પરોવાઈને રહેતો નઠોર ઘોંઘાટ ને આંધળી ધાંધલધમાલ સાપની કાંચળીની જેમ તેનાથી અળગો થઈ ગયાં હતાં. આ પ્રવાસમાં કોઈ તેનામાં માથું મારનાર ન હતું, ન તો તેને કોઈનામાં માથું મારવાપણું હતું. આવી અણબોટી નિરાંતે ને એકાંતમાં તે પોતાના અત્યાર સુધીના જીવનના અનેકરંગી ચિત્રપટનું આખુંયે ઓળિયું ઉખેળીને ફેરવી ફેરવીને તપાસી ગયો હતો. બચપણમાં અનૌરસ પુત્ર તરીકે વેઠેલી કડવી હીણપત...સમજણો થતાં ભાઈ-ભાભીઓએ પાયેલાં અપમાનનાં ગરલ... રોજરોજનું રળી લાવી મોટાભાઈના કુટુંબનું ભરણપોષણ કરવામાં કપરા, અણખૂટ દિવસો... વેપારની ખટપટ, કૂડકપટ, કાવાદાવા ને મથામણો... જીવસટોસટની ને કષ્ટનાં કટકે ઊભરાતી દરિયાઈ ખેપો... અને એ બધું શાને માટે? પોતે કોટિપતિ તો થયો, પણ તેથી સુખનો કયો ભંડાર લૂંટ્યો? ક્ષણનો નશો, તેના પરિણામે ઊંડો અવસાદ, વળી નવા નશા માટે હવાતિયાં — કેવા ભયંકર ચક્કરમાં એ ફસેલો! કાંઠાથી થોડેક દૂર દેખાતા લોભામણા જાદુઈ કમળને હાથ કરવા તેણે જળાશયમાં ઝંપલાવ્યું, બાવડાં વીંઝતો — આ હમણાં પકડી લઉં છું.’ એવી આશાભર્યો તે અંતર કાપતો જ રહ્યો, કમળની તે નજીક પહોંચવાનો ભ્રમ સતત સેવતો રહ્યો, તે કમળ તેનાં જ હાથ-પગ વીઝાંતાં ઊઠતાં વમળોને આગળ ને આગળ વધુ ઊંડાણ ને તાણની દિશામાં ધકેલાતું રહ્યું! આશાના ઝાંઝવામાં, પ્રવૃત્તિઓની ઘૂમરીઓમાં તે બાથોડિયાં ભરતો જ રહ્યો, ભરતો જ રહ્યો. પણ હવે તો તેને પોતાના ઉદ્ધારનો માર્ગ સૂઝી ગયો હતો. તારણહારની પાસે જ તે જઈ રહ્યો હતો ને! તેનું શ્રાવસ્તી આવવું તેને વધુ ને વધુ ગૌરવવંતું લાગતું હતું. શ્રાવસ્તીની દૂરથી ઝાંખી થતાં સાથે જ તેણે અદમ્ય તૃષ્ણા ને ગૂંગળાવતા તરવરાટમાંથી તરતમાં છૂટવાનો — અરે કહો ને કોઈ અનેરા જીવનના અરુણોદયનો — રોમાંચ અનુભવ્યો. બુદ્ધનું શાતાદાયી શરણ... પણ એટલામાં, આગળથી અનુચરને સંદેશો દઈને શ્રાવસ્તીમાં મોકલેલો તે સામેથી પાછો આવતો દેખાયો, ને પૂર્ણની તરંગતંદ્રા તૂટી. પાસે આવી પહોંચ્યો તેવો જ તેનો અનુચર એક શ્વાસે બોલવા લાગ્યો, ‘સ્વામિન્, અનાથપિંડક શ્રેષ્ઠીને મેં ખબર આપ્યા કે પૂર્ણ શ્રેષ્ઠી શ્રાવસ્તીની ભાગોળે આવી પહોંચ્યા છે, ત્યાં તો તેમણે કેટલીયે પૂછપરછ કરી નાખી: ‘સાથે કેટલા સોદાગરો છે? કેટલો માલ છે? કઈ કઈ ચીજો છે? જળમાર્ગે નીકળવાને બદલે આ વેળા સ્થળ-માર્ગે નીકળ્યા?’ અને જ્યારે મેં ખુલાસો કર્યો કે સ્વામી તો એકલા, માત્ર મને એકને સાથે લઈને આવ્યા છે, ત્યારે તેમના અચંબાનો પાર ન રહ્યો. તેમણે તો આમાં એવું કાંઈક માની લીધું કે વેપારધંધામાં અવળું પડતાં અને સ્વામી બધું ગુમાવી દઈને રઝળતા થઈ ગયા હશો! ગમે તેમ પણ, સ્વામિન્, તેઓ તમારું સામૈયું કરવા મોટી ધામધૂમથી રસાલો મોકલી રહ્યા છે, એટલે તો હું તમને ખબર કરવા ઉતાવળે દોડતો આવ્યો.’ થોડીક વાર થઈ ત્યાં અનાથપિંડક પોતે તેને ઉમળકાથી લેવા આવ્યો. સ્નાન, ભોજન વગેરેથી પરવારીને જંબુદ્વીપના આ બે પ્રધાન શ્રેષ્ઠીઓ આરામ કરતા બેઠા. અનાથપિંડકે વાત છેડી, ‘શ્રેષ્ઠીન્, મારું ધન કે તન જે કાંઈ તને ખપમાં આવે તેમ હોય તે તારું પોતાનું જ ગણજે. તારા જેવો શાહસોદાગર તો અમારું સૌનું ગૌરવ છે. ને ભરતીઓટની આપણે વળી શાની નવાઈ?’ શ્રાવસ્તીના કોટિપતિ અનાથપિંડકનાં આ વેણમાંથી નીતરતી કુલીનતાથી અને પોતાની અજોડ શાખની મળેલી, આવી અણધારી પ્રતીતિથી પૂર્ણ શ્રેષ્ઠીનું વિરક્તિ તરફ ઢળી રહેલું હૃદય પણ ઘડીક તો દ્રવિત થઈ ગયું. કૃતજ્ઞતા પ્રગટ કરી પૂર્ણે ટૂંકમાં જ પોતાના આવવાનું પ્રયોજન સ્ફુટ કર્યું. વેપારવાણિજ્યમાંથી તેમ સંસારમાંથી હવે તેનું મન ઊઠી ગયું હતું. શાસ્તા-ભગવાન-બુદ્ધ વિહાર કરીને હમણાં શ્રાવસ્તી આવ્યા જાણી, તેમના વરદ હસ્તે પ્રવજ્યા લેવા તે આવ્યો હતો. બુદ્ધોપાસક અનાથપિંડક પૂર્ણના શબ્દો સ્તબ્ધ ભાવે સાંભળી રહ્યો. ક્ષણભર તે અવાક્ થઈ ગયો. પૂર્ણના સ્વરમાં છતી થતી સ્વસ્થ દૃઢતા તેના નિર્ણયની પ્રતીતિરૂપ હતી. કાળની ચડતી-પડતીના ચક્કરે પૂર્ણના મુખ પર પાડેલા આંકા ને આંટાની જાળગૂંથણીમાં ઉપરછલ્લી જ કઠોરતા હતી. એ કઠોરતાના પાતળા પડ પાછળ અનાથપિંડકને એક આર્દ્ર ને સૌમ્ય તેજોયમતાની ઝાંખી થઈ. તેણે ભાવભર્યા સ્વરે પૂર્ણની ભાવનાનું અનુમોદન કર્યું. પૂર્ણ જેવો આખા જંબુદ્વીપમાં અગ્રણીની ખ્યાતિ ધરાવતો શાહસોદાગર, ભર્યાભર્યા ધનભંડાર ને કણકોઠાર તેમ જ સ્વજનો ને બંધુવર્ગ — બધું જ જીર્ણ વસ્ત્રની જેમ ફગાવી દઈને ભિક્ષુક થવા નીકળ્યો! સંઘનો જય! બીજે દિવસે બંને જણ શાસ્તાનાં દર્શને ગયા. અનાથપિંડકે પૂર્ણની ભાવનાની વાત કરી. શાસ્તાએ મૌનથી સંમતિ આપી ને પૂર્ણને કહ્યું, ‘આવ, ભિક્ષુ બનીને બ્રહ્મચર્ય આચર.’ પૂર્ણથી ગદ્ગદિત થઈ જવાયું. મસ્તક મુંડાવી, સંઘાટી ને પાત્ર ગ્રહણ કરી, શાંત ભાવ ધરી પૂર્ણ ભિક્ષુ થયો. કેટલોક સમય પૂર્ણે નિષ્ઠાપૂર્વક ભિક્ષુનો આચાર સેવ્યો. તેની એકતાનતા ને જાગતિર્ ઘડીકે પણ મોળાં નહોતાં પડતાં. તત્ત્વોની સમજ વધતી જતી હતી. રાગ ને તૃષ્ણા પાતળાં પડતાં જતાં હતાં. એક દિવસે પૂર્ણે શાસ્તા પાસે આવી વિનંતી કરી, ‘ભદંત, મેં બ્રહ્મચર્યનું સેવન કર્યું. આચરવાનું યથાશક્તિ આચર્યું. હવે વિશેષ શું કરવું તે નથી જાણતો. તો કાંઈક સંક્ષેપમાં પણ એવો ધ્યાનમંત્ર આપો કે જેનું પરિશીલન કરતો હું ભગવાનથી દૂર રહીને પણ પ્રમાદ વિના અને સંયત ચિત્તે વિહરું.’ શાસ્તાએ પ્રોત્સાહનના સ્વરે કહ્યું, ‘આયુષ્યમાન, ધન્ય છે તને. સાવધાન થઈને સાંભળ, તારી ભાવનાને અનુરૂપ એક ઉપદેશવચન આપું છું: ઇન્દ્રિયને સુખદ હોય તેવા વિષયોમાં રાગ ન કેળવવો, આ ઉપદેશનું અપ્રમાદ ને નિષ્ઠાથી સેવન કરજે. કહે, અહીંથી વિહરીને તેં ક્યાં વાસ કરવા ધાર્યો છે?’ ‘પશ્ચિમ સીમાડાના શ્રોણ દેશમાં, ભદંત.’ સહેજ વિચાર કરીને પૂર્ણ ધીમા સ્વરે બોલ્યો, ‘આપે કરુણા કરી દીધેલા ઉપદેશવચનને આચરવા માટે એ ભૂમિ અનુકૂળ રહેશે.’ ‘પણ આયુષ્યમાન, શ્રોણના લોકો તો અવિચારી, ચંડ, ઉદ્દંડ ને કર્કશ સ્વભાવના છે. કલહપ્રિય, ક્રોધી ને કટુભાષી છે. તેઓ તને ગાળો ભાંડશે, જૂઠાણાંથી તથા ક્રૂર ને મર્મઘાતક વેણથી ઉશ્કેરવાનું કરશે, ત્યારે તું શું કરીશ?’ બુદ્ધે કસોટીરૂપે ચેતવણીનો સૂર કાઢ્યો. ‘એ લોકો એવો વાણીવ્યવહાર કરશે, ભદંત,’ પૂર્ણે અનાકુલ ભાવે કહ્યું, ‘ત્યારે મને એમ થશે કે આ લોકો કેટલા ભદ્ર, કેટલા સ્નેહાળ છે કે મને માત્ર કઠોર શબ્દો જ કહે છે, ને હાથથી કે ઢેફાંથી પ્રહાર નથી કરતા.’ ‘પણ ધાર કે તને હાથ વતી કે ઢેફાં વતી પ્રહાર કરશે તો?’ ‘તો ભદંત, મને એમ થશે કે આ લોકો કેટલા ભદ્ર, કેટલા સ્નેહાળ છે કે મને માત્ર હાથ કે ઢેફાં વતી મારે છે, પણ લાઠી કે શસ્ત્રથી નથી મારતા.’ ‘ને લાઠી ને શસ્ત્રથી મારશે તો?’ શાસ્તાને પૂર્ણની પક્વતા કસી જોવી હતી. ‘તો મને એમ થશે કે આ કેવા ભદ્ર લોકો છે! મને માત્ર મારે જ છે, પણ સાવ મારી નથી નાખતા.’ ‘પણ માન કે કદાચ તને મારી નાખવા સુધી એ ક્રૂર લોકો જાય તો? તો તું શું કરીશ?’ પૂર્ણનું માપ કાઢવા ભગવાને છેવટની કસોટીનો ઇશારો કર્યો. ‘તો મને એમ થશે, ભદંત,’ પૂર્ણે એના એ જ નિર્મમ ભાવે અને સ્વચ્છ સ્વરે ઉત્તર દીધો, ‘કે આ અશુચિ અને નાશધર્મી કાયામાં રહીને પીડતા, ત્રાસતા, કંટાળતા લોકો કોઈક શસ્ત્રથી, કોઈક ઝેર પીને, કોઈક ફાંસે લટકીને તો કોઈક ભેખડથી પડતું મૂકીને આપઘાત કરે છે. માટે ધન્ય છે આ શ્રોણવાસીઓને કે જેઓ મને અશુચિ, મલિન કાયામાંથી સાવ થોડા જ કષ્ટે મુક્ત કરી દે છે.’ ‘ધન્ય છે, પૂર્ણ, ધન્ય છે તને!’ પ્રસન્નભાવે શાસ્તા બોલ્યા, ‘આવો અડોલ ક્ષમાભાવ જેના ચિત્તમાં છે, તે જ શ્રોણના અનાડી પ્રદેશમાં વસવાની યોગ્યતા ધરાવે છે. જા, આયુષ્યમાન, તું મુક્ત થઈ બીજાને મુક્ત કરજે. તરીને બીજાને તારજે. આશ્વસ્ત થઈ બીજાને આશ્વાસનરૂપ થજે. નિર્વાણ પામી બીજાને નિવૃત્ત કરજે.’ શાસ્તાનાં આશીર્વચનો ભાવપૂર્વક શિર પર ઝીલી, બોધવચન હૃદયમાં કોતરી લઈ, વંદના કરી પૂર્ણ ચાલ્યો. તેનાં ધીર, સ્થિર, મૃદુ પગલાં પશ્ચિમ સીમાડાના અનાડી શ્રોણજનપદ તરફ એક એક કરતાં આગળ ને આગળ ઊપડી રહ્યાં...
કુરુધમ્મ જાતક
પ્રાચીન કાળમાં કુરુ દેશમાં ઇન્દ્રપ્રસ્થ નગરમાં ધનંજય નામે રાજા થઈ ગયા. તે સમયે તેની પટરાણીના પેટે બોધિસત્ત્વે જન્મ લીધો. મોટા થયા એટલે તક્ષશિલા જઈને વિદ્યા ભણ્યા. પિતાએ તેમને યુવરાજ બનાવ્યા. સમય જતાં રાજાનું મૃત્યુ થયું એટલે રાજગાદીએ તે બેઠા અને દસ રાજધર્મને અનુરૂપ રહીને કુરુ ધર્માનુસાર આચરણ કર્યું. પાંચ શીલ એટલે કુરુધર્મ. બોધિસત્ત્વે તેમની પવિત્રતા જાળવીને એ શીલનું પાલન કર્યું. બોધિસત્ત્વની જેમ તેમની માતાએ, પટરાણીએ, નાના ભાઈએ, બ્રાહ્મણ પુરોહિતે, રજ્જુગ્રહણ કરનાર અમાત્ય, સારથિ, શેઠ, દ્રોણમાપક મહામાત્ય, દ્વારપાલ તથા નગરની શોભા રૂપ વારાંગનાએ પણ તે શીલનું પાલન કર્યું. આ બધાંએ પવિત્રતાથી પાંચેપાંચ શીલનું પાલન કર્યું. રાજાએ નગરના ચારે દ્વારે, નગરની વચ્ચે તથા નિવાસસ્થાનના દ્વારે છ દાનશાલા બનાવી, દરરોજ છ લાખ જેટલું ધન વાપરતા હતા, એ રીતે તેમણે સમગ્ર જંબુદ્વીપને પ્રભાવિત કરી મૂક્યો. તેમનું દાનેશ્વરીપણું સમગ્ર જંબુદ્વીપમાં પ્રશંસાપાત્ર બન્યું. તે સમયે કલિંગ પ્રદેશના દંતપુર નગરમાં કાલિંગ રાજા રાજ્ય કરતા હતા. ત્યાં વરસાદ ન પડ્યો. વરસાદના અભાવે આખા રાજ્યમાં દુકાળ પડ્યો. ખાવાપીવાની તંગી પડી. બિમારી પ્રસરી ગઈ. અવૃષ્ટિ, દુકાળ અને રોગચાળો — આ ત્રણે ભય બધે ફેલાઈ ગયા. માનવીઓ દરિદ્ર બનીને બાળકોને ઊંચકી ઊંચકીને આમતેમ રખડતા હતા. સમગ્ર રાજ્યના પ્રજાજનો એકત્ર થઈને દન્તપુર જઈ પહોંચ્યા અને રાજમહેલના દ્વારે કોલાહલ મચાવ્યો. રાજા અટારી પાસે ઊભા રહીને પૂછવા લાગ્યા, ‘આ લોકો બરાડા કેમ પાડે છે?’ ‘મહારાજ, આખા રાજ્યમાં ત્રણ ભય ઊભા થયા છે, વરસાદ પડતો નથી, ખેતરો સૂકાંભઠ થઈ ગયાં છે, દુકાળ છે. લોકો ખરાબ ખાવાનું ખાઈને માંદા પડ્યા છે. બધું ત્યજીને માત્ર સંતાનોને ઊંચકી ઊંચકીને રખડે છે. — મહારાજ, વરસાદ આણો.’ ‘ભૂતકાળમાં વરસાદ પડતો ન હતો ત્યારે રાજાઓ શું કરતા હતા?’ ‘જૂના જમાનામાં વરસાદ ન પડે ત્યારે રાજાઓ દાન દેતા, વ્રત કરતા, શીલ પાળતા, શયનખંડમાં એક સપ્તાહ સુધી તૃણ બિછાવીને સૂતા, ત્યારે વરસાદ પડતો.’ રાજાએ ‘ભલે’ કહીને તેમ કર્યું. આમ કર્યા છતાં વરસાદ ન પડ્યો. રાજાએ અમાત્યોને પૂછ્યું, ‘મેં તો મારું કર્તવ્ય નિભાવ્યું. વરસાદ ન પડ્યો, હવે શું કરું?’ ‘મહારાજ, ઇન્દ્રપ્રસ્થ નગરમાં ધનંજય નામના રાજાને ત્યાં અંજનવસભ નામનો હાથી છે. તેને લઈ આવો. એ આવશે તો વરસાદ પડશે.’ ‘તે રાજા તો સૈન્ય ધરાવે છે, તેની પાસે રથ છે. તે દુર્જય છે, તેમનો હાથી કેવી રીતે લાવી શકાય?’ ‘મહારાજ, તેમની સામે યુદ્ધ કરવાનો પ્રશ્ન નથી. રાજા ઉદાર છે, દાનેશ્વરી છે. માગો તો સુશોભિત મસ્તક પણ કાપીને આપી શકે. સુંદર આંખો પણ કાઢી આપે. આખા રાજ્યનો ત્યાગ કરી શકે. હાથીની તો શી વિસાત. માગીશું એટલે નક્કી આપશે જ.’ ‘તેની પાસે માગવા કોણ જાય?’ ‘મહારાજ, બ્રાહ્મણો.’ રાજાએ બ્રાહ્મણગ્રામમાંથી આઠ બ્રાહ્મણોને બોલાવી તેમના સત્કાર-સન્માન કર્યા અને પછી હાથીની માગણી કરવા મોકલ્યા. તેમણે ખર્ચી લીધી અને પથિકના વેશે ચાલી નીકળ્યા, બધે એક જ રાત, રોકાઈને થોડા દિવસે નગરદ્વાર પરની દાનશાલાઓમાં ભોજન કરીને, થાક ખંખેરીને પૂછ્યું, ‘રાજા, દાનશાલામાં ક્યારે આવે છે?’ તેમને ઉત્તર મળ્યો, ‘પખવાડિયામાં ત્રણ વખત-ચૌદશે, પૂનમે અને આઠમે આવે છે. આવતી કાલે પૂનમ છે. એટલે કાલે આવશે.’ બ્રાહ્મણો બીજે દિવસે સવારસવારમાં પૂર્વદ્વારે જઈને ઊભા રહી ગયા. બોધિસત્ત્વ પણ નાહીધોઈ, ચન્દનની અર્ચા કરીને આભૂષણો ધારણ કરીને, સુશોભિત હાથી પર બેસીને ઘણા સેવકોની સાથે પૂર્વદ્વારની દાનશાલાએ પહોંચ્યા. ત્યાં ઊતરીને સાતઆઠને પોતાના હાથે ભોજન આપ્યું, ‘આ રીતે જ આપજો.’ એમ કહી હાથી પર બેસીને દક્ષિણ દ્વારે પહોંચ્યા. બ્રાહ્મણોને સૈનિકોની વધુ સંખ્યાને કારણે અવસર ન મળ્યો. તે દક્ષિણ દ્વારે પહોંચ્યા. રાજાને આવતા જોઈ દ્વાર પાસે જ એક ઊંચી જગાએ ઊભા રહ્યા. રાજા જ્યારે પાસે આવ્યા ત્યારે તેમણે હાથ ઊંચા કરીને રાજાનો જયજયકાર બોલાવ્યો. રાજાએ અંકુશ વડે હાથીને ઊભો રાખી પૂછ્યું, ‘બ્રાહ્મણો, શું જોઈએ છે?’ બ્રાહ્મણોએ રાજાના ગુણગાન ગાતાં ગાતાં કહ્યું, ‘હે રાજન્, તમારી શ્રદ્ધા અને શીલની વાતો સાંભળીને અમે કલિંગ દેશથી આવ્યા છીએ. અમે અંજનવર્ણ હાથી માગીએ છીએ. પછી અમે તમારા હાથીને અમારા હાથીની જેમ કાલિંગ રાજા પાસે લઈ જઈશું. બહુ ધનધાન્ય વડે વિનિમય કરીશું. આમ વિચારીને અમે અહીં આવ્યા છીએ. હવે જે કરવું હોય તે ઇચ્છા પ્રમાણે કરો.’ એટલે બોધિસત્ત્વે કહ્યું, ‘હે બ્રાહ્મણો, આ હાથીના વિનિમયમાં જો તમે ધન મેળવશો તો તે બહુ યોગ્ય છે. હું આ હાથી જેવો અલંકૃત છે તેવો જ આપીશ’ એવું આશ્વાસન આપતાં કહ્યું, ‘કોઈ પણ સેવક હોય, તેઓ જે કંઈ માગે તેને ના પડાય નહીં. આવું પૂર્વના આચાર્યો કહી ગયા છે. હે બ્રાહ્મણો, હું તમને રાજાઓને શોભે તેવો, યશસ્વી, આભૂષણમંડિત અને સુવર્ણના આવરણવાળો આ હાથી આપું છું. તેનો મહાવત પણ સાથે જ છે. જ્યાં ઇચ્છો ત્યાં લઈ જાઓ.’ આમ હાથી પર સવાર થયેલા રાજાએ બેઠા બેઠા જ વાણી વડે હાથીનું દાન કરી દીધું. પછી નીચે ઊતરીને ‘ક્યાંક જો હાથીનો શણગાર બાકી રહી ગયો હશે તો તે પણ પૂરો કરી દઈશ’ એમ વિચારી ત્રણ વખત હાથીની પ્રદક્ષિણા કરી. ક્યાંય શણગાર વિનાની જગા મળી નહીં. ત્યારે તેમણે હાથીની સૂંઢ બ્રાહ્મણોના હાથમાં ભળાવી, સુવર્ણઝારીથી સુગંધિત જળ છાંટ્યું, અને હાથી આપ્યો. બ્રાહ્મણોએ સેવકો સમેત હાથીનો સ્વીકાર કર્યો. હાથી પર સવાર થઈને તેઓ દંતપુર પહોંચ્યા અને રાજાને હાથીની સોંપણી કરી. હાથીના આગમન પછી પણ વરસાદ ન પડ્યો. રાજાએ પૂછ્યું, ‘હવે શું કારણ છે?’ ‘કુરુરાજ ધનંજય કુરુધર્મ પાળે છે. એટલે તેમના રાજ્યમાં પંદરમે દિવસે, દસમે દિવસે વર્ષા થાય છે. તે રાજાના ગુણોનો જ પ્રતાપ છે. આ તો પશુ છે, એનામાં ગુણ હોય તોય કેટલા હોઈ શકે?’ ‘તો અનુયાયીઓ સમેત આ સુશોભિત હાથી પાછો લઈ જઈ રાજાને આપો, તે જે કુરુધર્મ પાળે છે તે સુવર્ણતકતી પર લખાવીને લાવો.’ એમ કહી બ્રાહ્મણોને અને મંત્રીઓને મોકલ્યા. તેમણે રાજાને હાથીની સોંપણી કરતાં કહ્યું, ‘દેવ, આ હાથી લઈ ગયા છતાં વરસાદ ન પડ્યો. તમે કુરુધર્મનું પાલન કરો છો. અમારા રાજા પણ કુરુધર્મનું પાલન કરવા માગે છે. તેમણે અમને તમારી પાસે મોકલ્યા છે. આ સુવર્ણતકતી પર કુરુધર્મ લખાવીને લાવો એમ અમને કહ્યું છે. તમે અમને કુરુધર્મ આપો.’ ‘ભાઈઓ, મેં સાચેસાચ કુરુધર્મનું પાલન કર્યું છે. પણ મારા મનમાં એ વિશે દ્વિધા છે. અત્યારે કુરુધર્મ મારા ચિત્તને પ્રસન્નતા નથી આપતો. એટલે હું તમને નહીં આપી શકું.’ રાજાનું શીલ તેમના ચિત્તને શા માટે આનંદ આપી શકતું ન હતું? તે દિવસોમાં દર ત્રણ વર્ષે કારતક મહિનામાં કાતિર્કોત્સવ નામનો ઉત્સવ થતો હતો. તે ઉત્સવની ઉજવણી પ્રસંગે બધા રાજપુરુષો અલંકૃત થઈને, દેવતાઓના વેશે ચિત્રરાજ નામના યજ્ઞ પાસે ભેગા થતા હતા, અને ચારે દિશામાં ચીતરેલાં બાણ ફેંકતા હતા. આ રાજાએ પણ ઉત્સવમાં ભાગ લઈને એક સરોવરના કિનારે ચિત્રરાજ યજ્ઞ પાસે ઊભા રહીને ચારે દિશામાં બાણ ફેંક્યા. ત્રણ બાણ તો દેખાયાં પણ સરોવરના તળિયે ફેંકાયેલું બાણ ન દેખાયું. રાજાને ચિંતા થઈ કે મેં ફેંકેલું બાણ માછલીના શરીરમાં તો પેસી નહીં ગયું હોય? પ્રાણીની હિંસા થવાથી શીલભંગ થયો. એટલે મારા મનમાં પ્રસન્નતા નથી. રાજાએ કહ્યું, ‘ભાઈ, મને કુરુધર્મ વિશે દ્વિધા છે. પણ મારી માતાએ કુરુધર્મનું પાલન બરાબર કર્યું છે. તેમની પાસેથી કુરુધર્મ લો.’ ‘મહારાજ, હું જીવહિંસા કરીશ એવો વિચાર તમારા મનમાં તો આવ્યો જ ન હતો. મનમાં એવો વિચાર ન હોય તો જીવહિંસા નથી થતી. તમે જે કુરુધર્મનું પાલન કર્યું છે તે અમને લખાવો.’ ‘તો લખો’ એમ કહી સુવર્ણતકતી પર લખાવ્યું, ‘જીવહિંસા કરવી ન જોઈએ, ચોરી નહીં કરવી. કામભોગ સંદર્ભે મિથ્યાચાર નહીં કરો. અસત્ય નહીં બોલવું. મદ્યપાન નહીં કરવું.’ આમ લખાવીને પણ કહ્યું, ‘હજુ મારા ચિત્તમાં પ્રસન્નતા નથી. તમે મારી માતા પાસે જાઓ.’ તે દૂત રાજાને પ્રણામ કરી તેમની માતા પાસે ગયા, ‘દેવી, તમે કુરુધર્મનું પાલન કરો છો. તે ઉપદેશ અમને આપો.’ ‘ભાઈઓ, હું ખરેખર કુરુધર્મનું પાલન કરું છું. પણ અત્યારે મારા મનમાં દ્વિધા છે. આ ધર્મ મને પ્રસન્ન નથી કરતો, એટલે હું તમને આપી શકતી નથી.’ તેમના બે પુત્ર હતા. મોટો રાજા હતો અને નાનો ઉપરાજા. એક રાજાએ બોધિસત્ત્વને એક લાખની કિંમતનો ચંદન હાર અને હજારના મૂલ્યવાળી સુવર્ણમાળા મોકલી. ‘માતાની પૂજા કરીશ.’ એમ માનીને બધું માને આપી દીધું. માએ વિચાર્યું, હું તો નથી ચંદનની અર્ચા કરતી, નથી માળા પહેરતી. આ બધું મારી પુત્રવધૂને આપીશ પછી તેને ખ્યાલ આવ્યો કે મોટી પુત્રવધૂ ઐશ્વર્યવાન, પટરાણી છે, એટલે તેને સુવર્ણમાળા આપીશ. નાની પુત્રવધૂ ગરીબ છે એટલે તેને ચંદનહાર આપીશ. પછી તેણે રાજાની રાણીને સુવર્ણમાળા આપી. બન્નેને આપી દીધા પછી વિચાર આવ્યો — હું તો કુરુધર્મનું પાલન કરનારી. આ બેમાં કોણ દરિદ્ર છે, કોણ શ્રીમંત છે એની સાથે મારે કઈ લેવાદેવા? મારે તો જે મોટી હોય તેનો આદર કરવો જોઈએ. એવું ન કર્યું એટલે તો મારો શીલભંગ નથી થયો ને? તેના મનમાં આવી શંકા જન્મી એટલે આમ બોલ્યા. દૂતોએ ઉત્તર આપ્યો, ‘પોતાની વસ્તુ જેને આપવી હોય તેને અપાય. તમે આવી બાબતને મોટું સ્વરૂપ આપો છો તો તમે બીજું કોઈ પાપ કર્મ કરી જ શકો કેવી રીતે? આનાથી શીલભંગ નથી થતો. તમે અમને કુરુધર્મ આપો. દૂતોએ તેમની પાસેથી પણ કુરુધર્મ સુવર્ણતકતી પર લખાવી લીધો. ‘ભાઈઓ, આમ છતાં મારું મન પ્રસન્ન નથી. મારી પુત્રવધૂ કુરુધર્મનું પાલન સારી રીતે કરે છે. તેની પાસેથી કુરુધર્મ મેળવો.’ પટરાણી પાસે જઈને તેમણે એ જ રીતે કુરુધર્મની માગણી કરી. તેણે પણ પહેલાંની જેમ જ કહ્યું, ‘અત્યારે મારું શીલ મને પ્રસન્ન નથી કરતું. એટલે તમને આપી શકતી નથી. એક દિવસ હું ઝરૂખામાં બેઠી હતી — રાજા નગરની પ્રદક્ષિણા કરવા હાથી પર બેઠા હતા. તેમની પાછળ બેઠેલા ઉપરાજાને જોઈને લોલુપતાથી વિચારવા લાગી — જો હું આની સાથે સહવાસ કરું તો ભાઈના મૃત્યુ પછી રાજગાદી પર બેસીને મારી દેખભાળ રાખશે. પછી મને એકાએક ખ્યાલ આવ્યો-હું કુરુધર્મનું પાલન કરનારી- મારા પતિના જીવતાં મેં બીજા પુરુષ સામે દૃષ્ટિ કરી. મારો શીલભંગ થઈ જ ગયો. મારા મનમાં શંકા જન્મી.’ દૂતોએ કહ્યું, ‘ચિત્તમાં આવેલા વિચાર માત્રથી વ્યભિચાર નથી થતો. જો તમે આવી શંકા કરો છો તો તેનું ઉલ્લંઘન કેવી રીતે કરી શકો? આટલાથી શીલભંગ નથી થતો. તમે અમને કુરુધર્મ આપો.’ તેની પાસેથી પણ કુરુધર્મ સુવર્ણતકતી પર લખાવી લીધો. ‘આમ કરવાથી પણ મન માનતું નથી. ઉપરાજા સારી રીતે ધર્મ પાળે છે, તેમની પાસેથી ધર્મ મેળવો.’ તેઓ હવે ઉપરાજા પાસે પહોંચ્યા અને પહેલાંની જેમ કુરુધર્મ માગ્યો. તે સંધ્યાટાણે રાજાની સેવામાં જતો હતો, રથમાં જ બેસીને રાજમહેલમાં જતો, જો તે રાજાની પાસે જ સૂઈ જવા માગતો હોય તો ચાબૂક અને દોરડું અંદર મૂકી દેતો. તેમના ઇશારાથી માણસો પાછા ફરીને બીજા દિવસે સવારે તે બહાર આવે તેની પ્રતીક્ષામાં ઊભા રહેતા. જો તરત ને તરત પાછા ફરવાની ઇચ્છા થાય તો દોરડું અને ચાબૂક રથમાં જ મૂકીને રાજાને મળવા જતો. માણસો એ વડે સમજી જાય કે હમણાં જ તે પાછા આવશે અને તેઓ રાજદ્વાર પર જ ઊભા રહેતા. તે એક દિવસ આવી રીતે રાજમહેલમાં ગયો, અને તેવામાં જ વરસાદ પડ્યો. ‘વરસાદ પડે છે’ એમ કહી રાજાએ તેને રોકી રાખ્યો. ત્યાં જ ભોજન કરીને સૂઈ ગયો. ‘હમણાં આવશે, હમણાં આવશે’ એમ રાહ જોતા સેવકો આખી રાત પલળતા રહ્યા. ઉપરાજાએ બીજે દિવસે રાજમહેલમાંથી બહાર આવીને સેવકોને પલળતા ઊભા રહેલા જોયા, એટલે તે વિચારમાં પડ્યો, હું તો કુરુધર્મ પાળનારો અને આ આટલા બધા લોકોને મુશ્કેલીમાં મૂક્યા. મારો શીલભંગ થઈ ગયો. આ શંકા આણીને ઉપરાજાએ દૂતોને કહ્યું, ‘હું ખરેખર કુરુધર્મનું પાલન કરું છું. પરંતુ અત્યારે મારા મનમાં શંકા જાગી છે. એટલે તમને કુરુધર્મનો ઉપદેશ આપી શકતો નથી.’ ‘દેવ, તમારા સેવકોને મુશ્કેલી થાય એવો કોઈ ઇરાદો તમારો ન હતો. ઇરાદા વિના કર્મ નથી થતું. આટલી નાની વાતમાં તમે શંકાશીલ થઈ ગયા તો ધર્મનું ઉલ્લંઘન કરો જ કેવી રીતે?’ દૂતોએ તેમની પાસેથી પણ શીલ મેળવીને સુવર્ણતકતી પર લખાવી લીધું. ‘આમ છતાં મારું મન પ્રસન્ન નથી. પુરોહિત આ ધર્મનું પાલન સારી રીતે કરે છે. તેમની પાસેથી તમે કુરુધર્મ પ્રાપ્ત કરો.’
તેમણે પુરોહિત પાસે જઈને કુરુધર્મની માગણી કરી. ‘હું પણ એક દિવસ રાજાની સેવામાં જઈ રહ્યો હતો. રસ્તામાં મેં જોયું કે એક રાજાએ અમારા રાજા માટે મધ્યાહ્નના સૂર્ય જેવો લાલ રંગનો રથ મોકલ્યો છે. પૂછ્યું તો જાણવા મળ્યું કે રાજા માટે લાવવામાં આવ્યો છે. મારા મનમાં એવો વિચાર આવ્યો — હું વૃદ્ધ થઈ ગયો છું. જો રાજા મને આ રથ આપી દે તો એમાં બેસીને હું આરામથી ફરું.’ આમ વિચારીને રાજાની સેવામાં હું પહોંચ્યો. રાજાનો જયકાર બોલાવતો હતો. તે જ વેળા પેલો રથ રાજાની સામે લાવવામાં આવ્યો. રાજાએ જોઈને કહ્યું, રથ બહુ સુંદર છે. આ રથ આચાર્યને આપી દો. મેં તે લેવાની ના પાડી. વારંવાર કહ્યું છતાં મેં ના પાડી. આમ કેમ, હું વિચારવા લાગ્યો. હું તો કુરુધર્મ પાળનારો છું. મેં બીજાની વસ્તુ માટે લોભ કેમ કર્યો? મારો શીલભંગ થઈ ગયો. એટલે ભાઈઓ, કુરુધર્મ પ્રત્યે મારા મનમાં સંદેહ પેદા થયો છે. મારું મન આનંદિત નથી. એટલે હું કુરુધર્મ આપી શકતો નથી.’ ‘માત્ર લોભને કારણે શીલભંગ નથી થતો. તમે તો કેટલી નાની બાબતમાં શંકા કરો છો? તમારાથી કશું ઉલ્લંઘન થઈ શકશે ખરું?’ દૂતોએ સુવર્ણતકતી પર તેમની પાસેથી પણ શીલગ્રહણ કરીને લખાવી લીધું. ‘આમ છતાં મારું મન આનંદમાં નથી. દોરડું પકડનાર અમાત્ય સારી રીતે કુરુધર્મ પાળે છે. તેમની પાસેથી ગ્રહણ કરો.’ તેની પાસે જઈને પણ દૂતોએ કુલધર્મની માગણી કરી. તે ગામમાં ખેતરોની માપણી કરી રહ્યા હતા. દંડે બાંધેલો દોરડાનો એક છેડો ખેતરના માલિક પાસે હતો અને બીજો છેડો અમાત્ય પાસે હતો. જેનો છેડો અમાત્યે પકડી રાખ્યો હતો તે બાજુનો દંડો એક કાચીંડાના દર પાસે પહોંચ્યો. તે વિચારવા લાગ્યો, જો દંડાને દરમાં ઉતારીશ તો અંદરનો કાચીંડો મરી જશે. જો દંડાને આગળ ધકેલીશ તો રાજાનો હક ઓછો થઈ જશે. જો દંડો પાછળ લઈ જઈશ તો ખેડૂતનો હક ઓછો થઈ જશે. હવે શું કરવું — પછી તેને થયું — જો દરમાં કાચીંડો હશે તો દેખાશે. દંડાને દરમાં જ ઉતારું. એમ કરી દંડો દરમાં ઉતારી દીધો. કાચીંડાનો અવાજ સંભળાયો. તેને ચિંતા થવા લાગી. દંડો કાચીંડાની પીઠે ભટકાયો હશે અને કાચીંડો મરી ગયો હશે. હું તો કુરુધર્મનું પાલન કરનારો મારો શીલભંગ થઈ ગયો હશે. આ વાત કહીને તેમણે કહ્યું — હવે કુરુધર્મ વિશે મનમાં શંકા છે. એટલે તમને આપી શકતો નથી.’ ‘તમે ઓછું કાચીંડાને મારી નાખવા માગતા હતા? વગર આશયે કાર્ય થતું નથી. તમે તો આટલી નાની વાતમાં શંકાશીલ બનો છો. તમે એનું ઉલ્લંઘન કરો જ કેવી રીતે? દૂતોએ તેમની પાસેથી શીલગ્રહણ કરીને સુવર્ણતકતી પર લખાવી લીધું. ‘તો પણ મારું મન પ્રસન્ન નથી. સારથિ બહુ સારી રીતે કુલધર્મની રક્ષા કરે છે. તેની પાસેથી ગ્રહણ કરો.’ તેઓ સારથિ પાસે જઈ પહોંચ્યા. તે એક દિવસ રાજાને રથમાં બેસાડી ઉદ્યાનમાં લઈ ગયો. રાજા આખો દિવસ ત્યાં રમ્યા અને સાંજે રથમાં બેઠા. નગરમાં પેઠા અને તે જ વેળા સાંજના સમયે વાદળો ઘેરાઈ આવ્યાં. રાજા વરસાદમાં પલળી જશે એમ વિચારી ઘોડાઓને ચાબૂક દેખાડ્યો. સિંધવ અશ્વો પુરપાટ દોડવા લાગ્યા. ત્યારથી ઘોડા ઉદ્યાનમાં જતી વખતે અને ત્યાંથી આવતી વખતે એ જગ્યાએ આવે એટલે ઝડપથી દોડવા લાગતા, કેમ? ઘોડાઓને ખ્યાલ આવી ગયો કે આ જગ્યાએ કોઈ સંકટ છે એટલે સારથિએ આપણને ચાબૂક દેખાડી હતી. સારથિને પણ ચિંતા થઈ. રાજા પલળી જશે. રાજા પલળે ન કે પલળે તેમાં વાંક સારથિનો ન ગણાય. પણ તેણે જાતવાન સિંધવ ઘોડાઓને ચાબૂક બતાવવાની ભૂલ કરી. એટલે તે આવતાં અને જતાં કષ્ટ ભોગવે છે. ‘હું કુરુધર્મનું પાલન કરું છું. પણ મારો ધર્મભંગ થઈ ગયો અને આટલા માટે મારા મનમાં કુરુધર્મ માટે શંકા છે. આથી હું તમને આપી નહીં શકું.’ ‘સિંધવ ઘોડાઓ હેરાન થાય એવું કંઈ તમારા મનમાં ન હતું. વગર આશયે કર્મ થતું નથી. આટલી નાનકડી વાતમાં તમે મન અસ્વસ્થ કરો છો. તમારાથી ધર્મ લોપાય જ કેવી રીતે?’ દૂતોએ તેની પાસેથી શીલ પ્રાપ્ત કરીને સુવર્ણની તકતી પર લખાવી લીધું. ‘તો પણ મારું મન પ્રસન્ન નથી. શેઠ કુરુધર્મ સારી રીતે પાળે છે. તેમની પાસેથી ધર્મ પ્રાપ્ત કરો.’ શેઠની પાસે જઈને તેમની પાસેથી પણ તેમણે ધર્મની માગણી કરી. તે જ્યારે ધાન્યની લણણી થઈ રહી હતી ત્યારે તે પોતાના ખેતરે પહોંચ્યા. હવે હું ધાન્યને બાંધું એમ વિચારી થાંભલે ધાન્યની પોટલી બાંધી દીધી. પછી તેને ખ્યાલ આવ્યો કે આ ખેતરમાંથી મારે રાજાને ભાગ આપવાનો છે. રાજાનો હિસ્સો કાઢ્યા વિના જ મેં ધાન્યની પોટલી બાંધી. હું કુરુધર્મનું પાલન કરું છું. પણ આ ધર્મભંગ થઈ ગયો. આ વાત કહી શેઠ બોલ્યા, ‘આ કારણે મારા મનમાં કુરુધર્મ માટે શંકા જાગે છે. એટલે એ ધર્મ હું આપી શકતો નથી.’ ‘તમે કંઈ ચોરવા માગતા ન હતા. એટલે ચોરીનો દોષ તમારા પર આવી ન શકે. આટલી નાની વાતમાં તમને શંકા થઈ તો તમે વળી બીજા કોઈની વસ્તુ લઈ શકવાના જ કેવી રીતે?’ દૂતોએ તેમની પાસેથી શીલ મેળવ્યું અને સુવર્ણતકતી પર લખી લીધું. ‘આમ છતાં મારું ચિત્ત પ્રસન્ન નથી. દોણમાપક મહામાત્ય એ ધર્મ સારી રીતે પાળે છે. તેમની પાસેથી ધર્મ મેળવો.’ મહામાત્ય પાસે જઈને તેમણે કુરુધર્મની યાચના કરી. તેઓ એક દિવસ કોઠારના દ્વાર પાસે બેસીને રાજાના હિસ્સાના અનાજની ગણત્રી કરી રહ્યા હતા. જે અનાજ માપ્યું ન હતું તે અનાજના ઢગલામાંથી ધાન્ય લઈને નિશાની કરી દીધી. તે વખતે વરસાદ શરૂ થયો. મહામાત્યે નિશાનીઓ ગણીને ‘માપેલું અનાજ આટલું થયું’ એમ માનીને નિશાનીવાળા ધાન્યને માપેલા ધાન્યમાં ભેળવી દીધું. પછી બારણા આગળ જઈને વિચારવા લાગ્યો, ‘શું મેં નિશાનીવાળા ધાન્યને માપેલા ઢગલામાં નાખ્યા કે વગર માપેલા ઢગલામાં નાખ્યા? જો માપેલા ઢગલામાં નાખ્યા તો અકારણ રાજાનો ભાગ વધારી દીધો અને ખેડૂતોના ભાગને નુકસાન થયું. હું કુરુધર્મનું પાલન કરું છું. આ ધર્મભંગ થયો. આ વાત સંભળાવીને તેણે કહ્યું, ‘આટલા માટે મારા મનમાં કુરુધર્મ માટે શંકા જાગી છે. એટલે હું ધર્મબોધ આપી શકતો નથી.’ ‘ચોરી કરવાનો આશય કંઈ તમારા મનમાં ન હતો. એ આશય વિના ચોરીનો દોષ ન ગણાય. આટલી નાની વાતમાં શંકા કરનારા તમે વળી બીજાની વસ્તુ લઈ જ શકો કેવી રીતે?’ દૂતોએ તેમની પાસેથી પણ ધર્મ ગ્રહણ કરીને સુવર્ણતકતી પર લખી લીધો. ‘આમ કરવાથી પણ મારું મન પ્રસન્ન નથી. દ્વારપાલ તેનું પાલન સારી રીતે કરે છે. તમે તેની પાસેથી ધર્મ ગ્રહણ કરો.’ દ્વારપાલ પાસે જઈને તેમણે કુરુધર્મની માગણી કરી. નગરનો દરવાજો બંધ થાય છે એવી ઘોષણા એક દિવસ તેણે કરી. એક ગરીબ માણસ પોતાની નાની બહેન સાથે લાકડાં-ઈંધણાં વીણવા વનમાં ગયો હતો. પાછા આવતી વખતે દ્વારપાલની બૂમ સાંભળી બેનને લઈ જલદીજલદી આવ્યો. દ્વારપાલે કહ્યું, ‘તને ખબર છે’ ને કે નગરમાં રાજા છે, તને નથી ખબર કે સમય થાય એટલે નગરનો દરવાજો બંધ થઈ જાય છે? તારી પત્નીને લઈને વિલાસ કરવા વનમાં ભટક્યા કરે છે.’ તે ગરીબ માણસે કહ્યું, ‘સ્વામી, આ મારી પત્ની નથી, મારી બહેન છે.’ દ્વારપાલ ચિંતામાં પડ્યો. મેં બહેનને પત્ની બનાવી દીધી. આ બહુ ખોટું થયું. હું કુરુધર્મનું પાલન કરું છું. અને આ તો ભંગ થઈ ગયો. આમ કહી તેણે કહ્યું, ‘એટલે મારા મનમાં કુરુધર્મ વિશે શંકા જાગે છે. એક વારાંગના કુરુધર્મનું પાલન કરે છે, તેની પાસેથી આ ધર્મ મેળવો.’ દૂતોએ ત્યાં જઈને પણ માગણી કરી. તે સ્ત્રીએ પણ બીજાઓની જેમ ના પાડી. શા માટે? દેવરાજ ઇન્દ્ર તેના સદાચારની પરીક્ષા કરવા માટે યુવાનનો વેશ લઈને આવ્યા, ‘હું આવીશ’ એમ કહી એક હજાર કાષાર્પણ આપી દેવલોક જતા રહ્યા. ત્રણ વરસ સુધી તે દેખાયા નહીં. તે સ્ત્રીએ પોતાના શીલનો ભંગ થવાના ડરથી ત્રણ વર્ષ સુધી કોઈ બીજા પુરુષ પાસેથી ધન લીધું નહીં. હવે ધીમે ધીમે તે દરિદ્ર બનતી ચાલી, તેણે વિચાર્યું, મને એક હજાર આપીને જતો રહેલો તે પુરુષ ત્રણ વરસ સુધી નથી આવ્યો. હું દરિદ્ર થઈ ગઈ છું. ગુજરાન ચલાવી શકતી નથી. તેણે ન્યાયમંદિરમાં જઈને ફરિયાદ કરી. ‘સ્વામી, જે મને નાણાં આપીને ગયો છે તે ત્રણ વરસથી આવ્યો નથી. તે જીવે છે કે મરી ગયો તે પણ હું નથી જાણતી. હું ગુજરાન ચલાવી શકતી નથી તો હવે શું કરું?’ ‘ત્રણ વર્ષ સુધી નથી આવ્યો તો તું શું કરીશ? હવેથી વાપરવા માંડ.’ આવો નિર્ણય સાંભળીને ન્યાયમંદિરમાંથી નીકળતાંવેંત એક પુુરુષ હજારની થેલી લાવ્યો. તેણે એ લેવા હાથ લંબાવ્યો ત્યાં ઇન્દ્ર પ્રગટ્યા. તેમને જોઈને જ હાથ પાછો ખેંચી લીધો અને તે બોલી, ‘મને ત્રણ વરસ પહેલાં હજાર આપનારો પુરુષ આવી ગયો છે. હવે મારે તમારા કાષાર્પણોની જરૂર નથી.’ ઇન્દ્ર પોતાનું સાચું રૂપ ધારણ કરી મધ્યાહ્નના સૂર્યની જેમ ચમકતા આકાશમાં ઊભા રહ્યા. આખું નગર ભેગું થઈ ગયું. ઇન્દ્રે બધા પ્રજાજનોને સંબોધીને કહ્યું, ‘મેં આની પરીક્ષા કરવા ત્રણ વર્ષ પહેલાં તેને હજાર આપ્યા હતા. શીલની રક્ષા કરવી હોય તો આ સ્ત્રીની જેમ કરતા શીખવું.’ આમ ઉપદેશ આપીને તેના ઘરમાં સાત રત્ન ભરી દીધાં. ‘હવે અપ્રમાદી થઈને રહેજો.’ એમ કહી ઇન્દ્ર દેવલોક જતા રહ્યા. તે બોલી, ‘મેં જે નાણાં લીધાં તે તો મેં વાપર્યાં જ ન હતાં. પણ બીજા માણસ પાસેથી મળનારાં નાણાં માટે મેં હાથ લંબાવ્યો. એટલે મારું શીલ મને આનંદ આપતું નથી. એટલે હું તમને ધર્મબોધ આપી શકતી નથી.’ ‘હાથ ફેલાવવાથી શીલભંગ નથી થતો. તમારું શીલ પરમ પવિત્ર છે.’ દૂતોએ તેની પાસેથી શીલ પ્રાપ્ત કરી સુવર્ણતકતી પર એ લખી લીધું. આમ આ અગિયાર વ્યક્તિઓએ પાળેલા શીલને સુવર્ણતકતી પર લખાવી તેઓ દંતપુર પહોંચ્યા, કલિંગ નરેશને સુવર્ણતકતી આપીને બધી વાત કરી. રાજાએ તે કુરુધર્મ પાળીને પાંચ શીલ પૂર્ણ કર્યાં. તે સમયે સમગ્ર કલિંગમાં વરસાદ પડ્યો. ત્રણે ભય નિર્મૂળ થઈ ગયા. રાજ્યનું કલ્યાણ થયું. પુષ્કળ ઉત્પાદન થયું. બોધિસત્ત્વ આ ધર્મ પાળીને, દાનપુણ્ય કરીને અનુયાયીઓની સાથે સ્વર્ગે ગયા. (જાતકકથા, ૨૭૬)
સરભંગ જાતક
પ્રાચીન કાળમાં વારાણસી નગરીમાં બ્રહ્મદત્ત રાજા થઈ ગયા. તે વેળા પુરોહિતની પત્નીના પેટે બોધિસત્ત્વે પૂરા દસ મહિને પ્રભાતકાળે જન્મ લીધો. ત્યારે બાર યોજનવાળી વારાણસીમાં બધાં શસ્ત્રો ચમકી ઊઠ્યાં. પુત્રજન્મ વેળા પુરોહિતે ઘરની બહાર નીકળી આકાશમાં નક્ષત્રોનો યોગ જોયો. આ નક્ષત્રયોગે જન્મ લેવાને કારણે આ કુમાર સમગ્ર જંબુદ્વીપના ધનુર્ધારીઓમાં શ્રેષ્ઠ નીવડશે એવું તેમને લાગ્યું. ચઢતા પહોરે તે રાજમહેલ ગયા અને રાજા સાથે આનંદપૂર્વક વાર્તાલાપ કર્યો. રાજાએ કહ્યું, ‘આચાર્ય, મને સુખ ક્યાં? આજે આખા મહેલનાં શસ્ત્રો ચમકી ઊઠ્યાં છે.’ ‘મહારાજ, ભય ન પામતા. તમારા મહેલમાં જ નહીં, આજે આખા નગરમાં શસ્ત્રો ચમકી ઊઠ્યાં છે. આજે અમારે ત્યાં પુત્રજન્મ થયો એટલે આમ બન્યું છે.’ ‘આચાર્ય, જે બાળકનો જન્મ આવો થયો છે તે શું થશે?’ ‘મહારાજ, બીજું કંઈ નહીં. તે સમગ્ર જંબુદ્વીપમાં સર્વશ્રેષ્ઠ ધનુર્ધારી થશે. ‘ભલે. તેનું ભરણપોષણ કરો. મોટો થાય ત્યારે મારી પાસે લાવજો.’ રાજાએ કુમારના દૂધ માટે હજાર અપાવ્યા. પુરોહિત એ લઈને ઘેર આવ્યા. જન્મ વેળા બધાં શસ્ત્રો ઝગી ઊઠ્યાં એટલે નામકરણના દિવસે તેનું નામ જ્યોતિપાલ રાખ્યું. તે રંગેચંગે મોટો થવા લાગ્યો. સોળ વરસની ઉમરે તે બહુ બળવાન થયો. તેનું શરીરસૌષ્ઠવ જોઈને પિતાએ એક દિવસ કહ્યું, ‘દીકરા, તક્ષશિલા જઈને વિખ્યાત આચાર્ય પાસે વિદ્યા ભણીને આવ.’ તેણે હા પાડી, આચાર્યને આપવાનાં નાણાં લઈ માતાપિતાને પ્રણામ કરી તે ત્યાં પહોંચ્યો. ત્યાં જઈને આચાર્યને હજાર આપી વિદ્યાઅધ્યયન આરંભ્યું. એક સપ્તાહમાં તે નિપુણ થઈ ગયો. આચાર્યે સંતોષ પામીને પોતાની પાસેનાં તલવાર, ઘેટાના શિંગડાનું ધનુષ, ભાથો, કવચ, કંચુક વગેરે આપ્યાં, ‘જ્યોતિપાલ, હવે મારી ઉંમર થઈ છે. તું જ આ શિષ્યોને શીખવ.’ એમ કહી પાંચસો શિષ્ય સોંપી દીધા. બોધિસત્ત્વે પછી આચાર્યને વંદન કરી વારાણસી આવી માતાપિતાને પ્રણામ કર્યાં. હાથ જોડીને તે ઊભો હતો ત્યારે પિતાએ પૂછ્યું, ‘વિદ્યા ભણી આવ્યો?’ ‘હા.’ એ સાંભળીને પિતા રાજા પાસે ગયા,‘દેવ, મારો પુત્ર વિદ્યા ભણી આવ્યો. હવે શું કરવું છે?’ ‘આચાર્ય, મારી સેવામાં રાખો.’ ‘દેવ, તેનું વેતન?’ ‘દરરોજ હજાર આપીશું.’ તેમણે હા પાડી. ઘરે જઈ કુમારને બોલાવી કહ્યું, ‘હવે તું રાજાની સેવામાં રહેજે.’ ત્યારથી કુમાર દરરોજ હજાર લઈને રાજાની સેવા કરવા લાગ્યો. રાજમહેલના માણસો બળી ઊઠ્યા. ‘આપણને જ્યોતિપાલનો કસબ જોવા મળતો નથી. દરરોજ હજાર લે છે. આપણે એની વિદ્યા જોવી છે.’ રાજાએ તેમની વાત પુરોહિતને કરી. પુરોહિતે ‘ભલે,’ કહ્યું અને પુત્રને જણાવ્યું. તેણે કહ્યું, ‘સારું પિતાજી, આજથી સાતમા દિવસે હું દેખાડીશ. રાજ્યના બધા ધનુર્ધારીઓને એકઠા કરવા રાજાને જણાવો.’ પુરોહિતે એ વાત રાજાને કરી. રાજાએ નગરમાં ઢંઢેરો પિટાવી બધા ધનુર્ધારીઓને એકઠા કર્યા. સાઠ હજાર એકઠા થયા. એ બધા એકઠા થયા છે એવા સમાચાર રાજાને મળ્યા એટલે નગરમાં ઘોષણા કરાવી કે નગરવાસીઓ જ્યોતિપાલની ધનુર્વિદ્યા જોવા પધારે. રાજમહેલનું આંગણું સજાવ્યું, પોતે પ્રજાની વચ્ચે શ્રેષ્ઠ આસન પર રાજા બેઠા અને જ્યોતિપાલને બોલાવ્યો. તે આચાર્યે આપેલાં ધનુષ, ભાથો, કવચ વગેરેને કપડાથી ઢાંકી તલવાર કાઢીને સામાન્ય પોશાકમાં રાજાની પાસે જઈને ઊભો રહ્યો. ધનુર્ધારીઓ અંદર અંદર બોલ્યા, ‘જ્યોતિપાલ ધનુર્વિદ્યાની પરીક્ષા આપવા આવ્યો છે અને ધનુષ્ય તો તેની પાસે નથી. તે આપણું ધનુષ લેવા માગતો હશે. આપણે નહીં આપીએ.’ રાજાએ જ્યોતિપાલને કહ્યું,‘ચાલ, તારી વિદ્યા બતાવ.’ તેણે કનાત બંધાવી અને તેની અંદર પ્રવેશી વસ્ત્ર દૂર કરી કવચ પહેર્યું. માથે શિરત્રાણ મૂક્યું, ઘેટાના શિંગડાવાળા ધનુષ્યમાં પરવાળાના રંગની પ્રત્યંચા બાંધી, પીઠે ભાથું લટકાવ્યું, ડાબી બાજુ તલવાર લટકાવી, વજ્ર જેવી ધારવાળા તીરને નખ પર ઘુમાવી કનાતમાંથી જાણે પૃથ્વી વીંધીને અલંકૃત નાગની જેમ બહાર આવ્યો. કનાતમાંથી બહાર નીકળીને રાજાને વંદન કર્યા અને તે એક બાજુ ઊભો રહી ગયો. તેને જોઈને પ્રજાજનો હર્ષના પોકાર કરવા લાગ્યા, તેમણે તાળીઓ પાડી. રાજાએ કહ્યું, ‘જ્યોતિપાલ, હવે વિદ્યા બતાવ.’ ‘મહારાજ, આ ધનુર્ધારીઓમાંથી ચાર ક્ષણવેધી, શાલવેધી, શબ્દવેધી, શરવેધી ધનુર્ધારીઓને બોલાવો.’ રાજાએ તેમને બોલાવ્યા. બોધિસત્ત્વે ત્યાં મંડપના ચારે ખૂણે તે ચારેયને ઊભા રાખ્યા. પછી દરેકને ત્રીસ ત્રીસ હજાર તીર અપાવ્યાં. દરેકની પાસે તીર આપનારાને ગોઠવ્યો. પછી પોતે વજ્રની ધાર જેવાં તીર લઈ મંડપની વચ્ચોવચ ઊભો રહીને તે બોલ્યો, ‘મહારાજ, આ ચારેય ધનુર્ધારી એક સાથે તીર ચલાવીને મને વીંધે, હું તેમનાં તીર અટકાવીશ.’ રાજાએ એમ કરવા આજ્ઞા આપી. ‘મહારાજ, અમે બધા ક્ષણવેધી, શાલવેધી, શબ્દવેધી, શરવેધી છીએ, જ્યોતિપાલ બાળક છે. અમે એને નહીં વીંધીએ.’ બોધિસત્ત્વે કહ્યું, ‘જો શક્તિ છે તો મને વીંધો.’ તેમણે ‘ભલે, કહીને એક સાથે તીર ચલાવ્યાં અને બોધિસત્ત્વે પોતાના તીર વડે તેમને પાડી નાખ્યાં. ધનુર્ધારીઓનાં તીર ખલાસ થઈ ગયાં. બોધિસત્ત્વને જેવી જાણ થઈ કે તેમનાં તીર ખલાસ થઈ ગયાં એવો તે તીરોના ઢગલાને જરાય આંચ ન આવે એવી રીતે કૂદીને રાજા પાસે ગયો. પ્રજાજનોએ આનંદના મોટા પોકારો કર્યા, તાળીઓ પાડી, વસ્ત્રાલંકાર ઉછાળ્યા. આમ અઢાર કરોડ જેટલું ધન એકઠું થઈ ગયું. રાજાએ જ્યોતિપાલને પૂછયું, ‘જ્યોતિપાલ, આ ધનુર્વિદ્યાનું શું નામ?’ ‘દેવ, તીરોને રોકવાની વિદ્યા.’ ‘આનો જાણકાર બીજો કોઈ છે?’ ‘મહારાજ, સમગ્ર જંબુદ્વીપમાં મારા સિવાય કોઈ નથી.’ ‘તો બીજું કશું દેખાડ.’ ‘મહારાજ, આ ચારેય જણ ચાર ખૂણા પર ઊભા રહીને મને વીંધી ન શક્યા, પણ ચારેય ખૂણે ઊભેલા આ ચારેયને એક જ તીરથી વીંધી બતાવું.’ ધનુર્ધારીઓએ ત્યાં ઊભા રહેવાની હિંમત ન દાખવી. બોધિસત્ત્વે ચારે ખૂણે કેળના થાંભલા ઊભા કરાવ્યા. પછી ત્રણને લાલ રંગની દોરી બાંધી એક કેળ પર તીર છોડ્યું. એ તીરે પહેલા થાંભલાને વીંધી, બીજાને, ત્રીજાને અને પછી ચોથાને વીંધ્યા. પછી ચોથાનું તીર પહેલા વીંધેલા થાંભલાને વીંધીને ફરી બોધિસત્ત્વના હાથમાં આવી ગયું. કેળના થાંભલામાં સૂત્ર પરોવાઈ ગયું. પ્રજાજનોએ ભારે હર્ષનાદ કર્યો. ‘આ કઈ વિદ્યા?’ ‘ચક્ર વીંધવાની વિદ્યા.’ ‘હજુ બીજું કરી દેખાડ.’ બોધિસત્ત્વે શર-સાઠી, શર-રજ્જુ, શર-વેણીનું નિદર્શન કર્યું. શરપ્રાસાદ, શરમંડપ, શરસોપાન, શરપુષ્કરિણી રચ્યાં. શરપદ્મ ખીલવ્યું. શરવર્ષા કરી. આમ બીજાઓને મન અસાધારણ એવી બાર વિદ્યાઓનું નિદર્શન કરી સાત મોટી વસ્તુઓને વીંધી આઠ આંગળ જાડી સાંકળ વીંધી. ચાર આંગળ જાડી શિલા વીંધી. બે આંગળ જાડું તામ્રપત્ર. એક આંગળ જાડું લોહપત્ર. પછી એક સાથે બાંધેલા સો પટ્ટા એકી સાથે ચીર્યા. પછી પરાળનાં ગાડાં, રેતીનાં ગાડાં અને પાટડાનાં ગાડાંની આગળ તીર મારી પાછળ બાજુથી તીર કાઢ્યું, પાછળથી તીર મારી આગળથી કાઢ્યું. પાણીમાં ઊભેલા ચાર વૃષભ અને જમીન પર ઊભેલા આઠ વૃષભ સુધી તીર ફેંક્યા... આમ કરતાં કરતાં સાંજ પડી ગઈ. રાજાએ તેને સેનાપતિપદ આપવાની ઘોષણા કરી કહ્યું, ‘જ્યોતિપાલ, આજે હવે સમય થઈ ગયો છે. આવતી કાલે સેનાપતિપદ સંભાળજે. દાઢી કરી, સ્નાન કરીને આવજે.’ તે દિવસે ખર્ચ પેટે તેને એક લાખ આપ્યા. બોધિસત્ત્વે કહ્યું, ‘મારે આની જરૂર નથી.’ એમ કહી અઢાર કરોડ ધન જેનું હતું તેમને આપી દીધું. પછી નહાવા ગયો. દાઢી કરાવી, સ્નાન કરી, અલંકારો ધારણ કર્યા. સુંદર વેશે ઘરમાં પ્રવેશ્યો. વિવિધ વ્યંજન આરોગી પથારીમાં આડો પડ્યો. પાછલે પહોરે ઊઠ્યો અને પોતાની ધનુર્વિદ્યાના આરંભ, મધ્ય અને અંત વિશે વિચારવા લાગ્યો. તેને લાગ્યું કે મારી ધનુર્વિદ્યાના આરંભે મૃત્યુ છે, મધ્યમાં કામભોગ છે અને અંતમાં મૃત્યુ છે. પ્રાણાતિપાતનું પરિણામ મૃત્યુ અને એમાં અતિપ્રમાદ નરકમાં લઈ જાય છે. રાજાએ મને સેનાપતિપદ સોંપ્યું છે. હું બહુ સમૃદ્ધ થઈશ. મને પત્ની અને અનેક પુત્રપુત્રી પ્રાપ્ત થશે. કામભોગની વૃદ્ધિ થતાં તેમનો ત્યાગ કરવો અઘરો થઈ પડે છે. મારે માટે અત્યારે જ ગૃહત્યાગ કરીને એકલો વનમાં જતો રહું અને ઋષિઓના પ્રવજ્યાક્રમથી પ્રવજિર્ત થઈ જઉં.’ આમ વિચારી બોધિસત્ત્વ પથારીમાંથી બેઠા થયા અને એકલા જ વનમાં પ્રવેશ્યા. ગોદાવરી તટે ત્રણ યોજન વિસ્તારવાળા ખેરના વનમાં ગયા. ઇન્દ્રને જાણ થઈ કે બોધિસત્ત્વે મહાભિનિષ્ક્રમણ કર્યુ છે. તો તેમણે વિશ્વકર્માને બોલાવીને કહ્યું, ‘જ્યોતિપાલે મહાભિનિષ્ક્રમણ કર્યું છે. બહુ મોટો ઉત્સવ થશે. ગોદાવરી તટે ખેરના વનમાં આશ્રમ ઊભો કરી પ્રવજિર્તોની જરૂરિયાતો ત્યાં પહોંચાડો.’ તેમણે એમ જ કર્યું. બોધિસત્ત્વે ત્યાં પહોંચીને પગદંડી જોઈ વિચાર્યું, પ્રવજિર્તો માટે નિવાસગૃહો હશે. તે માર્ગે તેઓ ત્યાં પહોંચ્યા — પણ કોઈને ત્યાં જોયા નહી, પરંતુ પ્રવજિર્તો માટેની બધી જરૂરિયાતો જોઈ. ‘એવું લાગે છે કે ઇન્દ્રે મેં પ્રવજ્યા લીધી એ વાત જાણી લીધી છે. પોતાનું વસ્ત્ર ઉતારીને રાતા રંગનું વસ્ત્ર પહેરી એક ખભે મૃગચર્મ મૂક્યું. પછી જટા બાંધી, ખભે થેલી મૂકી. હાથમાં વૈશાખી લઈ પર્ણશાળામાંથી નીકળી ચક્રણભૂમિ પર ચઢી કેટલીય વાર આમતેમ ઘૂમ્યા. પ્રવજ્યાશ્રીથી અને વનને સુશોભિત કરતાં તે યોગવિધિ વડે પ્રવજ્યાના સાતમા દિવસે આઠ સમાપત્તિ અને પાંચ અભિજ્ઞા પ્રાપ્ત કરી ફલમૂળ ચૂંટીને ખાઈ કરી એકલા જ રહેવા લાગ્યા. આ બાજુ તેમના સ્વજનો, માતાપિતા, મિત્રો તેને ત્યાં જ જોઈ રડતાકકળતા ભટકતા હતા. એક વનવાસીએ ખેરના આશ્રમમાં બોધિસત્ત્વને ઓળખી કાઢ્યા અને એ સમાચાર તેમનાં માતાપિતાને પહોંચાડ્યા. તેમણે રાજાને આ વાત કરી. ‘ચાલો, તેમનાં દર્શન કરવા જઈએ’ એમ કહી રાજા, બોધિસત્ત્વના માતાપિતા, અનુયાયીઓને લઈને વનવાસીએ ચીંધેલા રસ્તે ગોદાવરી તટે પહોંચ્યા. બોધિસત્ત્વે નદીકાંઠે ખુલ્લામાં બેસીને ધર્મોપદેશ સંભળાવ્યો. અને બધાને આશ્રમમાં લઈ ગયા. ત્યાં પણ આકાશમાં બેઠા બેઠા કામભોગોના દોષ વર્ણવ્યા. રાજાથી માંડીને બધા પ્રવજિત થઈ ગયા. ઋષિસમૂહથી ઘેરાયેલા બોધિસત્ત્વ ત્યાં રહેવા લાગ્યા. તેમના ત્યાં રહેવાની વાત સમગ્ર જંબુદ્વીપમાં પ્રસરી ગઈ. રાજાથી માંડીને પ્રજાજનો તેમની પાસે આવીને પ્રવજ્યા લેવા લાગ્યા. સંખ્યા વધી ગઈ. ધીમે ધીમે હજારોની સંખ્યા થઈ. જે કોઇ કામભોગ, ક્રોધ, હિંસા વિશે પ્રશ્ન કરે તેની આગળ બોધિસત્ત્વ આવીને આશ્રમમાં સ્થિર થઈ તેમને ધર્મોપદેશ આપતા. તેમનો ઉપદેશ ગ્રહણ કરી, સમાપત્તિ પ્રાપ્ત કરી નિષ્ણાત થયેલા સાત મુખ્ય શિષ્ય હતા — સાલિસ્વર, મેણ્ઙિસર, પબ્બત, કાળોવલ, કિસવચ્છ, અનુસિસ્સ તથા નારદ. ધીમે ધીમે ખેર આશ્રમ ભરચક થઈ ગયો. ઋષિઓને રહેવા માટે જગા ન રહી. ત્યારે બોધિસત્ત્વે સાલિસ્વરને બોલાવીને કહ્યું, ‘આ આશ્રમ હવે ઋષિઓ માટે પૂરતો નથી. તું આ ઋષિઓને લઈ ચંડપ્રદ્યોતના રાજમાં લમ્બમૂલક કરવેના આશ્રમમાં રહે.’ તે હા પાડીને હજાર ઋષિઓને લઈને ત્યાં ચાલ્યો ગયો. ફરી આવનારાઓને કારણે આશ્રમ ભરાઈ ગયો. બોધિસત્ત્વે મેંડિસ્સરને બોલાવીને સુંટ્કજનપદની સીમા પર સાતીદિકા નદીને કિનારે આ ઋષિઓને લઈ જઈને વસવા કહ્યું. આમ ત્રીજી વખત પબ્બતને મહાઅટવીના વનવિસ્તારમાં આશ્રમ વસાવવા કહ્યું. ચોેથી વખત કાળદેવલની દક્ષિણ દિશાએ અવંતીપ્રદેશમાં ઘનશૈલ નામના પર્વત પાસે આશ્રમ વસાવવા કહ્યું. ફરી ખેર આશ્રમ ભરાઈ ગયો. પાંચે સ્થળે ઋષિઓ વહેંચાઈ ગયા. કિસવચ્છ બોધિસત્ત્વની આજ્ઞા લઈ દંડકી રાજાના પ્રદેશમાં કુંભવતી નગરમાં સેનાપતિના આશ્રયે ઉદ્યાનમાં રહેવા લાગ્યો. નારદ મજિઝપ્રદેશમાં વરંવર નામના પર્વત પાસે રહેવા લાગ્યો. અનુસિસ્સ બોધિસત્ત્વ પાસે જ રહી ગયો. તે સમયે દંડકી રાજાએ એક સત્કારપ્રાપ્ત વારાંગનાને સ્થાનભ્રષ્ટ કરી દીધી. તે ભમતી ભમતી ઉદ્યાનમાં જઈ પહોંચી અને તેણે કિસવચ્છ તપસ્વીને જોઈને ‘આ અપશુકનિયાળ હશે, એના શરીર પર થૂંકીને સ્નાન કરીને જઈશ.’ તેણે દાતણ કરીને સૌથી પહેલું થૂંક તપસ્વીની જટામાં કાઢ્યું. પછી દાતણ પણ એના માથામાં નાખીને નાહી કરીને ગઈ. રાજાએ તેને યાદ કરીને પહેલાંના પદે સ્થાન આપ્યું. મૂઢતાને કારણે માની લીધું કે તે અપશુકનિયાળના માથા પર થૂંકવાથી મને ફરી સ્થાન મળ્યું. થોડા સમય પછી રાજાએ પુરોહિતને સ્થાનભ્રષ્ટ કર્યો. તેણે પેલી સ્ત્રીને બોલાવીને પૂછ્યું, ‘તને ફરી રાજાએ કેવી રીતે પ્રતિષ્ઠિત કરી?’ તેણે જવાબ આપ્યો. રાજાના ઉદ્યાનમાં એક અપશુકનિયાળ છે, તેના માથા પર થૂંકવાથી.’ પુરોહિતે પણ ત્યાં જઈને થૂંક્યો. રાજાએ તેને પણ ફરી પ્રતિષ્ઠિત કર્યો. થોડા સમય પછી રાજાના પ્રત્યન્ત પ્રદેશમાં બળવો થયો તે સેના લઈને લડવા ચાલ્યો. મૂઢ પુરોહિતે રાજાને પૂછ્યું, ‘મહારાજ, વિજય મેળવવો છે કે પરાજય?’ ‘વિજય.’ એટલે પુરોહિતે કહ્યું,‘ઉદ્યાનમાં એક અપશુકનિયાળ રહે છે, તેના શરીર પર થૂંકીને જાઓ.’ એટલે તેની વાત માની રાજાએ ફરમાન બહાર પાડ્યું કે મારી સાથે આવનારા બધા એ માણસ પર થૂંકો,’ એમ કહી તે ઉદ્યાન ગયો, દાતણ કર્યું અને સૌથી પહેલાં તે થૂંક્યો. દાતણ પણ તેની જટાઓમાં ફેંક્યું અને તેણે સ્નાન કર્યું. તેના સૈનિકો પણ થૂંક્યા. તે રાજાના ગયા પછી સેનાપતિએ તપસ્વીને જોયા, તેના માથા પરથી દાતણ કઢાવ્યા, સારી રીતે સ્નાન કરાવ્યું. પછી પૂછ્યું, ‘રાજાનું શું થશે?’ ‘આયુષ્માન, મારા મનમાં તો કશું નથી. પણ દેવતાઓ ક્રોધે ભરાયા છે. આજથી સાતમા દિવસે આખું રાજ્ય નાશ પામી જશે. તમે હમણાં જ અહીંથી જતા રહો.’ તેણે ભયભીત થઈને રાજાને કહ્યું, રાજાને તેની વાત પર વિશ્વાસ ન આવ્યો. સેનાપતિ ઘેર જઈને પત્ની અને સંતાનોને લઈને બીજા દેશમાં જતો રહ્યો. સરભંગ શાસ્તાને આ વાતની જાણ થઈ એટલે બે તરુણ તપસ્વીઓને મોકલી કિસવચ્છ તપસ્વીને ડોળીમાં બેસાડી આકાશ માર્ગે બોલાવી લીધો. રાજા યુદ્ધ કરીને બળવાખોરોને પકડીને નગર પાછો ફર્યો. તેના આગમન પર પહેલાં દેવતાઓએ વર્ષા કરી. વરસાદનું પૂર બધાને ઘસડી ગયું. પછી રેતી પર ફૂલોની વર્ષા કરી, માસાઓની વર્ષા, એની ઉપર કાષાર્પણોની વર્ષા, તથા તેમની દિવ્ય અલંકારોની વર્ષા થઈ. લોકોએ આનંદિત થઈ અલંકારો ભેગા કર્યા. તે જ વેળા તેમનાં શરીર પર વિવિધ પ્રજ્વલિત શસ્ત્રવર્ષા થઈ. માણસોના ટુકડે ટુકડા થઈ ગયા. તેમના ઉપર સળગતા અંગારા વરસ્યા. પછી મોટી મોટી શિલાઓ પડી. તેમના ઉપર સાઠ હાથ જેટલી જગ્યા ભરાઈ જાય એવી ઝીણી રેતી વરસી. આમ સાઠ યોજનમાં વિસ્તરેલું રાજ્ય વિનાશ પામ્યું અને આ વિનાશની જાણ આખા જંબુદ્વીપમાં થઈ ગઈ. તે વિસ્તારમાં રાજ્ય કરતા ત્રણ રાજાગણ કલિંગ, અટ્ટક્ક તથા ભીમરથ વિચારવા લાગ્યા, ‘એવું સાંભળ્યું છે કે ભૂતકાળમાં વારાણસીમાં કલાબૂ નામના કાશીરાજે શાંતિવાદી નામના તપસ્વીનો અપરાધ કર્યો, પરિણામે તે પૃથ્વીમાં પ્રવેશ્યો. એ જ રીતે નામિકીટ રાજાએ તપસ્વીને કૂતરાઓની પાસે ફાડી નખાવ્યો. સહબાહુ અર્જુને અંગીરસનો અપરાધ કર્યો. હવે દંડકી રાજાએ કિસવચ્છનો અપરાધ કરી રાષ્ટ્ર સમેત તે નાશ પામ્યો. આ ચારેય રાજાઓ ક્યાં જઈને પેદા થયા તે આપણે નથી જાણતા. સરભંગ શાસ્તા સિવાય આ કોઈ કહી નહીં શકે. તેમની પાસે જઈને પૂછીએ.’ તે ત્રણે રાજાઓ ધામધૂમપૂર્વક પ્રશ્નો પૂછવા નીકળ્યા. તેમને જાણ ન હતી કે કોઈ બીજું પણ એવી રીતે નીકળ્યું છે. દરેકે એમ જ માન્યું કે હું એકલો જ નીકળ્યો છું. તે બધા ગોદાવરી કાંઠે ભેગા થયા. જુદા જુદા રથમાંથી ઊતરીને એક જ રથમાં બેઠા. તે વેળા પાંડુવર્ણ કંબલ સિંહાસન પર બેસીને ઇન્દ્રના મનમાં સાત પ્રશ્નો ઊઠ્યા. સરભંગ શાસ્તા સિવાય બીજું કોઈ આનો ઉત્તર આપી નહીં શકે. એટલે હું તેમને જ પૂછીશ. એટલે બંને દેવલોકોની સાથે પૃથ્વી પર ઊતર્યા. તે જ દિવસે કિસવચ્છનું અવસાન થયું. તેની ઉત્તરક્રિયા માટે ચારે સ્થળેથી હજારો ઋષિગણ ભેગા થયા. ચંદનની ચિતા રચી તેમના અગ્નિસંસ્કાર કર્યા; ચિતાની આસપાસ અડધા યોજન વિસ્તારમાં દિવ્ય પુષ્પોની વર્ષા થઈ. બોધિસત્ત્વ ઉત્તરક્રિયા પૂરી કરી આશ્રમમાં પ્રવેશ્યા અને ઋષિઓના હૃદયમાં બિરાજ્યા. પેલા રાજાઓ નદીતટે પહોંચ્યા એટલે તેમની સેનાનું તૂર્ય વાગ્યું. બોધિસત્ત્વે એ સાંભળીને અનુસિસ્સ તપસ્વીને બોલાવી પૂછ્યું, ‘જરા જઈને જો તો આ અવાજ શાનો છે?’ તે પાણીનો ઘડો લઈને ગયો. ત્યાં પહોંચીને ત્રણ રાજાઓને જોયા. અને પછી તેણે પૂછ્યું, ‘અલંકૃત કુંડળોવાળા, સુંદર વસ્ત્રોવાળા, મોતી મઢેલી તલવારો લઈને આવેલા હે મહાશયો, ઊભા રહો, તમે બધા કોણ છો? લોક તમને કયા નામે સંબોધે છે?’ તપસ્વીની વાત સાંભળીને તેઓ રથમાંથી ઊતર્યા. નમસ્કાર કરીને ઊભા રહી ગયા. અટ્ટદકરાજે વાતચીત આરંભી. ‘મારું નામ અટ્ટદક, આ ભીમરથ છે અને આ વિખ્યાત કલિંગનરેશ છે. અમે અહીં સંયમી ઋષિઓનાં દર્શન કરી તેમને પ્રશ્ન પૂછવા માગીએ છીએ.’ તપસ્વીએ ઉત્તર આપ્યો. ‘ભલે મહારાજ, જ્યાં જવું જોઈએ ત્યાં જ તમે આવ્યા છો. સ્નાન કરો. થોડો આરામ કરો, આશ્રમમાં જઈ ઋષિઓને પ્રણામ કરી શાસ્તાને પ્રશ્ન પૂછો.’ પછી તેણે તેમની સાથે વાતચીત કરી, પાણીનો ઘડો ઊંચકી, નીચે ઢળેલું પાણી લૂછી, આકાશમાં ઇન્દ્ર સામે જોયું. ઇન્દ્ર સાથે દેવતાઓ હતા, અને દેવરાજ ઐરાવત પર બેસીને નીચે ઊતરી રહ્યા હતા. ‘હે આકાશમાં, અંતરીક્ષમાં ઊભેલા, પૂર્ણિમાના ચંદ્ર જેવા આકાશચારી, મહાપ્રતાપી યક્ષ, મર્ત્યલોકમાં લોકો તમને શું કહીને બોલાવે છે?’ ઇન્દ્રે કહ્યું, ‘દેવલોકમાં મને સુજમ્પતિ કહે છે, મર્ત્યલોકમાં મને મઘવા કહે છે. હું દેવેન્દ્ર, આજે અહીં ઋષિઓના દર્શન કરવા આવ્યો છું.’ અનુસિસ્સે કહ્યું, ‘ભલે, મહારાજાઓ — તમે પાછળ પાછળ આવો.’ તેણે પાણીનો ઘડો ઉઠાવ્યો અને આશ્રમમાં પ્રવેશી પાણીનો ઘડો તેની જગ્યાએ મૂક્યો. પછી ત્રણે મહારાજ અને દેવેન્દ્ર પ્રશ્નો પૂછવા આવ્યા છે એ વાત બોધિસત્ત્વને કરી. તે પોતે ઋષિઓની વચ્ચે મોટા મંડપમાં બેઠો. ત્રણે રાજા ઋષિઓને પ્રણામ કરી એક બાજુ બેઠા. ઇન્દ્ર પણ પૃથ્વી પર આવીને ઋષિઓને વંદન કરી બોલ્યા, ‘અમે દૂરથી સાંભળ્યું કે ગુણવાન ઋષિઓનું આગમન થયું છે. હે આર્યો, પ્રસન્ન થાઓ, લોકમાં શ્રેષ્ઠ એવા તમને સૌને વંદન.’ આમ ઋષિઓને પ્રણામ કરી બેસવાના છ દોષથી બચીને ઇન્દ્ર એક બાજુ બેઠા. ઋષિઓ તરફથી આવતી હવામાં બેઠેલા જોઈ અનુસિસ્સે કહ્યું, ‘ચિરપ્રવજિર્ત ઋષિઓના શરીરમાંથી નીકળતી હવાની દિશામાં તમે બેઠા છો, દેવરાજ, ઋષિઓના શરીરમાંથી દુર્ગંધ આવતી હોય છે. આ સાંભળી ઇન્દ્રે કહ્યું,‘ચિરપ્રવજિર્ત ઋષિઓના શરીરની ગંધ ભલે હવા અહીં લઈ આવે. અમે આ ગંધને વિચિત્ર ફૂલોની સુગંધ જેવી માનીએ છીએ. દેવતાઓ એને પ્રતિકૂળ નથી ગણતા.’ પછી ફરી બોલ્યા, ‘અનુસિસ્સ, હું બહુ ઉત્સાહથી પ્રશ્ન પૂછવા આવ્યો છું. અમને આજ્ઞા આપો.’ ‘આ પુરંદર, ભૂતપતિ, યશસ્વી, દેવેન્દ્ર, મઘવા, સુજમ્પતિ, અસુરોનો નાશ કરનાર દેવરાજ પ્રશ્ન પૂછવા માગે છે. અહીં ઉપસ્થિત પંડિતોમાંથી કોણ આ ત્રણ રાજાઓના અને દેવેન્દ્ર શકના ઉત્તરો આપશે?’ ઋષિઓએ એ સાંભળી કહ્યું, ‘અનુસિસ્સ, પૃથ્વી પર ઊભા રહીને તને પૃથ્વી નથી દેખાતી એવી વાત કરે છે. સરભંગ શાસ્તા સિવાય કોણ આ પ્રશ્નો ઉત્તર આપી શકશે? આ તપસ્વી સરભંગ ઋષિ છે. જન્મથી તે બ્રહ્મચારી છે. આચાર્યપુત્ર છે, વિનયી છે. આ પ્રશ્નોના તે ઉત્તર આપશે.’ ‘હે કોંડજ્જ, પ્રશ્નોના ઉત્તર આપો. સાધુરૂપ ઋષિઓ તમને પ્રાર્થે છે. હે કોંડજ્જ, માનવીઓમાં એ રૂઢિ છે કે જે જ્યેષ્ઠ હોય તેના પર આ જવાબદારી આવે છે.’ ‘તમને પ્રશ્ન પૂછવાની અનુજ્ઞા છે. મનમાં જે પ્રશ્ન થાય તે પૂછો. આ લોકનો તથા પરલોકનો જાણકાર હોઈ હું ઉત્તર આપીશ.’ એટલે ઇન્દ્રે પ્રશ્ન પૂછ્યો, ‘કોનો વધ કરવાથી ક્યારેય પસ્તાવો થતો નથી? ક્યા ત્યાગની ઋષિઓ પ્રશંસા કરે છે? કોનાં કઠોર વચન સહેવા જોઈએ?’ ‘ક્રોધનો વધ કરવાનો પસ્તાવો ક્યારેય થતો નથી. ઋષિઓ ઢોંગના ત્યાગની પ્રશંસા કરે છે, બધાનાં કઠોર વચન સહેવાં જોઈએ.’ ‘પોતાના સમોવડિયા કે પોતાનાથી ચઢિયાતા લોકોનાં વચન કેવી રીતે સાંભળવાં જોઈએ. પોતાનાથી જે નીચેનાં છે તેમની વાત કેવી રીતે સાંભળવી જોઈએ?’ ‘પોતાનાથી મોટાનાં વચન ભયથી સહી લેવાય છે. સમોવડિયાનાં વચન ઝઘડાની ભીતિથી સહી લેવાય છે. જે પોતાનાથી નીચલા દરજ્જે છે તેમનું વચન સાંભળીએ તેને સંતો ઉત્તમ શાંતિ કહે છે.’ શક્રે કહ્યું, ‘ભગવન, પહેલાં તો તમે એવું કહ્યું કે બધાંનાં વચન સાંભળવાં જોઈએ. પછી એમ કહ્યું કે આપણાથી નીચેનાં વચન સાંભળવાં જોઈએ. આમાં વિરોધ નથી?’ બોધિસત્ત્વે કહ્યું, ‘શક્ર, મેં નીચલી જાતિનાં કઠોર વચન સાંભળવાની વાત કહી. કારણ કે માત્ર દેખાવ પરથી પ્રાણીઓની શ્રેષ્ઠતાનો ખ્યાલ આવતો નથી, એટલે શરૂઆતમાં મેં એવું કહ્યું. ઊઠવા બેસવાના ચાર પ્રકારનાં આચરણો વડે કેવી રીતે જાણી શકાય કે કોણ શ્રેષ્ઠ છે, અને કોણ હીન છે? શ્રેષ્ઠ લોકો પણ કુરૂપ દેખાતા હોય છે. એટલે બધાનાં વચન સાંભળો. આ સાંભળી ઇન્દ્રના મનનું સમાધાન થયું. ‘ભગવન, શાંતિનો મહિમા કહો,’ બોધિસત્ત્વે કહ્યું, ‘જેને ક્ષમાવાન સત્પુરુષ પ્રાપ્ત કરી લે છે તેને રાજા સમેત વિશાળ સેના પણ પ્રાપ્ત નથી કરી શકાતી. તે ક્ષમા વડે જ વેર શમે છે.’ આમ બોધિસત્ત્વે ક્ષમાનો મહિમા કહી બતાવ્યો. પછી રાજાઓ વિચારવા લાગ્યા, ‘ઇન્દ્ર પ્રશ્નો પૂછ્યે જાય છે. આપણને તો પ્રશ્ન પૂછવાનો અવકાશ નહીં આપે?’ ઇન્દ્રે તેમના મનની વાત જાણી પોતાના બાકીના ચાર પ્રશ્નો ન પૂછ્યા. ‘તમારી વાતનું અનુમોદન કરીને હું બીજો પ્રશ્ન પૂછું છું. દંડકી, નાલિકીર, અર્જુન અને કલાબુ રાજાઓનું શું થયું? એ પાપીઓની ગતિ કહો, ઋષિઓને યાતના આપનારા ક્યાં ઉત્પન્ન થયા?’ બોધિસત્ત્વે કહ્યું, ‘દંડકી કિસવચ્છ ઋષિ પર થૂંક્યો તેને કારણે તે અને તેની પ્રજા, તેનું રાજ્ય નષ્ટ થયાં. તે કુક્કુલ નરકમાં સળગી રહ્યો છે. તેના શરીર પર અંગારા વરસી રહ્યા છે. નાળિકીર રાજાએ ધર્મોપદેશક, નિર્દોષ, સંયમી, પ્રવજિત શ્રમણોને છેતર્યા, તે રાજાને પરલોકમાં કૂતરા એકઠા થઈને ખાઈ રહ્યા છે, તે છટપટાય છે. ક્ષમાશીલ, ચિર બ્રહ્મચારી, તપસ્વી અંગીરસ ગૌતમને દુઃખી કરીને અર્જુન શક્તિશૂલ નરકમાં માથું નીચે અને પગ ઉપર કરીને પડ્યો છે. ક્ષમાશીલ, નિર્દોષ, પ્રવજિર્ત શ્રમણના ટુકડેટુકડા કરનાર રાજા મહાન કટુ, અવીચી નરકમાં સબડે છે. પંડિતો આ નરકની વાત સાંભળીને અને આનાથીય ભયાનક નરક છે તે જાણે અને શ્રમણો, સાધુઓ પ્રત્યે ધર્માચરણ કરે. આમ કરવાથી સ્વર્ગ પ્રાપ્ત થાય છે.’ ચાર રાજાઓની વાત સાંભળીને ત્રણ રાજાઓના મનનું સમાધાન થઈ ગયું. હવે ઇન્દ્રે બાકીના ચાર પ્રશ્નો પૂછ્યા, ‘હવે બાકીના પ્રશ્નોના ઉત્તર આપો. કયો માનવી શીલવાન, કોણ પ્રજ્ઞાવાન?’ ‘જે કાયા, વાચા, મનથી સંયમી છે, મનમાં પણ જે પાપ નથી કરતો, સ્વાર્થથી પ્રેરાઈને જે અસત્ય બોલતો નથી તે માનવી સદાચારી. જે મનમાં ગંભીર પ્રશ્નો વિશે વિચારે છે, જે લોભને વશ થઈ આત્મહિતથી વિરુદ્ધ કશું કરતો નથી, જે આવનાર અવસરને જવા દેતો નથી તે પ્રજ્ઞાવાન. જે કૃતજ્ઞ છે, કરેલા ઉપકારનો બદલો વાળી જાણે છે, જે કલ્યાણપ્રિય છે, દૃઢ ભક્તિવાન છે, દુઃખી પર ઉપકાર કરવા તત્પર છે એ માનવી સત્પુરુષ છે. આવા બધા ગુણોવાળો, મૃદુ, સંવિભાગી, પ્રજ્ઞાવાન, સંગ્રાહક, મધુરભાષી, સ્નિગ્ધ છે. તેવા માનવીને શ્રી વરે છે.’ આમ આકાશમાં થતા ચંદ્રોદયની જેમ બોધિસત્ત્વે પ્રશ્નોના ઉત્તર આપ્યા. પછી ઇન્દ્રે બીજો પ્રશ્ન પૂછ્યો. ‘શીલ, સૌભાગ્ય, સત્પુરુષોનો ધર્મ અને પ્રજ્ઞા — આમાંથી સર્વશ્રેષ્ઠ શું છે?’ ‘વિદ્વાનો પ્રજ્ઞાને શ્રેષ્ઠ કહે છે. તે તારાઓમાં ચંદ્ર સમી છે. શીલ,સૌભાગ્ય અને સત્પુરુષોનો ધર્મ પ્રજ્ઞાને અનુસરે છે.’ ‘શું કરવાથી, કેવી રીતે કરવાથી, ક્યા આચરણથી, કેવી સંગતિથી મનુષ્યને પ્રજ્ઞાનો લાભ મળે છે? માનવી પ્રજ્ઞાવાન કેવી રીતે બને?’ ‘જે જ્ઞાનમાં મહાન છે, જે દક્ષ છે, જે બહુશ્રુત છે તેવાની સંગતિ કરો, તેમની પાસેથી જ્ઞાન મેળવો, તેમને પ્રશ્નો પૂછે. તેમની ઉક્તિઓને ધ્યાનપૂર્વક સાંભળે. આમ કરવાથી માનવી પ્રજ્ઞાવાન થાય છે. જે પ્રજ્ઞાવાન કામભોગને અનિત્ય, દુઃખકારી, રોગપ્રેરક માને છે તે દુઃખરૂપ, ભયજનક, કામભોગો પ્રત્યેનો મોહ ત્યજી દે છે. તે વિતરાગ દ્વેષમુક્ત થઈને અસીમ મૈત્રીની ઇચ્છા કરે છે. તે કોઈ પણ પ્રાણીને દંડ નથી આપતો, નિર્દોષ જીવન જીવી બ્રહ્મલોક પામે છે.’ આમ બોધિસત્ત્વે કામભોગોના દોષ વર્ણવ્યા. ત્રણે રાજાઓની કામભોગ પ્રત્યેની આસક્તિ નાશ પામી. એ જાણી બોધિસત્ત્વે તેમની પ્રશંસા કરી. ‘બહુ સારું થયું, તમારી, ભીમરથની, કલિંગનરેશની કામાસક્તિ હમણાં જ નષ્ટ થઈ ગઈ.’ આ સાંભળી રાજાઓએ બોધિસત્ત્વની પ્રશંસા કરી. ‘તમે આ રીતે બીજાઓના વિચાર જાણી લો છો. અમારા બધાની કામાસક્તિ નષ્ટ પામી છે. હવે અમને પ્રવજિર્ત થવાની અનુમતિ આપો, જેથી અમે તમારી ગતિ પામીએ.’ બોધિસત્ત્વે આજ્ઞા આપતાં કહ્યું, ‘તમારી કામાસક્તિ ખતમ થઈ ગઈ છે તો તમને કરુણાપૂર્ણ રીતે પ્રવજિર્ત થવાની અનુજ્ઞા આપું છું.’ આ સાંભળી રાજાઓએ કહ્યું, ‘હે પરમ પ્રજ્ઞાવાન, તમે જે જે આજ્ઞા આપશો તેનું અમે પાલન કરીશું. અમારામાં અમે પ્રેમભાવ પ્રગટાવીશું જેથી તમારા જેવી અવસ્થા પામી શકીએ.’ બોધિસત્ત્વે તેમની સેનાને પ્રવજ્યા અપાવી. ‘વચ્છકિચ્છની ક્રિયા પૂરી થઈ, હવે તમે સાધુરૂપ ઋષિઓ પોતપોતાના આશ્રમમાં જાઓ. એકાગ્રચિત્તે ધ્યાન ધરો. પ્રવજ્યા લેનારે આ જ પાળવાનું .’ ઋષિઓએ તેમની વાત સ્વીકારી, તેમને વંદન કરી પોતપોતાનાં સ્થાને તેઓ ચાલ્યા ગયા. ઇન્દ્ર પણ પોતાના સ્થાનેથી ઊભા થયા અને જેવી રીતે સૂર્યને બે હાથ જોડીને નમસ્કાર થાય તેવી રીતે બોધિસત્ત્વને નમસ્કાર કરી ચાલ્યા ગયા. પંડિત ઋષિએ કહેલી સાર્થક વાણી સાંભળીને, તેનો અર્થબોધ ગ્રહણ કરી, તેમનું અનુમોદન કરી પ્રતાપી દેવગણ સ્વગેર્ ગયા. આ અર્થસભર, સમૃદ્ધ વાણીને એકાગ્ર ચિત્તે જે કોઈ સાંભળશે, તે પ્રથમ ધ્યાન વગેરે લાભ પામશે અને મૃત્યુસીમાને ઓળંગી જશે.
ઘત જાતક
પ્રાચીન કાળમાં ઉત્તરાપથમાં કંસભોગના અસિતઅંજન નગરમાં મકાકંસ નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને બે પુત્રો હતા: કંસ અને ઉપકંસ. દેવગર્ભા નામની એક દીકરી પણ હતી. તે જન્મી ત્યારે જ્યોતિષીઓએ ભવિષ્ય ભાખ્યું હતું કે તેના પેટે જન્મનાર પુત્ર કંસગોત્ર અને કંસવંશનો નાશ કરશે. રાજાને દીકરી પર પુષ્કળ વહાલ હતું એ કારણે તેનો વધ કરાવી ન શક્યો. તેણે વિચાર્યું આગળ જોયું જશે. ખાસ્સું જીવન જીવીને તે મૃત્યુ પામ્યો. હવે કંસ રાજા થયો અને ઉપકંસ ઉપરાજા થયો. તેમણે વિચાર્યું કે જો આપણે બહેનને મારી નાખીશું તો નંદાિ થશે એટલે તેનું લગ્ન ન કરીને તેનું પાલન કરીએ. તેમણે એક થાંભલાવાળો મહેલ બનાવ્યો અને બહેનને ત્યાં રાખી. નંદગોપા તેની સેવિકા હતી અને તેનો પતિ અંધવેણુ સેવક ચોકી કરતો હતો. તે સમયે ઉત્તર મથુરામાં મહાસાગર નામનો રાજા હતો, તેને બે પુત્ર: સાગર અને ઉપસાગર. પિતાના મૃત્યુ પછી સાગર રાજા થયો ને ઉપસાગર ઉપરાજા. ઉપસાગર ઉપકંસનો મિત્ર હતો. બંને એક જ ગુરુના શિષ્ય હતા. તેણે અંત:પુરમાં દુષ્ટતા આદરી અને પકડાઈ જવાની બીકે તે કંસભોગ રાજ્યમાં ઉપકંસ પાસે જઈ પહોંચ્યો. ઉપકંસ તેને રાજા પાસે લઈ ગયો. રાજાએ તેને પુષ્કળ ભેટસોગાદો આપી. રાજાની સેવા કરતાં કરતાં દેવગર્ભા જે એક થાંભલાવાળા મહેલમાં રહેતી હતી તે જોઈને તેને જિજ્ઞાસા થઈ. આ કોનું નિવાસસ્થાન હશે? હકીકત જાણીને તે દેવગર્ભા પ્રત્યે આકર્ષાયો. દેવગર્ભાએ પણ એક દિવસ તેને ઉપકંસની સાથે રાજાની સેવામાં જતો જોઈ પૂછ્યું, ‘આ કોણ છે?’ નંદગોપાએ તેને કહ્યું કે આ મહાસાગર રાજાનો પુત્ર ઉપસાગર છે. ત્યારે તે પણ તેના પ્રત્યે આકર્ષાઈ. ઉપસાગરે નંદગોપાને કશીક ભેટ આપીને કહ્યું, ‘બહેન, મને દેવગર્ભાનું દર્શન કરાવી શકે?’ તેણે કહ્યું, ‘સ્વામી, એ કામ કંઈ અઘરું નથી.’ અને દેવગર્ભાને વાત કરી. તે પણ સ્વાભાવિક રીતે જ તેના પર આસક્ત તો હતી એટલે તેણે એ વાત સ્વીકારી લીધી. નંદગોપા ઉપસાગરને સંકેત કરીને રાતે તે મહેલ પર લઈ ગઈ. તેણે દેવગર્ભા સાથે સહવાસ કર્યો અને વારંવારના સહવાસને કારણે તે સગર્ભા થઈ. થોડા દિવસો પછી તે ગર્ભવતી છે એ વાત પ્રગટ થઈ. ભાઈઓએ નંદગોપાને પૂછયું. તેણે અભયદાન માગીને તે ભેદ ખોલી દીધો. તેમણે એ વાત સાંભળીને વિચાર્યું કે બહેનને તો મારી ન શકાય, જો દીકરી જન્મશે તો તેની હત્યા પણ નહીં કરીએ. પણ જો દીકરો જન્મશે તો તેને મારી નાખીશું. તેમણે દેવગર્ભા ઉપસાગરને સોંપી. પૂરા દિવસે તેણે દીકરીને જન્મ આપ્યો. ભાઈઓએ આનંદ મનાવીને તેનું નામ પાડ્યું અંજનદેવી. તેમને ગોવર્ધમાન ગામ આપ્યું. ઉપસાગર દેવગર્ભાની સાથે તે ગામમાં રહેવા લાગ્યો. દેવગર્ભા ફરી સગર્ભા થઈ. નંદગોપા પણ તેની સાથે જ સગર્ભા થઈ. પૂરા દિવસે દેવગર્ભાએ દીકરાને જન્મ આપ્યો. અને નંદગોપાએ દીકરીને જન્મ આપ્યો. પોતાના પુત્રને ભાઈઓ મારી નાખશે એ બીકે દેવગર્ભાએ એ બાળક નંદગોપાને સોંપી દીધું અને તેની પુત્રી મંગાવી લીધી. દેવગર્ભા ફરી માતા બની એ સમાચાર ભાઈઓને પહોંચાડ્યા. ભાઈઓએ પૂછ્યું, ‘દીકરો કે દીકરી?’ જ્યારે તેમણે સાંભળ્યું કે પુત્રી ત્યારે તેમણે કહ્યું, ‘મોટી કરો.’ આ રીતે દેવગર્ભાએ દસ પુત્રોને જન્મ આપ્યો. અને નંદગોપાએ દસ પુત્રીઓને. પુત્રો નંદગોપાને ત્યાં મોટા થવા માંડ્યા. આ રહસ્યની કોઈને જાણ ન થઈ. દેવગર્ભાના મોટા દીકરાનું નામ વાસુદેવ, પછી બલદેવ, ત્રીજો ચંદ્રદેવ, ચોથો સૂર્યદેવ, પાંચમો અગ્નિદેવ, છઠ્ઠો વરુણદેવ, સાતમો અર્જુન, નવમો ઘતપંડિત અને દસમો અંકુર. તે બધા ‘અંધકવેણુ દાસ-પુત્ર દસ દુષ્ટ ભાઈઓ’ના નામે જાણીતા થયા. તેઓ મોટા થઈને શક્તિવાળા, બળવાન થયા, કઠોર પ્રકૃતિવાળા થયા અને લૂંટફાટ કરવા લાગ્યા. રાજાને મોકલાતી ભેટો લૂંટતા હતા, લોકોએ ભેગા મળીને રાજાને ફરિયાદ કરી કે ‘અંધકવેણુ દાસ-પુત્ર દસ દુષ્ટ ભાઈઓ’ અમને લૂંટે છે.’ રાજાએ અંધકવેણુને બોલાવીને ધમકાવ્યો. પુત્રો પાસે લૂંટફાટ કેમ કરાવે છે? લોકોએ બીજી વાર, ત્રીજી વાર પણ ફરિયાદ કરી. ફરી રાજાએ તેને ધમકાવ્યો. તેને મૃત્યુદંડની બીક લાગી એટલે અભયદાન માગીને તેણે ભેદ ખુલ્લો કરી દીધો. ‘રાજન્, આ મારા પુત્રો નથી. ઉપસાગરના પુત્રો છે.’ રાજા ડરી ગયો. તેણે પ્રધાનોને પૂછ્યું ‘ આ લોકોને કેવી રીતે પકડવા?’ ‘રાજન્, આ લોકો મલ્લ છે. નગરમાં કુસ્તી કરાવીએ, કુસ્તીમંડપ પાસે આવે એટલે તેમને પકડીએ અને મારી નખાવીએ.’ રાજાએ ચાણુર અને મુષ્ટિક મલ્લોને બોલાવ્યા અને ઢંઢેરો પીટાવ્યો કે આજથી સાતમા દિવસે કુસ્તી થશે. પછી રાજમહેલના આંગણે કુસ્તીમંડપ તૈયાર કરાવ્યો, અખાડો તૈયાર કર્યો, મંડપને સજાવીને ધ્વજપતાકા લહેરાવ્યાં. આખું નગર ત્યાં ઊમટી પડ્યું. ચક્રથી ચક્ર અને પાલખથી પાલખ તૈયાર થયાં. ચાણુર અને મુષ્ટિક કુસ્તીમંડપમાં આવીને કૂદવા લાગ્યા, મોટેથી બૂમો પાડવા લાગ્યા, સાથળ થપથપાવવા લાગ્યા. દસ ભાઈઓએ ધોબી મહોલ્લાને લૂંટી સુંદર વસ્ત્રો પહેર્યાં. સરૈયાની દુકાનેથી સુગંધિત પદાર્થો લીધા, શરીરે ચંદનનો લેપ કર્યો, માળી પાસેથી ફૂલમાળાઓ લૂંટી. ગળામાં હાર પહેર્યા, કાનમાં ફૂલ પરોવ્યાં. તેઓ કૂદતા, ગર્જતા અને સાથળો થપથપાવતા કુસ્તીમંડપમાં પ્રવેશ્યા. તે સમયે સાથળ પર થાપ મારતો ચાણુર આમતેમ ભમતો હતો. બલદેવે તેને જોઈને નિર્ધાર કર્યો કે હું આને હાથ વડે સ્પર્શીશ નહીં. તે હસ્તીશાળામાંથી મોટું દોરડું લઈ આવ્યા અને ઊછળીને, ગરજીને ચાણુરના પેટ પર દોરડું ફેંકી તેને બાંધી દીધો. પછી દોરડાના બંને છેડા ભેગા કરી ચાણુરને ઉઠાવ્યો, માથા પર ચકરડી ફેરવ્યો, જમીન પર નાખીને કચડ્યો અને અખાડાની બહાર ફેંકી દીધો. ચાણુરના મૃત્યુ પછી રાજાએ મુષ્ટિક મલ્લને કુસ્તી લડવા કહ્યું. તે પણ ઊભો થયો, કૂદ્યો અને ગર્જીને તેણે સાથળ પર થાપ મારી. બલદેવે તેને કચડીને તેનાં હાડકાંનો ભુક્કો કરી નાખ્યો. તે બોલતો જ રહ્યો, ‘હું મલ્લ નથી, હું મલ્લ નથી.’ ‘તું મલ્લ છે કે નહીં તે હું નથી જાણતો.’ એમ કહી અખાડામાં તેનો હાથ પકડીને નીચે પછાડ્યો અને મારીને અખાડાની બહાર ફેંકી દીધો. મુષ્ટિકે મરતાં મરતાં સંકલ્પ કર્યો કે હું યક્ષ તરીકે અવતરીને આને ખાઈ જઈશ. તે બીજા જન્મે કાલમતિ અટવી વિસ્તારમાં યક્ષ થયો. હવે રાજા પોતે ઊભો થયો. ‘આ દુષ્ટ દસ ભાઈઓને પકડો.’ તે સમયે વાસુદેવે ચક્ર ઉગામ્યું અને તેનાથી બંને ભાઈઓનાં મસ્તક કપાઈ ગયાં. લોકો ભય પામીને ભાઈઓને પગે પડ્યા, ‘અમારી રક્ષા કરો.’ તેમણે બંને મામાને મારી નાખીને અસિતરંજન નગરનું રાજ્ય જીતી લીધું અને માતાપિતાને ત્યાં રાખ્યા. પછી દસે ભાઈઓ હવે જંબુદ્વીપનું રાજ્ય લઈએ એમ વિચારીને નીકળી પડ્યા. તેમણે અયોધ્યા નગરીને ઘેરો ઘાલ્યો, આજુબાજુના ગાઢ વનનો વિનાશ કર્યો અને રાજા કાલસેનના મહેલે જઈ તેને કેદ કર્યો, તેનું રાજ્ય આંચકી લઈ તેઓ દ્વારમતી પહોંચ્યા. તે નગરની એક બાજુ સમુદ્ર હતો અને બીજી બાજુ પર્વત હતો. તે નગરમાં કોઈ માનવીનો અધિકાર નહોતો. તેનો રક્ષક યક્ષ શત્રુને જોઈ ગર્દભ થઈ જતો અને હોંચી હોંચી કરતો. તે જ ક્ષણે યક્ષના પ્રતાપે આખું નગર ઊંચકાઈને સમુદ્રની વચ્ચે આવેલા એક ટાપુ પર જતું રહેતું હતું. શત્રુ જતો રહે એટલે તે પાછું પોતાના સ્થાને આવી જતું હતું. તે વખતે પણ દસ ભાઈઓને આવતાં જોઈ ગર્દભે હોંચી હોંચી કરવા માંડ્યું. નગર ઊંચકાઈને ટાપુ પર જતું રહ્યું. તે નગર ન દેખાયું એટલે ભાઈઓ પાછા ગયા અને નગર મૂળ જગાએ પાછું આવ્યું. તેઓ ફરી પાછા આવ્યા ત્યારે ગર્દભે ફરી એમ જ કર્યું. જ્યારે તેઓ દ્વારવતીનું રાજ્ય લઈ ન શક્યા ત્યારે તેઓ કૃષ્ણ દ્વૈપાયન પાસે ગયા અને પ્રણામ કરીને તેમણે પૂછ્યું, ‘ભગવન્, અમે દ્વારવતીનું રાજ્ય લઈ શકતા નથી. અમને કોઈ ઉપાય બતાવો.’ ‘ખાઈની પાછળ એક ગર્દભ ચરે છે. તે શત્રુને આવતો જોઈ હોંચી હોંચી કરે છે. ત્યારે નગર ઊંચકાઈને ચાલ્યું જાય છે. તમે તેના પગે પડો. એ જ તમારી સફળતાનો ઉપાય છે.’ ઋષિને પ્રણામ કરીને દસે ભાઈઓ ગર્દભના પગે પડ્યા અને કહેવા લાગ્યા, ‘સ્વામી, તમારા સિવાય અમારો કોઈ આધાર નથી. અમે નગર પર અધિકાર જમાવીએ ત્યારે ભૂંકતા નહીં.’ ‘હું ચૂપ રહું એ શક્ય નથી. પરંતુ તમે ચાર જણ પહેલાં જઈ લોખંડના મોટા મોટા હળ લઈ ચારે નગરદ્વાર પર ભૂમિમાં લોખંડના મોટા મોટા થાંભલા રોપી દો. પછી નગર ઊંચકાવાના સમયે હળ લઈને હળની સાથે બાંધેલી લોખંડની સાંકળોને પેલા લોખંડના થાંભલા સાથે બાંધી દેજો. પછી નગર ઊંચકાઈ નહીં જાય.’ તેમણે ભલે એમ કહીને મધરાતે હળ લઈને ચારે નગરદ્વાર પર જમીનમાં થાંભલા રોપી દીધા અને તેઓ ઊભા રહ્યા. ત્યારે ગર્દભે ભૂંકવા માંડ્યું. નગર ઊંચકાવા માંડ્યું. ચાર દ્વાર પર ઊભા રહેલા ભાઈઓએ ચાર હળ લઈને હળ સાથે બાંધેલી સાંકળો થાંભલાને બાંધી દીધી. નગર ઊંચકાયું નહીં. ત્યારે દસે ભાઈઓ નગરમાં પેઠા. અને રાજાને મારીને નગર પર પોતાનો અધિકાર જમાવ્યો. આ પ્રમાણે તેમણે જંબુદ્વીપનાં ત્રેસઠ હજાર નગરોમાં બધા રાજાઓને ચક્ર વડે મારી નાખી દ્વારમતીમાં રહીને રાજ્યને દસ ભાગમાં વહેંચી દીધું. બહેન અંજનવતીને તેઓ ભૂલી ગયા. ‘ચાલો રાજ્ય અગિયાર ભાગમાં વહેંચીએ.’ એમ કહ્યું ત્યારે અંકુરે કહ્યું, ‘મારો ભાગ તેને આપી દો. હું વેપાર કરીને જીવીશ. માત્ર તમે પોતપોતાના રાજ્યમાં મારી પાસેથી કોઈ કર ન લેતા.’ તેમણે ભલે કહીને એ વાત સ્વીકારી લીધી. તેનો હિસ્સો બહેનને આપ્યો, તેની સાથે નવ ભાઈ દ્વારમતીમાં રહેવા લાગ્યા. આમ પેઢી દર પેઢી પુત્રપુત્રી હયાત હતા અને માતાપિતાનું મૃત્યુ થયું. તે સમયે વાસુદેવ રાજાનો પુત્ર મૃત્યુ પામ્યો. શોકાકુલ રાજા બધું કામકાજ ત્યજીને પલંગની ધારે જ બેસી રહ્યો. તે વખતે ઘત પંડિતે વિચાર્યું કે મારા સિવાય તેનો શોક દૂર કરી શકે તેવું કોઈ નથી. પરંતુ આ કામ બુદ્ધિકૌશલથી કરવું પડશે. તેણે ગાંડા માણસનો વેશ ધારણ કર્યો અને ‘મને સસલું આપો, સસલું આપો.’ એમ આખા નગરમાં આકાશની સામે જોતાં જોતાં રખડવા લાગ્યો. ઘત પંડિત ગાંડો થઈ ગયો એ સાંભળીને આખું નગર ક્ષુબ્ધ થઈ ગયું. ત્યારે રોહિણ્ણેય નામના મંત્રીએ રાજા પાસે જઈને તેને વાત કરતાં કરતાં કહ્યું, ‘હે કૃષ્ણ ઊઠો. કેમ સૂઈ રહ્યા છો? સૂઈ રહેવાથી શું? તમારા બીજા હૃદયસમા કે જમણી આંખ જેવા ભાઈનો વાયુ ક્ષુબ્ધ થઈ ગયો છે. હે કેશવ, ઘત પંડિત બકવાસ કરી રહ્યો છે.’ આમ મંત્રીએ કહ્યું એટલે ભાઈના શોકથી દુઃખી થઈને કેશવ તરત જ ઊભા થઈ ગયા. અને તરત જ મહેલમાંથી ઊતરીને ઘત પંડિત પાસે ગયા અને પંડિતના બે હાથ પકડીને તેની સાથે વાત કરવા લાગ્યા. ‘શું ગાંડાની જેમ આખી દ્વારકામાં ‘સસલું, સસલું’ બોલ્યા કરે છે?’ રાજાએ આમ કહ્યું તો પણ તે વારે વારે એમ જ કહેવા લાગ્યો. રાજાએ ફરી તેને કહ્યું, ‘હું તને સુવર્ણમય, મણિમય, લોહમય, શંખમય, શિલામય કે પ્રવાલમય તું જેવું કહીશ તેવું સસલું બનાવી આપીશ. વનમાં બીજાં સસલાં પણ છે, હું તને એ મંગાવી આપીશ. તારે કેવું સસલું જોઈએ છે?’ રાજાની વાત સાંભળીને પંડિતે કહ્યું, ‘પૃથ્વી પરનાં સસલાં નથી જોઈતાં. હે કેશવ, મારે જે સસલું જોઈએ છે તે ચંદ્રમાં છે. તે મને લાવી આપ.’ રાજા તેની વાત સાંભળીને દુઃખી થયો. ‘ખરેખર મારો ભાઈ ગાંડો જ થઈ ગયો છે.’ તેમણે કહ્યું, ‘ભાઈ, તું તારો જીવ ગુમાવીશ. જેની ઇચ્છા ન કરવી જોઈએ તેની ઇચ્છા તું કરે છે. તું તો ચંદ્રમાંનું સસલું માગે છે.’ ઘત પંડિતે રાજાની વાત સાંભળી ને સ્થિર ચિત્તે કહ્યું, ‘ભાઈ, તું જાણે છે કે ચંદ્રના સસલાની ઇચ્છા કરવાથી જો તે ન મળે તો મરવું પડે છે તો તું મૃત પુત્રને માટે કેમ ચંતાિ કરે છે? હે ભાઈ, બીજાઓને ઉપદેશ આપી શકાય તેટલું જ્ઞાન છે તો તું મરેલા પુત્રને માટે આટલો બધો શોક કેમ કરે છે?’ આમ પંડિતે ભાઈને ચૌટાની વચ્ચે ઊભા રહીને કહ્યું, ‘ભાઈ, હું તો દેખાય છે તે માગું છું. પણ તું તો જે વસ્તુ દેખાતી જ નથી તે માગી રહ્યો છે. ‘મેં જેને જન્મ આપ્યો છે તે મરવો ન જોઈએ’ એવી અલભ્ય વાત ન મનુષ્યો માટે શક્ય છે, ન દેવતાઓ માટે. હે કૃષ્ણ, તું જે પ્રેતની ચંતાિ કરે છે તે હવે ન મંત્રથી, ન કોઈ ઓસડિયાંથી કે ન ધનથી પાછું લાવી શકાશે.’ એની વાત સાંભળીને રાજાએ કહ્યું, ‘હા ભાઈ, તારી વાત સાચી છે. મારું દુઃખ દૂર કરવા જ તેં આ બધું કર્યું.’ આમ જે પ્રજ્ઞાવાન અને કરુણાનિધાન હોય છે તે જેવી રીતે ઘતપંડિતે મોટા ભાઈને શોકમાંથી બહાર કાઢ્યો તેવી રીતે બીજાઓને પણ શોકમુક્ત કરતા હોય છે. આમ ઘત પંડિતે કેશવને શોકરહિત કર્યા પછી રાજ કરતાં કરતાં ઘણો સમય વીતી ગયો. દસ ભાઈઓના પુત્રોને એક વખત વિચાર આવ્યો કે કૃષ્ણ દ્વૈપાયનને દિવ્ય દૃષ્ટિ છે એમ કહેવાય છે. ચાલો તેની પરીક્ષા કરીએ. તેમણે એક યુવાન રાજકુમારને સજાવ્યો અને તેને સગર્ભાની જેમ તૈયાર કર્યો, તેના પેટે તકિયા જેવું બાંધી દીધું. પછી તેને કૃષ્ણ દ્વૈપાયન પાસે લઈ ગયા. ‘ભગવન્, આ કન્યાને શું અવતરશે?’ ઋષિને સમજાઈ ગયું કે દસ ભાઈઓનો અંતકાળ આવી ગયો છે. તેમણે વિચાર્યું કે હજુ કેટલું આયુષ્ય બાકી છે? જ્યારે તેમને જાણ થઈ કે નજીકમાં જ તેનું મૃત્યુ થવાનું છે ત્યારે તેમણે પૂછ્યું, ‘કુમાર, આ જાણીને તમે શું કરશો?’ ‘ના, અમને કહો જ.’ એમ સાંભળીને તેમણે કહ્યું, ‘આજથી સાતમા દિવસે આ કુમાર લાકડાના એક ટુકડાને જન્મ આપશે. તેનાથી વાસુદેવકુળનો નાશ થશે. તમે એ લાકડાનો ટુકડો લઈ તેને બાળી નાખજો અને તેની રાખ નદીમાં ફેંકી દેજો.’ આ સાંભળીને કુમારોએ કહ્યું, ‘હે દુષ્ટ તપસ્વી, પુરુષોને પ્રસૂતિ નથી આવતી.’ તેમણે તે ઋષિને ત્યાં ને ત્યાં મારી નાખ્યા. રાજાએ કુમારોને બોલાવીને પૂછ્યું, ‘ઋષિને કેમ મારી નાખ્યા?’ બધી વાત જાણીને રાજા ડરી ગયા. પેલા કુમાર પર ચોકીપહેરો રખાવ્યો. સાતમા દિવસે એના પેટમાંથી નીકળેલા લાકડાના ટુકડાને બાળી નખાવ્યો અને તેની રાખ નદીમાં ફેંકાવી દીધી. તે વહેતી વહેતી નદીના મુખ પર જઈ પહોંચી. ત્યાં એરંડાનો છોડ ઊગી નીકળ્યો. એક દિવસ તે રાજા જળક્રીડા કરવાની ઇચ્છાથી નદીના મુખ આગળ જઈ પહોંચ્યા. ત્યાં એક મોટો મંડપ બંધાવ્યો, તેને શણગાર્યો, પછી બધા મસ્તીએ ચઢ્યા, ખાણીપીણી શરૂ થઈ. રમતાં રમતાં એકમેકના હાથપગ પકડતાં તેઓ બે જૂથોમાં વહેંચાઈ ગયા. એમાંથી એકને કોઈ શસ્ત્ર હાથ ન લાગ્યું એટલે એક એરંડાનું પાન લીધું. તે હાથમાં આવતાંની સાથે જ મૂસળ થઈ ગયું. એના વડે તેણે બધાને માર્યા. બીજાઓએ પણ પાન લીધાં અને તે બધાં મૂસળ થઈ ગયાં. એકબીજા સાથે લડતાં લડતાં તે બધાનો વિનાશ થયો. તેમનો નાશ થયેલો જોઈ અંજનદેવી, વાસુદેવ, બલદેવ અને પુરોહિત રથમાં બેસી ભાગી ગયા. બીજા બધા મૃત્યુ પામ્યા. તેઓ ચારે રથમાં બેસીને કાલમત્તિક અટવી પહોંચ્યા. ત્યાં મુષ્ટિક મલ્લ સંકલ્પ કરીને યક્ષ થયો હતો. જ્યારે તેને જાણ થઈ કે બલદેવ આવ્યો છે તો તેણે મલ્લનો વેશ સજ્યો, ‘કોણ કુસ્તી કરશે?’ એમ કહી, કૂદતો, ગરજતો, સાથળ પર થાપ મારતો ભમવા લાગ્યો. બલદેવે તેને જોતાંવેંત કહ્યું, ‘ભાઈ, હું આની સાથે લડીશ.’ વાસુદેવે ના પાડી તે છતાં બલરામ રથમાંથી નીચે ઊતર્યા અને તેની પાસે જઈને સાથળ પર થાપ મારી. તે હાથ લાંબો કરીને બલદેવને મૂળાની જેમ ખાઈ ગયો. વાસુદેવને જ્યારે જાણ થઈ કે બલરામ મરી ગયા છે ત્યારે તે બહેન અને પુરોહિતને લઈને આખી રાત ચાલી નીકળ્યા. સૂર્યોદય થયો ત્યારે એક ગામમાં પહોંચ્યા. ત્યાં બહેનને અને પુરોહિતને રસોઈ કરીને લાવવા માટે ગામમાં મોકલ્યા. પોતે એક ઝાડ નીચે બેઠા. ત્યાં એક જરા નામના શિકારીએ દૂરથી કોઈ હિલચાલ જોઈ અને ડુક્કર હશે એમ માનીને શક્તિ ફેંકીને કેશવનો પગ ઘાયલ કર્યો. ‘કોણે મને ઘાયલ કર્યોર્?’ એવો માનવીનો અવાજ સાંભળીને તે ડરી જઈને ભાગવા લાગ્યો. પગમાંથી શક્તિ કાઢીને રાજાએ તેને બોલાવ્યો, ‘ડરીશ નહીં. તારું નામ શું છે?’ ‘સ્વામી, મારું નામ જરા છે.’ ‘જરા વડે વીંધાઈને હું મરીશ એવું જૂના પંડિતોએ કહેલું. હવે આજે નિશ્ચિત હું મરીશ. ભાઈ, તું ડરીશ નહીં. મારા ઘા ઉપર પાટો બાંધ.’ તેની પાસે પાટો બંધાવી તેને વિદાય કર્યો. તેમને તીવ્ર વેદના થઈ. પેલાઓ જે ભોજન લાવ્યા તે તેમનાથી ખવાયું નહીં. તેમણે બહેનને પાસે બોલાવીને કહ્યું, ‘આજે હું મૃત્યુ પામીશ. તમે સુકુમાર છો. કોઈ બીજું કામ કરીને તમે ગુજરાન ચલાવી નહીં શકો. આ મંત્ર શીખી લો.’ એમ કહી તેમણે મંત્ર શીખવાડ્યો. આમ અંજનદેવી સિવાય બધાનો વિનાશ થયો.
ગામણીચંડ જાતક
પ્રાચીન કાળમાં વારાણસીમાં જરાસંધ નામે રાજા થઈ ગયા. બોધિસત્ત્વે તેમની પટરાણીના પેટે જન્મ લીધો. તેમનું મોં સોનેરી કાચ જેવું સ્વચ્છ હતું, તે અતિ સુંદર હતા. નામકરણના દિવસે તેમનું નામ આદાસમુખ કુમાર રાખવામાં આવ્યું. તે સાત વરસના થયા ત્યાં સુધીમાં તેમના પિતાએ ત્રણ વેદ, લોકમાં કર્તવ્ય-અકર્તવ્યનો બોધ વગેરે શીખવાડ્યા અને પછી તેમના પિતાનું મૃત્યુ થયું. મંત્રીઓએ સમ્માનપૂર્વક તેમની ઉત્તરક્રિયા કરી, તેમની પાછળ દાનપુણ્ય કર્યાં, સાતમા દિવસે રાજમહેલના આંગણે એકઠા થઈને વિચાર્યું, કુમાર બહુ જ નાના છે. તેમનો રાજ્યાભિષેક કરી ન શકાય. તેમની પરીક્ષા લઈને પછી અભિષેક કરીશું. એક દિવસ નગરમાં સુશોભન કર્યું, ન્યાયમંદિરને સજાવ્યું, રાજસંહાિસન ગોઠવ્યું, કુમારની પાસે જઈને મંત્રીઓએ કહ્યું, ‘દેવ, ન્યાયમંદિરે જઈએ.’ કુમારે હા પાડી. ઘણા લોકોથી ઘેરાયેલા કુમાર સંહાિસન પર બેઠા. તે દરમિયાન મંત્રીઓ બે પગે ચાલતા એક વાનરને વાસ્તુવિદ્યાચાર્યનો વેશ પહેરાવીને લઈ આવ્યા. તેમણે કહ્યું, ‘દેવ, આ માણસ તમારા પિતાજીના સમયનો વાસ્તુવિદ્યાચાર્ય છે. તેની વિદ્યામાં તે નિપુણ છે. ભૂમિની છેક અંદરના દોષ પણ તે પારખી શકે છે. રાજમહેલ ક્યાં બનાવવો જોઈએ તે સ્થળ પણ તે નક્કી કરી શકે છે. એની સેવાઓનો આપણે ઉપયોગ કરીએ. એ પદ પર એને બેસાડીએ.’ કુમારે તેને નખશિખ જોયો, પછી ખ્યાલ આવી ગયો કે તે મનુષ્ય નહીં પણ વાનર છે. વાનરો કર્યાકારવ્યા પર પાણી ફેરવી દે છે. નવું કશું બનાવવું કે તેનો વિચાર કરવો તેમને આવડતું નથી. તેમણે મંત્રીઓને કહ્યું, ‘આ માણસ ગૃહનિર્માણમાં નિપુણ નથી. આ વાનરજાતિ અતિ લોલુપ હોય છે. તે લોકો કર્યુંકારવ્યું ધૂળમાં મેળવી જાણે છે.’ મંત્રીઓએ કહ્યું, ‘ભલે.’ પછી તેને રવાના કરીને એકબે દિવસ પછી એ જ વાનરને સુશોભિત કરીને ન્યાયમંદિરમાં લાવ્યા. અને તેમણે કહ્યું, ‘દેવ, આ તમારા પિતાજીના સમયમાં ન્યાયાધીશ હતા. તેઓ ન્યાયસૂત્ર જાણે છે. તેમની સેવાઓનો આપણે લાભ લઈએ.’ કુમારે તેને જોયો. વિચારવાન માનવીના કેશ આવા નથી હોતા. આ વિચારશૂન્ય વાનર છે. તેમણે કહ્યું, ‘આના કેશ કોઈ વિચારકના નથી. તે શાસન કરવા યોગ્ય નથી. મારા પિતાએ તો કહ્યું હતું કે તેને કશું આવડતું નથી.’ મંત્રીઓ બોધિસત્ત્વની વાત માનીને તેને ત્યાંથી લઈ ગયા. ફરી એક દિવસ તેઓ તેને સજાવીને ન્યાયમંદિરમાં લઈ આવ્યા અને કહેવા લાગ્યા, ’આ વ્યક્તિ તમારા પિતાજીના સમયમાં માતાપિતાની સેવા કરનારી, કુટુંબના બીજા વડીલોનો આદર કરનારી હતી. આપણે તેમની સેવાઓનો લાભ લેવો જોઈએ.’ કુમારે તેની સામે જોયું. વાનરજાતિ ચંચળ હોય છે. આ પ્રકારનાં કામ તેઓ કરી શકતા નથી એમ વિચારી તેમણે કહ્યું, ‘મારા પિતાએ શીખવાડ્યું છે કે આ પ્રકારનો માણસ માતાપિતા, ભાઈબહેનનું ભરણપોષણ ન કરી શકે.’ મંત્રીઓએ ‘ભલે’ કહીને તે વાનરને કાઢી મૂક્યો. કુમાર પંડિત છે, રાજ્ય સંભાળી શકશે એમ વિચારીને બોધિસત્ત્વનો રાજ્યાભિષેક કર્યો અને ઢંઢેરો પિટાવ્યો કે હવેથી આદાસમુખની આજ્ઞાનું પાલન થશે. બોધિસત્ત્વે ધર્માનુસાર રાજ્ય કર્યું, તેમની પ્રતિભા સમગ્ર જંબુદ્વીપમાં ફેલાઈ ગઈ.
બોધિસત્ત્વનો રાજ્યાભિષેક થયો ત્યારે જરાસંધ રાજાના એક જૂના સેવક ગામણીચંડે વિચાર્યું, ‘આ રાજ્ય સરખી વયના લોકોને શોભા આપે છે. હું વૃદ્ધ થઈ રહ્યો છું. હવે હું નાના રાજકુમારની સેવા નહીં કરી શકું. ગામમાં જઈને ખેતી કરું. તે નગરથી બે યોજન દૂરના એક ગામમાં રહેવા લાગ્યો. પણ ખેતી કરવા તેની પાસે બળદ ન હતા. વરસાદ પડ્યો એટલે તેણે એક મિત્ર પાસે બે બળદ માગ્યા. આખો દિવસ હળ ચલાવ્યું. બળદોને ઘાસચારો ખવડાવ્યો અને પછી બળદના માલિકને ત્યાં બળદ સોંપવા ગયો. તેનો મિત્ર તે વેળા પોતાની પત્ની સાથે ભોજન કરી રહ્યો હતો. બળદ તો આદત પ્રમાણે ઘરમાં પેસી ગયા. તે પેઠા એટલે મિત્રે પોતાની થાળી ઊંચકી લીધી, તેની પત્નીએ પણ થાળી હટાવી. રખે ને મને ભોજન કરવા બેસાડી દે એમ વિચારી ગામણીચંડ તો બળદની સોંપણી કર્યા વિના જ પોતાને ઘેર ચાલ્યો ગયો. રાતે ત્યાં ચોર આવ્યા. બળદ બાંધવાની જગાએ પેસીને બળદ ઉઠાવી ગયા. ચોર બળદ લઈ ગયા છે એ વાત મિત્ર જાણતો હતો તે છતાં તેણે વિચાર્યું, હવે હું ગામણીચંડના ગળે પડું. તેની પાસે જઈને તે બોલ્યો, ‘અરે મારા બળદ આપ.’ ‘શું બળદ ઘરમાં પેઠા ન હતા?’ ‘તેં સીધી સોંપણી મને કરી હતી?’ ‘ના.’ ‘તો આ તારો રાજદૂત.’ એ પ્રદેશમાં એવો નિયમ હતો કે કોઈ કાંકરો-ઠીંકરું લઈને કહે કે ‘આ તારો રાજદૂત’ અને પછી જો કોઈ ન જાય તો રાજા તેને દંડતો હતો. એટલે ‘દૂત’ સાંભળીને તે મિત્રની સાથે ચાલી નીકલ્યો. તેઓ રાજદરબારમાં જઈ રહ્યા હતા, રસ્તે એક મિત્રનું ઘર આવતું હતું. એટલે ‘મને બહુ ભૂખ લાગી છે. ગામમાં જઈને ભોજન કરી આવું, ત્યાં સુધી મારી રાહ જોજો.’ એમ કહી ગામણીચંડ ગયો. તેનો મિત્ર ઘરે ન હતો. મિત્રપત્નીએ કહ્યું, ‘રાંધેલું તો નથી. થોડી વાર રાહ જુઓ. હમણાં જ રાંધી આપું છું.’ તે ચોખા કાઢવા વગર સીડીએ ઉપર ચઢી અને નીચે પડી ગઈ. તેનો સાત માસનો ગર્ભ સરી ગયો. તરત જ તેના પતિએ આવીને ગામણીચંડને કહ્યું, ‘તેં મારી પત્નીને પટકીને તેનો ગર્ભ પાડી નાખ્યો છે. આ તારો રાજદૂત.’ તે એને લઈને નીકળ્યો. હવે બે જણ ગામણીને સાથે રાખીને ચાલી નીકળ્યા. રસ્તામાં એક ગામ આવ્યું. ત્યાં એક ઘોડાનો રખેવાળ ઘોડાને રોકી શકતો ન હતો. ગામણીને જોઈને રખેવાળે કહ્યું, ‘મામા, આ ઘોડાને કોઈ પણ વસ્તુ વડે મારીને તેને રોકો.’ તેણે એક પથ્થર ઉઠાવીને માર્યો. ઘોડાનો પગ બરુની લાકડીની જેમ ભાંગી ગયો. ‘તેં ઘોડાનો પગ ભાંગી નાખ્યો. આ તારો રાજદૂત’ એમ કહીને તેને પકડ્યો. ત્રણ માણસો તેને લઈ જતા હતા ત્યારે ગામણીચંડ વિચારવા લાગ્યો. ‘આ લોકો મને રાજા સામે ઊભો રાખશે. હું બળદોની કંમિત ચૂકવી નથી શકવાનો. તો પછી ગર્ભપાતદંડ અને ઘોડાની કંમિત ક્યાંથી ચૂકવીશ? એટલે મારે માટે આત્મહત્યા જ કલ્યાણકારક છે.’ રસ્તે ચાલતાં ચાલતાં તેણે એક ધોધવાળો પર્વત જોયો. એ પર્વતની તળેટીમાં કોઈ પિતાપુત્ર ચટાઈ વણતા હતા. ગામણીચંડે કહ્યું, ‘મારે શૌચ જવું છે, તમે અહીં ઊભા રહો. હું આવું છું.’ કહી તે પર્વત પર ચડ્યો અને ધોધ તરફ પડ્યો. પણ વણાટ કરી રહેલા પેલા પિતાની પીઠ પર પડ્યો. તે તો તરત મૃત્યુ પામ્યો. ગામણી ઊભો થઈ ગયો. પેલા પુત્રે ‘તું મારા પિતાની હત્યા કરનારો છે. આ તારો રાજદૂત’ એમ કહી તેનો હાથ પકડ્યો. ‘આ શું? ’ ‘આ મારા પિતાનો હત્યારો છે.’ એમ કરતાં હવે ચાર જણ ગામણીને વચ્ચે રાખીને ચાલી નીકળ્યા. બીજા એક ગામમાં મુખીએ ગામણીને જોઈને પૂછ્યું, ‘મામા ચંડ, ક્યાં જાય છે?’ ‘રાજાને મળવા.’ ‘જો તું રાજાને મળે તો મારો એક સંદેશ લઈ જઈશ?’ ‘હા, લઈ જઈશ.’ ‘હું આમ તો રૂપવાન, ધનવાન, યશસ્વી અને તંદુરસ્ત છું તો પણ મને પાંડુરોગ છે, શા કારણે? રાજાને પૂછજે. રાજા પંડિત છે. તે તને કારણ કહેશે. પછી તે જે કહે તે મને કહેજે.’ ગામણીએ હા પાડી. બીજા ગામના સીમાડે એક યુવતીએ તેને જોઈને એ જ રીતે પૂછ્યું, ‘રાજા પંડિત છે. મારો સંદેશો લઈ જા. હું ન મારા પતિને ઘેર રહી શકું છું, ન પિતાને ઘેર. આનું શું કારણ? રાજાને પૂછીને મને કહેજે.’ તેનાથી થોડે દૂર એક રાફડામાં રહેતા સાપે પૂછ્યું, ‘અરે ચંડ, ક્યાં જાય છે?’ ‘રાજાને મળવા.’ ‘રાજા પંડિત છે. મારો સંદેશો લઈ જા. શિકારની શોધમાં ભૂખ્યો થઈને નીકળું છું ત્યારે દરમાંથી મહામહેનતે નીકળું છું. પાછો આવું છું ત્યારે સારી રીતે પેટ ભરેલું હોવાથી શરીરે પુષ્ટ થઉં છું. અંદર પેસતી વખતે ધારને અડક્યા વિના જલદી પેસી જઉં છું. આનું શું કારણ?’ આગળ જતાં એક હરણે પૂછ્યું, ‘રાજા પંડિત છે. મારો સંદેશ લઈ જા. હું બીજે ક્યાંય ઘાસ ખાઈ શકતું નથી. એક જ વૃક્ષના થડ પાસે ખાઈ શકું છું. આનું કારણ શું? રાજાને પૂછીને મને કહેજે.’ એથી આગળ એક તેતરે પૂછ્યું, ‘હું એક જ સ્થળે બેસીને અવાજ કરું છું તો સારી રીતે અવાજ કરી શકું છું. પણ બીજી કોઈ જગાએ અવાજ કરી શકતું નથી. આનું શું કારણ? રાજાને પૂછજે.’ ત્યાર પછી એક વૃક્ષદેવતાએ પૂછ્યું, ‘ચંડ, ક્યાં જાય છે?’ ‘રાજાને મળવા.’ ‘રાજા પંડિત છે. પહેલાં મારો બહુ સત્કાર થતો હતો. હવે તો મૂઠી ભરીને વૃક્ષની કૂંપળ પણ મળતી નથી. આનું શું કારણ? રાજાને પૂછીને મને કહેજે.’ હજુ આગળ ચાલ્યા એટલે નાગરાજે એવી જ રીતે પૂછ્યું, ‘રાજા પંડિત છે. પહેલાં આ સરોવરનું પાણી કાંચન જેવું શુદ્ધ હતું. હવે એમાં દેડકાં અને બીજી ગંદકી થઈ છે. એનું શું કારણ? રાજાને પૂછજે.’ આગળ જતાં નગર પાસે આરામથી રહેતા તપસ્વીઓએ તેને જોઈને પૂછ્યું, ‘રાજા પંડિત છે. પહેલાં આ બાગનાં ફળફૂલ મધુર થતાં હતાં. હવે ઝાંખાં, કરમાઈ ગયેલાં થયાં છે. આનું શું કારણ? રાજાને પૂછજે.’ હજુ આગળ નગરદ્વાર પાસે એક શાળાના બ્રાહ્મણ વિદ્યાર્થીઓએ પૂછ્યું, ‘અરે ચંડ, ક્યાં જાઓ છો?’ ‘રાજાનાં દર્શન કરવા.’ ‘તો અમારો સંદેશ લઈ જજો. પહેલાં અમે જે ભણતા હતા તે અમને બરાબર યાદ રહી જતું હતું. હવે કાણા ઘડામાં જેમ પાણી ન રહે તેમ અમને કશું યાદ રહેતું નથી. જાણે અંધારું અંધારું. આનું શું કારણ તે રાજાને પૂછજો.’ ગામણીચંડ આ પ્રશ્નો લઈને રાજા પાસે ગયો. રાજા ન્યાયાસન પર બેઠા હતા. બળદોનો માલિક ગામણીચંડને લઈને રાજા પાસે આવ્યો. રાજા તો તેને જોઈને જ ઓળખી ગયા. આ મારા પિતાની સેવામાં હતા. અમને ઊંચકી ઊંચકીને ફરતા હતા. અત્યાર સુધી તે ક્યાં હતા એમ વિચારી પૂછ્યું, ‘અરે ચંડ, આટલા દિવસ ક્યાં હતા? ઘણા સમયથી દેખાતા નથી. કેમ આવવું થયું?’ ’હા, તમારા પિતા સ્વર્ગવાસી થયા પછી ગામમાં જઈને ખેતીવાડી કરી ગુજરાન ચલાવું છું. આ માણસ બળદોનું કારણ આગળ ધરીને ‘રાજદૂત’ બતાવી મને અહીં લઈ આવ્યો છે.’ ’હવે તમે નજરે પડ્યા. ક્યાં છે એ માણસ?’ ‘આ રહ્યો.’ ‘શું તેં અમારા ચંડને દૂત દેખાડ્યો?’ ‘હા મહારાજ.’ ‘શું કારણ?’ ‘મહારાજ, આ મારા બે બળદ આપતો નથી.’ ‘વાત સાચી છે ચંડ?’ ‘મહારાજ, હવે મારી વાત સાંભળો.’ એમ કહી ચંડે આખી વાત કહી. આ સાંભળી રાજાએ પૂછ્યું, ‘તેં ઘરમાં પેઠેલા બળદ જોયા?’ ‘નથી જોયા.’ ‘શું લોકો મને આદાસમુખ રાજા કહીને બોલાવે છે તે તેં સાંભળ્યું નથી? સાચેસાચું કહે.’ ‘જોયા હતા મહારાજ.’ ‘ચંડ, બળદ નથી સોંપ્યા તે તમારા માથે. આ માણસે જોયા છતાં નથી જોયા કહી જાણીજોઈને જૂઠું બોલ્યો. એટલે રાજ્યના સેવક હોઈ તેની અને તેની પત્નીની આંખો કાઢી લો. બળદની કંમિત પેટે ચોવીસ કાષાર્પણ આપી દો.’ પેલાએ વિચાર્યું, ‘આંખો ફૂટી જાય પછી કાષાર્પણ લઈને શું કરીશ?’ તે ગામણીચંડના પગે પડીને બોલ્યો, ‘સ્વામી ચંડ, બળદની કંમિતના કાષાર્પણ તમારી પાસે જ રહેવા દો. અને આ બીજા પણ લો.’ આમ તે બીજા કાષાર્પણ આપીને જતો રહ્યો. હવે બીજાએ કહ્યું, ‘સ્વામી, આણે મારી પત્નીને પાડી નાખી તેનો ગર્ભપાત કર્યો.’ ‘આ વાત સાચી?’ ‘મહારાજ, સાંંભળો.’ કહી ચંડે માંડીને બધી વાત કહી. ‘શું તમે આની પત્નીને પાડી તેનો ગર્ભપાત કર્યો છે?’ ‘એવું નથી કર્યું.’ ‘હવે તારે શું જોઈએ છે?’ ‘મહારાજ, મારે મારો પુત્ર જોઈએ છે.’ ‘અરે ચંડ, આની સ્ત્રીને તારે ઘેર લઈ જા. પુત્ર જન્મે ત્યારે એને લાવીને સોંપજે.’ પેલો ગામણીચંડને પગે પડીને બોલ્યો, ‘સ્વામી, મારું ઘર ઉજ્જડ ન કરો.’ તે કાષાર્પણ આપીને જતો રહ્યો. હવે ઘોડાવાળાએ કહ્યું, ‘મહારાજ, આણે મારા ઘોડાનો પગ ભાંગી નાખ્યો.’ ‘આ વાત સાચી છે?’ ‘મહારાજ, મારી વાત સાંભળો.’ એમ કહી ચંડે આખી વાત માંડીને કરી. ‘ઘોડાને મારીને રોકો. શું તેં ખરેખર આવું કહ્યું હતું?’ ‘એવું કહ્યું ન હતું.’ બીજી વાર પૂછ્યું એટલે તેણે કહ્યું, ‘હા, કહ્યું હતું.’ રાજાએ ચંડને કહ્યું, ‘ચંડ, આણે એવું કહ્યું ન હતું એમ કરીને તે જૂઠું બોલ્યો. એની જીભ ખેંચી લો. મારી પાસેથી નાણાં લઈને ઘોડાની કંમિત પેટે એક હજાર કાષાર્પણ આપી દો.’ ઘોડાવાળો પણ બીજા કાષાર્પણ આપીને ભાગી ગયો. પછી વણકરે કહ્યું, ‘દેવ, આણે મારા પિતાની હત્યા કરી છે.’ ‘ચંડ, આ વાત સાચી?’ ‘દેવ, સાંભળો ત્યારે.’ ‘સાંભળું છું, કહો ત્યારે.’ ચંડે એ વાત પણ માંડીને કરી. રાજાએ પેલાને પૂછ્યું, ‘હવે તારે જોઈએ છે શું?’ ‘દેવ, મને મારા પિતા જોઈએ છે.’ ‘ચંડ, આ માણસને પિતા જોઈએ છે. મરેલાને તો પાછો લાવી શકાતો નથી. તમે એની માને તમારા ઘરમાં રાખી તેના પિતા બનો.’ પેલાએ કહ્યું, ‘મહારાજ, મારા મૃત પિતાનું ઘર ઉજ્જડ ન કરો.’ તે પણ ગામણીચંડને કાષાર્પણ આપીને જતો રહ્યો. આમ સાચો ન્યાય મેળવીને સંતુષ્ટ ગામણીચંડે રાજાને કહ્યું, ‘મહારાજ, કેટલાકે સંદેશા મોકલ્યા છે તે સાંભળો.’ ‘ચંડ, કહો ત્યારે.’ ચંડે બ્રાહ્મણ વિદ્યાર્થીઓના સંદેશાથી માંડીને પહેલા સંદેશા સુધીના કહ્યા. રાજાએ વારાફરતી બધાનું સમાધાન કર્યું. વિદ્યાર્થીઓનો સંદેશ સાંભળી રાજાએ કહ્યું, ‘પહેલાં તેમના આશ્રમમાં સાચા સમયે બોલનાર કૂકડો હતો. તેનો અવાજ સાંભળી મંત્રો શીખતા, સ્વાધ્યાય કરતાં કરતાં સવાર પડતી. એટલે તેમને બધુું યાદ રહી જતું હતું. હવે તેમના આશ્રમમાં કસમયે બોલનારો કૂકડો છે. રાતે ગમે ત્યારે તે બોલે છે. ક્યારેક મોડી સવારે બોલે છે. રાતે કસમયે ઊઠી ગયેલા વિદ્યાર્થીઓ પાઠ વાંચીને ઊંઘી જાય છે. મોડી સવારે ઊઠવાથી પાઠ યાદ રહેતા નથી. એટલે તેઓ કશું યાદ રાખી શકતા નથી.’ બીજો સંદેશ કહ્યો. ‘પહેલાં એ લોકો શ્રમણધર્મની સાથે ખેતી કરતા હતા. હવે શ્રમણધર્મ છોડી દીધો છે અને ખોટાં કામ કરે છે. બાગમાં થયેલાં ફળ સેવકોને વેચે છે, તેના પેટે તેમને ભોજન મળે છે. મિથ્યા જીવિકાથી જીવન વીતાવે છે. આને કારણે હવે તેમનાં ફળ મધુર નથી રહ્યાં. જો પહેલાંની જેમ એક ચિત્ત થઈ શ્રમણધર્મ પાળશે તો તેમનાં ફળ પાછાં મધુર થઈ જશે. એ તપસ્વીઓ રાજકુટુંબોની ચતુરાઈ જાણતા નથી. તેમને શ્રમણધર્મ આચરવા કહો.’ ત્રીજો સંદેશ સાંભળીને રાજાએ કહ્યું, ‘આ નાગરાજ અંદરઅંદર ઝઘડા કર્યા કરે છે. એટલે તે સરોવર ગંદું થઈ ગયું છે. જો પહેલાંની જેમ સંપીને રહેશે તો પાણી ફરી સ્વચ્છ થઈ જશે.’ ચોથો સંદેશ સાંભળીને કહ્યું, ‘આ વૃક્ષદેવતા પહેલાં વનમાં માનવીઓનું રક્ષણ કરતા હતા. એટલે વિવિધ નૈવેદ્ય તેમને મળતાં હતાં. હવે રક્ષણ કરતા નથી. એટલે નૈવેદ્ય મળતાં બંધ થયાં. જો પહેલાંની જેમ રક્ષણ કરશે તો ફરી નૈવેદ્ય મળતાં થશે. રાજાના કર્તવ્યની તેમને જાણ નથી. વનમાંથી પસાર થતા લોકોનું રક્ષણ કરવું જોઈએ.’ પાંચમો સંદેશ સાંભળ્યો. ‘જે ઝાડના થડ પાસે બેસીને તેતર સારો અવાજ કાઢે છે તેની નીચે ચરુ દાટેલો છે. તેને કાઢીને તમે લઈ જાઓ.’ છઠ્ઠો સંદેશ સાંભળ્યો. ‘જે વૃક્ષની નીચે હરણ ઘાસ ખાઈ શકે છે તેની ઉપર મધપૂડો છે. મધથી ભીંજાયેલા ઘાસના લોભે તે બીજું ઘાસ ખાઈ શકતું નથી. એ મધપૂડો ઉતારી સારું મધ મને મોકલજો. બાકીનું તમે વાપરજો.’ સાતમો સંદેશ સાંભળીને રાજાએ કહ્યું, ‘જે રાફડામાં તે સાપ રહે છે તેની નીચે ચરુ છે. સાપ તેની રક્ષા કરે છે. એટલે બહાર નીકળતી વખતે ધનના લોભે શરીરને ઢીલું કરી નાખે છે. શિકાર કર્યા પછી ધન પ્રત્યેની આસક્તિથી ધારે અડક્યા વિના ઝડપથી અંદર પ્રવેશી જાય છે. એ ચરુ કાઢીને તમે લઈ જજો.’ આઠમો સંદેશ સાંભળ્યો. ‘તે યુવતીના પતિના તથા તેના માતાપિતાના ઘરની વચ્ચે આવેલા એક ગામમાં તેનો પ્રિયતમ રહે છે. તે એને યાદ કરીને પતિને ઘેર રહી શકતી નથી. ‘માતાપિતાને મળી આવું.’ એમ કહી તે પ્રિયતમને મળે છે. પછી ત્યાં થોડા દિવસ રહી માતાપિતાને ઘેર જાય છે. ત્યાં થોડા દિવસ રહી પ્રિયતમનું ઘર યાદ આવે છે એટલે ‘પતિને ઘેર જઉં છું.’ એમ કહી તેના પ્રિયતમને ઘેર જાય છે. તે સ્ત્રીને રાજાઓ છે તેની વાત કરજો. પતિને ઘેર જ રહેજે એવી શિખામણ આપજો. અને જો નહીં રહે તો રાજા તને પકડી જશે અને તું જીવતી નહીં રહે એમ કહેજો.’ નવમો સંદેશો સાંભળ્યો. ‘આ વેશ્યાને પહેલાં ખાસ્સું ધન મળતું હતું. હવે તેણે પોતાનો ધર્મ ત્યજી દીધો છે. પહેલાને અવસર આપ્યા વિના બીજાને અવસર આપે છે, અને એમ નાણાં મળતાં નથી. તેની પાસે કોઈ જતું નથી. જો તે પહેલાંની જેમ પોતાના ધર્મમાં સ્થિર રહેશે તો બધું પૂર્વવત્ થઈ જશે. પોતાના ધર્મમાં સ્થિર થવા કહો.’ દસમો સંદેશ સાંભળ્યો, ‘એ મુખી પહેલાં ધર્માનુસાર ઝઘડાઓનો નિકાલ કરતો હતો. એટલે તે લોકપ્રિય હતો. પ્રસન્ન થયેલા લોકો તેની પાસે બહુ ભેટસોગાદ લઈને જતા હતા. એટલે તે સુંદર હતો, ધનયશવાળોે હતો. હવે તે લાંચ લે છે, ઝઘડાઓનો નિકાલ ધર્મવિરુદ્ધ કરે છે. એટલે તે દુર્બળ, દુઃખી અને પાંડુરોગી બન્યો છે. પહેલાંની જેમ તે ધર્મ પ્રમાણે ઝઘડાઓનો નિકાલ કરશે તો હતો તેવો પાછો થઈ જશે. રાજાઓ આ જગતમાં જીવે છે તેની એને જાણ નથી. ધર્માનુસાર આચરણ કરવા તેને કહો.’ ગામણીચંડે રાજાને આટલા સંદેશ કહ્યા. રાજાએ સર્વજ્ઞ બુદ્ધની જેમ પોતાની શક્તિ પ્રમાણે તે બધાના ઉત્તર આપ્યા. ગામણીચંડને પુષ્કળ ધન આપ્યું. તે જે ગામમાં રહેતા હતા તે ગામ તેને દઈ દીધું. નગરમાંથી નીકળીને બોધિસત્ત્વે આપેલા ઉત્તર બ્રાહ્મણવિદ્યાર્થીઓ, તપસ્વીઓ, નાગરાજા, વૃક્ષદેવતાને કહ્યા. તેતર બેસતું હતું ત્યાંથી ચરુ લીધો. હરણ જે વૃક્ષ આગળ ચરતું હતું ત્યાંના વૃક્ષ પરથી મધપૂડો ઉતારી રાજાને મધ મોકલ્યું. સાપના રાફડા નીચેથી ચરુ મેળવ્યો. યુવતી, વેશ્યા અને મુખીને રાજાનો સંદેશ સંભળાવ્યો. પછી પોતાને ગામ ગયો. કર્માનુસાર આયુષ્ય પૂરું કરી પરલોક સિધાવ્યો. આદાસમુખ રાજા પણ દાનપુણ્ય કરીને સ્વર્ગે સિધાવ્યા.
દદ્દભ જાતક
પ્રાચીન કાળમાં વારાણસીમાં બ્રહ્મદત્ત રાજા રાજ્ય કરતા હતા. તે વેળા બોધિસત્ત્વ સિંહ તરીકે જન્મ્યા. તે વનમાં રહેતા હતા. તે જ સમયે પશ્ચિમ સમુદ્રકાંઠે વડ અને તાડનું વન હતું. ત્યાં કોઈ સસલું વડના મૂળ પાસે તાડની છાયામાં રહેતું હતું. એક દિવસ તે શિકાર કરીને આવ્યું અને તાડની છાયામાં સૂઈ ગયું. તેણે સૂતાં સૂતાં વિચાર આવ્યો કે જો આ મોટી ધરતી ઊંધી થઈ જાય તો હું ક્યાં જઈશ? તે જ વેળા એક પાકેલો ટેટો તાડના પાંદડા પર પડ્યો. તેનો અવાજ સાંભળી સસલાને થયું કે પૃથ્વી ઊંધી થઈ રહી છે, તેણે તો આગળપાછળ કશું જોયા વિના જ દોટ મૂકી. મૃત્યુની બીકથી ભારે ઝડપથી દોડતા એ સસલાને જોઈને બીજા સસલાએ પૂછ્યું, ‘અરે શું થયું? આટલું બધું કરીને તું કેમ ભાગે છે?’ ‘અરે વાત જ ન પૂછ.’ ‘ડરવાનું શું’ એમ પૂછતું તે પણ દોડવા લાગ્યું. પેલાએ અટક્યા વગર કહ્યું, ‘પૃથ્વી ઊલટી થઈ રહી છે.’ તે તેની પાછળ દોડવા લાગ્યું. એમ કરતાં ત્રીજું સસલું ભાગ્યું — અને હજાર સસલાં એકઠાં થઈને દોડવા લાગ્યાં. એક હરણ પણ તેમને જોઈને દોડ્યું. એક ભૂંડ, એક નીલ ગાય, એક ભેંસ, એક બળદ, એક ગેંડો, એક વાઘ, એક સિંહ, એક હાથી પણ તેમને જોઈને ‘શું થયું’ પૂછવા લાગ્યા. અને પૃથ્વી અવળી થઈ રહી છે સાંભળીને બધા જ ભાગ્યા. આમ ધીમે ધીમે એક યોજન લાંબી પ્રાણીઓની કતાર દોડવા લાગી. બોધિસત્ત્વે તે કતારને ભાગતી જોઈને પૂછ્યું, તેમણે સાંભળ્યું, પૃથ્વી અવળી થઈ રહી છે. તેમણે વિચાર્યું કે પૃથ્વી તો અવળી ન થાય. ચોક્કસ તેમણે કશું જોયું હશે. જો હું કશો પ્રયત્ન નહીં કરું તો આ બધા નાશ પામશે. હું તેમને જીવનદાન આપું. તેઓ ખૂબ ઝડપે આગળ દોડ્યા, અને પર્વત પાસે જઈને મોટેથી ત્રણ વાર ગર્જના કરી. સિંહની બીકે બધા એકઠા થઈને ઊભા રહી ગયા. સિંહે તેમની વચ્ચે જઈને પૂછ્યું, ‘કેમ ભાગો છો?’ ‘પૃથ્વી અવળી થઈ રહી છે.’ ‘પૃથ્વીને અવળી થયેલી કોણે જોઈ?’ ‘હાથીને ખબર.’ હાથીઓને પૂછયું, તેમણે કહ્યું, ‘અમને નથી ખબર, સિંહને ખબર છે.’ સિંહ બોલ્યો, ‘અમને ખબર નથી. વાઘને ખબર.’ વાઘ કહે, ‘અમને ખબર નથી. ગેંડા જાણે છે.’ ગેંડાએ કહ્યું, ‘અમને નથી ખબર, બળદ જાણે છે.’ બળદે કહ્યું,‘અમને નથી ખબર. ભેંસ જાણે છે.’ ભેંસે કહ્યું, ‘અમને નથી ખબર. નીલગાય જાણે છે.’ નીલગાયે કહ્યું, ‘અમને નથી ખબર. ભૂંડ જાણે છે.’ ભૂંડે કહ્યું, ‘અમને નથી ખબર. હરણ જાણે છે.’ હરણે કહ્યું,‘અમને નથી ખબર. સસલાં જાણે છે.’ સસલાંઓને પૂછ્યું. તો તેમણે એક સસલું દેખાડીને કહ્યું, ‘આ એવું કહે છે.’ તેને પૂછ્યું, ‘મિત્ર, તેં જોયું કે પૃથ્વી ઊંધી થઈ રહી છે?’ ‘હા, સ્વામી, મેં જોયું.’ ‘ક્યાં રહીને જોયું?’ ‘પશ્ચિમી સમુદ્રકાંઠે વડ અને તાડના વનમાં રહું છું. ત્યાં વડના મૂળિયા આગળ તાડ વૃક્ષની નીચે સૂતાં સૂતાં વિચાર્યું કે જો પૃથ્વી અવળી થઈ જશે તો હું ક્યાં જઈશ? તે જ વેળા પૃથ્વીના અવળી થવાનો અવાજ આવ્યો.’ સિંહે વિચાર્યું, ચોક્કસ એ તાડ ઉપર પાકેલો ટેટો પડ્યો હશે. અને તેનો ધબ અવાજ થયો હશે. એ સાંભળીને પૃથ્વી અવળી થઈ રહી છે એમ માની લીધું અને તે દોડવા લાગ્યું. હવે સાચી વાત જાણવી પડશે. તેણે સસલાને અને બધાં પ્રાણીઓને હિંમત આપી. ‘જ્યાં તેણે પૃથ્વીને અવળી થયેલી જોઈ હશે ત્યાં જઈને સાચી વાત જાણી લાવીશ. હું પાછો ન આવું ત્યાં સુધી તમે બધા અહીં જ રહેજો.’ તેણે સસલાને પીઠ પર બેસાડ્યો અને છલાંગો ભરતો તાડ વનમાં પહોંચ્યો.‘ચાલ, તારી જગા બતાવ હવે.’ ‘સ્વામી, બીક લાગે છે.’ ‘અરે ચાલ. બીશ નહીં.’ તે વડ પાસે ન ગયું, અને થોડે દૂર ઊભા રહીને કહ્યું, ‘સ્વામી, અહીં જ ધબ અવાજ થયો હતો. હું જ્યાં રહું છું ત્યાં ધબ અવાજ થયો. મને ખબર નથી કે આ ધબ અવાજ શાને કારણે થયો.’ પછી સિંહે વડ પાસે, તાડની નીચે સસલું જ્યાં સૂઈ રહેલું હતું ત્યાં જઈને જોયું, તાડનાં પાંદડાં પર પાકેલો ટેટો પડ્યો હતો. એટલે અવળી થઈ રહેલી પૃથ્વીનું રહસ્ય જાણ્યું. તે સસલાને પીઠ પર બેસાડીને ફરી છલાંગ મારતો પ્રાણીઓ પાસે જઈ પહોંચ્યો. બધાં પ્રાણીઓને હિંમત બંધાવી, ‘ડરો નહી.’ સિંહે બધાને વિદાય કર્યા. જો ત્યારે બોધિસત્ત્વ ન હોત તો બધાં પ્રાણીઓ સમુદ્રમાં ડૂબીને મરી જાત. બોધિસત્ત્વને કારણે બધાં બચી ગયાં. વડનો ટેટો જ ખર્યો, એનો ‘ધબ’ અવાજ સંાભળીને સસલું ભાગ્યું. સસલાની વાત સાંભળીને બધાં પ્રાણીઓ ડરી ગયાં. બીજાઓની વાત સાંભળીને, પોતે જાતે જ્ઞાન ન મેળવનાર, બીજાઓનો જ વિશ્વાસ કરનાર આળસુ હોય છે. જે સદાચારી હોય છે, જે પ્રજ્ઞા દ્વારા શાન્તિ મેળવે છે, જે પાપથી દૂર રહે છે, જે વિરતિવાળા છે, તે ધીરજવાન બીજાઓનું આંધળું અનુકરણ કરતા નથી.
આસંક જાતક
પ્રાચીન કાળમાં વારાણસીમાં બ્રહ્મદત્ત રાજા થઈ ગયા. તે વેળા બોધિસત્ત્વ કાશી પાસે એક બ્રાહ્મણ કુળમાં જન્મ્યા. મોટા થઈને તક્ષશિલા જઈને અનેક વિદ્યાઓ શીખ્યા, પછી ઋષિએ પ્રવજ્યા લીધી, વનનાં ફળફળાદિ ખાઈને બધી સમાપત્તિઓ પ્રાપ્ત કરીને હિમાલય વિસ્તારમાં રહેવા લાગ્યા. તે સમયે એક પુણ્યશાળી જીવ સ્વર્ગમાંથી પતન પામી એક કમળસરોવરના કમળમાં કન્યા રૂપે જન્મ્યો. બીજાં બધાં કમળ ખરી પડતાં હતાં. પણ તે કમળ વિશાળ બનીને ટકી રહ્યું. ઋષિ જ્યારે સ્નાન કરવા કમળસરોવરે આવ્યા ત્યારે જોયું — બીજાં બધાં કમળ ખરી પડ્યાં હતાં અને એક કમળ ત્યાં ટકી રહેલું હતું. તેમણે વિચાર્યું, શું કારણ હશે? નહાવા માટેનું વસ્ત્ર પહેરી પાણીમાં ઊતર્યા. અને કમળની પાંદડીઓ ખોલી તો તેમાં એક કન્યા નજરે પડી. તેને પોતાની પુત્રી માનીને કુટીરમાં તે લઈ આવ્યા અને તેનું પાલનપોષણ કરવા લાગ્યા. સોળ વર્ષની વયે તે અત્યંત સ્વરૂપવાન હતી — મનુષ્ય અને દેવની વચ્ચેની લાગતી હતી. તે વેળા ઇન્દ્ર બોધિસત્ત્વની સેવામાં આવતા હતા. કન્યાને જોઈને તેમણે પૂછ્યું, ‘આ ક્યાંથી આવી?’ પછી કેવી રીતે એ કન્યા મળી તેની વિગતો જાણી, ‘આને માટે શું જોઈએ?’ ‘એને રહેવા માટે સ્ફટિકનો મહેલ, દિવ્ય શયનાગાર, દિવ્ય વસ્ત્રાલંકાર, દિવ્ય ખાણીપીણીની વ્યવસ્થા કરો.’ આ સાંભળી ‘ભલે’ કહી તે કન્યા માટે ઇન્દ્રે સ્ફટિક મહેલ, દિવ્ય શયનાગાર, દિવ્ય વસ્ત્રાલંકાર, દિવ્ય ભોજન-પાનની વ્યવસ્થા કરી. તે મહેલ તેને ચઢવાના સમયે જમીન પર નીચે આવતો અને તે ચઢી જાય ત્યારે આકાશમાં અધ્ધર રહેતો. બોધિસત્ત્વની સેવા કરતી તે કન્યા મહેલમાં રહેતી હતી. એક આદિવાસીએ તેને જોઈને પૂછ્યું, ‘આ કન્યા તમારી શું થાય?’ ‘મારી પુત્રી થાય.’ તે આદિવાસીએ વારાણસીના રાજાને ખબર મોકલાવી, ‘દેવ, એક તપસ્વીને ત્યાં મેં એક સુંદર કન્યા જોઈ છે.’ આ સાંભળીને રાજા આસક્ત થઈ ગયો. તે આદિવાસીને માર્ગદર્શક બનાવીને ચતુરંગિણી સેના સાથે ત્યાં પહોંચ્યો. તેણે ત્યાં ડેરાતંબૂ તાણ્યા અને પેલા આદિવાસી તથા મંત્રીઓને લઈને આશ્રમમાં ગયો. બોધિસત્ત્વને પ્રણામ કરીને કહ્યું, ‘સ્ત્રીઓ બ્રહ્મચર્ય માટે મળ સ્વરૂપ છે. તમારી પુત્રીને હું સાચવીશ.’ ‘આ કમળમાં શું છે?’ એવી આશંકા કરીને બોધિસત્ત્વ પાણીમાં ઊતરીને તે કન્યા લઈ આવ્યા હતા. એટલે તેનું નામ તેમણે આશંકા રાખ્યું હતું. બોધિસત્ત્વે કહ્યું, ‘જો આ કન્યાનું નામ જાણતા હો તો તેને લઈ જાઓ.’ રાજાએ કહ્યું, ‘ભગવન્, તમે બતાવો તો. મને ખબર પડશે. ‘હું નહીં કહું. તમે તમારી બુદ્ધિથી એનું નામ જાણો અને તેને લઈ જાઓ.’ રાજાએ ‘ભલે’ કહીને તેમની વાત માની. મંત્રીઓની સાથે મળીને વિચારવા લાગ્યો. શું નામ એનું હશે? અસાધારણ નામો લઈને બોધિસત્ત્વને કહેતા, ‘આ નામ, તે નામ.’ બોધિસત્ત્વે કહ્યું, ‘ના, આમાંનું એકે નથી.’ આમ નામનો વિચાર કરતાં કરતાં એક વરસ વીતી ગયું. સિંહ વગેરે જંગલી પ્રાણીઓ હાથી, ઘોડા, માણસોને મારી નાખતા હતા. સાપ હેરાન કરવા લાગ્યા. મધમાખો ત્રાસ આપવા લાગી. વધુ ઠંડીને કારણે ઘણા માણસોનાં મૃત્યુ થયાં. હવે રાજાને ક્રોધ થયો. ‘મારે શું’ બોધિસત્ત્વને કહીને તે ચાલતો થયો. આશંકા તે દિવસે સ્ફટિકબારી ખોલીને ઊભી હતી, રાજાએ કહ્યું, ‘અમે તારું નામ જાણી ન શક્યા. તું હિમાલયમાં જ રહે. અમે તો હવે ચાલ્યા.’ ‘મહારાજ, મારા જેવી સ્ત્રી ક્યાંથી મળશે? મારી વાત સાંભળો. દેવલોકમાં, ચિત્તલતાવનમાં, આશાવલી નામની વેલ થાય છે. તેના ફળનો દિવ્ય રસ નીકળે છે. એને એક વાર પીને ચાર મહિના દિવ્ય શય્યા પર સૂઈ રહેવાનું. હજાર વર્ષે એક વાર તે ફળે છે. સુરાપ્રેમી દેવપુત્રો ‘અહીંથી ફળ મળશે’ એવી આશા રાખીને તરસ વેઠીને હજાર વર્ષ રાહ જુએ છે — વેલ બરાબર તો છે ને? તમે તો એક જ વર્ષમાં કંટાળી ગયા. આશા ફળે તો સુખ સાંપડે. અકળાઈ ન જાઓ. ચિત્તલતાવનમાં આશાવતી વેલ થાય છે. હજાર વર્ષે ફળે, એટલા બધા સમયે ફળતી હોવા છતાં દેવતા એની સેવા કર્યા કરે છે.’ રાજાએ કન્યાની વાત સાંભળીને મંત્રીઓને એકઠા કરીને ફરી દસ દસ નામો વિચાર્યાં. આમ નામ શોધતાં શોધતાં ફરી એક વર્ષ વીતી ગયું. એમાંનું એકે નામ સાચું ન હતું. બોધિસત્ત્વે નામ સાંભળીને ના પાડી. રાજાએ ફરી વિચાર્યું જવા દો, મારે શું અને ઘોડા પર બેસીને ચાલી નીકળ્યો. તે કન્યા ફરી બારી પાસે ઊભી રહી. રાજાએ તેને જોઈને કહ્યું, ‘તું અહીં રહે. અમે તો આ ચાલ્યા.’ ‘મહારાજ, કેમ જાઓ છો?’ ‘તારું નામ નથી જાણી શક્યો.’ ‘મહારાજ, શું નામ નહીં જાણી શકો? આશા અમર છે. મારી વાત સાંભળો. એક બગલો પર્વતના શિખરે હતો. તેની ઇચ્છા પાર પડી. તમારી ઇચ્છા કેમ પૂરી નહીં થાય? મહારાજ ધીરજ ધરો. બગલો એક કમળસરોવર પરથી શિકાર લઈને પર્વત પર જઈ બેઠો. તે દિવસે ત્યાં જ રહ્યો. બીજે દિવસે તેણે વિચાર્યું, ‘આજે હું આ પર્વત શિખરે બેઠો છું. અહીંથી ઊતરું જ નહીં અને અહીં બેઠા બેઠા જ શિકાર કરું, પાણી પી, આજે અહીં જ રહું તો મારે માટે કેટલું સારુ! તે દિવસે દેવરાજ ઇન્દ્રે અસુરો પર વિજય મેળવ્યો હતો. ઇન્દ્રે પોતાના ભવનમાં ઐશ્વર્ય પ્રાપ્ત કરીને વિચાર્યું, ‘મારી ઇચ્છા પૂરી થઈ. જેની ઇચ્છા પૂરી ન થઇ હોય એવું કોઈ છે?’ તેમણે ધ્યાન ધરીને પેલા બગલાને જોયો, ‘એની ઇચ્છા હું પૂરી કરીશ.’ એવો નિર્ધાર કર્યો. બગલો જ્યાં બેઠો હતો ત્યાં એક નદી હતી. એ નદીમાં પુર પેદા કરીને પર્વતશિખર સુધી નદીને પહોંચાડી. બગલાએ ત્યાં બેઠા બેઠા જ માછલીઓ ખાધી. પાણી પીધું અને એમ તે દિવસ વીતાવી દીધો. પછી પાણી ઊતરી ગયું. મહારાજ, જો બગલાની આશા પૂરી થઈ તો તમારી નહીં થાય? રાજન્, આશા ગુમાવતા નહીં. તે ફળે ત્યારે સુખદાયક હોય છે. તે પક્ષી આશા રાખીને બેઠું હતું, એટલી બધી દૂર દૂરની આશા પણ પૂરી થઈ. રાજન્, આશા રાખો, તે ફળે ત્યારે સુખદાયક હોય છે.’ રાજા તેની વાત સાંભળીને તેના રૂપના તેજે અંજાઈને, તેની વાતોમાં આવીને ત્યાંથી જઈ ન શક્યો. મંત્રીઓને બોલાવીને અનેક નામો વિચાર્યાં, સો સો નામો વિચારવામાં ફરી એક વર્ષ વીતી ગયું. બોધિસત્ત્વ પાસે જઈને એ સો નામોમાંથી આ નામ — તે નામ — એમ કહ્યું. ‘મહારાજ, તમે નામ નથી જાણતા.’ ‘તો અમે હવે જઈએ છીએ.’ એમ કહી પ્રણામ કરીને ચાલી નીકળ્યા. આશંકા ફરી બારી આગળ ઊભી રહી. રાજાએ તેને જોઈને કહ્યું, ‘તું રહે, અમે તો જઈએ છીએ.’ ‘કેમ મહારાજ?’ ‘તું મને વાણીથી સંતોષ આપે છે. અનંગરતિથી નહી. તારી મધુર વાણીના મોહમાં મને ત્રણ વર્ષ વીતી ગયાં. હવે જઈશ. તું વાણીથી તૃપ્ત કરવા માગે છે, કર્મથી નહીં. તું કોઈ એવા ફૂલની માળા જેમાં રૂપ હોય, સુગંધ નહી. જે મિત્રોને નિષ્ફળ વાણી વચન કહે છે, પણ કશું આપે નહીં, કશો ત્યાગ ન કરે, તેની મૈત્રી તૂટી જાય છે. જે કાર્ય ન કરે, જે બોલ્યા જ કરે તેને પંડિતો ઓળખી કાઢે છે. મારી સેના ઓછી થઈ ગઈ છે, મારી પાસે હવે નાણાં પણ નથી. મને મારો જીવ જવાની આશંકા રહે છે. હવે હું જાઉં છું.’ આશંકા રાજાની વાત સાંભળીને બોલી, ‘મહારાજ, તમે મારું નામ જાણો છો. તમે જે બોલ્યા તે જ મારું નામ છે. આ નામ મારા પિતાને કહી મને સાથે લઈને જાઓ. રાજન્, આ જ તો મારું નામ છે. પ્રતીક્ષા કરો. હું મારા પિતાને બોલાવું છું.’ આ સાંભળી રાજા બોધિસત્ત્વ પાસે ગયો અને તેમને પ્રણામ કરી બોલ્યો, ‘તમારી પુત્રીનું નામ આશંકા છે.’ બોધિસત્ત્વે કહ્યું, ‘હવે જ્યારે નામ જાણી લીધું છે ત્યારે તેને લઈને જાઓ.’ આ સાંભળી રાજાએ બોધિસત્ત્વને પ્રણામ કર્યાં. સ્ફટિક મહેલના દ્વારે પહોંચીને કહ્યું, ‘આજે તારા પિતાએ તને સોંપી દીધી. ચાલ જઈએ.’ એમ સાંભળી તે બોલી, ‘રાજન્, રાહ જુઓ. હું મારા પિતાને મળી લઉં.’ તે મહેલમંાથી ઊતરી, પિતાને પ્રણામ કર્યાં, ક્ષમા યાચી રાજા પાસે આવી. રાજા તેને લઈને વારાણસી આવ્યો, પુત્રપુત્રીઓ સાથે સમૃદ્ધ થયો. બોધિસત્ત્વ ધ્યાનમગ્ન રહી બ્રહ્મલોકમાં પહોંચ્યા.
વ્યગ્ધ જાતક
પ્રાચીન કાળમાં વારાણસી નગરીમાં બ્રહ્મદત્ત રાજા થઈ ગયા. તે સમયે બોધિસત્ત્વ એક વનમાં વૃક્ષદેવતા તરીકે જન્મ્યા. તેમના સ્થળેથી થોડે દૂર એક મોટા વનમાં બીજા વૃક્ષદેવતા હતા. તે વનમાં સિંહ અને વાઘ રહેતા હતા. તેમના ભયથી કોઈ મનુષ્યો ત્યાં આવતા ન હતા. કોઈ ખેતી કરતું ન હતું, કોઈ વૃક્ષ કાપતું ન હતું. ત્યાં ઊભા રહીને કોઈ જોઈ પણ શકતું ન હતું. સિંહ અને વાઘ જાતજાતનાં પ્રાણીઓનો શિકાર કરતા હતા, અને જે કંઈ વધે તે ત્યાં જ છોડીને જતા રહેતા હતા. એને કારણે તે વનમાં દુર્ગંધ વરતાવા લાગી. બીજા વૃક્ષદેવતા દૃષ્ટિહીન, મૂર્ખ, કારણ-અકારણ ન જાણતા ન હતા, તેમણે એક દિવસ બોધિસત્ત્વને કહ્યું, ‘મિત્ર, આ સિંહ અને વાઘને કારણે આપણું આ વન દુર્ગંધમય બની ગયું છે. હું આ વાઘસિંહને ભગાડી મૂકું.’ બોધિસત્ત્વે કહ્યું, ‘મિત્ર, આ વાઘ-સિંહને કારણે આપણું વન સુરક્ષિત છે. એ જતા રહેશે તો આપણું બધું નાશ પામશે. સિંહવાઘનાં પગલાં નહીં દેખાય તો માનવીઓ આખું વન કાપી નાખી મેદાન બનાવી દેશે. ખેતી કરશે, તને પછી એ સારું નહીં લાગે. કહી ઉમેર્યું, ‘જે મિત્રના સંપર્કથી કલ્યાણ વિનાશ પામે તેના દ્વારા પ્રભાવિત થઈ પોતાના યશ વગેરેની રક્ષા આંખની જેમ કરવી. જે મિત્રના સંપર્કથી કલ્યાણ વધે, બધાં કાર્યોમાં પંડિત તેની સાથે પોતાની જાત જેવો વર્તાવ કરે.’ આમ બોધિસત્ત્વે કહેલી સાચી વાત સાંભળ્યા પછી પણ તે મૂર્ખ વનદેવતાએ એક દિવસ ભૈરવરૂપ દેખાડીને તે સિંહ-વાઘને ભગાડી મૂક્યા. માનવીઓએ એમનાં પગલાંના નિશાન ન જોયાં, વાઘસિંહ બીજા વનમાં ચાલ્યા ગયા. એટલે વનનો એક ભાગ કાપી નાખ્યો. દેવતાએ બોધિસત્ત્વ પાસે આવીને કહ્યું, ‘મિત્ર, મેં તારી વાત ન માનીને વાઘસિંહને ભગાડી મૂક્યા. હવે તેમને જતા રહેવાની ખબર માનવીઓને પડી, તેઓ વન કાપે છે, શું કરવું?’ ‘વાઘસિંહ જ્યાં અત્યારે રહે છે તેમને પાછા લઈ આવો.’ ત્્યાં જઈને તે દેવતાએ હાથ જોડીને કહ્યું,‘ હે વાઘ લોક, ચાલો પાછા. ફરી વનમાં આવો. વાઘ વિનાના વનને લોકો કાપે નહીં, વાઘ પણ વન વિના ન રહે.’ દેવતાએ આવી યાચના કરી તો પણ તેમણે કહ્યું, ‘તમે જતા રહો. અમે નહીં આવીએ.’ તેમને પાછા આવવાની ના પાડી. દેવતા ખાલી હાથે પાછા આવ્યા. લોકો થોડા જ દિવસોમાં વન કાપીને ત્યાં ખેતી કરવા લાગ્યા.
કુટિદૂસક જાતક
પ્રાચીન કાળમાં વારાણસી નગરીમાં બ્રહ્મદત્ત રાજા થઈ ગયા. બોધિસત્ત્વ સુગરી તરીકે જન્મ્યા. મોટા થયા પછી વરસાદથી બચવા એક સુંદર માળો બનાવી ત્યાં રહેવા લાગ્યા. એક દિવસ ભારે વરસાદ પડ્યો, ઠંડીથી અને વરસાદથી થથરતો એક વાંદરો બોધિસત્ત્વ પાસે આવ્યો, તેને દુઃખી થતો જોઈ બોધિસત્ત્વે તેની સાથે વાતો કરવા માંડી. ‘હે વાનર, તારું માથું મનુષ્યો જેવું છે, તારા હાથપગ પણ મનુષ્યો જેવા છે, તો પછી તું ઘર કેમ નથી બનાવતો?’ આ સાંભળી વાનરે કહ્યું, ‘મારું મસ્તક મનુષ્યો જેવું છે, હાથપગ મનુષ્યો જેવા છે પણ માનવીઓમાં શ્રેષ્ઠ ગણાતી બુદ્ધિ મારામાં નથી.’ બોધિસત્ત્વે આ સાંભળી કહ્યું, ‘જે અસ્થિર ચિત્તવાળો છે તેનું ચિત્ત નબળું હોય છે. જે મિત્રદ્રોહી છે, જેનું શીલ અસ્થિર છે તેને સુખ મળતું નથી. એટલે હે વાનર, તું અનીતિ ત્યજીને કોઈ ઉપાય કર, એક ઘર બનાવ, તે ઘર તને ઠંડીથી વરસાદથી બચાવશે.’ વાનરે વિચાર્યું, ‘આ પોતે વરસાદ હેરાન ન કરે એવી સુરક્ષિત જગાએ બેસીને મારી મજાક ઉડાવે છે. આને તેના માળામાં બેસવા નહીં દઉં.’ તે બોધિસત્ત્વને પકડવા કૂદ્યો. બોધિસત્ત્વ ઊડીને બીજે ચાલ્યા ગયા. વાનરે માળો વીંખીપીંખી નાખ્યો અને તે ત્યાંથી જતો રહ્યો.
નિગ્રોધમૃગ જાતક
પ્રાચીન કાળમાં વારાણસી નગરમાં બ્રહ્મદત્ત રાજા થઈ ગયા. તે વેળા બોધિસત્ત્વે મૃગ જાતિમાં જન્મ લીધો. માતાના ઉદરમાંથી તે બહાર આવ્યા ત્યારે જ તેમનો વર્ણ કાંચન જેવો હતો. તેમની આંખો મણિ જેવી, તેમનાં શિંગડાં રજત વર્ણનાં, તેમનું મોં લાલ રંગનું, તેમનું પૂછડું ચમરી ગાયના જેવું હતું. પરંતુ તેમનું શરીર વછેરા જેવું હતું. પાંચસો હરણની સાથે તે વનમાં રહેતા હતા. તેમનું નામ હતું નિગ્રોધ મૃગરાજ. ત્યાંથી થોડે દૂર પાંચસો મૃગ સાથે એક બીજો પણ શાખામૃગ રહેતો હતો. તે પણ સોનેરી વર્ણનો હતો. તે સમયે વારાણસીના રાજા મૃગહત્યાનો શોખીન થયો હતો. માંસાહાર વિના તેને ચાલતું જ ન હતું. લોકોને તેમનાં કામ છોડાવી, બધા વિસ્તારોના લોકોને એકઠા કરી દરરોજ રાજા શિકાર કરવા નીકળી પડતો. લોકોએ વિચાર્યું, ‘આ રાજા તો દરરોજ આપણને રોકી રાખે છે. આપણે એક કામ કરીએ. ઉદ્યાન પાસે ઘાસપાણી મૂકીએ, ઘણાં બધાં હરણને અંદર ઘુસાડી દરવાજો બંધ કરી દઈએ અને રાજાને હરણાં સોંપી દઈએ.’ તે લોકોએ ઉદ્યાનમાં હરણ માટે ઘાસચારો, પાણી મૂકી દીધાં. પછી નગરના લોકો સાથે, જુદા જુદા પ્રકારનાં હથિયાર લઈને વનમાં તેઓ હરણાંને શોધવા પ્રવેશ્યા. વચ્ચે જે કોઈ હરણ આવશે તેમને પકડીશું એમ વિચારીને નિગ્રોધ મૃગ તથા શાખા મૃગનાં રહેઠાણ વિસ્તારને ઘેરી લીધો. પછી હરણાંના ટોળાને જોઈ, ઝાડનાં ડાળીઓ, લાકડીઓ વડે તથા જમીન પર અવાજ કરી કરીને હરણાંના ટોળાને છૂપી જગ્યાઓથી કાઢ્યા; તલવાર, ધનુષબાણ હાથમાં રાખીને બૂમબરાડા પાડીને એ હરણાંને ઉદ્યાનમાં ધકેલ્યા અને દરવાજા ભીડી દીધા. રાજા પાસે જઈને બોલ્યા, ‘રાજા, દરરોજ શિકાર માટે અમે આવીએ એટલે અમારા કામધંધાને નુકસાન થાય છે. અમે વનનાં મૃગોથી તમારો ઉદ્યાન છલકાવી દીધો છે. હવે તમે તેમનું માંસ આરોગજો.’ પછી રાજાની રજા લઈને તેઓ ચાલ્યા ગયા. રાજાએ તેમની વાત સાંભળી, ઉદ્યાનમાં જઈને હરણાં જોયાં. બે સોનેરી હરણને જોઈ તેમને અભયદાન આપ્યું, ત્યારથી માંડીને દરરોજ તે જાતે કાં તો એક હરણને મારી નાખતો, ક્યારેક તેનો રસૌયો હરણને મારી નાખતો. ધનુષ જોઈને જ હરણ મરણના ભયથી ડરીને ભાગવા માંડતા. બે ત્રણ ઘા થાય એટલે પીડાવા લાગતા, અને પછી મરી જતા. હરણના ટોળાએ બોધિસત્ત્વને આ વાત કહી, તેમણે શાખામૃગને બોલાવીને કહ્યું, ‘મિત્ર, હરણ બહુ દુઃખી થઈ રહ્યાં છે. જો મૃત્યુ નિશ્ચિત જ હોય તો હવે પછી તેઓ બાણથી ન વીંધાય. ગરદન કાપવાની જગાએ હરણાંનો વારો બાંધીએ, એક દિવસ મારા જૂથનું હરણ જાય અને એક દિવસ તારા જૂથનું હરણ જાય. જેનો વારો આવે તે હરણ વધસ્થાને જઈ ગરદન ગોઠવીને ઊભું રહે. આને કારણે હરણ ઘવાતાં બંધ થશે.’ શાખામૃગે તેની વાત સ્વીકારી લીધી. તે દિવસથી જેનો વારો આવે તે હરણ વધસ્થાને પોતાની ગરદન ગોઠવી દેતું. રસૌયો આવીને ત્યાં ગરદન ટેકવીને પડેલા હરણને ઉપાડી જતો. એક દિવસ શાખામૃગના ટોળામાં ગાભણી હરણીનો વારો આવ્યો. તેણે શાખામૃગ પાસે જઈને કહ્યું, ‘સ્વામી, હું ગાભણી છું. પુત્રનો જન્મ થશે ત્યારે અમે વારાફરતી જઈશું. આજે મારે બદલે કોઈ બીજાને મોકલો.’ તેણે કહ્યું, ‘હું તારા બદલે કોઈ બીજાને મોકલી ન શકું. તારાં લાગ્યાં તું ભોગવ.’ શાખામૃગે દયા ન કરી એટલે તે બોધિસત્ત્વ પાસે ગઈ, અને જઈને તેણે પોતાની વાત કરી. તેની વાત સાંભળીને બોધિસત્ત્વે કહ્યુું, ‘સારું, તું જા. હું તારો વારો આવવા નહીં દઉં.’ એમ કહી તે પોતે વધસ્થાને જઈને બેઠા. રસૌયાએ ત્યાં આવીને જોયું, ‘આ તો અભયદાન પામેલો મૃગ છે. અહીં વધસ્થાને આવીને કેમ પડ્યો છે?’ તેણે રાજાને વાત કરી. રાજા રથે આરૂઢ થઈને ઘણા બધા લોકોને લઈને બોધિસત્ત્વ પાસે આવ્યા, ‘અરે મિત્ર, શું મેં તને અભયદાન નથી આપ્યું? તું અહીં શા માટે પડી રહ્યો છે?’ ‘એક ગાભણી હરણીએ આવીને મને કહ્યું, ‘મને મોકલવાને બદલે કોઈ બીજાને મોકલો. હું કોઈ એકને બદલે બીજાને મૃત્યુના મોઢામાં કેવી રીતે મોકલી શકું? એટલે મેં તેને જીવનદાન આપ્યું. એટલે મેં તેનું મૃત્યુ મારા પર લઈ લીધું. આમ હું અહીં છું. બીજી કોઈ શંકા ન કરતા.’ રાજાએ કહ્યું, ‘સ્વામી, કાંચનવર્ણ મૃગરાજ, મેં તારા જેવાં ક્ષમા, મૈત્રી, દયા કોઈ મનુષ્યમાં પણ જોયાં નથી. હું તારા પર પ્રસન્ન છું. ઊઠ, તને અને એ હરણી — બંનેને અભય આપું છું.’ ‘મહારાજ, અમને બંનેને અભય મળ્યા પછી બાકીનાંનું શું?’ ‘સ્વામી, બીજાંઓને પણ અભયદાન.’ ‘મહારાજ, આ રીતે તો ઉદ્યાનમાં જે હરણ છે તેમને જ અભય મળશે. બીજાંઓનું શું?’ ‘સ્વામી, તેમને પણ અભય.’ ‘મહારાજ, હરણાંને તો અભયદાન મળ્યું. પણ બીજાં પ્રાણીઓનું શું?’ ‘સ્વામી, તેમને પણ અભય.’ ‘મહારાજ, ચોપગાં પ્રાણીઓને તો અભયદાન મળ્યું. પણ પક્ષીઓનું શું?’ ‘સ્વામી, તેમને પણ અભયદાન.’ ‘મહારાજ, પક્ષીઓને તો અભયદાન મળ્યું. પણ જળચર જીવોનું શું?’ ‘સ્વામી, તેમને પણ અભયદાન,’ આ રીતે બોધિસત્ત્વે રાજા પાસેથી બધાં જ મર્ત્ય જીવોને માટે અભયદાન મેળવ્યું. રાજાને પાંચ શીલનો બોધ આપ્યો. ‘મહારાજ,ધર્માચરણ કરો, ન્યાય કરો. માતાપિતા, પુત્રપુત્રી, બ્રાહ્મણ — ગૃહપતિ, જનપદના લોકો સાથે ધર્મપૂર્ણ વર્તો — તો પછી મૃત્યુ પામ્યા પછી સુગતિ અને સ્વર્ગ મળશે.’ આમ રાજાને ઉપદેશ આપી, કેટલાય દિવસ ઉદ્યાનમાં રહ્યા પછી હરણાંનાં ટોળાંની સાથે વનમાં ચાલ્યો ગયો. તે હરણીએ પુષ્પ જેવા બચ્ચાને જન્મ આપ્યો. તે રમતાં રમતાં શાખામૃગ પાસે જતું રહેતું, ત્યારે તેની મા કહેતી, ‘પુત્ર, હવેથી તું એની પાસે ના જઈશ. માત્ર નિગ્રોધ પાસે જ રહેજે. નિગ્રોધની જ સેવા કરજે. શાખામૃગને ત્યાં જીવવા કરતાં નિગ્રોધને ત્યાં મરી જવું વધુ ઉત્તમ.’ ત્યાર પછી અભયદાન મેળવેલાં હરણ લોકોનાં ખેતરમાં જઈને છોડ ખાઈ જવા લાગ્યા. ‘આ અભયદાન મેળવેલાં હરણ છે’ એમ જાણી લોકો તેમને મારતા ન હતા, તેમને હાંકી પણ કાઢતા ન હતા. તેમણે એકઠા થઈને રાજદરબારમાં ફરિયાદ કરી. રાજાએ કહ્યું, ‘મેં પ્રસન્ન ચિત્તે તે શ્રેષ્ઠ નિગ્રોધ મૃગને વચન આપ્યું છે. હું રાજ્ય જતું કરીશ પણ મારી પ્રતિજ્ઞા નહીં તોડું. મારા રાજ્યમાં કોઈ પણ પ્રાણીને મારવાની છૂટ નથી.’ નિગ્રોધમૃગના કાને આ વાત આવી, તેણે હરણાંને એકઠાં કરીને કહ્યું, ‘હવેથી ખેતરોમાં ભેલાણ ન કરતા.’ તેણે લોકોને સંદેશો કહેવડાવ્યો. ‘હવે પછી ખેતરના રક્ષણ માટે વાડ ન બાંધતા. માત્ર ખેતરની આસપાસ પાંદડાંઓની નિશાની કરજો.’ ત્યારથી ખેતરોમાં પાંદડાંની નિશાનીઓ બાંધવાની પ્રથા શરૂ થઈ. કોઈ પણ હરણ એ નિશાનીની પાર ન જતું. બોધિસત્ત્વે તેમને એમ કરવાનો ઉપદેશ આપ્યો હતો. આમ હરણાંઓને ઉપદેશ આપીને નિગ્રોધ મૃગે પોતાનું આયુષ્ય પૂરું કર્યું અને કર્માનુસાર સ્વર્ગે સિધાવ્યા. રાજા પણ બોધિસત્ત્વના ઉપદેશ પ્રમાણે પુણ્યકર્મ કરીને પરલોક સિધાવ્યા.
કૂટવાણિજ જાતક
પ્રાચીન કાળમાં વારાણસીમાં જ્યારે બ્રહ્મદત્ત રાજા હતા ત્યારે બોધિસત્ત્વ અમાત્યકુળમાં જન્મ્યા હતા અને મોટા થયા ત્યારે ન્યાયાધીશના પદે નિમાયા હતા. તે વેળા બે વણિકો વચ્ચે મૈત્રી હતી, એક ગ્રામવાસી અને બીજો નગરવાસી. ગ્રામવાસીએ નગરવાસીને ત્યાં લોખંડની પાંચસો પાટો મૂકી. તેણે એ બધી પાટો સંતાડી દીધી. અને જ્યાં પાટો રાખી હતી ત્યાં ઉંદરની લીંડીઓ વેરી દીધી. થોડા સમય પછી ગ્રામવાસીએ આવીને પોતાની પાટો માગી ત્યારે ધૂર્ત વણિકે તેને ઉંદરોની લીંડીઓ બતાવીને કહ્યું, ‘તારી પાટો તો ઉંદરો ખાઈ ગયા.’ એટલે ગ્રામવાસીએ કહ્યું, ‘સારી વાત છે, ખાઈ ગયા તો ખાઈ ગયા. ઉંદરો ખાઈ ગયા તેમાં આપણે શું કરી શકીએ?’ પછી સ્નાન કરતી વખતે નગરવાસીના દીકરાને પોતાની સાથે લઈ ગયો, એક મિત્રને ત્યાં તેને બેસાડ્યો અને તેણે મિત્રને કહ્યું, ‘આને ક્યાંય જવા દઈશ નહીં.’ પછી નાહીધોઈને તે દુષ્ટ વણિકને ત્યાં ગયો. તેણે પૂછ્યું, ‘મારો દીકરો ક્યાં છે?’ ‘અરે તારા દીકરાને કાંઠે બેસાડીને હું ડૂબકી ખાઈ રહ્યો હતો ત્યારે એક ચકલી આવી અને તેને પોતાના પંજામાં પકડીને ઊડી ગઈ. મેં હાથ પછાડ્યા, બૂમો પાડી પણ કોઈ રીતે તારા દીકરાને છોડાવી ન શક્યો.’ ‘તું જૂઠું બોલે છે. ચકલી કંઈ બાળકને ઉપાડી ન જાય.’ ‘મિત્ર, અસંભવ લાગે એવી આ વાત છે પણ હું શું કરું? તારા દીકરાને ચકલી જ લઈ ગઈ.’ એટલે તે વણિક ગભરાઈને બોલ્યો, ‘હત્યારા, દુષ્ટ, હું હમણાં જ દરબારમાં જઉં છું.’ એમ કહેતો તે તો ચાલી નીકળ્યો. ‘તને જે ઠીક લાગે તે કર.’ એમ કહી તે પણ તેની સાથે દરબારમાં ગયો. ધૂતારાએ બોધિસત્ત્વને કહ્યું, ‘સ્વામી, આ મારા દીકરાને નહાવા લઈ ગયો. મેં મારો દીકરો ક્યાં છે પૂછ્યું તો તેણે મને કહ્યું: તારા દીકરાને તો ચકલી લઈ ગઈ. મને ન્યાય અપાવો.’ બોધિસત્ત્વે ગ્રામવાસીને પૂછ્યું, ‘શું આ વાત સાચી છે?’ ‘હા સ્વામી, હું એને લઈ ગયો હતો, પણ તેને ચકલી ઉઠાવી ગઈ એ વાત પણ પૂરેપૂરી સાચી.’ ‘શું આ દુનિયામાં ચકલીઓ બાળકોને ઉઠાવી જાય છે?’ ‘સ્વામી, હું પણ તમને પૂછવા માગું છું. જો ચકલીઓ બાળકોને લઈને ઊડી ન શકતી હોય તો શું ઉંદરો લોખંડની પાટો ખાઈ જાય ખરા?’ ‘એટલે?’ ‘સ્વામી, મેં આ વાણિયાને ત્યાં લોખંડની પાંચસો પાટો મૂકી હતી. આ એવું કહે છે કે તારી પાટો ઉંદરો ખાઈ ગયા, પછી તેણે મને ઉંદરોની લીંડીઓ પણ બતાવી. જો ઉંદરો લોખંડની પાટો ખાઈ શકતા હોય તો ચકલીઓ બાળકોને ઉપાડી જઈ શકે. જો ઉંદરો લોખંડ ન ખાઈ શકે તો બાજ પણ બાળકોને લઈ જઈ ન શકે. આ તો એમ કહે છે કે તારી પાટો ઉંદરો ખાઈ ગયા. તેમણે ખાધા કે નહીં તેની પરીક્ષા કરી ફેસલો કરો.’ બોધિસત્ત્વે વિચાર્યું, આણે લુચ્ચાઈનો આશ્રય લીધો છે. ‘તારી વાત સાચી. લુચ્ચાઈની સામે લુચ્ચાઈ. કુટિલની સામે કુટિલ. જો ઉંદર લોખંડ ખાઈ જાય તો ચકલી શા માટે બાળકને ઉપાડી ન જાય. એટલે તું આ વાણિયાની પાટો આપી દે. કુટિલતાની સામે કુટિલતા. તું આને લોખંડની પાટો આપી દે. નહીંતર તે તારા દીકરાને લઈ જશે.’ ‘સ્વામી, હું તેને બધી પાટો આપી દઉં છું.’ ‘હું દીકરો આપી દઈશ, જો તે મને મારી પાટો આપે તો.’ આમ જેનો પુત્ર ખોવાયો હતો તેને પુત્ર મળ્યો. જેની પાટો ગુમ કરી દેવાઈ હતી તેને તેની પાટો મળી.
કુસ જાતક
પ્રાચીન કાળમાં મલ્લ રાષ્ટ્ર્રના કુસાવતી પાટનગરમાં ઓક્કાક નામનો રાજા ધર્માનુસાર રાજ્ય કરતો હતો. તેની સોળ હજાર સ્ત્રીઓમાં શીલવતી નામની રાણી પટરાણી હતી. રાજાને ન પુત્ર ન પુત્રી. નગરના તથા રાજ્યના પ્રજાજનો રાજમહેલના દ્વારે જઈને બૂમો મારવા લાગ્યા. ‘રાજ્યનો વિનાશ થશે, વિનાશ થશે.’ રાજાએ અટારીએ આવીને પૂછ્યું, ‘મારા રાજ્યમાં અધર્મ નથી, પછી બૂમો શા માટે પાડો છો?’ ‘મહારાજ,અધર્મ નથી પરંતુ વંશની રક્ષા કરવાવાળો પુત્ર પણ નથી. કોઈ બીજો રાજા આપણા રાજ્ય પર હુમલો કરીને રાજ્યનો સર્વનાશ કરી દેશે. એટલે ધર્મને અનુસરી રાજ કરવામાં સમર્થ પુત્રની ઇચ્છા કરો.’ ‘પુત્ર માટે શું કરું?’ ‘પહેલા સપ્તાહે નાની નટીને ધર્મનટી બનાવીને મોકલો. પુત્ર થાય તો સારી વાત છે. નહીંતર મધ્યમ નટીને ધર્મનટી બનાવીને મોકલો. ત્યાર પછી જ્યેષ્ઠ નટીને વિદાય કરો. આટલી સ્ત્રીઓમાં કોઈ ને કોઈ પુણ્યવાન સ્ત્રીને ચોક્કસ પુત્રલાભ થશે.’ રાજાએ તેમના કહ્યા પ્રમાણે દરેક સપ્તાહે સુખપૂર્વક ક્રીડા કરીને આવેલી સ્ત્રીઓને પૂછ્યું, ‘શું પુત્રલાભ થયો?’ બધીએ ના પાડી. રાજા નિરાશ થઈ ગયો કે હવે મને પુત્રલાભ નહીં થાય. પ્રજાજનોએ ફરી ભેગા થઈ બૂમો પાડી, રાજાએ પૂછ્યું, ‘શા માટે બૂમો પાડો છો? તમારા કહેવા પ્રમાણે મેં નટીઓને મોકલી. એકેને પુત્રલાભ ન થયો. હવે શું કરું?’ ‘દેવ, તેઓ ખરાબ શીલની હશે, અપુણ્યશાળી. પુત્રલાભ થાય એવું પુણ્ય તેમનું નહીં હોય. પટરાણી શીલસમૃદ્ધ છે. તેમને મોકલો. પુત્રલાભ તેમને થશે.’ રાજાએ તેમની વાત માની લીધી. અને ઢંઢેરો પીટાવ્યો કે આજથી સાતમા દિવસે રાજા પટરાણીને ધર્મનટી બનાવીને વિદાય કરશે. લોકોએ ભેગા થવું.’ સાતમા દિવસે દેવીને શણગારીને મહેલમાંથી વિદાય આપી. તેના શીલતેજથી શક્રભવન ધ્રૂજી ઊઠ્યું. શક્રે વિચાર્યું, ‘આવું કેમ થયું?’ તેમને જાણ થઈ કે દેવીને પુત્રકામના છે. મારે પુત્ર આપવો જોઈએ, એવું તેમણે નક્કી કર્યું. તેનો પુત્ર થાય એવું દેવલોકમાં કે બીજે ક્યાંય છે એની શોધ ચલાવી. તેમની નજર બોધિસત્ત્વ ઉપર પડી. બોધિસત્ત્વ તે વેળા તેત્રીસ દેવતાઓના લોકમાં આયુષ્ય પૂરું કરીને તેનાથીય ઉપર દેવલોકમાં જન્મવાની ઇચ્છા કરી રહ્યા હતા. શક્રે તેમના વિમાનદ્વારે પહોંચીને તેને કહ્યું, ‘મિત્ર, તારે મર્ત્યલોકમાં જવું પડશે, ઓક્કાક રાજાની પટરાણીના પેટે જન્મ લેવાનો છે. તેની સંમતિ મેળવીને એક બીજા દેવપુત્રને પણ કહ્યું, ‘તારે પણ તેના જ પુત્ર તરીકે જન્મ લેવાનો છે. પછી તે દેવીના શીલની રક્ષા કરવા માટે વૃદ્ધ બ્રાહ્મણના વેશે રાજાના બારણે જઈ પહોંચ્યો. પ્રજાજનો પણ નાહીધોઈ, અલંકૃત થઈ દેવીને ગ્રહણ કરવા રાજમહેલ પાસે એકઠા થયા. શક્રને જોઈને બધા હસવા લાગ્યા. ‘તું કેમ અહી આવ્યો છે?’ શક્રે કહ્યું, ‘નિન્દા કેમ કરો છો? શરીરે વૃદ્ધ છું. પણ રાગ શમ્યો નથી. જો શીલવતી મળશે તો તેને લઈ જવા આવ્યો છું.’ તે પોતાના પ્રતાપે બધાથી આગળ ઊભા રહી ગયા. તેના તેજને કારણે કોઈ તેનાથી આગળ જઇ ન શક્યું. અલંકારો ધારણ કરીને જેવી શીલવતી નીકળી કે તરત જ શક્ર તેનો હાથ પકડીને લઈ ગયો. ‘અરે ઊભો રહે, ઊભો રહે.’ કહીને લોકો તેને રોકવા લાગ્યા. ‘અરે જુઓ તો ખરા, આ વૃદ્ધ બ્રાહ્મણ આવી રૂપવાન દેવીને લઈ જાય છે. યોગ્ય — અયોગ્ય કશું જાણતો નથી. દેવી પણ દુઃખી થઈ, લજ્જિત થઈ, આ ડોસો મને લઈ જાય છે એમ વિચારી તેને તિરસ્કાર કરવા લાગી. દેવીને કોણ લઈ જાય છે તે જોવા રાજા પણ અટારીએ ઊભા હતા, તેમને અસંતોષ થયો. શક્રે નગરદ્વારથી નીકળીને એક ઘર બનાવ્યું, ઉઘાડા બારણાવાળું અને લાકડાની ફરસવાળું. દેવીએ પૂછ્યું, ‘આ ઘર છે?’ તેણે કહ્યંુ, ‘હા, પહેલાં હું એકલો હતો. હવે આપણે બે છીએ. હું ભિક્ષામાં ચોખા જેવું લઈ આવું છું. તું આ લાકડાની પથારી પર આરામ કર.’ કહી કોમલ હાથે તેને સ્પર્શ કર્યો. દિવ્ય સ્પર્શથી તેને ઊંઘાડી દીધી. પછી તે પોતાના પ્રભાવથી શક્રભવન લઈ ગયા. શીલવતીને અલંકૃત વિમાનમાં દિવ્ય પથારી પર સૂવડાવી. સાતમા દિવસે જ્યારે દેવી ભાનમાં આવી તો તે સમૃદ્ધિ જોઈને દેવીએ માન્યું કે આ બ્રાહ્મણ કોઈ માનવી નથી પણ શક્ર છે. શક્ર પણ દિવ્ય અપ્સરાઓથી ઘેરાઈને તે પોતાના આસન પરથી ઊઠીને દેવી પાસે ગયા, તેને પ્રણામ કરી એક બાજુ ઊભા રહ્યા, પછી બોલ્યા, ‘દેવી, તમને વરદાન આપું છું. બોલો.’ ‘દેવ, મને પુત્ર આપો.’ ’દેવી, એક નહીં બે પુત્ર. એમાંથી એક પ્રજ્ઞાવાન થશે. પણ રૂપવાન નહીં હોય. બીજો પુત્ર રૂપવાન હશે, પ્રજ્ઞાવાન નહીં હોય. પહેલાં કેવો પુત્ર જોઈએ?’ ‘પ્રજ્ઞાવાન.’ ઇન્દ્રે હા પાડી અને તેને કુશતૃણ, દિવ્ય વસ્ત્ર, દિવ્ય ચંદન, પારિજાત પુષ્પ, કોકનદ વીણા આપી રાજાના શયનખંડમાં પહોંચાડી દીધી, રાજાની સાથે એક જ શય્યા પર સૂવડાવી. અંગૂઠા વડે તેની નાભિનો સ્પર્શ કર્યો. તે જ વખતે બોધિસત્ત્વ તેના ઉદરમાં પ્રવેશ્યા. ઇન્દ્ર સ્વર્ગમાં જતા રહ્યા. દેવીને ખ્યાલ આવી ગયો કે તે સગર્ભા થઈ છે. રાજાએ પૂછયું, ‘તને કોણ લઈ ગયું હતું?’ ‘મહારાજ, શક્ર.’ ‘મેં મારી આંખે જોયું કે એક ઘરડો બ્રાહ્મણ તને લઈ ગયો. મારી આગળ જૂઠું કેમ બોલે છે?’ ‘વિશ્વાસ કરો. મને શક્ર જ દેવલોક લઈ ગયા હતા.’ ‘દેવી, વાત માની શકતો નથી.’ દેવીએ શક્રે આપેલ કુશતૃણ બતાવ્યું ને કહ્યું, ‘મારી વાત માનો.’ રાજાએ કહ્યું,‘મને વિશ્વાસ નથી આવતો. કુશતૃણ તો ગમે ત્યાંથી મળે.’ દેવીએ પછી દિવ્ય વસ્ત્ર બતાવ્યાં. રાજાએ કહ્યું, ‘તને શક્ર જ લઈ ગયો હતો. શું પુત્રપ્રાપ્તિ થઈ?’ ‘મહારાજ, હું સગર્ભા છું.’ રાજાએ સંતોષ પામીને સગર્ભા સ્ત્રીઓની બધી જરૂરિયાતો પૂરી પાડી. દસ મહિને તેણે પુત્રને જન્મ આપ્યો. તેનું બીજું કશું નામ ન રાખતા કુશતૃણ નામ પાડ્યું. તે કુમાર ચાલતો થયો એટલે બીજા દેવપુત્રે પણ દેવીના પેટે જન્મ લીધો. તેનું નામ પાડયું. જયમ્પતિ. તે બંને રંગેચંગે મોટા થવા લાગ્યા. બોધિસત્ત્વ પ્રજ્ઞાવાન હતા. આચાર્ય પાસેથી કશું ન શીખતાં પોતાની પ્રજ્ઞા વડે જ બધી વિદ્યાઓ શીખી લીધી. તેમની વય સોળ વરસની થઈ ત્યારે તેને રાજ્ય આપવાની ઇચ્છાથી રાજાએ દેવીને કહ્યું, ‘તારા પુત્રને ગાદી આપીને નૃત્યોત્સવ કરીશું. આપણા જીવતાં તેને રાજગાદી પર બેઠેલો જોઈશું. આખા જંંબુદ્વીપમાં જે રાજકન્યાની ઇચ્છા કરશે તેને લાવીને પટરાણી બનાવીશું. તું જરા તેના મનનો તાગ મેળવ. તેને કઈ કન્યા પસંદ છે?’ દેવીએ હા પાડીને પુત્રને વાત પહોંચાડવા એક પરિચારિકા મોકલી. આ સાંભળીને બોધિસત્ત્વે વિચાર્યું, ‘હું રૂપસમૃદ્ધ નથી. રૂપવાન રાજકન્યા આવી જશે તો ‘આ કદરૂપાને શું કરું?’ એમ કહી ભાગી જશે. મને સંકોચ થશે. મારે સંસાર શું કરવો છે?’ માતાપિતા જીવતા હોય ત્યાં સુધી તેમની સેવા કરીશ. પછી પ્રવજ્યા લઈશ.’ તેણે કહ્યું, ‘મારે નથી રાજ્ય જોઈતું, નથી નર્તકીઓ જોઈતી. હું માતાપિતાના અંતકાળ પછી પ્રવજ્યા લઈશ.’ પરિચારિકાએ જઈને આ વાત દેવીને કરી. રાજા ઉદાસ થયો. થોડા દિવસ પછી ફરી સંદેશ મોકલ્યો. ત્યારે પણ ના પાડી. ત્રણ વાર મના કરવા છતાં ચોથી વાર વિચાર્યું, ‘માતાપિતાનો આવો વિરોધ યોગ્ય નથી. કોઈ ઉપાય કરવો પડશે.’ તેણે સોનીઓના અગ્રણીને બોલાવી બહુ સોનું આપ્યું, પછી કહ્યું ,‘સ્ત્રીની મૂર્તિ બનાવો.’ તેના ચાલ્યા ગયા પછી તેણે પોતે પણ સ્ત્રીની મૂર્તિ બનાવી. બોધિસત્ત્વની ઇચ્છાઓ પૂરી થાય છે. તે એટલી સુંદર બની કે ના પૂછો વાત. બોધિસત્ત્વે તેને સુંદર વસ્ત્રો પહેરાવી પોતાના શયનખંડમાં મુકાવી. જ્યારે સુવર્ણકાર પોતાની મૂર્તિ લઈ આવ્યો ત્યારે તેની નિન્દા કરી કહ્યું, ‘જા, મારા શયનખંડમાંથી મૂર્તિ લાવ. તેણે કુમારના શયનખંડમાં જઈને જોયું તો એવું લાગ્યું કે કુમાર સાથે ક્રીડા કરવા કોઈ અપ્સરા આવી છે. તે હાથ લંબાવી ન શક્યો. તેણે બહાર આવીને કહ્યું, ‘હું અંદર જઈ શકતો નથી.’ ‘અરે જા. એ સુવર્ણપ્રતિમા છે. લઈ આવ.’ બીજી વાર મોકલ્યો ત્યારે તે જઈ શક્યો. કુમારે સોનીએ બનાવેલી મૂર્તિ શયનખંડમાં ખડકી, અને પોતાની બનાવેલી મૂર્તિ સજાવીને રથમાં મૂકી. માતાને સંદેશો મોકલ્યો. ‘આવી કન્યા મળશે તો પરણીશ.’ તેણે મંત્રીઓને બોલાવીને કહ્યું, ‘મારો પુત્ર ખૂબ જ પુણ્યશાળી છે. ઇન્દ્રે આપ્યો છે. તે પોતાની ગમતી રાજકન્યા મેળવશે. તમે આ પ્રતિમાને ઢાંકેલા રથમાં લઈને આખા જંબુદ્વીપમાં ભમો. જે રાજકન્યા આવી દેખાય તેના રાજાને કહો કે ઓક્કાક રાજા તમારા વેવાઈ બનવા માગે છે. અને આ સંબંધ નક્કી કરીને આવો.’ દેવીને હા પાડીને તેઓ ધામધૂમથી નીકળી પડ્યા. તેઓ જે જે પાટનગરમાં જતા ત્યાં સાંજે લોકોના આવવાજવાના રસ્તે આ મૂર્તિ તંબૂમાં રાખતા, તેને વસ્ત્ર અલંકાર, પુષ્પોથી શણગારતા. પછી ત્યાંના મુલાકાતીઓની વાતો એક સ્થળે ઊભા રહીને સાંભળતા. લોકોને ખબર પડતી નહીં કે આ સુવર્ણપ્રતિમા છે, તેઓ કહેતા, ‘આ દેવઅપ્સરા, મનુષ્યલોકની સ્ત્રી જેવી જ સુંદર છે — અહીં કેવી ઊભી છે? તે ક્યાંથી આવી છે? આપણા નગરમાં તો આવી એકે નથી.’ આમ તેની પ્રશંસા કરીને લોકો વિખેરાઈ જતા. આવી વાતો સાંભળીને મંત્રીઓ વિચારતા, અહીં જો આવી કન્યા હોત તો લોકો કહેત કે તે આ રાજકન્યા જેવી છે, મંત્રીકન્યા જેવી જ છે. એટલે અહીં તો આવી નથી જ. તેઓ મૂર્તિ લઈને બીજે ચાલ્યા જતા. આમ ભમતા ભમતા તેઓ મહારાષ્ટ્રના સાગલ નગરમાં આવી પહોંચ્યા. અહીંના મહારાજાની સાત કન્યાઓ હતી. દેવલોકની અપ્સરાઓ જ જોઈ લો. તેમાં સૌથી મોટી હતી પ્રભાવતી. તેની કાયામાંથી ઊગતા સૂર્યની કાંતિ પ્રગટતી હતી. ગાઢો અંધકાર છવાઈ જાય તો પણ ચાર હાથના ઓરડાને દીવાની જરૂર પડતી નહીં. આખો ઓરડો ઝગમગી ઊઠતો. તેની દાસી કૂબડી હતી. તે પ્રભાવતીને ખવડાવવા પીવડાવવા, તેનું માથું ધોવા આઠ પ્રકારની દાસીઓ પાસે આઠ ઘડા ઊંચકાવીને સાંજે તે પાણી લેવા નીકળી હતી. પનઘટના રસ્તે આ પ્રતિમાને જોઈ તેણે માની લીધું કે આ જ પ્રભાવતી છે. તેણે વિચાર્યું, કેવી અવિનયી છે, અમને નહાવા માટેનું પાણી લેવા મોકલીને જાતે પહેલેથી કૂવાના રસ્તે આવીને ઊભી રહી ગઈ છે. તે ક્રોધે ભરાઈને બોલી, ‘અરે કુલકલંકિની, પહેલેથી અહીં આવીને ઊભી રહી ગઈ છે? રાજાને ખબર પડશે તો અમારું આવી બનશે.’ આમ કહી તેના કાને એક થપ્પડ મારી. હાથ તૂટવા જેવો થઈ ગયો. ‘અરે આ તો સુવર્ણપ્રતિમા છે’ એમ જાણી હસતી હસતી તે દાસીઓ પાસે જઈને કહેવા લાગી. ‘મારું કામ જુઓ. પોતાની દીકરી માનીને એક થપ્પડ મારી. આનો મારી દીકરી સાથે વળી કેવો મુકાબલો થાય. મારો તો હાથ જ ભાંગી ગયો.’ તેને ઘેરીને મંત્રીઓએ પૂછ્યું, ‘તું કોની વાત કરે છે? મારી દીકરી આનાથી પણ સુંદર છે તે કોણ?’ ‘હું મહારાજની પુત્રી પ્રભાવતીની વાત કરું છું. આ રૂપ તો એના સોળમા ભાગ જેટલુંય નથી.’ તેઓ રાજી થઈને રાજમહેલ ગયા. સંદેશો મોકલ્યો કે ઓક્કાક રાજાના દૂત બારણે ઊભા છે. રાજા આસન પર ઊભા થઈને બોલ્યા, ‘તેમને આવવા દો.’ મંત્રીઓએ અંદર પ્રવેશીને રાજાને પ્રણામ કરી કહ્યું, ‘મહારાજ, અમારા રાજાએ તમારા ખબરઅંતર પુછાવ્યા છે.’ મંત્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું. તેમને આગમનનું કારણ પૂછ્યું, તેમણે કહ્યું, ‘અમારા રાજાના સિંહસ્વર પુત્રનું નામ કુસકુમાર છે. રાજા પોતાનું રાજ્ય તેમને આપવા માગે છે. તમે તમારી કન્યા પ્રભાવતી તે કુમારને આપો અને સુવર્ણપ્રતિમા ભેટ તરીકે સ્વીકારો.’ એમ કહી તે મૂર્તિ આપી. રાજાએ પણ વિચાર્યું, આવા રાજા સાથે સંબંધ બંધાશે. તેણે આનંદ પામીને મંત્રીઓની વાત સ્વીકારી. દૂતોએ કહ્યું,‘ મહારાજ, અમે મોડું નહીં કરીએ. અમે જઈને રાજાને આ કન્યાની પ્રાપ્તિના સમાચાર આપીશું. તેઓ આવીને કન્યાને લઈ જશે.’ રાજાએ ‘ભલે’ કહી તેમને આદરસત્કાર સાથે વિદાય કર્યા. દૂતોએ જઈને રાજાને તથા રાણીને સમાચાર આપ્યા. રાજા ધામધૂમથી કુસાવતીમાંથી નીકળ્યો અને સાગલ નગરમાં આવી પહોંચ્યો. તેમને નગરમાં લાવી સત્કાર્યા. શીલવતી તો વિદુષી હતી, ‘કોણ જાણે શું થશે?’ તેણે એક બે દિવસ પછી મહારાજાને કહ્યું, ‘મહારાજ, હું પુત્રવધૂને જોવા માગું છું.’ રાજાએ તેની વાત માનીને સંદેશો કહેવડાવ્યો. અલંકારવતી, દાસીઓથી ઘેરાયેલી પ્રભાવતીએ આવીને સાસુને પ્રણામ કર્યાં. તેણે પ્રભાવતીને જોઈને વિચાર્યું, ‘આ કન્યા રૂપવાન છે, મારો પુત્ર કુરૂપ છે. જો તેને જોઈ લેશે તો પહેલે જ દિવસે ભાગી જશે. મારે કોઈ ઉપાય કરવો પડશે.’ તેણે પ્રભાવતીના પિતાને કહ્યું, ‘મહારાજ, મારા દીકરાને માટે આ કન્યા યોગ્ય છે. પરંતુ અમારા કુટુંબની એક રૂઢિ છે. જો એ રૂઢિનું પાલન કરી શકે તો અમે એને લઈ જઈએ.’ ‘તે રૂઢિ કઈ છે?’ ‘અમારા કુટુંબમાં એવો રિવાજ છે કે જ્યાં સુધી તે સગર્ભા ન થાય ત્યાં સુધી દિવસે પતિનું મોં જોઈ ન શકે.’ રાજાએ પુત્રીને પૂછયું, ‘શું તું આ કરી શકીશ?’ કન્યાએ હા પાડી. પછી ઓક્કાક રાજાએ મદ્ર રાજાને બહુ સંપત્તિ આપી અને પુત્રવધૂને લઈ ગયા. મદ્રરાજે પણ ખૂબ જ ધામધૂમથી કન્યાને વિદાય કરી. ઓક્કાક રાજાએ કુસવતી પહોંચીને નગરને શણગાર્યું, બધા અપરાધીઓને કારાવાસમાંથી છોડી મૂક્યા. પુત્રનો રાજ્યાભિષેક કર્યો, પ્રભાવતીને પટરાણી બનાવી. તેમણે ઢંઢેરો પીટાવ્યો કે હવે પછી કુસરાજની આજ્ઞાનું પાલન થશે. જંબુદ્વીપમાં બધા રાજાઓએ પોતપોતાની કન્યાઓ કુસરાજાને ત્યાં મોકલી, જેમને પુત્ર હતા તેમણે પુત્રોને મૈત્રીસંંબંધ કેળવવા સેવક તરીકે મોકલ્યા. બોધિસત્ત્વને ત્યાં ખૂબ જ નર્તકીઓ ભેગી થઈ ગઈ, તે ખૂબ જ ઠાઠમાઠથી રાજ કરવા લાગ્યો. પરંતુ તે દિવસે પ્રભાવતીને જોઈ શકતો નહીં, પ્રભાવતી તેને જોઈ ન શકતી. તેઓ એકબીજાને રાતે જ મળતા હતા. તે વેળા પ્રભાવતીની શરીરપ્રભા ઝાંખી થઈ જતી. કેટલાય દિવસથી તે પ્રભાવતીને જોવા માગતો હતો. તેણે માને વાત કરી. તેણે ના પાડી, ‘તું એ વાત ન કરીશ. જ્યાં સુધી એક પુત્ર ન થાય ત્યાં સુધી રાહ જો.’ પુત્રે વારંવાર આગ્રહ કર્યો. ‘તો હાથીશાળામાં જા, મહાવતના વેશે રહે. હું તેને ત્યાં લઈ આવીશ. ધરાઈને તેને જોઈ લેજે. પણ તારી જાતને ઉઘાડી ના પાડીશ.’ તેણે માની વાત માની લીધી. રાજમાતાએ હસ્તિ મંગલ કરાવી પ્રભાવતીને કહ્યું, ‘ચાલ, તારા પતિના હાથીઓને જોવા.’ પછી ત્યાં જઈને હાથી દેખાડ્યા. ‘આનું નામ આ, આનું નામ આ.’ તે વેળા માતાની પાછળ પાછળ ચાલતી પ્રભાવતી ઉપર રાજાએ હાથીની લાદ ફેંકી. પ્રભાવતી ક્રોધે ભરાઈને બોલી, ‘રાજા પાસે તારા હાથ કપાવીશ.’ રાજમાતાએ ઇશારો કરીને તેની પીઠ પંપાળી. રાજાએ તેને જોવાની ઇચ્છાથી અશ્વશાળામાં જઈ અશ્વપાલના વેશે તેના પર ઘોડાની લાદ ફેંકી, તે દિવસે પણ સાસુએ પુત્રવધૂના ક્રોધને શાંત કર્યો. પછી એક દિવસે બોધિસત્ત્વને જોવાની ઇચ્છા પ્રભાવતીને થઈ. તેણે સાસુને કહ્યું, ‘સાસુએ ના પાડી. ‘એવી માગણી ના કર.’ તેણે વારેવારે આગ્રહ કર્યો. ત્યારે તેણે કહ્યું, ‘કાલે મારો પુત્ર પ્રદક્ષિણા કરવા નીકળશે. ત્યારે તું ઝરૂખામાંથી તેને જોઈ લેજે.’ બીજે દિવસે શીલવતીએ નગર શણગાર્યું અને જયમ્પતિને રાજપોશાક પહેરાવી હાથી પર બેસાડી નગરમાં ફેરવ્યો. પછી પ્રભાવતીને ઝરુખામાં ઊભી રાખી કહ્યું, ‘હવે તારા પતિની શરીર શોભા જો.’ મને મારે જોઈએ એવો પતિ મળ્યો એ જાણીને તેને આનંદ થયો. પરંતુ તે દિવસે બોધિસત્ત્વ મહાવતના વેશે જયમ્પતિની પાછળ બેસી મન થાય ત્યારે પ્રભાવતીને જોતો. હાથીક્રીડાને બહાને તે પોતાને મનગમતી ક્રીડા બતાવવા લાગ્યો. હાથી જતો રહ્યો એટલે રાજમાતાએ પ્રભાવતીને પૂછયું, ‘તેં તારો પતિ જોયો?’ ‘હા, પરંતુ તેમની પાછળ બેઠેલો મહાવત બહુ અવિનયી હતો. તે મને હસ્તિક્રીડા દેખાડતો હતો. આવા માણસને રાજાની પાછળ કેમ બેસાડ્યો?’ ‘પાછલી બાજુથી રાજાની રક્ષા કરવી જરૂરી હોય છે.’ તે વિચારવા લાગી, ‘આ મહાવત બહુ નિર્ભય છે. તે રાજાને પણ રાજા નથી માનતો. આ કુસરાજા તો નહીં હોય! ચોક્કસ તે કદરૂપો હશે, એટલે જ મને દેખાડતા ન હતા.’ તેણે કૂબડીના કાનમાં કહ્યું, ‘જરા જો તો આગળ બેઠેલો રાજા છે કે પાછળ બેઠેલો રાજા છે?’ ‘હું કેવી રીતે જાણીશ?’ ‘જે રાજા હશે તે હાથી પરથી પહેલો ઊતરશે. આના પરથી સમજી જજે.’ દાસી એક બાજુ જઈને ઊભી રહી ગઈ. તેણે બોધિસત્ત્વને પહેલાં ઊતરતાં જોયો, તેની પાછળ જયમ્પતિ ઊતર્યો.’ બોધિસત્ત્વે પણ આમતેમ જોયું તો કૂબડી ત્યાં દેખાઈ. તેમણે માની લીધું કે તે શા કારણે આવી છે?’ કૂબડીને બોલાવીને કહ્યું, ‘આ રહસ્ય પ્રગટ ન કરીશ.’ તેણે જઈને પ્રભાવતીને કહ્યું, ‘આગળ બેઠેલો પહેલાં ઊતર્યો.’ તેણે કૂબડીની વાત માની લીધી. રાજાને ફરી પ્રભાવતીને જોવાનું મન થયું. શીલવતી તેને રોકી ન શકી એટલે તેણે કહ્યું, ‘સારું, વેશપલટો કરીને ઉદ્યાનમાં જજે. તે ઉદ્યાનમાં ગયો. પુષ્કરિણીમાં ગળાડૂબ પાણીમાં ઊતર્યો, કમળપત્રોથી માથું ઢાંક્યું, ખીલેલા કમળથી મોં ઢાંકી ઊભો રહી ગયો. તેની માતા પ્રભાવતીને ઉદ્યાનમાં લઈ ગઈ. ‘આ વૃક્ષ જો, આ પંખી જો, આ મૃગ જો.’ એમ લોભાવીને તેને પુષ્ક્રિણી તટે મોકલી. તેણે પાંચ પ્રકારના પદ્મથી ભરચક પુષ્કરિણી જોઈ તો સ્નાન કરવાની ઇચ્છા તેને થઈ. તે પરિચારિકાઓની સાથે તેમાં ઊતરી, અને રમતાં રમતાં પેલા પદ્મને જોવાની ઇચ્છાથી હાથ લંબાવ્યો. તે વખતે રાજાએ પદ્મપત્રને દૂર કરી ’હું કુસરાજા છું.’ કહી તેનો હાથ પકડી લીધો. પ્રભાવતીએ તેનું મોં જોઈને ચીસ પાડી, ‘આ યક્ષ મને પકડે છે.’ અને તે બેહોશ થઈ ગઈ. જ્યારે ભાનમાં આવી ત્યારે તેણે વિચાર્યું, ‘મારો હાથ કુસરાજાએ પકડ્યો હતો. તેણે જ હસ્તિશાળામાં અને અશ્વશાળામાં મારા પર લાદ ફેંકી હતી. તેણે જ હાથી પાછળ બેસીને મારી મજાક ઊડાવી હતી. આવો કદરૂપો પતિ ન જોઈએ. હું બીજો પતિ કરીશ.’ એમ વિચારી પોતાની સાથે આવેલા મંત્રીઓને બોલાવીને કહ્યું ‘મારો રથ તૈયાર કરાવો. હું આજે જ જતી રહીશ.’ તેમણે રાજાને વાત કરી. રાજાએ વિચાર્યું, ‘જો તે નહીં જાય તો તેનું હૃદય ફાટી પડશે. ભલે તે જાય. પછી ફરી તેને મારી રીતે પાછી લાવીશ.’ તેણે પ્રભાવતીને જવાની સંમતિ આપી. તે પિતાને નગર જતી રહી. બોધિસત્ત્વ ઉદ્યાનમાંથી નગરમાં જઈ સુશોભિત મહેલ પર ચઢ્યા. બોધિસત્ત્વના પૂર્વજન્મની પ્રાર્થનાને કારણે કામના ન કરી, બોધિસત્ત્વને પણ પૂર્વજન્મના ફળસ્વરૂપે કુરૂપતા સાંપડી હતી.’
પ્રાચીન કાળમાં વારાણસી નગરીમાં ઉપરની શેરીમાં અને નીચેની શેરીમાં બે કુટુંબો રહેતાં હતાં. એક કુટુંબમાં બે પુત્ર હતા પણ બીજા પરિવારમાં એક જ પુત્રી હતી. બંને પુત્રોમાં બોધિસત્ત્વ નાના હતા. નાનો ભાઈ બાળકની જેમ મોટા ભાઈની સાથે રહેતો હતો. એક દિવસ તેમના ઘરમાં બહુ સ્વાદિષ્ટ પૂડા બન્યા. બોધિસત્ત્વ જંગલમાં ગયા હતા. તેના ભાગના પૂડા રાખીને બાકીના બધા વહેંચીને ખાઈ ગયા. તે જ વખતે પ્રત્યેક બુદ્ધ ભિક્ષા માટે ઘેર આવ્યા. ‘દિયર માટે બીજા બનાવીશ’ એમ વિચારીને ભાભીએ વધેલા પૂડા ભિક્ષામાં આપી દીધા. નાનો ભાઈ, તે જ વેળા જંગલમાંથી પાછો આવ્યો. ભાભીએ કહ્યું, ‘આનંદમાં રહો, તમારો ભાગ પ્રત્યેક બુદ્ધને આપ્યો છે.’ તેણે કહ્યું,‘પોતાના ભાગનો ખાઈને મારો ભાગ આપી દે છે?’ ક્રોધે ભરાઈને તેણે ભિક્ષાપાત્રમાંથી પૂડો લઈ લીધો. તેણે માના ઘેરથી નવો પૂડો લાવીને તાજા ચંપક પુષ્પ જેવા ઘીથી પાત્ર ભરી દીધું. એમાંથી પ્રકાશ પ્રગટ્યો. તે જોઈને તેણે પ્રાર્થના કરી, ‘જ્યાં જ્યાં મારો જન્મ થાય, ત્યાં ત્યાં મારું શરીર પ્રકાશિત રહે. હું શ્રેષ્ઠ રૂપવાન થઉં. આ અસત્પુરુષની સાથે એક જગ્યાએ હું ના રહું.’ પોતાની પૂર્વપ્રાર્થનાને કારણે તેણે એને ન ચાહ્યો. બોધિસત્ત્વે પણ એ પૂડો પાત્રમાં નાખી પ્રાર્થના કરી, ‘તે ભલે ને સો યોજન દૂર હોય તો એને લાવીને હું મારી ચરણસેવિકા બનાવી શકું .’ તે સમયે ક્રોધે ભરાઈને જે પાત્રમાંથી પૂડો લઈ લીધો હતો તે પૂર્વકર્મને કારણે તે કુરૂપ થયો.
પ્રભાવતીના ચાલ્યા જવાથી તે શોકાકુળ થયો, વિવિધ પ્રકારની પરિચર્યા કરવા છતાં બીજી સ્ત્રીઓ તેને કોઈ રીતે પ્રસન્ન કરી ન શકી. પ્રભાવતી વિનાનું ઘર સૂનું સૂનું લાગવા માંડ્યું. હવે તે સાગલ નગર પહોંચી ગઈ હશે એમ માનીને તે સવારે માની પાસે જઈ પહોંચ્યો, ‘મા, હું પ્રભાવતીને લઈ આવીશ. તમે રાજ્ય સંભાળો. આ તારા હસ્તિયોગ સહિત, પાંચ રાજચિહ્નો સહિત બધી જ સુંદર વસ્તુઓથી સંપન્ન રાજ્યને તું સંભાળ. હું જ્યાં પ્રભાવતી છે ત્યાં જઉં છું.’ તેની વાત સાંભળીને માએ કહ્યું, ‘દીકરા, સાવધ રહેજે. સ્ત્રીઓ બહુ અશુદ્ધ આશયોવાળી હોય છે.’ પછી તેણે સુવર્ણથેલીમાં વિવિધ પ્રકારની ખાણીપીણી આપી. ‘રસ્તામાં ખાજે’ કહીને તેને વિદાય કર્યો, તેણે માતાની ત્રણ વાર પ્રદક્ષિણા કરી. ‘જીવતો રહીશ તો મળીશ’ કહીને શયનખંડમાં ગયો. પાંચ શસ્ત્રો લીધાં. ભોજનની થેલી સાથે બીજા હજાર કાષાર્પણ અને કોકનદ વીણા લઈ નગરમાંથી નીકળ્યો. તે મહા બળવાન, મહાશક્તિશાળીએ બપોર સુધીમાં પચાસ યોજન કાપીને ભોજન કર્યું, દિવસના બાકીના ભાગમાં બીજા પચાસ યોજન કાપ્યા અને એક જ દિવસમાં આમ સો યોજન જેટલો રસ્તો કાપી નાખ્યો. સાંજે સ્નાન કરીને તે સાગલ નગરમાં પ્રવેશ્યો. તેના પ્રવેશને કારણે પ્રગટેલા તેજે પ્રભાવતી પલંગ પર સૂઈ ન શકી અને ભોંય પર સૂઈ ગઈ. પુષ્કળ થાકેલા બોધિસત્ત્વને શેરીમાં જતો જોઈ એક સ્ત્રીએ બોલાવ્યો. પગ ધોઈ પથારીમાં સૂવડાવી દીધો. તેણે પ્રસન્ન થઈ તે સ્ત્રીને થેલી સમેત હજાર કાષાર્પણ આપી દીધા. પછી પાંચ શસ્ત્ર ત્યાં રાખી ‘મારે અમુક જગ્યાએ જવું છે,’ એમ કહી વીણા લઈને તે હસ્તિશાળાએ પહોંચ્યો. ‘આજે મને અહીં રહેવા દો. હું સંગીત વગાડીશ.’ રક્ષકોની સંમતિ લઈ તે એક બાજુ પડી રહ્યો અને થાક ઊતર્યો ત્યારે વીણા વગાડવા માંડી, ‘બધા નગરજનો સાંભળો,’ કહી વીણા વગાડતાં વગાડતાં ગાવા માંડ્યું. પ્રભાવતીએ ભોંય પર સૂતાં સૂતાં તે અવાજ સાંભળ્યો, તે જાણી ગઈ કે આ બીજા કોઈની વીણાનો સ્વર નથી, કુસરાજા મારે કારણે આવ્યા છે. મહારાજાએ પણ આ સ્વર સાંભળીને વિચાર્યું, ‘બહુ મધુર સ્વર છે. કાલે એને બોલાવીને ગાયન સાંભળીશ.’ બોધિસત્ત્વે વિચાર્યું, અહીં રહ્યે રહ્યે પ્રભાવતીને મળી નહીં શકાય. આ જગ્યા બરાબર નથી, તે સવારે ત્યાંથી ઊઠ્યો, સાંજે જ્યાં ભોજન કર્યું હતું ત્યાં થોડું ખાધું, વીણા ત્યાં મૂકી અને રાજાના કુંભારને ત્યાં ગયો. તેનો શિષ્ય બની ગયો. એક જ દિવસમાં ઘર આખું માટીથી ભરી દીધું. પછી તે બોલ્યો, ‘આચાર્ય, વાસણ બનાવું?’ ‘બનાવ.’ માટીનો પિંડ લઈ ચાકડા પર મૂકી ઘુમાવ્યો. એક વાર ઘુમાવેલો ચાકડો બપોર સુધી ફરતો જ રહ્યો. તેણે નાનાં મોટાં વાસણ બનાવ્યાં, પ્રભાવતીને માટે બનાવેલાં વાસણ પર વિવિધ ચિત્ર દોર્યાં. બોધિસત્ત્વની ઇચ્છાઓ ફળે છે. તેણે સંકલ્પ કર્યો કે આ ચિત્રો માત્ર પ્રભાવતી જ જોઈ શકે. બધાં વાસણ સૂકવ્યાં, પકવ્યાં અને ઘર ભરી દીધું. કુંભાર વિવિધ પ્રકારનાં વાસણ લઈ રાજમહેલ પહોંચ્યો. રાજાએ તે જોઈને પૂછ્યું, ‘આ કોણે બનાવ્યાં?’ ‘મહારાજ, મેં બનાવ્યાં.’ ‘મને ખબર છે. આ તેં બનાવ્યાં નથી. બોલ કોણે બનાવ્યાં?’ ‘મહારાજ, મારા શિષ્યે.’ ‘આ તારો શિષ્ય નથી, તારો આચાર્ય છે. તેની પાસેથી આ કસબ શીખ. હવે મારી દીકરીઓ માટે તે વાસણ બનાવે. તેને આ હજાર આપજે.’ આમ રાજાએ હજાર અપાવ્યાં અને કહ્યું, ‘આ નાનાં નાનાં વાસણ મારી દીકરીઓને આપજે.’ તે વાસણ લઈને તેમની પાસે ગયો. ‘રમવા માટેનાં આ વાસણ છે.’ તે બધી ત્યાં આવી પહોંચી. કુંભારે પ્રભાવતી માટે બનાવેલાં વાસણ તેને આપ્યાં. તેણે વાસણ લીધાં, પોતાનું અને કૂબડીનું ચિત્ર જોઈને તે જાણી ગઈ કે આ વાસણ બીજા કોઈએ નહીં પણ કુસરાજાએ જ બનાવ્યાં છે. તે ક્રોધે ભરાઈને બોલી, ‘મારે નથી જોઈતાં, જેને જોઈતાં હોય તેને આપી દો.’ તેની બહેનોએ મજાક કરી, ‘તું એવું માને છે કે આ કુસરાજાએ બનાવ્યાં છે. આ તેમણે નહીં આ તો કુંભારે બનાવ્યાં છે. લઈ લે.’ તેણે તેના દ્વારા બનાવેલાં વાસણની વાત, તે આવ્યો છે એ વાત તેમને ન કરી. કુંભારે બોધિસત્ત્વને હજાર આપ્યા અને કહ્યું, ‘રાજા તારા પર પ્રસન્ન છે. હવેથી તું રાજકન્યાઓ માટે વાસણ બનાવતો રહેજે અને હું એ લઈ જઈશ.’ તેણે માની લીધું કે અહીં રહીનેય પ્રભાવતીને જોઈ નહીં શકાય. તે હજાર કુંભારને જ આપી દીધા અને રાજાના વાંસફોડિયા પાસે ગયો. અને તેનો શિષ્ય બન્યો. પ્રભાવતી માટે તેણે પંખો બનાવ્યો. તેના પર શ્વેત છત્ર મૂક્યાં, ત્યાં ઊભેલી પ્રભાવતીના ચિત્ર સાથે બીજાં વિવિધ રૂપ સર્જ્યાં. વાંસફોડિયો તે પંખો અને બીજી ચીજવસ્તુઓ લઈને રાજમહેલ ગયો, રાજાએ જોઈને પૂછ્યું, ‘આ કોણે બનાવ્યાં?’ પછી પહેલાંની જેમ તેણે કહ્યું, ‘આ બધું મારી પુત્રીઓને આપી આવ.’ તેણે પણ પ્રભાવતી માટે બનાવેલો પંખો તેને આપી દીધો. તેના પરનાં ચિત્રોને પણ બીજું કોઈ જોઈ શકતું ન હતું. પ્રભાવતીને ખ્યાલ આવી ગયો કે આ ચિત્રો રાજાએ બનાવ્યાં છે. ક્રોધે ભરાઈને એ બધું જમીન પર ફંગોળી દીધું. ‘જેને જોઈએ તે લઈ જાય.’ બહેનોએ ફરી મજાક ઉઠાવી. વાંસફોડિયાએ હજાર બોધિસત્ત્વને આપ્યાં. આ સ્થળ પણ મારે માટે યોગ્ય નથી એમ જાણી હજાર તેને આપીને તે ચાલી નીકળ્યો. રાજાના માળી પાસે તે ગયો. તેનો શિષ્ય બનીને વિવિધ પ્રકારના ગજરા બનાવ્યા. પ્રભાવતી માટે ચિત્રો સમેત એક ગજરો બનાવ્યો. માળી આ સઘળું લઈને રાજમહેલે ગયો. રાજાએ પૂછ્યું, ‘આ ફૂલ કોણે ગૂંથ્યાં?’ ‘મહારાજ, મેં.’ ‘મને ખબર છે કે આ તેં નથી ગૂંથ્યાં. બોલ, કોણે ગૂંથ્યાં?’ ‘મહારાજ, મારા શિષ્યે.’ ‘એ તારો શિષ્ય નથી. એ તારો આચાર્ય છે. તું એની પાસેથી આ કળા શીખ. તેને કહે, હવે મારી દીકરીઓ માટે ફૂલ ગૂંથે. આ હજાર તેને આપજે. આ ફૂલ મારી દીકરીઓને આપીને આવ.’ બોધિસત્ત્વે પ્રભાવતી માટે બનાવેલો ગજરો તેને જ આપ્યો. પ્રભાવતીએ પોતાના અને રાજાના રૂપનાં તથા બીજાં વિવિધ ચિત્ર જોઈને જાણી લીધું કે આ બધું સર્જન કુસરાજાનું છે, ક્રોધે ભરાઈને તે બધું જમીન પર પટકી દીધું. બહેનોએ ફરી તેની મજાક ઉડાવી. માળીએ બોધિસત્ત્વને હજાર આપી બધી વાત કરી. આ સ્થળ પણ મારે માટે યોગ્ય નથી. એમ સમજી તેણે હજાર માળીને આપી દીધા અને રાજાના રસૌયા પાસે જઈને તેનો શિષ્ય બન્યો. એક દિવસ રસૌયાએ રાજા માટે ભોજનસામગ્રી લઈ જતી વેળાએ બોધિસત્ત્વને પોતાને માટે ભોજન બનાવવા માંસ આપ્યું. તેણે એવી રીતે રાંધ્યું કે તેની સોડમ આખા નગરમાં પ્રસરી ગઈ. રાજાને પણ તેની સોડમ આવી અને તેણે પૂછ્યું, ‘શું રસોડામાં બીજું માંસ પણ રંધાય છે?’ ‘ના મહારાજ. મેં મારા શિષ્યને માંસ રાંધવા આપ્યું છે, આ એની જ ગંધ છે.’ રાજાએ એ મંગાવી જરાક પોતાની જીભ પર મૂક્યું. તે વેળા જીભને હજાર ગણો રસ આવ્યો. રાજાએ રસતૃષ્ણાથી લલચાઈને હજાર આપ્યા. અને આજ્ઞા કરી, ‘હવે મારા માટે અને મારી દીકરીઓ માટે ભોજન બનાવડાવી મારા માટે લાવતો રહેજે. મારી દીકરીઓને આપી આવજે.’ રસૌયાએ આ સમાચાર તેને આપ્યા. સાંભળીને તે પ્રસન્ન થયો. હવે મારી ઇચ્છા ફળી. હવે હું પ્રભાવતીને જોઈ શકીશ. તેણે સંતોષ પામીને હજાર તેને જ આપી દીધા. બીજે દિવસે રસોઈ બનાવીને રાજાને ભોજન મોકલાવ્યું, રાજકન્યાઓનો ભોજનથાળ લઈ પ્રભાવતીના નિવાસસ્થાને જઈ પહોંચ્યો. પ્રભાવતીએ તેને મહેલ પર આવતો જોયો, તેણે વિચાર્યું, ‘આ પોતાને ન છાજે એવાં નોકરો દ્વારા થતાં કામ કરે છે. જો હું ચૂપ રહીશ તો એમ માનશે કે હું તેને ચાહું છું. અને પછી બીજે નહીં જતાં અહીં મને જોતો રહેશે. એટલે તેને ગાળો આપી. ગમે તેમ સંભળાવી ઘડીભર તેને અહી ઊભો રહેવા દઉં.’ ‘મહારાજ, ભ્રમિત ચિત્તે તમે આ ભારે થેલી લઈને બહુ કષ્ટ ભોગવો છો, તમે જલદી કુસાવતી જતા રહો. તમારા જેવો કદરૂપો અહીં રહે તે મને પસંદ નથી.’ પ્રભાવતીની વાણી તો સાંભળવા મળી એમ માની તે પ્રસન્ન થયો. તે બોલ્યો, ‘હું અહીંથી કુસવતી નથી જવાનો. હું તારા રંગરૂપ પર મુગ્ધ છું. તને જોવાની ઇચ્છાથી મારો દેશ ત્યજીને આ રમણીય દેશમાં રહીશ. પ્રભાવતી, હું તારા રૂપ પર લુબ્ધ થઈને પૃથ્વી પર ભટકી રહ્યો છું. હું ક્યાંથી આવ્યો છું તેની જાણ નથી. હું મૃગનયની, તેં મને ગાંડો કરી મૂક્યો છે. હે સુવર્ણપત્ર વસ્ત્ર ધારણ કરનારી, સોનેરી મેખલાવાળી, તારી કામનાને કારણે મારે રાજ્ય પણ નથી જોઈતું.’ આ સાંભળીને પ્રભાવતીએ વિચાર્યું, ‘હું એને ગમે તેમ બોલું છું. મને એમ કે તે પસ્તાવો કરશે. પણ આ તો પ્રેમની ભાષા બોલે છે. ‘હું કુસરાજા છું.’ એમ કહી તે મારો હાથ પકડી લે તો આને કોણ રોકશે?’ કોઈ આ વાતચીત સાંભળે નહીં, એમ માની તેણે બારણું બંધ કર્યું અને કડી વાસીને અંદર ઊભી રહી ગઈ. તેણે ભોજનથાળ લઈને રાજકન્યાઓને ખવડાવ્યું, પ્રભાવતીએ કૂબડીને મોકલી, ‘જા કુસરાજે રાંધેલો ભાત લાવ.’ તે લઈ આવી અને બોલી, ‘લે ખા.’ તેણે કહ્યું, ‘તેણે રાંધેલું હું નહીં ખાઉં. તું ખાઈને આપણને મળેલી સામગ્રીમાંથી ભાત રાંધીને લઈ આવ. કુસરાજના આગમનની વાત કોઈને કહીશ નહીં.’ પછી કૂબડીએ તેના ભાગનું પોતે ખાધું અને પોતાના ભાગનું તેને આપ્યું. કુસરાજાએ ત્યાર પછી પ્રભાવતીને જોઈ નહીં. તેણે વિચાર્યું, ‘પ્રભાવતીના મનમાં મારા માટે સ્નેહ છે કે નહીં તેની હું પરીક્ષા કરીશ.’ તેણે રાજકન્યાઓને ભોજન કરાવ્યું, ભોજનનો થાળ લઈ જતી વખતે મહેલની ફરસ પર પગ પટક્યા, વાસણ ફંગોળ્યાં, અને ઓહ કરીને નીચે પડી ગયો. પ્રભાવતીએ તેના કણસવાનો અવાજ સાંભળીને બારણું ખોલ્યું, તેનો ભોજનથાળ આવી રીતે વેરાયેલો જોઈ તેણે વિચાર્યું, ‘આ જંબુદ્વીપનો શ્રેષ્ઠ રાજા. મારે કારણે દુઃખ ભોગવે છે. સુકુમાર હોવાને કારણે ભોજનથાળ ઊંચકી ન શક્યો અને પડી ગયો. તે જીવે છે કે નહીં?’ તેણે ઓરડામાંથી બહાર નીકળીને તેનો શ્વાસ ચાલે છે કે નહીં તે જોવા તેનું મોં જોયું. રાજાએ પોતાના મોંનું થૂંક તેના શરીર પર ફેંક્યું. પ્રભાવતી તેને ગમે તેમ સંભળાવી પોતાના ઓરડામાં ભરાઈ ગઈ, અડધું બારણું બંધ કરી તે બોલી, ‘હે મહારાજ, જે ન ચાહનારને ચાહે છે તેની માનહાનિ થાય છે. તું કામનાને કારણે કદરૂપો હોવા છતાં તારી કામના ન કરતી સુંદરીને ચાહે છે.’ રાજા તેને ચાહતો હતો, એટલે તે ગમે તેમ બોલી, તેણે મશ્કરી કરી તેમ છતાં પસ્તાવો ન કરીને તે બોલ્યો, ‘કામના કરનાર હોય કે ન હોય, જે માનવીને પોતાનું પ્રિય જે લાગે તે તેને માટે તો પ્રશંસનીય છે. અપ્રાપ્તિ ખરાબ છે.’ તે આમ બોલ્યો એટલે પાછળ હટ્યા વિના પ્રભાવતી તેને ભગાડી મૂકવા કઠોર વચન બોલી. ‘જે ન ચાહનારને ચાહે છે તે સળેકડી વડે પથ્થર ખોદવા જાય છે કે જાળ વડે હવાને બાંધવા જાય છે.’ આ સાંભળી રાજાએ કહ્યું, ‘હે મૃદુલક્ષણવાળી, ખરેખર તારું હૃદય પથ્થરનું છે. એટલે તો આટલે દૂર આવ્યા પછી પણ મને આનંદ નથી થતો. હે રાજપુત્રી, ભવાં ચઢાવીને તું જ્યારે મને જુએ છે ત્યારે મદ્ર રાજના અંત:પુરનો રસૌયો થઈ જઉં છું. તું જ્યારે મને પ્રસન્ન વદન જુએ છે ત્યારે હું રસૌયો નથી રહેતો. ત્યારે હું કુસરાજ થઈ જઉં છું.’ પ્રભાવતીએ આ સાંભળી વિચાર્યું, ‘આ મારામાં અનુરાગ રાખે છે. એને જૂઠું બોલીને ભગાડું. ‘જો જ્યોતિષીઓની વાત સાચી હોય તો તું મારો પતિ કદી હોઈ ન શકે, ભલેને મારા સાત ટુકડા થઈ જાય.’ રાજાએ તેની વાત સાંભળીને કહ્યું, ‘મેં પણ મારા દેશના જ્યોતિષીઓને પૂછ્યું છે. તેમના કહેવા પ્રમાણે સિંહસ્વર કુસરાજ સિવાય પ્રભાવતીનો બીજો કોઈ પતિ હોય જ નહીં; હું પણ મારા જ્ઞાનબળથી આ જ વાત કહું છું. જો બીજાઓની અને મારી વાત સત્ય હોય તો સિંહસ્વર કુસરાજ સિવાય તારો બીજો કોઈ પતિ ન હોઈ શકે.’ આ સાંભળી પ્રભાવતીએ વિચાર્યું, ‘હું આને શરમમાં નાખી શકતી નથી. તેને રહેવું હોય તો રહે, જવું હોય તો જાય.’ બારણું બંધ કરીને તે સંતાઈ ગઈ. તે પણ થાળ લઈને નીચે ઊતર્યો. ત્યાર પછી પ્રભાવતી તેને નજરે પણ પડતી ન હતી. રસૌયાનું કામ કરીને તે થાકી ગયો. સવારે થોડું ખાઈને તે લાકડાં ફાડતો, વાસણ માંજતો, પાણી લાવતો, સૂઈ જવું હોય તો ગુણપાટ પર સૂઈ જતો. સવારે ઊઠીને કશુંક રાંધીને લઈ જતો. ખવડાવતો. કામરાગને કારણે આ બધાં ભારે કષ્ટ પણ તેણે વેઠ્યાં. એક દિવસ ભોજનશાળાના બારણા આગળથી પસાર થતી કૂબડીને જોઈ બોલાવી. તે પ્રભાવતીના ડરને કારણે તેની પાસે જવાનું સાહસ ન કરી શકી, તે જલદી જલદી પસાર થઈ ગઈ. તે જલદી જલદી આગળ વધ્યો અને બોલ્યો, ‘કૂબડી!’ તેણે ઊભા રહીને પૂછ્યું, ‘કોણ?’ પછી બોલી, ‘તમારો અવાજ સંભળાયો નહીં.’ રાજાએ કહ્યું, ‘તું અને તારી સ્વામિની બહુ કઠોર છો. આટલા બધા સમયથી અહીં રહું છું. તું મારાં ખબરઅંતર પણ પૂછતી નથી. તું મને શું આપવાની? અરે છોડ એ વાત. શું તું પ્રભાવતીનું મન કોમળ કરી શકીશ?’ તેણે ‘ભલે’ કહ્યું. તે બોલ્યો, ‘જો તું એમ કરી શકીશ તો તારું આ કૂબડાપણું દૂર કરી આપીશ, તને હાર આપીશ. હે કૂબડી, જો હાથીની સૂંઢ જેવી સાથળોવાળી પ્રભાવતીને મારી સામે જોતી કરીશ તો કુસાવલિ પહોંચીને તને સોનાનો હાર આપીશ. જો તે વાત કરશે, હસશે, ખડખડાટ હસશે, જો હાથ વડે મારો સ્પર્શ કરશે...’ તેની વાત સાંભળીને તે બોલી, ‘દેવ, તમે જાઓ, હું થોડા જ દિવસોમાં તેને લોભાવી શકીશ. મારું પરાક્રમ જોજો.’ એમ કહી તેણે દૃઢ નિર્ધાર કર્યો. પ્રભાવતી પાસે જઈને તે તેનો ઓરડો સાફ કરવા લાગી. મારવા માટેની માટી પણ રહેવા ન દીધી. એટલી હદે કે પગની પાવડી પણ દૂર કરી દીધી. પછી આખો ઓરડો સાફ કર્યો. ઓરડાના બારણા આગળ ઉમરા પર ઊંચું આસન કર્યું અને પ્રભાવતી માટે નીચી જગ્યા તૈયાર કરી બોલી,‘ લાવ, તારા માથાની જૂઓ વીણું.’ તેણે પ્રભાવતીનું માથું પોતાની સાથળો વચ્ચે ગોઠવ્યું. માથું થોડું ખંજવાળીને બોલી, ‘બાપ રે — કેટલી બધી જૂઓ છે.’ પછી પોતાના માથામાંથી જૂ કાઢીને તેના હાથ પર મૂકી. ’જો તારા માથામાં કેટલી બધી જૂઓ છે.’ આમ કહી તેણે બોધિસત્ત્વની પ્રશંસા કરતાં કહ્યું, ‘ખરે જ આ રાજપુત્રી વેતન ન ઇચ્છનારા રસૌયા કુસરાજ પર પ્રસન્ન નથી.’ તે કૂબડી પર ગુસ્સે થઈ. કુબડીએ તેની ગરદન પકડીને અંદર ધકેલી બહારનો દરવાજો બંધ કર્યો. અને લટકતા દોરડાને પકડીને ઊભી થઈ. પ્રભાવતી તેને પકડી ન શકી. તે દરવાજા પાછળ ઊભી રહી તેને ગાળો દેવા લાગી. ‘આ પ્રકારની વાણી બોલનારી જ કૂબડીની જીભ તેજ શસ્ત્રથી કેમ કાપવી ન જોઈએ?’ કૂબડીએ દોરડું પકડી રાખીને કહ્યું, ‘અરે પુણ્યવાન, દુવિર્નીત, તારું રૂપ કોને કામ આવશે? શું અમે તારું રૂપ ખાઈને જીવીશું?’ પછી બોધિસત્ત્વનાં ગુણગાન વર્ણવતી કૂબડીએ ગર્જના કરી. ‘હે પ્રભાવતી, તેને રૂપથી મૂલ્ય નહીં; મહાયશસ્વી જાણીને તેને પ્રેમ કર. મહા બલવાન, મહાન રાજા, મહાન રાષ્ટ્રવાળો, સિંહસ્વરવાળો, લીલાયુક્ત સ્વરવાળો, સુંદર સ્વરવાળો, મધુર સ્વરવાળો, સો વિદ્યાઓમાં કુશળતાવાળો, ક્ષત્રિય જાણીને, કુસરાજા જાણીને તેને પ્રેમ કર.’ પ્રભાવતીએ કૂબડીને ધમકાવી, ‘કૂબડી, તું બહુ બોલ બોલ કરે છે. હાથમાં આવી જાય તો સ્વામીની વાત તને કરું.’ કૂબડીએ તેને બીવડાવી, ‘મેં તને બચાવવા માટે તારા પિતાને કુસરાજના આગમનની વાત નથી કરી. હવે આજે કહી દઇશ.’ તેણે કૂબડીને ઇશારો કર્યો, ‘કોઈ સાંભળી ન જાય.’ બોધિસત્ત્વને તે દેખાઈ નહીં તો સાત મહિના સુધી ભોજનનું અને સૂવાનું દુઃખ વેઠી, તે વિચારવા લાગ્યો. ‘હવે મારે એની સાથે શી લેવાદેવા? સાત મહિના અહીં રહ્યો તો પણ જે દેખાઈ નહીં, તે અત્યંત કઠોર છે, દુસ્સાહસિક છે. હવે હું અહીંથી જઈને માતાપિતાને મળીશ.’ તે સમયે શક્રે ધ્યાન ધરીને જોયું તો તેમને તેના ઉદ્વેગનો ખ્યાલ આવ્યો. તેમણે વિચાર્યું, ‘સાત મહિના સુધી રાજા પ્રભાવતીને જોઈ પણ નથી શક્યો. હવે એવું કરું કે જેથી તે તેને જોઈ શકે. તેમણે મદ્રરાજના દૂતોના જેવા દેખાતા દૂત સાત રાજાઓને ત્યાં અલગ અલગ મોકલ્યા. અને તેમને કહેવડાવ્યું, ‘પ્રભાવતી કુસરાજને ત્યજીને આવતી રહી છે. આવીને તેને લઈ જાઓ.’ તેઓ બધા ધામધૂમથી નગરમાં આવી પહોંચ્યા. તેઓ એકબીજાના આગમનની વાત જાણતા ન હતા. તેમણે એકબીજાને પૂછ્યું, ‘તમે કેમ આવ્યા છો?’ જ્યારે બધાને ખબર પડી ત્યારે તેઓ ક્રોધે ભરાયા. ‘એક કન્યા સાત જણને? આની દુષ્ટતા તો જુઓ. આપણને ઠગે છે. એને પકડો.’ તેમણે નગરને ઘેરી લીધું અને સંદેશ મોકલાવ્યો. ‘કાં તો અમને બધાને પ્રભાવતી આપો કાં તો યુદ્ધ કરો.’ મદ્રરાજ આ સંદેશો જાણીને ગભરાયા, મંત્રીઓને બોલાવ્યા, ‘શું કરીશું?’ ‘મહારાજ, આ સાતેસાત પ્રભાવતી માટે આવ્યા છે. તેઓ કહે છે — જો નહીં આપો તો નગરદ્વાર તોડી નગરમાં પ્રવેશી, મારીને રાજ્ય લઈશું.’ કિલ્લાની દીવાલો તૂટે નહીં એમ તેમની પાસે પ્રભાવતી મોકલી દો. આ યોદ્ધાઓ ભયંકર છે. બધા કવચ પહેરીને ઊભા છે. તેઓ નગરદ્વાર તોડે તે પહેલાં પ્રભાવતી સોંપી દો.’ રાજાએ આ વાત સાંભળી, ‘જો હું પ્રભાવતી એકને આપીશ તો બાકીના રાજા યુદ્ધ કરશે. હું કોઈ એકને આપી નહીં શકું. સમગ્ર જંબુદ્વીપના ચક્રવર્તી રાજાને ત્યજીને આવવાનું પરિણામ ભલે પુત્રી ભોગવે. પ્રભાવતીને મારીને તેના સાત ટુકડા કરીને સાતેય રાજાને આપીશ. તેઓ મને મારવા આવ્યા છે.’ તેની આ વાત આખા મહેલમાં પ્રસરી ગઈ. દાસીઓએ જઈને પ્રભાવતીને કહ્યું, ‘રાજા તમારા સાત ટુકડા કરીને સાતેય રાજાઓને આપશે.’ તે મૃત્યુથી ડરી જઈને બહેનોને સાથે લઈને મા પાસે ગઈ. કોષેય વસ્ત્ર પહેરેલી, કાંચનવર્ણી, અશ્રુપૂર્ણ નેત્ર ધરાવતી રાજપુત્રી મા પાસે ગઈ. માતાને વંદન કરીને રડતીકકળતી બોલી, ‘આ મારું મોં હાથીદાંતવાળા દર્પણમાં જોઈ જોઈને શણગાર્યું છે. જે શુભ છે, જે સુંદર આંખોવાળું છે, જે અમલિન છે, જે દોષમુક્ત છે, તેને ક્ષત્રિયો વનમાં ફંગોળી દેશે. મારા કાળા, વાંકડિયા, કોમળ, ચંદનમિશ્રિત કેશ સ્મશાનભૂમિમાં ગીધના પગ સાથે અથડાશે. હવે તામ્રવર્ણ નખોવાળી, રોમવાળી, ચંદન અર્ચિત બાહુને ક્ષત્રિયો વનમાં ફેંકી દેશે. અને વરુઓ તે લઈ જશે. મારાં તાડફળ જેવાં કાશીના ચંદનલિપ્ત સ્તનને જેવી રીતે બાળક માતાના સ્તનને વળગે તેમ શિયાળવાં વળગશે. હવે મારા સુવર્ણમેખલાથી શણગારેલા નિતંબને ક્ષત્રિયો છિન્નભિન્ન કરી નાખશે ને પછી તેમને વરુઓ લઈને ભટકશે. કૂતરા, વરુ, શિયાળવાં અને બીજાં જંગલી પ્રાણીઓ પ્રભાવતીને ખાઈને જરાહીન થઈ જશે. જો કોઈ દૂરનો ક્ષત્રિય મારું માંસ લઈ જાય તો તેમની પાસે મારાં હાડકાં માંગી ચૌટે ફેંકજે. પછી એ જ જગ્યા ખેડીને ત્યાં કર્ણિકાર ફૂલનો છોડ વાવજે. શરદ ઋતુ પછી હેમંત આવશે ત્યારે તેને ફૂલો આવશે, ત્યારે મા તું યાદ કરજે કે પ્રભાવતી આવા રંગની હતી.’ આ પ્રકારે મૃત્યુના ડરથી માતા આગળ વિલાપ કર્યો. મદ્ર રાજાએ આજ્ઞા આપી કે કુહાડી જેવાં શસ્ત્ર લઈને મારાઓ અહીં આવે. તેમના આવવાની વાત સાંભળીને પ્રભાવતી શોકવિહ્વળ થઈ રાજા પાસે ગઈ. દેવવર્ણવાળી પ્રભાવતીની ક્ષત્રિયમાતા રાજા મદ્રના અંત:પુરમાં તલવાર અને હત્યારાને જોઈને ઊભી હતી. તેણે રુદન કરતાં કહ્યું, ‘આ કુહાડી વડે મદ્ર રાજા પોતાની પુત્રીને બરાબર વચ્ચેથી કપાવીને રાજાઓને સોંપશે.’ રાજાએ તેને સમજાવતાં કહ્યું, ‘દેવી, શું બોલે છે? તારી દીકરીએ આખા જંબુદ્વીપના રાજાને ‘કુરૂપ’ માનીને ત્યજી દીધો. ચાલવાનાં ચરણચિહ્ન નાબૂદ થાય તે પહેલાં માથે મૃત્યુને લઈને આવી. હવે પોતાના રૂપને કારણે તેનો વધ થશે.’ આ સાંભળી મા દીકરી પાસે જઈને વિલાપ કરવા લાગી, ‘દીકરી, તેં મારા જેવી હિંતચિંતકનું કહ્યું ન માન્યું. એટલે આજે લોહીલુહાણ થઈ યમ પાસે જઈશ. જે વ્યક્તિ સમજુ હિતેચ્છુઓનું કહ્યું નથી કરતી તે આમ જ દુઃખ ભોગવે છે. જો તેં સુંદર સુવર્ણમેખલાવાળા ક્ષત્રિય કુસરાજને પસંદ કર્યા હોત તો આજે સ્વજનો દ્વારા માન પામત, તારો વિનાશ ન થાત. જ્યાં ક્ષત્રિયોના કુળમાં ભેરીનાદ થાય, જ્યાં હાથીના અવાજ આવે તેનાથી વધુ સુખકર શું? જે ક્ષત્રિયના દ્વારે ઘોડા હણહણે, જ્યાં સંગીતકુશળ કુમાર વાદન કરે તેનાથી વધુ સુખકર શું? જ્યાં મોર ગહેકતા હોય, કોયલ ટહુકતી હોય તેનાથી વધુ સુખકર શું?’ આમ વિલાપ કરીને તે બોલી, ‘જો આજે કુસરાજ અહીં હોત તો આ સાતેય રાજાઓને ભગાડીને મારી દીકરીને છોડાવી લઈ જાત. શત્રુદમન, પરરાજ્યવિજેતા, વિશાલજ્ઞાની, કુસરાજ ક્યાં છે? તે જો હોત તો અમને દુઃખમાંથી છોડાવત.’ પ્રભાવતીએ જોયું કે મારી મા કુસરાજની પ્રશંસા કરવામાંથી ઊંચી આવતી નથી. હવે એને કહી દઉં કે રસૌયાની નોકરી કરતો તે અહીં જ છે. ‘તે શત્રુદમન અહીં છે, તે બીજા રાજ્યનો વિજેતા અહીં જ છે, તે વિશાલજ્ઞાની અહીં છે, તે આપણા બધાનો વધ કરશે.’ આ તો મૃત્યુભયથી આમ બોલે છે એમ માની તેની મા બોલી, ‘શું તું પાગલ થઈ ગઈ છે? મૂૂરખની જેમ શું બોલે છે? કુસરાજ અહીં હોત તો આપણે તેને ઓળખી ન કાઢત?’
તેણે આ સાંભળીને વિચાર્યું, ‘મારી માને મારી વાતનો વિશ્વાસ નથી. કુસરાજ, અહીં સાત મહિનાથી છે એ વાત તે જાણતી નથી. હું એને કુસરાજ દેખાડું.’ તેણે માનો હાથ પકડીને બારી ખોલી હાથ લંબાવીને બોલી, ‘આ કુમારીઓને રહેવાની જગાએ જે રસૌયો કચ્છ વાળીને વાસણ માંજે છે તે કુસરાજ છે.’
રાજાએ એ સાંભળીને વિચાર્યું, ‘આજે મારો ઉદ્દેશ પૂરો થશે. મૃત્યુભયને કારણે પ્રભાવતી મારા આગમનની વાત કહેશે. હું વાસણ ધોઈને ગોઠવી દઉં.’ તેણે પાણી આણીને વાસણો ધોવા માંડ્યાં. તેની માતાએ પ્રભાવતીની નિન્દા કરતાં કહ્યું, ‘તું વંશઘાતક, ચાંડાલિની છે, કુલઘાતિની છે. તેં મદ્રકુળમાં જન્મીને આને દાસ બનાવ્યો.’ પ્રભાવતીએ વિચાર્યું, ‘આ મારી મા રાજા મારે કારણે અહીં રહે છે તે જાણતી નથી.’ તે બોલી, ‘ના હું વંશઘાતક છું, ના ચાંડાલિની છું, ના કુલઘાતિની છું. તું ઓક્કાક પુત્રને દાસ સમજી બેઠી છે. જે નિત્ય વીસ હજાર બ્રાહ્મણોને જમાડે છે તેને તું દાસ સમજે છે, જેને ત્યાં નિત્ય વીસ હજાર હાથીઓ ઝૂલે છે તે ઓક્કાકપુત્રને તું દાસ સમજે છે. જેને ત્યાં નિત્ય વીસ હજાર ઘોડા, વીસ હજાર રથ, વીસ હજાર બળદ છે, જેને ત્યાં નિત્ય વીસ હજાર ગાયો દોહવાય છે, તે ઓક્કાકપુત્રને તું દાસ સમજે છે.’ આમ તેણે બોધિસત્ત્વની પ્રશંસા કરી. ત્યારે તેની માતાને ખ્યાલ આવ્યો કે તે નિર્ભય થઈને બોલી રહી છે. કદાચ આમ જ હશે. તેણે રાજાને આ વાત કરી. ઉતાવળે પ્રભાવતી પાસે જઈને તેણે પૂછયું, ‘શું સાચેસાચ યુવરાજ અહીં આવ્યા છે?’ ‘હા, કન્યાઓના રસોડામાં તે સાત મહિનાથી છે.’ તેને વિશ્વાસ ન આવ્યો. પછી કૂબડીને પૂછ્યું અને સાચી બીના જાણીને પુત્રીને ઠપકો આપ્યો., ‘અરે મૂરખ, મહા શક્તિશાળી ક્ષત્રિય હાથી અહીં દેડકાના વેશે આવ્યો છે એ વાત તેં કરી જ નહીં.’ આમ દીકરીને ઠપકો આપી જલદી જલદી રાજા કુસરાજ પાસે પહોંચ્યો, તેનું અભિવાદન કર્યું અને હાથ જોડી પોતાના દોષ કહ્યા, ‘હે મહારાજ, અમારી ભૂલ માફ કરજો. તમે છૂપા વેશે આવ્યા એટલે અમે જાણી ન શક્યા.’ આ સાંભળી બોધિસત્ત્વે વિચાર્યું, ‘જો હું કડવું બોલીશ તો આનું હૃદય ફાટી જશે. એને હિંમત આપું.’ વાસણોની વચ્ચે જ ઊભા રહીને તેણે કહ્યું, ‘હું રસૌયો બનું એ મારા જેવાને શોભતું નથી. પરંતુ તમે આનંદમાં રહો. તમારો કોઈ દોષ નથી.’ રાજાએ મહેલમાં જઈ પ્રભાવતીને બોલાવી ક્ષમા માગવા ક્હ્યું, ‘મૂર્ખ, મહાબલવાન કુસરાજની માફી માગ. તે ક્ષમા કરશે અને તને જીવનદાન મળશે.’ પિતાની વાત સાંભળી તે બહેનો અને દાસીઓને લઈને કુસરાજ પાસે ગઈ. દાસના વેશે ઊભેલા કુસરાજને જાણ થઈ કે પ્રભાવતી આવી રહી છે. ત્યારે તેણે નિર્ધાર કર્યો કે આજે પ્રભાવતીનું અભિમાન ઓગાળી નાખીને તેને કીચડમાં પગે પડાવીશ. તે જેટલું પાણી લાવ્યા હતા તે બધું ત્યાં ઢોળીને કીચડ કીચડ કરી નાખ્યો. તે કુસરાજ પાસે પહોંચી અને કીચડમાં તેના પગે પડીને તેની ક્ષમા માગી, દેવવર્ણી પ્રભાવતીએ આમ પિતાની વાત માનીને મહાબળવાન કુસરાજના પગમાં માથું મૂકી દીધું. ‘મહારાજ, તમારા વિના આટલી રાતો વીતી, હું તમારા પગમાં માથું ટેકવું છું. તમે મારા પર ગુસ્સે ન થતા. હે મહારાજ, હું તમને વચન આપું છું, મારી વાત સાંભળો. હું કદી હવે તમને અપ્રિય નહીં કહું. જો અત્યારે આમ પ્રાર્થના કરી રહેલીને જો મારું કહ્યું નહીં કરો તો મારો વધ કરીને રાજાઓને સોંપી દેવામાં આવશે.’ આ સાંભળીને રાજાએ વિચાર્યું , ‘તું જાણે અને તારી વાત જાણે. જો આમ કહીશ તો તેનું હૃદય ફાટી જશે. હું એને હિંમત આપું.’ ‘આવી રીતે તું યાચના કરે અને હું તારું કહેવું ન કરું? હે કલ્યાણી, મારા મનમાં તારા માટે ક્રોધ નથી. બીશ નહીં. હે રાજપુત્રી, મારી વાત સાંભળ, હું તને વચન આપું છું કે હવે કદી તને અપ્રિય નહીં કહું. હે સુશ્રોણી, તારી કામનાને લીધે જ મદ્રકુળને મારીને તને લઈ જવામાં સમર્થ હોવા છતાં મેં બહુ દુઃખ વેઠ્યું.’ દેવરાજ શક્રના પરિવારની જેમ પોતાનો પરિવાર જોઈ, ક્ષત્રિય અભિમાનથી પ્રેરાઈને રાજમહેલના આંગણામાં સિંહની જેમ ગર્જના કરી, ‘મારા જીવતે જીવ બીજાઓ શું મારી પત્નીને લઈ જશે? બધા પ્રજાજનો જાણી લે કે હું આવી ગયો છું.’ આમ મોટેથી બોલી બોલીને ઘોષણા કરી, ‘હવે હું તેમને જીવતાં પકડીશ. રથ તૈયાર કરો.’ ‘વિવિધ પ્રકારના સુશોભિત, કેળવાયેલા અશ્વોને રથમાં જોડો. શત્રુઓને પરાજિત કરવામાં મારો વેગ જોજો.’ કુસરાજે પ્રભાવતીને વિદાય કરી, ‘શત્રુઓને કેદ કરવા એ મારું કામ છે. તું સ્નાન કરીને અલંકાર પહેરી, મહેલની અટારીએ જા.’ મદ્રરાજાએ પણ કુસરાજને ઠીકઠાક કરવા મંત્રીઓને મોકલ્યા. તેમણે રસોડા આગળ જ કનાત મૂકાવી વાળંદોની વ્યવસ્થા કરી. ક્ષૌરકર્મ પછી તેને સ્નાન કરાવ્યું, અલંકારો પહેરાવ્યા. મંત્રીઓને સાથે લઈને મહેલમાં ચઢીશ એમ કહી ચારે બાજુ જોઈ તાલી પાડી. જ્યાં જ્યાં તેની નજર પડી ત્યાં ત્યાં બધા કંપી ઊઠ્યા. તેણે કહ્યું, ‘હવે મારું પરાક્રમ જોજો.’ મદ્ર રાજાના અંત:પુરની સ્ત્રીઓએ તેને સિંહની જેમ ગરજતો અને બંને બાહુઓ ઠોકતો જોયો. મદ્ર રાજાએ તેની પાસે અલંકૃત હાથી મોકલ્યો. તેણે શ્વેત છત્રવાળા હાથીની પીઠ પર ચઢીને પ્રભાવતીને પાછળ બેસાડી, ચારે પ્રકારની સેના લઈને પૂર્વ દ્વારેથી નીકળ્યા, શત્રુ સેનાને જોઈ ‘હું કુસરાજ છું, જેઓ જીવ બચાવવા માગતા હોય તે પેટે સૂઈ જાઓ.’ ત્રણ ચાર સિંહનાદ કર્યા. પ્રભાવતીની સાથે હાથી પર બેસીને કુસરાજાએ યુદ્ધભૂમિમાં આવીને સિંહનાદ કર્યો. જેવી રીતે સિંહની ગર્જના સાંભળીને બીજાં પ્રાણીઓ ભાગી જાય તેવી રીતે કુસરાજનો અવાજ સાંભળી બધા ભયભીત ક્ષત્રિયો ભાગી ગયા. કુસરાજના શબ્દથી ડરીને હાથી પર, અશ્વો પર, સવાર થયેલા, રથમાં બેઠેલા તથા પગપાળા આવેલા બધા સૈનિકો એકબીજા સાથે ટકરાયા. એ યુદ્ધભૂમિમાં સંતુષ્ટ થઈને દેવેન્દ્રે તેને વૈરોચન મણિ આપ્યો. યુદ્ધમાં વિજય મેળવીને વૈરોચન મણિ પ્રાપ્ત કરી હાથી પર બેસીને રાજાએ નગરપ્રવેશ કર્યો. શત્રુરાજાઓને જીવતા પકડીને તે સસરાની પાસે લઈ આવ્યા. ‘મહારાજ, આ તમારા શત્રુ છે. તે બધા શરણે આવ્યા છે. હવે તમારી ઇચ્છામાં આવે તે કરો, મારી નાખો, છોડી મૂકો.’ રાજાએ કહ્યું, ‘આ તમારા શત્રુ છે, આ મારા શત્રુ નથી. તમે અમારા રાજા છો, તમે તેમને મારી નાખો કે છોડી મૂકો.’ આવું સાંભળીને બોધિસત્ત્વે વિચાર્યું, આમને મારીને શો લાભ? તેમનું આગમન સાર્થક થવું જોઈએ. મદ્રરાજને પ્રભાવતીથી નાની સાત કન્યાઓ છે. આ રાજાઓને તે કન્યાઓ અપાવું. ‘મહારાજ, દેવકન્યાઓ જેવી તમારી આ સાત કન્યાઓ છે, દરેકને એક એક આપો, આ તમારા જમાઈ થશે.’ રાજાએ કહ્યું, ‘અમારા અને આ બધાના ભગવાન તમે છો. તમે જ અમારા મહારાજ, જે આપવું હોય તે આપો.’ કુસરાજે એ બધી કન્યાઓને અલંકૃત કરીને દરેક રાજાને એકએક અપાવી, એ લાભથી પ્રસન્ન થઈ સિંહસ્વરવાળા કુસરાજ પ્રત્યે પ્રસન્ન મનવાળા થઈ તેઓ પોતપોતાના રાજ્યમાં ગયા. તે મહાબળવાન કુસરાજ પ્રભાવતી અને વૈરોચન મણિ લઈને કુસાવતી પહોંચ્યા. તેઓ એક રથમાં બેઠા હતા, નગરીમાં પ્રવેશ કર્યો, તે વર્ણ અને રૂપમાં સમાન થયા. પરસ્પર એકબીજા જેવા જ ચમકવા લાગ્યા. માતા પુત્રને મળી, ત્યાર પછી બંને પતિપત્ની મળીને રહ્યાં. પૃથ્વી ધનધાન્યથી ભરેલી રહી.
ગંડતિન્દુ જાતક
પ્રાચીન કાળમાં કંપિલ્લ દેશના પંચાલ નગરમાં પંચાલ નામનો રાજા ખોટા રસ્તે ચાલીને, પ્રમાદી બનીને રાજ્ય કરતો હતો. તેના મંત્રીઓ પણ અધાર્મિક થઈ ગયા હતા. ભારે કરવેરાને કારણે પ્રજાજનો સ્ત્રી બાળકો સાથે જંગલી પ્રાણીઓની જેમ રહેતાં હતાં. ગામ ગામ ન રહ્યાં. પુરુષો રાજસેવકોના ભયથી આખો દિવસ ઘેર રહેતા ન હતા. ઘરની ચારે બાજુ કાંટા પાથરીને સૂર્યોદય થતાં વેંત વનમાં જતા રહેતા. દિવસે રાજસેવકો લૂંટે અને રાતે ચોર. તે વેળા બોધિસત્ત્વ નગરની બહાર ગંડતિન્દુ વૃક્ષ પર દેવતા રૂપે જન્મ્યા. રાજા તરફથી તેમને દર વર્ષે હજારની કિંમતનો બલિ મળતો હતો, બોધિસત્ત્વે વિચાર્યું, ‘આ રાજા પ્રમાદવશ રાજ્ય કરે છે. આખો દેશ નાશ પામી રહ્યો છે. મારા સિવાય બીજું કોઈ રાજાને સાચા રસ્તે વાળી નહીં શકે. તે મને દર વર્ષે હજારનો બલિ ચઢાવે છે. એ રીતે મારા પર ઉપકાર પણ કરે છે. તો એને બોધ આપું.’ બોધિસત્ત્વ રાતે રાજાના શયનગૃહમાં તેના ઓશીકા પાસે પ્રકાશ ફેલાવતા, આકાશમાં ઊભા રહી ગયા. પ્રભાતના સૂર્યની જેમ દેદીપ્યમાન બોધિસત્ત્વને જોઈને રાજાએ પૂછ્યું, ‘કોણ છો તમે? શા માટે આવ્યા છો?’ તેની વાત સાંભળીને બોધિસત્ત્વે પૂછ્યું, ‘મહારાજ, હું તિન્દુક દેવતા છું. તમને ઉપદેશ આપવા આવ્યો છું.’ ‘શો ઉપદેશ આપશો?’ બોધિસત્ત્વે કહ્યું, ‘મહારાજ, તમે પ્રમાદી રહીને રાજ કરો છો. તમારું રાજ્ય નષ્ટભ્રષ્ટ થઈ ગયું છે. રાજા જો પ્રમાદી હોય તો આખા દેશનો સ્વામી તે રહી શકતો નથી. આ જન્મમાં તો વિનાશ પામે છે, મૃત્યુ પછી પણ મહાન નરકમાં જન્મે છે. રાજા પ્રમાદી થાય તો તેનાં બધાં પ્રજાજનો પ્રમાદી થઈ જાય છે. એટલે રાજાએ અપ્રમાદી રહેવું જોઈએ.’ ‘અપ્રમાદ અમૃત છે. પ્રમાદ મૃત્યુ છે. અપ્રમાદી મૃત્યુ પામતા નથી. પ્રમાદી તો મરેલા જેવા હોય છે. મદથી પ્રમાદ જન્મે છે. પ્રમાદથી નુકસાન થાય છે, એને પરિણામે દોષ જન્મે છે. એટલે રાજન્, પ્રમાદી ન રહો. પ્રમાદને કારણે ઘણા ક્ષત્રિયોને અર્થ અને રાજ્યનું નુકસાન થયું. ઘણા ગામમુખો, પ્રવર્જિતો અને ગૃહસ્થોને પણ નુકસાન થયું છે. હે રાષ્ટ્રવર્ધન, પ્રમાદી ક્ષત્રિયના રાષ્ટ્રમાં બધા ભોગ નાશ પામે છે. રાજાઓ તેને પાપ માને છે. મહારાજ, આ ધર્મ નથી. તમે બહુ પ્રમાદી છો. ચોર લોકો ધનધાન્યપૂર્ણ — રાજ્યને ઉજ્જડ કરી નાખે છે. નહીં તમારા પુત્ર રહેશે, નહીં સુવર્ણ કે નહીં ધાન્ય. રાષ્ટ્ર ઉજ્જડ થઈ જાય પછી તમે ભોગથી વંચિત થશો. તમને કોઈ ક્ષત્રિય નહીં માને. તમારા આશરે જીવનાર મહાવત, પહેરેગીરો, રથી, પગપાળા સૈનિકો તમને ક્ષત્રિય નહીં માને. જેવી રીતે સાપ પોતાની કાંચળી ઉતારે એવી રીતે જે અસંયમી છે, જે મૂર્ખ છે, જેની મંત્રણાઓ ખોટી છે તેવા દુર્બુદ્ધિને શ્રી ત્યજી દે છે. જે સંયમી છે, જે સંયમપૂર્વક જીવે છે, જે તન્દ્રારહિત છે, તેના બધા ભોગ વૃદ્ધિ પામે છે, જેમ ગાયો સાથે વૃષભ. મહારાજ, રાષ્ટ્રમાં, ગામડાંઓમાં જ્ઞાન મેળવવા ફરો. જોઈ સાંભળીને તમે સાચા રસ્તે ચાલશો. મોડું ન કરો, રાષ્ટ્રને સંભાળો, તેનો વિનાશ ન કરો.’ આમ રાજાને ઉપદેશ આપીને બોધિસત્ત્વ પોતાને સ્થાને ચાલ્યા ગયા. રાજાને તેમની વાત સાંભળીને વૈરાગ્ય આવ્યો. તે બીજે દિવસે મંત્રીઓને રાજ્યવહીવટ સોંપીને પુરોહિતની સાથે નગર બહાર એક યોજન અંતર કાપીને ગયા. ત્યાં એક વૃદ્ધે જંગલમાંથી કાંટા લાવીને આંગણે પાથર્યા. પોતે ઘર બંધ કરી પુત્ર — સ્ત્રી સાથે જતો રહ્યો હતો. સાંજે રાજસેવકો જતા રહ્યા ત્યારે ઘેર આવ્યો, ઘરના આંગણે તેના પગમાં કાંટો વાગ્યો, અધૂકડા બેસીને કાંટો કાઢ્યો અને તે બોલ્યો, ‘આજે મને કાંટો વાગવાથી જેવી પીડા થાય છે તેવી જ પીડા પંચાલ રાજાને યુદ્ધમાં તીર વાગવાથી થાય.’ આમ તેણે રાજાને સંભળાવ્યું. જો કે તેને બોધિસત્ત્વ દ્વારા જ આમ કહેવાની પ્રેરણા મળી હતી. તે સમયે રાજા અને પુરોહિત વેશપલટો કરીને તેની પાસે જ ઊભા હતા. તેની વાત સાંભળીને પુરોહિતે કહ્યું, ‘તું વૃદ્ધ છે, તારી દૃષ્ટિ નબળી પડી ગઈ છે. તને બરાબર દેખાતું નથી. જો તને કાંટો વાગ્યો તો તેમાં બ્રહ્મદત્તનો શો વાંક?’ એટલે તે વૃદ્ધે કહ્યું, ‘મને રસ્તામાં કાંટો વાગ્યો તેમાં રાજાનો બહુ વાંક છે. આખા રાજ્યના લોકો અરક્ષિત છે. બળજબરીથી કર ઉઘરાવનારાઓથી તો તે વધુ પીડાય છે. રાતે ચોર લૂંટે છે અને દિવસે કર ઉઘરાવનારા. દુષ્ટ રાજાના રાજ્યમાં ઘણા લોકો અધાર્મિક થઈ ગયા છે. આવા ભયને કારણે લોકો વનમાંથી કાંટા લાવીને પોતાને સંતાઈ જવાની જગ્યાઓ ઊભી કરે છે.’ આ સાંભળીને રાજાએ પુરોહિતને કહ્યું, ‘આચાર્ય, વૃદ્ધની વાત સાચી છે. વાંક આપણો છે. ચાલો પાછા. ધર્માનુસાર રાજ્ય ચલાવીશું.’ બોધિસત્ત્વે પુરોહિતના શરીરમાં પ્રવેશી કહ્યું, ‘મહારાજ, ચાલો આગળ જોઈએ.’ એ ગામથી બીજા ગામે જતાં રસ્તામાં એક ગરીબ વૃદ્ધાનો અવાજ સાંભળ્યો. તેને બે યુવાન પુત્રીઓ હતી. તેમની સુરક્ષાનો વિચાર કરીને તે તેમને વનમાં જવા દેતી ન હતી. તે જાતે વનમાંથી ઈંધણ લાવતી, શાક લાવીને પુત્રીઓને મોટી કરતી, એક દિવસ તે ઝાડ પર ચઢીને શાક ચૂંટતી હતી ત્યારે તે ભોંય પર પટકાઈ. તે રાજાને ભાંડવા લાગી. ‘આ રાજાનું મોત ક્યારે આવશે? એના રાજ્યમાં કન્યાઓ કુંવારી રહી જાય છે.’ પુરોહિતે એનો વિરોધ કરતાં કહ્યું, ‘અરે દુષ્ટ! શું ગમે તેમ બોલે છે. બહુ ખરાબ બોલી રહી છે. કુંવારી કન્યાઓ માટે છોકરા રાજા શોધવાનો છે?’ એ સાંભળી તે વૃદ્ધા બોલી, ‘મેં કશું ખોટું કહ્યું નથી. હું અર્થ અને વાક્ય બરાબર સમજું છું. દેશના બધા લોકો અરક્ષિત છે, બળજબરીથી કર ઉઘરાવનારાઓથી તો તે વધુ પીડાય છે. દુષ્ટ રાજાના રાજમાં ઘણા લોકો અધાર્મિક થઈ ગયા છે. જ્યારે જીવવું જ મુશ્કેલ હોય, જ્યારે સ્ત્રીઓનું ભરણપોષણ કરવું જ અઘરું હોય તો કુંવારી કન્યાઓનાં લગ્ન ક્યાંથી થાય?’ તેની વાત સાંભળીને રાજા બોલ્યા, ‘સાચું કહો છો.’ આગળ ચાલ્યા એટલે કોઈ ખેડૂતનો અવાજ સંભળાયો. હળે જોતરેલા શાલીમ નામનો બળદ પરોણાના ઘાથી જમીન પર પડી ગયો. ખેડૂત રાજાને ભાંડવા માંડ્યો, ‘યુદ્ધભૂમિ પર પંચાલ રાજા આ જ પ્રકારે શસ્ત્રથી ઘાયલ થઈને ભોંયે પટકાય, જેવી રીતે આ બિચારો શાલીમ બળદ પરોણાથી ઘવાઈને જમીન પર પડ્યો છે.’ પુરોહિતે તેની વાતનો વિરોધ કરતાં કહ્યું, ‘અરે દુષ્ટ, તું નકામો રાજાને ગાળો આપે છે, વાંક તારો છે અને રાજાને ગાળ આપે છે.’ આ સાંભળી ખેડૂતે કહ્યું, ‘અરે બ્રાહ્મણ, મેં અમસ્તા જ રાજાનો વાંક નથી કાઢ્યો. રાજ્યના બધા લોકો અરક્ષિત થઈ ગયા છે. બળજબરીથી કર ઉઘરાવનારાઓથી તો વધુ દુઃખી છે, રાતે ચોર લૂંટે અને દિવસે કર ઉઘરાવનારાઓ. દુષ્ટ રાજાના રાજમાં ઘણા લોકો અધાર્મિક થઈ ગયા છે. આ ભાત રાંધનારી બીજી વાર મારા માટે ભાત લઈને આવી. ભાતની રાહ જોતાં જોતાં મેં બળદોને ખોટી જગ્યાએ પરોણા માર્યા.’ આગળ ચાલીને તેઓ એક ગામમાં રહ્યા. બીજે દિવસે સવારે એક મારકણી ગાયે દૂધ વેચનારને લાત મારી, અને દૂધની હાંડી સમેત તેને પટક્યો. રાજાને ગાળો આપતાં તે બોલ્યો, ‘યુદ્ધના મેદાન પર પંચાલરાજા તલવારનો ઘા ખાઈને આ જ રીતે ઊંધો પડી જાય, જેવી રીતે આજે હું પટકાયો છું, મારું દૂધ ઢળી ગયું છે.’ આ સાંભળી પુરોહિતે કહ્યું, ‘જે પશુ દૂધ આપે તે હિંસા કરે છે. એમાં રાજાનો વાંક ક્યાંથી, તું નાહક રાજાની નિંદા કરે છે.’ આ સાંભળીને તે બોલ્યો, ‘હે બ્રાહ્મણ, પંચાલરાજા બ્રહ્મદત્ત નિંદાપાત્ર છે. રાજ્યના બધા લોકો અરક્ષિત થઈ ગયા છે. અને બળજબરીથી કર ઉઘરાવનારાઓથી તો વધુ દુઃખી, રાતે ચોર લૂંટે અને દિવસે કર ઉઘરાવનારાઓ. દુષ્ટ રાજાના રાજમાં ઘણા લોકો અધાર્મિક છે. તામસી ગાયોને અમે પહેલાં દોહતા ન હતા, આજે દૂધ માગનારા રાજસેવકો માટે તેમને દોહવી પડે છે.’ ‘તેઓ સાચું કહે છે.’ એમ કહી તે ગામમાંથી નીકળીને ધોરીમાર્ગે નગર તરફ બંને નીકળ્યા. એક ગામમાં કર ઉઘરાવનારાઓએ એક કાબરચીતરા વાછરડાને મારીને તેનું ચામડું ઉતાર્યું. તેની મા પુત્રશોકને કારણે ન ઘાસ ખાય, ન પાણી પીએ, અને આમતેમ ભટક્યા કરતી. તેને જોઈ ગામનાં બાળકોએ રાજાને ગાળો દીધી.’ ‘જેવી રીતે આ વાછરડા વગરની ગાય ભટકે છે તેવી રીતે પુત્રહીન પાંચાલ રાજા પણ આ જ રીતે રકકળ કરે, સુકાઈ જાય.’ પુરોહિતે આ સંાભળી કહ્યું, ‘કોઈ પશુ આ રીતે ભટકે, હંભારવ કરે તેમાં રાજાનો શો વાંક?’ એટલે તેમણે કહ્યું, ‘હે મહાબ્રાહ્મણ, રાજા ગુનેગાર છે. રાજ્યના બધા લોકો અરક્ષિત થઈ ગયા છે, બળજબરીથી કર ઉઘરાવનારાઓથી તો વધારે દુઃખી છે. રાતે ચોર લૂંટે છે અને દિવસે કર ઉઘરાવનારાઓ. દુષ્ટ રાજાના રાજમાં ઘણા લોકો અધાર્મિક થઈ ગયા છે. નહીંતર તલવારની મ્યાન માટે દૂધ પીતા વાછરડાને શા માટે મારી નાખે?’ ‘તેઓ સાચું કહે છે.’ એમ કહીને તેઓ આગળ ચાલ્યા. રસ્તામાં એક સૂકા તળાવમાં કાગડા ચાંચ મારી મારીને દેડકા ખાઈ રહ્યા હતા. તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે બોધિસત્ત્વે પોતાના પ્રતાપથી દેડકા પાસે રાજાને ગાળ દેવડાવી. ‘જેવી રીતે આજે હું અરણ્યવાસી ગામના કાગડા મારો ભક્ષ કરે છે એવી જ રીતે સપુત્ર પાંચાલ રાજા યુદ્ધમાં મૃત્યુ પામીને કોઈનો ભક્ષ બને.’ આ સાંભળી પુરોહિતે કહ્યું, ‘અરે દેડકા, દુનિયામાં બધાં પ્રાણીઓની રક્ષા રાજા કરી શકતો નથી. હવે કાગડા તારા જેવાને ખાઈ જાય તો આટલાથી રાજા અધાર્મિક બની જતો નથી.’ એટલે દેડકો બોલ્યો, ‘હે બ્રાહ્મણ, તું અધાર્મિક છે. કારણ કે તું ક્ષત્રિયને અનુકૂળ જ બોલે છે. મોટા ભાગના લોકોને લૂંટનાર તું પરમ નિંદિત રાજાની પ્રશંસા કરે છે. જો અહીં રામરાજ્ય હોત અને રાજ્ય આનંદમય, પ્રસન્ન, સમૃદ્ધ હોત તો કાગડાઓ કાકબલિ, કાગવાસ ખાઈને મારા જેવા જીવને ન ખાતા હોત.’ આ સાંભળીને રાજાએ અને પુરોહિતે કહ્યું, ‘વનમાં રહેતા દેડકા જેવાં પ્રાણી પણ આપણને ગાળો આપે છે.’ તે જ વખતે તેઓ નગરમાં ગયા, બોધિસત્ત્વે કહ્યું હતું તેમ રાજાએ ધર્માનુસાર રાજ્ય કરવા માંડ્યું. દાનપુણ્ય કર્યાં.
અમ્બ જાતક
પ્રાચીન કાળમાં વારાણસી નગરીમાં બ્રહ્મદત્ત રાજ્ય કરતા હતા. તે સમયે તેમનું પુરોહિતકુટુંંબ મહામારીમાં નાશ પામ્યું. માત્ર એક જ છોકરો ભાગી નીકળ્યો. તેણે તક્ષશિલા પહોંચીને વિખ્યાત આચાર્ય પાસે વૈદું અને બીજી વિદ્યાઓનું જ્ઞાન મેળવ્યું. પછી તે રખડતો રખડતો એક નગર પહોંચ્યો. ત્યાં એક મહાચાંડાલોનું ગામ હતું. તે વેળા બોધિસત્ત્વ એ જ ગામડામાં રહેતા હતા, તે પંડિત, જ્ઞાની હતા. તે અકાળે ફળ મેળવવાનો મંત્ર જાણતા હતા. સવારે જ ગામથી નીકળી જતા, વનમાં એક આંબાથી સાત ડગલાં દૂર ઊભા રહીને મંત્રોચ્ચાર કરતા અને પાણી છાંંટતા. વૃક્ષ પરથી જૂનાં પાંદડાં ખરી જતાં, નવાં પાન ફૂટતાં, મ્હોર બેસતો અને પછી એ ખરી જતો, કેરીઓ થતી. તે વખતે પાકી ને મધુર, પ્રકાશમય, દિવ્ય ફળની જેમ ઝાડ પરથી પડતી. બોધિસત્ત્વ એમાંથી ચૂંટીને ખાતા અને થેલી ભરી ઘેર લઈ જતા, તે વેચીને સ્ત્રીનું અને પુત્રનું ભરણપોષણ કરતા. તે બ્રાહ્મણકુમારે બોધિસત્ત્વને અકાળે કેરીઓ વેચતા જોયા અને વિચાર્યું, આ નિ:શક મંત્રબળથી સર્જાયેલાં ફળ છે. હું તેમની પાસેથી આ અમૂલ્ય મંત્ર પ્રાપ્ત કરું. તેણે બોધિસત્ત્વ કેવી રીતે ફળ આણે છે તે વિધિ જાણીને તેમાંથી ખ્યાતિ મેળવવાનો વિચાર કર્યો. તે બોધિસત્ત્વને ઘેર ગયો. તેઓ હજુ વનમાંથી પાછા ફર્યા ન હતા. તે વખતે તેમને ઘેર અજાણ્યાની જેમ તેમની પત્નીને પૂછ્યું, ‘આચાર્ય ક્યાં ગયા છે?’ ‘વનમાં ગયા છે.’ તેમના આગમનની તે રાહ જોવા લાગ્યો. તેઓ આવ્યા એટલે તેમના હાથમાંથી થેલી લઈ લીધી અને ઘરમાં મૂકી. બોધિસત્ત્વે તેને જોઈને પત્નીને કહ્યું, ‘આ યુવાન મંત્ર જાણવા અહીં આવ્યો છે. પણ તે મંત્રને સાચવી નહીં શકે. તે દુર્જન છે.’ તે બ્રાહ્મણ યુવાને પણ નિશ્ચય કર્યો કે આચાર્યની સેવા કરીને મંત્ર શીખીશ. પછી તે ત્યાં રહીને સેવાચાકરી કરવા લાગ્યો. લાકડાં લઈ આવે, અનાજ સાફ કરે, રસોઈ કરે, હાથમોં ધોવા પાણી લાવતો, પગ ધોતો. એક દિવસ બોધિસત્ત્વે તેને કહ્યું, ‘મારા પલંગના પાયા આગળ ટેકો મૂક.’ તેને કશું ન મળ્યું. એટલે આખી રાત પલંગને પોતાની સાથળ વડે ટેકો આપીને બેસી રહ્યો, પછી થોડા સમયે બોધિસત્ત્વની પત્નીએ પુત્રને જન્મ આપ્યો, તેણે એ સ્ત્રીની પ્રસૂતિસેવા કરી. એક દિવસ તેમની પત્નીએ કહ્યું, ‘સ્વામી, આ બ્રહ્મચારી ઉચ્ચ કુળનો હોવા છતાં આપણી સેવા કરે છે તેની પાસે મંત્ર રહે કે ના રહે, તમે તેને મંત્ર શીખવાડો.’ બોધિસત્ત્વે પત્નીની વાત માની લીધી. મંત્ર શીખવાડીને કહ્યું, ‘જો, આ મંત્ર અમૂલ્ય છે. એને કારણે તને લાભ થશે, તારો સત્કાર થશે. રાજા પૂછે કે મહામંત્રી પૂછે કે તારો આચાર્ય કોણ છે, તો મારું નામ છુપાવીશ નહીં, ચાંડાલ પાસેથી મંત્ર શીખ્યો છું એ કહેવાનો તને શરમસંકોચ નડે અને તું જો એવું કહી બેસે કે મારા આચાર્ય બ્રાહ્મણ કુળના છે તો આ મંત્રનું ફળ નહીં મળે.’ તેણે કહ્યું, ‘હું શા માટે છુપાવું? કેઈ પૂછશે તો તમારું જ નામ કહીશ.’ તે પ્રણામ કરી ચાંડાલગ્રામમાંથી નીકળીને મંત્ર જપતાં જપતાં વારાણસીમાં કેરી વેચી બહુ ધન મેળવ્યું. એક દિવસ કોઈ માળીએ રાજાને કેરી આપી. રાજાએ પૂછ્યું, ‘આ કેરી તને ક્યાંથી મળી?’ ‘મહારાજ, એક માણસ કમોસમની કેરીઓ આણીને વેચે છે, મેં એની પાસેથી લીધી.’ ‘તેને કહે કે હવે અહીં એ કેરી લાવતો રહે.’ તેણે એમ જ કર્યું. યુવાન બધી કેરીઓ રાજમહેલમાં જ લઈ જવા લાગ્યો. રાજાએ કહ્યું, ‘મારી સેવામાં રહે.’ તેણે રાજસેવામાં રહીને બહુ ધન મેળવ્યું, ધીરે ધીરે તે વિશ્વાસપાત્ર બની ગયો. એક દિવસ રાજાએ પૂછ્યું. ‘આ પ્રકારની રંગ-ગંધ-રસવાળી કેરી તું લાવે છે ક્યાંથી? શું તને નાગ, ગરુડ, દેવતા આપે છે? કોઈ મંત્રથી આણે છે?’ ‘રાજન્, મને કોઈ આપતું નથી. મારી પાસે અમૂલ્ય મંત્ર છે. એનું જ આ પરિણામ છે.’ ‘મારી ઇચ્છા એ મંત્રબળ જોવાની છે.’ ‘ભલે, તમને દેખાડીશ.’ બીજે દિવસે રાજા તેની સાથે ઉદ્યાનમાં ગયા અને બોલ્યા, ‘બતાવ ત્યારે.’ ‘જુઓ.’ એમ કહી તે આંબા પાસે પહોંચ્યો, સાત ડગલાં દૂર ઊભા રહીને મંત્રજાપ કરી તેણે આંબા પર પાણી છાંટ્યું. તે વેળા પહેલાંની જેમ આંબે ફળ આવ્યાં અને વરસાદની જેમ કેરીની વર્ષા થઈ. લોકોએ હર્ષનાદ કર્યો, પાઘડીઓ ઉછાળી. રાજાએ ફળ ખાઈ બહુ ધન આપ્યું, અને પૂછ્યું, ‘ભાઈ, તને આ પ્રકારનો અદ્ભુત મંત્ર કોણે શીખવાડ્યો?’ ‘જો હું એમ કહીશ કે ચાંડાલ પાસેથી શીખ્યો, તો મારે માટે બહુ શરમજનક કહેવાશે. મારી નિંદા થશે. હવે મને મંત્ર મોઢે થઈ ગયો છે. એટલે તે નાશ નહીં પામે. કોઈ જાણીતા આચાર્યનું નામ દઉં.’ એમ વિચારી તે જૂઠું બોલ્યો, ‘તક્ષશિલાના પ્રસિદ્ધ આચાર્યે મને આ મંત્ર શીખવાડ્યો છે.’ એમ કહી તેણે પોતાના આચાર્યની વાત છુપાવી. તે જ વેળા મંત્ર અદૃશ્ય થઈ ગયો. રાજા પ્રસન્ન હતા. તે એને નગરમાં લઈ ગયા. પછી એક દિવસ કેરી ખાવાની ઇચ્છા રાજાને થઈ એટલે તે ઉદ્યાનમાં જઈ મંગલ શિલાતલ પર બેઠા અને બોલ્યા, ‘ભાઈ, કેરી લાવ.’ તે ‘ભલે’ કહીને આંબા પાસે જઈ સાત ડગલાં દૂર જઈને મંત્રજાપ કરવા ગયો. પણ તેને મંત્ર યાદ ન આવ્યો. તે સમજી ગયો કે મંત્ર અદૃશ્ય થઈ ગયો છે. શરમ આવવાથી તે ઊભો રહી ગયો. રાજાએ વિચાર્યું, ‘પહેલાં તો લોકોના દેખતાં મને કેરી લાવીને આપતો હતો, વરસાદની જેમ પહેલાં તો આંબા પરથી કેરીઓ મળતી હતી. હવે આ થાંભલાની જેમ ઊભો છે તેનું શું કારણ? તે બોલ્યો, ‘અરે બ્રહ્મચારી, પહેલાં તો તું કેવી સરસ કેરીઓ લાવ્યો હતો, હવે તારા મંત્રથી આંબે કેરીઓ કેમ નથી દેખાતી?’ આ સાંભળી બ્રહ્મચારી વિચારવા લાગ્યો, ‘જો હું એમ કહીશ કે આજે મને કેરીઓ નથી મળતી તો રાજા મારા પર ગુસ્સે થશે. તો એમને જૂઠું કહીને છેતરું.’ ‘હું નક્ષત્રયોગની રાહ જોઉં છું. નક્ષત્રની આજે કૃપા નથી. યોગ્ય સમય આવશે ત્યારે હું પુષ્કળ કેરીઓ આપીશ.’ ‘પહેલાં આ નક્ષત્રયોગની વાત કરતો ન હતો અને હવે કેમ કહે છે?’ એમ વિચારી પૂછ્યું. ‘પહેલાં તેં કદી નક્ષત્રયોગની વાત નથી કરી, કોઈ સારા મૂરતની વાત નથી કરી. રંગ, સુવાસ અને રસવાળી બહુ કેરીઓ લાવતો હતો. પહેલાં તારા મંત્રજાપથી આંબે કેરીઓ આવતી હતી. આજે હવે તું મંત્રજાપ પણ કરી શકતો નથી? આજે શું થયું છે?’ તેને થયું, ‘હવે રાજાને હું અસત્ય કહી નહીં શકું. સાચું બોલવાથી તે જે શિક્ષા કરશે તે વેઠીશ, હું સાચું જ બોલીશ.’ ‘આ મંત્ર મને એક ચાંડાલે આપ્યો હતો. મને કહ્યું હતું કે આચાર્યનું નામગોત્ર કોઈ પૂછે તો કશું છુપાવીશ નહીં. તું જો છુપાવીશ તો મંત્ર અદૃશ્ય થઈ જશે. તમે મને પૂછ્યું તો સંકોચવશ હું જૂઠું બોલ્યો. મને આ મંત્ર કોઈ બ્રાહ્મણ પાસેથી નથી મળ્યો. હવે મંત્ર જતો રહ્યો એટલે પેટ ભરીને પસ્તાઉં છું.’ ‘આ પાપીએ આવા રત્નની કિંમત ન કરી. ઉત્તમ રત્ન હોય તેમાં જાતિને શું લેવા દેવા?’ એમ વિચારી તેણે કહ્યું,‘ગમે તેવા વૃક્ષ પાસેથી જો મધ મળે તો વૃક્ષ તેને માટે ઉત્તમ જ ગણાય. આમ ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય, શૂદ્ર, ચાંડાળ કે કોઈ પણ મનુષ્ય પાસેથી જે કંઈ પ્રાપ્ત થતું હોય તો તે મનુષ્ય ઉત્તમ. આ યુવાને મહામુશ્કેલીએ ઉત્તમ અર્થનો નાશ મન, અભિમાનને કારણે કર્યો, તેને મારો.’ રાજસેવકોએ એમ કરીને તેને દેશવટો દઈ દીધો. ‘તારા આચાર્ય પાસે જા, એને રાજી કરીને જો મંત્ર મળે તો અહીં આવજે, નહીંતર ન આવીશ.’ તે અનાથ થઈ ગયો. તેણે વિચાર્યું, ‘આચાર્ય સિવાય હવે મારો કોઈ ઉદ્ધાર નથી. તેમની જ પાસે જઈને ફરી મંત્રની માગણી કરું.’ તે રડતો રડતો આચાર્ય પાસે ગયો. તેને આવતો જોઈ બોધિસત્ત્વે પત્નીને બોલાવીને હહ્યું,‘જો — આ દુષ્ટ. મંત્ર વગરનો થઈ અહીં આવી રહ્યો છે.’ તેણે આવીને બોધિસત્ત્વને પ્રણામ કર્યાં. એક બાજુએ તે બેઠો. ‘કેમ આવ્યો?’ ‘મેં જૂઠું બોલીને મારો વિનાશ નોતર્યો.’ પોતાની ભૂલ કબૂલીને ફરી મંત્રોની માગણી કરી. ‘કોઈ સપાટ ભૂમિ માનીને ખાડામાં, ગુફામાં જઈ પડે, દોરડું માનીને કાળા સાપને ઓળંગે, આંધળો આગમાં જઈ પડે એવી મારી સ્થિતિ થઈ. તમે આ મંત્રહીન અપરાધી પર ફરી કૃપા કરો.’ આચાર્યે કહ્યું, ‘તું શું કહી રહ્યો છે? આંધળાને જો ચેતવી દઈએ તો તે ખાડામાંથી ઊગરી જાય. મેં તને પહેલાં જ કહ્યું હતું. હવે તું મારી પાસે શા માટે આવ્યો છે? મેં તને ધર્મપૂર્વક મંત્ર આપ્યો તેં ધર્મભાવે ગ્રહણ કર્યા. આ મંત્રની પ્રકૃતિ પણ તને બતાવી કે જ્યાં સુધી ધર્મ પ્રમાણે ચાલીશ ત્યાં સુધી આ મંત્ર તારી પાસે રહેશે. મહામુશ્કેલીથી મળેલો મંત્ર ગુમાવ્યો, મૂર્ખતાથી જીવિકા ગુમાવી. જે મૂર્ખ, મૂઢ, અકૃતજ્ઞ, અસત્યવાદી, અસંયમી હોય તેને મંત્ર ન અપાય. હવે જા —- મંત્ર નથી.’ આમ આચાર્યે તિરસ્કાર્યો એટલે તેણે વિચાર્યું, ‘હવે જીવીને શું કરું?’ તે વનમાં જઈ મૃત્યુ પામ્યો.
ભદ્રસાલ જાતક
પ્રાચીન કાળમાં વારાણસીમાં રાજા બ્રહ્મદત્ત દસ રાજધર્મની વિરુદ્ધ ન જઈને ધર્માનુસાર રાજ્ય કરતા હતા. એક દિવસ તેમને વિચાર આવ્યો. ‘જંબુદ્વીપના રાજાઓ અનેક થાંભલાઓવાળા મહેલોમાં રહે છે, અનેક થાંભલાવાળા મહેલ બનાવવામાં કશી વિશેષતા નથી. હું એક થાંભલાવાળો મહેલ બનાવડાવું. એ રીતે બધા રાજાઓમાં મારી વાહવાહ થાય.’ તેણે સુથારોને બોલાવીને કહ્યું,‘મારા માટે એક અતિ સુંદર, એક થાંભલાવાળો મહેલ બનાવો.’ તેમણે રાજાને હા પાડી અને જંગલમાં જઈ જેમાંથી એક થાંભલાવાળો મહેલ બનાવી શકાય એવાં સીધા, વિશાળ બહુ વૃક્ષો જોયાં. તેમણે વિચાર્યું, ‘આ વૃક્ષો તો છે પણ રસ્તો બહુ વાંકાચૂકો છે. આપણે તેમને નીચે લાવી નહીં શકીએ. રાજાને જણાવીએ.’ રાજાને કહ્યું ત્યારે રાજાએ કહ્યું, ‘કોઈ પણ રીતે ધીરે ધીરે નીચે લાવો.’ ‘મહારાજ, કોઈ પણ રીતે નીચે નહીં લવાય.’ ‘તો પછી મારા ઉદ્યાનમાંથી એક વૃક્ષ પસંદ કરો.’ સુથારોએ ઉદ્યાનમાં જઇ એક વૃક્ષ જોયું. બહુ સારી રીતે ઊગેલું, સીધું, ગ્રામનિગમ દ્વારા પૂજાતું, રાજકુટુંબ દ્વારા બલિ ચઢાવાતું મંગલ શાલવૃક્ષ. તેમણે રાજાને વાત કરી. રાજાએ કહ્યું, ‘ઉદ્યાન મારું છે. જાઓ કાપો.’ એ વાત માનીને હાથમાં ગંધમાલા લઈને ઉદ્યાનમાં ગયા. વૃક્ષો પર સુગંધિત પંચગુણ ચિહ્નો કર્યાં, દોરા વીંટ્યા, ફૂલહાર ચઢાવ્યા, ઘીનો દીવો પ્રગટાવ્યો, બલિકર્મ કર્યું. પછી જાહેર કર્યું કે ‘આજથી સાતમા દિવસે આવીને વૃક્ષ કાપીશું. રાજા વૃક્ષ કપાવે છે. આ વૃક્ષ પર રહેતા દેવતાઓ બીજે ક્યાંક ચાલ્યા જાઓ. આમાં અમારો કોઈ વાંક નથી.’ ત્યારે ત્યાં રહેતા દેવપુત્રે આ વાત સાંભળી વિચાર્યું , ‘આ સુથારો ચોક્કસ વૃક્ષ કાપવાના. મારા નિવાસસ્થાનનો નાશ કરશે. મારું નિવાસસ્થાન હોય ત્યાં સુધી જ મારું જીવન. આ વૃક્ષની આસપાસ બહુ નાનાં શાલ વૃક્ષ છે, તેમના પર વસતા મારી જાતિના દેવતાઓનાં નિવાસસ્થાન પણ નાશ પામવાનાં. મારા સ્વજનોનો વિનાશ મને મારા વિનાશ કરતાંય વધુ દુઃખદાયક છે. મારે તેમના જીવનની રક્ષા કરવી જોઈએ.’ તે મધરાતે દિવ્ય આભૂષણો પહેરીને રાજાના શયનખંડમાં જઈ પહોંચ્યા, આખા ખંડને પ્રકાશિત કરીને રાજાના માથા આગળ ઊભા રહીને રુદન કરવા લાગ્યા. રાજા તેમને જોઈને ડરી ગયો. તેમની સાથે વાત કરતાં રાજાએ કહ્યું, ‘હે આકાશચારી, શુદ્ધ વસ્ત્ર પહેરીને ઊભેલા, તમે કોણ છો? તમે શા માટે આંસુ સારો છો. તમારા ઉપર કયું દુઃખ આવી પડ્યું છે?’ એટલે દેવપુત્રે કહ્યું, ‘મહારાજ, તમારા રાજ્યમાં મને સાઠ હજાર વર્ષ થયાં. મને બધા ભદ્રશાલ કહે છે. નગરનિર્માણ થયું ત્યારે, આ ગૃહ બંધાવ્યું ત્યારે, નાનામોટા મહેલ બંધાવ્યા ત્યારે મને કોઈએ દુઃખ પહોંચાડ્યું ન હતું. તેમણે જેવી રીતે મારી પૂજા કરી તેવી રીતે તમે પણ પૂજા કરો.’ રાજાએ કહ્યું, ‘તમારા જેટલું મોટું વૃક્ષ મને ક્યાંય ન દેખાયું. તમારું વૃક્ષ લાંબું પહોળું છે, બહુ સુંદર છે. હું એક થાંભલાવાળો મહેલ બનાવવા માગું છું, હું તમને ત્યાં લઈ જઈશ. હે યક્ષ, તમે ત્યાં દીર્ઘજીવી રહેશો.’ આ સાંભળી દેવપુત્રે કહ્યું, ‘જો મને મારા શરીરથી અલગ કરવાનો વિચાર તમારો હોય તો મને કાપીને ટુકડે ટુકડા કરી નાખજો. પહેલાં આગલો ભાગ કાપજો, પછી વચલો અને છેલ્લે મૂળિયાં. આમ કરવાથી મારું મૃત્યુ દુઃખદ નહીં નીવડે.’ રાજાએ આ સાંભળી કહ્યું, ‘જીવતાં જીવત, હાથપગ કાપવાથી, કાનનાક કાપવાથી, પછી મસ્તક કાપવાથી થતું મૃત્યુ તો દુઃખદાયક હોય છે. હે ભદ્રશાલ, શું ટુકડેટુકડા કરીને કપાઈ જવાથી સુખ થાય છે? શા માટે તમે ટુકડેટુકડા થઈને કપાઈ જવા માગો છો?’ ‘હે મહારાજ, હું શા માટે ટુકડેટુકડા થઈને કપાઈ જવા માગું છું તે સાંભળો. મારી આસપાસ તડકો પવનથી બચીને સુખેથી મોટાં થયેલાં વૃક્ષો છે. હું જો એક વાર સમૂળગું કપાઈ જઉં તો એમની હિંસા થાય, એમનું દુઃખ વધી જાય.’ આ સાંભળી રાજાએ વિચાર્યું, આ દેવપુત્ર ધાર્મિક વૃત્તિવાળા છે. પોતાનું નિવાસસ્થાન ભલે નષ્ટ થાય પણ તે સ્વજનોના નિવાસસ્થાનનો નાશ થાય એવું ઇચ્છતા નથી. તે સ્વજનો ઉપર ઉપકાર કરવા માગે છે. હું તેમને અભયદાન આપીશ. તેમણે સંતોષ પામી કહ્યું, ‘હે ભદ્રશાલ, જે વિચારવું યોગ્ય છે તે તમે વિચારો છો. તમે સ્વજનોના હિતેચ્છુ છો. હે મિત્ર, હું તમને અભયદાન આપું છું.’ દેવપુત્રે રાજાને ધર્મોપદેશ આપ્યો. રાજા તે ઉપદેશ પ્રમાણે દાનપુણ્ય કરતાં સ્વર્ગે સિધાવ્યા.
મહાજનક જાતક
પ્રાચીન કાળમાં વિદેહ દેશની મિથિલા નગરીમાં મહાજનક નામનો રાજા થઈ ગયો. તેમના બે પુત્ર — અરિટ્ઠજનક અને પોળજનક. જે મોટો હતો તેને ઉપરાજ બનાવ્યો અને નાનાને સેનાપતિ. મહાજનકના મૃત્યુ પછી મોટો રાજા બન્યો, નાનાને રાજાએ ઉપરાજા બનાવ્યો. રાજાના એક સેવકે તેમની પાસે જઈને કહ્યું, ‘દેવ, ઉપરાજા તમને મારી નાખવા માગે છે.’ વારંવાર એકની એક વાત સાંભળીને રાજાએ તે માની લીધી. અને પોળજનકને સાંકળોથી બાંધી, રાજમહેલથી દૂર એક મકાનમાં નજરકેદ કર્યો. કુમારે સત્યક્રિયા કરી. ‘જો હું ભાતૃદ્રોહી હોઉં તો મારી સાંકળો અને બારણાં ન ખૂલે અને જો ભાતૃદ્રોહી ન હોઉં તો સાંકળો ખૂલી જાય, બારણાં પણ ખૂલી જાય.’તે વેળા સાંકળોના ટુકડેટુકડા થઈ ગયા અને બારણાં પણ ખૂલી ગયાં. તે ત્યાંથી નીકળીને કોઈ પ્રત્યન્ત ગામમાં રહેવા લાગ્યો. ગ્રામજનોએ તેને ઓળખીને તેની પરોણાગત કરી. રાજા તેને પકડાવી ન શક્યો. ધીમે ધીમે તે જનપદ તેના હાથમાં આવી ગયું. તેના ઘણા બધા અનુયાયીઓ થઈ ગયા ત્યારે તેણે વિચાર્યું, ‘પહેલાં તો ભાઈ મારો દુશ્મન ન હતો પણ હવે હું દુશ્મન થયો છું.’ તે ઘણા બધાને લઈને મિથિલા પહોંચ્યો, નગરની બહાર ડેરાતંબૂ નાખ્યા. નગરવાસીઓને જ્યારે ખબર પડી કે પોળજનક આવ્યો છે ત્યારે તેમાંના ઘણા બધા હાથી, અન્ય વાહન લઈને તેની પાસે પહોંચ્યા, બીજા નાગરિકો પણ આવ્યા. તેણે ભાઈને સંદેશો મોકલ્યો, ‘પહેલાં હું તમારો દુશ્મન ન હતો, પણ હવે છું. કાં તો રાજ્ય આપો કાં તો યુદ્ધ કરો.’ રાજાએ યુદ્ધે જતાં પહેલાં પટરાણીને બોલાવી. ‘જો યુદ્ધમાં જયપરાજય વિશે કશું કહી ન શકાય, જો મારા માથે આફત આવે તો તું તારા ગર્ભની રક્ષા કરજે.’ આમ કહી તે યુદ્ધમેદાને ગયો. પોળજનકના સૈનિકોએ તેને મારી નાખ્યો. આખા નગરમાં રાજાના મૃત્યુના સમાચાર ફેલાઈ ગયા. દેવીને પણ આ જાણ થઈ એટલે સોના જેવી મૂલ્યવાન વસ્તુઓ ટોપલીમાં મૂકી, ઉપર ચીંથરાં ઢાંક્યાં, એના પર ચોખા વેર્યા, મેલાંદાટ કપડાં પહેર્યાં, શરીરને થોડું કદરૂપું બનાવ્યું, ટોપલી માથે મૂકીને દિવસે જ તે નીકળી પડી. કોઈએ તેને ઓળખી નહીં. તે ઉત્તર દ્વારેથી નીકળી, પહેલાં ક્યારેય બહાર નીકળી ન હોવાને કારણે રસ્તાની ખબર ન પડી, તેને માત્ર એટલી ખબર કે કોઈ કાલચંપાનગર છે, એટલે તે બેસીને પૂછવા લાગી કે કોઈ કાલચંપાનગર જાય છે. તેના પેટમાં કોઈ સામાન્ય જીવ ન હતો. પારમિતાઓની પૂર્તિ કરનાર બોધિસત્ત્વ તેના પેટમાં હતા. તેના તેજથી શક્રભવન ડોલવા લાગ્યું. શક્રે ધ્યાન ધરીને જોયું તો કારણની ખબર પડી. તેમણે વિચાર્યું, ‘આ ગર્ભસ્થ જીવ મહાપુણ્યશાળી છે. મારે જવું પડશે.’ તેમણે એક પરદાવાળો રથ તૈયાર કરાવ્યો. તેમાં પથારી કરી, વૃદ્ધના વેશે રથ હાંકતા શાળાના બારણે પહોંચી દેવી જ્યાં બેઠી હતી ત્યાં આવીને તેમણે પૂછ્યું, ‘કોઈને કાલચંપાનાગર જવું છે?’ ‘હા, મારે જવું છે.’ ‘તો રથમાં બેસી જાઓ.’ ‘ભાઈ, મને છેલ્લા દિવસ જાય છે. હું રથ પર ચઢી નહીં શકું. હું પાછળ પાછળ ચાલીશ. આ ટોપલી રથમાં મૂકી દો.’ ‘અરે એ શું બોલ્યાં? મારા જેવો રથ ચલાવનાર બીજો કોઈ નથી. બીશો નહીં. આવી જાઓ.’ શક્રે પોતાના પ્રતાપથી પૃથ્વીને થોડી ઊંચે કરી, રથના પાછલા ભાગની લગોલગ કરી દીધી. પથારીમાં સૂતાં જ દેવીએ જાણી લીધું કે આ કોઈ દેવતા હોવો જોઈએ. દિવ્ય પથારીમાં પડતાં વેંત તેને ઊંઘ આવી ગઈ. ત્રીસ યોજનનું અંતર વટાવીને તેઓ એક નદીકાંઠે પહોંચ્યા, શક્રે તેને જગાડીને કહ્યું, ‘બહેન, રથમાંથી ઊતરીને નદીમાં સ્નાન કરો. ત્યાં વસ્ત્રો પડ્યાં છે, તે પહેરી લેજો. રથમાં ભોજનની સામગ્રી છે. તે જમી લેજો.’ દેવીએ એમ જ કર્યું. અને ફરી સૂઈ ગઈ. સાંજે ચંપાનગર પહોંચ્યાં. ત્યાંનાં બારણાં, અગાસી જોઈને તેણે પૂછયું, ‘ભાઈ, આ નગરનું શું નામ?’ ‘બહેન, ચંપાનગર.’ ‘શું કહો છો? શું આપણા નગરથી ચંપાનગર સાઠ યોજન દૂર નથી?’ ‘હા, એ તો છે જ, પરંતુ ટૂંકા રસ્તાની મને ખબર છે.’ શક્રે તેને નગરના દક્ષિણ દ્વારે ઉતારી દીધી અને કહ્યું, ‘બહેન, મારું ગામ હજુ આગળ છે. હવે તમે નગરમાં જાઓ.’ થોડે આગળ જઈને શક્ર અંતર્ધાન થઈ સ્વર્ગે ગયા. દેવી પણ એક શાળામાં બેઠી. તે વેળા એક ચંપાવાસી મંત્રપાઠી બ્રાહ્મણ પોતાના પાંચસો શિષ્યોને લઈને સ્નાન કરવા નીકળ્યો હતો. તેણે દૂરથી આ સુંદર નારીને ત્યાં બેઠેલી જોઈ. પેટમાંના બાળકના પ્રતાપે તેને જોતાંવેંત મનમાં નાની બહેન જેવો પ્રેમ ઉભરાયો. શિષ્યોને ત્યાં જ મૂકીને એકલા શાળામાં પહોંચીને તેણે પૂછ્યું, ‘બહેન, ક્યા ગામમાંથી આવે છે?’ ‘હું મિથિલાના રાજા અરિટ્ઠજનકની પટરાણી છું.’ ‘અહીં કેમ?’ ‘પોળજનકે મારા પતિને મારી નાખ્યો. હું ગભરાઈને બાળકનો જીવ બચાવવા ભાગી નીકળી.’ ‘આ નગરમાં કોઈ સગાસંબંધી છે?’ ‘ના.’ ‘ચિંતા ન કર. હું બ્રાહ્મણ મહાશાલ આચાર્ય છું. હું તને બહેન માનીને તારું ભરણપોષણ કરીશ, તું ભાઈ કહીને મારા પગ પકડીને રડ.’ તે રડતી રડતી તેના પગે પડી. બંને ભેગા થઈને રડ્યાં. શિષ્યોએ ત્યાં આવીને પૂછ્યું, ‘આચાર્ય, આ કોણ છે?’ ‘મારી નાની બહેન છે. થોડા સમય પહેલાં તે મારાથી વિખૂટી પડી ગઈ હતી.’ તેને જોયા પછી શિષ્યોએ કહ્યું, ‘આચાર્ય, ચિંતા ન કરતા.’ પરદાવાળા રથમાં બેસાડી બ્રાહ્મણે શિષ્યોને કહ્યું, ‘હવે બ્રાહ્મણીને કહેજો કે આ મારી બહેન છે. જોઈતું કરતું કરે.’ એમ દેવીને ઘેર મોકલી દીધી. બ્રાહ્મણીએ તેને ગરમ પાણીથી નવડાવી પથારી કરીને સૂવડાવી. બ્રાહ્મણ નાહીને આવ્યો. ભોજન વેળાએ તેને બોલાવી. તેની સાથે ભોજન કરીને પછી પોતાના જ ઘરમાં રાખી તેની દેખભાળ કરી. થોડા સમયે પુત્રજન્મ થયો. દાદાના નામ પરથી તેનું નામ મહાજનક કુમાર પાડ્યું, તે મોટો થવા લાગ્યો. બીજાં બાળકો સાથે રમતી વખતે જો તેઓ તેને પજવતા તો તે શુદ્ધ ક્ષત્રિય વંશમાં જન્મ્યો હોવાને કારણે અને બળવાન તથા અભિમાની હોવાને કારણે તે તેમને બહુ મારતો. તેઓ જોરજોરથી ચીસો પાડતા. જ્યારે કોઈ પૂછે કે તમને કોણે માર્યા ત્યારે તે કહેતા, ‘વિધવાના પુત્રે.’ કુમાર વિચારવા લાગ્યો, ‘આ લોકો દર વખતે મને વિધવાનો પુત્ર કેમ કહે છે? મારે માને પૂછવું પડશે.’ એક દિવસ તેણે પૂછયું, ‘મા, મારા પિતા કોણ છે?’ મા જૂઠું બોલી, ‘આ બ્રાહ્મણ તારા પિતા છે.’ તેણે ફરી એક દિવસ બાળકોને માર્યા. લોકોએ તેને વિધવાપુત્ર કહ્યો. તેણે કહ્યું, ‘શું બ્રાહ્મણ મારા પિતા નથી?’ તેમણે ઉત્તર આપ્યો, ‘બ્રાહ્મણ વળી તારો શું થાય છે?’ ત્યારે તે વિચારવા લાગ્યો, ‘આ લોકો એમ કહે છે કે બ્રાહ્મણ તારો શું થાય છે. મા મને કશું કહેતી નથી. તે સામે ચાલીને નહીં બતાવે. મારે એની પાસે બળજબરીથી કહેવડાવવું પડશે.’ એક વખત સ્તનપાન કરતી વેળા તેણે પૂછયું. ‘બોલ, મારા પિતા કોણ છે? જો નહીં બતાવે તો તારા સ્તન કરડી લઈશ.’ હવે તે તેને ખોટું કહી શકતી ન હતી. એટલે બોલી, ‘તું મિથિલાના અરિટ્ઠજનકનો પુત્ર છે. તારા પિતાને પોળજનકે મારી નાખ્યા. હું તને સાચવતી આ નગરમાં આવી ચઢી. આ બ્રાહ્મણ મને બહેન ગણીને ભરણપોષણ કરે છે.’ ત્યાર પછી તને કોઈ વિધવાપુત્ર કહે તો પણ ગુસ્સે ન થતો. તે સોળ વરસનો થયો ત્યાં સુધીમાં તો તેણે ત્રણ વેદ અને બધી વિદ્યાઓ શીખી લીધાં. તે અત્યંત રૂપવાન થયો. ‘પિતાનું રાજ્ય લઈશ’ એમ વિચારી તેણે માતાને પૂછ્યું, ‘મા, તારી પાસે કશું છે? નહીંતર વ્યાપાર કરી ધન કમાઈને રાજ્ય લઉં.’ ‘દીકરા, હું ખાલી હાથે નથી આવી. એક એક મોતી, મણિ તથા વજ્ર રાજ્યગ્રહણ કરવા પૂરતા છે. તે લઈને રાજ્ય મેળવ. વ્યાપાર ન કર.’ ‘મા, તે ધન પણ મારું છે, એમાંથી અડધું લઈ, સુવર્ણભૂમિ જઈ, બહુ ધન કમાઈને રાજ્ય મેળવીશ.’ તેણે અડધું ધન મંગાવ્યું, તેમાંથી સામાન ખરીદ્યો. પછી સુવર્ણભૂમિ જનારા વ્યાપારીઓની સાથે નૌકાઓ પર સામાન મુકાવી માતાને કહ્યું, ‘મા, હું સુવર્ણભૂમિ જઈશ.’ ‘દીકરા, સમુદ્રમાં લાભ ઓછા છે, નુકસાન વધારે છે. ના જઈશ. રાજ્ય મેળવવા તારી પાસે બહુ ધન છે.’ ‘મા, હું તો જઈશ.’ કહીને, માને પ્રણામ કરી તે નૌકામાં ચઢ્યો. તે દિવસે પોળજનકને કોઈ રોગ લાગ્યો. તે પથારીમાંથી બેઠો ન થયો. સાતસો માણસો નૌકાઓમાં બેઠા. સાત દિવસમાં નૌકા સાતસો યોજન ગઈ. તે બહુ વેગે આગળ જઈ ન શકી. તોડફોડ થઈ. ઠેકાણે ઠેકાણેથી પાણી નીકળ્યું. ભર દરિયે નૌકા તૂટી ગઈ. લોકો રડવાકકળવા લાગ્યા. વિવિધ દેવદેવીઓની પ્રાર્થનાઓ કરી. બોધિસત્ત્વ ન રડ્યા ન કકળ્યા, કોઈ દેવની પ્રાર્થના ન કરી. જ્યારે ખ્યાલ આવ્યો કે હવે નૌકા ડૂબી જશે ત્યારે ઘી-સાકરનું ભોજન પેટ ભરીને કર્યું. પછી બે ચીકણા કપડાંમાં તેલ લગાવી એ કપડે શરીર વીંટાળ્યું, કૂવાથંભના ટેકે ઊભા રહ્યા. નૌકા ડૂબવા આવી ત્યારે કૂવાથંભે ચડી ગયો. લોકોને માછલાં કાચબા ખાઈ ગયા. બધું પાણી રાતુંચોળ બની ગયું. કૂવાથંભ પર ચઢતી વખતે જ બોધિસત્ત્વે વિચાર્યું હતું કે મિથિલા નગરી આ દિશામાં છે. પછી કૂવાથંભથી કૂદીને, માછલાં અને કાચબાઓને મારીને, બળવાન હોવાને કારણે આગળ કૂદી પડ્યો. તે જ દિવસે પોળજનકનું મૃત્યુ થયું. ત્યાર પછી બોધિસત્ત્વ મણિવર્ણ મોજાંઓમાં સુવર્ણદંડની જેમ તરવા લાગ્યા. એક સપ્તાહ તરતા રહ્યા. સમય થાય ત્યારે ખારા પાણી વડે મોં ધોઈને ઉપોસથ વ્રત કરતા રહ્યા. તે સમયે ચારે લોકપાલોએ મણિમેખલા નામની દેવકન્યાને સમુદ્રરક્ષક તરીકે નિમી હતી. માતાપિતાની સેવા કરતું અને બીજા ગુણોવાળું જે પ્રાણી સમુદ્રમાં પડવા અપાત્ર હોય અને છતાં જો પડે તો તેનું ધ્યાન રાખવાની કામગીરી તેને સોંપી હતી. તેણે તે સાત દિવસોમાં સમુદ્ર તરફ ધ્યાન ન આપ્યું. સંપત્તિનો આનંદ મેળવવા રહેવાને કારણે તે સ્મૃતિ મૂઢ થઈ ગઈ હતી. એમ પણ કહેવાયું કે તે ‘દેવ-સમાગમ’માં ગઈ હતી. તેણે વિચાર્યું, ‘મારે સમુદ્ર તરફ ધ્યાન આપવાને તો સાત દિવસ થઈ ગયા. અત્યારે શી સ્થિતિ છે?’ તેણે બોધિસત્ત્વને જોઈને વિચાર્યું, ‘જો મહાજનક કુમાર સમુદ્રમાં મૃત્યુ પામશે તો મને દેવસંમેલનમાં પ્રવેશવા પણ નહીં મળે.’ બોધિસત્ત્વથી થોડી દૂર અલંકૃત શરીર વડે આકાશમાં ઊભા રહી બોધિસત્ત્વની કસોટી કરવા બોલી, ‘આ કોણ છે જે સમુદ્રકાંઠાને જોતો ન હોવા છતાં પ્રયત્ન કરી રહ્યો છે? તું શું માનીને આવો પ્રયત્ન કરે છે?’ બોધિસત્ત્વે વિચાર્યું, ‘આજે મને સમુદ્રમાં તરતા સાતમો દિવસ થઈ ગયો છે, મેં કોઈ બીજું પ્રાણી જોયું નથી. મારી સાથે આ કોણ વાત કરે છે?’ આકાશ સામે જોઈને તે બોલ્યો, ‘હે દેવી, લોકના કર્તવ્ય અને પ્રયત્નનો વિચાર કરતા રહેવાને કારણે કાંઠો ન દેખાતો હોવા છતાં હું સમુદ્રમાં પ્રયત્ન કરી રહ્યો છું.’ તેણે કુમારની ધર્મકથા સાંભળવાની ઇચ્છાથી બીજી કથા કહી, ‘ઊંડા, અસીમ સાગરમાં જ્યારે કાંઠો પણ દેખાતો ન હોય ત્યારે તારો પ્રયત્ન મિથ્યા છે. કાંઠે પહોંચતાં પહેલાં જ તું મૃત્યુ પામીશ.’ ‘આ સ્ત્રી શું કહે છે, હું પ્રયત્ન કરતાં કરતાં મૃત્યુ પામીશ તો નિંદાથી તો બચી જઈશ’ એમ વિચારી તે બોલ્યો, ‘જે માનવીનું કર્તવ્ય કરે છે તે સ્વજનોના, દેવતાઓના, પિતૃઓના ઋણમાંથી મુક્ત થઈ જાય છે.’ હવે દેવીએ કહ્યું, ‘જે પ્રયત્ન કરવા છતાં અસાધ્ય છે, જેનું કોઈ પરિણામ નથી, જેમાં દુઃખ દુઃખ જ છે, અને જેનું નિશ્ચિત પરિણામ મૃત્યુ જ છે એવા પ્રયત્નથી શો લાભ?’ આમ સાંભળી બોધિસત્ત્વે દેવીને નિસ્તેજ કરવા કહ્યું, ‘ઉદ્દેશ પૂર્ણ થવાનો નથી તે જાણીને જે પોતાના પ્રાણની રક્ષા કરતો નથી, તે જો પ્રયત્ન મૂકી દે તો તે તેના પ્રમાદનું પરિણામ છે. દેવી, આ લોકમાં કેટલાક અમુક ચોક્કસ વિશેષ હેતુથી કોઈ કામમાં પરોવાય છે. તે પૂરું થાય, અને ન પણ થાય. હે દેવી, મારા આ કર્મનું ફળ તમે જોઈ શકતા નથી? બીજાઓ ડૂબી ગયા. હું હજુ પણ તરી રહ્યો છું અને તમારું દર્શન થયું. આમ હું યથાશક્તિ, યથાબળ સમુદ્ર તરવાનો પ્રયત્ન કરીશ. હું માનવકર્તવ્ય કરીશ.’ દેવીએ તેની દૃઢ પ્રતિજ્ઞા સાંભળીને તેની પ્રશંસા કરતાં કહ્યું, ‘જો તું આ પ્રકારે અસીમ, મહાસમુદ્રમાં પણ તારું ધાર્મિક પ્રયત્ન — કર્મ નથી ત્યજી રહ્યો તો જ્યાં જવા તું ઇચ્છે છે ત્યાં પહોંચી જા.’ આમ કહી દેવીએ તેને પૂછ્યું, ‘મહાપરાક્રમી પંડિત, તને ક્યાં પહોંચાડું?’ ‘મિથિલા નગરી.’ કોઈ બે હાથમાં હાર ઊંચકે કે પોતાના વહાલા પુત્રને છાતીએ વળગાળે તેમ બોધિસત્ત્વને ઊંચકીને તે આકાશમાં ઊડી. ખારા પાણીમાં રહેવાને કારણે તેનું શરીર તતડી ગયું હતું. દિવ્ય સ્પર્શને કારણે તેને ઊંઘ આવી ગઈ. તે બોધિસત્ત્વને મિથિલા લઈ ગઈ. અને આંબાવાડિયાની મંગલ શિલા પર સૂવડાવી દીધો. ઉદ્યાન દેવતાઓને તેની રક્ષાનો ભાર સોંપીને તે પોતાના નિવાસે ચાલી ગઈ. પોળજનકને કોઈ પુત્ર ન હતો. તેને એક પુત્રી હતી, તેનું નામ સીવલી દેવી, તે વિદુષી હતી. જે સમયે રાજા મરણપથારીએ હતો ત્યારે તેને પૂછ્યું હતું, ‘દેવ, તમે ન હો તો રાજ્ય કોને આપવું?’ ‘મારી પુત્રી સીવલીને જે યોગ્ય લાગે, જે પલંગના માથાનો ભાગ જાણતો હોય, જે હજાર બળવાળા ધનુષને ઊંચકી શકે અને જે સોળ નિધિઓ કાઢીને લાવે તેને રાજ્ય સોંપવું.’ ‘દેવ, આ નિધિઓ વિશે કહો,’ ‘સૂર્યોદય થવાના સ્થાને નિધિ છે, સૂર્યાસ્ત થવાના સ્થાને નિધિ છે. નિધિ અંદર છે, નિધિ બહાર છે. ‘નહીં અંદર, નહીં બહાર’ નિધિ છે. ચઢવાની જગાએ નિધિ છે, ઊતરવાની જગ્યાએ નિધિ છે. ચારે મહાશાલ અને ચારે યોજનભરમાં નિધિ છે. દાંતોની આગળ નિધિ છે, વાળના મસ્તક પર, પાણીમાં મોટાં વૃક્ષો પર — આ સોળ જગ્યાએ મહાનિધિ છે.’ રાજાના મૃત્યુ પછી તેની ઉત્તરક્રિયા કરીને સાતમા દિવસે મંત્રીઓ એકઠા થયા. ‘રાજાએ કહ્યું છે કે મારી પુત્રીને જે ગમે તેને રાજ્ય સોંપવું. તેને કોણ સંતોષ આપી શકશે?’ તેમણે સેનાપતિને પ્રિય પાત્ર સમજી સંદેશો મોકલાવ્યો તેણે હા પાડી, રાજ્યાર્થી થઈને રાજમહેલ પહોંચ્યો. રાજકન્યાને પોતાના આગમનના સમાચાર મોકલ્યા. સેનાપતિના આવવાના કારણની તેને ખબર પડી ત્યારે રાજ્યછત્ર ધારણ કરવાની ક્ષમતા છે કે નહીં તેની પરીક્ષા કરવા જલદી આવવા કહેવડાવ્યું. જ્યાં નિસરણી હતી ત્યાંથી તે ઉતાવળે જઈને રાજક્ન્યા પાસે ઊભો રહી ગયો. તેણે તેની કસોટી કરવા કહ્યું, ‘આ ઊંચા સ્થળે ઉતાવળે દોટ મૂક.’ રાજકન્યાને પ્રસન્ન કરવા તે જોરથી કૂદ્યો. તેણે ફરી કહ્યું, ‘આવ.’ એટલે તે ઝડપથી ગયો. તેનામાં તેને ક્ષમતા ન વરતાઈ, પછી તેણે કહ્યું, ‘આવો અને મારા પગ દબાવો.’ તે તેને પ્રસન્ન કરવા નીચે બેસીને પગ દબાવવા લાગ્યો. રાજકન્યાએ તેની છાતીમાં લાત મારી એને પાડી નાખ્યો, દાસીઓને કહ્યું,‘આ આંધળા, મૂરખ, ક્ષમતાહીન માણસને મારીને, ગરદનથી પકડી બહાર લઈ જાઓ.’ તેમણે એમ જ કર્યું. લોકોએ પૂછ્યું, ‘સેનાપતિ, કેવું રહ્યું?’ તેણે કહ્યું, ‘અરે વાત જ ન પૂછતા. આ સ્ત્રી નહીં, યક્ષિણી છે.’ પછી ખજાનચી ગયો, તેને પણ એવી જ રીતે લજ્જાસ્પદ બનાવ્યો. પછી શ્રેષ્ઠી, છત્રધારક, અસિગ્રાહક — આ બધાને લજ્જાસ્પદ કર્યા. પછી લોકોએ વિચાર્યું, ‘રાજકન્યાને પ્રસન્ન કરનાર તો દેખાતો નથી. હજાર બળના ધનુષની પણછ જે ચઢાવી શકે તેને રાજ્ય આપીએ.’ તે ધનુષ પણ કોઈ ચઢાવી ન શક્યું. પછી કહ્યું,‘પલંગના માથાના કોઈ જાણકારને આપીએ.’ તેનો જાણકાર કોઈ ના મળ્યો. પછી સોળ મહાનિધિ લાવનારને આપીએ, તો નિધિ પણ કોઈ શોધી ન શક્યું. તેઓ વિચારમાં પડી ગયા, ‘રાજા વગર રાજ્યની રક્ષા થઈ ન શકે. તો શું કરીશંુ?’ પુરોહિતે કહ્યું,‘ચિંતા ના કરો. પુણ્યરથ છોડી મૂકો. પુણ્યરથ વડે પ્રાપ્ત થયેલ રાજા આખા જંબુદ્વીપનું રાજ્ય કરી શકે.’ બધાએ તે વાત સ્વીકારી અને નગરને શણગાર્યું. મંગલરથમાં ચાર કુમુદવર્ણા અશ્વ જોડ્યા. પછી ઉપર વસ્ત્ર ઢાંકી, પાંચેય રાજચિહ્ન લગાવ્યાં, તેની ચારે બાજુ ચતુરંગિણી સેના ગોઠવી. સ્વામીવાળા રથમાં વાજાં આગળ વાગે અને સ્વામી વગરના રથમાં વાજાં પાછળ વાગે. એટલે પુરોહિતે વાજાં પાછળ વગડાવ્યાં. પછી રથનાં વાજાં અને બીજાને સુવર્ણઝારીથી અભિષિક્ત કર્યાં અને કહ્યું, ‘જે રાજ કરવા પુણ્યશાળી છે તેની પાસે જા.’ રથ રાજગૃહની પ્રદક્ષિણા કરીને ઘોષણાપથ પર ચાલ્યો. સેનાપતિ અને બીજા વિચારવા લાગ્યા, ‘રથ મારી પાસે આવશે, મારી પાસે આવશે.’ પણ તે બધાને ઓળંગી, નગરની પ્રદક્ષિણા કરીને પૂર્વ દ્વારેથી નીકળી ઉદ્યાનની દિશામાં ગયો. તેને બહુ ઝડપથી આવતો જોઈ લોકોએ તેને રોકવા કહ્યું, પણ પુરોહિતે ના પાડી, ‘એને રોકો નહીં. ભલે તે સો યોજન જાય.’ રથ ઉદ્યાનમાં પ્રવેશ્યો અને મંગલ શિલાની પ્રદક્ષિણા કરીને આગળ ચાલવા તૈયાર થયો. પુરોહિતે બોધિસત્ત્વને ત્યાં પડેલો જોયો. મંત્રીઓને કહ્યું, ‘જુઓ, શિલા પર એક માણસ સૂતો છે. તેનામાં શ્વેત છત્ર ધારણ કરવાની ક્ષમતા છે કે નહીં તે કહી ન શકાય. જો પુણ્યશાળી હશે તો આ બાજુ જોશે; જો સાવ મુફલિસ હશે તો ડરી જઈ, ગભરાઈને ઊભો થઈ જશે, ધૂ્રજતો ધ્રૂજતો આ તરફ જોશે. જલદી બધાં વાજાં વગાડવો. તે સમયે ઘણાં વાજાં વાગવા લાગ્યાં. જાણે સાગર ગરજ્યો. બોધિસત્ત્વની આંખો ખૂલી ગઈ, જરા માથું ઊંચું કરીને લોકોને જોયા, માની લીધું કે શ્વેત છત્ર લઈને આવ્યા હશે. પછી માથું ઢાંકીને પડખું ફરીને પડી રહ્યો. પુરોહિતે પગ ઉઘાડા કરીને જોયું, તેને લક્ષણોથી ખ્યાલ આવી ગયો કે એક દ્વીપ તો શું તે ચારે દ્વીપો પર રાજ્ય કરી શકે એમ છે. તેણે ફરી વાજાં વગડાવ્યાં. બોધિસત્ત્વે મોં પર ઢાંકેલું વસ્ત્ર ઉઘાડી, ફરી પાછું પડખું બદલીને લોકો તરફ નજર કરી. પુરોહિતે લોકોને દૂર કર્યા, હાથ જોડીને પ્રાર્થના કરી, ‘દેવ, ઊભા થાઓ. તમારે રાજ્યપ્રાપ્તિનો અવસર આવ્યો છે.’ ‘રાજા ક્યાં ગયા?’ ‘તેમનું મૃત્યુ થયું.’ ’તેમને પુત્ર કે ભાઈ નથી?’ ‘ના, નથી.’ ‘ભલે, રાજ કરીશ.’ એમ કહી શિલા પર પલાંઠી વાળીને તે બેઠા. તેમનો અભિષેક ત્યાં જ કર્યો. મહાજનક રાજા થયા. વૈભવપૂર્ણ રીતે તેઓ નગરમાં પ્રવેશ્યા. રાજમહેલમાં જતાં જતાં જ તેમણે વિચાર્યું કે સેનાપતિ જેવા પદે જેઓ છે તેઓને એ પદે રાખી જ મૂકવા. રાજકન્યાએ તેની પરીક્ષા લેવા એક સેવકને મોકલ્યો, ‘જા, રાજાને જઈને કહે કે સીવલી દેવી તમને બોલાવે છે, જલદી ચાલો.’ રાજા પંડિત હતા. તેની વાત સાંભળી ન સાંભળી કરીને મહેલની પ્રશંસા કરતા રહ્યા, ‘મહેલ તો બહુ સુંદર છે.’ તેણે વાત સાંભળી જ નહીં એટલે દેવી પાસે જઈને બોલ્યો, ‘આ રાજા તમારી વાત સાંભળતા નથી. મહેલની જ પ્રશંસા કરતા રહ્યા. તમને તો તણખલા જેટલુંય ગણતા નથી. મહાન આશયવાળો પુરુષ હશે.’ રાજકન્યાએ સેવકે બીજી વાર, ત્રીજી વાર મોકલ્યો. રાજા પોતાની ઇચ્છાથી, સ્વાભાવિક ગતિથી સિંહની જેમ જાગ્રત રહી મહેલમાં પ્રવેશ્યા. તે પાસે આવ્યા એટલે તેમના તેજને કારણે રાજકન્યા પોતાને સંભાળી ન શકી. રાજાએ પોતાના હાથનો ટેકો આપ્યો. તેનો હાથ ઝાલીને તે મહેલના ઉપલા ભાગે ચઢ્યા, શ્વેતછત્ર નીચે સિંહાસન પર બેસીને મંત્રીઓને પૂછ્યું, ‘રાજાએ મરતી વખતે કોઈ ખાસ વાત કરી હતી ખરી?’ ‘હા, દેવ.’ ‘તો કહો,’ ‘તેમણે એવું કહ્યું હતું કે સીવલી દેવીને જે ગમે તેને રાજ આપવું.’ ‘સીવલી દેવીએ આવીને હાથનો ટેકો મેળવ્યો એટલે તે પ્રસન્ન છે. હવે બીજી વાત કહો.’ ‘દેવ, પલંગનો માથાવાળો ભાગ કયો છે તે જાણનારને રાજ્ય આપવું.’ રાજાએ વિચાર્યું, ‘આ જાણવું અઘરું છે. પરંતુ કોઈ ઉપાય વડે જાણી શકાય ખરું.’ તેમણે માથામાંથી સુવર્ણસોય કાઢીને દેવીના હાથમાં મૂકી — આને મૂકી દો. તેણે તેમની પાસેથી લઈને પલંગના માથા પર મૂકી. તલવાર આપો એમ પણ કહેવાયું. પછી એ સાંભળ્યું ન સાંભળ્યું કરીને પૂછ્યું,‘શું કહો છો?’ તેમણે ફરી એ વાત બેવડાવીને કહ્યું, ‘આ જાણવું કંઈ આશ્ચર્યની વાત નથી. આ માથાવાળો ભાગ છે બીજું શું?’ ‘દેવ, આજ્ઞા કરી હતી કે જે હજાર બળવાળા ધનુષની પણછ ચઢાવી શકે તેને રાજ આપવું.’ ‘તો મંગાવો.’ તેમણે ધનુષ મંગાવી, પલંગ પર બેઠા બેઠા જ સ્ત્રીઓ કપાસ લોઢે તેમ ચઢાવી દીધું. ફરી પૂછ્યું, ‘બીજું?’ ‘તેમણે કહેલું કે જે સોળ ખજાના શોધી કાઢે તેને રાજ્ય આપવું.’ ‘એનો કશો પત્તો છે ખરો?’ ‘હા, છે.’ તેમણે સુરિયગ્ગમણે નિધિ વગેરેની વાત કરી. આ સાંભળતાં જ આકાશના ચંદ્રની જેમ તેનો અર્થ સ્પષ્ટ થઈ ગયો. તેમણે મંત્રીઓને કહ્યું, ‘આજે સમય નથી. આવતી કાલે ખજાના કાઢીશું.’ બીજે દિવસે મંત્રીઓને બોલાવીને પૂછ્યું, ‘તમારા રાજા પ્રત્યેક બુદ્ધોને ભોજન કરાવતા હતા?’ ‘હા, દેવ.’ તેમણે વિચાર્યું, ‘સૂર્ય એટલે સૂર્ય નહીં. સૂર્ય જેવા હોવાને કારણે પ્રત્યેક બુદ્ધ સૂર્ય છે. તેમનું સ્વાગત કરવાની જગાએ ખજાનો હોવો જોઈએ.’ તેમણે પૂછ્યું, ‘પ્રત્યેક બુદ્ધોના આગમન સમયે તેમને લેવા રાજા ક્યાં સુધી જતા હતા?’ ‘આ સ્થાન સુધી.’ પછી તે સ્થળે ખોદાવી ખજાનો કાઢ્યો. ‘પ્રત્યેક બુદ્ધો જ્યારે પાછા જાય ત્યારે ક્યાં ઊભા રહીને તેમને વિદાય કરતા હતા?’ ‘આ જગ્યાએ.’ પછી ત્યાંથી ખજાનો કાઢો એમ કહી ખજાનો કઢાવ્યો. પ્રજાજનોએ હર્ષનાદ કર્યો. તેણે પ્રસન્ન થઈને કહ્યું, ‘સુરિયુગ્ગગણ’ કહેવાને કારણે સૂર્યોદયની દિશામાં ખોદતા ફરીએ અને અવગમન કહેવાને કારણે સૂર્યાસ્તની, દિશામાં ખોદતા ફરીએ. આ ધન તો અહીં જ છે. કેવું અચરજ. ‘અંદર ખજાનો છે’ એટલે રાજમહેલના મોટા દરવાજાના ઉબરા નીચેથી ખજાનો કાઢ્યો. ‘બહાર ખજાનો’ એટલે ઉબરાની બહારથી ખજાનો કઢાવ્યો. ‘ન અંદર — ન બહાર’ એટલે ઉબરાની નીચેથી ખજાનો કઢાવ્યો. ‘ચઢવાના સ્થાને’ એટલે મંગલ હાથી પર ચઢતી વખતે સોનાની નિસરણી મૂકવાની જગાએથી ખજાનો કઢાવ્યો.‘ઊતરવાના સ્થાને’ એટલે હાથી પરથી ઊતરવાના સ્થાનેથી ખજાનો કઢાવ્યો. ‘ચાર મહાશાલ’ એટલે જમીનમાં દાટેલા પલંગના ચાર પાયા શાલના હતા, તેની નીચેથી ખજાનાના ચરુ કઢાવ્યા. ‘ચારે તરફ યોજન જેટલા અંતરે’માં યોજનનો અર્થ રથયુગ. પલંગની ચારે બાજુ યુગ ભરના અંતરેથી ખજાનાના ચરુ કઢાવ્યા. ‘દાંતોની આગળ મહાનિધિ’ એટલે મંગલ હાથીના સ્થાન પર તેના બંને દંતૂશળની સામેના સ્થળેથી બે ખજાના કઢાવ્યા. ‘વાળના માથા પર’ એટલે મંગલ અશ્વના સ્થાને તેનું પૂછડું ઉડાવવાના સ્થળેથી ખજાનો કઢાવ્યો. ‘કેચુક’ એટલે પાણી. મંગલ પુષ્કરિણીમાંથી પાણી કઢાવી ખજાનો બતાવ્યો. ‘વૃક્ષોની નીચે’ એટલે પોતાના ઉદ્યાનમાં જ વિશાળ શાલ વૃક્ષની નીચે બરાબર મધ્યાહ્ને મંડલાકાર વૃક્ષની છાયાની અંદરથી ખજાનાના ચરુ કઢાવ્યા. ‘હવે બીજું કંઈ?’ ‘ના, દેવ. હવે કશું નહીં.’ પ્રજા ખૂબ રાજી થઈ. ‘આ ધનનું દાન કરીશ.’ એમ વિચારી રાજાએ નગરની વચ્ચે તથા ચારે દ્વાર આગળ ચાર — એમ પાંચ દાનશાલા ઊભી કરી. તેમને રાજ્ય કરવાનો આરંભ કર્યો ત્યારથી સમગ્ર વિદેહ દેશમાં તેમનું દર્શન કરવાની ધમાલ મચી ગઈ. ‘અરિટ્ઠજનક રાજાનો પુત્ર મહાજનક રાજા રાજગાદીએ છે. તે પંડિત છે. તેમને જોવા જઈએ.’ ચારે કોરથી લોકો ઘણી ઘણી ભેટો લઈને આવ્યા. નગરમાં મોટો ઉત્સવ થયો. રાજભવનમાં હાથીઓ પર વસ્ત્ર ઓઢાડ્યાં. સુવાસિત દ્રવ્યો, ફૂલહાર ચારે બાજુ થયા. પુષ્પ, સુગંધ, તડકાની અધિકતાને કારણે જરા અંધારું કરીને વિવિધ ભોજન વાનગીઓ તૈયાર થઈ. રાજાને ભેટ આપવા માટે સોના-ચાંદીનાં પાત્રોમાં વિવિધ ખાદ્યસામગ્રી, ફળફૂલ લઈને આમ તેમ એકઠા થઈને ઊભા હતા. એક બાજુ મંત્રીમંડળ બેઠું હતું. એક બાજુ બ્રાહ્મણ, એક બાજુ શ્રેષ્ઠીઓ. એક બાજુ ઉત્તમ રૂપ ધરાવતી નટીઓ, બ્રાહ્મણોમાં સ્વસ્તિવાચન અને મંગલ પાઠ કરનારા હતા. તેઓ મંગલ ગીતના કુશળ ગાયક હતા. તેમણે મંગળ ગીતો ગાયાં. સેંકડો વાજાં વાગ્યાં. રાજભવન સમુદ્રના પેટાળની જેમ ગાજી ઊઠ્યું, જ્યાં ને ત્યાં જાણે તે જ ગરજતો હતો.
બોધિસત્ત્વે શ્વેત છત્ર નીચે સિંહાસન પર બેઠા બેઠા ઇન્દ્રના જેવી સમૃદ્ધિ જોઈને મહાસમુદ્રમાં પોતાના પુરુષાર્થને યાદ કર્યો. તેમને થયું — પુરુષાર્થ કરવો જ જોઈએ. જો મેં મહાસમુદ્રમાં પુરુષાર્થ કર્યો ન હોત તો મને આ ઐશ્વર્ય પ્રાપ્ત ન થાત. તેમને બહુ આનંદ આવ્યો. એ આનંદમાં જ તે બોલવા લાગ્યા. ‘મનુષ્યે આશા રાખવી જોઈએ. પંડિતે કદી નિરાશ ન થવું. હું મારી વાત કરું તો મેં જેની જેની ઇચ્છા કરી તે બધું મળ્યું. હું પાણીમાંથી જમીન પર આવ્યો. મનુષ્યે પુરુષાર્થ કરતા રહેવું. પંડિતે કદી નિરાશ ન થવું. બુદ્ધિશાળીએ દુઃખમાં સુખની આશા ત્યજવી નહીં. બહુ દુઃખ અને સુખનો વિચાર કરનારા આમ જ મૃત્યુ પામે છે. જે આશાવાન નથી તે નાશ પામે છે, જે આશાવાન છે તે પણ નાશ પામે છે. સ્ત્રી કે પુરુષના વૈભવ ચિંતનયોગ્ય નથી.’ ત્યાર પછી દસ રાજધર્મ પાળીને ધર્માનુસાર રાજ્ય તે કરવા લાગ્યા, પ્રત્યેક બુદ્ધોની સેવા કરતાં રહ્યા. થોડા સમયે સીવલી દેવીએ ધન અને પુણ્યનાં લક્ષણોવાળા પુત્રને જન્મ આપ્યો. તેનું નામ દીર્ઘાયુકુમાર રાખવામાં આવ્યું. તે મોટો થયો એટલે તેને ઉપરાજપદે બેસાડ્યો. એક દિવસ માળી ફળ અને જાતજાતનાં ફૂલ લઈને આવ્યો. એ બધાંથી આનંદિત થઈને રાજાએ તેમનું સમ્માન કર્યું, અને પછી કહ્યું, ‘માળી, ચાલો ઉદ્યાન જોઈએ. એને શણગારો.’ માળીએ એની હા પાડીને ઉદ્યાન તૈયાર થયો છે એ સંદેશો રાજાને કહેવડાવ્યો. રાજા હાથી પર સવાર થઈને ઘણા સેવકોની સાથે ઉદ્યાનના દ્વારે પહોંચ્યા. ત્યાં બે ઘેરા લીલા રંગના બે આંબા હતા. એક પર કેરીઓ હતી, બીજા પર ન હતી. જ્યાં કેરીઓ હતી ત્યાં તે બહુ મીઠી હતી, રાજાએ એનો પહેલો ફાલ ચાખ્યો ન હતો એટલે કોઈ તેની કેરી ખાઈ શક્યું ન હતું. રાજાએ હાથી પર બેઠા બેઠા જ તે કેરી ખાધી. જીભ પર મૂકતાંવેંત તેને દિવ્યતાનો અનુભવ થયો. ‘પાછા વળતાં બહુ ખાઈશ.’ એવું તેમણે વિચાર્યું, રાજાએ પહેલી કેરી ખાઈ લીધી છે એ જાણીને ઉપરાજાથી માંડીને અશ્વપાળ સુધીના બધાએ કેરીઓ ખાધી. જેમને કેરી ન મળી તેમણે લાકડીઓ વડે ડાળીઓ તોડી નાખી, આંબો બોડો કરી નાખ્યો. બીજો આંબો મણિપર્વતની જેમ ચમકતો ઊભો હતો. રાજાએ ઉદ્યાનમાંથી બહાર નીકળતાં આંબો જોઈ પૂછ્યું. ‘આ શું?’ ‘દેવ, તમે પહેલું ફળ ખાઈ લીધું તે જાણીને લોકોએ એનો નાશ કરી નાખ્યો.’ ‘પરંતુ બીજા આંબાનાં ન પાન બગડ્યાં કે ન રંગ ઊડી ગયો.’ ‘દેવ, એના પર કોઈ ફળ ન હતું એટલે કશું ન થયું.’ રાજાના મનમાં વૈરાગ્ય આવ્યો. તે વિચારવા લાગ્યો, ‘આ આંબો ફળ વિનાનો હોવાથી તાજોમાજો છે. પેલો ફળવાળો હોવાને કારણે તેનો નાશ થયો. રાજ્ય પણ ફળાઉ વૃક્ષ જેવું નથી? પ્રવજ્યા ફળહીન વૃક્ષ જેવી છે. જેની પાસે કશું છે તેને ભય છે, જેની પાસે કશું નથી તે નિર્ભય છે. હું ફળાઉ વૃક્ષ જેવો નહીં પણ ફળ વગરના વૃક્ષ જેવો થઈશ. આ સંપત્તિ ત્યજીને પ્રવજ્યા લઈશ.’ તેમણે મનમાં દૃઢ સંકલ્પ કર્યો અને નગરમાં પ્રવેશી રાજમહેલના આંગણે જ સેનાપતિને બોલાવીને કહ્યું, ‘મહાસેનાપતિ, આજથી ભોજન લાવનાર, પાણી લાવનાર, દાતણ વગેરે લાવનાર સેવકો સિવાય મારી પાસે કોઈને આવવા ન દેતા. જૂના ન્યાયાધીશો, મંત્રીઓની મદદથી રાજ્યનો વહીવટ સંભાળો. હું સૌથી ઉપલા માળે જઈને શ્રમણ ધર્મ આચરીશ.’ એમ કહી મહેલના ઉપલા ભાગે જઈ એકલા એકલા શ્રમણધર્મ પાળવા લાગ્યા. આમ ખાસ્સો સમય વીત્યો એટલે પ્રજા રાજમહેલના આંગણે એકઠી થઈને કહેવા લાગી, ‘આપણા રાજા પહેલા જેવા નથી રહ્યા. અમારા સર્વના દિશાપતિ રાજા પહેલા જેવા રહ્યા નથી. તેઓ નૃત્યમાં ધ્યાન આપતા નથી, તેમને ગીત સારાં લાગતાં નથી; શિકાર,ઉદ્યાનક્રીડા ગમતા નથી. હંસોને જોતા નથી. તે મૂંગા બેઠા છે. રાજ્યનો વહીવટ કરતા નથી.’ રાજાનું મન કામવિલાસ, પ્રત્યે વિરક્ત થયું અને વિવેકની દિશામાં વળી ગયું. તે પોતાના કુટુંબના વિશ્વાસપાત્ર પ્રત્યેક બુદ્ધોને યાદ કરીને વિચારવા લાગ્યા કે મને તે શીલ વગેરે ગુણોવાળા, અકિંચન પ્રત્યેક બુદ્ધનું નિવાસસ્થાન કોણ બતાવશે? સુખની કામના ન કરનારા, શીલનો ઢંઢેરો ન પિટનાર, વધબંધનથી વિરત, નાના મોટા પ્રત્યેક બુદ્ધ આજે ક્યા વિહારમાં છે? તે તૃષ્ણા રહિત, ધૈર્યવાન મહર્ષિઓને મારાં પ્રણામ. તેઓ ઉત્સુક લોકમાં અનુત્સુક થઈને વિહાર કરે છે, માયા દ્વારા મજબૂત કરીને ફેલાવેલી તૃષ્ણાજાળને છેદીને, અનાસક્ત થઈને તેઓ ચાલ્યા જાય છે. તેમના નિવાસસ્થાને મને કોણ પહોંચાડશે? મહેલમાં રહીને જ શ્રમણ ધર્મ પાળતાં પાળતાં ચાર મહિના વીતી ગયા. તેમનું મન પ્રવજ્યા તરફ વધુ ઢળ્યું. ઘર નરક જેવું લાગવા માંડ્યું. ત્રણે ભવ સળગતા લાગ્યા. તેઓ વિચારવા લાગ્યા, ‘શક્રભવન જેવા સુસજ્જ મિથિલા નગરને ત્યજીને ક્યારે હિમાલયમાં પ્રવેશી પ્રવજ્યા લઈશ?’ તેમણે મિથિલા નગરીનું વર્ણન કરવા માંડ્યું. ‘સમૃદ્ધ, વિશાળ, બધી દિશાએથી પ્રકાશિત મિથિલા નગરીને ત્યજીને હું ક્યારે પ્રવજ્યા લઈશ? સમૃદ્ધ, વિભક્ત અને હિસ્સાઓમાં વહેંચાયેલી મિથિલા નગરીને ત્યજીને હું ક્યારે પ્રવજ્યા લઈશ? સમૃદ્ધ, અનેક પ્રાકારો, તોરણોવાળી મિથિલા નગરીને — સમૃદ્ધ, મજબૂત અગાસીઓવાળી, મિથિલા... સુવિભક્ત, મહામાર્ગવાળી મિથિલાને — દુકાનોવાળી... ગાય, અશ્વ અને રથથી ભરચક ઉદ્યાનોવાળી મિથિલા, મહેલોવાળી, ત્રણ નગરવાળી, રાજબંધુઓવાળી, યશસ્વી — પ્રસન્ન વિદેહે ઊભી કરેલી, ધનધાન્યથી પૂર્ણ, ધર્મરક્ષિત, વિદેહ નગરીને — રમણીય, વિભક્ત, માપેલા અંત:પુરવાળી, રમણીય, ચૂના, માટીથી લીંપેલા અંત:પુરને, રમણીય, પવિત્ર, મનોરમ અંત:પુરને... પવિત્ર, મનોરમ રક્તચંદનની અર્ચાવાળાં શિખરોને, ચિતરેલા, ઊનનાં આસ્તરણોવાળા સોનેરી પલંગોને, જુદાં જુદાં નગરનાં વસ્ત્રોને, ચક્રવાક જ્યાં ગુંજે છે, જ્યાં મંદાલક, પદ્મ, ઉત્પલોથી છવાયેલી પુષ્કરિણીઓને, અલંકારમંડિત, ગળામાં સુવર્ણમાલા ધરાવતા, સોનેરી આવરણવાળા, જેમની પીઠે તોમર અને અંકુશ લઈને બેઠેલા મહાવતવાળા હાથીઓને... અલંકૃત, શ્રેષ્ઠ જાતવાન, સૈન્ધવ, ઝડપી ગતિવાળા, જેના પર શસ્ત્ર, ધનુષબાણ લઈને સવારો બેઠા છે તેમને ત્યજીને હું પ્રવજ્યા ક્યારે લઈશ? રથની હારમાળાને, જે રથ સન્નદ્ધ છે, જેના પર ધજાપતાકા લહેરાય છે, જેના પર ચિત્તા અને વાઘનાં ચામડાં મઢેલાં છે, જે અલંકૃત છે, જેના પર ધનુર્ધારી, કવચધારી સારથિઓ બેઠા છે, જે સુવર્ણરથો છે, ચાંદીના રથ છે, ઘોડા જોડેલા રથ છે, ઊંટોવાળા, બળદવાળા, બકરાવાળા, ઘેટાવાળા, હરણવાળા રથને ત્યજીને ક્યારે પ્રવજ્યા લઈશ? સર્વ પ્રકારના અલંકારોથી શોભતા, નીલકવચધારી, શૂરવીર, તોમરવાળા ઘોડાસ્વારોને ત્યજીને, શસ્ત્રધારી, ધનુર્ધારી ઘોડેસ્વારોને ત્યજીને ક્યારે પ્રવજ્યા લઈશ? બધા અલંકારોથી શોભતા, ચિત્રધારી કવચધારી, શૂરવીર સુવર્ણમાલાવાળા, રાજપુત્રોને ત્યજીને, વસ્ત્રધારી, અલંકારધારી, કાંચનવર્ણ ચંદનની અર્ચા કરનારા, કાશીનાં ઉત્તમ વસ્ત્ર પહેરેલાં આર્યગણને ત્યજીને — હું ક્યારે પ્રવજ્યા લઈશ? સર્વ અલંકારોથી સુશોભિત સાતસો પત્નીઓને ત્યજીને, સાતસો આજ્ઞાકારિણી, પ્રિયભાષી પત્નીઓને, ત્યજીને હું પ્રવજ્યા ક્યારે લઈશ? સો રેખાઓવાળી સુવર્ણ થાળીને ત્યજીને હું પ્રવજ્યા ક્યારે લઈશ? ભિક્ષાપાત્ર હાથમાં લઈ, મુંડન કરાવી, ભિક્ષાટન માટે ફરું એવું ક્યારે બનશે? રસ્તા પર ફેંકેલાં ચીંથરાંનું વસ્ત્ર બનાવીને પહેરું એવું ક્યારે બનશે? આખો અવતાર વરસતા વરસાદમાં ભીનાં વસ્ત્ર પહેરીને ભિક્ષા માગતો ફરું એવું ક્યારે બનશે? આખો દિવસ એક વૃક્ષેથી બીજા વૃક્ષે અને એક વનમાંથી બીજા વને કોઈ પણ જાતની ઇચ્છા વિના ક્યારે ભમીશ? પર્વતો અને કિલ્લાઓમાં નિર્ભય બનીને ક્યારે ભમીશ? વીણાવાદક જેવી રીતે સપ્તતંત્રી વીણા સીધી કરે એવી રીતે મારા ચિત્તને હું સીધું ક્યારે કરીશ? હું ક્યારે કામવાસનાનાં સૂત્રો કાપી નાખીશ?’ તેમનો જન્મ જ્યારે થયો ત્યારે માનવી દસ હજાર વરસ જીવતો હતો. તેમણે સાત હજાર વરસ રાજ્ય કર્યું. ત્રણ હજાર વરસ બાકી રહ્યાં ત્યારે તેમણે પ્રવજ્યા લીધી. પ્રવજ્યા લીધા પછી ઉદ્યાન દ્વારે આંબા જોયા, પછી ચાર મહિના તે ઘરમાં રહ્યા. ‘આ વેશ કરતાં પ્રવજ્યાવાળો વેશ સારો છે.’ તેમણે છાનામાના સેવકને આજ્ઞા આપી. ‘ભાઈ, કોઈને કહ્યા વિના બજારમાંથી કાષાય વસ્ત્ર અને માટીનું પાત્ર લઈ આવ.’ તે લઈ આવ્યો. રાજાએ વાળંદને બોલાવી માથું — દાઢી મુંડાવ્યા. તેને વિદાય કરી કાષાય વસ્ત્ર પહેર્યું, એક ઓઢી અને ખભે નાખ્યું. માટીનું વાસણ થેલીમાં મૂક્યું, ખભે લટકાવ્યું. હાથમાં લાકડી પકડીને પ્રત્યેક બુદ્ધની જેમ ઉપર કેટલીય વાર આંટા માર્યા. એ દિવસે ત્યાં જ રહીને બીજે દિવસે સૂર્ય ઊગ્યો ત્યારે મહેલમાંથી નીચે ઊતરવા માંડ્યા. ત્યારે સીવલી દેવીએ સાતસો પત્નીઓને બોલાવીને કહ્યું, ‘રાજાને જોયાને બહુ દિવસો વીતી ગયા. ચાર મહિના થયા. આજે તેમને જોવા જઈએ. બધાં સજીધજીને આવો, સ્ત્રીઓનાં લક્ષણો બતાવી તેમને શક્તિ પ્રમાણે રાગના બંધનમાં રાખવાનો પ્રયત્ન કરો.’ પછી અલંકૃત સ્ત્રીઓને લઈને રાજાને જોઈશ એમ વિચારી તે મહેલનાં પગથિયાં ચઢવા લાગી. તેણે રાજાને ઊતરતા જોયા, પણ જોઈને ઓળખી ન શકી. એમ માની લીધું કે આ કોઈ રાજાને ઉપદેશ આપવા આવેલા પ્રત્યેક બુદ્ધ હશે. તે પ્રણામ કરીને એક બાજુ ઊભી રહી ગઈ. બોધિસત્ત્વ નીચે ઊતર્યા. તેમણે જ્યારે ઉપર જઈને રાજાના કાળા કેશ તથા શૃંગારનો સામાન જોયો ત્યારે ખબર પડી કે આ પ્રત્યેક બુદ્ધ નહીં પણ આપણા પ્રિય સ્વામી જ છે. તેણે કહ્યું, ‘ચાલો, તેમને મનાવીને રોકી પાડીએ.’ તે ઉપરથી ઊતરી, આંગણામાં પહોંચી. બધી સ્ત્રીઓના કેશ છોડી નાખી પીઠ પર પાથર્યા. છાતી કૂટતી અત્યંત કરુણ સ્વરમાં બોલી, ‘મહારાજ, આવું શું કરો છો?’ તેમનો પીછો કર્યો. આખું નગર કકળી ઊઠ્યું. તેઓ બધાં રડતાં કકળતાં પાછળ ચાલ્યાં. ‘આપણા રાજાએ પ્રવજ્યા લીધી. આવો ધાર્મિક રાજા આપણને ફરી ક્યારે મળશે?’ દેવીઓનાં રુદનકકળાટ, તેમની પાછળ લોકોનાં રુદન છતાં રાજાએ ચાલવા માંડ્યું. ‘તે સાતસો અલંકૃત સ્ત્રીઓ હાથ લાંબા કરી કરીને રુદન કરવા લાગી. ‘અમને ત્યજીને કેમ જાઓ છો?’ સાતસો, સુસંયમી, પાતળી કમરવાળી સ્ત્રીઓ, આજ્ઞાકારિણી, પ્રિયભાષી સ્ત્રીઓ હાથ લાંબા કરી કરીને રડવા લાગી. ‘અમને શા માટે ત્યજો છો?’ તે બધી અલંકૃત સ્ત્રીઓને ત્યજીને રાજા પ્રવજિત થવા નીકળી પડ્યા. તે સઘળી સુસંયમી પાતળી કમરવાળી સ્ત્રીઓને ત્યજીને રાજા પ્રવજ્યા મેળવવા નીકળી પડ્યા. સો સો સુવર્ણપાત્રોને ત્યજીને માટીનું વાસણ લીધું, આ તેનો બીજો જન્મ. જ્યારે રડતીકકળતી સીવલી દેવી રાજાને રોકી ન શકી ત્યારે તેને એક રસ્તો જડ્યો. તેણે મહા સેનારક્ષકને બોલાવી આજ્ઞા આપી, ‘રાજાના જવાના રસ્તે જૂનાં ઘરો, જૂની શાળાઓમાં આગ ચાંપો. ઘાસપાંદડાં એકઠાં કરી બધે ધુમાડો કરી દો.’ તેણે તેમ કર્યું. તે રાજા પાસે પહોંચીને, તેમના પગે પડીને મિથિલામાં આગ લાગ્યાની વાત કરી. ‘ઘરોમાંથી અગ્નિજ્વાળાઓ નીકળી રહી છે, ખજાનાઓ સળગી રહ્યા છે. ચાંદીસોનું હીરામોતી સળગી રહ્યા છે. મણિ, શંખ, મોતી, વસ્ત્રો, હરિતવર્ણું ચંદન, ચર્મ, હાથીદાંત, લોખંડ, તાંબું સળગી રહ્યાં છે. હે રાજન્, આવીને અટકાવો. તમારું ધન નષ્ટ ન કરો.’ બોધિસત્ત્વે કહ્યું, ‘આ દેવી શું કહે છે? જેનું કશું હોય તેનું સળગે. હું તો અકિંચન છું. મારી પાસે કશું નથી. હું સુખેથી જીવું છું. મિથિલા નગરી સળગી જાય તો પણ મારું કશું બળતું નથી.’ એમ કહી તે ઉત્તર દ્વારેથી નીકળ્યા. તેમની સ્ત્રીઓ પણ નીકળી પડી. ફરી દેવીને બીજો રસ્તો જડ્યો.‘ગામડાંને ઉજ્જડ કરવાનો, રાજ્યને લૂંટવાનો દેખાવ કરો.’ તે વેળા શસ્ત્રધારી લોકો આમતેમ દોડીને લૂંટવા લાગ્યા. શરીરે લાલ રંગ લગાવી જખ્મી થયેલા જેવા બન્યા, તખ્ત પર સૂવડાવી મરેલા જેવા દેખાડ્યા. લોકો ચીસરાણ કરવા લાગ્યા. ‘મહારાજ, તમારા જીવતે જીવ રાજ્ય લુંટાઇ રહ્યું છે. લોકોને મારી નખાય છે. દેવીએ રાજાને રોકવા પ્રણામ કરી કહ્યું, ‘જંગલમાં લૂંટારા જાગ્યા છે, તેઓ દેશને બરબાદ કરી રહયા છે. હે રાજન્ તેમને રોકો. આ રાજ્યનો વિનાશ ન થાય.’ તે રાજા સમજી ગયા કે મારા જીવતા ચોર રાજ્યને ઉજ્જડ કરે તે બની ન શકે, આ સીવલી દેવીની જ યોજના હશે. તેમણે કહ્યું, ‘અમારી પાસે કશું નથી. અમે સુખેથી જીવીએ છીએ. રાજ્ય ઉજ્જડ થાય તો મારું કશું બગડવાનું નથી. મારી પાસે કશું નથી. અમે સુખેથી જીવીએ છીએ. જેવા તેજહીન દેવ તેવા અને પ્રીતિભક્ષક બનીને રહીશું. એમ કહેવા છતાં લોકોએ પીછો ન છોડ્યો. ત્યારે તેમના મનમાં વિચાર આવ્યો. લોકોને રોકીશ. અડધે રસ્તે આવ્યા પછી તેમણે મહામાર્ગ પર ઊભેલા મંત્રીઓને પૂછ્યું, ‘આ રાજ્ય કોનું છે?’ ‘દેવ, તમારું.’ ‘તો આ રેખાને ઓળંગનારને રાજદંડ આપો.’ એમ કહી હાથની લાકડી વડે રેખા દોરી. તેજસ્વી રાજાએ આંકેલી મર્યાદા કોઈ ઓળંગી ન શક્યું. લોકો રેખા પર માથું મૂકીને કકળવા લાગ્યા. દેવી પણ એ રેખા ઓળંગવાની હિંમત કરી ન શકી. જ્યારે તેને જોયું કે રાજા પીઠ ફેરવીને જતા રહ્યા છે ત્યારે તે શોક વેઠી ન શકી. તે છાતી કૂટતી મહામાર્ગ પર પડી ગઈ અને લથડતી લથડતી રેખા ઓળંગી ગઈ. પ્રજાએ જોયું કે રેખાના સ્વામીઓએ જ રેખાનું ઉલ્લંઘન કર્યું છે, તે પણ એ માર્ગે ગઈ. બોધિસત્ત્વ ઉત્તર હિમાલયની દિશામાં નીકળી પડ્યા. દેવી પણ બધી સેના સમેત તેમની સાથે થઈ ગઈ. રાજા પ્રજાને રોકી ન શક્યા. એટલે તેને લઈને સાઠ યોજન ગયા. તે સમયે હિમાલયની સુવર્ણ ગુફામાં નારદ નામના તપસ્વી રહેતા હતા. તે સપ્તાહ સુધી પાંચ અભિજ્ઞા અને ધ્યાનસુખનો આનંદ લેતા હતા. સપ્તાહ વીતે એટલે ધ્યાનમાંથી ઊઠીને ઉત્સાહપૂર્વક કહેતા હતા, ‘અરે સુખ — અરે સુખ’ તે વિચારવા લાગ્યા, ‘શું જંબુદ્વીપમાં કોઈ એવું છે જે આ સુખની શોધમાં હોય?’ દિવ્ય ચક્ષુથી તેમની નજરે મહાજનક દેખાયા. તેમણે જોયું કે રાજાએ મહાભિનિષ્ક્રમણ કર્યું છે. તે સીવલી દેવીની પાછળ પાછળ આવતા લોકોને અટકાવી નથી શક્યા. તેમને બીક લાગી કે લોકો વિઘ્નકર્તા બની શકે. તેમણે વિચાર્યું હું મહાજનકને હજુ વધુ પ્રસન્નતાપૂર્વક રહેવાનો ઉપદેશ આપીશ. તેઓ સિદ્ધિબળથી રાજાની સામે આકાશમાં ઊભા રહ્યા. તેમનો ઉત્સાહ વધારવા બોલ્યા, ‘આ શોરબકોર શાનો છે? વસતીના જેવી ચીસાચીસ શાની છે? હે શ્રમણ, હું તને પૂછું છું, આ લોકો કેમ એકઠા થયા છે?’ રાજાએ કહ્યું, ‘હું બધાને ત્યજીને આવ્યો છું. લોકો એટલે ભેગા થયા છે. હું સીમાક્રાન્ત મુનિ છું, મૌનપ્રાપ્તિ માટે નીકળ્યો છું. હું મિશ્રિત — નન્દી — રાગ સમેત જઈ રહ્યો છું. શું તમે જાણી કરીને પૂછો છો?’ મહાજનકને વધુ દૃઢ કરવા તે બોલ્યા, ‘આ વેશ ધારણ કરીને એમ સમજી લેવાનું નહીં કે હું પાર નીકળી ગયો છું. આ રીતે પાર નીકળી જવાતું નથી. અહીં બહુ વિઘ્નો છે.’ ત્યારે બોધિસત્ત્વે પ્રશ્ન કર્યો, ‘હું આ લોકમાં — દેવલોકમાં કામભોગોની ઇચ્છા કરતો નથી, તો પછી આવી રીતે વિહાર કરનારાઓના માર્ગમાં કયાં વિઘ્નો છે?’ તપસ્વીએ વિઘ્નોનો નિર્દેશ કર્યો, ‘નિદ્રા, આળસ, બગાસાં, ઉત્કંઠા, ભોજનપ્રીતિ — આ બધાં વિઘ્નો શરીરમાં જ હોય છે.’ બોધિસત્ત્વે કહ્યું, ‘તમે મને શ્રેષ્ઠ ઉપદેશ આપો છો. હું તમને પૂછું છું, તમે કોણ છો?’ ‘મારું નામ નારદ છે. મારું ગોત્ર કાશ્યપ છે. હું તમારી પાસે આવ્યો છું. સજ્જનોનો સહવાસ સારો હોય છે. તમારા માટે બધો આનંદ જ છે. તમે વિહારોનો અભ્યાસ કરો. જે ઊણપ છે તેને ઉપશમન દ્વારા પૂરી કરો. ઊંચનીચનો વિચાર ત્યજી દો. કર્મ, વિદ્યા અને ધર્મને બળવાન બનાવી પ્રવજ્યા લો.’ આમ બોધિસત્ત્વને ઉપદેશ આપી, તે આકાશમાર્ગે પોતાના સ્થાને જતા રહ્યા. તેમના ગયા પછી મિગાજિન નામના બીજા તપસ્વી પણ ધ્યાનમાં ઊભા થયા. તેમણે બોધિસત્ત્વને જોયા. વિચાર્યું, પ્રજાને રોકવા માટે તેમને ઉપદેશ આપુ. તેઓ પણ એ જ રીતે આકાશમાં ઊભા રહી બોલ્યા, ‘હે જનક, તેં ઘણા હાથી ઘોડા, નગર, ગામ ત્યજીને પ્રવજ્યા લીધી છે. કેમ માટીનું ભિક્ષાપાત્ર પસંદ કર્યું છે. હે જનક, શું તારા રાજ્યના લોકોએ, મિત્રો-મંત્રીઓએ, સ્વજનોએ વિદ્રોહ કર્યો છે? તને આ ભિક્ષાપાત્ર શા માટે વહાલું લાગે છે?’ ‘હે મિગાજિન, મેં કોઈ સ્વજનને ક્યારેય અધર્મથી જીત્યા નથી, અને ચોક્કસ મારા કોઈ સ્વજને મને અધર્મથી હરાવ્યો નથી.’ પ્રવજ્યાનું કારણ જણાવી તે બોલ્યા, ‘મેં આ લોકને પરિવર્તિત થતો, ખવાઈ જતો, કીચડ બનતો જોયો. અહીં આસક્ત મનુષ્યને મારી નાખવામાં આવે છે, તેને બંધનમાં નાખવામાં આવે છે. હું પણ તેમના જ જેવો મને લાગ્યો એટલે મેં ભિક્ષાપાત્ર લીધું છે.’ તેમણે એ તપસ્વીને ‘મિગાજિન’ કહીને સંબોધ્યા. તેમનું નામ કેવી રીતે જાણી લીધું. આનો ઉકેલ એ છે કે શરૂઆતમાં ખબરઅંતર પૂછતી વખતે નામ જાણી લીધું હતું. તપસ્વીએ કહ્યું, ‘તારો શાસ્તા ભગવાન કોણ છે? આ કોનું પવિત્ર વચન છે? હે રાજન્, કર્મવાદી શ્રમણ અને વિદ્યાશ્રમણનું પ્રત્યાખ્યાન કરીને દુઃખનો અંત લાવનાર શ્રમણ નથી કહેવાતો.’ બોધિસત્ત્વે ઉત્તર આપ્યો, ‘હે મિગાજિન, મેં કદી કોઈ શ્રમણ બ્રાહ્મણની પૂજા કરીને તેને પૂછ્યું નથી. પછી જે કારણે પ્રવજ્યાની ઇચ્છા કરી તેની સ્પષ્ટતા આરંભથી કહી. ‘બહુ શાનબાનથી જ્યારે ગીતો ગવાતાં હતાં, વાજાં વાગતાં હતાં, ત્યારે તુરિયવાદનવાળા ઉદ્યાનમાં જતી વખતે મેં કેરી જોઈ, ફળની લાલસાવાળા લોકો તેને ઉખાડી રહ્યા હતા. મેં એ વૈભવ ત્યજ્યો, ફળવાળા અને મૂળ વિનાનાં વૃક્ષો નીચે હું આવ્યો. મૂળવાળા વૃક્ષને ઉજ્જડ થયેલું અને બીજાને લીલુંછમ, સુંદર જોયું, મેં વિચાર્યું, ‘આમ બહુ કાંટાવાળા ઐશ્વર્યવાન લોકોને શત્રુઓ મારી નાખશે — જેવી રીતે મૂળવાળા વૃક્ષનો વિનાશ કર્યો તેવી રીતે.’ ચામડા માટે ચિત્તાને મારી નાખીએ છીએ, હાથીદાંત માટે હાથીને મારી નાખીએ છીએ, ધન માટે ધનવાનોને મારી નાખીએ છીએ. જે અનાગરિક છે, જે તૃષ્ણાહીન છે તેને કોણ મારશે? મૂળવાળું અને મૂળવિનાનું વૃક્ષ — આ બે મારા શાસ્તા છે.’ આ સાંભળીને મિગાજિન ઋષિ રાજાને અપ્રમાદી રહેવાનો ઉપદેશ આપી પોતાના નિવાસસ્થાને ચાલ્યા ગયા. તે વેળા સીવલી દેવી રાજાને પગે પડી. ‘હાથીવાળા, ઘોડાવાળા, રથવાળા, પદાતિઓ રાજા પ્રવજિત થયા એટલે દુઃખી છે. પ્રજાને આશ્વાસન આપી, તેમનું છત્ર બની, પુત્રને રાજગાદી પર બેસાડી પ્રવજિત થાઓ.’ ‘મેં જનપદના લોકોનો, મિત્રો — મંત્રીઓનો, સ્વજનોનો ત્યાગ કરી દીધો છે. વિદેહીનો પુત્ર રાષ્ટ્રવર્ધન દીર્ઘાયુ છે. તેને મિથિલાનો રાજા બનાવશે.’ દેવીએ કહ્યું, ‘તમે પ્રવજિત થઈ જાઓે પછી મારે શું કરવું?’ ‘મને જે વાત સારી લાગે છે તે સાંભળ. તું રાજ્ય ચલાવીશ તો પાપ લાગશે. શરીર, વાણી અને મનથી બહુ પાપ થશે, તેનાથી અપગતિ થશે. બીજાએ આપેલું, બીજાએ ખાઈને વધેલા ભોજનથી કામ ચલાવ. ધૃતિપૂર્ણોનો આ ધર્મ છે.’ આમ બોધિસત્ત્વે ઉપદેશ આપો. એકબીજા સાથે વાતચીત કરતાં કરતાં સાંજ પડી ગઈ. દેવીએ યોગ્ય સ્થાને પોતાના તંબૂ રખાવ્યા. બોધિસત્ત્વ એક વૃક્ષ નીચે પહોંચ્યા. તે રાતે ત્યાં રહીને બીજે દિવસે નિત્ય કર્મોમાંથી પરવારીને આગળ ચાલ્યા. ‘સેના પાછળ આવતી રહે’ એમ માની દેવી પણ રાજાની પાછળ ચાલી નીકળ્યાં. તેઓ ભિક્ષાટનના સમયે થૂન નામના નગરે પહોંચ્યા. તે સમયે એક નગરમાં એક માણસ ખાટકીવાડમાંથી માંસનો મોટો ટુકડો લઈને આવ્યો. તે રસૌયાના અંગારા પર શેકીને, તેને ઠંડો કરવા કોઈ પાટિયા પર મૂકીને ઊભો હતો. તેનું ધ્યાન ક્યાંક બીજે ગયું એટલામાં એક કૂતરો આવીને તે માંસ લઈ ગયો. જ્યારે તેને ખબર પડી ત્યારે દક્ષિણ દ્વાર સુધી પીછો કર્યો. પછી તે થાકીને અટકી ગયો. કૂતરો સામે આવ્યો એટલે રાજા અને દેવી એક બાજુએ ઊભા રહી ગયા. કૂતરો ડરીને માંસ ત્યાં મૂકીને જતો રહ્યો. બોધિસત્ત્વે જોયું કે કૂતરો આ માંસ ત્યજીને જતો રહ્યો. એનો કોઈ માલિક નથી. આ પ્રકારે નિર્દોષ ધૂળમાં પડેલું ભોજન મળવું સહેલું નથી. હું એ ખાઈશ.’ તેમણે માટીનું પાત્ર કાઢ્યું, તેમાં માંસનો ટુકડો લૂછીને મૂક્યો, પાણી જ્યાં મળતું હતું ત્યાં જઈને ખાધું. આ જો રાજ્ય ઇચ્છતો હોત તો આવો ધૂળવાળો, કૂતરાનો એંઠો માંસનો પિંડ ન ખાત. હવે તે આપણા રહ્યા નથી. ‘મહારાજ, આવું ચિતરી ચઢે એવું ખાઓ છો?’ ‘દેવી, તું તારી મૂર્ખતાને કારણે આ ભિક્ષાની વિશેષતા જાણતી નથી.’ પછી તેના પ્રતિષ્ઠા સ્થાનને જોયું, તેને અમૃત સમાન ગ્રહણ કરી મોં હાથ પણ ધોયા. તે સમયે દેવી નિંદા કરતી બોલી, ‘જે ચોથે દિવસે ભોજન કરવા સમયે પણ ન ખાય, તે ઉપવાસીની જેમ ભૂખે મરી પણ શકે. આવા સંજોગોમાં સત્પુરુષ ધૂળથી મલિન થયેલું અનાર્ય ભોજન ન જમે. કૂતરાનું એંઠું તમે ખાધું તે સારું ન કહેવાય.’ બોધિસત્ત્વે કહ્યું, ‘જે કંઈ ખાવાનું માણસે કે કૂતરાએ છોડ્યું તે મારા માટે અખાદ્ય નથી. કે કંઈ ધર્મથી મળે તે બધું ખાદ્ય છે, નિદોૅષ છે — એમ કહેવાયું છે.’ આમ બંને વાતો કરતાં કરતાં નગર દ્વારે આવી પહોંચ્યા. ત્યાં રમતાં બાળકોની વચ્ચે એક કન્યાના એક હાથમાં એક કંગન હતું, બીજામાં બે કંગન હતાં. બંને રણકતાં હતાં. બીજો હાથ અવાજ કરતો ન હતો. રાજાએ આ જોઈને વિચાર્યું, ‘સીવલી મારી પાછળ આવે છે. પ્રવજિર્ત માટે સ્ત્રી મલિનતા છે. ‘આ પ્રવજિર્ત થઈનેય પત્નીને ત્યજી શકતો નથી.’ એમ કહી લોકો મારી નિંદા કરી શકે. આ કુમારી વિદુષી હશે. સીવલી દેવીને રોકવાનો ઉપાય તે કહેશે. તેની વાત સાંભળીને સીવલી દેવીને વિદાય કરીશ. ‘હે કુમારી, મા પાસે સૂનારી, શૃંગાર કરનારી, તારું એક કંગન રણકે છે, બીજું રણકતું નથી એનું શું કારણ?’ કુમારીએ ઉત્તર આપ્યો, ’હે શ્રમણ, મારા આ હાથમાં બે કંગન છે, એક હોવાથી અવાજ નથી થતો. બે હોય તો વિવાદ થાય, એક કોની જોડે વિવાદ કરે? સ્વર્ગની કામના કરનારે તો એકલા જ રહેવું.’ નાની કન્યાની વાતને આધાર માનીને દેવીને તેણે કહ્યું, ‘સીવલી, કુમારીએ કહેલી વાત સાંભળ. આ કન્યા મારી નંદાિ કરે છે. બે હોવાને કારણે આવી સ્થિતિ થાય છે. પથિકોએ બનાવેલો આ રસ્તો બે બાજુ જાય છે. તું એમાંથી એક રસ્તો પસંદ કર. બીજો હંુ પસંદ કરું છું. હવે હું તારો પતિ નથી, તું મારી પત્ની નથી.’ તેની વાત સાંભળીને સીવલીએ કહ્યું, ‘દેવ, તમે ઉત્તમ છો, દક્ષિણ દિશામાં જાઓ. હું ડાબી દિશામાં જઈશ.’ અમે કહી પ્રણામ કરી તે થોડે દૂર ગઈ. પણ શોક ન વેઠાવાને કારણે તે પાછી આવી, રાજાની સાથે વાત કરતા સાથે સાથે નગરમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરતી વેળા બોધિસત્ત્વ ભિક્ષાટન કરતા કરતા વાંસફોડના દરવાજે પહોંચ્યા. સીવલી પણ એક બાજુ ઊભી હતી. તે સમયે તે માણસ સગડીમાં વાંસને ગરમ કરી, કાંજીમાં ભીંજવી એક આંખ બંધ કરી વાંસને સીધો કરી રહ્યો હતો. તેને જોઈ બોધિસત્ત્વે વિચાર્યું, ‘આ જો પંડિત હશે તો મને એક વાત કહેશે. એને પૂછું.’ તે એની પાસે ગયા ને બોલ્યા, ‘ભાઈ, મારી વાત સાંભળ. તને આ રીતે સારું દેખાય છે કે તું એક આંખ બંધ કરીને વાંકા વાંસને જોઈ રહ્યો છે?’ ‘હે શ્રમણ, બે આંખો વડે મોટું મોટું દેખાય. વાંકી જગાનો ખ્યાલ ન આવે. એક આંખે એક વડે વાંકો વાંસ તરત જ પરખાઈ જાય. બે વડે વિવાદ થાય. એક કોની જોડે વિવાદ કરે. સ્વર્ગની કામના કરનારે એકલા જ રહેવું.’ બોધિસત્ત્વે ભિક્ષાટન કરીને મેળવેલું ભોજન પાણીની સગવડ જ્યાં હતી ત્યાં બેસીને કર્યું. ભોજન કર્યા પછી ભિક્ષાપાત્ર થેલીમાં નાખતા સીવલીને તેમણે કહ્યું, ‘પેલાએ કહેલી વાત તેં સાંભળી. આ ‘દાસી’ શબ્દથી મારી નંદાિ થાય છે. બે હોવાથી આ પરિસ્થિતિ જન્મી છે. પથિકોએ બનાવેલો આ રસ્તો બે બાજુ જાય છે, તું એક બાજુ જા અને હું બીજી બાજુ. હવે હું તારો પતિ નહીં — તું મારી પત્ની નહીં.’ આમ કહેવા છતાં દેવી બોધિસત્ત્વ પાછળ પાછળ ચાલતી રહી. રાજા તેને રોકી શકતો ન હતો. લોકો પણ તેની પાછળ પાછળ આવતા હતા. તેઓ વનથી બહુ દૂર ન હતા. બોધિસત્ત્વે હરિયાળી જોઈને તેને રોકવાનો પ્રયત્ન કર્યો. ચાલતાં ચાલતાં રસ્તામાં ચણોઠીનું પાંદડું જોયું. એ તોડીને કહ્યું, ‘સીવલી, જો આ પાછું છોડ પર લગાવી શકાતું નથી. એ જ રીતે આપણો મેળ હવે ખાઈ નહીં શકે. તું હવે એકલી જ રહે.’ આ સાંભળી સીવલીને ખાતરી થઈ ગઈ કે હવે મહાજનક રાજા સાથે મારો સંબંધ પૂરો થઈ ગયો. તે આ શોક વેઠી ન શકી અને બંને હાથે છાતી કૂટતી બેહોશ થઈ જમીન પર પડી ગઈ. બોધિસત્ત્વે જોયું કે તે બેહોશ થઈ ગઈ છે ત્યારે પગલાં ભૂંસીને વનમાં પ્રવેશ કર્યો. મંત્રીઓએ આવીને સીવલી પર પાણી છાંટ્યું અને હાથપગ ઘસીને તેને ભાનમાં આણી. તેણે પૂછ્યું, ‘આ રાજા ક્યાં છે?’ ‘તમને તો ખબર હશે જ.’ ‘એમને શોધો.’ આમતેમ જોવા છતાં રાજા દેખાયા નહીં. સીવલી ખૂબ જ રડતી કકળતી રાજા જ્યાં ઊભા હતા ત્યાં ચૈત્ય બનાવીને તેને સુવાસિત દ્રવ્યોથી પૂજા કરી, ફૂલહાર ચઢાવી પાછી ફરી. બોધિસત્ત્વે વનમાં પ્રવેશી એક જ સપ્તાહમાં અભિજ્ઞા અને સમાપત્તિઓ પ્રાપ્ત કરી. પછી તે વસતીમાં પાછા ફર્યા. દેવીએ જ્યાં વાંસફોડ સાથે, કુમારી સાથે સંવાદ કર્યો હતો, જ્યાં માંસનું ભોજન કર્યું હતું, જ્યાં મિગાજિન સાથે સંવાદ થયો હતો તે બધાં સ્થાનોએ ચૈત્ય બનાવડાવ્યાં, તેની ફૂલહારથી પૂજા કરી. પછી સેનાપતિ સાથે મિથિલા નગરી પાછી ફરી અને આમ્રવનમાં પુત્રનો રાજ્યાભિષેક કર્યો. તેને સેનાપતિ સાથે નગરમાં મોકલ્યો. તે પોતે ઋષિઓની જેમ પ્રવજ્યા ગ્રહણ કરીને ઉદ્યાનમાં રહેવા લાગી. ત્યાં રહીને યોગવિધિનો અભ્યાસ કરી, ધ્યાન ધરી બ્રહ્મલોકમાં ગઈ.
મહાવેસ્સંતર જાતક: કથાસાર
પ્રાચીન કાળમાં શિવિ દેશના જેતુત્તર નગરમાં રાજાને ત્યાં સંજય નામનો પુત્ર જન્મ્યો. યુવાન વયે મદ્રરાજની કન્યા ફુસતી સાથે તેનું લગ્ન કર્યું, સંજયને રાજ્ય સોંપી ફુસતીને પટરાણી બનાવી.
આ ફુસતી પૂર્વજન્મમાં ઇન્દ્રનાં વરદાન મેળવીને શિવિરાજને ત્યાં પટરાણી થઈ, તેણે ઇન્દ્ર પાસે દાનેશ્વરી પુત્રની માગણી પણ કરી હતી. ઇન્દ્રે તે વરદાન સફળ કરવા બોધિસત્ત્વને ફુસતીના પેટે જન્મ લેવા કહ્યું. બોધિસત્ત્વ ફુસતીના ઉદરમાં પ્રવેશ્યા. તેને દાનશાલા સ્થાપવાનો દોહદ થયો. આ દોહદ એટલા માટે થયો કે તેના ઉદરમાં દાનેશ્વરીનો પ્રવેશ થયો હતો. રાજાએ દાનશાલાની સઘળી વ્યવસ્થા કરી. સાથે સાથે જંબુદ્વીપના બધા રાજાઓ સંજય રાજાને ભેટસોગાદો મોકલવા લાગ્યા. ફુસતીને છેલ્લા દિવસોમાં નગર જોવાની ઇચ્છા થઈ. રાજાએ દેવનગરીની જેમ સજાવેલા નગરની પ્રદક્ષિણા કરાવી. તે વૈશ્યોની શેરીમાં પ્રવેશી ત્યારે પુત્રજન્મ થયો અને ત્યાં જન્મ થયો એટલે તેનું નામ વેસ્સન્તર પડ્યું. તે પુત્રે આંખો ખુલ્લી રાખીને માતાને ‘દાન આપવું છે’ કહ્યું. માએ તેને ઇચ્છે તેટલું દાન આપવા અઢળક ધન આપ્યું.
તેના જન્મદિવસે જ આકાશમાં વિહાર કરનારી એક હાથણી સંપૂર્ણ શ્વેત મદનિયાને લઈને આવી અને મંગલહસ્તીના સ્થાને તેને મૂકીને ચાલી ગઈ. રાજાએ મધુર દૂધ આપનારી ચોસઠ ધાત્રીઓની વ્યવસ્થા બોધિસત્ત્વ માટે કરી. તેની સાથે જ જન્મેલાં સાઠ હજાર બાળકો માટે પણ ધાત્રીઓની વ્યવસ્થા કરી. રાજાએ તેને માટે બનાવડાવેલાં આભૂષણો બોધિસત્ત્વે પાંચ વરસની વયે ધાત્રીઓને આપી દીધાં. આમ આઠ વરસની વય સુધીમાં તો નવ વખત આભૂષણો દાનમાં આપ્યાં. એટલી નાની ઉમરે તે સૂતાં સૂતાં વિચારતો હતો કે હું મારી જાતનું દાન આપવા માગું છું. કોઈ હૃદય માગે કે આંખો માગે તો પણ આપી દઉં. તેના આવા વિચારોથી ધરતી કાંપી ઊઠી. ચારે બાજુ આનંદ આનંદ થયો. સોળ વરસ સુધીમાં તે બધી કળામાં નિષ્ણાત થયા. બોધિસત્ત્વનું લગ્ન માદ્રી નામની રાજકન્યા સાથે પિતાએ કરાવી આપ્યું. દરરોજ છ લાખનું દાન કરનાર બોધિસત્ત્વની પત્નીએ પુત્રને જન્મ આપ્યો. તેને કંચન જાળમાં ઝીલ્યો હતો એટલે તેનું નામ જાલિકુમાર પડ્યું. પછી તે ચાલતો થયો એટલે પુત્રી જન્મી. તેને કૃષ્ણાજિનમાં ઝીલી એટલે તેનું નામ કૃષ્ણાજિર્ના પડ્યું. બોધિસત્ત્વ દર મહિને છ વાર શણગારેલા હાથી પર બેસીને દાનશાલાઓ જોવા જતા હતા. તે વખતે પાસેના કલંગિ રાજ્યમાં દુકાળ પડ્યો. ત્યાંના રાજાએ બહુ પ્રયત્નો કર્યા પણ વરસાદ ન જ પડ્યો. લોકો હેરાન હેરાન થઈ ગયા. છેવટે કેટલાક લોકોએ જેતુત્તર નગરના વેસ્સન્તર પાસે જઈ આખો શ્વેત હાથી મંગાવવાની સલાહ આપી. તે હાથી જ્યાં જાય ત્યાં વરસાદ પડે, એટલે બ્રાહ્મણોને મોકલી હાથી મંગાવવા કહ્યું. કલંગિના બ્રાહ્મણોએ દાનશાલાઓ સામે બેસીને બોધિસત્ત્વને મળવાના બહુ પ્રયત્ન કર્યા. બેએક પ્રયત્ન પછી વેસ્સન્તરે બ્રાહ્મણોને પૂછ્યું, ‘તમારે શું જોઈએ છે?’ ત્યારે તેમણે શ્રેષ્ઠ હાથી માગ્યો, બોધિસત્ત્વે હાથી તરત જ આપી દીધો. તેના શરીરે લાખોનાં આભૂષણો હતાં તે પણ આપી દીધાં. આ દાનથી પૃથ્વી તો કાંપી પણ નગરલોકો ક્રોધે ભરાયા. તે બધાએ રાજા પાસે આવીને ફરિયાદ કરી. ‘જો દાન આપવું જ હતું તો અન્ન, વસ્ત્ર, પલંગનું દાન કરવું હતું. તમે જો અમારી વાત નહીં માનો તો અમે તમને અને તમારા પુત્રને કેદ કરીશુું.’ લોકો વેસ્સન્તરને મારી નાખે એ વાત તો રાજાને કોઈ કાળે સ્વીકાર્ય ન હતી. લોકોએ વેસ્સન્તરને દેશવટો આપવા કહ્યું. રાજાએ તેમની વાત માનીને બીજે દિવસે દેશવટો આપવાની તૈયારી બતાવી. લોકોએ રાજાની વાત માની લીધી. પછી પુત્રને દેશવટાની આજ્ઞા સંભળાવવા દૂત મોકલ્યો. તેણે ક્ષમા માગીને વેસ્સન્તરને દેશવટાની વાત કરી. રાજકુમારે દેશવટાનું કારણ પૂછ્યું. એટલે તેણે કારણ કહ્યું. વેસ્સન્તર આ સાંભળીને આનંદ પામ્યા. અલંકારો તો ઠીક, હું તો મારું શરીર સુધ્ધાં આપી દઉં. તેણે માદ્રીને પણ દાન આપવા કહ્યું. પુત્રો અને સાસુસસરાની કાળજી લેવા કહ્યું. બીજો પતિ શોધે તો તેની સેવા કરવા પણ કહ્યું. પતિની વાતમાં સમજ ન પડી એટલે માદ્રીને વેસ્સન્તરે દેશવટાની વાત કરી. તે માદ્રીને પોતાની સાથે લઈ જવા માગતો ન હતો. પણ માદ્રીએ તો સાથે જવાની જિદ પકડી, પતિ વિના જીવવાની મારી કોઈ ઇચ્છા નથી, હું તો બાળકો સમેત તમારી સાથે આવીશ. વળી વનમાં પ્રકૃતિના સાન્નિધ્યે રાજ્યની સ્મૃતિ જરાય નહીં આવે એમ કહ્યું. ફુસતી દેવીને પણ પુત્રને અપાયેલા દેશવટાથી બહુ દુઃખ થયું. ફરી ફરી તેને પ્રશ્ન થયો કે મારા નિર્દોષ પુત્રને શા માટે દેશવટો અપાયો છે, તે કોનો હિતચંતિક નથી? ફુસતી આટલો જ વિલાપ કરીને અટકતી નથી, તે પોતાના પતિ પાસે જઈને શાપવાણી ઉચ્ચારે છે, ‘તમારું રાજ્ય મધમાખો વિનાના મધપૂડાની જેમ પડી જશે, નિર્જળ સરોવરમાં પાંખ વિનાના હંસ જેવી તમારી ગતિ થશે.’ ‘હું ધર્મરક્ષા કરવા પુત્રને દંડી રહ્યો છું’ એવો રાજાનો બચાવ ફુસતીને સ્વીકાર્ય નથી. તેને તો હવે વેસ્સન્તર સાવ એકલો પડી જશે તેની ચંતાિ છે. ‘એક સમયે સમૃદ્ધિમાં આળોટનારો પુત્ર સાવ એકલો થઈ જશે. ઉત્તમ શૃંગાર કરનાર પુત્ર વલ્કલધારી કેવી રીતે બનશે? ઉત્તમ, અમૂલ્ય વસ્ત્ર પહેરનારી માદ્રી, રથ-પાલખીમાં બેસનારી માદ્રી વનમાં કેવી રીતે રહેશે? જેવી રીતે પંખી પોતાના ખાલી માળાને જોઈ દુઃખી થાય તેવી રીતે હું પુત્રહીન નગરને જોઈ દુઃખી થઈશ. પુત્રને જોયા વિના આમતેમ હું ભટકતી ફરીશ, મારી આવી હાલત જોવા છતાં પણ જો તેને દેશવટો આપશો તો હું આત્મહત્યા કરીશ.’ એમ કહીને તે રડવા લાગી. દેવી ફુસતીનું રુદન સાંભળીને બધો સ્ત્રીવર્ગ ભેગો થઈને કકળાટ કરવા લાગ્યો. કોઈ કોઈને આશ્વાસન આપી શકે તેમ ન હતું. પવન વાવાથી જેવી રીતે શાલ વૃક્ષો જમીનદોસ્ત થઈ જાય તેવી રીતે બધાં સુધબુધ ખોઈ બેઠાં. વેસ્સન્તરના ભવનમાં પણ બધાં સ્ત્રીપુરુષો કલ્પાંત કરવાં લાગ્યાં. સવાર પડી એટલે વેસ્સન્તર દાન કરવા લાગ્યો. જેને જે જોઈએ તે આપવા આજ્ઞા કરી. યાચકો દુઃખી થઈને બોલતા હતા કે હવે અમને દાન કોણ આપશે? પુષ્કળ ફળ લાગેલા વૃક્ષને કોઈ શા માટે કાપી નાખે છે? કલ્પવૃક્ષને શા માટે ઉખાડી નાખવાનું? બધા જ પ્રકારનાં લોકો રુદન કરવાં લાગ્યાં. સ્ત્રીઓ, બ્રાહ્મણો, શ્રમણો, ભિક્ષુકો અધર્મ થઈ રહ્યો છે એમ માનીને રુદન કરવાં લાગ્યાં. ‘કેટલું બધું દાન કરનાર વેસ્સન્તરને દેશવટો અપાઈ રહ્યો છે.’ દાન લેનારા માત્ર ભિક્ષુકો ન હતા, રાજામહારાજા પણ દાન લેવા આવ્યા હતા. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર લોકોએ દાન લીધું અને એમ કરતાં કરતાં સાંજ પડી ગઈ. વેસ્સન્તર અને માદ્રી માતાપિતાની વિદાય લેવા ગયા ત્યારે પુત્રે પિતાને કહ્યું, ‘તમે મને દેશનિકાલ કરી રહ્યા છો, હવે હું વંક પર્વત પર જઈશ. મેં નગરમાં દાન આપીને મારા જ સ્વજનોને દુઃખી કર્યા છે. હું જંગલી પ્રાણીઓથી ઊભરાતા વનમાં દુઃખ ભોગવતો રહીશ. એવા વનમાં પણ હું પુણ્ય કરીશ. તમે કાદવમાં રગદોળાશો.’ ફુસતીએ માદ્રી શા માટે વનમાં જાય એમ કહ્યું ત્યારે વેસ્સન્તરે કહ્યું, ‘હું તો કોઈ દાસીને પણ તેની ઇચ્છા વિરુદ્ધ લઈ જવા માગતો નથી. એને આવવું હોય તો આવે, ન આવવું હોય તો ન આવે.’ સંજય રાજાએ માદ્રીને સમજાવવાનો પ્રયત્ન કર્યો, રક્તચંદનની અર્ચા કરનારી ધૂળથી મલિન થશે? કાશીનાં વસ્ત્ર પહેરનારી આજે કુશનાં વસ્ત્ર પહેરશે? પરંતુ વેસ્સન્તર વિનાના કોઈ સુખભોગ મને ન ખપે એવું કહેતી માદ્રીને રાજાએ વનવાસનાં દુઃખ વર્ણવી બતાવ્યાં. અનેક જીવજંતુ, સાપ, અજગર, રીંછ, ભયાનક પાડા, વૃક્ષો પર કૂદાકૂદ કરતા વાનર, શિયાળ — આ બધાંનો ત્રાસ કેવી રીતે વેઠાશે? પરંતુ માદ્રીએ બધાં દુઃખ વેઠવાની તૈયારી બતાવી. તીક્ષ્ણ ઘાસ વડે ભલે શરીરે ઉઝરડા પડે, હું તો જઈશ. વૈધવ્યનાં કેટલાં બધાં દુઃખ હોય છે. લોકો, સગાંવહાલાં વિધવાઓને કેટલો બધો ત્રાસ આપે છે, પતિ ધનવાન હોય કે નિર્ધન — સ્ત્રી પતિ સાથે જ સુખેથી રહી શકે છે. આ સમગ્ર દિવ્ય વસુંધરા મને મળે તો પણ વેસ્સન્તર વિના હું અહીં રહી ન શકું. માદ્રી જ્યારે કોઈ રીતે ન માની ત્યારે રાજાએ બાળકોને મૂકીને જવાની વાત કરી. પણ માદ્રી વનનાં દુઃખ વેઠવામાં રાહતરૂપ થનારાં બાળકો વિના જવા માગતી ન હતી. ફરી રાજાએ તેને અનેક રીતે સમજાવી, શાલીધાન ચોખાનો ભાત ખાનારાં બાળકો વૃક્ષોનાં ફળ કેવી રીતે ખાશે? સુવર્ણથાળમાં ભોજન કરનારાં બાળકો વૃક્ષોનાં પાંદડાંમાં ખાશે? કંમિતી વસ્ત્ર પહેરનારાં, રથપાલખીમાં ફરનારાં, પલંગમાં સૂઈ જનારાં બાળકો, ચમરી- મોરપીંછાની હવા ખાનારાં બાળકો... અને આમ જ સવાર પડી. માદ્રી બાળકોને લઈને વેસ્સન્તરની પહેલાં રથ પાસે પહોંચી ગઈ. વેસ્સન્તર વંક પર્વતની દિશામાં જવા લાગ્યો. ફુસતીએ રત્નો ભરેલી ગાડીઓ પુત્ર પાસે મોકલાવી, જેથી તે દાન આપી શકે. વેસ્સન્તરને પાછું વળીને નગર જોવાની ઇચ્છા થઈ એટલે પૃથ્વી ફાટીને અવળી થઈ ગઈ. હવે કેટલાક બ્રાહ્મણો દાન લેવામાં બાકી રહી ગયા હતા. તેમણે નગરમાં આવીને તપાસ કરી તો જાણવા મળ્યું કે રાજા તો રથમાં બેસીને ગયા છે. એટલે ઘોડાનું દાન લેવા તેઓ વેસ્સન્તર પાસે ગયા અને રાજાએ ચારેચાર ઘોડા આપી દીધા. હવે દેવતાઓ રાતા હરણના વેશે આવીને રથ ખેંચવા લાગ્યા. ફરી એક બ્રાહ્મણે આવીને રથ માગ્યો એટલે રાજાએ રથ આપી દીધો. પછી પતિપત્ની બાળકોને ઊંચકીને ચાલવા લાગ્યાં. વંક પર્વતના રસ્તે ફળવાળાં વૃક્ષોને જોઈને બાળકો રડતાં હતાં ત્યારે બોધિસત્ત્વના પ્રભાવથી ડાળીઓ નમીને હાથ પાસે આવી જતી હતી. જેતુત્તર નગરથી માતુલ નગરનો રસ્તો ત્રીસ યોજનનો હતો, દેવતાઓએ એ માર્ગ ટૂંકો કરી દીધો એટલે તેઓ એક જ દિવસમાં પહોંચી ગયા. ત્યાં બધા લોકોને વેસ્સન્તરના આગમનની જાણ થઈ એટલે બધા મળવા આવ્યા. તેમણે આગમનનું કારણ પૂછ્યું ત્યારે વેસ્સન્તરે વિગતે વાત કરી, ત્યાંના લોકો તો વેસ્સન્તરને રોકાઈ જવાનું કહેતા હતા પણ વેસ્સન્તરે વંક પર્વતનો જ આગ્રહ રાખ્યો. વળી લોકોને એમ પણ કહ્યું કે તમે મારી કશી ભલામણ રાજાને કરતા નહીં. પછી તેમણે વંક પર્વતનો રસ્તો બતાવ્યો. રસ્તે આવતાં નદીનાળાં, સરોવરો, પશુપક્ષીઓનો પરિચય આપ્યો. વનના પ્રવેશસ્થાને એક જાણકારને બેસાડી દીધો જેથી જતાઆવતા લોકો પર નજર રાખી શકાય. દેવરાજ ઇંદ્રે ધ્યાન ધરીને જોયું તો વેસ્સન્તર હવે હિમાલયમાં પ્રવેશી ગયો હતો એટલે વિશ્વકર્માને બોલાવી વેસ્સન્તર માટે નિવાસસ્થાન બનાવવાની સૂચના આપી. પર્ણશાલામાં આવીને બધાએ તાપસવેશ ધારણ કર્યા. માદ્રીએ વનમાંથી ફળફૂલ લાવવાની જવાબદારી સ્વીકારી. વેસ્સન્તરે માદ્રીને હવે આપણે બ્રહ્મચર્યવ્રત પાળીશું એમ કહ્યું. આમ કરતાં કરતાં સાત મહિના વીતી ગયા. તે સમયે કલંગિ રાષ્ટ્રમાં પૂજક નામના બ્રાહ્મણે ભીખ માગી માગીને સો કાષાર્પણ ભેગા કર્યા હતા. એક બ્રાહ્મણ પરિવારને ત્યાં પોતાની થાપણ મૂકીને ધન કમાવા બીજે ચાલ્યો ગયો. પણ પેલો પરિવાર થાપણ પાછી આપી ન શક્યો. થાપણના બદલામાં અમિત્રતાપન નામની પોતાની કન્યા આપી. પણ ગામની સ્ત્રીઓ આ કન્યાની મજાક ઉડાવ્યા કરતી હતી. વૃદ્ધ પતિ અને યુવાન પત્ની તેમની મજાકનો વિષય હતો. આનાથી ત્રાસીને પેલી સ્ત્રીએ પાણી ભરવા જવાની ના પાડી. કોઈ દાસદાસી નહીં આવે તો ઘરમાં નહીં રહું એવી ધમકી પણ આપી. બ્રાહ્મણે પોતાની લાચારી જણાવી ત્યારે તેની પત્નીએ વંક પર્વતમાં રહેતા વેસ્સન્તર રાજા પાસે જઈને દાસ-દાસીનું દાન માગી લાવવા કહ્યું. છેવટે બ્રાહ્મણ તૈયાર થયો એટલે તેની પત્નીએ તેને ભાથું બાંધી આપ્યું અને પૂજક નીકળી પડ્યો વેસ્સન્તરની શોધમાં. અનેક દુઃખ અનુભવતો, રાજાની ભાળ કાઢતો તે વંક પર્વત આગળ આવી પહોંચ્યો. ત્યાં અગાઉથી બેસાડેલા પેલા જાણકારને આ પૂજકની જાણ થઈ એટલે તેને લાગ્યું કે આ બ્રાહ્મણ માદ્રીની કે બાળકોની યાચના કરશે એટલે તેને ડરાવ્યો, મારી નાખવાની ધમકી આપી. એટલે પૂજક જૂઠું બોલ્યો: મને શિવિરાજાએ મોકલ્યો છે. એટલે તે જાણકારે તેને ખોરાકપાણી આપી વેસ્સન્તરના નિવાસસ્થાનની બધી માહિતી આપી, તેની દિનચર્યા પણ જણાવી. ત્યાં કયાં ફળાઉ વૃક્ષો છે, પુષ્પો કયાં છે, પંખીઓ કેવાં છે તેનું વિગતે વર્ણન કર્યું. આમ પૂજક નીકળી પડ્યો અને રસ્તામાં મળેલા એક ઋષિના ખબરઅંતર પૂછ્યાં. ઋષિને પણ પૂજકના મેલા વિચારની ગંધ આવી. પણ ફરી પૂજકે બનાવટ કરી અને વેસ્સન્તરની માહિતી માગી. ઋષિએ પણ ત્યાં થતાં ફૂલોની, વૃક્ષોની માહિતી આપી. આ ઉપરાંત પશુપક્ષીઓનાં વિગતે વર્ણન કર્યાં. આ રીતે પૂજક વેસ્સન્તરના નિવાસસ્થાને સાંજે જઈ પહોંચ્યો પણ તેણે વિચાર્યું, રાજાની પત્ની અત્યારે તો તેના આશ્રમમાં આવી ગઈ હશે, સ્ત્રીઓ દાનમાં અંતરાયરૂપ બનતી હોય છે એટલે કાલે સવારે જઈને રાજા પાસે દાન માગીશ. બીજે દિવસે પરોઢિયે માદ્રીને સ્વપ્ન આવ્યું. કાષાય વસ્ત્ર પહેરેલો કોઈ કાળા રંગનો માણસ કાને લાલ માળા રાખીને, હાથમાં શસ્ત્ર લઈને બીવડાવતો આવે છે, માદ્રીના વાળ પકડીને તેને ભોંય ભેગી કરે છે, તેની આંખો, તેના હાથ કાપીને અને તેનું હૃદય કાઢીને લઈ જાય છે. બોધિસત્ત્વ પાસે જઈને તે આ સ્વપ્નની વાત કરવા માગે છે અને કશા શૃંગારની અપેક્ષા લઈને નથી આવી તેની ચોખવટ કરે છે. બોધિસત્ત્વે સ્વપ્ન સમજી લીધું કે આવતી કાલે કોઈ યાચક આવીને બાળકોની માગણી કરશે. પણ આવી કશી વાત કરવાને બદલે તેને ધીરજ બંધાવી. પછી માદ્રી ફળફૂલ લાવવા વનમાં ગઈ. હવે માદ્રી આશ્રમમાં નહીં હોય એમ માનીને પૂજક બ્રાહ્મણ પર્ણશાળામાં પ્રવેશ્યો. જાલિયકુમાર બ્રાહ્મણને આવકારવા ગયો પણ બ્રાહ્મણે તેને ધૂત્કારી કાઢ્યો. વેસ્સન્તરે વિલંબ કર્યા વગર તેના આગમનનું કારણ પૂછ્યું. પૂજકે બાળકો માગ્યાં. અને રાજાએ તેને એક રાત રોકાઈ જવા કહ્યું. પણ પૂજક માન્યો નહીં, સ્ત્રીઓ દાનેશ્વરી નથી હોતી એમ પણ કહ્યું. વેસ્સન્તરે પૂજકને કહ્યું, ‘તું મારા પિતા પાસે આ બાળકોને લઈને જજે. તે તને ધન આપશે.’ પણ તે તો બ્રાહ્મણીની સેવા માટે જ બાળકોને લઈ જવા માગતો હતો એટલે તે ન માન્યો. બંને બાળકો પૂજકથી ડરી જઈને સંતાઈ ગયાં, એટલે પૂજકે રાજા ઉપર આરોપ મૂક્યો, તેં જ બાળકોને ભગાડી દીધાં છે. છેવટે પાણીમાં સંતાઈ ગયેલાં બાળકોને વેસ્સન્તરે બોલાવ્યાં. પોતાની દાનપારમિતામાં મદદરૂપ થવા બાળકોને વિનંતી કરી. પછી તેણે પુત્રને કહ્યું, ‘જો તું દાસત્વમાંથી મુક્ત થવા માગતો હોય તો આ બ્રાહ્મણને એક હજાર નિકષ અપાવજે, બહેનને છોડાવવા સો દાસ-દાસી, સો હાથી, સો ઘોડા, સો નિકષ અપાવજે.‘ એમ કહી બાળકો પૂજકને સોંપી દીધાં. અને પૂજક બાળકોને મારતો મારતો લઈ ગયો. લાગ જોઈને બાળકો ભાગીને પિતા પાસે ગયાં. અને મા આવે પછી જ અમને સોંપજો એવી વિનંતી કરી. તેમને પૂજક બ્રાહ્મણ નહીં પણ કોઈ યક્ષ લાગ્યો. બાળકોને થયું કે હવે આપણને આ આશ્રમ જોવા નહીં મળે. હવે માતાપિતા જોવા નહીં મળે, એટલે અમારી માનાં ખબરઅંતર પૂછજો એમ કહીને ચાલી નીકળ્યાં. પછી તો વેસ્સન્તર પણ બાળકોને પડનારાં દુઃખની કલ્પના કરીને વિલાપ કરવા લાગ્યો. પોતાની આંખો સામે જ પૂજક બાળકોને મારતો હતો તેનાથી તેને બહુ ક્લેશ થયો. પણ પછી બોધિસત્ત્વની બધી પરંપરાઓનું સ્મરણ કરીને સ્વસ્થ થયો. કૃષ્ણાજિર્ના પણ બ્રાહ્મણની દુષ્ટતાથી ગભરાઈ જઈને આક્રંદ કરવા લાગી. માને વિનંતી કરી, જો તારે અમને મળવું હોય તો જલદી આવ. બાળકોના આ દાનથી દેવતાઓ પણ ધ્રૂજી ઊઠ્યા. તેમણે વિચાર્યું, જો માદ્રી સાંજે આશ્રમમાં આવીને બાળકોને નહીં જુએ તો ક્લેશ કરશે અને બ્રાહ્મણની પાછળ દોડશે. એટલે દેવતાઓએ દેવપુત્રોને વાઘ-સંહિ-ચિત્તાનાં રૂપ લઈ માદ્રીનો રસ્તો રોકી રાખવા જણાવ્યું. દેવપુત્રો માદ્રીના આવવાના રસ્તા પર આડા પડ્યા. માદ્રી પણ સવારના દુ:સ્વપ્નથી કંટાળી ગયેલી. તેને હવે બધી ભ્રમણા થવા લાગી. પણ રસ્તે જંગલી પ્રાણીઓ જોયાં. તેમને કહેવા લાગી, ‘તમે મારા ભાઈ છો. મને જવા દો. બાળકો મારી રાહ જોતાં હશે.’ પછી દેવપુત્રો અદૃશ્ય થઈ ગયા. તે પૂનમની રાત હતી. દર વખતે તો બાળકો માદ્રીની રાહ જોતાં ઊભાં જ હોય પણ આજે તેમને ન જોઈ તે ચંતાિ કરવા લાગી. તેમના આકસ્મિક મૃત્યુનો વિચાર પણ આવ્યો અને તે સીધી બોધિસત્ત્વ પાસે જઈ પહોંચી. જાતજાતની આશંકા કરીને તે પૂછવા લાગી. પણ તે તો મૂગા જ રહ્યા. પછી પૂછ્યું, ‘આટલી મોડી કેમ આવી?’ ત્યારે માદ્રીએ રસ્તામાં આવી ચઢેલાં પ્રાણીઓની વાત કરી. સવાર સુધી બોધિસત્ત્વ મૂગા જ રહ્યા. માદ્રી વિલાપ કરવા લાગી, પોતાની સ્થિતિને સીતા સાથે સરખાવી. બાળકો માટે તે જાતજાતનાં ફળ લઈ આવી હતી. બાળકો દરરોજ જ્યાં રમતાં હતાં ત્યાં પણ તે જઈ આવી. પણ બાળકો ક્યાંય ન હતાં. અશ્રુપાત કરતી તે જમીન પર ફસડાઈ પડી. બોધિસત્ત્વે માની લીધું કે તે મૃત્યુ પામી છે. થોડી વાર પછી હોશમાં આવેલી માદ્રીને બાળકોના દાનની વાત કરી. માદ્રીએ એ દાન બદલ વેસ્સન્તરને ધન્યવાદ આપ્યા. આ બધું બન્યા પછી ઇંદ્રે વિચાર્યું, કાલે ઊઠીને કોઈ નીચ પુરુષ માદ્રીનું જ દાન માગી લેશે તો, એટલે તે પોતે જ બ્રાહ્મણનો વેશ લઈ માદ્રીનું દાન લેવા નીકળ્યા, ‘મહારાજ, હું વૃદ્ધ થઈ ગયો છું, તમારી પત્ની મને આપો.’ વેસ્સન્તર આ સાંભળીને થોડા અસ્વસ્થ તો થયા પણ તેમણે માદ્રીનું દાન કરી દીધું, માદ્રી જરાય ડરી નહીં, રડી નહીં. શક્રે છેવટે પ્રગટ થઈ વેસ્સન્તરની બહુ સ્તુતિ કરી. ઇંદ્રે જ્યારે તેને આઠ વરદાન માગવા કહ્યું ત્યારે વરદાન માગ્યા: પિતા દ્વારા સ્વાગત, અપરાધી પિતાનો વધ કરવાની અનિચ્છા, બધી જ અવસ્થાના સ્ત્રીપુરુષોને આશ્રય, પત્નીવ્રતાપણું, દીર્ઘાયુ પુત્ર, સૂર્યોદયે દિવ્ય ભોજન, દાન આપવા છતાં અક્ષુણ્ણ રહે એવો દાનભંડાર, મૃત્યુ પછી સ્વર્ગપ્રાપ્તિ. વેસ્સન્તરને આ બધાં વરદાન આપી શક્ર સ્વર્ગે સિધાવ્યા.
પૂજક બાળકોને રસ્તામાં સૂવડાવી દેતો હતો. ત્યારે એક દેવપુત્ર વેસ્સન્તરનું અને એક દેવકન્યા માદ્રીનું રૂપ લઈને આવતાં અને બાળકોની આસનાવાસના કરી તેમને સૂવડાવી દેતા અને પછી બંને અંતર્ધાન થઈ હતાં. પૂજક ઉપર દેવતાનું શાસન ચાલ્યું એટલે તે વતન જવાને બદલે જેતુત્તર નગરમાં જઈ પહોંચ્યો. રાજાએ પણ સ્વપ્નમાં બે કમળ લઈને આવેલા કોઈ માણસને જોયો. બ્રાહ્મણોએ સ્વપ્નનો મર્મ કહ્યો, ‘બહુ દિવસ પછી વિખૂટા પડેલાં સ્વજનો મળશે.’ દેવતાઓની પ્રેરણાથી બ્રાહ્મણ રાજસભામાં જઈ પહોંચ્યો. રાજાના પૂછવાથી બ્રાહ્મણે વેસ્સન્તરે દાનમાં આપેલાં બાળકોની વાત કરી. આ સાંભળી અમાત્યોએ વેસ્સન્તરની નંદાિ કરી. તે બધાંનું દાન કરી શકે પણ બાળકોનું દાન કેવી રીતે તે કરી શકે, પણ રાજાએ પોતાના પુત્રનો બચાવ કર્યો, જેની પાસે કશું હોય જ નહીં તે શાનું દાન કરે? કૃષ્ણાજિર્નાએ પૂજક બ્રાહ્મણની ક્રૂરતાની વાત કરી. રાજાએ બાળકોને પોતાની પાસે બોલાવ્યાં પણ ‘અમે તો આના દાસ છીએ’ એમ કહી તેઓ દૂર જ રહ્યા. રાજાએ બાળકોને તેમનું મૂલ્ય પૂછ્યું અને એ પ્રમાણે મૂલ્ય અપાવ્યું, પછી રાજાએ બાળકોને સ્નાન કરાવ્યું, અલંકૃત કર્યાં અને વેસ્સન્તર તથા માદ્રીનાં ખબરઅંતર પૂછ્યાં. જાલિકુમારે પોતાના માતાપિતાની દિનચર્યા વિગતે વર્ણવી બતાવી અને છેલ્લે સંજય રાજાનો વાંક પણ કાઢ્યો. કુમારે પછી કહ્યું, ‘તમે જાતે જઈને અમારા પિતાને તેડી લાવો.’ હવે રાજાએ સેનાપતિને સેના તૈયાર કરવાની આજ્ઞા આપી. સાઠ હજાર સૈનિકો, ચૌદ હજાર હાથી અને એટલા જ ઘોડા, રથ તૈયાર કરાવ્યા. વંક પર્વત સુધીનો માર્ગ સમતલ કરવાની આજ્ઞા આપી. રસ્તામાં ખાણીપીણીની વ્યવસ્થા કરવા કહ્યું. સંગીતકારો, નટ, નૃત્યકારો, જાદુગરોને તૈયાર થવાની સૂચના આપી. પૂજક વધારે પડતું ખાઈને મૃત્યુ પામ્યો. પછી સેના નીકળી પડી. હાથીઘોડાના અવાજ સાંભળીને વેસ્સન્તરને શંકા ગઈ કે કોઈ દુશ્મન રાજા મારા પિતાનો વધ કરીને મને મારી નાખવા તો નથી આવતો ને! ભયભીત થઈને માદ્રી આગળ પોતાની શંકા વ્યક્ત કરી પણ થોડી વારે તે સ્વસ્થ થયો. સંજય રાજાએ પુત્ર પાસે વારાફરતી જવા સૂચવ્યું. પોતે પુત્ર પાસે ગયો, વેસ્સન્તરે અને માદ્રીએ પિતાની વંદના કરી. જંગલમાં કાઢી મુકાયા પછી સુખ શું દુઃખ શું. વેસ્સન્તરે પુત્રોના સમાચાર પૂછ્યા એટલે રાજાએ તેમની કુશળતા જણાવી. પછી ફુસતી દેવી પણ ત્યાં જઈ ચઢી. બાળકો માદ્રી પાસે દોડી ગયાં. સંજય રાજાએ વેસ્સન્તરની ક્ષમા માગી, અને રાજ્ય સોંપ્યું. વેસ્સન્તર પણ સ્નાનશુદ્ધિ કરીને પોતાના જન્મની સાથે જન્મેલા હાથી પર સવાર થયો. ફુસતીએ પુત્રવધૂ માદ્રી માટે આભૂષણો, વસ્ત્ર મોકલ્યાં; માદ્રી પણ હાથી પર સવાર થઈ. જંગલનાં બધાં પ્રાણીઓ અહંસિક બની ગયાં, બધાં પશુપક્ષી એકઠાં થયાં. આમ વેસ્સન્તરની યાત્રા આગળ ચાલી. સાઠ યોજનનો માર્ગ પસાર કરતાં તેમને બે મહિના લાગ્યા. વેસ્સન્તરે નગરપ્રવેશ વખતે વિચાર્યું, સવાર થશે એટલે યાચકો દાન લેવા આવશે, તેમને હું શું આપીશ? આ જાણીને શક્રે રાજભવનની બધી દિશાએ રત્નવર્ષા કરી. જેમને ઘેર આ વર્ષા થઈ તેઓ એ રત્નો પોતાની પાસે જ રાખી લે એમ જાહેર કર્યું અને વધેલાં રત્નો રાજકોશમાં મુકાવી દીધાં.
(આદિ કથાઓના અનુવાદ: હરિવલ્લભ ભાયાણી, બાકીની જાતકકથાઓના અનુવાદ: ભદંત આનંદ કૌસલ્યાયન)