સાહિત્ય પલ્લવ – ભાગ ૨/ઘડપણની છાયા

Revision as of 01:43, 7 April 2026 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧. ઘડપણની છાયા|દત્તાત્રેય કાલેલકર}} {{Poem2Open}} આ ચિત્ર તો સરસ છે જ, પણ ચિત્ર કરતાં એનું વાતાવરણ આબાદ રીતે ચીતરાયું છે. અને ચિત્રમાંનો એકે રંગ એ વાતાવરણને ખોટું પાડતો નથી. યૌવન અને વ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૧. ઘડપણની છાયા

દત્તાત્રેય કાલેલકર

આ ચિત્ર તો સરસ છે જ, પણ ચિત્ર કરતાં એનું વાતાવરણ આબાદ રીતે ચીતરાયું છે. અને ચિત્રમાંનો એકે રંગ એ વાતાવરણને ખોટું પાડતો નથી. યૌવન અને વાર્ધક્ય એવું નામ આ ચિત્રને હું ન આપું, કેમકે આમાં યૌવનની પ્રધાનતા નથી. આગળનો પથરો, પાછળના પહાડ, પડખેનાં ઝાડો અને એનાં થડો ઉપર વાર્ધક્યની છાયા પડેલી છે. રસ્તો પણ આપણને ચડવા નથી પ્રેરતો. બે ત્રણ નાનકડાં ફૂલ યૌવન સૂચવે છે ખરાં, પણ એ પણ એટલાં ઉઠાવદાર નથી કે ઘડપણને માયાળુ બતાવે. આખા ચિત્રમાં સફેદ વાળવાળો ડોસો જ આપણું ધ્યાન ખેંચે છે. મૂછ સાથે એની ભમર પણ ઘોળી થઈ ગઈ છે. એનો દીકરો પિતાને પડખે ચાલે છે. એના મોઢા પર બાળપણની નિષ્પાપ કોમળતા છે. એને જોઈને મનમાં વહાલ જરૂર ઊપજે છે, પણ એ જુવાન વિષે અસાધારણ આશાઓ બાંધવાનું મન નથી થતું. એને જોઈને મોઢામાં એક જ પ્રાર્થના સ્ફુરે છે, ‘ભગવાન, એને આવો ને આવો જ નિષ્પાપ રાખજે!’ એ કિશોરની સાત્ત્વિક આંખો, સરળ નાસિકા અને એના સંસ્કારી ઓઠો જોઈને આપણે સહેજે અનુમાન કરી શકીએ છીએ કે એના પિતાએ એના જમાનામાં ધર્મચુસ્ત જીવન ગાળ્યું હશે અને પોતાના સમાજ માટે એ આશીર્વાદરૂપ નીવડ્યો હશે. એ કિશોરની ભમર અને એનું કપાળ સ્પષ્ટ કરે છે કે એની માતા રૂપાળી સાધ્વી હોવી જોઈએ. માતાપિતાની સફળ કારકિર્દીએ ઘરની દરિદ્રતા દૂર નહિ કરી હોય, એટલે બાળક નાનપણથી જ ઘડપણની છાયા તળે ઊછરેલો છે. ચિત્રકારે આ આખા વાતાવરણને સાચવવા માટે ઉપરનો આશારૂપી આકાશનો કકડો પણ નાનકડો જ બતાવ્યો છે. આખું વાતાવરણ સૌમ્યસુંદર છે, શાંતિ અને સમાધાનનું સૂચક છે. એમાં ગમગીનીનો સહેજ સરખો ઇશારો છે. પણ એ અસંતોષ કે વિષાદ નથી ઉત્પન્ન કરતો. જીવન વિષેની ખોટી આશા અને અશ્રદ્ધાળુની નિરાશા બન્ને આમાં ટાળે છે, તેથી એ ચિત્રકાર સૌમ્યતા ને ભવ્યતાનો વિરોધ મિલાપ આમાં સાધી શકે છે. આખા ચિત્રનું વાતાવરણ એકરૂપ અને તૃપ્તિકારક છે. ફરી ફરી ચિત્ર જોયા પછી ડોસાને કહેવાનું મન થાય છે કે, ‘તારી બાકી રહેલી જિંદગી તને શાંતિ બક્ષો અને તારી સેવા અનન્યનિષ્ઠાથી કરનાર તારો દીકરો તારા આશીર્વાદથી ફુલોદ્ધારક નીવડો, ડોસાનું જીવનવ્રત એની ટેકીલી લાકડી અને એના મંગલમય લોટામાં વ્યક્ત થાય છે.