સાહિત્ય પલ્લવ – ભાગ ૩/કવિ અને કવિતા

From Ekatra Foundation
Revision as of 11:14, 19 April 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
કવિ અને કવિતા

નર્મદાશંકર

છોકરું જેવું જન્મે છે,– આ દુનિયાનો વા ખાય છે તેવું તરત તો તે ગભરાયેલી હાલતમાં હોય છે, પણ થોડી વાર પછી જનનવેદનાથી છૂટું થઈ અહીંના વાને અનુકૂળ થાય છે. પ્રથમ તેને ધાવવાનું, અને જે જે તેની આંખેકાને પડે છે, શરીરને અડકે છે, જીભ ઉપર ને નાક આગળ આવે છે, તેનું કંઈ ભાન હોતું નથી. પણ એટલું તો જોવામાં આવે છે કે બહારની તથા અંદરની સુખદુ:ખ દેતી વસ્તુઓથી તેને સુખદુઃખ થાય છે અને એ સુખદુ:ખના અનુભાવ જે હસવું ને રડવું તે આપોઆપ બહાર નીકળે છે. તરત જન્મેલાને ભાન હોતું નથી ને મુએલાને શબરૂપે ભાન હતું નથી; તરત જન્મેલાંને સુખદુ:ખ થાય છે ને શબને થતું નથી. આ વાત ઉપરથી જણાય છે કે શરીરની અંદર કંઇ છે કે જે જન્મે છે ત્યારથી તે મરતાં લગી સુખદુઃખાભિમાની છે. આ વખતથી માણસ-સ્ત્રી અથવા પુરુષ (પેલું છોકરું) કવિ બનવાની તૈયારી કરે છે, એમ જાણવું. રસ-જ્ઞાન તો સૌ માણસને હોય છે, ત્યારે શું સૌને જ કવિ કહેવા! પણ રસજ્ઞાન સઘળા માણસનું સરખું હોતું નથી. જુદા જુદા પ્રસંગો ઉપરથી, જુદી જુદી મન શરીરની પ્રકૃતિ ઉપરથી, જુદી જુદી વસ્તુઓ ઉપરથી, જુદાં જુદાં અવલોકન ઉપરથી, જુદાં જુદાં કામ ઉપરથી અને જુદા જુદા દેશ ઉપરથી માણસનું રસજ્ઞાન થોડું ઘણું પોલું-નક્કર અને ઊંઘતું જાગતું હોય છે. જેનું રસજ્ઞાન થનથન કરી રહેલું હોય છે, જે લાગણીઓને વશ હોય છે, જે કામક્રોધાદિકને સારી પેઠે ઓળખે છે, જેવું દીઠું સાંભળ્યું તેવું બોલવાની, કરી દેખાડવાની અથવા કોઈ પણ રીતે સમજ્યો એમ જુક્તિથી રંગીને બતાવવાની જેની શક્તિ છે, તેઓને “કવિ” કહેવા. સઘળાનામાં એમ કરવાની શક્તિ હોતી નથી; થોડા એકને જ હોય છે. માટે થોડા એકને જ કવિ કહેવા. આ બધી વાત ઉપરથી હમારા વાંચનારાઓના જાણવામાં આવ્યું હશે કે, કવિ થવામાં કંઈ પણ સ્વાભાવિક બુદ્ધિ જોઈએ ખરી. કેટલાકને સ્વાભાવિક બુદ્ધિ હોય છે, પણ પ્રસંગ ન આવેથી તેઓની બુદ્ધિ મનમાંની મનમાં ખઈના રોગે મરી જાય છે.

“ઊગે પુષ્પ સોહામણાં, નજરે ના દેખાય;
વન સઘળું વાસિત કરે, મિથ્યા ખીલી ખરી જાય. ૧

કેટલાકને સ્વાભાવિક બુદ્ધિ થોડી હોય છે, પણ પછી સારા ને અનુકૂળ પ્રસંગ આવેથી કવિતા કળી બીજાં પાસેનાં સુવાસિત પુષ્પોના સુગંધરૂપ હૂંફથી ખીલીને પ્રસિદ્ધિ પામે છે. એક વિચારને બીજા વિચાર સાથે કેટલો સંબંધ છે અને તેમાં ખરો ખોટો કયો છે, એ વાતની તપાસ કરનાર જે આપણી મનશક્તિ, તેને વિવેકબુદ્ધિ કહેવી અને એક બે અથવા વધારે વિચારોને પોતાની તરફનો પ્રકાશ આપી રંગનાર અને તેજી આપનાર અને તેમ કરી નવો વિચાર ઉત્પન્ન કરનાર એવી જે મનની શક્તિ તે તર્ક-બુદ્ધિ, ને “તર્કબુદ્ધિનું નિરાસણ” એટલે તેનું શરીર ઉપર અથવા બહાર નીકળી આવવું તે ‘કવિતા’ — એમ એક વિદ્વાન કહે છે. કવિતામાં વિવેકબુદ્ધિનું થોડું ઘણું કામ પડે છે એ વાત ખરી, તોપણ હમે એમ કહેવાને વાજબી ધારીએછ કે, કવિતાની જણતી તર્કબુદ્ધિ છે. પછી એ જણતરને થોડી વાર એ વિવેકબુદ્ધિરૂપી ધાવ મળી હોય તો તે સારું કેળવાય, એમાં કંઈ શક નહીં. તે વિદ્વાન કહે છે કે જેમ કોઈ ગોખમાં મૂકેલી સતાર, જુદી જુદી ગતિના પવન વડે હાલે છે અને મધુર સુરાવટ કહાડે છે, તે પ્રમાણે માણસના ઉપર બહારની તથા અંદરની વસ્તુઓની છાપ પડેથી મધુરી અસર થાય છે. રે એટલું જ નહીં, પણ તે અસર પેલી અસલ છાપના જેવી જ આબેહૂબ થાય છે : બિંબ પ્રતિબિંબ જ. આ વાત માણસનામાં સતારના કરતાં વિશેષ છે. સતારના સુરને અને પવનની ગતિને લય અથવા સામ્ય નથી. પણ માણસના મનને અને બાહ્યાંતર છાપ ને લય છે. જેમ ગવૈયાના બોલવાને અને તંબૂરાના સુરને હોય છે, તેમ માણસમાં એવું કંઈ છે કે, જેથી જોયેલી અથવા સાંભળેલી વસ્તુની છાપ તેના મનમાં ખુશ કરતી રીતે બરાબર પડે છે. છોકરું રમતું રમતું પોતાના અવાજથી અને ગતિથી પોતાની ખુશી બતાવે છે. જંગલી માણસ પણ આસપાસ વસ્તુઓ જોઈને નાચે છે, કૂદે છે. સુધરેલી સ્થિતિના મંડળમાં તો તરેહ તરેહવાર રીતનાં માણસનાં રસજ્ઞાન હોય છે. સીધીભાઈ નાળિયેરના ડોઈયામાં કાંકરા ઘાલી તે વગાડી મન રંજન કરે છે. ગોકુળનો ગોવાળિયો કાનુડો વાંસળી વગાડી પોતે ખુશ થઈ ગોવાલણોને રીઝવતો હતો. નારદમુનિ વીણા લઈને ભમ્યા કરે છે. ગંધર્વ અને અપ્સરા, નાટ્ય, નૃત્ય અને નૃત્તથી ઇંદ્રપુરીમાં આનંદના મેઘ વરસાવે છે. ઈશ્વરે અહીં ને તહીં, નાના પ્રકારની વસ્તુઓ ઉત્પન્ન કરેલી છે, જે જોઈને, જેને વિષે સાંભળીને, જેના ઉપર વિચાર કરીને, માણસના દિલમાં કંઈ થઈ આવે છે ને જેથી જોયેલી, સાંભળેલી અને વિચારેલી વસ્તુની છાપ તેના ઉપર આબાદ પડે છે ને તેને તે વસ્તુઓનો રસ સમજાય છે. રસ એટલે અંદરની મઝા – દુ:ખથી પણ રસ ઊપજે છે. કોઈને દુ:ખી જેતાં આપણામાં વાસ્તવિક ભાવ પેદા થાય છે તે પણ એક રસ છે. એમાં વળી મીઠાશ ઓર છે. બોલવામાં, ગાવામાં, ઈશ્વરી અને કૃત્રિમી પદાર્થોની નકલ કરવામાં થોડો ઘણો સઘળા લોકો રસ જોય છે. પણ એકનો એક જ તેનો તે જ નથી જોતાં. માટે જેઓ ઉપર લખ્યા પ્રમાણે ઘણા આગળ પડતા છે તેઓને “કવિ” કહેવા. ઉપરના લખાણથી કવિનો સાધારણ અર્થ સમજ્યા પછી તે અર્થમાં પણ ઘણા લોકો આપણે આણી શકીએ છૈયે. કવિઓ અથવા જેઓ, ન જતો રહે એવો ઉપર લખેલો “રસ" વિચારે છે અથવા બતાવે છે તેઓ ભાષાકવિ, ગાનારા, નાચનારા, ઇમારત બાંધનારા, સલાટો, ચિતારાઓ માત્ર નથી, પણ કાએદા કરનારા, કળા શોધનારા, અને રાજ્ય સ્થાપનારા હોય છે – એટલે, આ સઘળા કવિઓ જ છે. એમ નહિ કે ભાષામાં કવિતા કરે તેને જ કવિ કહેવા. હરકોઈને—ઉપર લખેલી વાતોથી અનુકૂળ થાય તેને કવિ કહેવા, પછી તેઓ કોઈ પણ રીતે અને કોઈ પણ બાબત ઉપર પોતાનું રસજ્ઞાન કહાડે. ભાષા, રંગ, આકાર, એ સર્વ કવિતાની બાબતો અને કવિતા લખવાનાં સાધન છે. સલાટો અને ચિતારા પોતાનાં કામ કરવાને “લખવું” કહે છે. લખવું અક્ષર કહાડવાને જ કહેવું એમ કંઈ નથી. અક્ષર પણ ચિહ્ન છે ને પૂતળાં ચિતાર પણ ચિહ્ન છે. આ ઉપરથી જતાં સાફ માલૂમ પડે છે કે કવિતા તે માણસની અંદર છે, પણ તે પછી ઉપર પ્રમાણેનાં રૂપમાં બહાર નીકળે છે. અમને ખૂબ યાદ છે કે સને ૧૮૫૬ના નવેમ્બરની ૨૧મી તારીખને શુક્રવારને પાછલે પહોરે, જે વેળા હાજી નામના સુરત ભરૂચમાં પ્રખ્યાત થયેલા કડિયાએ અમારી તસવીર પેનસિલે ચીતરી હતી તે વેળા તેણે પ્રકાશને છાયો એના ઉપર આહા! કેટલું ધ્યાન આપ્યું હતું! અમારાથી એક યાર્ડ દૂર બેસીને અમારા મોંની નીરખ કરી ઝટઝટ પેનસિલ ચલાવા માંડી, એ શું કવિતા નો’તી! અમારા મોંની છાપ તેના મનની આંખો ઉપર કેવી બરાબર પડી હશે! કેટલાક ચિતારા એવા તો હોય છે કે એક જ વખત મોં જોઈ જાય ને પછી ઘર આગળ જઈને પેનસિલ કાગળ લઈને કામ કરે ને બરાબર તસવીર લખી દેખડાવે. સલાટોમાં પણ તેમ જ છે. લોકની સારી નરસી રીતભાતે જ્યારે કેટલાકને દિલમાં અસર કરેલી, ત્યારે તેણે જ કાયદા કહાડેલ કેની! કવિતાને સઘળી વાત જોડે સંબંધ છે, તેમાં ભાષાકવિઓનો ઘણો સંબંધ ધર્મ જોડે માલૂમ પડે છે. ઉપર પ્રમાણે કવિનો સાધારણ વિસ્તીર્ણ અર્થ છે. પણ વ્યવહારમાં ગાનારા, નાચનારા, સલાટ અને ચિતારા કવિ શબ્દે નથી ઓળખાતા. જે પુરુષો પોતાનું રસજ્ઞાન ભાષાની મારફતે કહાડે છે, તેઓ જ લોકમાં કવિ શબ્દે ઓળખાય છે; ને એ વિષય ઉપર હમારે વિશેષ લખવાનું છે. પણ વાસ્તવિક વિચારતાં તે કોઈ પણ સાહિત્યવિદ્યાને કવિતા કહીએ તો ખોટો અર્થ કીધો એમ ન કહેવાય. પણ હવે ભાષા કવિતા વિષે નીચે પ્રમાણે બોલિયે છૈયે. ભાષાનો ગુણ જ એવો છે કે, આપણા જીવનાં જે કર્મ અને જોસ્સા, તેના તે બરાબર ચિતાર આપે છે. શું સલાટોના પૂતળાથી અને ચિત્રથી અસલ વસ્તુનું ચોખ્ખું સ્વરૂપજ્ઞાન થતું નથી? થાય છે. પણ ભાષામાં કંઈ વિશેષ ગુણ છે. ભાષા તરેહ તરેહવાર રીતે સે’લથી વપરાઈ શકાય છે – રંગ, આકાર અને ગતિ ફેરવાતાં નથી. ભાષાને કવિતાશક્તિ જોડે પાસેનો ને સીધો સંબંધ છે તેથી ભાષા તેનું કહ્યું તરત ને ઘણું કરે છે. સલાટ અને ચિતારાનાં કામમાં ધારેલી વસ્તુઓ અને પોતાનાં રસજ્ઞાન એની વચમાં બીજી કેટલીક વસ્તુઓ — હથિયારો, હુન્નરની રીતિઓ, કેટલાક વિચાર આવી નડે છે, તેથી તેઓનું કામ વધારે મુશ્કેલ થાય છે. ભાષા પોતાનું રસજ્ઞાન ટપ દઈને ભાષામાં બોલી બતાવશે, પણ સલાટને પથરા ને હથિયાર જોઈશે. ચિતારાને પણ કાગળ અને લખણ જોઈશે ને દેખાઈતું છે કે એ લોકોનો કિસબ ભાષાકવિના કિસબને પાણી ભરાવે છે; ને તેઓ મોટા માનને યોગ્ય છે. તોપણ કેટલાક ભાષાકવિઓએ બેહદ તર્કશક્તિ બતાવી છે કે, જેની આગળ મોટામોટા સલાટો અને ચિતારા પોઈસ છે. પણ ઊભા રહો. આપણે આડા જૈએ છ. આ રીતનો મુકાબલો કરવો એ ખોટો ન્યાય છે. જુદી જુદી બાબતોનાં માણસોનો મુકાબલો કરવો નહિ, માટે એવા મુકાબલાથી પાછા હઠિયે છૈયે. અવાજ અને વિચાર એ બેનો પરસ્પરે અને જે વસ્તુઓ વિષે કહેવાનું છે તેની સાથે ઘણો સારો સંબંધ છે, અને એવું છે વાસ્તે કવિઓ પોતાનાં રસજ્ઞાનના તાનમાં મધુરી રસિક કવિતા કરે છે. બ્રીજ ભાષાનો કેશવ કવિ રસિક પ્રિયામાં કહે છે.

દોહોરો – જ્યોં બિન દીઠ ન સોહિયે, લોચન લોલ બિશાલ
ત્યોંહિં કેશવ સકળ કબિ, બિન બાની હી રસાળ.?

અથ — જેમ આંખના ડોળા મોટા ને સારા હોય, પણ કીકી (દીઠ) વગર શોભતા નથી; તેમ કવિઓ બાની વગર શોભતા નથી. બાની એટલે બોલવાની તથા લખવાની છટા - ‘બાની’ કેટલીક રીતે જરૂરની છે. પણ શું તેને જ કવિતા કહેવી? હમે છંદને આ રીતે બોલીયે તો શું તે કવિતા કહેવાય?

રરરરારરા, રારરારરા
લલલલાલલા, લાલલાલલા
વવવવાવવા, વાવવાવવા
સસસસાસસા સાસસાસસા

ના; ના. રાગ કંઈ કવિતા નથી; કવિતા તે એક જુદી જ મનની વિચારશક્તિ છે. જે રાગનાં રૂપમાં અવતરીને બહાર આવે છે. તોપણ, મનમાંહેલાં રસજ્ઞાનને (મનની ખુશીને) રાગના આલાપ રૂપે જ બહાર કહાડિયે તો તે આલાપને કદાપિ સાધારણ અર્થમાં કવિતા કહિયે તો ચાલે, પણ વિશેષ અર્થમાં નહિ. આલાપને અથવા સુંદર મધુર અવાજને જ માત્ર ભાષા કવિતા પ્રકરણમાં કવિતા નથી કહેતા ત્યારે ભાષા કવિતા તે શું? ‘પિંગળ પ્રવેશ’માં લખ્યા મુજબ શું અક્ષર માત્રાના નિયમવાળી જ ભાષાને કવિતા કહેવી?

દોહરો – અક્ષર માત્રા નિમગણી, રચવો શબ્દ સમાસ.
તે કવિતા નર્મદ કહે, છંદ વૃત્ત સુખ આસ. ૧

ના; કવિતા ગદ્યને વિષે પણ હોય છે. ગદ્યમાં લખનારા મોટા કવિ હતા, છે ને થશે. માટે હવે ભાષાકવિતા (પછી ગદ્યમાં હોય કે પદ્યમાં હોય) કોને કહેવી? જે વાક્યમાંથી લખનાર, વાંચનાર, બોલનાર અને સાંભળનારને રસ ઉત્પન્ન થાય છે તે વાક્યને કવિતા કહેવી. વિશ્વનાથ કવિરાજકૃત સાહિત્યદર્પણ નામનો ગ્રંથ છે, તેમાં કવિતાની વ્યાખ્યા નીચે પ્રમાણે આપે છે :

‘वाक्यं रसात्मकं काव्यम्’

વાક્યરૂપી શરીરમાં જે રસરૂપી જીવ છે તે કવિતા. આ રીતે તો કવિતાની પરીક્ષા એટલી જ કે, તે ખુશ કરતી અને અસર કરતી જોઈએ. ત્યારે હવે કવિતામાં શું છે કે જે આપણું મન હરણ કરે છે? શું તેનો રાગ? એમ જો હોય તો સઘળા જ કવિતા કરે ને સરખા દરજ્જાના કવિ થઈ શકે. કવિતા તે જ છે કે જે ગુપ્ત રીતે અસર કરતી રીતે આપણા મનની સાથે વાતો કરે છે, જે આપણી પરોપકાર બુદ્ધિ અને દયાને જાગતી કરે છે, જે પ્રીતિના જોસ્સાને બહાર કાઢે છે, જે આપણી લાગણીઓને કેળવીને લાયક કરે છે, જે પડતી દશામાં દલાસો, ચડતીમાં ક્ષમા અને જિંદગીમાં નાના પ્રકારનાં નિર્મળ સુખ આપે છે. વસ્તુઓને અને બનાવોને જેવા હોય તેવા જ રંગમાં ચીતરી બતાવવામાં કે પછી ગમે તે રીતે તેને કવિ પોતાના તર્કના પ્રદેશમાં લઈ જઈને જેવો રંગ આપે તેવા રંગથી ચીતરી બતાવવામાં (બેમાંથી કોઈ રીતની કવિતા કીધાથી) કવિને માન છે? સારા સારા વિદ્વાન કહે છે કે કવિતાનું મુખ્ય તાકવું આનંદ તરફ છે, માટે જે જે અલૌકિક વર્ણન અને વાર્તાથી આશ્ચર્ય અને ખુશી ઊપજે, તે તે વર્ણન અને વાર્તા ઉપયોગમાં આવવી જોઈએ. એવું કંઈ જરૂરનું નથી કે વસ્તુઓ આશ્ચર્ય ઉપજાવે તેવી જોઈએ, તે ગમે તેવી હોય પણ તેને જે તર્કથી વણાયેલું ને રંગાયેલું વસ્ત્ર પહેરાવવું, તે તર્ક અલૌકિક જોઈએ ખરો. એક વિદ્વાન કહે છે કે જેવું કુદરતમાં હેય તેવું ચીતરી બતાવવું; એટલું જ નહિ પણ તેની સાથે કર્મ અને બીનાઓને આશ્ચર્યકારક અને ફેરફારવાળી અને નવાઈ જેવી રીતથી બતાવવાં જોઈએ. બન્યું તે જ ન બતાવવું, પણ જે ભવિષ્યમાં બની શકે તે બતાવવું, એ કવિનું કામ છે. એક વિદ્વાન કહે છે કે કવિતા એ એવો હુન્નર છે કે, જે પોતાની મધુર પ્રેરણાથી અણઘડ, નિર્દય, અને પથ્થર જેવી છાતીનાં માણસમાં પણ ધર્મ નીતિનું રસજ્ઞાન કરાવે છે. મિલ્ટન પણ કહે છે કે, આહાહા! ઈશ્વરી અને મનુષ્ય કૃત વસ્તુઓમાં આપણે કવિતાને કેવો ધર્મી, યશસ્વી, અને ઉત્સાહી ઉપયોગ કરી શકીએ છયે. કવિતાનો કેટલાએક જણ નઠારો ઉપયોગ કરે, તેમાં કવિતાનો શો દોષ? કવિનો રસ કવિને જ માલૂમ છે એમ નથી. મોટા મોટા રાજદરબારે બેસનારા અમીર વજીરોને અને શૂરા લડનારાઓને પણ કવિતાએ પોતાને વશ કર્યા છે. સિકંદર બાદશાહને વિશે એમ કહેવાય છે કે તે હોમર નામના ઉત્તમ કવિની ચોપડી રૂપાની પેટીમાં લઈ લઈને સઘળે ફરતો હતો, અને રાત્રે તેને પોતાના ઓશીકા તળે મૂકતો હતો. આપણા રજપૂત ભાટોમાં ચંદની બરાબરી કોણ કરી શકનાર છે? કેટલાક હારેલા રાજાઓ વીરરસનાં કવિતો સાંભળી ઘોડા ઉપર ચડીને ફતેહ કરી આવેલા છે. જગતનો ફેરફાર સઘળો કવિતા ઉપર આધાર રાખે છે. જે વેળા બ્રહ્મજીવન કવિતામાં રાગરૂપે થાય છે, તે વખતે રૂંવે રૂંવે આનંદ આનંદ વ્યાપી રહે છે. કવિતા જેવો મિત્ર કોણ છે? એનાથી જેવો ઘા રુઝાય છે તેવો ઓસડથી રુઝાતો નથી. કહો તો હસાવે, કહો તો રોવાડે, કહો તો ગુસ્સો આણે, કહો તો બિવડાવે. સઘળા ગુણસંપન્ન કવિતા જેવી વસ્તુ મળવી મુશ્કેલ. અહીં નાના પ્રકારનાં નિર્મળાં સુખ ભોગવાવી પરલોકને વિષે સમજ આપનાર પણ તે જ છે. કવિતા વિષે જેટલું બોલીએ તેટલું થોડું છે. વીત્યા વિના સઘળું ખોટું. જેને વીત્યું હોય તેને ખબર પડે કે આટલું ને આવું સુખ થાય છે. કવિતાનું સુખ અલૌકિક છે. સંસારની ઉષ્ણતામાં કવિતાચંદ્ર મનને શાંત કરે છે. કવિતાની મઝા અને લહેજત જુદી જ છે. કવિતા જગતનો પ્રાણ છે.

સ્વાધ્યાય

૧. આ પાઠની ગુજરાતી અને આજની ગુજરાતી વચ્ચે તમને જે ફેર લાગ્યા હોય તે જણાવો, અને નર્મદના કવિતા સંબંધી વિચાર આપો.