ગુજરાતી બાળવાર્તા સંપદા/ઝાંઝર બોલે રૂમઝૂમ!

From Ekatra Foundation
Revision as of 03:22, 24 June 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ઝાંઝર બોલે રૂમઝૂમ!

ઈશ્વર પરમાર

એક જંગલ હતું. જંગલમાં ઘણાં જાનવર રહે. જંગલમાં સિંહ રહે ને વાઘ રહે; જંગલમાં રીંછ રહે ને વરુ રહે; જંગલમાં શિયાળ રહે ને સસલાં રહે; જંગલમાં હરણ રહે ને હાથી રહે; જંગલમાં બીજાં રહે – વાંદરાં! એમાં એક વાંદરાભાઈ. રહેતા તો હતા જંગલમાં પણ કોઈ કોઈ વાર બાજુના ગામમાં આંટો મારવા જાય. એક વાર એ વાંદરાભાઈ ગામમાં ગયા. ગામમાં એક દુકાન. દુકાનવાળાએ આ વાંદરાભાઈને કારણ વગર કાંકરી મારી. વાંદરાભાઈ તો ખિજાયા. ઠેકડા મારીને ઘૂસી ગયા દુકાનમાં. ઉપાડી પોટલી. એ લઈને વાંદરાભાઈ તો હૂપાહૂપ ને કૂદાકૂદ કરતા જંગલમાં આવી ગયા પાછા. જંગલમાં એક ઝાડ નીચે બેઠા. પોટલી ખોલી. અવાજ આવ્યો : રૂમઝૂમ! પોટલીમાં તો હતાં નાનાં-મોટાં ઝાંઝર. બબ્બે ઝાંઝર સાથે બાંધેલાં હતાં. બે ઝાંઝરની એક જોડી કહેવાય. એક જોડી ઝાંઝર એટલે બે ઝાંઝર. પોટલીમાંથી ઝાંઝરની નવ જોડી નીકળી. ઝાંઝરની બધી જોડી એકબીજાથી નોખી ને પાછી નવીનકોર! વાંદરાભાઈએ તો પહેલાં પોતાના પગમાં ઝાંઝર પહેરી લીધાં. પોટલી બાંધીને મૂકી પોતાને માથે. એમને થયું : લાવ જંગલમાં બીજાનેય રૂમઝૂમ કરાવું. માથે પોટલી લઈને એ તો નાચતા-કૂદતા બોલતા જાય :

નાચવાનો આનંદ : સૌ આવો દોડી,
રૂમઝૂમ બોલે છે ઝાંઝરની જોડી!
દોડોદોડો દોસ્ત, બાકી રહી છે થોડી,
રૂમઝૂમ બોલે છે ઝાંઝરની જોડી!

સિંહે આ સાંભળ્યું. વાઘે સાંભળ્યું. બંને દોડતા આવ્યા. રીંછે આ સાંભળ્યું. વરુએ આ સાંભળ્યું. બંને દોડતા આવ્યા. વાંદરાભાઈએ એ ચારેયને એકેક જોડી ઝાંઝરની આપી. સિંહે ને વાઘે; વરુએ ને રીંછે – એ જોડી આપી પોતપોતાનાં બચ્ચાંને! વાંદરાભાઈએ તો પાછી પોટલી લીધી માથે. એ તો કૂદતા જાય ને બોલતા જાય :

નાચવાનો આનંદ : સૌ આવો દોડી,
રૂમઝૂમ બોલે છે ઝાંઝરની જોડી!
દોડોદોડો દોસ્ત, બાકી રહી છે થોડી,
રૂમઝૂમ બોલે છે ઝાંઝરની જોડી!

શિયાળે આ સાંભળ્યું. સસલાએ આ સાંભળ્યું. બંને દોડતાં આવ્યાં. હરણે આ સાંભળ્યું. હાથીએ આ સાંભળ્યું. બંને દોડતાં આવ્યાં. વાંદરાભાઈએ એ ચારેયને એકેક જોડી ઝાંઝરની આપી. શિયાળે ને સસલાએ, હરણે ને હાથીએ એ જોડી આપી પોતપોતાનાં બચ્ચાંને! બધાંય બચ્ચાં ખુશખુશ. વાંદરાભાઈની ખુશીનો તો પાર નહિ. ખાલી પોટલીની પાઘડી પહેરીને વાંદરાભાઈ તો રૂમઝૂમ હૂપાહૂપ, રૂમઝૂમ હૂપાહૂપ કરતા નીકળી ગયા આગળ. જંગલમાં તો બધાં જાનવરનાં બચ્ચાં થયાં ભેગાં. પગમાં ઝાંઝર પહેરીને બધાં ખૂબ નાચે. નાચે નાચે ને ગાય :

ઝાંઝર બોલે રૂમઝૂમ, નાચો-ગાઓ છૂમછૂમ!
ગાઓ-નાચો છૂમછૂમ, ઝાંઝર બોલે રૂમઝૂમ!

બધાં બચ્ચાં ભેગાં મળીને નાચે; પણ હાથીભાઈનું બચ્ચું મદનિયું બધાથી દૂર રહીને એકલું-એકલું નાચે. એને બીજા સાથે ગમતું નહિ. એ એકલું-એકલું નાચતું હતું. નાચતાં-નાચતાં વળી એને થયું : લાવ, એક ઝાંઝર ઉતારીને નાચું. એણે એક પગનું ઉતાર્યું ઝાંઝર. પછી એક ઝાંઝરે નાચવાનું મૂકીને એ તો માંડ્યું રડવા. હાથીભાઈ એની પાસે આવ્યા : ‘કેમ રડે છે બેટા?’ તો કહે : ‘મારું એક ઝાંઝર ખોવાઈ ગયું. ઝાંઝરની મારી જોડી તૂટી. હવે મારે ઝાંઝર જોઈએ ને જોઈએ.

ઝાંઝર મળે તો જ અહીંથી જાવું,
ઝાંઝર વિના કંઈ જ નહિ ખાવું.’

હાથીભાઈએ ખૂબ મનાવ્યો. પણ મદનિયાભાઈ માન્યા નહિ. હવે શું કરવું? હાથીને એક ભાઈબંધ હતો – ઉંદર! એણે ઉંદરને વાત કરી : ‘ગમેતેમ કરીને એક ઝાંઝર લાવી આપો, ઉંદરભાઈ!’ ઉંદરભાઈ તો રાતે ગુપચુપ ઊપડ્યા. સિંહનું બચ્ચું ને વાઘનું બચ્ચું, રીંછનું બચ્ચું ને વરુનું બચ્ચું, શિયાળનું બચ્ચું ને સસલાનું બચ્ચું અને હરણનું બચ્ચું – આ બધાં બચ્ચાં ઝાંઝર પગમાં પહેરીને રાતે સૂઈ ગયાં હતાં. ઉંદરભાઈએ તો ગુપચુપ-ગુપચુપ એ સાતેય બચ્ચાંના પગમાંથી એકેક ઝાંઝર સરકાવી લીધું. સવારે ઉંદરભાઈએ હાથીભાઈને આપ્યાં ઝાંઝર સાત! હાથીભાઈએ એ સાત ઝાંઝર આપ્યાં મદનિયાભાઈને. મદનિયાભાઈ એ ઝાંઝર જોઈને કહે : ‘આ ઝાંઝર મારા ઝાંઝર જેવાં તો નથી. મારે તો મારી જોડીનું જ ઝાંઝર જોઈએ.’ મદનિયાભાઈની પાછી એ જ વાત :

ઝાંઝર મળે તો જ અહીંથી જાવું,
ઝાંઝર વિના કંઈ જ નહિ ખાવું.

અહીં મદનિયાભાઈ હઠ કરીને ઊભા ને ત્યાં સિંહ ને વાઘ, રીંછ ને વરુ, શિયાળ ને સસલું અને હરણ – આ બધાંનાં બચ્ચાં રડવા લાગ્યાં. એ બધાં બચ્ચાંની પણ એ જ વાત :

ઝાંઝર મળે તો જ અહીંથી જાવું,
ઝાંઝર વિના કંઈ જ નહિ ખાવું.

એ બધાં બચ્ચાંના બાપુજી જંગલમાં ઝાંઝર શોધવા માંડ્યા. ઝાંઝર શોધતાં-શોધતાં સિંહભાઈ તો મદનિયાભાઈ પાસે આવી પહોંચ્યા. હાથીભાઈ ત્યાં ઊભા હતા, ઉંદરભાઈ પણ હતા. નીચે પડ્યાં હતાં સાત ઝાંઝર! સિંહ કહે : ‘આ ઝાંઝરની ચોરી કોણે કરી?’ હાથી કહે : ‘મેં નથી કરી ચોરી ચોરી તો ઉંદરે કરી છે.’ ઉંદર કહે : ‘મને તો આ હાથીભાઈએ કહ્યું કે ઝાંઝર લાવી આપ; એટલે હું તો બધાં બચ્ચાંના પગમાંથી એ સરકાવી લાવ્યો.’ સિંહભાઈ હાથીને કહે : ‘પણ આ ચોરી કરાવી શા માટે?’ હાથી કહે : ‘મારા મદનિયાનું ઝાંઝર ખોવાઈ ગયું હતું; એટલે મેં ઉંદરને ગમે ત્યાંથી લાવી આપવા કહેલું.’ સિંહભાઈ હાથીને કહે : ‘પોતાની ચીજ ખોવાય, તો કંઈ બીજાની ચીજ ચોરાય? આ તો બહુ ખરાબ!’ પછી સિંહભાઈ ઉંદરને કહે : ‘કોઈ કહે કે ચોરી લાવ તો કંઈ બીજાની ચીજ ચોરવા જવાય? આ તો બહુ ખરાબ! ચાલો, તરત ને તરત આ ઝાંઝર જેનાં છે, તે બધાંને આપીને અહીં આવો.’ ઉંદરભાઈ તો ઝટઝટ ઝાંઝર પેલાં બચ્ચાંઓને આપી આવ્યા. પછી સિંહભાઈએ એને કહ્યું : ‘હવે આ મદનિયાનું ઝાંઝર શોધવા માંડો.’ ઉંદરભાઈ તો માંડ્યા જમીન ખોતરવા. ધૂળ ઊડે કંઈ ધૂળ ઊડે. થઈ પડી છીંકાછીંક! સિંહભાઈને છીંક આવી, હાક છી! હાથીભાઈને છીંક આવી, હાક છી! ઉંદરભાઈને છીંક આવી, હાક છી! અને મદનિયાભાઈને છીંક આવી, હાક છી, ને છમ્! શું થયું તે ખબર પડી? છીંક સાથે મદનિયાભાઈની સૂંઢમાંથી બહાર પડ્યું ઝાંઝર! એક ઝાંઝરીએ નાચવા માટે મદનિયાભાઈએ બીજું ઝાંઝર પગમાંથી કાઢીને રાખેલું પોતાની સૂંઢમાં. નાચવામાં ને નાચવામાં ઝાંઝર સૂંઢમાં છે એ વાત તો મદનિયાભાઈ ભૂલી ગયેલા! ઝાંઝર મળતાં એ થયા રાજી. એણે તો ઝટઝટ બીજું ઝાંઝર પગમાં પહેરી લીધું. ત્યાં તો દૂરદૂર એમને રૂમઝૂમ રૂમઝૂમ સંભળાવા લાગ્યું. એ તો પેલાં સાતેય બચ્ચાંઓને ઝાંઝર મળી ગયેલાં ને એ બધાં નાચતાં હતાં. મદનિયાભાઈ તો દોડીને હવે થઈ ગયા એમના ભેગા. બધાં નાચતાં હતાં ને ગાતાં હતાં :

ઝાંઝર બોલે રૂમઝૂમ, નાચો-ગાઓ છૂમછૂમ!
ગાઓ-નાચો છૂમછૂમ, ઝાંઝર બોલે રૂમઝૂમ!

મદનિયાભાઈ પણ સિંહ ને વાઘ, રીંછ ને વરુ, શિયાળ ને સસલા અને હરણાનાં બચ્ચાં જોડે નાચવા માંડ્યા ને ગાવા માંડ્યા :

ઝાંઝર બોલે રૂમઝૂમ, નાચો-ગાઓ છૂમછૂમ!
ગાઓ-નાચો છૂમછૂમ, ઝાંઝર બોલે રૂમઝૂમ!

આ આઠેય બચ્ચાં કંઈ નાચે કંઈ નાચે! ત્યાં તો હૂપાહૂપ રૂમઝૂમ, હૂપાહૂપ રૂમઝૂમ કરતાંક ઠેકડો માર્યો વાંદરાભાઈએ! હવે એ નવેય જાનવર પાછાં માંડ્યાં નાચવાં ને ગાવાં :

ઝાંઝર બોલે રૂમઝૂમ, નાચો-ગાઓ છૂમછૂમ!
ગાઓ-નાચો છૂમછૂમ, ઝાંઝર બોલે રૂમઝૂમ!