વિશિષ્ટ સાહિત્યસંજ્ઞા કોશ/A
Abjection અપક્ષેપ જુલ્યા ક્રિસ્તેવા દ્વારા અપાયેલી આ મનોવૈજ્ઞાનિક સંજ્ઞા ચેતનાની સામાજિક અને અસંદિગ્ધ પ્રતીકાત્મક વ્યવસ્થામાંથી બહાર રાખવામાં આવેલી કોઈ વસ્તુનો સંકેત કરે છે. પ્રતીકાત્મક વ્યવસ્થામાં સ્થિર થવા માટે વ્યક્તિ જે કાંઈ મલિન કે કુત્સિત સમજે છે એનો અચેતનમાં અપક્ષેપ કરે છે. Acculturation પરસંસ્કૃતિગ્રહણ સંસ્કૃતિ-સંપર્ક દ્વારા થનારાં પરિવર્તનોની પ્રક્રિયાને પરસંસ્કૃતિગ્રહણ કહે છે. આ પ્રક્રિયામાં એક સંસ્કૃતિ બીજી સંસ્કૃતિનાં તત્ત્વોને સ્વેચ્છાથી કે દબાણથી ગ્રહણ કરે છે. અર્વાચીન કાળમાં ગુજરાતી સાહિત્યે આંગ્લસંસ્કૃતિનો જે રીતે પ્રભાવ ગ્રહણ કર્યો, મધુ રાયે જે રીતે ‘કલ્પતરુ’માં અમેરિકન સંસ્કૃતિનો પ્રભાવ ઝીલ્યો છે, કિશોર જાદવની વાર્તાઓમાં નાગાલૅન્ડની જે રીતે આબોહવા ઊતરી છે – આ બધામાં આ પ્રક્રિયા જોઈ શકાય છે. Acrolect ભદ્રબોલી સમાજના ઉચ્ચ વર્ગની બોલી સૂચવતી આ સંજ્ઞા સમાજના નીચલા વર્ગની બોલી – તળબોલી (Basilect)ની વિરોધી સંજ્ઞા છે. Actants કારકો ફ્રેન્ચ વિવેચક ગ્રેઈમાસે નિરૂપણના વિશ્લેષણ માટે કારકપ્રતિમાન આપેલું છે. એમાં કારકવ્યાકરણનું સાદૃશ્ય સ્પષ્ટપણે જોઈ શકાય છે. પાયાનું ગૃહીત એ છે કે કથાનકની પ્રત્યેક શ્રેણીને કારકજૂથમાં સમાવિષ્ટ કરી શકાય છે. કર્તા, કર્મ, પ્રેષક (destinateur), ગ્રાહક (destinatair), વિરોધી (opposant) અને સહાયક (adjuvant) એવી જુદી જુદી છ કામગીરીમાંથી કોઈ પણ એક કામગીરીમાં કારકજૂથને મૂકી શકાય છે. Action song નાટ્યગીત સંગીત તથા નૃત્ય, આંગિક ચેષ્ટાઓ અને અભિનય દ્વારા ભાવ પ્રગટ કરતું નાટ્યગીત, અઢારમી અને ઓગણીસમી સદીમાં રશિયાના ખેડૂતોનું લોકપ્રિય મનોરંજન હતું. Afroism આફ્રિકાવિષયક આફ્રિકાની સંસ્કૃતિને લગતું. Agencement કથાંશક્રમ કથાંશક્રમ (Sjuzet)ની પર્યાયસંજ્ઞા. Agonism વેદનાવાદ પાસ્કલ અને કિર્કગાર્ડ, નિત્શે અને દોસ્તોયેવ્સ્કી જેવા વેદનાના ફિલસૂફોએ આપેલી જીવન અંગેની વેદનાપ્રતીતિ આધુનિકતાની ઝુંબેશ પાછળ ચાલકબળ છે; અને આ વેદનાપ્રતીતિમાં તણાવ કેન્દ્રસ્થાને છે. રેનાતો પોગિઓલીએ આ વેદનાવાદમાં આધ્યાત્મિક પરાભવનું અશક્ય અને વિરોધાભાસી રૂપ તારવેલું છે. Alba વિરહગીત પરોઢિયે છૂટા પડતાં પ્રેમીઓનું વિરહગીત. Alterity અપરત્વ આ સંજ્ઞા અનુસંરચનાવાદમાં અન્ય (other)ના પર્યાય તરીકે વપરાય છે. ઉદાહરણ તરીકે મિશેલ ફૂકોનાં લેખનોમાં સત્તાસ્થાનોથી દૂર રખાયેલાઓ માટે ‘અપરત્વ’ કે ‘અન્ય’નો ઉપયોગ થાય છે. A means-ends model ઉપાદાન ઉપાદેય પ્રતિમાન યાકોબ્સનની આપેલી સંજ્ઞા છે. સાહિત્ય ભાષાના સ્તરે જ નહિ, પરંતુ ભાષાથી ઇતર એવા સ્તરોએ પણ તપાસ માગે છે. ભાષાથી ઇતર એવા સ્તરોની ઉપેક્ષા સાહિત્યનાં ભાષાકીય વિશ્લેષણોને સીમિત કરી દે છે; તો સામે પક્ષે સાહિત્યનો ભાષાના સ્તરે નિષેધ થતાં સાહિત્ય કલા તરીકેની આપણી સમજ માટે અસંગત બની જાય છે, આથી યાકોબ્સને સ્વરૂપ અને કાર્યનું વિશ્લેષણ કરતો સંયોજિત અભિગમ સૂચવ્યો છે. Anacoluthon અસંગત અન્વય આ સંજ્ઞા દ્વારા કોઈ એક જ વાક્યમાં જાણી જોઈને કે અકસ્માતે એક વિન્યાસથી બીજા વિન્યાસમાં પરિણમતો ફેરફાર નિર્દિષ્ટ છે. રોજિંદી વાણીમાં તેમ જ અસંપાદિત યા અસંમાર્જિત લેખનમાં આ પ્રકારનો અસંગત અન્વયનો દોષ ઘણાખરા વહોરતા હોય છે. જેમ કે,
- ‘એ મારી પાસે આવ્યો અને – તમે મને સાંભળતા નથી.’
- ‘તમે ચોક્કસ પ્રયત્ન... મારે તો તમારામાં રહેલું ઉત્તમ જોઈએ.’
Analytical drama વિશ્લેષણાત્મક નાટક માત્ર ચરમ પરિણતિ કે પરાકાષ્ઠા જ મંચ પર બતાવવામાં આવે એવુ નાટક. આ નાટકમાં પરાકાષ્ઠા તરફ લઈ જનારાં તત્ત્વો તો પડદો ઊઠે એ પહેલાં જ ઘટી જાય છે. ધીરે ધીરે નાટ્યવ્યાપાર દ્વારા તેનો મર્મસ્ફોટ થાય છે. આનો મુખ્ય હેતુ પરાકાષ્ઠાની સ્થિતિમાં પાત્રોનું વિશ્લેષણ કરવાનો છે. Anarchism અરાજકતાવાદ આ વાદની કેન્દ્રવિચારણા એ છે કે પૂર્ણ સમાજને રચવામાં નિયમોનું ઉચ્છેદન જરૂરી છે. રાજ્ય, સમાજ અને કુટુંબના નિયમો દૂર થાય તો જ મનુષ્ય સુખી હોઈ શકે. એક રીતે જોઈએ તો અરાજકતાવાદ પૂર્ણ વ્યક્તિવાદ છે. દંડવિહીન, રાજ્યવિહીન, વર્ગવિહીન, ધર્મવિહીન, નીતિ અને સમાજવિહીન પરિસ્થિતિમાં નાગરિક સ્વાનુશાસનથી જ માત્ર પોતાને નિયંત્રિત રાખે એવી આ વાદની કલ્પના છે. Anasemia અર્થદારિદ્ર્ય વિરચનવાદ વિષયવસ્તુની સામે સાશંક રહી વિષયવસ્તુની વિરુદ્ધનાં પૂર્વગૃહીતો અને વિધિઓ અખત્યાર કરે છે. વિષયવસ્તુના સંઘટનની ઉપેક્ષા કરતો કૃતિપરક તર્ક અહીં અર્થદારિદ્ર્ય દ્વારા સંકુલતાનું નિર્માણ કરે છે. આ તર્કને દેરિદાએ ઝાઁ જેનેની એની વાચના દરમિયાન ઓળખાવ્યો છે. શબ્દને એના અર્થથી દૂર લઈ જઈ અર્થદારિદ્ર્ય ઊભું કરવાની આ ક્રિયાને ફ્રોઈડના સંદર્ભમાં નિકોલાસ અબ્રાહમે પહેલવહેલું એનું નામ આપેલું. Anastrophe વ્યુત્ક્રમ સામાન્ય વિન્યાસનો વ્યુત્ક્રમ. જેમકે રાવજી પટેલની પંક્તિઓ :
“ઢોળાવો પરથી ગબડવા લાગ્યો
એક પથ્થર ચકમકનો
એમાંથી જ ફૂટ્યો હશે આ તડકો’
Anomie વિચલિતો સમાજથી ઉફરી ચાલનારી વ્યક્તિઓ કે ટોળકીઓ સમાજના કાયદા કાનૂનોને કે સામાજિક રૂઢિઓને નેવે મૂકીને ચાલે છે. આવા વિચલિતોને સમજવા માટે એમીલ દ્યુરકેમે (Emile Durkheime) પોતાની રિભાવના આ સંજ્ઞા દ્વારા વ્યક્ત કરી છે.
Anti art પ્રતિ-કલા પરંપરાગત સ્વરૂપોનો નિષેધ કરતું કલાસ્વરૂપ. આ સંજ્ઞા મુખ્યત્વે યાંત્રિક અને ઇલેક્ટ્રોનિક પ્રવિધિઓવાળાં સ્વરૂપોને લાગુ પડાય છે.
Antiessentialism પ્રતિમૂળભૂતવાદ પરંપરાવાદી ચિંતકો નિતાંત સત્યમાં શ્રદ્ધા ધરાવે છે એની સામે અનુઆધુનિકતાવાદી ચિંતકો પોતાને પ્રતિમૂળભૂતવાદી તરીકે ઓળખાવી સત્ય, અર્થ કે ઓળખ – વગેરેમાં કોઈ સારતત્ત્વ હોવાના વિચારને નકારે છે.
Anti form પ્રતિ-સ્વરૂપ આ સંજ્ઞા કલાકૃતિના નિર્માણમાં સ્વીકૃત સામગ્રીનો નિષેધ અને પ્રાકૃત સામગ્રી તરફનો પક્ષપાત સૂચવે છે.
Antifoundalionalism પ્રતિઆધારવાદ આ વલણ કોઈકની માન્યતા કે કોઈકના વિચારતંત્રના આધારને પડકારે છે.
Antiphrasis વ્યાજસ્તુતિ શબ્દનો વિરુદ્ધ અર્થમાં લાક્ષણિક રીતે વિપરીત પ્રયોગ જેમકે, ‘તમે તો સત્યવાદી હરિશ્ચંદ્ર છો!’
Antirationalism પ્રતિબુદ્ધિવાદ ગ્રીક દાર્શનિક પ્લેટોએ સર્વપ્રથમ આ મતનું પ્રતિપાદન કરતાં કહ્યું હતું કે સૌંદર્યની અનુભૂતિ માત્ર પ્રબળ આવેગ અને આત્મવિસ્મૃતિ દ્વારા જ શક્ય બને છે. સૌંદર્યના અને સૌંદર્યભાવનાના સંપ્રેષણમાં બુદ્ધિ અને જ્ઞાનની કોઈ ભૂમિકા હોતી નથી. આથી સૌંદર્યાનુભૂતિનું બુદ્ધિ અને વિવેકથી વિશ્લેષણ કરવું અશક્ય નહિ, તો અનિચ્છનીય જરૂર છે. રંગદર્શિતાવાદી યુગના વડર્ઝવર્થ શેલી જેવા કવિઓએ પણ સહજાનુભૂતિને કાવ્યનો આત્મા માનીને બુદ્ધિ અને વિવેકને કલાત્મક અનુભૂતિમાં બાધક માન્યા છે. આધુનિક કાળમાં ઇટાલિયન સૌંદર્યશાસ્ત્રી ક્રોચેએ પણ પોતાના ગ્રંથ ‘ઇસ્થેટિક્સ’માં સૌંદર્ય અને સર્જનપ્રક્રિયાના મૂળતત્ત્વ તરીકે સ્વયંસ્ફુરણાનો સ્વીકાર કરીને તર્ક અને બુદ્ધિનો બહિષ્કાર કરવાની હિમાયત કરી છે.
Antistrophe પ્રતિગતિ જુઓ, strophe
Antitradionalism પ્રતિપરંપરાવાદ આવાં ગાર્દ અને ખાસ તો ઇટાલિયન આવાં ગાર્દ સાથે સંકળાયેલી આ વૃત્તિ છે, જેમાં પરંપરાનો સદંતર વિરોધ કરવામાં આવ્યો હોય.
Apology પ્રતિવાદ પ્રતિવાદરૂપે કોઈ વિષયનું નિરૂપણ, પ્રતિપાદન અથવા વિવેચન થયું હોય એવી કૃતિ. પ્લેટોના ‘સોક્રેટિસનો પ્રતિસાદ’ તથા અન્ય ભાષણો દ્વારા આ પ્રકારનો પ્રારંભ થયો હોવાનું મનાય છે. પછી તો પ્રતિવાદાત્મક લેખનની પદ્ધતિ ગ્રીક વિચારકો અને સિસેરોએ પણ અપનાવી હતી. આધુનિક સાહિત્યમાં સર ફિલિપ સિડનીની ‘એન એપોલોજી ફોર પોએટ્રી’ કૃતિ પ્રસિદ્ધ છે.
Apophasis આક્ષેપોક્તિ આ સંજ્ઞા નિષેધ દ્વારા સમર્થનનો નિર્દેશ કરે છે. જેમકે, ‘હું એના જૂઠાણા વિશે કે એના છિનાળવાપણા વિશે તો કશું બોલવા માગતો નથી.’
A posiopesis અર્ધોક્તિ બોલવાનું ઓચિંતુ અટકાવી વાક્યને અધૂરું છોડવામાં આવે એ પ્રકારની વાગ્રીતિ.
Appropriation Art વિનિયોજનકલા અમેરિકામાં શેરી લેવિન, બાર્બરા ક્રૂગર, સિન્ડી શેરમન રિચર્ડ પ્રિન્સ જેવાનાં ચિત્રોને આ સંજ્ઞાથી વર્ણવવામાં આવ્યાં છે. કલાવિવેચક ડોગલાસ ક્રિમ્પે એની વ્યાખ્યા આપતાં કહ્યું છે કે આ ચિત્રોમાં સ્પર્ધાને સ્થાને સ્વાંગ છે, મૌલિકતાને સ્થાને પુનરાવૃત્તિ છે અને સર્જનને સ્થાને અપહરણો છે. વાસ્તવનો અર્થ અહીં સાંપ્રત સામાજિક જીવનની છબી દ્વારા ઊપસતું જગત છે.
A priori knowledge પ્રાગનુભવિક જ્ઞાન તત્ત્વવિજ્ઞાનમાં પ્રચલિત આ સંજ્ઞાનો અર્થ અનુભવથી સ્વતંત્ર એવા જ્ઞાન માટે મુકરર છે. ઇન્દ્રિયાતીત લોકોત્તર જ્ઞાનનો પણ એમાં સંકેત છે.
Archaeology પુરાતત્ત્વાલેખ પુરાવશેષોના વૈજ્ઞાનિક અભ્યાસનું આ રૂપક વ્યક્તિતાના ઉત્ખનન માટે મિશેલ ફૂકોએ વાપર્યું છે. વિનાશક વૃત્તિઓ અને ઇચ્છાઓ વ્યક્તિના ધરબાયેલા ભૂતકાળમાંથી બહાર આવતી હોય છે.
Archisemes બૃહદ્ અર્થઘટક ત્રુબેત્ઝકોઈની ‘આર્કિફોનિમ’ જેવી સંજ્ઞાના સાદૃશ્ય પરથી રશિયન સંકેતવાદી લોતમને રચેલી સંજ્ઞા. આ દ્વારા સાહિત્ય કૃતિનો બૃહદ અર્થપરક ઘટક સૂચિત થાય છે.
Arena theatre રંગસ્થળ અભિનેતાઓ ખુલ્લા મંચ પર અભિનય કરતા હોય અને પ્રેક્ષકો ચારેબાજુ બેસતા હોય એવું રંગભુવન. આ પ્રકારના રંગમંચ પર પડદાઓ હોતા નથી, અને સમસ્ત રંગવિધાન અને ખાસ કરીને દૃશ્યરચનાનું આયોજન એવી રીતે કરવામાં આવે છે કે ચારેબાજુ બેઠેલા પ્રેક્ષકો સરલતાપૂર્વક નાટ્યકર્મ પામી શકે. આજના યુરોપીય અને અમેરિકી નાટ્યનિર્માતાઓ પ્રવર્તમાન રંગમંચથી કંટાળીને ફરીથી રંગસ્થળને અપનાવી રહ્યા છે. આ રંગસ્થળમાં અભિનેતાઓ અને પ્રેક્ષકો વચ્ચે ભૌતિક અને માનસિક વ્યવધાન અપેક્ષાકૃત બહુ ઓછું હોય છે. આ પ્રકારના રંગમંચ પર અભિનય, દૃશ્યયોજના, પ્રકાશઆયોજન તથા સમસ્ત નાટ્યવિધાન અલગ પ્રકારનું હોય છે. ભારતનાં લોકનાટ્યો મૂળે રંગસ્થળમાં જ ભજવાય છે. ‘રામલીલા’ ‘ભવાઈ’ એવા પ્રકારોમાં પ્રેક્ષકો હજીય રંગમંચની ચોપાસ બેસે છે.
Artsy કલાખોર વધુ પડતું અલંકારખચિત.
Art trouve પ્રાપ્ત કલા અંગ્રેજી Found artની આ ફ્રેન્ચ સંજ્ઞા છે. જુઓ, object trouve.
Assemblage સંઘાતકલા કાપડ, હાર્ડવેર, કાગળ વગેરે વિવિધ વસ્તુસામગ્રીના ભંગારમાંથી રચેલું કલારૂપ કે કલાસંયોજન.
Assumptionist fallacy ધારણાદોષ સાહિત્યનું વિવેચન કરવાને બદલે વાચનપ્રક્રિયા પાછળની મૂળ ધારણાઓની સમીક્ષા કરવામાં ફંટાતી પ્રવૃત્તિઓના વિસ્તાર માટે વપરાતી સંજ્ઞા.
A theory of literary non-fiction સાહિત્યિક અ-કાલ્પનિકનો સિદ્ધાંત અ-કાલ્પનિક નિરૂપણ સાહિત્યિક હોઈ શકે કે કેમ એવો મહત્ત્વનો પ્રશ્ન નોર્મન મેય્લર, ટોમ વૂલ્ફ, માઈકેલ હેર જેવાનાં લખાણોને કારણે ઊભો થયો છે. આ લખાણોમાં આધાર હકીકતનો છે પરંતુ એમાં અભિવ્યક્તિ સાહિત્યિક કક્ષાએ પહોંચે છે. આવી કૃતિઓને કાલ્પનિક સામગ્રીરૂપે મૂલવવાની કે હકીકતરૂપે મૂલવવાની છે એવો પ્રશ્ન પણ સ્વાભાવિક બને છે. આ પ્રકારનાં અ-કાલ્પનિક નિરૂપણને બાહ્યજગત સાથે સંબંધ હોય છે પણ સાથે સાથે એને પોતાની ધ્યાન ખેંચનારી આકૃતિ પણ હોય છે. આવા અ-કાલ્પનિક નિરૂપણ કે નવલમાં આંતર કે બાહ્ય જગત તરફ સંપૂર્ણ ઢળ્યા વગર નિરૂપણ સમતુલ થવાનો પ્રયત્ન કરતું હોય છે. વર્ષા અડાલજાની ‘ગાંઠ છૂટ્યાની વેળા’ જેવી નવલકથાને આ સમસ્યા અંતર્ગત આવરી શકાય.
Aufklarung નવજાગૃતિ ૧૪મી સદીમાં પુનરુત્થાનકાળને કારણે કલા અને સાહિત્યમાં નવજાગૃતિનાં મંડાણ થયેલાં અને માનવચેતનાને મુક્ત કરવામાં આવેલી. જર્મનીમાં ૧૮મી સદીની નવજાગૃતિના મુખ્ય કર્ણધારોમાં લાય્બનિટ્સ, કાન્ટ, લેસિંગ વગેરેની ગણના થાય છે.
Auteur theory પ્રયોજક સિદ્ધાંત ફિલ્મવિવેચનનો આ એવો સંપ્રત્યય છે જેમાં ફિલ્મ-દિગ્દર્શકને સર્વેસર્વા ગણવામાં આવે છે. આવી ફિલ્મમાં દિગ્દર્શક એનો મહત્ત્વનો પ્રભાવ ફિલ્મ પર મૂકી જતો હોય છે.
Auto-function સ્વકેન્દ્રી કાર્ય જુઓ, Syn-function.
Automatism સ્વયંસંચાલન પરાવાસ્તવવાદી કલાસ્વરૂપ. એમાં અનિયંત્રિત ગતિવિધિ દ્વારા સર્જનાત્મક અવચેતનને પ્રગટ કરવામાં આવે છે.
Autotranslation સ્વાયત્ત અનુવાદ લેખક પોતાની રચનાઓનો પોતે અનુવાદ કરે એ માટે વપરાતી સંજ્ઞા.