અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયન્ત પાઠક/બચુભાઈનું સ્વર્ગારોહણ અને શોકસભા — એક અહેવાલ

Revision as of 16:46, 24 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> —અને પછી તો વાત વાયરે ચઢી વહી ચોફેર; જંગલ જંગલ કોતર નદી ને ડુંગર ડ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

—અને પછી તો વાત વાયરે ચઢી વહી ચોફેર;
જંગલ જંગલ કોતર નદી ને ડુંગર ડુંગર ઘેર—

બચુભાઈ પાછા થ્યા, તેડાં આવ્યાં, સરગાપરી
ગયો ભોળિયો જીવ ખોળિયે ખોટેથી નીસરી.

દવ લાગ્યો ડુંગરમાં જાણે, જંગલમાં ભભડાટ
નદી સરોવર જલઝરણાં સૌ અંતરમાં ખભળાટ.

થથરી ઊઠ્યાં ઝાડ બધાં ઝંઝેડ્યાં જાણે કોકે
ડૂસકે ડૂસકે ખરી પડ્યાં ભૈ બચુભાઈના શોકે.

વાદળ ઓઢી માથે ડુંગર દડદડ દડદડ રડતા
નદી કોતરનાં નીર ખીણ પથ્થર પડતાં આખડતાં

ડાળ ઝાલીને બેઠાં પંખી જાણે વાગી મૂઠ
ના બોલે ના ચાલે જાણે ચાંચ-પાંખ સૌ જૂઠ

વગડાનાં પશુઓને હૈયે વાગી જબ્બર ચોટ
ખાધાપીધા વનાં પડ્યાં છે પગ ઘાલીને પોટ;

અસલ બચુભઈ આપણ કુળના, માણસ તો ક્‌હેવાનો,
શોકસભા તો ભરવી જોવે, માણસ સાંભરવાનો.


દડદડતા ડુંગર ચાલ્યા ને ખળખળતાં નદીકોતર
રડતાં રડતાં ઝાડ અને કંઈ પડતાં, રાનજનાવર

ગગન બધું નિઃશ્વાસે ઝાંખું ડૂસકે દદડી પડ્યું
વ્હાલવેણને વીજકંપ વરમંડ બધું પડું પડું!

ગયો ગયો ઘરનો માણસ ખરખબર્યુંનો પૂછનારો
માયાના મોંઘા મલમલથી આંખડીનો લૂછનારો.

ઊઠી ગયો અમ વચમાંથી જણ અમને જાળવનારો
તરણાને તનથી અદકું કરી દલડામાં ધરનારો

બચુભાઈ વણ હવે કોણ આ વખાણશે વગડાને
બધા વસ્તીના ઘૂંટે એકડા, કોણ ઘૂંટે બગડાને?

હવે આપણે પશુપંખી ડુંગર કોતર સૌ સૂનાં
એક એકડા વના મીંડાં-શાં, જેમ હતાં આદુનાં.

અંજળપાણી ખૂટ્યાં હવે ના મળવા માણસવેશે
અમે ઝૂરીએ અહીં તમે ત્યાં અમરાપરના દેશે.

અમે જાણીએ અહીંના સુખથી તમે સઘળું હેઠ,
—તો પાછા વળજો કંઈ બ્હાને છોડી સરગની વેઠ.


પછી અડાબીડ મૌન, મૌનમાં શોકસભા વીખરાણી
દલડે ડૂમો ચડે, આંખથી પડે પીડનાં પાણી.