સાહિત્ય પલ્લવ – ભાગ ૧/ઉપવાસીના વિચારો

From Ekatra Foundation
Revision as of 02:47, 27 March 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

ઉપવાસીના વિચારો

[હરિજન પ્રવૃત્તિ સંબંધે એક વખત ગાંધીજીએ ઉપવાસ આદરવાનો નિર્ણય કર્યો. ઉપવાસને પહેલે દિવસે બધાએ સાથે ઉપવાસ કરવો એમ સૂચવાયેલું. હું તેમાં જોડાયો. ઉપવાસના દિવસની મારી મનોદશા :] ‘બસ, આખરે એક દિવસ પણ ખાવાપીવાની જંજાળમાંથી છૂટ્યા. આજે તો બાપુજી ઉપવાસ આદરશે તેની જોડે હું પણ ઉપવાસ કરીશ. આજ તો મનમાં સદ્વિચારો જ આવે છે. એમ થાય છે કે કાંઈક ધાર્મિક વાચન કરું. ચાલ, ઝટ ચા પીને — અરે! ભૂલી ગયો કે અમારે આ પીવાની જ નથી. ટેવ ખરીને! એટલે મનમાં વિચાર આવી ગયો. બાકી તો આજ મનમાં ચા પીવાની ઇચ્છા થતી જ નથી. જુઓ, સૂર્યોદય કેવો સુંદર છે! સવારના પહોરમાં ચા માટે ચૂલો સળગાવે તેમાંથી જેમ ભડકો નીકળે તેમ પૂર્વ ક્ષિતિજમાંથી કેમ જાણે ભડકો નીકળતો હોય! પૂર્વાકાશનો રંગ કેવો સુંદર — થોડા દૂધવાળી ચા જેવો — છે

***

આજ માથું સહેજ ભારે હોય તેમ લાગે છે. શાથી હશે? સમજ્યો; આજના ઉપવાસના કારણે બધી શક્તિઓ એકત્રિત થઈ, ઊર્ધ્વગમન કરી, મગજમાં ભરાવા લાગી છે. તેથી માથું જરા ભારે લાગતું હશે; ચા ન પીવાથી માથું દુઃખે એ વાત તો કોઈ વ્યસનીએ જ ઉપજાવી કાઢી હશે. કોઈ દિવસ નહિ ને આજે સૃષ્ટિમાં જાણે કે માધુર્ય ભર્યું હોય તેમ લાગે છે. આ લીમડો પણ જાણે કડવો મટી મીઠો બની ગયો હોય તેમ લાગે છે. જો દાળ કઢીમાં નાખ્યો હોય તો જરૂર સ્વાદ આપે. મહારાષ્ટ્રીઓ તો વળી મીઠા લીમડાની ચટણી પણ બનાવે. લોને આજ તો હુંયે જમવામાં મીઠા લીમડાની ચટણી કરે તેમ કહું — પણ સાચે જ, આજે તો જમવું નથી. ભૂલી ગયો. સાળી કંઈ ટેવ છે જેમ જેમ વખત વધતો જાય છે તેમ તેમ માથું ભારે થતું જાય છે. કેટલી બધી શક્તિ આજે મારામાં સંચિત થતી જાય છે! આ શક્તિ વડે હું શું શું ન કરી શકું? આજ તો કોઈની સાથે વાતચીત કરવી પણ ગમતી નથી. ઉપવાસને પ્રતાપે અંતર્મુખતા વધી એટલે બહિર્મુખપણું ઘટે જ ને? અત્તરોની વાસ જ આકર્ષક હોય છે એવું કાંઈ નથી. આ વઘારની વાસ પણ સારી લાગે છે. આજે મારી ઘ્રાણેન્દ્રિય પણ સતેજ બની હોય તેમ લાગે છે. કારણ ઉપવાસનો પ્રભાવ. પણ છતાં મને ખાવાનું મન તો જરાયે થતું નથી. અરે! પાણી પીવાનું મન થતું નથી. ઊલટું, મોંમાં જ પાણી આવ્યા કરે છે. આહાર-નિદ્રા એ શબ્દો એક સાથે જ કેમ વપરાય છે તે આજે સમજાયું. આહાર થયો હોય તો જ નિદ્રા આવે. આહાર ન થાય તો નિદ્રા પણ ન આવે. માટે આહાર-નિદ્રાનો કાર્યકારણ સંબંધ છે. તેથી જ તે બન્ને શબ્દો ભેગા બોલાય છે. મને પણ આજ તેથી જ ઊંઘ નહિ આવતી હોય. પણ કંઈ નહિ. ‘या निशा सर्वभूतानाम्...’ તેમાં હું જાગીશ ને શિવનું ધ્યાન ધરીશ. ચાલ જીવ, તારા સાથી શિવને આંખ આગળ કલ્પના વડે મૂર્તિમાન કરું. જુઓ ટેકરી ઉપર ત્યાં શિવાલય કેવું શોભી રહ્યું છે! ટેકરી તો જાણે લાપશીનો ઢગલો! જાણે સુરતી બરફીનું બાંધ્યું હોય તેવું શ્વેત મન્દિર શોભી રહ્યું છે, ને ટેકરી પર ચઢવાનાં પગથિયાં શાનાં — મોહનથાળનાં છે? અંદર જઈ શિવલિંગનાં દર્શન કરું — અહા! કેવું ગોળમટોળ એ લિંગ! ઘડીભર તો મોટા બધા ચૂરમાલાડુની ભ્રાંતિ ઉત્પન્ન કરે છે. બસ, આવા શિવ હોય તો જરૂર એની મૂર્તિ ઉરમાં સ્થાપવાનું મન થાય જ. ચાલ તેમ જ કરું – અરે! પણ આજ તો ઉપવાસ છે!