અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બટુકરાય (બટુકશંકર) પંડ્યા/દર્દના દરિયામાં

Revision as of 15:53, 24 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> દર્દના દરિયામાં ડૂબી જાઉં છું, થઈને પરપોટો વિસર્જન થાઉં છું. તર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

દર્દના દરિયામાં ડૂબી જાઉં છું,
થઈને પરપોટો વિસર્જન થાઉં છું.

તર્જની છેડે છે દિલના તારને,
કોઈ ગરકાવે અને હું ગાઉં છું.

શોધતો રહું છું હું મુજ અસ્તિત્વને,
ગેબમાં ગોફણ બની વીંઝાઉં છું.

બંધ મુઠ્ઠીનો ભરમ ખૂલી ગયો,
શબ્દની સાંકળ વડે બંધાઉં છું.

આપણો સંબંધ લીલું પાન છે,
વૃક્ષ માફક ચોતરફ ફેલાઉં છું.

રાહબર થઈ તું જ દોરે છે છતાં,
કમનસીબી છે કે ઠોકર ખાઉં છું.

જે વહી ગઈ એ ક્ષણોને શું કહું!
અંજુમનમાં એકલો પસ્તાઉં છું.

ઘૂંટ કો’ પાઈ ગયું છે એ રીતે,
હું જ મારામાં છલકાતો જાઉં છું.

(ગુજરાતી પ્રતિનિધિ ગઝલો, પૃ. ૮૦)