નયન હ. દેસાઈની કાવ્યસંપદા/સરસ્વતીનું સ્મરણ કરીને...

Revision as of 16:27, 22 February 2026 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
સરસ્વતીનું સ્મરણ કરીને

સરસ્વતીનું સ્મરણ કરીને કરમાં લીધી લેખણ જોને;
અડધા હાથે લકવો નયનભાઈ, અડધા હાથે ઝણઝણ જોને!
કાગળ ઉપર હાથનો પંજો ચીતર્યો છાનોમાનો જોને;
નામ અમારું એવું પાડ્યું : નહીં માતર કે કાનો જોને!
સડી ગયેલાં શ્વાસો વચ્ચે આવે-જાય અભરખા જોને;
લાશ બળે કે લાઈટર સળગે : બંને દૃશ્યો સરખા જોને!
ફૂટી ગયેલા કાચનું ક્યાંથી થાય નયનભાઈ ઝારણ જોને?
અડધા હાથે લકવો નયનભાઈ, અડધા હાથે ઝણઝણ જોને!
અમે કાચની પૂતળીને પહેરાવ્યા એવા વાઘા જોને;
સાવ અજાણ્યા થઈને ફરીએ અમે પંડથી આઘા જોને!
અમે નથી ને નામ અમારે આવે રોજ ચબરખી જોને;
હૈયું તૂટી પડે કે જમ્બો બન્ને ઘટના સરખી જોને!
અમે નયનભાઈ ફાટી ગયેલા પાના પરનું સાંધણ જોને!
અડધા હાથે લકવો નયનભાઈ, અડધા હાથે ઝણઝણ જોને!
હવે આંખ પર નીંદરને બદલે સળગાવ્યો લાવા જોને!
છબી બનેલી મા ક્યાંથી બોલાવે ઘોઘર બાવા જોને?
જીવતર ગંગાના પૂરથી ઘેરાઈ ગયેલું પટના જોને!
સાંજ ડૂબે કે ટાઈટેનિક, એ બંને કેવળ ઘટના જોને!
મળીએ શ્વાસે શ્વાસે નયનભાઈ! છૂટા પડીએ ક્ષણક્ષણ જોને!
અડધા હાથે લકવો નયનભાઈ, અડધા હાથે ઝણઝણ જોને!