વિશિષ્ટ સાહિત્યસંજ્ઞા કોશ/L

From Ekatra Foundation
Revision as of 02:10, 3 December 2025 by Meghdhanu (talk | contribs)
Jump to navigation Jump to search
L
Leitlexicoid અગ્રશબ્દબીજ આ સંજ્ઞા કાવ્યશાસ્ત્ર અને સંગીતના સિદ્ધાંતમાં વપરાતી અગ્રકથાબીજ (leitmotif) જેવી સંજ્ઞા છે. પણ નિરૂપણ સિદ્ધાંતના માળખામાં આ બે સંજ્ઞાઓ સહેતુક જુદી રાખી છે. અગ્રકથાબીજ અર્થગત રીતે સમાંતર વાક્યોની પુનરાવૃત્તિ માટે અનામત છે; જ્યારે અગ્રશબ્દબીજ અર્થગત રીતે સમાંતર શબ્દોને જ લાગુ પાડી શકાય છે. આ બંને સંજ્ઞાઓ કાવ્યાત્મક પુનરાવૃત્તિની મૂળભૂત સામગ્રીને વ્યક્ત કરે છે.
Lexical particularization શબ્દગત વિશેષીકરણ રિફાતેરની સંજ્ઞા. ગણવર્તિતા ભાષાના નિર્દેશપરક કાર્ય દ્વારા નિયંત્રિત થવાને બદલે કાવ્યકૃતિમાં શબ્દગત વિશેષીકરણને અનુસરે છે. અહીં અનુકરણને સ્થાને કૃતિ સંમૂર્તિતાને પ્રયોજે છે. બીજી રીતે કહીએ તો શુદ્ધ કે ગૌણી લક્ષણાની પ્રક્રિયા એમાં નિહિત હોય છે.
Life science જીવન વિજ્ઞાન મનોવિજ્ઞાન, સમાજવિજ્ઞાન કે નૃવંશવિજ્ઞાન જેવું માનવકાર્યને આવરી લેતું કોઈ પણ વિજ્ઞાન.
Lisible text વાચકકેન્દ્રી કૃતિ જુઓ, Scriptlble text.
Lit crit સાહિત્ય વિવેચન (Literary Criticism)
Literariness સાહિત્યિકતા સાહિત્યિકતા અંગેનો સિદ્ધાંત રશિયન સ્વરૂપવાદને વ્યવસ્થાપક અને વૈજ્ઞાનિક બનાવે છે. સાહિત્યિકતાના સિદ્ધાંત હેઠળ સાહિત્યના અભ્યાસનું ધ્યેય નિહિત ગુણધર્મો પર નહિ પણ વિરોધ ધર્મો કે ભેદકધર્મો પર કેન્દ્રિત હોય છે. આને કારણે સાહિત્યિકતાનો સિદ્ધાંત પ્રસ્થાપિત કરવાનું અને સાહિત્યના અભ્યાસને વૈજ્ઞાનિક દરજ્જો આપવાનું શક્ય બન્યું છે. આ સિદ્ધાંત અંતર્ગત આ કે તે સાહિત્યકૃતિ અથવા આ કે તે સાહિત્યકાર નહીં પરંતુ સાહિત્યિકતા જ સાહિત્યઅભ્યાસનું પ્રયોજન બને છે. યાકોબ્સન સ્પષ્ટ કરે છે કે સાહિત્યવિજ્ઞાનનો વિષય સાહિત્ય નથી પરંતુ સાહિત્યિકતા છે. આ સાહિત્યિકતા જ કૃતિને સાહિત્યકૃતિ બનાવે છે.
Literarism સાહિત્યવાદ વૈજ્ઞાનિકતાની વિરુદ્ધની સંજ્ઞા. આ સંજ્ઞા સાહિત્યિક કે માનવીય મૂલ્યો સાથેની નિસ્બત નિર્દેશે છે.
Literature of exhaustion પરિક્લાન્તિનું સાહિત્ય અનુઆધુનિક અમેરિકન નવલકથાકાર જોન બાર્ટને મતે આધુનિક સાહિત્યની પરંપરાવિદ્રોહની પણ એક પરંપરા છે. આધુનિકતાએ રૈખિકતા, તાર્કિકતા, ચેતનસ્તર, કાર્યકરણશ્રેણી, પારદર્શકભાષા, મધ્યમવર્ગીય નૈતિક રૂઢિઓની સામે જેહાદ પોકારેલી; અને એમ કરવામાં ચોક્કસ સ્વરૂપો અને ચોક્કસ શક્યતાઓ ખર્ચાઈ ચૂકેલાં. બાર્ટ એને ‘પરિક્લાન્તિનું સાહિત્ય’ કહે છે. બાર્ટનું સ્પષ્ટ માનવું છે કે વિ-સંયોજન, સમાંતરતા, અતાર્કિકતા, ભાષાભિમુખતા, નૈતિક બહુવાદ વગેરે પણ આધુનિકતાએ ખર્ચી નાખેલી મૂડી છે. અતિ આધુનિકતાની ખર્ચાઈ ચૂકેલી આ સૌંદર્યમીમાંસાની સામે જવું હોય તો એક પગ પૂર્વ આધુનિક નિરૂપણમાં અને બીજો પગ વર્તમાન અનુસંરચનાવાદમાં રાખીને જ અનુઆધુનિકતામાં પ્રવેશી શકાય. તો જ ખર્ચાઈ ચૂકેલું સાહિત્ય ફરીને પ્રાણવાન બને. બાર્ટ એને ‘પુનઃપૂર્તિનું સાહિત્ય’ (Literature of replenishment) કહે છે. અનુઆધુનિક બાર્ટની ‘ધ ફ્લોટિંગ ઓપેરા’ કે ‘ધી ઍન્ડ ઑફ ધ રોડ’ જેવી નવલકથાઓ આથી જ કસબની ઊંચી ગુણવત્તા સાથે એક કરતાં વધુ વાચકગણને પ્રસન્ન કરે છે.
Literature of replenishment ૫રિપૂર્તિ સાહિત્ય જુઓ, Literature of exhaustion.
Little Naratives લઘુવૃત્તાંતો નિત્શેની જેમ લ્યૉતાર પણ જગત કે સમાજને ‘બહુવિધતા’ના સંદર્ભમાં જ સ્વીકારે છે જેમાં વિશાળ વ્યૂહરચનામાં જુદા જુદા માણસો વિચારો માન્યતાઓ અને ન્યાયનાં ધોરણો પ્રવર્તતાં હોય. લ્યૉતારનો સમાજ અંગેનો ‘બહુવિધતા’નો ખ્યાલ એ સમાજને નાના નાના ભાષાબંધો (Dicourses) કે ભાષારમતોની અંતહીન શ્રેણીમાં ઝીલવાનો ખ્યાલ છે. આનો અર્થ એ છે કે અનુઆધુનિકતાવાદના હાર્દમાં કેટલાંક ‘જ્ઞાનો’ (જ્ઞાન – એકવચન નહીં) પડેલાં છે. લ્યૉતાર આને લઘુવૃત્તાંતો તરીકે ઓળખાવે છે.
Longuer નીરસખંડ કોઈ પણ સાહિત્યકૃતિનો કંટાળાજનક કે ખેદજનક ખંડ.
Lyrisme romantique રંગદર્શી ઊર્મિવાદ મુખ્યત્વે કવિના અંગતજીવન અને ભાવજગત પર અવલંબિત એવી અત્યંત આત્મલક્ષી ફ્રેન્ચ ઊર્મિકવિતાની લાક્ષણિકતાઓ સૂચવતી સંજ્ઞા. વિકતોર હ્યુગો, એલ્ફૉસ મેરી લેમેર્તી, લૂઈ શાર્લ માઈસે અને એલ્ફ્રેડ વિકતોર દ વીની – આ ફ્રેન્ચ પર રંગદર્શી ઝુંબેશના પ્રમુખ કવિઓ છે.