સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામપ્રસાદ બક્ષી/વિવેચક-પરિચય

From Ekatra Foundation
Revision as of 01:30, 11 February 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વિવેચક-પરિચય

રામપ્રસાદ બક્ષી

ગુજરાતી સાહિત્યના ખ્યાત વિવેચક અને સંપાદક રામપ્રસાદ બક્ષીનો જન્મ ૨૭મી જૂન ૧૮૯૪ જૂનાગઢમાં. વતન મોરબી, કુટુંબ રાજકોટમાં આવી રહ્યું. પ્રાથમિક અને માધ્યમિક અભ્યાસ રાજકોટમાં. ૧૯૧૦માં વઢવાણમાં મેટ્રીક થયા. કૉલેજ શિક્ષણ અમદાવાદની ગુજરાત કૉલેજમાં જ્યાં આનંદશંકર ધ્રુવ જેવા વિદ્વાન અધ્યાપક મળ્યા. ૧૯૧૪માં સંસ્કૃત વિષય સાથે બી.એ. થયા. ત્યારબાદ વ્યવસાયઅર્થે મુંબઈ ગયા અને આજીવન નિવાસી રહ્યા. આરંભમાં સાન્તાક્રુઝની પોદ્દાર હાઈસ્કૂલમાં ૧૯૨૭થી ૧૯૫૯ સુધી શિક્ષક અને આચાર્ય તરીકે યશસ્વી કામગીરી કરી. નિવૃત્તિ પછી મુંબઈની મીઠીબાઈ કૉલેજના માનાર્હ અધ્યાપક અને પીએચ.ડી.ના માર્ગદર્શક થયા. વડોદરાની સયાજીરાવ યુનિવર્સિટીમાં કેટલોક સમય મુલાકાતી અધ્યાપક રહ્યા. તેઓ સાહિત્યિક અને સાંસ્કૃતિક સંસ્થાઓ સાથે સક્રિયતાથી જોડાયેલા હતા. સાન્તાક્રુઝની સાહિત્ય સંસદ સંસ્થા સાથે સંકળાયેલા હતા. ગુજરાતી સાહિત્ય પરિષદના ૨૮મા અધિવેશનના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી હતી. ૧૯૮૯ના માર્ચની ૨૨ તારીખે મુંબઈમાં તેમનું અવસાન થયું. રામપ્રસાદ બક્ષીનો સાહિત્ય ક્ષેત્રમાં અનુવાદક તરીકે પ્રવેશ થયો. ‘કથાસરિત્સાગરની કેટલીક કથાઓ’ કથાસરિતા નામે ૧૯૧૭માં પ્રગટ થઈ. એ પછી નોંધપાત્ર કાર્ય એટલે શ્રી નરસિંહરાવ દિવેટિયાના અંગ્રેજીમાં અપાયેલા ‘ગુજરાતી લૅંગ્વેજ ઍન્ડ લિટરેચર’ વિષય પરનાં સાત વ્યાખ્યાનોનો ગુજરાતી અનુવાદ ‘ગુજરાતી ભાષા અને સાહિત્ય’ નામે બે ભાગમાં કર્યો. પહેલો ભાગ ૧૯૩૬માં ફાર્બસ ગુજરાતી સભા દ્વારા અને બીજો ભાગ ૧૯૫૭માં ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ દ્વારા પ્રસિદ્ધ થયો. રામપ્રસાદ બક્ષીનું વિવેચક તરીકેનું પ્રથમ પુસ્તક ‘નાટ્યરસ’ ૧૯૫૯માં પ્રગટ થયું. આ પુસ્તક ૧૪ પ્રકરણમાં વિભાજિત છે અને એમાં નાટ્યશાસ્ત્રની અને રસસિદ્ધાંતની ઊંડી ચર્ચા થયેલી છે. બીજું પુસ્તક ૧૯૬૩માં ‘વાઙ્‌મય વિમર્શ’ જેમાં ૪૪ લેખો કાવ્યતત્ત્વ, રસ અને અલંકાર, નાટક અને એકાંકી તેમજ પ્રકીર્ણ એવા વિભાગો સાથે મુકાયા છે. આ પુસ્તકમાંથી રામપ્રસાદ બક્ષીની વિવેચક તરીકેની પ્રતિભાનો પરિચય મળે છે. ત્રીજું પુસ્તક ૧૯૬૩ માં ‘કરુણરસ’ નામે પ્રગટ થાય છે. આ પુસ્તકમાં ભારતીય રસસિદ્ધાંતની – એમાંય કરુણરસની વિગતે વિચારણા થયેલી છે. ખાસ કરીને કરુણ રસ અને પશ્ચિમના ટ્રેજેડી વિભાવ સાથે તુલના એમાં ધ્યાનપાત્ર બની રહે છે. ‘ગોવર્ધનરામનું મનોરાજ્ય’ ૧૯૭૫માં પ્રસિદ્ધ થયેલું વિવેચનનું ચોથું પુસ્તક છે. આ પુસ્તક ગોવર્ધનરામ ત્રિપાઠીના જુદાંજુદાં પાસાઓના અભ્યાસલેખોનો સંચય છે. રામપ્રસાદ બક્ષીના અગ્રંથસ્થ લેખોમાંથી નવ લેખોનું સંપાદન ‘ઉપાસના’ નામે ૧૯૮૫માં અમૃતલાલ યાજ્ઞિક, યશવંત ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું. વિવેચનના આ મૌલિક ગ્રંથો ઉપરાંત કેટલાક મહત્ત્વના સંપાદકો આપ્યા છે. ‘નરસિંહરાવની રોજનીશી’ ધનસુખલાલ મહેતા સાથે (૧૯૫૯), ‘ઉત્તમલાલ ત્રિવેદીની ગદ્ય રિદ્ધિ’ રમણલાલ જોશી સાથે (૧૯૭૧), એ સંપાદનો જાણીતા છે. આ ઉપરાંત, ૧૯૫૩ના ગ્રંથસ્થ વાઙ્‌મયની સમીક્ષા ગુજરાત વિદ્યાસભા માટે કરી હતી. રામપ્રસાદ બક્ષીને નર્મદ સુવર્ણચંદ્રક વર્ષ ૧૯૬૦–૬૪ માટે અપાયો હતો. ગુજરાતી સંસ્કૃત અને અંગ્રેજીના પ્રકાંડ પંડિત એવા રામપ્રસાદ બક્ષીનું ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં મહત્ત્વનું પ્રદાન છે. – અજય રાવલ