ગુજરાતી બાળવાર્તા સંપદા/શ્રમનો મહિમા

Revision as of 03:32, 24 June 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
શ્રમનો મહિમા

જયભિખ્ખુ

એક રાજા. રાજા મહેલ ચણાવે. રાજા બીજું કરે પણ શું? આ રાજાએ તો આખો દેશ એક કર્યો હતો. દેશના અગિયાર ભાગ જીતીને સાંધ્યા હતા. પોતે રાજામાંથી મહારાજા બન્યો હતો. મહારાજાને ગમે મહેલ. એ મહેલ ચણાવે. બાગબગીચા બનાવે. ઝરૂખા બંધાવે. મેડી-માળિયાં રચાવે. દરેક રાજાને નવા નવા મહેલના શોખ થાય. દરેકને એમ થાય કે એકએકથી સવાયા મહેલ બાંધું! ત્યારે આ તો મહારાજ! એને શા શાનાં મન ન થાય? એણે એક મહેલ બાંધ્યો. હજારો બારીઓ, હજારો બારણાં, હજારો ઓરડા. બધે એકએકથી સવાયું રાચરચીલું. હાંડી, તકતા, ઝુમ્મર! એકને જુઓ ને એકને ભૂલો. ઠંડા ફુવારા, ગરમ હોજ ને ચોખ્ખા પાણીના નળ! મહેલ તો ઓહો થયો! દેશદેશમાં નામના થઈ. દેશદેશથી લોકો જોવા આવ્યા. જોઈને લોકો વાહવાહ કરે. આવો મહેલ થયો નથી, થવાનો નથી. પણ એના દેશના લોકો એને ન વખાણે. એ કહે : ‘રાજાજી! તમારા સુખનો વિચાર કર્યો, પણ પ્રજાના દુઃખનો વિચાર કર્યો કદી?’ રાજા કહે, ‘અરે! શું દુઃખ છે મારી પ્રજાને?’ પ્રજા કહે : ‘આપણી બધી સરહદો ખુલ્લી છે. સીમાડે ભયંકર લૂંટારાઓ રહે છે. તીડનાં ટોળાંની જેમ ધસી આવે છે. પાઈ-પૈસો, સ્ત્રી-બાળક બધું ઉપાડી જાય છે.’ રાજા કહે : ‘કઈ દિશામાંથી આવે છે?’ પ્રજા કહે : ‘ઉત્તર દિશામાંથી આવે છે. રાજાજી! અમે દક્ષિણના સિંહથી ડરતા નથી, પણ ઉત્તરના મુરઘાથી ડરીએ છીએ. ભયંકર છે લૂંટારા! તોબા! તોબા!’ લોકોની આંખોમાં બોર-બોર જેવડાં આંસુ હતાં. રાજા કહે : ‘રડશો નહિ. ચાલો ઉત્તર દિશામાં મોટી દીવાલ ખડી કરીએ. એ વીંધીને આગળ વધી ન શકે.’ પ્રજા કહે : ‘એવડી મોટી દીવાલ બને કેમ? લગભગ બે હજાર માઈલમાં દીવાલ બનાવવી પડે. કોણ કરે? કેમ બને?’ રાજાએ ગર્જના કરી ને કહ્યું : ‘કેમ શું કરે? હું કરું. મારી રૈયત કરે.’ રાજા હઠે ભરાયો. એણે કહ્યું : ‘ગમે તેવું જબરું કામ હશે, પણ હું કરીશ. આવડો મોટો મહેલ, પણ મારે તો રહેવા એક ઓરડો જોઈએ. આટલા બધા ફુવારા, પણ મારે નાહવા એક જ ફુવારો જોઈએ. હું મારા દેશનું રક્ષણ કરીશ. એ માટે ઉત્તરમાં દીવાલ બાંધીશ. લૂંટારાઓને ત્યાં જ રોકી દઈશ. મારી રૈયતને સુખી કરીશ.’ રાજાએ તો બધા ઇજનેરોને બોલાવ્યા. દીવાલના નકશા તૈયાર કરવા કહ્યું. ઇજનેરો આભા બની ગયા. બોલ્યા : ‘હજૂર! બે હજાર માઈલ લાંબી દીવાલ બંધાય કેમ?’ રાજા કહે, ‘હજૂર ખાય ખજૂર! શા માટે ન બંધાય? કાળા માથાનો માનવી ધારે એ કરી શકે.’ રાજાનો દીકરો વચ્ચે બોલ્યો : ‘પિતાજી! આ બધા ભણેલા-ગણેલા ઇજનેરો છે. એવડી મોટી દીવાલ બંધાય કેવી રીતે? અને જાડી પણ ખાસ્સી કરવી પડે ને!’ રાજા ગુસ્સે થઈ ગયો. દીકરાનો હાથ પકડી એને આગળ કરતાં બોલ્યો, ‘અરે દીકરા! આ દેશના મહારાજા થવું રમત વાત નથી. અને તું જાણી લે કે આ દેશના મહારાજા માટે કશું અસંભવ પણ નથી. ચાલ, તું જ આગળ થા. કોદાળી-પાવડો પહેલાં તું જ પકડ ને કામે લાગ.’ બધા માનતા હતા કે મહારાજને કામની મુશ્કેલીઓ સમજાવી દઈશું, એટલે ચૂપ થઈ જશે. સુખે રોટલો ખાતા હોઈએ ત્યાં આ માથાકૂટમાં કોણ ઊતરે? પણ રાજા એ તો રાજા! એણે લીધી વાત છોડી નહિ. પહેલાં પોતાના દીકરાને કામે લગાડ્યો. પછી જેલમાં પૂરેલા ચોર, ડાકુ ને ખૂની – બધાને દીવાલના કામે લગાડ્યા. ધડાધડ કામ ચાલ્યું! બરાબર સરખા અંતરે બે પાયા ખોદ્યા. વચ્ચે ૨૫ ફૂટ અંતર રાખ્યું. એ ૨૫ ફૂટમાં પહાડો કાપીને પથ્થરો ભર્યા. વિજ્ઞાનશાસ્ત્રીઓ બેઠા પગાર ખાતા હતા. તેઓને કહ્યું કે મસાલો બનાવો. એવો મસાલો બનાવો કે બે પથ્થરને સિમેન્ટની જેમ સાંધી દે. જેમ ઘણાને કામ કરવું નહોતું તેમ ઘણા કામ કરવાને રાજી હતા. ઘણાને આવડી મોટી દીવાલ શેખચલ્લીના તરંગ જેવી લાગતી. પણ કહ્યું છે ને કે સબકા પેગંબર દંડા! કોઈએ ચૂં...ચાં કર્યું કે લગાવ દંડા! કોઈએ કામમાં હરામખોરી કરી કે પૂરી દો જેલમાં! કોઈએ દીવાલને નુકસાન કર્યું કે ચણી લો જીવતો દીવાલમાં! કામ ઝપાટાબંધ ચાલ્યું. રાજાએ પોતાના લશ્કરને આ કામમાં લગાડી દીધું. લશ્કર હોવા છતાં લૂંટફાટ થતી હોય પછી એને રાખવાનો શો અર્થ? ત્રણ લાખ માણસોનું લશ્કર દીવાલના કામે લાગી ગયું. મજૂર બની ગયું. તોય આ કામ જેવુંતેવું નહોતું. બે હજાર માઈલ લાંબી દીવાલ બાંધવાની હતી અને પહોળી પણ ઘણી. ઘોડાગાડીઓ એના પર સહેલાઈથી દોડી શકે. કામ કરતાં પથ્થર ખૂટ્યા! રાજાએ કહ્યું, ‘મહેલ કરતાં દીવાલ કીમતી છે. મહેલના પથ્થરો અહીં લઈ આવો.’ પથ્થરો આવ્યા તો મજૂરો ઓછા પડ્યા. આખરે જનતાનો વારો આવ્યો. રાજાએ દરેક તંદુરસ્ત સ્ત્રી-પુરુષને મજૂરીએ નીકળી પડવાનો હુકમ કર્યો! હુકમ થતાં જનતા નીકળી પડી. પાવડા, કોદાળી ને તગારાં લઈને કામે લાગી ગઈ. આ તો જનતાનું કામ! જનતાનું કામ જનતાએ કરવું જોઈએ. જે પોતાની ફરજ ન સમજે, એને રાજા સમજાવે. એવા લુચ્ચા લોકોને રાજા કોરડા લગાવે, ફટકા મારે, શૂળીએ ચઢાવે, જીવતા દીવાલમાં ચણે! ઘરમાં બેસીને વાતોના ફડાકા મારનારાઓને માથે તગારાં લેવાં ને હાથમાં પાવડા લેવા કેમ ફાવે? તેવા લોકોએ રાજાને હલકો પાડવા કવિતાઓ કરી. કવિતામાં એની અને એના કામની મશ્કરી કરી. પણ રાજાનો નિરધાર અડગ હતો. આખરે અઢાર વર્ષને અંતે દીવાલ તૈયાર થઈ. પંદરસો માઈલ લાંબી અને તેના ટેકા ગણીએ તો ત્રણ હજાર માઈલની દીવાલ તૈયાર થઈ! ઉત્તરના લૂંટારાઓ ત્યાં રોકાઈ ગયા. પ્રજા નિર્ભય બની. આ રાજાએ લશ્કરને મજૂરીમાં મૂક્યું હતું. સાથે મજૂરોએ દેશનું કામ કર્યું હતું. એ મજૂરોને લશ્કરમાં લઈ લીધા. ત્રણ લાખમાંથી ત્રીસ લાખની સેના બની ગઈ! આ દેશ તે ચીન. એ રાજાનું નામ ચેંગ. ઇતિહાસમાં શી-હુઆંગ-ટીને નામે એ જાણીતો છે. આ બનાવ બન્યો-દીવાલ બંધાઈ ઈસુના પહેલાં ૨૫૧ વર્ષે એટલે આજથી બાવીસો વર્ષ પહેલાં. આ દીવાલે પંદરસો વર્ષ સુધી કામ આપ્યું. કહેવાય છે કે આ દીવાલમાં વપરાયેલા પથ્થરોથી બે ફૂટ પહોળો ને એક ફૂટ જાડો રસ્તો બાંધીએ તો છેક ચંદ્રલોક સુધી રસ્તો બાંધી શકાય.