સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામપ્રસાદ બક્ષી/ટૂંકીવાર્તાનું સ્વરૂપ

Revision as of 02:57, 11 February 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૧૨. ટૂંકી વાર્તાનું સ્વરૂપ

નવલિકા અથવા ટૂંકી વાર્તાના સ્વરૂપ વિશે વિચાર કરતાં અન્ય સાહિત્ય પ્રકારોથી – નવલકથા, નાટક અને કાવ્ય એ પ્રકારોથી વિશિષ્ટ એવા એક મુદ્દાનો અવશ્ય ઉલ્લેખ કરવો પ્રાપ્ત થાય છે. એ છે ટૂંકી વાર્તાનું પરિમાણ. અન્ય સાહિત્યપ્રકારોને પરિમાણની મર્યાદા સાધારણતઃ હોતી નથી. નાટક એકાંકી હોય તો એક અંકની મર્યાદા જાળવી રહે. કાવ્ય પાશ્ચાત્ય સૉનેટ પ્રકારનું હોય તો એ સૉનેટના પ્રકારે સ્વયમેવ – એક રીતે કૃત્રિમપણે સ્વીકારેલી – ચૌદ પંક્તિની મર્યાદામાં રહે. પણ આ મર્યાદા નાટકના અને કાવ્યના ઉપપ્રકારોને જ લાગુ પડે. નાટકમાત્રને અને કાવ્યમાત્રને લાગુ ન પડે. પણ ટૂંકી વાર્તા સાધારણ રીતે ટૂંકી તો હોય–નવલકથાથી કે લઘુનવલકથાથી ટૂંકી હોય. પણ એમાં પૃષ્ઠસંખ્યાનો જડ નિયમ નથી. ટૂંકી વાર્તાની આ મર્યાદામાં નિશ્ચિત પૃષ્ઠસંખ્યાનું નિયંત્રણ તો નથી અમુક પરિમાણમાં – ટૂંકી વાર્તા તે ટૂંકી વાર્તા જ રહી શકે એટલા પરિમાણમાં – યથેચ્છ વિહરવાની અને વિસ્તરવાની એને છૂટ છે. પરંતુ એ છૂટ પણ ટૂંકી વાર્તાના ટૂંકી-વાર્તા-પણાને જાળવી રહે એટલી પરિમાણ-મર્યાદામાં જ ભોગવી શકાય છે. ટૂંકી વાર્તાની આ અન્ય સાહિત્યપ્રકારોથી વિશિષ્ટ એવી પરિમાણ-મર્યાદા આ સાહિત્યપ્રકારની પ્રકૃતિમાંથી જ સ્વતઃ ઉદ્‌ભવે છે. ટૂંકી વાર્તાના સ્વરૂપને કલાસિદ્ધિની દૃષ્ટિએ એના વિષયભૂત જીવનતત્ત્વથી સ્વતંત્ર ગણીએ તો પણ આ પરિમાણ-મર્યાદા પરત્વે ટૂંકી વાર્તાનું સ્વરૂપ એના વિષયમાંથી ઉદ્‌ભવે છે એવો સ્વીકાર કરવો પડે છે. ટૂંકી વાર્તા, અનેક ઘટનાઓથી સંકુલ, અનેક પાત્રોના સંવ્યવહારથી ભરપૂર, અનેક ભાવોની અનુભૂતિથી પૂર્ણ, એવા માનવજીવનના વિશાળ પટમાં પથરાતી નથી. એનો વિષય છે એકાદ પાત્રની એકાદ ઘટના કે અનુભૂતિ અને એ ઘટનાને અંગે, એ અનુભૂતિના નિમિત્ત રૂપે, અન્ય થોડાંક પાત્રો જોડેનો એનો વ્યવહાર, સમાગમ કે સંઘર્ષ. ટૂંકી વાર્તાનું જે એક ભાવકેન્દ્ર હોય તેની આજુબાજુ, એના પોષક તરીકે, જૂજ પાત્રો અને જૂજ પ્રસંગો ગોઠવાઈ જાય છે. ભાવનો આશ્રય એક મુખ્ય પાત્ર હોય; એનું આલંબન અન્ય પાત્ર, પાત્રો, પ્રકૃતિતત્ત્વ કે પ્રસંગ-ઘટના હોય; એ ભાવની નૈસર્ગિક કે સામાજિક ઉદ્દીપન સામગ્રી હોય. એ સર્વના કેન્દ્રમાં એ મુખ્ય એકાકી ભાવ રહે છે, અને એ ભાવનો આશ્રય બનેલું પાત્ર રહે છે. અન્ય પાત્રો, પ્રકૃતિતત્ત્વો અને પ્રસંગો એકાગ્ર થઈને એ પાત્રના એ ભાવના આલંબનનું કે ઉદ્દીપનનું કાર્ય કરે છે. આ એક કેન્દ્ર, અને એ કેન્દ્ર પરત્વે અન્ય સર્વે વાર્તાસામગ્રીની એકાગ્રતા, એ ટૂંકી વાર્તાનું વિશિષ્ટ, એને અન્ય પ્રકારથી અલગ પાડતું મુખ્ય લક્ષણ છે. નવલકથા અને નાટક એ બંને પ્રકારો આ લક્ષણને અપનાવે એ સંભવિત છે : એક કેન્દ્રવર્તી પાત્ર, અનુભવ અને ભાવ હોય; અન્ય પાત્રો પ્રસંગો, પ્રકૃતિતત્ત્વો એ કેન્દ્રભૂત પાત્રના ભાવના પરિપોષણાર્થે એકાગ્ર થતાં હોય; એ રીતની સંવિધાનરચના નવલકથામાં અને નાટકમાં પણ સંભવે છે. નવલકથાનો અને નાટકનો વિશાળ પટ અનેક પાત્રોની અને પ્રસંગોની વૈવિધ્યભરી ગૂંથણીનો તથા મુખ્ય ભાવ ઉપરાંત અનેક ભાવોની અનુભૂતિ કરાવવાનો જે વિસ્તીર્ણ અવકાશ ભોગવે છે તે ટૂંકી વાર્તાને લભ્ય નથી. અને ટૂંકી વાર્તાના સંવિધાનમાં—અથવા આયોજનમાં—કેન્દ્રભૂત ભાવની જે સઘનતા, વિશદતા અને એકાગ્રતા આવે છે તે નવલકથાના શાખાપ્રશાખામાં વિસ્તરતા કથાવિસ્તારને સાધ્ય નથી. ટૂંકી વાર્તાની ઊર્મિકાવ્યની સાથે સરખામણી કરવામાં આવે છે તે આ કારણે; ઊર્મિકાવ્ય જે રીતે એકાગ્રતયા એક ઊર્મિની પ્રતીતિ કે અનુભૂતિ કરાવે છે તે જ રીતે ટૂંકી વાર્તા પણ એક કેન્દ્રભૂત ઊર્મિ અથવા ભાવની અનુભૂતિ કરાવે છે. આ કારણે ટૂંકીવાર્તાના સ્વરૂપનું ટૂંકાપણાનું તત્ત્વ એના વિષયની ભાવ-એકાગ્રતામાંથી સ્વયમેવ ઉદ્‌ભવે છે. એ ભાવ-એકાગ્રતાના નિષ્પાદન માટે અને પરિપોષણ માટે જેટલી સામગ્રી-પાત્ર-પ્રસંગાદિકની સામગ્રી-અનિવાર્યતયા આવશ્યક હોય તેટલીનો જ ટૂંકી વાર્તાનો સર્જક ઉપયોગ કરે છે. એ ભાવને અપુષ્ટ રાખીને, એ ભાવનો જે આશ્રય હોય તે પાત્રને બાજુ પર મૂકીને, અન્ય ભાવોના ફાંટાઓમાં ફંટાવું કે અન્ય પ્રસંગોમાં ખેંચાવું ટૂંકી વાર્તાના સર્જકને પરવડે નહિ. કેન્દ્રભૂત ભાવની નિષ્પત્તિ અને પુષ્ટિને અર્થે જેટલી સામગ્રીનો, જેટલો ઉપયોગ અનિવાર્યપણે આવશ્યક હોય તેટલી સામગ્રીનો તેટલો જ ઉપયોગ કરીને નવલિકાકાર નવલિકાના સાચા કલાસ્વરૂપને સાધે છે અને એથી જ નવલિકા અથવા ટૂંકી વાર્તા સહજતયા ટૂંકી બને છે. અને ટૂંકીવાર્તાની આન્તર વિષયસંપત્તિની આ સંક્ષિપ્તતા, સઘનતા અને એકાગ્રતા સિદ્ધહસ્ત સર્જકની વાણીમાં પણ પ્રતિફલિત થાય છે. શબ્દપ્રચુર, વિસ્તીર્ણ, પથરાતી ફેલાતી, વાચાળ ભાષાશૈલીનો અનાદર કરીને નવલિકાકાર અર્થઘન, ગૌરવવતી, અલંકારબહુલ નહિ પણ અર્થને અલ્પ શબ્દોમાં પ્રકાશિત કરવા માટે આવશ્યક એટલો અલંકારનો આશ્રય લેતી, સચોટ શૈલીનો સમાદર કરે છે. રોજિંદી વ્યાવહારિક બોલચાલમાં જે શબ્દોની અર્થસમૃદ્ધિ ખરચાઈ ને ખૂંટી ગઈ હોય એ શબ્દોનો અવનવીન સંદર્ભમાં, વિલક્ષણ પ્રકારનો પ્રયોગ કરીને એમને નૂતન અધિકાધિક અર્થસમૃદ્ધિનું પ્રદાન કરવું એ જો કે નવલિકાના બહિરંગના વિકાસનું કાર્ય છે તો પણ, શબ્દ અને અર્થ નિત્યસંપૃક્ત છે તેથી અને શબ્દના એ અર્થને આશ્રયે જ સમગ્ર નવલિકાનો ભાવમય પ્રાણભૂત અર્થ રહ્યો છે તેથી, (નવલિકાના) અન્તરંગની સમૃદ્ધિ માટે આવશ્યક છે. જૂના શબ્દમાં નવા સામર્થ્યનું આરોપણ કરવામાં લક્ષણા અને વ્યંજના એ બંને વ્યાપારોનો નવલિકાસર્જક ઉપયોગ કરે છે. પ્રતીકયોજના આ વ્યાપારોના ઉપયોગમાંથી પરિણમે છે. વિષયના આયોજનની અને એનું વહન કરનારી વાણીની આવી એકાગ્રતા અને સઘનના નવલિકાને વિષયભૂત જીવનપ્રસંગની ઉપર, ક્ષણદા જેવો–વીજળીના ઝબકારા જેવો પ્રકાશ ફેંકવાની અને એક ક્ષણમાં એના અન્તરતમ રહસ્યનું ઉદ્‌ઘાટન કરવાની શક્તિ અર્પે છે. નવલકથાનો, વિશાળ પટ ઉપર ફેલાતો તેજોવિસ્તાર જે રહસ્યોદ્‌ઘાટન ન કરી શકે, માનવજીવનના નિગૂઢતમ કોણને ઉદ્‌ભાસિત ન કરી શકે, તે નવલિકાનો વીજઝબકાર જેવો એકાગ્ર પ્રકાશદંડ એક ક્ષણમાં કરી શકે છે. આથી જ નવલકથા અને નવલિકાના પ્રકાશસામર્થ્યની સરખામણી કરીએ ત્યારે શ્રી. ઉમાશંકરનું આ ‘મહેણું’ યાદ આવે છે : ડોલે અંધારઘોર આભલાં, છૂપી વીજ કરે વાતડીઃ ‘પૂર્ણિમાને કહેજો કે કોક દી આટલી અજવાળે રાતડી.’ નવલકથાને પૂર્ણિમા કહો કે દિવસે સર્વત્ર વિસ્તરતી સૂર્યપ્રભા કહો; પરંતુ નવલિકાની પ્રકાશનશક્તિ વિશિષ્ટ છે; નવલિકા વીજળી છે. જે ખૂણાને પ્રકાશિત કરવો હોય એ જ ખૂણામાં, આડી અવળી અન્ય દિશાઓમાં રસળ્યા વિના, વીજળીનો ઝબકાર સીધેસીધો એક સપાટે પહોંચી જાય છે અને એ ખૂણાને એવો, એટલો, અજવાળે છે જેટલો ચોમેર ફેલાતી અને એક ખૂણાને નહિ, સર્વ સ્થળોને અજવાળતી પૂર્ણિમા-જ્યોત્સ્ના કે તાતી સૂર્યપ્રભા નથી અજવાળી શકતી. વીજળીને એ એક જ ખૂણો અજવાળવો છે–બીજો નહિ. નવલિકા પણ એ રીતે પોતના એક જ લક્ષ્ય પ્રતિ સવેગ ધસે છે. ટૂંકી વાર્તાના સ્વરૂપની વાત કરતાં મેં ભાવની, ભાવ–એકાગ્રતાની, એને ઉપકારક આલંબનઉદ્દીપન સામગ્રીની તથા આલંકારિક–લક્ષણા અને વ્યંજના વ્યાપારોને પ્રયોજતી, પ્રતીકોને આશ્રયતી-વાણીની વાત કરી; કેમ જાણે કે કવિતાની વાત કરતો હોઉં. પણ એ વાત મેં ઇરાદાપૂર્વક કરી છે. ટૂંકી વાર્તાના કલાસ્વરૂપનો અવનવો વિકાસ કાવ્યત્વ સાધવાની દિશામાં જ થઈ રહ્યો છે એવું હું માનું છું. પ્રાચીનોએ કાવ્યમાં ગદ્યકૃતિઓને પણ ગણી છે, અને ધ્વનિને-વ્યંજનાને-કાવ્યને ઉત્તમતા અર્પનારું તત્ત્વ ગણ્યું છે. ટૂંકી વાર્તા પણ કાવ્યત્ય સાધીને, વ્યંજનાનો ચમત્કારિક ઉપયોગ કરીને અનેકવિધ વ્યંજનાની શક્યતાનો અવકાશ આપીને, ઉત્તમતા પ્રાપ્ત કરે છે. ટૂંકી વાર્તાનું જે સ્વરૂપલક્ષણ અહીં આપ્યું છે. તેને અનુસરતી, સિદ્ધ કરતી ટૂંકી વાર્તા રચવાના પ્રકારો અનેક છે. પ્રાચીન કાળમાં અમુક પ્રકાર સર્જક-ભાવકને આસ્વાદકર નીવડ્યો હોય; આજે અન્ય પ્રકારનો, વિશેષ રસાસ્વાદ કરાવવા માટે, ઉપયોગ થતો હોય; પરંતુ પ્રકાર ગમે તે યોજાય, ટૂંકી વાર્તા પોતાનું સર્વસામાન્ય લાક્ષણિક સ્વરૂપ જાળવે ત્યાં સુધી ટૂંકી વાર્તા સિદ્ધ થાય છે. સ્પષ્ટ આદિ અને સ્પષ્ટ અન્ત પરખાય એવી, વસ્તુસંવિધાનને કલાસર્વસ્વ માનીને રચાઈ હોય એવી, બાહ્ય ઘટનાઓમાં જ રાચે એવી, આન્તર મનોવ્યાપારનું કે માનસિક ઘટનાઓનું નિરૂપણ કરે એવી, અમુક પાત્રના ચેતનાસંતાનને પોતાના પરિણામમાં અવચ્છિન્ન કરે એવી–વ્યવસ્થિત આદિ-અન્ત અને સંવિધાનનો આશ્રય ન લે એવી; એવા અનેક પ્રકારની ટૂંકી વાર્તાઓ પશ્ચિમમાં રચાઈ છે અને આપણે ત્યાં રચાવા માંડી છે. અન્તરંગની દૃષ્ટિએ થતા આવા પ્રકારભેદો ઉપરાંત (જો કે ઉપરની ગણનામાં આદિ, અન્ત, વસ્તુગ્રથન એ પ્રકાર બહિરંગ પરત્વે થતો પ્રકારભેદ છે, પણ એ પ્રકાર ઉપરાંત પણ) બહિરંગ પરત્વે વાર્તારચનાના વિવિધ પ્રયોગો થયા છે : વાર્તાકાર સર્વજ્ઞ નથી, પરહૃદયમાં પ્રવેશ કરી શકતો નથી એ આક્ષેપનો સ્વીકાર કરીને વાર્તાકાર પોતે કથનધર્મમાંથી ખસી જાય અને એકાદ પાત્ર સ્વમુખે ‘પ્રથમ પુરુષ-સર્વનામ’નો ઉપયોગ કરીને કથા કહેતો હોય એવી યોજના કરે (જો કે આ યુક્તિ કરવાથી સર્વજ્ઞતાના આક્ષેપથી વસ્તુતઃ બચી શકાતું નથી); કથનશૈલી છોડીને સંવાદ દ્વારા વસ્તુનો સ્ફોટ કરે; પ્રત્યક્ષ (વાર્તા જગતમાં પ્રત્યક્ષ) પાત્રોના સંવાદને બદલે પરોક્ષ પાત્રોના પત્રવિનિમયનો ઉપયોગ કરે; આવા આવા પ્રકારભેદો પણ કલ્પાયા છે. કલા સ્વરૂપમાં છે, વસ્તુમાં નથી, એ સત્યનો અનાદર થઈ શકે તેમ નથી. કલા હેમમાં કે શિલામાં કે મૃત્તિકામાં નથી; કલાકારે એનો જે ઘાટ ઘડ્યો હોય એમાં કલાનો આવિર્ભાવ અને અનુભવ થાય છે એ ખરું જ છે. પણ ઘાટ ઘડવા માટે વસ્તુ વિના ચાલતું નથી. સાહિત્યસર્જક કવિ, નાટ્યકાર, નવલકથાકાર કે નવલિકાકાર – જે ઘાટ ઘડે છે તે વિષયભૂત જીવનનો ઘાટ ઘડે છે. બ્રહ્માએ સૃષ્ટિ સર્જી તેમ સાહિત્યસર્જક પણ આભાસમયી સૃષ્ટિનો – જીવનના પ્રતિરૂપભૂત જીવનનો–સર્જક છે. પણ સાહિત્યસર્જકની માયા-લીલા બ્રહ્મની માયા-લીલાથી ન્યૂનતર એ કારણે છે કે બ્રહ્મની માયાને અન્ય ઉપાદાનની જરૂર રહેતી નથી, સાહિત્યસર્જકને રહે છે. કલાશ્લાધ્ય શૂલી તરીકે જેની સ્તુતિ કરવામાં આવી છે એ બ્રહ્મ ઉપાદાનસંભાર વિના, આધારભૂત ભીત્તિ વિના, જગચ્ચિત્ર રચે છે. સાહિત્યસર્જકને એ બ્રહ્મની માયાના આ જગતને, જગતના આ જીવનને ઉપાદાન તરીકે લીધા વગર ચાલતું નથી. અને વળી, હેમના અને પથ્થરના કે માટીના ઘાટઘડતરની શક્યતાને નિજ નિજ ઉપાદાનમાંથી ઉદ્‌ભવતી મર્યાદા છે. હેમના જેવા ચિરંજીવ સદોજ્જ્વલ ઘાટ ઘડી શકાય તેવા માટીના ન ઘડી શકાય. નવલિકાકારની કલાસિદ્ધિ સ્વરૂપમાં છે, પણ એમાં જે પ્રકારની જીવનલીલા ઉપાદાન બની હોય તે પ્રકાર પ્રમાણે ઉચ્ચાવચતા આવે એ આપત્તિ દુર્નિવાર છે. કલાનો ઉદ્દેશ જે રસાસ્વાદનો અને આનંદનો અનુભવ કરાવવાનો હોય છે તેમાં ઉપાદાનની ન્યૂનતાને, અભદ્રતાને, પરિણામે વિઘ્ન ઉપજવાનો સંભવ ન જ હોય એમ નથી. નવલિકા પોતાના કલાસ્વરૂપ વડે ભાવકને આનંદાનુભૂતિ કરાવવાને મથી રહી હોય. પણ એમાં ઉપાદાનભૂત જે જીવનપ્રસંગ લેવાયો હોય એમાં રહેલી જુગુપ્સાજનકતા, કલાના સર્વ પ્રયત્નો છતાં, ટાળી ન શકાય એવો અનુભવ કોઈકવાર થાય છે. આ રીતે રસભંગ થાય તેની જવાબદારી વિષયભૂત ઘટનાની નથી પણ કલાની ઊણપની છે એવી દલીલનો અવકાશ રહે છે એ હું કલ્પી શકું છું. તો પણ, જીવનઘટના જ એવી જુગુપ્સાજનક હતી તેથી કલાકારને, રસાસ્વાદ કરાવે એવી કલા સાધવામાં મુશ્કેલી નડી હોય એ અસંભાવ્ય નથી. અને જો અમુક કૃતિ રસભંગ કરનારી, જુગુપ્સા જન્માવનારી, નીવડી તે કલાની ન્યૂનતાનું પરિણામ છે એ સ્વીકારીએ તો પછી એ કૃતિને કલાના ઉત્તમ કે સારા નમૂના તરીકે શી રીતે ગણી શકાય એ પ્રશ્ન આવીને ઊભો રહે છે. સાહિત્યના સર્વ પ્રકારો અર્થાત્‌ ટૂંકી વાર્તા પણ, માનવજીવનનું પ્રતિનિર્માણ કરે છે. અનેક વર્ષો સુધી માનવજીવન એટલે પ્રત્યક્ષ વ્યવહારનું વાસ્તવિક જીવન એમ માનીને વાર્તાકારો વાસ્તવિક જીવનને જ નિરૂપતા રહ્યા, પણ માનવજીવન એથી વિશાળતર છે. પ્રાચીન ભારતીય કવિઓએ માનવજીવનને જન્મ અને મૃત્યુના બે છેડા વચ્ચે સમાઈ જતું ન માન્યું, જન્મથી જ આરંભાતું અને મૃત્યુથી સમાપ્ત થઈ જતું ન માન્યું, કારણ કે એમને અનેક પૂર્વજન્મોમાં અને પુનર્જન્મોમાં શ્રદ્ધા વારસામાં મળી હતી. તેથી એમની સાહિત્યકૃતિઓમાં યથાવકાશ પૂર્વજન્મોના અને પુનર્જન્મોના જીવનનો પણ પ્રવેશ થયો. આજે માનવજીવનનો અર્થ અન્ય પ્રકારે પ્રત્યક્ષ વાસ્તવિક જીવનથી વિશાળતર કરવામાં આવે છે. પ્રત્યક્ષ જીવનથી પર એવા અજાગ્રત કે અભાન કે અસંપ્રજ્ઞાત ચિત્તમાં સંભૃત થયેલા અનુભવસંસ્કારો પણ માનવજીવનનો એક પ્રદેશ છે તેથી એ અપ્રતિબદ્ધ જીવનપ્રદેશનો, પ્રત્યક્ષ જીવનવ્યવહારના કારણનિરૂપણ તરીકે, ટૂંકી વાર્તાઓમાં પ્રવેશ થયો છે. અને સ્વપ્ન પણ જીવનનો એક આવિર્ભાવ છે એ કારણે સ્વપ્નજીવનને પણ વાર્તાના વિષયતત્ત્વ રૂપે સ્થાન મળ્યું છે. આનો નિર્દેશ અહીં એટલા માટે કરું છું કે એ ચિત્તનિગૂઢ અને સ્વપ્નગત અનુભવોના વિષય તરીકે સ્વીકારનો ટૂંકી વાર્તાના સ્વરૂપ ઉપર પ્રભાવ પડ્યો છે. એ સ્વીકારથી વાર્તાના વ્યંજનાસામર્થ્યનો અને વાર્તામાં અર્થપૂર્ણ પ્રતીકયોજનાના ઉપયોગનો ઘણો વિસ્તાર અને વિકાસ થયો છે. અને સંગતિનું ધોરણ વાસ્તવિક જીવનની સંગતિથી ભિન્ન બન્યું છે. આ પ્રકારની વાર્તાઓના પ્રયોગો આપણે ત્યાં ગુજરાતીમાં પણ થયા છે, એમાં થોડીક સિદ્ધિ પણ સાંપડી છે, અને વિષયની ઉદાત્તતા પાશ્ચાત્યોએ જાળવી છે તેવી, તેથી અધિકતર, જળવાશે તો ઉચ્ચ કોટિનો રસાસ્વાદ કરાવે તેવી ચિરંજીવ નવલિકાઓ સાંપડશે. સાહિત્યકાર સાહિત્યકૃતિનું સર્જન કરે તેના ત્રણ ક્રમો કલ્પી શકાય : પ્રથમ, જે જીવનપ્રસંગનું નિરૂપણ કરવું હોય તેનું બાહ્ય દર્શન અને સંવેદનશીલ ચિત્ત વડે કરેલી તદ્‌ગત ભાવની અનુભૂતિ; પછી, એ જીવનપ્રસંગનું આન્તરદર્શન અને ભાવવ્યંજક સ્વરૂપનિર્માણ – જેમાં એ પ્રસંગ પૂર્વાપર સંસ્કારોના સમન્વય દ્વારા, પ્રતીકોની ઉપસ્થિતિ દ્વારા, મૂર્ત-અમૂર્તના તથા પ્રસ્તુત-અપ્રસ્તુતના અન્યોન્યને ઉપકારક વિનિયોગ દ્વારા, કલાસ્વરૂપે આન્તર અભિવ્યક્તિ પામે; અને છેવટ, એ કલાસ્વરૂપને યથાવત્‌ શબ્દગમ્ય બનાવે, એવું વાણીમય સ્વરૂપ રચાય ટૂંકીવાર્તાનાં સર્જનમાં પણ આ ક્રમો કલ્પી શકાય. કલાનો નિવાસ સ્વરૂપમાં છે એ સત્યની પ્રતીતિ ઉપર જણાવેલા ત્રણ ક્રમોમાં બીજા ક્રમ ઉપર લક્ષ રાખવાથી થાય છે, એટલું જ નહીં પણ બીજો ક્રમ, આન્તર કલામય અભિવ્યક્તિનો ક્રમ, ટૂંકી વાર્તાના વિષયતત્ત્વ અને સ્વરૂપ વચ્ચે જે અન્યોન્યાશ્રય છે, હોવો જોઈએ, એની યથાવત્‌ પ્રતીતિ કરાવે છે. સર્વ સાહિત્યપ્રકારોને સામાન્ય એવી આ નિર્માણપ્રક્રિયાને અનુસરતી ટૂંકી વાર્તા, કેન્દ્રસ્થ ભાવાનુભૂતિની એકાગ્રતાને પોષે એવું જીવનનું દર્શન કરીને, કલામય આન્તર નિરૂપણ કરીને, સમર્પણ-સમર્થ વાણીમાં અવતરણ પામીને, પોતાના વિશિષ્ટ સ્વરૂપની સિદ્ધિ કરે છે. (વાઙ્‌મયવિમર્શ)