ચિત્તવિચારસંવાદ/અખાજી : જીવન અને કવન

From Ekatra Foundation
Revision as of 04:35, 2 March 2026 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અખાજી : જીવન અને કવન}} '''જીવનકાળ''' {{Poem2Open}} અખાજીના જન્મ અને મૃત્યુના સમયની કોઈ પ્રમાણભૂત માહિતી મળતી નથી. તેમના જીવનકાળને નિર્દેશતી ત્રણેક હકીકતો પ્રાપ્ત થાય છે : (૧) ‘ગુરુ-શિષ્ય...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
અખાજી : જીવન અને કવન

જીવનકાળ

અખાજીના જન્મ અને મૃત્યુના સમયની કોઈ પ્રમાણભૂત માહિતી મળતી નથી. તેમના જીવનકાળને નિર્દેશતી ત્રણેક હકીકતો પ્રાપ્ત થાય છે : (૧) ‘ગુરુ-શિષ્યસંવાદ’ ઈ.સ. ૧૬૪૫માં રચાયેલ છે. (૨) ‘અખેગીતા’ ઈ.સ. ૧૬૪૯માં રચાયેલ છે. (૩) અખાજીએ વૈષ્ણવ આચાર્ય ગોકુલનાથજી (ઈ.સ. ૧૫૫૨–ઈ.સ. ૧૬૪૧)ને ગુરુ કર્યા છે. બહુ કાળ આથડ્યા પછી અને ઘણાં બાહ્ય કૃત્યો કર્યા પછી ગોકુલનાથને ગુરુ કર્યાનું અખાજી જણાવે છે તેથી ધર્મ અધ્યાત્મના માર્ગની કેટલીક મથામણ પછી પરિપક્વ અવસ્થાએ તેમણે ગોકુલનાથને ગુરુ કર્યા છે એમ સૂચવાય છે. ગોકુલનાથના લાંબા જીવનકાળમાં અખાજીએ ક્યારે તેમને ગુરુ કર્યા તે નિશ્ચિત વર્ષ આપણને મળતું નથી પરંતુ ઈ.સ. ૧૬૪૧ પહેલાં તો અવશ્યપણે તેમને ગુરુ કર્યા હોય. આ પરથી અખાજીનો જન્મ ઈ.સ.ની ૧૭મી સદીના આરંભનાં વર્ષોમાં અનુમાની શકાય. અખાજીની સમયનિર્દેશવાળી છેલ્લી કૃતિ ઈ.સ. ૧૬૪૯વાળી છે તે પછી પણ તેઓ હયાત હોય અને છપ્પા વગેરે પ્રકીર્ણ પ્રકારની તથા ‘સંતપ્રિયા’ વગેરે હિન્દી કૃતિઓ પછીથી રચી હોય એવા સંભવને અવકાશ છે. એટલે અખાજીના જીવનકાળને ઓછામાં ઓછા ઈ.સ.ની ૧૭મી સદીનાં ઉત્તરાર્ધનાં થોડાં વર્ષો સુધી લઈ જઈ શકાય. આ રીતે તેમનો જીવનકાળ ઈ.સ.ની ૧૭મી સદીનાં આરંભનાં વર્ષોથી ઈ.સ.ની ૧૭મી સદીના ઉત્તરાર્ધનાં આરંભનાં વર્ષો સુધીનો ગણી શકાય. અંબાલાલ જાની અને સ્વામી સ્વયંજ્યોતિ ક્રમશઃ અખાજીની કૃતિઓમાં આવતા ‘બાવન’ અને ‘ત્રેપન’ શબ્દ પરથી અખાજીના સમય અંગેનાં અનુમાન કરે છે. બંનેનાં અનુમાનોનો નર્મદાશંકર મહેતા યોગ્ય રીતે જ અસ્વીકાર કરે છે. ‘બાવન’ શબ્દ વર્ણમાળાના બાવન અક્ષરનો નિર્દેશ કરવા આવેલો છે અને ‘ત્રેપન’ શબ્દ ‘તિલક’ સાથે પ્રાસમાં આવેલો છે, એને અખાજીની વાસ્તવિક ઉંમર સાથે સંબંધ હોવાનું માનવાને કારણ નથી. આ નિર્દેશો પરથી કશાં અનુમાનો પર જઈ ન શકાય.

જન્મસ્થળ, વતન, વસવાટ

અખાજીના જન્મસ્થળ, વતન, વસવાટ વિશેની કોઈ પ્રમાણભૂત માહિતી મળતી નથી. જનશ્રુતિ એવી છે કે તેમનો જન્મ જેતલપુરમાં થયો હતો અને તેઓ ત્યાંના વતની હતા. પાછળથી તેઓ પિતાની સાથે અમદાવાદમાં ખાડિયામાં દેસાઈની પોળમાં કૂવાવાળા ખાંચામાં રહેતા હતા. જે ઓરડામાં તેઓ નિવાસ કરીને રહ્યા હતા તેને ‘અખાનો ઓરડો’ કહે છે એવું નર્મદાશંકર મહેતા નેાંધે છે. આ બધી હકીકતો માટે કોઈ દસ્તાવેજી પુરાવા નથી તેમજ અખાજીની કૃતિઓમાંથી પણ કોઈ આધાર મળતો નથી. પરંતુ ઉમાશંકર જોશીને અખાજીની ભાષાનો રણકો ઉત્તર ગુજરાત (જેની સૌથી દક્ષિણ હદ અમદાવાદ, દક્ષિણ દસક્રોઈ ગણાય) તરફનો જ લાગતો હોઈ અમદાવાદ કે આજુબાજુ તેમણે વસવાટ કર્યો હોય એ અસંભવિત લાગતું નથી.

કુટુંબ, વંશપરંપરા

ઈ.સ. ૧૯૨૭ના અરસામાં વિદ્યમાન લલ્લુભાઈ ધોળીદાસે નર્મદાશંકર દે. મહેતાને મોઢેથી ઉતરાવેલા પેઢીનામા પ્રમાણે અખાજી લલ્લુભાઈની પાંચમી પેઢીએ થયેલા ગંગારામના ભાઈ હતા. અખાજીના પિતાનું નામ રહિયાદાસ હતું. અખાજી અને તેમના બીજા એક ભાઈ ધમાસી નિઃસંતાન હતા. આ પેઢીનામું ઉમાશંકર જોશી સ્વીકારતા નથી કેમકે ૨૫૦-૨૭૫ વર્ષમાં માત્ર પાંચ જ પેઢી સંભવિત નથી. અખાજીના કુટુંબજીવન વિશે બીજી પણ કેટલીક માહિતી નોંધાયેલી છે. અખાજીએ નાનપણમાં માતા ગુમાવેલી અને અમદાવાદ આવીને વસ્યા પછી ૨૦ વર્ષની વય પહેલાં તેમના પિતાનો પણ સ્વર્ગવાસ થયેલો. અખાજીને એક બહેન હતી તે પણ પિતાના સ્વર્ગવાસ પછી થોડા સમયમાં મૃત્યુ પામી. તેમણે બે વાર લગ્ન કર્યાં હતાં. બાળલગ્નથી પ્રાપ્ત થયેલી સ્ત્રી બહેનના અવસાનના અરસામાં મૃત્યુ પામી. તેમને બંને પત્નીથી કોઈ સંતતિ હતી નહીં. તેમના કુટુંબજીવન અંગેની આ સઘળી હકીકતો માટે કશો જ આધાર નથી.

જ્ઞાતિ, વ્યવસાય

અખાજીનાં પદોને અંતે ‘અખા સોનારા’ આવે છે. કોઈ વાર ‘અખા’ નામને બદલે માત્ર ‘સોનારા’ કે ‘સોની’થી પણ પદ અખાજી પૂરું કરે છે. ઉપરાંત, તેમના હિન્દી ગ્રંથ ‘સંતપ્રિયા’માં છપ્પામાં જેમ ‘અખો’ આવે છે તેમ વારંવાર ‘સોનારા’ જ આવે છે. આ બધી વીગતો અખાજી જ્ઞાતિએ સોની હતા એમ બતાવે છે. કોઈ તેમને પરજિયો તો કોઈ શ્રીમાળી સોની કહે છે. અખાજીએ સોનીનો વ્યવસાય કર્યો હતો કે કેમ તે કહેવા માટે કોઈ નિશ્ચિત આધાર નથી પરંતુ સોનીના ધંધાની કેટલીક ઝીણી બાબતો અખાજીના છપ્પામાં ઉપમાન લેખે આવે છે ને અખાજી જ્ઞાતિએ સોની હતા તેથી એમણે સોનીનો વ્યવસાય કર્યો હોય એ અશક્ય જણાતું નથી. અખાજીએ જહાંગીર બાદશાહે સ્થાપેલી ટંકશાળમાં નોકરી કરી હતી એમ કહેવાય છે. એમના છપ્પામાં ટંકશાળને લગતા પણ કોઈક ઉલ્લેખો આવે છે. પરંતુ અખાજીએ ટંકશાળમાં નોકરી કરી હતી એમ સાબિત કરવા માટે એ ઉલ્લેખ પર્યાપ્ત ન ગણાય. કેમકે, અખાજીની કૃતિઓમાં આવા ઘણા વ્યાવસાયિક ઉલ્લેખો આવે છે.

શિક્ષણ-અધ્યયન

અખાજીના શિક્ષણ અને અધ્યયન વિશે પણ કોઈ ચોક્કસ માહિતી નથી. જેમની પાસેથી એમણે બાલ્યકાળમાં અક્ષરજ્ઞાન મેળવ્યું હશે તે વિદ્યાગુરુનો અથવા તે વખતની અધ્યયનવ્યવસ્થાનો પણ કોઈ ઉલ્લેખ ક્યાંય પણ મળતો નથી. તેમની કવિતામાં ઠેર ઠેર શાસ્ત્રગ્રંથોના અને તેમાંનાં વચનોના નિર્દેશોને આધારે નર્મદાશંકર મહેતા અખાજીએ સારી રીતે સમજેલા યોગવાસિષ્ઠ વગેરે ગ્રંથોની યાદી આપે છે. અખાજીએ અધ્યાત્મવિદ્યા બ્રહ્માનંદ નામના ગુરુ પાસેથી પ્રાપ્ત કરી હતી એવું અર્થઘટન થયું છે, જે શંકાસ્પદ છે તેની ચર્ચા હવે પછી ‘ગુરુ’ એ શીર્ષક હેઠળ કરી છે. ઔપચારિક નહીં તો અનૌપચારિક શિક્ષણ તો એમણે ઘણું લીધું જણાય છે. તેમની કૃતિઓમાં પુરાણો, જ્યોતિષ, ખગોળ, શિલ્પ, સંગીત, ખેતી, વૈદિક વગેરે અનેક વિદ્યાઓ, વિવિધ વ્યવસાયો, ખનિજો, વનસ્પતિઓ, પશુ-પંખીઓ, લોકસમયો, કવિસમયો વગેરે વિશેની જાણકારી પ્રચુરપણે ઉપયોગમાં લેવાયેલી છે, જે બતાવે છે કે એમના જ્ઞાનાનુભવની મૂડી કેટલી તો અસાધારણ હતી.

ધર્મ

પોતે ગોકુળનાથને ગુરુ કર્યા હોવાનું અખાજી સ્પષ્ટપણે નોંધે છે. એટલે કે એમણે ગોકુળનાથજી પાસે બ્રહ્મસંબંધની દીક્ષા લીધી હતી. અખાજીએ કેવળ ધર્મજિજ્ઞાસાથી આમ કર્યું હતું કે તેમનો કુળધર્મ વૈષ્ણવ હતો એ નિશ્ચિત કરવું મુશ્કેલ છે પરંતુ અખાજી એમના જીવનકાળમાં થોડોક સમય તો વૈષ્ણવ રહ્યા હતા એ હકીકત શંકાતીત છે. અખાજીની કવિતામાં વૈષ્ણવ સંસ્કારો જોઈ શકાય છે અને તેમની કૃતિઓના લહિયાઓ તેમને વૈષ્ણવ તરીકે પણ ઓળખાવે છે, તે બતાવે છે કે અખાજીને વૈષ્ણવ ધર્મનો પાસ ઠીકઠીક લાગ્યો છે. પરંતુ અખાજીએ પોતાની કૃતિઓમાં જે તત્ત્વદર્શન વ્યક્ત કર્યું છે તેનો પાયો તો છે કેવલાદ્વૈત વેદાંત. આનો અર્થ એ થાય કે અખાજી એક તબક્કે વૈષ્ણવધર્મ છોડીને વેદાંતી બન્યા છે. ગોકુળનાથને ગુરુ કર્યા પછી પણ અખાજીને સંતોષ ન થયો એવો નિર્દેશ તેમણે પોતે કર્યો છે અને તેમના છપ્પાઓમાં વૈષ્ણવોની ટીકા પણ મળે છે એટલે સાંપ્રદાયિક રીતે અખાજી વૈષ્ણવ મતમાં નથી જ રહ્યા એવી ખાતરી થાય છે. અખાજીની કૃતિઓ જોતાં જણાય છે કે એ કેવલાદ્વૈત વેદાંતના ચોકઠામાં બંધાયેલા રહ્યા નથી. ભારતીય ધર્મસંસ્કારપ્રવાહોમાંથી ગૌડપાદથી માંડીને રહસ્યવાદ સુધીની અસરો એમણે ઝીલી છે અને અંતે એ મધ્યકાલીન સંતપરંપરાના પ્રતિનિધિ બનીને રહ્યા છે.

ગુરુ

અખાજીએ પોતાના જીવનના એક તબક્કે ગોકુળનાથજીને ગુરુ કર્યા હતા પરંતુ પછીથી તેમનું વલણ કેવલાદ્વૈત વેદાંત તરફ થયું છે એટલે પછીથી તેમણે ગોકુળનાથને ગુરુ તરીકે છોડી દીધા હશે એમ અનુમાન થઈ શકે. ગોકુળનાથજીથી પોતાની અધ્યાત્મજિજ્ઞાસા વણસંતોષાયેલી રહી હોવાનું એ પોતે જ નિર્દેશે છે, એટલે આ અનુમાનને સમર્થન સાંપડે છે. તેમણે ગોકુળ અને ગોકુળનાથજીને છોડ્યા પછી કાશીમાં બ્રહ્માનંદ સ્વામીનો પોતાના ગુરુ તરીકે સ્વીકાર કર્યો હતો એવી એક જનશ્રુતિ મળે છે. આ જનશ્રુતિના સ્વીકાર-અસ્વીકાર વિશે બે મત છે. નર્મદાશંકર દે. મહેતા આ વાતનો સ્વીકાર કરે છે અને બ્રહ્માનંદની આખી શિષ્યપરંપરાનો પણ ઉલ્લેખ કરે છે. વળી, મઠ બહાર એકચિત્તે કથા સાંભળીને ગુરુ બ્રહ્માનંદને અખાજીએ પ્રભાવિત કર્યાની એક કથા પણ મહેતાએ રજૂ કરી છે. પરંતુ આ બધું કેટલું આધારભૂત છે તે પ્રશ્ન છે. ઉમાશંકર જોશીના મત મુજબ અખાજીની કવિતામાં કાશી કે વારાણસી-ક્ષેત્ર વિશે ઉલ્લેખ પણ આવતો નથી, ‘બ્રહ્માનંદ’ શબ્દ આવે છે પણ તેનો વિશેષનામ તરીકે ઉમાશંકર સ્વીકાર કરતા નથી, ‘બ્રહ્મનો આનંદ’ એ અર્થમાં જ એ શબ્દ તેમને બધે પ્રયોજાયેલો દેખાય છે. તેમનું કહેવું છે કે અખાજીની કવિતામાં વિશેષનામના આભાસવાળા અને ગુરુનામનો આભાસ આપનારા બીજા શબ્દપ્રયોગો પણ છે – ‘સચ્ચિદાનંદ’ ‘સહેજાનંદ’, ‘નિરંજન’. આ શબ્દોની સાથે ‘સ્વામી’, ‘ગુરુ’ કે ‘નાથ’ શબ્દ આવતાં જ જો આગળના શબ્દોને વિશેષનામ ગણવામાં આવે તો અખાજીના ગુરુઓની સંખ્યાનો છેડો જ ન આવે. એ બધા પરમતત્ત્વને દર્શાવનારા સાદા શબ્દો તરીકે જ વપરાયા છે એમ માનવું ઉચિત છે. વળી અખાજીના તત્ત્વવિચારમાં પરમતત્ત્વ, આત્મતત્ત્વ એ જ ગુરુ છે. એથી ‘બ્રહ્માનંદ’, ‘સચ્ચિદાનંદ’ વગેરેને ગુરુ કહે એથી ભરમાવાની જરૂર નથી. અને છેલ્લે એ વાત પણ વિચારવી જોઈએ કે અખાજી ગોકુળનાથને પોતે ગુરુ કર્યા હતા તેવો સ્પષ્ટ ઉલ્લેખ કરે છે તો બ્રહ્માનંદનો ક્યાંય એવો સ્પષ્ટ ઉલ્લેખ કેમ ન કરે? આમ બ્રહ્માનંદ અખાજીના ગુરુ હોવાની વાત તર્કસંગત બનતી નથી.

સંસારત્યાગ

અખાજીના સંસારત્યાગ વિશે પણ કેટલીક જનશ્રુતિઓ મળે છે : ૧. બાળપણથી તેઓ સાધુસંતોના રસિયા હતા. ૨. તેમની ૨૦ વર્ષની વય પહેલાં તેમના પિતાનો સ્વર્ગવાસ થયેલો. એ પછી થોડા જ સમયમાં તેમની એકની એક બહેન જેના પર તેમને ગાઢ સ્નેહ હતો તેણે દેવવાસ કર્યો. બાળલગ્નથી પ્રાપ્ત થયેલી યુવાન સ્ત્રી પણ એ જ સમયમાં મૃત્યુ પામી. બીજી વાર તેમણે લગ્ન કર્યું તે સ્ત્રી પણ મૃત્યુ પામી. આમ નજીકનાં સગાંસંબંધીઓને ગુમાવવાથી વૈરાગ્યનું બીજ તેમના અંતઃકરણમાં રોપાયું હતું. ૩. જહાંગીર બાદશાહે સ્થાપેલી ટંકશાળમાં તેઓ કામ કરતા હતા ત્યાં તેમના પર ચાંદીમાં હલકી ધાતુ ભેળવ્યાનો આરોપ આવ્યો હતો. આ પ્રસંગે પણ તેમને સંસારથી વિરક્ત બનવામાં ભાગ ભજવ્યો છે. ૪. ધર્મની બહેન માનેલી એક બાઈને અખાજીએ સોનાની કંઠી કરી આપી હતી. તે કંઠી બાઈએ આપેલા મૂળ સોના કરતાં વધારે સોનાની તેમણે કરી હતી છતાં તે બાઈએ અખાજી પર અવિશ્વાસ કરીને બીજા પાસે કંઠી તોડાવી ચકાસાવડાવી, જેની પાછળથી અખાજીને જાણ થઈ. આ પ્રસંગથી પણ તેમનું મન સંસારથી ખારું થયું હતું. આ બધાં વૃત્તાંતો માટે કશા આધારો નથી. તેથી નર્મદ કહે છે તે મુજબ એને ‘જનવાર્તા’ અને સ્વામી સ્વયંજ્યોતિ કહે છે તે મુજબ ‘દંતકથા’ના વર્ગમાં જ નાખવા જોઈએ. પોતાની કૃતિઓમાં અખાજી સંસારત્યાગને જરાય મહત્ત્વ આપતા નથી, તેથી એમણે સંસારત્યાગ કર્યો હોવાની વાતને ત્યાંથી ટેકો મળતો નથી.

અન્ય વીગતો

અખાજીની શ્રીમંતતા વગેરેની કેટલીક અન્ય જનશ્રુતિઓ પણ છે. એની નોંધ લેવાનું કે ચર્ચા કરવાનું અહીં પ્રયોજન નથી.

સાહિત્યસર્જન

અખાજીનું ક્વન વિશાળ પટ પર ફેલાયેલું છે. એમાં ‘પંચીકરણ’ વગેરે પ્રકારની સળંગસૂત્ર દીર્ઘ કૃતિઓ છે, પદો જેવી લઘુ કૃતિઓ છે તો છપ્પા, સોરઠા વગેરે મુક્તાવલી પ્રકારની કૃતિઓ પણ છે. એમણે ગુજરાતી તેમજ હિંદીમાં રચનાઓ કરી છે અને બંને ભાષામાં ચાલતી કેટલીક કૃતિઓ પણ મળે છે. બે જ કૃતિઓ રચનાવર્ષ ધરાવે છે પણ ઉમાશંકર જોશી એમની દીર્ઘ કૃતિઓનો રચનાક્રમ આ રીતનો કલ્પે છે – અવસ્થાનિરૂપણ, પંચીકરણ, ગુરુશિષ્યસંવાદ, બ્રહ્મલીલા (હિંદી), અનુભવબિંદુ, અખેગીતા (ર.ઈ. ૧૬૪૯). આ ક્રમ નિર્વિવાદ ન ગણી શકાય. અખાજીની કૃતિઓનો આપણે સંક્ષેપમાં પરિચય કરીએ.

અવસ્થાનિરૂપણ ચાર-ચરણી ચોપાઈના દશ-દશ કડીના ચાર ખંડોમાં આ કૃતિ રચાયેલી છે. એ ખંડો અનુક્રમે જીવાત્માની ચાર અવસ્થાઓનું વર્ણન કરે છે –શરીરાવસ્થા, અજ્ઞાનાવસ્થા, જીવઈશ્વરજ્ઞાનની અવસ્થા અને કૈવલ્યજ્ઞાનની અવસ્થા, શરીરાવસ્થાઓ પણ ચાર પ્રકારની છે – જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુરીય. એ ચારે અવસ્થાઓને અખાજી મિશ્રવર્તી તરીકે વર્ણવે છે (જેમ કે તુરીયમાં અન્ય ત્રણ અવસ્થાઓના પણ અંશો છે) અને અજ્ઞાનદશાની શરીરાવસ્થાઓમાંથી નીકળી તુરીયાતીત કૈવલ્યજ્ઞાનની ભૂમિકાએ કેમ પહોંચી શકાય તે બતાવે છે. પંચીકરણ

આ અખાજીની ચોપાઈના બંધમાં મળતી ૧૦૨ કડીની રચના છે. આ કૃતિનો કેટલોક ભાગ છ-ચરણી ચોપાઈના બંધમાં ‘છપ્પા’ના એક અંગ તરીકે પણ જોવા મળે છે. બીજા કેટલાક ભાગોમાં પણ છ-ચરણી ચોપાઈનો બંધ યોજાયો છે. પારિભાષિક નિરૂપણવાળી આ રચનામાં કર્મેન્દ્રિય, પાંચ જ્ઞાનેન્દ્રિય, ચાર અંતઃકરણ, તેમના ૧૪ દેવતા, જીવ-ઈશ્વર-કૈવલ્ય, પાંચ કોશ, ચાર પ્રકારની મુક્તિ વગેરે અનેક વિષયોની ચર્ચા કરવામાં આવી છે. પંચીકરણની પ્રક્રિયાનું અહીં ઝીણવટથી વર્ણન કરવામાં આવ્યું છે. એ વર્ણન દ્વારા બ્રહ્મની સત્યતા સિદ્ધ કરી આ અનેકાકારે ભાસતા નામરૂપવાળા સૃષ્ટિના વિલાસને મિથ્યા સાબિત કરવાનો કવિનો પ્રયત્ન છે. વિષયવસ્તુને સમજાવવા માટે કવિએ દૃષ્ટાંતો તથા ઉપમાઓનો ઉપયોગ કર્યો છે, જે દૃષ્ટાંતો અને ઉપમાઓ પછીની રચનાઓમાં વધુ વિસ્તૃત અને સઘન રીતે આવે છે.

ગુરુશિષ્યસંવાદ

આ અખાજીની સંવાદસ્વરૂપની રચના છે. દુહા અને ચોપાઈમાં રચાયેલી આ કૃતિ ચાર ખંડમાં વિભાજિત થયેલી છે. આ દરેક ખંડમાં અનુક્રમે ૪૯, ૭૫, ૧૧૧ અને ૮૫ કડીઓ છે. આ બધા ખંડને તેમનાં સ્વતંત્ર નામ છે : ૧. પંચભૂતભેદ, ૨. જ્ઞાનનિર્વેદયોગ, ૩. મુમુક્ષુમહામુક્તલક્ષણ, ૪. તત્ત્વજ્ઞાનનિરૂપણ. કૃતિમાં પહેલા ખંડમાં પાંચ મહાભૂતોનાં લક્ષણો સમજાવ્યાં છે. બીજા ખંડમાં માયાએ ઊભા કરેલા ભેદો દર્શાવ્યા છે અને તે દ્વારા મનનું કર્તૃત્વ સ્પષ્ટ કર્યું છે. ત્રીજા ખંડમાં અણલિંગી અવસ્થા પ્રાપ્ત કરેલ તત્ત્વદર્શીનાં સત્યભાષણ આદિ ત્રીસ ગુણલક્ષણો વર્ણવ્યાં છે. ચોથા ખંડમાં દ્રવ્યાદ્વૈત, ભાવાદ્વૈત અને બધાની ઉપર રહેલી કેવલાદ્વૈત ભૂમિકાને સ્ફુટ કરી છે. સંવાદશૈલી, પારિભાષિક અને લૌકિક દૃષ્ટાંતો અને કેટલીક વર્ણનછટાઓને કારણે કૃતિ રસાવહ બની છે. કૃતિમાંના બ્રહ્માનુભવના સમુલ્લાસનું વર્ણન તથા મુમુક્ષુનું વર્ણન જેવાં કેટલાંક વર્ણનો ધ્યાન ખેંચે તેવાં છે. કૃતિ સંમતિના ૧૪ શ્લોક ધરાવે છે એવો ઉલ્લેખ એક પ્રતના પાઠમાં હોવાનું નોંધાયું છે, પરંતુ મુદ્રિત વાચનામાં સંમતિના શ્લોકો નથી. કૃતિની ર. સં. ૧૭૦૧ (ઈ.સ. ૧૬૪૫), જેઠ સુદ ૯ સોમવાર મળે છે.

ચિત્તવિચારસંવાદ

ચાર-ચરણી ચોપાઈની ૪૧૧ કડીની આ રચના છે. ચિત્ત અને વિચારને અખાજી પિતાપુત્ર તરીકે કલ્પે છે, પણ અખાજીની વિલક્ષણતા એ છે કે પુત્ર વિચાર પિતા ચિત્તને પોતાના ચિન્મય સ્વરૂપનો બોધ કરાવે છે. તત્ત્વવિચાર અને કાવ્યાભિવ્યક્તિની દૃષ્ટિએ મહત્ત્વની આ કૃતિનો અહીં હવે પછી વિસ્તૃત અભ્યાસ રજૂ થયો છે.

અનુભવબિંદુ અથવા ૪૦ છપ્પા

આ અખાજીની ૪૦ છપ્પાની નાની રચના છે. હસ્તપ્રતમાં આ રચનાનું નામ ‘૪૦ છપ્પય’ એમ લખેલું મળે છે. ચાર પંક્તિ રોળાની (માત્ર પહેલા છપ્પામાં દુહાની) અને બે પંક્તિ ઉલ્લાલાની – એ જાતની છપ્પાની રૂઢ આકૃતિને આ છપ્પાઓ અનુસરે છે અને રોળાની ચાર પંક્તિમાં સામાન્ય રીતે આંતરપ્રાસને યોજે છે. “નિર્ગુણ ગુણપતિ” પરબ્રહ્મની સ્તુતિમાં ગણપતિનો નામનિર્દેશ કરી લેતું આ કૃતિનું મંગલાચરણ પણ અનોખું છે. કૃતિનો મુખ્ય વિષય છે મહાનુભવ – પરબ્રહ્મના અનુભવનું વર્ણન. આથી જ એ ‘અનુભવબિંદુ’ એવું પ્રચલિત નામ પામી જણાય છે. સર્વે ભેદોથી પર એવા પરબ્રહ્મના અનુભવને અખાજી પારસના જેવો અક્ષય્ય અને અનળપંખીના જેવો અનન્ય કહે છે. જીવ અને જગતનું મિથ્યાત્વ સમજાવી એમાં માયાનું પ્રવર્તન કેવી રીતે રહેલું છે તે સ્ફુટ કરે છે અને સર્વ સિદ્ધિઓ અને કર્મધર્મો પણ માયાજન્ય મિથ્યા પ્રવૃત્તિ છે એમ સ્થાપિત કરે છે. સળંગ ચિત્રોની રચના, રજૂઆતનું લાઘવ, ઉત્તમ કવિત્વપૂર્ણ શૈલી અને આંતરપ્રાસની ચમત્કૃતિને કારણે આ કૃતિ ધ્યાનાર્હ બની છે. કેશવ હર્ષદ ધ્રુવે તેને “પ્રાકૃત ઉપનિષદ” કહી છે તો ઉમાશંકર જોશી માટે એ “ચિંતનરસનું ઘૂંટેલું એક મૌક્તિકબિંદુ” છે.

અખેગીતા

આ કૃતિ ૪૦ કડવાં અને ૧૦ પદના ચોક્કસ રચનાબંધમાં રચાયેલી છે. તેમાં દર ચાર કડવાંને અંતે એકએક પદ આવે છે. સામાન્ય રીતે કડવાના રચનાબંધમાં મુખબંધ, ઢાળ અને ઊથલો એ રીતની વ્યવસ્થા હોય છે પરંતુ અહીં મુખબંધ અને ઢાળ (જે ઘણી હસ્તપ્રતોમાં ઊથલો તરીકે ઓળખાવાયા છે)નું બંધારણ છે. પદક્રમાંક ૧, ૨, ૩, ૬, ૮, ૧૦ની ભાષા ગુજરાતી છે તથા પદક્રમાંક ૪, ૫, ૭, ૯ની ભાષા હિન્દી છે. ‘અખેગીતા’નું મંગલાચરણ વિશિષ્ટ છે. કવિએ પરબ્રહ્મ માટે ‘ત્રિગુણપતિ’ શબ્દ પ્રયોજ્યો છે જેમાં પરબ્રહ્મની સાથે ‘ગણપતિ’નો પણ સમાવેશ થઈ જાય છે. કૃતિમાં ગુરુમાહાત્મ્ય, ગુરુગોવિંદ-એકતા, માયાનું સ્વરૂપ, ભક્તિ-જ્ઞાન-વૈરાગ્યનું માહાત્મ્ય, સર્વાત્મભાવ, જીવનમુક્તદશા, બ્રહ્મવસ્તુસ્વરૂપ, બ્રહ્મ-જીવ-ઈશ્વરની એકતા, વિદેહીનાં લક્ષણ, ષડ્‌દર્શનચિકિત્સા, વિવિધ શાસ્ત્રમતોનું વૈતથ્ય, સંતસેવાનું ફળ, સત્સંગમહિમા વગેરે વિષયોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. કવિએ તેમની જુદી જુદી રચનાઓમાં માયા, બ્રહ્મ, જીવ-ઈશ્વર-એકતા જેવા અનેક વિષયોની જે ચર્ચા કરી છે તે વિષયો પરના આખરી અભિપ્રાય આ કૃતિમાં રજૂ કર્યા છે. બીજી કૃતિમાં ક્યાંક ક્યાંક વિચારના તંતુઓ જે છૂટા રહી ગયા છે તે અહીં અંતિમ પરિણામ સુધી પહોંચ્યા છે અને એ રીતે ‘અખેગીતા’ એ કવિની પરિણત પ્રજ્ઞાનું ફળ છે. વીગતભર્યાં ચિત્ર સર્જવાની અખાજીની શક્તિ અહીં ઉત્કૃષ્ટ રીતે પ્રગટ થઈ છે. ભક્તની આરતનું ચિત્ર અત્યંત ભાવભર્યું છે. અખાજી દૃષ્ટાંતમાલાનો પણ અહીં આશ્રય લે છે. ‘અખેગીતા’ની વાણીમાં સાહજિકતા છે, હૃદયની આર્દ્રતા છે ને તર્કની સચોટતા છે. કૃતિમાંથી પ્રગટ થતી અનુભવની ઉત્કટતા અને સ્પષ્ટતા તથા તેને લીધે પ્રતીત થતી મૌલિકતાને કારણે, ઉમાશંકર જોશી કહે છે તેમ, ‘અખેગીતા’ ભગવદ્‌ગીતાના કુળની એક સ્વતંત્ર ગીતારચના બને છે. કૃતિમાં કાવ્ય અને તત્ત્વજ્ઞાનનું આસ્વાદ્ય સંમિશ્રણ થયેલું છે. કૃતિમાંનાં પદોની ગેયતા દર્શાવવા માટે કવિએ ભૈરવ, આશાવરી, રામગ્રી, કાનડો, કેદારો, મારુ, ધવલ, ધન્યાશ્રી વગેરે રાગોનાં નામોનો ઉપયોગ કર્યો છે તેમાં તેમના સંગીતવિષયક જ્ઞાનનો પરિચય થાય છે. ‘અખેગીતા’ની રચનાસંવત ૧૭૦૫ (ઈ.સ. ૧૬૪૯) ચૈત્ર સુદ ૯, સોમવાર મળે છે.

પ્રકીર્ણ કૃતિઓ

‘સંતનાં લક્ષણ અથવા કૃષ્ણઉદ્ધવસંવાદ’ ચાર-ચરણી ચોપાઈની ૩૨ કડીની રચના છે. સંવાદસ્વરૂપની આ કૃતિમાં કૃષ્ણ વક્તા અને ઉદ્ધવ શ્રોતા છે. કવિને ‘ભાગવત’માં ઉપલબ્ધ કૃષ્ણઉદ્ધવસંવાદમાંથી પ્રસ્તુત કાવ્યની પ્રેરણા મળી હોય એમ જણાય છે. સંસાર પાર કરી ‘નિજપદ’ની પ્રાપ્તિ માટે સંતનાં લક્ષણોનું આચરણ કરવા શ્રીકૃષ્ણે આમાં બોધ કર્યો છે. કાવ્યની શૈલી શુદ્ધ, ઉપદેશપ્રધાન અને અત્યંત સરળ છે. ‘કૈવલ્યગીતા’ અખાજીની ચાર-ચરણી ચોપાઈની ૨૫ કડીની નાની રચના છે. પરબ્રહ્મને સંબોધન રૂપે રચાયેલી આ કૃતિમાં એનાં સ્વરૂપલક્ષણોનું વર્ણન તથા એનું મહિમાગાન છે. ‘જીવન્મુક્તિહુલાસ’ ચાર-ચરણી ચોપાઈની ૧૧ કડીની રચના છે. એમાં પંચકોશ, ત્રણ અવસ્થા વગેરેથી પર જીવન્મુક્તિની સ્થિતિનું અને એના મહિમાનું વર્ણન કર્યું છે. ‘કક્કો’ દોહરાની દેશીની ૩૮ કડીની રચના છે. એ જ્ઞાનવિષયક છે. ઝૂલણાની ૧૪ કડીમાં રચાયેલ ‘બારમાસ’માં જીવને સંબોધીને ઉપદેશ આપવામાં આવ્યો છે. તેમાં માસનાં નામ શ્લેષથી ગૂંથવામાં આવ્યાં છે. આ જાતના જ્ઞાનવિષયક ‘બારમાસ’ અખાજીએ જ પહેલી વાર રચ્યા હોવાનું જણાય છે. અખાજીની બે ‘પંદર તિથિ’ મળે છે. એક ચોપાઈની ૧૭ કડીની અને બીજી દુહાની દેશીની ૧૬ કડીની રચના છે. બંનેમાં તિથિના સંખ્યાંક શ્લેષથી ગૂંથાયેલા છે. એમાંથી એક વિશેષે ઉપદેશાત્મક છે ને બીજી વિશેષે જ્ઞાનમૂલક છે. ગુરુવારથી આરંભાતા ‘સાત વાર’માં ૧૭ કડી છે. એ પણ ઉપદેશાત્મક જ્ઞાનમૂલક કૃતિ છે અને એમાં પણ વારનાં નામ શ્લેષથી ગૂંથાયાં છે.

છપ્પા

૭૫૫ જેટલી સંખ્યામાં મળતા ‘છપ્પા’ શિષ્ય અંગ, ગુરુ અંગ, ભાષા અંગ, વેશનિંદા અંગ વગેરે જુદાંજુદાં ૪૫ અંગોમાં વિભાજિત થયેલા છે. આ અંગવિભાજન કેટલેક અંશે શિથિલ અને યાદૃચ્છિક જણાય છે. એવું અનુમાન થાય છે કે છપ્પા સમયાંતરે લખાયા હશે અને પછી અંગોમાં ગોઠવી દેવાયા હશે. ‘છપ્પા’ના સ્વરૂપ વિશે વિચારીએ તો આ પિંગળ મુજબના છપ્પા નથી. પરંતુ છ-ચરણી ચોપાઈ (કે જેકરી) છે. દરેક છપ્પામાં એક વિચાર પૂર્ણપણે વ્યક્ત થાય છે. આ રીતે જોતાં છપ્પાનું સ્વરૂપ મુક્તકનું છે. જ્યાં છ ચરણમાં વિચાર પૂરો ન થાય ત્યાં કવિએ આઠ ચરણ પણ પ્રયોજ્યાં છે. છપ્પામાં અખાજીના તત્ત્વદર્શનના સઘળા અંશોને અભિવ્યક્તિ મળી છે. એમાં વેદાંતના પરંપરાગત વિષયો ઉપરાંત સંતદૃષ્ટિનું વિશાળ જીવનદર્શન પણ છે. પુનર્જન્મ, વર્ણાશ્રમભેદ, યુગોની ઉચ્ચાવચતા, જ્યોતિષ વગેરેની માન્યતાઓ પરના અખાજીના તાર્કિક પ્રહારો એમની મૌલિક તીક્ષ્ણ વિચારકતા પ્રગટ કરે છે તો ભૂતપ્રેતની માન્યતા, પાખંડી ગુરુઓ, કૃતક ભક્તિ, અસ્પૃશ્યતા, સામાજિક રૂઢાચારો, માણસના દંભ-આડંબર-બાઘાઈ વગેરે પર એમણે કરેલા વેધક કટાક્ષો એમને ઉગ્ર ચિકિત્સક તરીકે આપણી સમક્ષ રજૂ કરે છે. થોડાક છપ્પાઓમાં અખાજીના આત્મકથનાત્મક ઉદ્‌ગારો પણ સાંપડે છે. છપ્પાની અભિવ્યક્તિ કવિની અન્ય કૃતિઓ કરતાં વિશેષ અસરકારક બની છે. ઉપમા, દૃષ્ટાંત, રૂઢિપ્રયોગ, લોકોક્તિઓ વગેરેનો કવિએ ભરપૂર ઉપયોગ કર્યો છે. તેમની અવલોકનશક્તિ અતિ સૂક્ષ્મ છે. તેમણે કુદરતમાંથી, વ્યવહારજીવનમાંથી, માનવસ્વભાવમાંથી, પશુપંખી, જળચરસૃષ્ટિ, રોજિંદા વપરાશની વસ્તુઓમાંથી કંઈક ને કંઈક વિલક્ષણતા શોધી છે અને પોતાના વિચારને રજૂ કરવા એ વિલક્ષણતા દ્વારા નવીન અને આકર્ષક ચિત્રોનું સર્જન કર્યું છે. તત્ત્વજ્ઞાન જેવા અઘરા વિષયને પણ તેમણે દૃષ્ટાંત દ્વારા સરળ કર્યો છે. તેમની આ પ્રકારની સરળ અને સચોટ અભિવ્યક્તિને કારણે જ ગુજરાતી કવિતા-સાહિત્યમાં તેમ જ સામાન્ય લોકસમાજમાં પણ તેમના ‘છપ્પા’ અત્યંત લોકપ્રિય બન્યા છે. શમ, નિર્વેદ, આરત, પ્રસન્નતા, વિનોદ, કટાક્ષ વગેરે અનેક ભાવોને અહીં તક મળી છે પરંતુ આ બધામાં કવિની હાસ્યકટાક્ષની શક્તિ સવિશેષ નેાંધપાત્ર છે. જેને કારણે ઉમાશંકર જોશીએ તેમને ‘હાસ્યકવિ’ કહ્યા છે.

પદ

અખાજીએ ગુજરાતી તેમ જ હિંદીમાં પદોની રચના કરી છે. તેમનાં ૨૭૦ જેટલાં મુદ્રિત પદો હિંદી ગુજરાતી બંને ભાષામાં થઈને મળે છે. કેટલાંક પદો હજુ અપ્રસિદ્ધ હોવા સંભવ છે. કવિનાં હિંદી પદોની ભાષા શુદ્ધ હિન્દી ભાષા નથી, પણ સાધુક્કડી હિન્દી છે. કવિએ છૂટક પદો રચ્યાં છે તે ઉપરાંત તેમની સ્વતંત્ર કૃતિ ‘અખેગીતા’માં કડવાંઓની વચ્ચે પદો મૂક્યાં છે એ નોંધપાત્ર છે. આ પદોમાં ‘અભિનવો આનંદ આજ અગોચર ગોચર હવું’ એ આત્માનંદનો ઉદ્‌ગાર કરતું પદ તો અત્યંત ધ્યાનપાત્ર છે. પદોમાં ભક્તિશૃંગાર, સદ્‌ગુરુમિલન, બ્રહ્મજ્ઞાની-સંત-ગુરુના સ્વભાવ અને મહિમા, જીવભાવ છોડી શિવપદ પામવાનો બોધ, આત્મસ્વરૂપ તથા બ્રહ્મપ્રાપ્તિનો આનંદ જેવા અનેક વિષયોનું આલેખન થયું છે. વધુ ધ્યાન ખેંચે છે તે કૃષ્ણભક્તિ અને શૃંગારનાં પદો. સગુણભક્તિ અને શૃંગારનાં ઉત્કટ ચિત્રણો ધરાવતાં આ પદોમાં અખાજીએ પરબ્રહ્મરમણા–આત્મરમણાના સંકેતો મૂક્યા છે અને જ્ઞાનશૃંગારનું એક નવું પરિમાણ ઊભું કર્યું છે. પ્રભાતી, કેદારો, સામેરી જેવા રાગો કવિએ આ પદોમાં પ્રયોજ્યા છે, જેનાથી તેમના સંગીતવિષયક જ્ઞાનનો પરિચય થાય છે. તેમણે પ્રયોજેલા આહ્‌લાદક શબ્દોથી તેમના હૃદયની સરળતા અને આરત અનુભવાય છે. પદોની સરળતાને કારણે એ સહેજે લોકકંઠે વસી જાય તેવાં બન્યાં છે. વળી, કવિની સમૃદ્ધ દૃષ્ટાંતકલા ઉપરાંત કેટલાંક માર્મિક ઉપદેશવચનો તથા કેટલાક નિર્મળ આનંદઉદ્‌ગારો તેમના કવિત્વનો સુખદ સ્પર્શ કરાવે છે. હોરી, ધમાર, પ્રભાતિયાં, ભજન, કીર્તન વગેરે પ્રકારનાં સીધો જ્ઞાનોપદેશ અને આત્મપ્રાપ્તિના ઉલ્લાસને ગાતાં પદોની વચ્ચે જરા જુદી ભાત પાડતાં પદો તે સદ્‌ગુરુનો કાગળ, સાંતીડું જેવાં છે. આ કૃતિસમૂહ અખાજીના સાહિત્યસર્જનનો લોકગમ્ય અને ગુણવત્તાવાળો વિભાગ છે.

સોરઠા

અખાજીના ૩૫૦ જેટલા મુદ્રિત ‘સોરઠા’ મળે છે. આ સોરઠા મુક્તક-શૈલીએ રચાયા છે. ક્યાંક સળંગ વિચાર કે વર્ણનના ખંડો જોવા મળે છે. બ્રહ્મનું સ્વરૂપ, માયાનું કાર્ય, જીવદશાની ભ્રમણા, અન્ય સાધનોથી જ્ઞાનની શ્રેષ્ઠતા વગેરે વિષયો આ સોરઠાઓમાં નિરૂપાયા છે. અહીં અપરોક્ષ રહેલા પરમેશ્વરને ન ઓળખતા જીવની મનોદશા સમજાવતાં, પ્રીતમનો હાથ પોતાના કંઠે હોય છતાં એનો આનંદ ન સમજતી, બાળકબુદ્ધિથી બહાર ફર્યા કરતી અબુધ અજ્ઞાન સ્ત્રી જેવાં કેટલાંક સુંદર ચિત્રો આલેખાયાં છે. વળી પ્રત્યેક ચરણમાં નિરપવાદ રીતે વર્ણસગાઈયુક્ત પદવિન્યાસ છે. લાઘવથી વસ્તુને રજૂ કરવાની કવિની કથનરીતિ પણ અહીં વિશેષ નોંધપાત્ર છે.

સાખીઓ

અખાજીની ‘સાખીઓ’ હિંદી તેમ જ ગુજરાતી બંને ભાષામાં રચાયેલી જોવા મળે છે. તેમની ૧૭૦૦ ઉપરાંત સાખીઓ મુદ્રિત મળે છે. આ ૧૭૦૦માંથી ૨૦૦ ઉપરાંત સાખીઓ ગુજરાતી ભાષામાં છે. આ સાખીઓ ૧૦૦થી પણ વધારે અંગોમાં વહેંચાયેલી છે. આ અંગવિભાજન શિથિલ છે. ‘છપ્પા’ની જેમ અંગેનાં નામ – ગુરુ અંગ, સૂઝ અંગ – આપ્યાં છે. હજુ કેટલીક સાખીઓ અપ્રસિદ્ધ હોવાનું જણાય છે. દૃષ્ટાંતોની ભરમાર છપ્પા કરતાં અહીં વિશેષ છે. સામાન્ય લસરકાથી એક આખું શબ્દચિત્ર તૈયાર થયેલું હોય એવાં અનેક શબ્દચિત્રો આ સાખીઓમાં છે. આ ચિત્રોથી વિષયવસ્તુ વધુ સરળ અને સ્પષ્ટ બને છે. વિષય તરીકે સમકાલીન જીવનવ્યવહારની વિગતો આ કૃતિસમૂહમાં વિશેષ છે. બાકીના વિષયો તે છપ્પામાંના વિચારોનું પુનરાવર્તન છે. સાખીઓ અખાજીને કબીરાદિ સંતોની પ્રણાલિકામાં મૂકી આપે છે.

હિન્દી રચનાઓ

પદો અને સાખીઓ ગુજરાતી ઉપરાંત હિંદીમાં રચાયેલ છે તે ઉપરાંત ‘બ્રહ્મલીલા’, ‘સંતપ્રિયા’, ‘અમૃતકલારમેણી’, ‘એકલક્ષરમણી’, ‘જકડી’, ‘ઝૂલણા’ અને ‘કુંડળિયા’ એ અખાજીની સાધુક્કડી હિંદી ભાષામાં થયેલી રચનાઓ છે. કુંડળિયા, ઝૂલણા અને જકડી એ કવિની અત્યંત પ્રકીર્ણ રચનાઓ છે. ૨૫ કુંડળિયા મુદ્રિત મળે છે. તેમાં ૧૩થી ૧૭ એ પાંચની ભાષા ગુજરાતી છે. આ કૃતિમાં કાવ્યતત્ત્વની સાથે ઉપદેશનું તત્ત્વ વિશેષ છે. ઝૂલણા એ મુક્તકસ્વરૂપની છતાં વિચારસાતત્ય ધરાવતી સળંગસૂત્ર ૧૦૯ કડીની મુદ્રિત રચના છે. આ રચનામાં ફારસી-અરબી-ઉર્દૂ શબ્દોની ભરમાર છે. ૩૯ જકડીઓ મુદ્રિત મળે છે, તેમાં પાંચ કડીનું નિશ્ચિત બંધારણ હોવાનું દેખાય છે. ઝૂલણા અને જકડીઓમાં સૂફી સાધનાધારાનો પ્રભાવ વરતાય છે. ‘બ્રહ્મલીલા’ આઠ વિભાગો ધરાવે છે. દરેક વિભાગના આરંભે એક ચોખરા પછી પાંચ છંદની કડી છે. એમાં બ્રહ્મજ્ઞાનનો વિષય લાઘવથી રજૂ થયેલો છે. ‘અમૃતકલારમેણી’ અને ‘એકલક્ષરમણી’ બંને ૨૭ કડીની રચનાઓ છે. આત્મવિચારના નિરૂપણને કારણે આ કૃતિઓ આ નામથી ઓળખાઈ જણાય છે. આ બધી રચનાઓની સરખામણીમાં ‘સંતપ્રિયા’ એ પ્રમાણમાં મોટી, કવિત, દોહરા અને સવૈયામાં રચાયેલી સૌથી વધુ નોંધપાત્ર રચના છે. અધ્યાત્મવિષયક આ ગ્રંથ ૧૦૫ કડીના સર્વાંગી-પ્રકરણ અને ૩૧ કડીના અન્વય-વ્યતિરેક-પ્રકરણ એમ બે પ્રકરણમાં વહેંચાયેલો મળે છે.