નારીસંપદાઃ વિવેચન/પારસી લેખકોની જૂની અને આધુનિક ગુજરાતી ભાષા

Revision as of 15:14, 20 May 2026 by Meghdhanu (talk | contribs) (+૧)
પારસી લેખકોની જૂની અને આધુનિક ગુજરાતી ભાષા.

હિંદુસ્તાનમાં ભિન્ન ભિન્ન ભાષાઓ છે. તેમાં ગુજરાતી ભાષા જૂની છે, અને તેનું સાહિત્ય લગભગ ૧૦૦૦ વર્ષથી ખેડાતું આવ્યું છે. ગુજરાતી ભાષાની પ્રગતિના ત્રણ યુગો નીચે પ્રમાણે ગણી શકાય :

૧-પ્રાચીન યુગ-દશમા સૈકાથી ચૌદમા સૈકા સુધી.
૨-મધ્યકાલીન યુગ-પંદરમા સૈકાથી અઢારમા સૈકા સુધી.
૩–અર્વાચીન યુગ-અઢારમા સૈકા પછીથી આજ સુધી.

પારસીઓનું હિંદમાં આગમન સૈકાઓ પહેલાં થયું હતું. એ દરમિયાન હિંદના કેટલાક રીતરિવાજને વધતા ઓછા પ્રમાણમાં પારસી સમાજે પોતાના જિવનમાં ઓતપ્રોત કરી દીધા છે. પારસીઓએ હિંદુસ્તાન અને તેમાંય ગુજરાતને અપનાવી લીધું છે. પોતાની મધુરી માતૃભાષા ફારસી (Persian)ને તિલાંજલી આપી, પારસીઓએ ‘ગુજરાતી ભાષા’ને પોતાના ગૃહોમાં સ્થાન આપી દીધું છે. જાણીતા માસિક ‘સાહિત્ય’ના ૧૯૩૨ ફેબ્રુઆરીના અંકમાં તેના સદ્ગત તંત્રીશ્રી કાંટાવાળા ‘અરદેશર ખબરદાર અને પારસીઓ’ વિષે ઉલ્લેખ કરતાં લખે છે કે, “પારસીઓએ ગુજરાતી ભાષાને અપનાવી લીધી એ બનાવ જગતના ઇતિહાસમાં સદા યાદગાર રહેશે; કારણ કે પોતાને ગુજરાતે આપેલા આશ્રયનો બદલો વાળવાનો એ પ્રયત્ન હતો એટલું જ નહિ પણ એક આખી પ્રજા એક સામટી અને એકદમ સ્વભાષાને છોડી પરભાષાને પોતાની કરે એવો બનાવ બીજે બન્યો હોય એવું યાદ નથી. આ બનાવ બીજી રીતે પણ યાદગાર રહેશે. પારસીઓએ ગુજરાતીની બજાવેલી સેવા અનુપમ અને અજોડ છે. એની દિશાઓ ગણવાનું આ સ્થાન અને સ્થળ નથી, પરંતુ ઘણી દિશાઓમાં કોઈ પારસીની પહેલને લઈને જ આપણી ભાષા નવા સંસ્કાર પામી છે; અને તેમાં અનેક દોષો તથા ખામીઓ હોવા છતાં પારસી ગુજરાતીએ આપણા સાહિત્યની અનેક ખુબીવાળી, જોરદાર બોલી થવા પામી છે, અને દીર્ઘકાળ સુધી તે એવી રહેશે.” શ્રી. કાંટાવાળા જેવા સર્વપ્રતિ સમભાવી તંત્રીએ પારસીઓ માટે આ સુંદર ઉદ્ગાર કાઢ્યા છે. એ પછી તો પારસી લેખકોએ ગુજરાતીમાં ઘણો સુધારો કર્યો છે. કેટલીક વેળા તો તેઓના લેખ ઉપર નામ ન હોય તો કોઇ હિંદુ સાક્ષર પણ એમ કહેવાની હિંમત ન કરે કે એ લેખ પારસીએ લખ્યો છે. આટલું શ્રેષ્ઠ ગુજરાતી, પારસીઓ લખે છે. પારસીઓનો દોષ એ છે કે આજકાલ અંગ્રેજી કેળવણીનો પ્રચાર સર્વત્ર પ્રસરવાથી પારસી સમાજનો એક ગંજાવર સમૂહ લખવામાં અને બોલવામાં અંગ્રેજી ભાષાનો છૂટથી ઉપયોગ કરે છે. બીજો દોષ એ છે કે ગુજરાતી ભાષા પારસીઓની માતૃભાષા (mother tongue) ન હોઈ અને ગૃહોમાં બાલ્યાવસ્થાથી જ પારસીશાહી ગુજરાતી બોલવાની ટેવ પડી ગએલ હોઈ यथा भाषकस्तथा भाषा ‘બોલનાર તેવી ભાષા’નો ઉપયોગ પ્રચલિત થયેલ છે. અત્યારે ગુજરાતી ભાષાનો પારસી લેખકો અને લોકો જે રીતે ઉપયોગ કરે છે એ હિંદુઓના એક મોટા સમૂહને રુચતું નથી. તેઓ પારસીઓની ઠેકડી કરે છે. પરંતુ પારસી લેખકો અશુદ્ધ લખે છે, બોલે છે એટલા પુરતું જ તેમનું સ્થાન ગુર્જર સાહિત્યમાં ઓછું છે એમ શી રીતે કહી શકાય ? ભાષા એ જ સાહિત્યનો વિકાસ છે? કેટલાક અઠવાડિયા ઉપર એક ગુજરાતી વતમાનપત્રના કાર્યાલયમાં એક પારસી ભાઈની મુલાકાતે હું ગઈ હતી. તંત્રી ખાતામાં કામ કરતા એક હિંદુ ભાઈએ ચર્ચા દરમિયાન ભારે અજ્ઞાનતા બતાવતા મને આશ્ચર્ય થયું. એ ભાઈ તો કહેવા લાગ્યા કે પારસીઓમાં ખબરદાર અને તે પછી ટ્રાન્સલેઈટર શ્રી. જે. ઈ. સંજાણા સિવાય શુદ્ધ ગુજરાતી અને સંસ્કારી લેખો કોણ લખી શકે છે ? કેટલી ઘોર અજ્ઞાનતા ? આજે તો કેટલા બધા પારસી લેખકો શુદ્ધ ગુજરાતી લખે છે. ‘સાંજ વર્તમાન”ના વાર્ષિક અંકમાં અવનવા યુવાન પારસી લેખક ભાઈ બહેનો સાચે જ શુદ્ધ અને સંસ્કારી ગુજરાતી લખે છે. અહિં પ્રશ્ન થશે કે લેખક થવા માટે પ્રથમ તો વ્યાકરણ અને શુદ્ધ ભાષાનું જ્ઞાન આવશ્યક છે. એનો ઉત્તર એ છે કે કોઈ પણ સિદ્ધ હસ્ત તરીકે સ્વીકારાએલ લેખકો ભાષા શુદ્ધિ અને વ્યાકરણના નિયમોનું ઉલ્લંઘન કરીને લખે છે એ તદ્દન અશક્ય વાત છે. "ભાષા એ મનુષ્યનું જીવન છે. લેખોની વિશેષતાઓમાં શુદ્ધિનું અંગ સામાન્ય હોવું જોઈએ. ભાષાનું ઐક્ય એ બધી ગુજરાતી પ્રજાઓનું ઐક્ય છે. ભાષા એ સંસ્કારનું જબરું સાધન છે.” એવી વાતો શ્રી. કાંટાવાળાએ કરી ખરી; પરંતુ એકલી ભાષા શૃંગારથી સાક્ષરીપદ પ્રાપ્ત કરવાની વાત મને તો શક્ય સમજાતી નથી. શુદ્ધ ભાષા લખવાનો અર્થ અને આશય એટલો જ હોઈ શકે અને હોવો જરૂરી છે કે વ્યાકરણના નિયમો સાચવીને સાદી અને સરળ ભાષામાં લખવું, બોલવું. ઈંગ્લેંડ અને બીજા દેશોમાં હવે કઠણ અંગ્રેજી ભાષા બોલવા લખવા ઉપરથી મોહ ઊતરતો જાય છે. ડીકન્સ સ્કૉટ, શેક્સપિયર અને મેરી કારેલીની ભાષા ભૂલાતી જાય છે અને આજે હવે બર્નાડ શૉ, ગાલ્સવર્ધી, ગાર્વિસ વગેરે આધુનિક લેખકો સરળ અંગ્રેજી ભાષા લખવા પ્રેરાયા છે. "The Adventures of The Black Girl In Her Search For God” નામક નવલકથાની ભાષા પાંચમાં અંગ્રેજી વર્ગનો વિદ્યાર્થી પણ વાંચી શકે છે; જ્યારે એ જ પુસ્તકમાં શૉએ જે વિદ્વતાભર્યો નિબંધ લખ્યો છે એની ભાષા આપણને કઠણ લાગ્યા વિના ન રહે. મહાન સાહિત્યકારોનો આજેય પણ એવો જ અભિપ્રાય છે કે નવલકથા કરતાં નિબંધ અને કવિતામાં તો ઊચ્ચ અને કઠણ ભાષા જોઈએ. નિબંધમાંથી ભાષા શૈલીને બાદ કરીએ તો પણ આજનું ગુજરાતી સાહિત્ય ગુજરાતીને બદલે ‘સંસ્કૃતમય’ થતું જાય છે એ તો નિર્વિવાદ છે. ભાષા માનવીનું ખાસ લક્ષણ છે અને પૃથ્વી પર માનવીના જન્મથી જ ભાષાનો જન્મ છે. ભાષા વિના કોઈપણ દેશે ઊચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરી નથી. ભાષાનો શુદ્ધ અને વિશાળ પ્રયોગ અને અસ્ખલિત વિકાસ એ ઉચ્ચ સાહિત્યના લક્ષણ છે. એ બધી વાત સાચી છે ખરી, પરંતુ શુદ્ધ ગુજરાતીનો એ સીધો અર્થ સંસ્કૃતમય ગુજરાતીમાં ભળી જવો નહોતો જોઈએ. કેટલાક વિદ્વાનો કહે છે કે સાદી ભાષામાં આપણા વિચારોને સુંદર વેગ મળી ના શકે. એમ જો આપણે ગણીએ તો જે સરળ અને સાદી ગુજરાતી ભાષામાં નરસિંહ મહેતા અને મીરાંએ ગુજરાતી કવિતાને પ્રથમ વેગ આપ્યો અને તેના પછી નંદશંકર, નવલરામ, નર્મદાશંકર, મલબારી, શામળભટ્ટ વગેરેએ જે પુસ્તકો અને કાવ્યો રચ્યાં તેમાં શું અપૂર્ણતા છે? નરસિંહ મહેતા, મીરાં અને અખો સાદી ભાષામાં તત્ત્વજ્ઞાન જેવા વિષય ઉપર લખી શક્યા છે, પછી તત્ત્વજ્ઞાનના નિબંધોમાં કઠણ જ ભાષા જોઇએ એ દલીલમાં ઘણું વજુદ રહેતું નથી. સદગત્ નિબંધકાર અને ગુજરાતના પ્રથમ વિવેચક શ્રી. નવલરામના શબ્દોમાં કહીએ તો "ગુજરાતી શુદ્ધ લખવાનો અર્થ બૈરક ભાષા વાપરવી એમ નથી. અમને ગામડિયા ભાષાનો તો તિરસ્કાર જ છે. અમને પૌઢ ભાષા કેટલેક દરજ્જે ગમે પણ છે. અમે કદીપણ લખાણની ભાષાને બોલાતી ભાષાની જ હદમાં રોકી રાખવાની ગાંડી ભલામણ કરતા નથી.......હાલ જે ગુજરાતીને કેવળ સુસ્કૃતમયી કરવા માગે છે તેને ગુજરાતીઓ કેમ ન હસી કાઢે? રાંક ગુજરાતીઓ તો કાંઈપણ તિરસ્કાર બતાવ્યા વિના ‘અમને એમાં સમજ પડતી નથી’ એમ કહી એવાં પોથાંને આઘું જ નાંખે છે. જેમને સમજાવવા કે રીઝવવા લખવું તે તો તેમાંનો એક પણ શબ્દ બરાબર સમજે નહિ, કેવું વિલક્ષણ લેખક ચાતુર્ય ? જો વાંચકને પ્રથમ લેખકની ભાષા જ શીખવાની મકસદ હોય તો પછી બધું જ સંસ્કૃતમાં કાં ન લખવું ? આ જાતને રોગ અટકાવવાને ઉપાય એજ છે કે ગુજરાતી ભાષાનો હોંશથી અભ્યાસ કરવો, અર્થાત ગુજરાતી ગ્રંથો અને તેમાં વિશેષ કરીને સુધારાનો કાળ શરૂ થયો તે પહેલાંના શિષ્ટ પુસ્તકો ભાષા શીખવાના આશયથી પૂર્ણ પ્રેમ અને શ્રદ્ધાથી વાંચવા; એક વિદ્યાર્થી તરીકે તેમાંના વિવિધ શબ્દો, શબ્દાવળી તથા વાક્ય રચનાનું અવલોકન કરવું, લોકોમાં ચોતરફ બોલાતી ભાષા સાંભળી વિવેકથી શુદ્ધાશુદ્ધિ તથા રૂઢારૂઢીનું માપ પોતાના મનમાં ખરાબર ઠસાવવું, અને જોવું કે લોકો પોતાના વિવિધ મનોવિકારો કેવી રીતે વ્યહવારમાં બહાર પાડી શકે છે, અને પછી પોતે લોકો સમજે એ વાત ઉપર અખંડ લક્ષ રાખીને બોલવા લખવાનો મહાવરો પાડવો. જ્યારે પણ ક્લિષ્ટતાનો દોષ આપણે માથે આવે ત્યારે ‘લોક તો અભણ મૂર્ખા છે. !’ એમ બોલી પોતાના મદમાં ઘુમવું નહિ. આપણે જો શાંતિથી વિચાર કરીશું તો ઘણી વેળા માલમ પડશે કે ફલાણો શબ્દ, ફલાણી રીતની વાક્ય રચના કે ફલાણા ઘરના વિચાર આપણા મનથી ગમે તેટલા સરળ છે તો પણ લોકો સમજી ન શકે એમાં આશ્ચર્ય નથી; આમ જાણી તેવી જાતના દોષથી દુર રહેવાનો પ્રયત્ન કરવો અને એમ કરતાં કરતાં કેટલેક દરજ્જે અને કાળે શુદ્ધ સબળ શૈલી હાથ લાગશે. ભાષાની બાબતમાં લોકવિચારને માન આપવાની બાબતમાં કવિ દલપતરામનું અનુકરણ કરવા જેવું છે. આ લેખકની સાથે ભાષાની સરળતાનો વિષય નીકળતાં એ કવિએ કહ્યું કે મારી એવી રીત છે કે હું ચીત્રકાવ્ય રચું છું તોપણ તે પ્રથમ સાધારણ સ્ત્રીપુરુષો જેને સુધારાવાળા કદાચ અભણ જ ગણે તેની આગળ હું વાચું છું; અને માલમ પડે કે તેમનાથી તે કવિતા સમજાતી નથી, તો તે કવિતા હું ફાડી જ નાંખું છું..... અમારો આ ઉપરથી એવો દૃઢ મત છે કે દરેક જેને લેખકે પોતાનો વાંચક વર્ગ અંગ્રેજી કે સંસ્કૃત ભણેલ નથી એમ ગણીને લખવું જોઈએ.... જે તરુણ વિદ્વાનો દેશહિતના ભાવથી, સાક્ષર થવાની તૃષ્ણાથી કે કેવળ શોખથી ગુર્જર ભાષામાં ગ્રંથકાર થવાનો પ્રવૃત્ત થાય છે તેના હાથમાં પોતાને માટે તો સ્વભાષાનું જ્ઞાન વધારવાનું છે જ. એ અર્થે શું કરવું જોઈએ તે માટે આગળ ઉપર કહેવામાં આવ્યું છે, અને અત્રે ફરીથી એજ કહીએ છીએ કે શિષ્ટ ગ્રંથોનો અભ્યાસ પ્રેમપૂર્વક કરવો એટલે એ ગ્રંથકારોમાં તો કાંઈ માલ નથી એમ પણ થવું ન જોઈએ…... જો ગુજરાતી ભાષામાં પ્રેમાનંદ જેવા મહા કવિના સર્વ રસનાસધન વિચારો સમાઈ શક્યા; જો શામળભટ્ટની પોતાના સમયને ચીતરતી તથા સંસારને અવલોકતી, પ્રબોધતી કલમને ગુજરાતી ભાષાથી કાંઈપણ આંચકો પડ્યો નહિ; જો દયારામની અતિ સુક્ષ્મ લાગણીઓ સ્વછંદપણે પોતાનો પ્રકાશ કરી શકી; જો મુક્તાનંદ, બ્રહ્માનંદ વગેરે નવા ધર્મનો ગંભીર તથા ઉછળતો જુસ્સો બીજાને દર્શાવી શક્યા, જો નિષ્કુલાનંદનો તીવ્ર વૈરાગ્ય તેની દરેક લીટીમાં સંપૂર્ણ સમાઈ રહ્યો છે તથા ધીરો, દેવાનંદ, ભોજો ભક્ત વગેરે કેટલેક દરજ્જે અભણ હતા તોપણ તેમણે ભૂલમાં અથડાતાં જગતને જે વેણ સંભળાવ્યાં તે તેના સફળ સ્પષ્ટ વક્તાપણાને માટે અદ્યાપિ મશહુર છે; તો એવી જે સબળ ગુજરાતી ભાષા તેને કવિતા કે સદુપદેશને માટે નબળી ગણવી એ કેવો અનાહુત અન્યાય છે ? શ્રી. નવલરામનું આ અવલોકન આજે પણ આપણને લાગુ પડે છે. આ શબ્દો જેમ પારસીઓને તેમજ હિંદુ કોમના ગુજરાતી સાક્ષરોને પણ લાગવા જોઈએ, ખાસ કરીને કઠણ ગુજરાતી લખનારા લેખકોએ તેમજ સાક્ષરોએ આ શબ્દોનું મનન કરવું જોઈએ. જે હિંદુભાઈઓ શ્રી. નવલરામની માફક સાદી ભાષાને અપનાવવાની ઈચ્છા રાખતા હોય તેમનું એ કર્તવ્ય હોવું જોઈએ કે જે પારસી ભાઈઓ અને બહેનો સરળ શુદ્ધ ગુજરાતી લખે છે તેઓને સહકાર આપવો. આમ તો “સાહિત્ય”, “કૌમુદી”, “નવચેતન”, “શારદા", "પ્રસ્થાન" વગેરે માસીકો સારા પારસી લેખકોને ઉત્તેજન આપે છે, પરંતુ તે ગણ્યાગાંઠ્યાને જ. આ લેખિકાને પણ “સાહિત્ય”, "રવિવાર", "કિસ્મત", "સ્ત્રીબોધ", "ગુણસુંદરી", "ઈસ્માઇલી” આદિ પરકોમના ભાઈબંધ તંત્રીઓએ લેખો છાપી ઉત્તેજન આપ્યું છે. પારસી પત્રો પોતાના નવરોઝના અંકોમાં હિંદુ લેખકોના લેખો સહર્ષ લે છે. ત્યારે હિંદુ તંત્રીઓનું કર્તવ્ય એ છે કે જે પારસી લેખકો અને લેખિકાઓ સિદ્ધહસ્ત લેખકો કે લેખિકાઓ તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે તેઓના લેખો દિપાવલી અંકોમાં પ્રસિદ્ધ કરવા. આ પ્રમાણે કરવાથી પારસી લેખકોની ક્યાં ભૂલ થાય છે તે માલમ પડી આવશે. પારસી લેખકોમાં એક મોટી ખામી એ છે કે તેઓમાંના ઘણાં વાક્ય રચનામાં ભૂલો કરે છે, કેટલાક શિષ્ટ ગ્રંથકારોએ (classical authors) પણ આવી ભૂલો કરેલી છે. પરંતુ આજથી પચાસ વર્ષ ઉપર જે જાતની ભૂલો થતી હતી, તેવી ભૂલો આજના પારસી સાહિત્યમાં ઝાઝી જણાતી નથી; અને સૌ કોઇ એ વાત કબુલ કરશે જ. પારસી લેખકો ગુજરાતી ભાષાને બગડી નાખે છે એનું મુખ્ય કારણ તો એ છે કે કાનો, માત્રા, હ્રસ્વ, દીર્ઘ સ્વરો અને અનુસ્વાર તેમજ ત, થ, દ, ધ, દ્ય, ન, ણ, ટ, ડ ઈત્યાદિ ક્યાં અને કેવી રીતે વાપરવા તેનું તેઓને ભાન નથી. વળી તેઓ ક્રિયા પૂર્ણ થતાં ક્રિયાપદ સંપૂર્ણપણે બતાવતા નથી. દાખલા તરીકે ‘ચાલે છે’ ને બદલે ‘ચાલે છ’, ‘બોલે છે’ ને બદલે "બોલે છ”, “કરે છે’ ને બદલે ‘કરે છ’ અને ‘લખે છે’ ને બદલે ‘લખે છ’, આમ લખે છે, પણ આધુનિક પારસી સાહિત્યનું, તેમાંયે શિષ્ટ સાહિત્યનું અવલોકન કરીએ તે આવા દોષો અત્યારે ગણ્યાગાંઠ્યા લેખકોમાં જ જણાશે. છેલ્લા બે દશકાનું પારસી સાહિત્ય તપાસવાથી જણાશે કે આજના પારસી લેખકો અને જૂના પારસી લેખકો ભાષાની દ્રષ્ટિએ ક્યાં જુદા પડે છે. તેમાંના થોડાંક ઉદાહરણો નીચે મુજબ છે:- “શ્રી મુંબઈ પરાંતની ખબર મધે તો સરવે ખેમ કુશળ છે. પશુ શ્રી સુરત મધેથી ૧ પરભારો પતર આવેઓ છે. તે મધે હમારો ખબર આપનાર લખે છે કે જે થી સુરત મધે ગરમીનો હીંગામ ભારી ચાલે છે, અને એક એવો ભુડો મરજ આલમમાં પેદા થઓ છે. જેથી તે બહાણે લોકો મરન પાંમે છે. હવે પરમેશવર એ વાતથી પોતાની પનાહમો રાખે. શ્રી મુંબઈની પરાંતની ખબર મધે તો સરવે જેમ કુશળ નજર આવે છે. પણ ગરમીને હીંગામ એવો તો નરસ ચાલે છ જે તા. ૨૪મી એપરીલને દીને શ્રી મુંબઈ મધે બાહેરકોટ મજગામના રસ્તા ઉપર ૧ પરજાતી પુરૂશ ખરે બપોરનાં વખત ઉપર પોતાના હરેક કામને વીશે જાતો હતો તે વેળાએ ગરમીનો ટપોતાના ધુપથી હેવું અમારા સાંભલેઆમાં આવીઉં છે, જેતે માણવીનું મગજ ચતભરહમ થઇને અને એક જમીન ઉપર પડીને બેહોશ થાઈ ગીયો. હેવી રીતે મુમબાઈનો ગરમીનો ભએ વીશેશ ચાલે છે". (“અખબારે કબીસા” ૧૮૨૭). દીવમાં રહેતા પારસીઓએ દીનધર્મ સંબંધી કરેલ ચર્ચાનો અહેવાલ એક મોબેદ મારફતે નવસારીથી મોકલવામાં આવ્યો હતો. (ઈ.સ.૧૫૯૦-ઓગસ્ટ તા. ૬) તે અહેવાલની ભાષાની વાનગી ખરે જ આશ્ચર્યચકિત કરે છે. “લા. આ. કાકા સુદ આશદીન બેહેદીન દીવનાં શમશતે કેનપનાહે એજદાંબાદ. જત જો ચાંદીકા યમદીન હુલીએ અગીઆરી માંહી અમો જન ચાર બેથા હતા. તે તીઆંહાં એમ કહીઉં જે દીનના શમશતે બેહેદીન કહું જે એક એરબદ બરશનુમ સુધાં આહાં આવે તે બાજ ઘરનું તથા ઘેહેશારનું ને હમારા મુંઆની નીમત આફરગાન કરી તેહેની હમો જેવા છુતે તેહંવી તેની તનબુ કરૂં. તે વાત કીધા પર એસી મેહેરજી રાણાનું એક શઉદવી તાકીદ કરી દીનનો કાંમ ચાલતાં કરવા મોકલીઊં છે. ખૂબ છે, લાએક છે, ડાફુ, છે, શાંસતો છે. જેહેવું આપના દીનમાં જોઇએ તેહવું છે. એહેની તતખુ એહનાં ફીલ જોઇ કરજો શહી". (રો. ગુઆદ, માહા આદર શંવત ૧૬૪૬ વરખે-શમશતે બેહેદીન નઈ હમારૂ પહના ઇઅજદાંબાદ કોહીશી), આથીય વધારે પ્રાચીન ગુજરાતીના, દાખલાઓ મળી આવે છે. સદગત્ વિદ્વાન અભ્યાસી પ્રો. શાપુરજી કાવસજી હોડીવાળાએ લખેલ "Studies In Parsee History"માંથી દશમા અને પંદરમા સૈકાની પારસી ગુજરાતીના ઉદાહરણો આ રહ્યાં- "સવંત ૧૫૯૫ વર્ખે રોજ ખુરશેદ માહા મહિર અદેર શ્રી નાગમંડલ કર્ણે (પાત) સાહા શ્રી સુલતાન મહિમુદસા વ્યજ્ય ર। (જે) અમલ માલિકશ્રી સાબમલ (?) માલક વ્યાપારે પંચકુલ પ્રતિપ્રતૈ ૰।। આ રાણા જેસંગ પારશ્ચાત સેધઆં રાણાં જેસંગ જોગ્ય સોધૈઈ રાણિ રોક લીધા એહ ગુર્થ વડિ સોધૈઈ રાંણિ ધિરબા. ધૈઆં ખુરશેદ આદરવની છીડીની ભુમિ સમેત ચંદ્રકાલી વેચાતે આપું દલવાડા સર્વ અસબાબ ધિરના સમેત વેચાતું આપું સહી અસલ ખત વધે પ્રવાલનાઈ”. "બીજું ઉદાહરણ દેલવાડામાં આવેલ શિલાલેખ ૧૪૯૧નું છે. ઉપરોક્ત જે ઉદાહરણ બતાવ્યું છે તેનાથી એકસો ચાર વર્ષ પૂર્વેનો દાખલો છે. આ દાખલો ગુજરાતી ભાષાનો છે. તે વેળાની પારસીઓની ગુજરાતી અને ગુજરાતીઓની ગુજરાતીની તુલના કરવાનું સરળ બને એટલા માટે આ ઉદાહરણ ટાંકુ છું. “સંવત ૧૪૯૧-વર્ષે કાર્તિક સુદિ ૨, સોમે રાણાશ્રી કુંભકર્ણ વિજય રાજ્યે ઉપદેશ જ્ઞાતિય સહણા સાહા સારંગેન માંડવી ઉપરિ લાગુ કીધું સેલહથિ સાજણિ કીધું ! અંક ટકા ચઉદ ૧૪ નફો માંડવી લેસ્યઈ ઈંસુ દેસ્યઈ ચિહુ જતો બઈસી બીહુ રીતિ કીધી ! એહ બોલ લાંપવાં કોન લહવે... સા૰ સારંગિ સમસી સંધી લાગુ કીધઉ ! એ ત્રાસુ જિકો લોવઇ તપેરહિ....ની આણ છઈ ! શ્રી સંઘની આણ ! શ્રીજી રાઉંલા શ્રી શત્રુંજય તણા સમ ! આ બે ઉદાહરણ ઉપરથી સમજાય જાય છે કે દશમા સૈકાથી પંદરમા સૈકા સુધી અને તે અગાઉના સૈકાઓમાં હિંદુઓ પણ પરસીની માફક અશુદ્ધ લખતા હતા. પરંતુ જૂના સમયમાં પારસીઓ જે અશુદ્ધ ગુજરાતી લખતા તેના કરતાં આજે તેઓ વધારે શુદ્ધ ગુજરાતી લખે છે. વાચકને એ વિષે સંપૂર્ણ ખ્યાલ આવે એ માટે વર્ષોના અનુક્રમાનુસાર ઉદાહરણો નીચે આપું છું : — સંવત ૧૭૨૮માં એક પારસી લેખક "મહેરજી’ ને બદલે ‘મિહીરજી’, ‘ને’ ને બદલે ‘નિ’, ‘કોલ’ ને બદલે ‘કુલ’, ‘છીએ’ ને બદલે ‘છે’, ‘પાસે’ ને બદલે ‘પાસિ’ ‘કરે’ને બદલે ‘કરિ’ અને ‘બેસી’ને બદલે ‘બિશિ’ એ પ્રમાણે છે . સંવત ૧૭૧૮માં લખાએલાં એક પુસ્તકમાં “શ્રી આતશ બીહીરામ નુસારીમાં પધારેઆ તેનું વરસ તથા રોજ મહિનું લખેઉ છી” એમ લખેલું છે. બીજા એક પારસી લેખકે લખેલ પુસ્તકમાં નીચે પ્રમાણે ભાષા લખે છે:- "સંવત ૧૪૭૫ વરખે માહા શેહેરવર રોજ મેહેસપંદ આખાડ સુદ ૫) બુધે શ્રી આતશ બીહીરામ ગહબાર માહો. થાનક પધારેઆ સંજાણથી વાસદી આવેઆ પછી તાંહાંથી બેહેદીની અનજમન મળી નુસારી લેઈ આવેઆ. આ લખેઉ તે પોથુ ઇજશનીનું દસ્તુર હમજીઆર રામ સંજાણાનું કદીમ જુનું પોથું હતું. તે જોઇ લખેઉ છી”. પ્રાચીન સમયના “મુંબઈ સમાચાર” અને “જામે જમશેદ" પત્રોમાંના નીચે આપેલાં અવતરણો ઉપરથી તે સમયમાં પારસીઓ ગુજરાતી ભાષા કેટલે અંશે શુદ્ધ લખતા હતા તે સમજાશે:— "પેલો કરાંચીવાળો વટલેલ ચોટીર, જે માંશ મદ્યપાન કરીને મુસલમાનોની સાથે ભરસટ થઈ ગયો હતો, તેની સાથે માહારાજ ચીમનલાલજી નીલો વહેવાર કરી આવીઆ છે, અને તે વાતને ઘણાંક હિંદુઓ પોતાના સાસતર પરમાણે ઘણી અધરમની ઘણે છે” (‘મુંબઈ સમાચાર’ ૧૮૭૫). “પરેંમચંદે તેના માગનારાઓની સભા બેલાવીઆની અગાઉ હેવો કશદ કીધો હતો કે તેના માગનારાઓ પાશેથી છ માસની મુડત મેળવે. લોકો નાદારાઓને મુડત આપવામાં નાશીપાશ થાએલા અને મોતતી ખતતા જોએલી તેઓએ તે આપવાની ના કેહયું. આ ખેરાશત તેને પોતાનો વેહેવાર બંધ કરવાને પડી જે આ બનીઊં તેને બૈહતર બનીઊં છે”. (જામે જમશેદ ૧૮૬૬). ૧૮૫૬માં શ્રી. શોરાબજી જમશેદજી જીજીભાઈ નામના એક ખાનદાન પારસી લેખકે “જૌહરે જીંદગાની” નામક ઉચ્ચ વિચારોથી ભરેલી એક પુસ્તિકા પ્રસિદ્ધ કરી હતી. તેની ભાષાનો નમૂનો આ રહ્યો :- “તહમારા જાંનની આએ દુનીઓમેં મોતેબરી સું? તહમારા પરવરદેગારે જે કીમતી જીનદેહગાંની તહમોને બખશીચ તેહેનો કહેવી રીતે ઉપયોગ કરસો?.... જે બુધિ તે કરીમે કારશાજે તહમારામાં મેલીચ તથા અખતેયાર તે ખાલેકે તહમોને સપુરદ કીધો છ તે ઉપર તહેમો પોતાનાં તથા સાંમભાંનાં દીલને ખુસી ઉપજે તેંમ વિચાર કરો. આ બધી એનાઆતો કીધીચ તેહની શુકર ગુહજારી કરવી જોઈએચ-તહમોએ વિચારવું જોઈએચ કે તે કરીમેં કારસાજની હજુરમેં આપુને એક દંને આપડા સઘલા હરફો તથા ખેઆલો તથા સારી માઠી ખહસલતો તથા એ વતરોગે બીજી સરવે આપડી ચાલ ચલગતનોં જવાબ આપવા ઊભું રેહેવું પરસે”. જૂની પારસી ગુજરાતી ભાષામાં કેટલાક ગુજરાતી શબ્દો તો એવા છે કે તેના ભાગ્યે જ અર્થ સમજાઈ શકે, આજના કેટલાક વિદ્વાનોએ તેનો સાચો અર્થ શોધ્યો છે, તેમાંના કેટલાક ઉદાહરણો નીચે પ્રમાણે છે:—

જૂની પારસી ગુજરાતી સાચો અર્થ
ક્રેસત -ક્રિયા સહિત
લષિસિ, લખીસિ, લખી છિ -લખી છે
લુહડા, લુઢા -નાના
માન્ય,મઉઅન -મનમાં
સ્છાનક -સ્થાન કે જગ્યા
ઇ, ઇણી,ઇંણઇ -આ
આવા પૂઠિ -આવ્યા પછી
પઢિ -પઢે
ઉફરુ -ઉપર
સરસુ -સાથે
જુ -જો
નતકરમ -બીન તકરારે
પ્રીછવું, પરીછવું -જાણવું
કરિવું -કરવું
અનિ -અને
હુ -હોય
દસઇ -દિશાએ
વિહિહિણું વિહાઉ -વાણુ વાય

આ શબ્દોની ખુબી સમજવા માટે પારસી જૂની ગુજરાતીનું એક અવતરણ નીચે પ્રમાણે આપું છું:— "માહા ૨ રોજ ૯ પરતી કીધૂ નુસારી જાવાનિ શ્રી ૭ આતશ બહિરામની ચમાઝ જોવાનિ કાજિ તે ગાંમ સધિ એક નુસારીમિ નહીં બાકી જાં બેહેદીન છિ તાંથી જાતરા આવિચ તે મતિ એ પ્રભ કીધૂતિ માહ ૨ રોજ ૯ એ બાજ ધરિચ આદર ઇઆણની". જૂની પારસી ગુજરાતીમાં ૭, ૨, ૧। વગેરે આંકડા જોવામાં આવે છે. એમાં શ્રી ૧। આંક આજેય માલમ પડે છે. હિંદુ વેપારીઓ પોતાના આંકડા ઉપર શ્રી ૧। લખે છે. આ માટે જાણીતા ઓરીયન્ટલ સ્કોલર શ્રી જમશેદ કાવસજી કાત્રક જણાવે છે કે “આપણામાં હજી કોઈક ઠેકાણે ‘શ્રી ૧।‘ લખવાનો રિવાજ છે. આ ૧। એ ખરેખર સવા નથી પરંતુ પછી જે કાપો છે તે પ્રાચીન હસ્તલેખોમાં અલ્પવિરામ (coma) તરીકે વપરાએલ જોવામાં આવે છે". આ ઉપરથી એટલું સિદ્ધ થાય છે કે પારસીઓએ પ્રાચીન સમયમાં જે અશુદ્ધ ભાષા લખી હતી, તે આજે ક્યાંક જ જોવામાં આવે છે. તે છતાં પારસીઓ અશુદ્ધ ભાષા લખે છે એમ કહેવામાં આવે છે. તા. ૧૩:૧:૧૯૩૯ના દિને જાણીતા સોલીસીટર અને સાહિત્યકાર શ્રી. રણજીતલાલ એચ, પંડ્યાએ "ગુજરાતી સાહિત્ય અને તેમાં પારસીઓનો ફાળો" એ વિષય ઉપર આપેલ અભ્યાસપૂર્ણ ભાષણમાં એઓ શ્રીએ મનનીય વિચારો દર્શાવતાં કહ્યું હતું કે “પારસી ગુજરાતી સાહિત્યને એક વિચિત્ર પ્રકારના નવનવીન સાહિત્ય તરીકે ઓળખાવતા ગુજરાતના સ્વામીઓને ટેવ પડી ગઈ છે અને વળી ગુજરાતી સાહિત્યમાં કેટલાક વખતથી પારસી સાહિત્યને એક વિચિત્ર અને જુદાં સાહિત્ય તરીકે ઓળખવાની અને મનાવવાની પદ્ધતિ દાખલ થએલી છે. પારસીઓ ગુજરાતીઓથી એક ભિન્ન પ્રજા હોઈ, તેમની ભાષા, તેમનું લખાણ, તેમનું સમસ્ત વાઙ્ગમય તેમની પોતાની કોઈ જુદી લાક્ષણિક જાતિનું હોય એમ ગુજરાતના સાક્ષરો અને ગુજરાતનો શિક્ષીત સમાજ દર્શાવે છે. સાહિત્યની આ માન્યતા ગુજરાતી સાહિત્યમાં એટલી હદ સુધી જવા પામી છે કે તે સાહિત્યના વિશારદોએ પારસી સાહિત્યને સાહિત્યનું નામ આપવું કે નહિ તે વિષે પણ શંકા બતાવી છે. આમ હોઈ ગુજરાતી સાહિત્યમાં, પારસી સાહિત્ય માટે એક પ્રકારની ઉપેક્ષા બુદ્ધિ પ્રસરી રહી છે, અને સાથે અન્ય જનોમાં એવી પણ બુદ્ધિ પ્રસરી રહી છે કે ગુજરાતમાં ગુજરાતી સાહિત્ય વિના બીજું કોઈ ગુજરાતી સાહિત્ય છે નહિ, અને કોઈ દિવસ હતું પણ નહિ, પરંતુ ગુજરાતનો વર્ષોનો ઇતિહાસ તપાસનારને જણાશે કે નવિન ગુજરાતના સર્જન અને વૃદ્ધિમાં જેટલો ભાગ ગુજરાતીઓનો હતો તેટલો જ પારસીઓનો પણ હતો. કેવળ સાહિત્ય અને વાઙ્ગમય વિષયને વળગી રહીએ તોપણ પ્રત્યેક નિષ્પક્ષપાત નિરીક્ષકને જણાશે કે ગુજરાત અને તેના સાહિત્યની એ ઉગતી દિશામાં પારસી કોમનો ફાળો નાનો સૂનો કે હસી કાઢવા જેવો નથી. એક વખત એવો હતો જ્યારે એ કોમના સાહિત્ય પ્રેમીઓને મન, ગુજરાત અને તેના સાહિત્યની સેવા ગર્વ ધરાવતી વસ્તુ હતી. એક વખત એવો હતો જ્યારે એ કોમની ઓજસ્વી કાર્યશક્તિઓને અપનાવી લેવામાં ગુજરાતની સાક્ષરતાજ નહિ; પરન્તુ ગુજરાતની સમસ્ત નેતૃત્વ શક્તિ, આનંદ અને હર્ષ માનતી. તે વખતે ગુજરાતના શુભચિંતકો અને ઉદ્ધારકો કોમવાર, વર્ગવાર કે જ્ઞાતિવાર કે ભાષા દ્વારા નહોતા ઓળખાતા. પરંતુ જ્ઞાનના પ્રકાશ દ્વારા, શક્તિઓની ઓજસ્વિતા દ્વારા અને જન્મભૂમિની સેવાની તમન્નાની એકનિષ્ઠા દ્વારા, એકજ ભૂમિની માતાના સંતાનો જેમ પ્રેમથી પોતાનું સર્વસ્વ અર્પણ કરતા હતા. આજે ભેદભાવ, વિરોધ અને વાડાઓની બાંધણી જણાય છે. સાહિત્યમાં તો આ વધતી જતી જુદાઈના પરિણામો વધારે વિસ્તૃત અને ઉંડા જણાય છે. ગુજરાતી સાહિત્યના આપણે અત્યારે બે વિભાગ થઈ ગયેલા જોઈએ છીએ. એ વિભાગો એટલી સ્પષ્ટતાએ પહોંચ્યા છે અને એટલી વિરોધાત્મકતાથી ભરેલા છે, કે તે બે વચ્ચે કદી સંધાણ થશે કે નહિ તે એક ફૂટ પ્રશ્ન છે. માતૃભાષા એક અને અનન્ય હોવા છતાં આ વિભાગો જુદાં જુદાં નામોથી ઓળખાય છે, અને નોખા નોખા સેવકો અને પરિચારકોની સેવા માંગી રહે છે. આ વિભાગો તે એક ગુજરાતી અથવા ‘શુદ્ધ ગુજરાતી’ સાહિત્ય અને બીજો તે પારસી અથવા પારસી ગુજરાતી સાહિત્ય. ભાષા એક છે છતાં જાણે બન્ને ભિન્ન હોય તેમ આ બન્ને વિભાગોને પોતપોતાના જુદા જુદા આદર્શો છે, પોતપોતાના જુદા જુદા કાર્યક્રમો છે, અને જુદાં જુદાં પોતાના મુખપત્રો છે, એઓ વચ્ચે સહચાર કે સહકાર નામ જેટલો જ છે. જ્યારે વિરોધ અને પક્ષાપક્ષી પાર વિનાનાં છે. ગુજરાતના સાહિત્યની સાચી અને સર્વવ્યાપી ઉન્નત્તિ માટે એ અનિવાર્ય અને અગત્યનું છે કે આ બે કોમો અને સાહિત્ય વચ્ચે વધતું જતું અંતર કોઈ પણ રીતે મટાડવું અને એવા ઉપાયો યોજવા કે તે વચ્ચે અથડામણી અને વિરોધના કારણો દૂર થઈ પરાપૂર્વના સૌજન્ય અને સ્નેહભાવ પુનઃ ચાલુ થાય. પારસીઓએ કેવળ ગુજરાતના વાઙ્ગમય કેવળ પત્રકારિત્ત્વમાં જ સેવા કરી છે એમ કોઈ માની નહિ લે. જો કે એ સેવા પણ જેવી તેવી નથી. ગુજરાતી ભાષા સાહિત્યનો ઇતિહાસ તપાસનારને જણાશે કે એ કોમે સાહિત્યના હરકોઈ વિભાગમાં પોતાનો કિંમતી અને ઉપયોગી ફાળો આપ્યો છે. પત્રકારત્ત્વ, કવિતા, નાટક, નવલકથા અને નવલિકા, નિબંધ, શોધખોળ, ધર્મ, વિજ્ઞાન, કલા બલકે જેટલા વિષયો ઉપર સાહિત્યપ્રેમીઓ નિદ્યા કરે તે સર્વેનો તેઓએ યથાયક્તિ અભ્યાસ કર્યો છે અને તેનાં ઉમદા ફળ ગુજરાતી સાહિત્યને ચરણે ધર્યાં છે”. કેવળ પારસી લેખકોને ચઢાવવા માટેજ શ્રી પંડ્યાએ ઉપરોક્ત વિચારો દર્શાવ્યા નથી, શ્રી. કૃષ્ણલાલ ઝવેરી અને “સાહિત્ય"ના સદગત્ તંત્રી શ્રી. મટુભાઇ કાંટાવાળા, શ્રી. પંડ્યાની જેમ પારસી સાહિત્યની તેજસ્વિતા જોઈ પારસી લેખકોને ઉત્સાહ આપતા આવ્યા છે. આપણે જોઈ ગયા કે ગુજરાતી સાક્ષરોએ પારસી સાહિત્ય પ્રત્યે જે વલણ લીધું છે તે યોગ્ય નથી. પારસીઓની ભાષા વિષે શ્રી પંડ્યા જણાવે છે કે "પારસી અને ગુજરાતી સાહિત્ય વચ્ચે આ પ્રકારનો વિરોધ થવાના કારણો તપાસીએ તો મુખ્ય કારણ બન્ને સાહિત્યમાં જે ભાષા વપરાય છે તે વચ્ચે રહેલો છે. શુદ્ધ ગુજરાતી ભાષા, જ્યારે ગુજરાતી અને સંસ્કૃત શબ્દો, વિભક્તિઓ અને પ્રત્યયો પ્રત્યે પક્ષપાત ધરાવે છે, ત્યારે પારસી ગુજરાતી સાહિત્યની ભાષા કંઇક ગુજરાતી, કંઈક ફારસી, કંઈક અંગ્રેજી, કંઈક સ્વકલ્પિત અને કંઈક વ્યાકરણના દોષથી ભરેલ, સંમિશ્રણ છે. આ શિષ્ટતા અને શુદ્ધિનો ભંગ ગુજરાતી સાહિત્યના અગ્રણીઓથી સહન થઈ શકતો નથી. તેઓ પારસી સાહિત્યકારો પાસેથી શુદ્ધ સંસ્કૃત જબાનમાં, અને તે ન બને તો સ્વચ્છ ગુજરાતી તળપદી ભાષામાં સમસ્ત લખાણ માંગવાનો હક્ક જાહેર કરે છે? કારણ તેમના મત પ્રમાણે ગુજરાતી સાહિત્ય એટલે ગુજરાતી સાહિત્ય. નહિ કે ફારસી, અંગ્રેજી એ સર્વે ભાષા મિશ્રિત ધડ નિયમ વિનાનું’ ગભરાવી દે તેવું સંમિશ્રણ ગુજરાતી. ગુજરાતી સાક્ષરોની ભાષા શુદ્ધિ માટેની આ ચિવ્વટ અતિશયોક્તિ ભરેલી છે તે સહેજ વિચાર કરનારને જણાશે. સાહિત્ય અને સાહિત્યમયતાનો સઘળો નિચોડ, ભાષા શુદ્ધિ ઉપર મૂકવામાં સાહિત્યની સાહિત્યમયતા અને ભાષાની ભાષાવૃત્તિનું મોટું અજ્ઞાન પ્રદર્શિત કરીએ છીએ. સાહિત્ય એટલે શું શુદ્ધ વ્યાકરણના નિયમોને બરાબર વળગી રહેલું લખાણ? ખોડખાપણ કે દોષ વિનાની લેખનકળા સિવાય, સાહિત્ય કદીપણ ન સંભવે ? અથવા તે સાહિત્યને ‘સાહિત્ય’ તરીકે ગણવા શુદ્ધ ભાષા શૈલી તે સિવાય બીજા કોઈ આવશ્યક અંગ કે અનિવાર્ય લાક્ષણિકતાની ઉપયોગીતા નથી? સાચી રીતે પુછીએ તો ભાષા એ સાહિત્ય નથી, કેવળ સાહિત્યને ઉચ્ચાર આપવાનું સાધન છે. સાહિત્ય એટલે ઉર્મિમય આત્માનો શબ્દો દ્વારા શબ્દ પોકાર? એ ઊર્મિ ભાંગી તુટી ભાષામાં પણ સાક્ષાત્કાર પામે. જેનો ધર્મ જુદો છે, આદર્શ જુદા છે, માનસિક બંધારણ જુદું છે. એવી એક કોમ આપણી ગુજરાતી ભાષા અંગિકાર કરે, તેમાં પોતાની સમસ્ત સાહિત્ય પ્રવૃતિ આાદરે, અને તે દ્વારા આપણા સાહિત્યનું સેવન કરે. પછી તે કોમ કે તેના સાહિત્યને આપણે ‘પરકીય કોમ, કે ‘પરકીય સાહિત્ય’ એવું જુદું નામ કે નિશાન આપણે આપી શકીએ ખરા? જે સ્નેહ અને બંધુત્વનું દર્શન ગુજરાતી ભાષાના ગ્રહણમાં અને તેના સેવનમાં પારસીઓ પ્રદર્શિત કરે છે તે ગુજરાત અને તેની ભાષાના પ્રત્યેક પ્રેમીના હૃદયમાં અપૂર્વ પ્રેમ અને આભાર તેમજ ધન્યતાની જ લાગણી ઉપસ્થિત કરી શકે. પારસી સાહિત્યને ‘સાહિત્ય’ તરીકે જુદું લેખવામાં, ગુજરાત અને સાહિત્યકારો ભાતૃભાવની ઉણપ દાખવે છે. પારસી સાહિત્ય, ગુજરાતી સાહિત્યથી જુદું નથી. તેને જુદું ગણનાર અને ઠરાવનાર, ગુજરાતી સાહિત્યનો સાચો હિતચિંતક નથી. પારસી સાહિત્ય ગુજરાતી સાહિત્ય છે. એકજ વેલના બે પુષ્પો જેવાં આ બન્ને સાહિત્યો ગુજરાતને શોભાવે છે, અને બન્નેથી સમાન રીતેજ ગુજરાત ધન્ય અને કૃતકૃત્ય છે. ગુજરાતી તથા પારસી સાહિત્યકારોને આત્યારે જે જાહેર વિનંતિ કરવાની છે, તે એ છે કે તે વર્ગોએ અરસપરસ ઉપેક્ષાભાવ છોડી દઈને, એકબીજા સાથે તથા એકબીજાના સાહિત્યો સાથે પરિચય વધારવા તથા તેને જેમ બને તેમ ગાઢ કરવા પ્રયત્નશીલ થવું". સાહિત્ય એ ભાષા નથી. લોર્ડ મોર્લી સાહિત્યનો અર્થ કરે છે કે, "Literature consists of all the books; and they are not so many, where moral truth and human passions are touched with a certain largeness, sanity and attraction of form" જે ગ્રંથોમાં નૈતિક સત્ય અને મનુષ્યના મનોભાવનું નિરૂપણ કંઈક ઉદારતાયુક્ત, ડહાપણયુક્ત અને આકર્ષક સ્વરૂ૫માં કર્યું હોય તે સાહિત્ય ગણાય છે. અંગ્રેજી સાક્ષર શ્રી. હડસનના જણાવવા પ્રમાણે "Literature is a vital record of what man have experienced of it, what they have thought and felt about those aspects of it which have the most immediate and enduring interest for all of us". માનવ જીવનના નિકટ તથા નિત્ય સંબંધમાં આવેલ બાબતો વિષે મનુષ્યોએ જે કંઈ અનુભવ્યું છે, વિચાર્યું છે, અને લાગણીઓ અનુભવી છે તે સર્વેની માર્મિક નોંધ તે સાહિત્ય. નૈતિક સત્ય અને માનવી મનોભાવનું નિરૂપણ સાહિત્ય ભરેલ સાહિત્ય જ જો સાહિત્ય ગણી શકાતું હોય, તો પ્રશ્ન ઉદ્ભવશે કે પારસી સાહિત્યમાં આ તત્વોનો અભાવ છે? સાતમી સાહિત્ય પરિષદના “સાહિત્ય વિભાગ"ના પ્રમુખસ્થાનેથી કવિશ્રી ખબરદારે જણાવ્યું હતું. “પારસીઓએ ગુજરાતી સાહિત્યની, પોતાની ગમે તેવી શક્તિએ પણ ઠીક ઠીક સેવા બજાવી છે. પહેલું વર્તમાનપત્ર, પહેલું ચોપાનીયું, પહેલો અંગ્રેજી-ગુજરાતી કોષ. પહેલું જ્ઞાનચક્ર, એ બધું પારસીઓને હાથે જ થએલું છે. પારસીઓએ જેમ રાજદ્વારી અને સાંસારિક ક્ષેત્રોમાં પોતાની આગેવાનીનો લાભ આખા દેશને આપ્યો છે, તેમ લોકમત કેળવવામાં પણ પારસી પત્રોની ચળવળે કંઈ કમી હિસ્સો આપ્યો નથી. વળી, થાકેલા મનને બે ઘડી ગમ્મત આપે એવું રમતીયાળ અને હસમુખું સાહિત્ય જેને અંગ્રેજીમાં Light Literature એટલે સુગમ સાહિત્ય કહેવામાં આવે છે, તે પણ એમને હાથે ઠીક પ્રમાણમાં બહાર પડ્યું છે. પારસી વર્તમાનપત્રોમાં પણ આજની ભાષા ત્રીસ વર્ષ ઉપરની ભાષા કરતાં ઘણી આગળ વધેલી અને શુદ્ધિ તરફ ઢળેલી વપરાય છે." જ્યારે પારસી લેખકોએ સાહિત્યમાં, ભાષામાં આટલો બધો વિકાસ સાધ્યો છે માટે તેઓના ઉપર ભાષા અશુદ્ધ લખવાનો જે આક્ષેપ મૂકવામાં આવે છે તે કુદરતી રીતે જ નિર્મૂળ થતો જાય છે. થોડાક નવજુવાન લેખકો અને સામાન્ય લેખકો જ હવે અશુદ્ધ ભાષા લખે છે: અને એ વર્ગ નાનો હોવાને લઇને સમગ્ર પારસી લેખકો દોષપાત્ર ઠરતા નથી. શ્રી. રણજીતલાલ પંડ્યાએ પારસી સાહિત્ય ઉપર પ્રવચન કર્યા પછી, અઠવાડિક “બે ઘડી મોજ"ના "સાહિત્યના સુર”ના લેખક શ્રી. કનૈયાએ ટીકા કરી હતી કે શ્રી, ખબરદાર અને બે ચાર પારસી સાહિત્યકારો સિવાય અન્ય શિષ્ટ સાહિત્યકારો પારસી કોમે આપ્યા નથી. આ આક્ષેપ પારસી લેખકોને માટે અપમાનજનક છે. શું પારસી કોમમાં ફક્ત બે ચાર શિષ્ટ સાહિત્યકારો જ ઉત્પન્ન થયા છે? આ દોષારોપણ તો આક્ષેપ કરનારાઓની પારસી સાહિત્ય વિષેની અજ્ઞાનતા સૂચવે છે. ભાષાની દ્રષ્ટિએ જોતાં ફક્ત સાહિત્યના અન્ય દ્રષ્ટિકોણે તપાસ કરવામાં આવે તે તરત જ દૃશ્યમાન થશે કે પારસી લેખકોએ સર્જેલું ગુજરાતી સાહિત્ય ઉત્કૃષ્ટ અને અમૂલ્ય છે. એક પારસી સાહિત્યકાર "Parsi Writers In Gujarati" નામક લેખમાં લખે છે : "Parsis have shown that they can write pure, forceful Gujarati, which but for the name, could not have been recognised as the work of a non-Hindu. They have, indeed, descended even to vulgarity, but that is the fault of the lower class of writers; no great Parsi writer has been guilty of that. But above all it is the political differences batween the two communities, that have kept the two streams of Parsi and of Hindu Gujarati literature separate. The communities have been living separate lives, have felt that their interests are separate; hence their literatures too have been separate. But Parsi novels, Parsi stories and Parsi essayss in Parsi magazines are very eagerly read in Hindu families; and I have been told by a writer and critic of high repute in Bombay that among the Hindu circle of readers Parsi writers like Kabaraji and Dadi Taraporwalla are more popular than even Govardhanram. The reason is not far to seek; the readers feels that the Parsi writer is talking direct to him and appealing direct to him, whereas Govardhanram and his school appeal only to the learned Sanskritist, and all pleasure of literature as literatur is last, if the reader has to stop every minute to unravel the meaning of each sentence." શ્રી. મસ્ત ફકીર પારસીઓને ધન્યવાદ આપીને એક સમયે કહ્યું હતું કે ગુજરાતી નવલ કથા સાહિત્યને વિકસાવનાર પારસી લેખકો જ છે, કવિશ્રી જહાંગીર માણેકજી દેસાઈ એમ. એ. કૃત “ચમકારા” વિષે અભિપ્રાય આપતાં દી. બ. કૃષ્ણલાલ ઝવેરી કહે છે "હિંદુ સંસ્કૃતિ અને હિંદુઓના તત્વજ્ઞાનમાં તમે સૌ એટલા બધા ઓતપ્રોત થઈ ગયા છો, કે તે સંબંધી અમારા અજ્ઞાનને લઈને અમારે નીચું જેવું પડે છે, કારણકે સંસ્કૃતિ અને તત્ત્વજ્ઞાન હિંદુઓના અને તેથી માહેર થઈ ગયેલા પારસીઓ”. પારસીઓ તત્ત્વજ્ઞાન જેવા ગુઢ વિષયો ઉપર સુંદર રીતે લખી શકે છે, પત્રકારીત્વમાં ખ્યાતિ મેળવે છે, અને નવલકથા તથા નિબંધ સાહિત્યમાં સારો ફાળો આપી શકે છે. તો પછી પારસી સાહિત્ય દોષયુક્ત છે, અશુદ્ધ છે એમ કેમ કહી શકાય ? સાહિત્યના કયા ક્ષેત્રમાં પારસીઓએ પ્રગતિ સાંધી નથી ? પારસી ગુજરાતી સાહિત્યનાં બધાં અંગોમાંથી ફક્ત ભાષા દોષો લઈને જ તેની ટીકા કરવામાં આવતી હોય, તો આજે સહર્ષ અને ભારપૂર્વક કહી શકાય કે પારસી કોમનો શિષ્ટ વર્ગ શુદ્ધ ગુજરાતી બોલે છે અને પોતાના પૂર્વજો કરતાં વધારે શુદ્ધ ભાષા લખે છે. ગુજરાતી સાહિત્ય આ બે વાડાઓમાં જ વહેંચાયલું રહે એમ ઈચ્છનારાઓએ ધ્યાનમાં લેવું જોઈએ કે સાહિત્ય તો ફનાગીરી છે, સાહિત્યને ન્યાત, દેશ નથી. સાહિત્યનો આત્મા સ્થળ, કાળ, દેશ, વર્ણ અને સમાજના બંધારણો અને બંધનોથી પર રહે છે. અન્ય સાહિત્ય જોડે સહચાર સાધે છે, સ્નેહભાવ રાખે છે. જેઓ એમ માને છે કે પારસી સાહિત્ય ફક્ત હાસ્યયુક્ત, ક્ષણિક ગમ્મત આપનારું’, શૌદ્ર રસયુક્ત, અને અસ્પૃશ્ય છે, તેઓએ ભૂલવું ન જોઈએ કે સાહિત્યનું મૂલ્યાંકન તેમાં રહેલ ઉત્કૃષ્ટ તત્ત્વો ઉપરથી જ નક્કી કરી શકાય. ઉપરોક્ત રીતે મૂલ્યાંકન કરનારને પારસીઓએ સર્જેલ ગુજરાતી સાહિત્યમાંથી આ ઉત્કૃષ્ટ તત્ત્વો મળી આવશે, અને પરીણામે તેઓમાં એ સાહિત્ય માટે આદર અને સદ્ભાવ જન્મશે. પારસીઓ ગુજરાતી છે, વર્ષોથી ગુજરાત જોડે તેઓને સંબંધ છે, ગુજરાતમાં જ તેઓ ગુજરાતી શીખ્યા છે અને પોતાના વિચારો ગુજરાતી ભાષા દ્વારા દર્શાવે છે, અને ગુજરાતી ભાષા દ્વારા સાહિત્યની સેવા કરે છે, છતાં શ્રી. કનૈયાલાલ મુન્શી જેવા સાક્ષરે પોતાના ગ્રંથ "Gujarat And Its Literature"માં પારસી સાહિત્યકારો પ્રત્યે આંગળી પણ ચીંધી નથી. ભાષા ભિન્ન હોય કે અશુદ્ધ હોય તોપણ પારસી સાહિત્ય પ્રત્યે જે ઉપેક્ષાવૃતિ દાખવવામાં આવી છે તે યોગ્ય નથી. જેમ પારસીઓના પૂર્વજો ભાષાજ્ઞાનથી વિમુખ હતા તેમ હિંદુઓના પૂર્વજો પણ ભાષા જ્ઞાનથી વિમુખ રહ્યા હતા. શ્રી. હૃષીકેશ દુર્ગેશ્વર ત્રિવેદી "સાહિત્ય" ઇ. સ. ૧૯૩૧ના અંકોમાં "જૂની ગુજરાતી" શીર્ષક હેઠળ લખેલા લેખોમાં આ વાત કબુલ કરે છે કે પારસીઓમાં જેટલી ભાષાની અજ્ઞાનતા હતી તેટલી જ હિંદુઓમાં પણ હતી. છેલ્લા ૧૦૦ વર્ષથી ગુજરાતી ભાષાનું ખેડાણ શરૂ થયું છે અને ઉત્તરોત્તર તે શુદ્ધ થતી ગઈ છે. વ્યાકરણ અને શબ્દોચ્ચારના નિયમો ઉપરથી આજના ગુજરાતી શબ્દોનું સ્વરૂપ બંધાયું છે. ગુજરાતી ભાષાના અપભ્રંશ શબ્દોને કાયમ ન રહેવા દેતાં, સંસ્કૃત ભાષાના ઘણા શબ્દોને ગુજરાતી ભાષામાં સ્થાન આપવામાં આવ્યું છે એ હકીકત ભુલાવી ન જોઈએ. મૂળ તો ગુજરાતીને પ્રાકૃત સાથે સંબંધ હતો. ગુજરાતી ભાષામાંથી સિરિમંત, સિંધ, કન્ના, વયણ, મણોરહ જેવા શબ્દો અદૃશ્ય થઈ ગયા છે અને તેને સ્થાને શ્રીમંત, સિંહ, કન્યા, વચન, મનોહર જેવા સંસ્કૃત શબ્દો બિરાજે છે અને ગુજરાતી સાક્ષરો તો સંસ્કૃતમય ગુજરાતીને જ ખરી ગુજરાતી ગણે છે. આ સંસ્કૃતમય ગુજરાતી સાહિત્ય લોકોપયોગી સાહિત્ય નથી, સાક્ષરો૫યોગી સાહિત્ય છે. જો આમ વર્ગને માટે સાહિત્યનું સર્જન કરવામાં આવતું હોય તો આવા કઠણ સંસ્કૃત શબ્દનો ઉપયોગ કરવામાં અર્થ શો? આજે પારસી પત્રો ઘણાં છે. ‘જામે જમશેદ”માં અને ‘મુંબઈ સમાચાર” તેમાં અગ્રસ્થાન ભોગવે છે, ૧૮૮૬માં ‘જામે જમશેદ’ જે ગુજરાતી ભાષા જોવામાં આવતી હતી તેના કરતાં આજે તેની ભાષા શુદ્ધતર છે, તેમાંયે, "મુંબઈ સમાચાર", "રથેસ્તાર અને રોઝનામે" અને “સાંજ વાર્તમાન” ની ભાષા ગુજરાતી વર્તમાનપત્રોમાં વપરાતી ભાષા જેટલી જ શુદ્ધ અને સંસ્કારી છે, જેમ પારસી વર્તમાનપત્રોની ભાષા શુદ્ધ અને સંસ્કારી બનતી ગઈ છે તેમ પારસી લેખકોની ભાષા પણ શુદ્ધ અને સંસ્કારી બનતી ગઈ છે. આજના શિષ્ટ પારસી લેખકોની ગુજરાતી ભાષા, કેટલાક હિંદુ લેખકોને પણ લજવે છે. પારસીઓને સંસ્કૃતમય ગુજરાતી કાકરાંની જેમ ખૂંચે છે અને એ કાંકરા ઉપર તે ચાલવાને ટેવાઈ પણ નથી. જે પારસી લેખકો શુદ્ધ અને સંસ્કારી ભાષામાં લખે છે તેને પારસી સમાજ ઓળખતો પણ નથી. શ્રી. ખબરદારની સાહિત્ય સેવાની કદર જેટલી હિંદુ સમાજે કરી છે તેટલી પારસી સમાજે કરી નથી. ઉલટું, પારસી સમાજ શ્રી. ખબરદાર અને તેમના ગ્રંથોથી અપરિચીત અને અજ્ઞાન જ રહ્યો છે. પારસી સમાજને સરળ, સાદી ભાષા પ્રિય છે અને નવલરામના અભિપ્રાય અનુસાર પારસી લેખકો લોકોપયોગી ભાષામાં લેખન કાર્ય કરે છે. આડંબરી અને સંસ્કૃતમય ભાષાથી પારસી ડરે છે. એ ભાષાના કેટલાંક ઉદાહરણો રસપ્રદ છે—: સંસ્કૃત ભાષાના અભ્યાસી સાક્ષર શ્રી. કેશવલાલ હર્ષદરાય ધ્રુવે સંસ્કૃત નાટક "પ્રતિજ્ઞા યૌગન્ધરાયણ"ને ‘પ્રધાનની પ્રતિજ્ઞા’ નામ આપીને ગુજરાતીમાં અનુવાદ કરેલો છે તેમાંનાં કેટલાંક કાવ્યો આ પ્રમાણે છે.

“એ વીર વજ્રવપુ, સિંહ સમાન શુરા,
સંપી, સજાત, રગિયા નરનાથ કેરા
ફૂટી ગયા, અરિકરે વંમાં ફસ્યા, કે
યુદ્ધે ખપી વિષમ સૌ સ્વર્ગે વસ્યા કે?”

“વત્સેશ જાય પકડ્યા ન જ એ,-મનાયે.
ના કોઇએ અચળ મંદર ઊચળાયે
એ વીરની અરિગણે રણકીર્તિ ગાજે.
યૌગન્ધરાયણતણી ત્યમ હાક વાજે”.

બીજું ઉદાહરણ:—

“આંધી યદા ચહુદિશે ચડતી અને એ
આકાશના અમર દીપ બુઝાવવાને,
ગાંડો મહાબ્ધિ જવ તાંડવ રુદ્ર ખેલે;
જ્યારે શશી, રવિ ગણો ગ્રહતારકોના
આકાશની કુહરમાં થઈ દીન છૂપે,
ને મત્ત એક જવ અબ્ધિ પ્રચંડ હાસે
ચિત્તે વિમુગ્ધ, શઢ પૂર્ણ ફૂલેલ તારી,
નૈયા તણા નિરખી હું રહું મૌન ધારી,
ને રેખ એની ક્ષિતિજે જઈ ઝંખવાતી
ત્યાં વન્દું ધન્ય તુજ શાશ્વત યૌવનશ્રી”.
("આરાધના" માનસુખલાલ ઝવેરી )

વધુ એક ઉદાહરણ:—

“આત્માની યજ્ઞવેદી, ઇન્ધણા ઉર્મિઓનાં
પ્રારબ્ધાગ્નિશિખાઓ, કાળવાયુ નિસાસા,
હૈયાની આહુતિ ને અશ્રુના આજ્ય મોંઘા;
આજે સંહારસન્ને નવજીવન તણી પામું દૌર્ભાગ્યદિ”.

“કોટિ સંવત્સરોની સતત ગતિ મુમુદ્રક્રાન્તિની
આખરે કો, સર્જાશે એક પૂર્ણ પુરૂષ પ્રવર;
તે જો કદી ભૂતકાળે
દ્રષ્ટિ વિન્ધતી ફેંકી, નિજ ઘડતરના ગ્રંથ ઉખેડી
જોશે, ને તેના શોણિતેથી, નયન જલ અને
સ્વેદથી સિક્ત ખેડો”.
(“આલબેલ” કરસન માણેક)

સાક્ષર શ્રી. નરસિંહરાવ ભોળાનાથનો દાખલો લઈએ:-

“દિવ્ય સંવેદનો હેવાં અરહંત વિના બીજાં,
ભોગવે ના કદી, તો શી પૃથગ્જનતણી દશા,
નિન્દે પ્રુથગ્જનો હેવા બાણ નિર્વાણભંગને;
તલકર્દમમાં ચહોટ્યા પામે શું ગિરિશૃંગને?”
(“તદ્ગુણ”)

એક હિંદુ ભાઈના ગુજરાતી ગદ્યની ભાષા આ રહી :— “યદ્યપિ, તત્વરી, આત્મનિષ્ટ, નિરપેક્ષ, નિર્વૃત, નિઃસ્પૃહ, નિત્યતૃપ્ત વાલ્મિકીએ મહાનુભાવ રામે સમર્પિત રાજ્યનો અંગિકાર ન કર્યો....” ઉપરોક્ત ઉદાહરણોમાં વપરાયેલા સંસ્કૃતમય અને કઠણ ભાષા પારસીઓ સમજી શકે એમ નથી. પારસી લેખકો સિવાય સામાન્ય પારસી હિંદુસાક્ષરોને ઓળખતા નથી. કેવળ રમણલાલ દેસાઈની સરળ ભાષાયુક્ત નવલકથાઓ પારસી સમાજમાં વંચાય છે. સાક્ષરો સિવાય અન્ય લેખકોએ લખેલી નવલકથાઓનો રસાસ્વાદ પારસીઓ લે છે. પરંતુ શ્રી. ગોવર્ધનરામના ‘સરસ્વતીચંદ્ર’ અને તેમાંયે વળી તેના છેલ્લા ભાગને તો પારસીઓએ સ્પર્શ પણ કર્યો નથી. દરેક લેખક સરળ ગુજરાતી લખવાની શક્તિ ધરાવે છે. પાંડિત્ય દર્શાવતી ભાષા વાપરનારા લેખકોની ભાષા તો જાણે તેમણે પોતામાં જ વાચન માટે લખી હોય એમ લાગે છે, પારસી લેખકો સરળ ભાષાને વળગી રહ્યા છે, નહિ કે આડંબરી અને સંસ્કૃત ભાષાને. આનો અર્થ એમ ન કરવો જોઈએ કે પારસી લેખકોનો બચાવ કરવા માટે આ દલીલ કરવામાં આવે છે. આપણે આગળ જોઈ ગયા તેમ પારસી લેખકો જોડાક્ષર, દંતસ્થાની અને મૂર્ધન્યમાં પોતાને સુગમ પડે એવી રીતે સુધારો કરવા ઈચ્છતા નથી, પરંતુ આ દોષો ઉપર પારસી લેખકો લક્ષ ન આપતા હોવાને લઈને તેઓની ભાષા અશુદ્ધ જ રહી છે. સામાન્ય પારસી લેખકોની ભાષા જોઈને, સમસ્ત શિષ્ટ પારસી લેખકો ઉપર ભાષાદોષનો જે આક્ષેપ કરવામાં આવે છે તે અક્ષમ્ય અને અન્યાયી છે. ખબરદારના ભાષણમાંથી એક અવતરણ ટાંકું છું. "શુદ્ધ ગુજરાતીના હિંદુ લેખકો જ્યાંસુધી અતિ સંસ્કૃતના ભેળવાળી ગુજરાતી ભાષા વાપરે ત્યાંસુધી પારસી લેખકોનો સહકાર તેમને પૂરેપુરો મળી શકે નહિ. હિંદુ વિદ્વાનોનું આકાશે ઉછળેલું ત્રાજવું પાછું કાંઇક નીચે ઉતરે, અને પારસી લેખકો જોડે ત્રાજવાંને મળવાનો ખરા દિલથી પ્રયત્ન કરે તો હું ધારું છું કે પારસીઓને અશુદ્ધ બોલીના પાસમાંથી છોડવી શુદ્ધ ગુજરાતી ભાષા જ સાહિત્ય લેખનમાં વાપરતા કરવાના સહાયકારી ઉપાયો યોજી શકાય તેમ છે. વર્તમાનપત્રોના અને માસિકોના પારસી તંત્રીઓ અને લેખકો ગુજરાતીમાં લખે તો ભાષા જ્ઞાન મેળવવું તેમને માટે કઠણ નથી. પારસી જો ચાહે તો ૧૦૦ વર્ષની ભૂલને દસ વર્ષમાં ધોઈ નાંખે, અને તેથી પારસી લેખકોને એક મોટો લાભ એ થશે કે તેમના પત્રો, માસિકો, પુસ્તક વાંચનાર વર્ગ હિંદુઓની મોટી વસ્તી જોતાં બહુ બહોળી રીતે મેળવી શકશે, અને શુદ્ધ ગુજરાતીની તથા તેના સુંદર સાહિત્યની ઉન્નતિ ઝપાટાભેર થશે.” શ્રી. ખબરદારની આ શિખામણ બન્ને કોમના સાહિત્યકારોને માટે મનનીય છે. શ્રી. ખબરદાર "પારસી ગુજરાતી”નો ત્યાગ કરાવવા માટે જે આગ્રહ કરે છે તેનો મૂળ હેતુ હિંદુ વાચકવર્ગ અને લેખકગણ તરફથી ઉત્તેજન મેળવવાનો છે; શ્રી. ખબરદારની આ દલીલ મારા જેવાને તો અયોગ્ય લાગે છે. પારસી સાહિત્યકારોમાં કેવળ શ્રી. ખબરદાર જ એવા સાહિત્યકાર છે કે જેને હિંદુ સમાજ સારી રીતે ઓળખે છે. શ્રી. જહાંગીર મા. દેશાઇ શુદ્ધ ગુજરાતીના ઉપાસક તથા ઉત્તમ પ્રકારના કવિ હોવા છતાં હિંદુઓ તરફથી તેમને ઉત્તેજન મળ્યું નથી. ઉલટું, એમને જે ઉત્તેજન મળ્યું છે તે તો પારસીઓ તરફથી જ મળ્યું છે. ગુજરાતી ભાષાના શિષ્ટ લેખક હોવા છતાં કરાંચીનિવાસી શ્રી. ફિરોઝશાહ રૂ. મહેતાને હિંદુ વર્ગ તરફથી ઉત્તેજન મળ્યું નથી. શુદ્ધ ગુજરાતી ભાષા વાપરવાથી પારસીઓને ઉત્તેજન મળશે એ દલીલને ઉપરોક્ત હકીકત સમર્થન આપતી નથી. પારસી ધારે તો ૧૦૦ વર્ષોની ભૂલને ૧૦ વર્ષમાં ધોઈ નાંખે? પારસી પત્રકારોએ, માસિકોએ અને ઘણા પારસી લેખકોએ એ ભૂલને તો સુધારી દીધી છે. આપણે પારસી વર્તમાનપત્રોમાંથી ઘણાં ઉદાહરણો જોયાં. એ ઉદાહરણો ઉપરથી ફલિત થાય છે કે પારસીઓની ૧૦૦ વર્ષ ઉપરની ભાષા અને આજની ભાષામાં ઉત્તરધ્રુવ અને દક્ષિણધ્રુવ જેટલું અંતર છે. "મુંબઇ સમાચાર", "સાંજ વર્તમાન’, કરાંચીનું “પારસી સંસાર અને લોકસેવક”, “રોઝનામે" અને "રથેસ્તાર” વગેરે પારસી પત્રોમાં આજે વપરાતી ગુજરાતી ભાષા શુદ્ધ છે. "ફુરસદ”, “ખોરશેદ પ્રકાશ" “વિલાસ” વગેરે પારસી માસિકોની ભાષા ક્યાં ખરાબ હતી? દુ:ખજનક વાત છે કે આ માસિકો આજે અસ્તિત્ત્વમાં નથી. પારસીઓની એક સભા (૧૦-૧-૨૬) સમક્ષ ભાષણ કરતાં શ્રી. ન્હાનાલાલ દલપતરામ કવિએ કહ્યું હતું “પારસી ગુજરાતી બોલી એ એક ઐતિહાસિક ભ્રમ છે". આગળ બોલતાં એમણે જણાવ્યું “૧૮૬૩માં પારસી ગુજરાતીનો : આક્ષેપ પહેલવહેલો દલપતરામે મૂક્યો. ગાયકવાડ સરકારના દરબારમાં ખંડેરાવ મહારાજાની સમક્ષ આજે એ આરોપના પુનઃ ઉચ્ચારણમાં નથી કોઈની Originality કે નથી લેશે શ્રમ શોધ; અને તે પછી તો પારસી ગુજરાતીની ચર્ચા ઘણી વેળા ચાલી. "ગુજરાતી" અને "રાસ્તગોફતાર"ની Political Creeds પરરપર વિરોધી ન હોત, કે હિંદ બ્રિટાનીયા જેવાં સત્યાન્વેષણના ઉભયપક્ષી ગ્રંથને રાજ્યદ્રોહી કહેવાની ભૂલ ન થઈ હોત, તેમજ અંગ્રેજી રાજગીતના કાબરાજીના Fairly Good ભાષાંતરના ગુણોને બદલે ઝીણી ખામીઓના ચાંદાં ન ખોળાયાં હોત અને “મ્હારી મજેહ"ના ભાષાપદનાં, છંદપદના, ચૂંથણાને બદલે ભીતરની રસ પરિક્ષા પ્રધાનપણે થઇ હોત; તો પારસી ગુજરાતીની ચર્ચામાં આટઆટલી કટુતા ન આવત. ઔદિચ્યો કે શ્રીમાળી બ્રાહ્મણ, શ્રીમાળી વાણિયા દશા કે વિશા શ્રીમાળીઓની, સકલ શ્રીમાળીઓ કરતાં —મહારાં પૂર્વજો કરતાં પારસીઓ ઓછા ગુજરાતી નથી. બન્નેય આઠમા અને બારમા સૈકાથી ગુજરાતીઓ છે. પારસીઓ તો નરસિંહ, મીરાં પહેલાંના ગુજરાતીઓ છે. પારસીઓ પાટણ પહેલાંના ગુજરાતીઓ છે અને તોપણ હજીયે ગુજરાતી ભાષા શું માત્ર હિંદુઓની જ છે? છતાં પારસી ગુજરાતીની એ ભૂલ જન્મી કય્હાંથી ? એમાં થોડોક છાપાઓના અધિપતિઓનો વાંક છે, ને થોડોક ચોકખલિયા હિંદુ સાક્ષરોનો વાંક છે. આપણા નવયુગના પ્રભાતે હિંદુ પારસી સાહિત્ય નોંખા ન હતાં. હિંદુ પારસીના સાહિત્ય ભેદને માટે એ અતિશુદ્ધિની અતિશયતા કેટલેક અંશે જવાબદાર છે. પારસી ગુજરાતી એ શબ્દ આથી Misnomer છે, ભ્રમભૂલ છે. હિંદમાં ૧૮૫૦થી પારસીઓનાં સાહસને પારસી તંત્રીઓ ગુજરાતી સાહિત્યમાં કેટલીએ ભાષા પેઠી? પારસી સંઘમાંના એ ઉત્તમ સાહિત્યકારો, મલબારીઓ, ખબરદારે એ ભાષા લખી નથી ? અને શું છાપાની યે ભાષા નથી સુધરી ? ૧૮૬૦માં “મુંબઈ સમાચાર’ની જે ભાષા હતી તેજ ૧૯૨૫માં છે? ન જ હોય. દલપત, નર્મદની ભાષા તે ગોવર્ધનરામની હતી ? ન જ હોય. દાદી તે મલબારી કરતાં ખબરદાર આગળ જ છે. યથાથક્તિ સહુ એ પગથીયાં ચ્હડતા જાય છે". કવિ શ્રી. ન્હાનાલાલના ભાષણનો મુખ્ય ધ્વનિ એ છે કે પારસીઓની ગુજરાતી ભાષા હવે શુદ્ધ થઈ છે. અને યથાશક્તિ સહુ એ દિશામાં પ્રગતિ સાધતા જાય છે. એ હકીકત સત્ય છે કે ૧૦૦ વર્ષ ઉપર પારસી ગુજરાતીનું જે સ્વરૂપ હતું તે સ્વરૂપ આજે વધારે સુંદર બન્યું છે, જૂના પારસી લેખકોના ગ્રંથો અને આધુનિક લેખકોના ગ્રંથોની તૂલના કરીએ તો માલમ પડશે કે પારસીઓની ભાષા હવે સંસ્કારી બનતી જાય છે. હજુ ભલે પારસી લેખકો તદ્દન શિષ્ટ ગુજરાતી લખી શકતા ન હોય પણ એ વાત તો સત્ય છે કે તેઓ હવે પહેલાં કરતાં વધારે શુદ્ધ ભાષા લખે છે. સાહિત્ય અને ભાષા વચ્ચે ગાઢો સંબંધ છે; એકમેકના ઉપર દરેકનો આધાર છે. મનના વિચારોને મૂર્ત સ્વરૂપ આપનાર સાધન ભાષા જ છે. હિંદુ મુસલમાન, પારસી અને ઇતર કોમો ગુજરાતમાં વસે છે, બધાયે ગુજરાતી છે. અને સર્વ ગુજરાતી ભાષાની સેવા કરવા ઉત્સુક છે, મુસલમાન ભાઈઓ પણ ગુજરાતી ભાષા લખે છે, પરંતુ પારસી ભાઈઓના જેવી ભાષા તેમની નથી. સારા મુસલમાન લેખકો ઘણી જ શુદ્ધ અને સંસ્કારી ભાષા લખે છે. એટલે ગુજરાતી સાહિત્યમાં અશુદ્ધ ભાષાનો ઉપયોગ કરવા માટે પારસીઓ દોષપાત્ર બન્યા છે. કવિ ન્હાનાલાલે કહ્યું છે તેમ આ આક્ષેપ કરનાર પ્રથમ તેમના પિતાશ્રી દલપતરામ હતા, અને ત્યારપછી એ વિષય ઉપર ચર્ચા થઈ. પરંતુ, ૬૦ વર્ષ ઉપર સાક્ષરશ્રી શો. મ. દેસાઇએ લબેલું પુસ્તક “તવારીખે નવસારી”ની ભાષા અને ત્યાર પછી તેમણે જ લખેલું “ખુદાનામા” અને અન્ય પુસ્તકોની ભાષાની તૂલના કરતાં ફલિત કરી થશે કે એ બન્ને પુસ્તકોની ભાષામાં આસમાન જમીનનો તફાવત છે. અર્થાત શ્રી. ન્હાનાલાલના કથન પ્રમાણે પારસી લેખકોની ભાષા ક્રમશ: સુધરતી જાય છે. પારસી લેખકો ટ, ઠ, ડ, ઢ, ણ અને ત, થ, દ, ધ, ન ના ઉચ્ચારમાં રહેલું અંતર સમજતા ન હોવાને લઈને તેઓ પોતાની ભાષામાં ભૂલો કરે છે અને કોઈક વખત અર્થનો અનર્થ થાય એવી ભાષા લખે છે. બીજા શબ્દોમાં કહીએ તો મુર્ધન્ય અંતે દંતસ્થાની વ્યંજનોને વાપરવામાં તેઓ ઓછી સમજશક્તિ ધરાવે છે. જૂના અને નવા પારસી લેખકો કેવી અને ક્યાં ભૂલો કરે છે તે જોવા જેવું છે, ઉદાહરણ તરીકે : પ્રદેશ (region) શબ્દ ગુજરાતી છે તેને ‘પરદેશ’ (foreign country) લખે છે. કર્મ(Action), કરમ (Destiny), ક્રમ (series) વગેરે શબ્દોની તેનો કચુંબર કરી નાખે છે. તેજ પ્રમાણે પાણિ=હાથ અને પાણી=જળ કોટિ= કરોડ અને કોટી= વર્ગ, વગેરે શબ્દોમાં પણ તેઓ દોષો કરે છે. જોડાક્ષરોમાં તેમના દોષો અક્ષમ્ય છે. થોડાક નમુના આ રહ્યા. વિદ્ધાનને બદલે વિદવાન કે વિદ્યવાન, આશ્ચર્યને બદલે આશચરિય, જ્ઞાનેશ્વરને બદલે જ્ઞાનેસ્વર, કલ્પનાને બદલે કલપના, ધ્વનિને બદલે ધવની, મચ્છરને બદલે મચછર, ઔષધને બદલે અઉષધ, જિંદગીને બદલે જિનદગી, જંતુરક્ષકને બદલે જનતુરકશક, હયાતીને બદલે હઇઆતી કે હેયાતી, માતૃશ્રીને બદલે માતરૂષી, બુદ્ધિને બદલે બુધ્ધી ઇત્યાદિ પ્રયોગો કરે છે. પ્રસિદ્ધ લેખકો આવી ભૂલો કરતા નથી; આવા દોષ કરનાર ગણ્યાગાંઠ્યા છે. શ્રી. ખબરદારના કથનાનુસાર આવા દોષોને માટે પારસી વર્તમાનપત્રો પણ જવાબદાર છે; કારણ કે લેખકો શુદ્ધ ભાષા લખે પરંતુ એ વર્તમાનપત્રો લેખકની ભાષાને વળગી રહેતા નથી. સાંજ વર્તમાન જેવાં અગ્રગણ્ય વર્તમાનપત્ર પાસે ‘જોડાક્ષરો’જ નથી. વળી એ પત્રોની પ્રુફ્સ proofs સુધાર્યા પછી પણ ઘણી ભૂલો રહી જાય છે. આ બાબતમાં લેખકો દોષપાત્ર નથી. સાક્ષર શ્રી. કૃષ્ણલાલ ઝવેરીએ પારસી ભાષા ઉપર કરેલ ટીકાથી “જામે જમશેદ” પત્રે રોષયુક્ત પ્રત્યુત્તર આપ્યો કે હિંદુ સાક્ષરો કહે છે તેમ જોડાક્ષરો વગેરે ગોઠવીને પત્ર છાપવાં જઈએ તો સાંજ સુધીમાં પત્ર છપાય પણ નહિ. પરંતુ આજે ‘જામે’એ જૂની ખરબચડી અને ફાટેલ કાંચળીને ફેંકી દીધી છે અને તેના અગ્રલેખો કુમાશવાળી, સુશોભિત, સંસ્કારયુક્ત કાંચળીથી શોભે છે. સર કાવસજી જહાંગીર હોલમાં તા. ૧૦મી નવેમ્બર ૧૯૩૧ના દિવસે શ્રી. ખબરદાર કનકોત્સવ પ્રસંગે કવિશ્રીએ ભાષણ આપતાં કહ્યું હતું કે સને ૧૯૦૧માં તેમની “કાવ્ય રસિકા" પ્રસિદ્ધ થઇ તે પ્રસંગે ‘જામે જમશેદ’ના “અઠવાડિક ઝાડાપીછી”ના લેખકે કટાક્ષ કર્યો હતો કે પ્રથમ તો પુસ્તકની પ્રસ્તાવના જ અગમ્ય છે. ગુજરાતી પારસી સાહિત્યકારો આ વાત ભાગ્યે જ જાણતા હશે કે “અઠવાડિક ઝાડાપાછી”ના લેખક સદ્ગત શ્રી. ખબરદારે જહાંગીરજી મર્ઝબાન પોતે જ હતા. લેખકનો ઉલ્લેખ કરતાં શ્રી. ખબરદારે ભાષણમાં કહ્યું કે ‘એ લખનાર તો અનેક મુસાફરી કરી છેવટની મુસાફરીએ ચાલી ગયા છે. એ પત્રના તંત્રીપદ પર મારા જુના મિત્ર ભાઇ પીજામ બેસીને હજી પારસી ગુજરાતીનો વાવટો ફરકાવ્યે જાય છે, પણ અણજાણ વખતના વહેવા સાથે જ પારસી ગુજરાતી પાંત્રીસ વર્ષ ઉપર લખાતી હતી તેમાં નહિ પણ ઘણો સુધારો પામેલી પારસી ગુજરાતીમાં તેઓ હાલ લખે છે. અને આ તેમના જૂના મિત્રને આપણી ગુજરાતી હિંદુ, મુસ્લિમ અને અન્ય ધર્મી કોમોના વિદ્ધાનો અને લેખકોએ તથા રસિક ગુજરાતીઓએ હમણાં જે સન્માન અને સ્નેહથી નવાજ્યા છે તેણે વાપરેલી અને લખેલી શુદ્ધ શિષ્ટ ગુજરાતીની પાસે જ તેમની ભાષા પણ ધીરે ધીરે આવતી જાય છે." "જામે”ની ભાષા શિષ્ટ અને સંસ્કારી થતી જાય છે એવા મારા મંતવ્યનો શું ખબરદારના ઉપરોક્ત શબ્દો સમર્થન આપતા નથી? પોતાને માન આપવા મળેલ એક સંમેલનમાં કવિશ્રી ખબરદારે "ગુજરાતી ભાષા અને પારસીઓ” ઉપર એક મનનીય પ્રવચન કર્યું હતું. કવિશ્રીએ કહ્યું, “પારસી ગુજરાતી તો ગુજરાતના નીચલા વર્ગોમાં બોલાતી અશુદ્ધ બોલીમાંથી ઉપજેલી છે. એમાં ખરી ગુજરાતી ભાષાની ખાનદાની નથી, શુદ્ધતા નથી, ઘરમાં ગમે તેવી અશુદ્ધ બોલાતી બોલીમાં સાહિત્યનો વ્યાપાર તો નહિ જ થાય. પારસીઓ કહેશે અમે તો સાદી ને સરળ ભાષા લખીએ છીએ. સરળતામાં અને સાદાઈમાં તો હું પણ તમારા વિચારને પૂરેપૂરો ટેકો દઉં છું. પરંતુ સરળતા એટલે ગ્રામ્યતા (Plang) નહિ. વળી ભાષા એટલે શબ્દ શુદ્ધિ, વ્યાકરણ, અન્વય, સંપૂર્ણ અર્થ વિસ્તાર ને સમગ્ર સચોટતાનો શિષ્ટ ઉદ્ગાર. તમારી પારસી ગુજરાતીને એ કસોટીમાંથી તમે પસાર કરાવી શકશો? પારસી ગુજરાતી એટલે ગમે તેવી જોડણી, ગમે તેવા અધુરા કે ખોટા અર્થમાં વપરાયેલા શબ્દો, ખોટું વ્યાકરણ, ખોટી રીતે મૂકાએલી અરૂઢ વાક્ય રચના (unidiometic) વગેરેના શંભુ મેળા જેવી બોલી, એને ભાષા તો ન જ કહેવાય. મારા પારસી લેખક બંધુઓ શુદ્ધ રૂઢ ગુજરાતી લખે તો કોઇને પણ વાંધો લેવા જેવું ન હોય, ને એ ભાષાની વિશિષ્ટતા individualityથી પારસી ગુજરાતીનું નામ પામે, પણ તે શુદ્ધ ભાષા છે. આજે જે પારસી ગુજરાતી બોલાય છે ને લખાય છે તે તો પારસીઓને નીચુ જોવાડનારી અશુદ્ધ અને ખીચડીઆ ગુજરાતી જ ગણી શકાય. આમ છતાં ઘહુંમાં કાંકરાની પેઠે પારસીઓમાંથી શુદ્ધ, શિષ્ટ ગુજરાતી લખનારા વખતો વખત થઇ ગયા છે. અને આજનો કેળવાએલો યુવાન પારસી વર્ગ દેખીતી રીતે શુદ્ધ ગુજરાતી લખવા પ્રેરાયો છે. પચ્ચીસ વર્ષ ઉપર આપણા લેખકો જેવી ગુજરાતી ભાષા લખતા તેથી વધારે સારી આજે લખે છે; એ તો ચોક્કસ અને કોઇ પણ પારસી માસિકની જૂની નવી ફાઈલો તપાસતાં એ તરત જણાઈ આવશે." શ્રી. ખબરદારનું ઉપરોક્ત વક્તવ્ય એટલું સ્પષ્ટ છે કે કોઈપણ જાતની ટીકાને અવકાશ રહેતો નથી. એમનું મંતવ્ય છે કે પચાસ વર્ષ ઉપરની પારસી લેખકોની ભાષા કરતાં આજની ભાષા ઘણી જ સુધરી ગઇ છે. એના સમર્થનમાં અનેક જીવંત દાખલાઓ મળી આવે છે. મુંબઇના ઊગતા લેખકો કરતાં સુરત અને નવસારીના ઊગતા લેખકોની ભાષા વધારે શિષ્ટ, શુદ્ધ છે. તે વિદ્વાનોને પણ મુગ્ધ કરે એવી છે. ગુજરાતની શાળાઓમાં ગુજરાતી ભાષાને ઊચ્ચ સ્થાન પ્રાપ્ત થવાનું સીધું અને સરળ પરિણામ એ આવ્યું કે પારસી ભાઇબ્હેનો ગુજરાતી ભાષાનો સર્વાંગી અભ્યાસ કરવાને ઉમંગી બન્યા અને ગુજરાતી ભાષાને ગૌરવાન્વિત બનાવવાના પ્રયાસમાં યુક્ત થયાં. પરંતુ કવિશ્રીએ જે સિદ્ધિ મેળવવાને માટે હાકલ કરી છે તે સિદ્ધિ-સરસ્વતીચંદ્ર જેવા મહાન ગ્રંથની લાલિત્યભરી પ્રૌઢ અને સંસ્કૃત ભાષા વાપરવાની પટુતા-ક્યારે પારસી લેખકો પ્રાપ્ત કરશે એ કહી શકાય એમ નથી. જો પારસી લેખકોની ભાષાને હિંદુ પ્રત્રકારોએ "પાશેરામાં પહેલી પૂણી" ગણી અપનાવી લીધી હોત અને છેલ્લા પચાસ વર્ષથી લખાતી ભાષાને કાંટાઓથી વીંધવાનો પ્રયાસ કર્યો ન હોત તો પારસીઓ પણ આજે હિંદુ મુસલમાન લેખકોના જેવી શુદ્ધ અને શિષ્ટ અને ભાષાના ઉપાસક બન્યા હોત! સાહિત્યના ક્ષેત્રમાં પારસીઓ આ દશામાં મૂકાવાનું કારણ એ પણ હોય કે આપણી પાસે જૂના તેમજ નવા અનેક શબ્દકોષો હોવા છતાં આપણાં સાક્ષરો મનસુઝી ભાષા વાપરે છે. એક લેખક એક પ્રકારની જોડણીની પદ્ધતિને અનુસરે છે તો બીજો નવીન જોડણીનો આશરો લે છે. આ પરિરિસ્થતિનું સીધું પરિણામ એ આવ્યું કે આપણી ભાષાએ અનેક શૈલીના વાડા ઊભા કર્યા : ધ્રુવ શૈલી, બ. ઠ. શૈલી, મુન્શી શૈલી, કાલેલકર શૈલી. ન્હાનાલાલની જોડણી અને વાક્યરચના તો વળી આકાશમાં વિહરતા કોઈ સ્વચ્છંદી પક્ષી જેવી છે. એમના ભાષણનો એક ટૂકડો આ પ્રકરણમાં ટાંકેલો છે તેની જોડણી જૂઓ અને શ્રી. ખબરદારની જોડણી જુઓ. એક કાળે શ્રી. લલ્લુભાઈ પટેલનો ‘ગુજરાતી કોષ’ જોડણી માટે આધારભૂત ગણાતો હતો. ત્યાર પછી શ્રી. રામનારાયણ પાઠક અને શ્રી. કાલેલકર વિરચિત "સંપૂર્ણ જોડણી કોષ"નો ઉપયોગ થવા લાગ્યો. આજે નવચેતન કાર્યાલયે બહાર પાડેલો ગુજરાત વિદ્યાપીઠનો સુધારેલો “ગુજરાતી શબ્દકોષ” બહાર આવ્યો છે, અને આજે તે આધારભૂત ગણાય છે. ગુજરાતના સાક્ષરો મનરૂચિ જોડણીનો આશરો લેતા હોઈ આવા શબ્દકોષોનું વિશ્રામસ્થાન અભરાઈ સિવાય બીજું કયું હોઈ શકે? ભાઈ શ્રી. દીનશાહ ન. પાવરી બી. એ. ગુજરાતી સાક્ષરોની શબ્દ જોડણીમાં રહેલી ભિન્નતા નીચે પ્રમાણે રજુ કરે છે:—

કીરતાર
જોડણી લેખકો
હિમ્મત -મહિપતરામ નીલકંઠ
હીંમત -રમણભાઇ નીલકંઠ
ગુન્હા -પ્રો, આનંદશંકર ધ્રુવ
ગુનાહ -રમણભાઈ નીલકંઠ
ગુનો -રમણલાલ દેસાઇ
-પ્રો. ધ્રુવ
કિર્તાર -હરગોવિનદાસ કાંટાવાળા
બ્હીકણ -ગોવર્ધનરામ ત્રિપાઠી
બીકણ -રમણભાઇ નીલકંઠ
મોટો -નંદશંકર મહેતા
મ્હોટો -ધ્રુવ અને ત્રિપાઠી
મોહોટો -કવિ ન્હાનાલાલ
મહોટો -રમણભાઇ નીલકંઠ
દ્યાનત -પ્રો. ધ્રુવ
દયાનત -કૃષ્ણલાલ ઝવેરી
દાનત -રમણભાઇ નીલકંઠ

આ પ્રકારની જોડણી પારસી લેખકોને વિચાર વમળમાં મૂકી દે છે. વળી સર્વ નામના વમળો તો ગુંગળાવી નાંખે છે. મારે, તારે, મારૂ, તારૂ ઇત્યાદિ. ‘મારે’ એટલે “મારવું" એમ અર્થ ઘટાવાય અને ‘તારે’નો અર્થ ‘ઉગારે’ પણ થઈ શકે. પરિણામે પારસી લેખકો “મ્હારે, ત્હારે, મ્હારૂ, ત્હારૂ” એ પ્રમાણે સર્વનામોના પ્રયોગો કરે છે. હિંદુ સાક્ષરોના સ્વચ્છંદી વિહારનું પારસી લેખકોએ અનુકરણ કરવું? પારસીઓ શુદ્ધ અને સરળ ભાષા માગે છે. અને એજ ઉત્તમ માર્ગ છે. સાદી અને સરળ ભાષાના ઉપાસક એક બે પારસી તંત્રી ભાઇઓ તો હિંદુઓની ભાષા કરતાં પારસી ગુજરાતી ભાષા મધુર છે એમ કહેતાં પણ અચકાયા નથી. એટલે પારસી લેખકોએ તો શુદ્ધ, સાદી અને સરળ ગુજરાતી ભાષાનો અર્થ તો એજ કરવો ઘટે કે જોડણીકોષ અને વ્યાકરણ દોષથી વિમૂક્ત સાદી સરળ ભાષા અને લખી વાંચી શકતા લોકોને સમજાય એવી ગુજરાતી તે સાદી, સરળ ભાષા. પરંતુ સાદી, સરળ ગુજરાતીમાં પણ પારસી લેખકો ભૂલ કરી દે છે. આ ભૂલ કેવી રીતે બને છે? ઉદાહરણ રજૂ કરાય એવો દોષ તો એ છે કે જો કોઈ લેખકે નવિન શબ્દનો પ્રયોગ કર્યો હોય અને વાચક તેને સમજી શક્યો ન હોય તો લેખકની ભાષા સમજાતી નથી એવી બુમો કાન પર પડવા લાગે. આ કારણને લઈને પારસી લેખકોએ શબ્દોનો ભંડોળ વધારવો રહ્યો. આપણે સંસ્કૃત શબ્દોના હિમાયતી નથી. સંસ્કૃત શબ્દોના ઉપયોગની વાત બાજૂએ મૂકીએ. પારસી લેખકોનો શબ્દ ભંડોળ એટલો બધો વિપુલ નથી કે તેના લેખકો પોતાના બધા વિચારો અને મનોભાવો સંપૂર્ણ રીતે ચીતરી શકે. માટે આ દિશામાં પ્રયત્ન કરવો આવશ્યક છે. પારસી સાહિત્યકારોમાં ખાસ કરીને નવલકથાકારોની ભાષામાં ઘણી ત્રુટિઓ અને દોષો નજરે પડે છે. આ લેખકો અંગ્રેજી ભાષાના જ શબ્દો વાપરે છે અને માની લે છે કે જાણે એ શબ્દો ગુજરાતી ભાષાના જ છે. એનું ખરું કારણ તો એ છે કે પારસી કાદંબરીકારોને અંગ્રેજી શબ્દોના ગુજરાતી શબ્દો મળતા નથી. સચોટ અને યોગ્ય ગુજરાતી શબ્દોના જ્ઞાનના અભાવે આ કાદંબરીકારો Romantic, shade, lonely, luxioriously જેવા શબ્દ પ્રયોગોથી ચાલાવી લે છે. આ કાદંબરીકારો ‘આંગળી’ ને બદલે ‘આંગરી,’ ‘કાળો’ ને બદલે ‘કારો’ ‘માળ’ ને બદલે ‘માર’ ‘પહેરવું’ ને બદલે પહેડવું’ ‘વાપરવું’ ને બદલે ‘વાપડવું’, ‘કાગળ’ ને બદલે ‘કાગજ’ ‘નિકળી’ ને બદલે ‘નિકરી’, ‘મિત્રો’ ને બદલે ‘મીતરો’, ‘ઉલટ’ ને બદલે ‘ઉલત’ વગેરે અશુદ્ધ અને અઘટિત શબ્દો વાપરે છે. આ ભાષાને, સાદી, સરળ અને સમજાય એવી ભાષા જરૂર કરી શકાય. . નવલકથા લેખિકાઓની વાક્યરચના પણ એવા જ દોષોથી ભરેલી છે. ‘તેણીએ તેને એવો ગભરાવી માર્યો કે તે ઘણો જ બ્હીધો’ ‘તેણે, તેણી સાથે એવો પ્રેમ કર્યો કે અનેક કીસીસથી તેને ભરી દીધો’ આવા દોષો પારસી લેખિકાઓની અનેક નવલકથાઓમાં રસ્તામાં પડેલ ચીથરાંની પેઠે સહેલાઇથી મળી આવે. જે લેખિકાઓ સાદી, સરળ ગુજરાતી ભાષામાં લખવા ઈચ્છતી હોય તેણે વાક્યરચના, હૃસ્વ, દીર્ઘ સ્વરો અને વ્યંજનો, તાળુસ્થાની, દંતસ્થાની અને દિર્ઘસ્થાની વ્યંજનો ઉપર પુરતું લક્ષ આપવું રહ્યું. અંગ્રેજી નિબંધકાર બાર્થના નિબંધો કરતાં "સ્પેક્ટેટર"ના નિબંધો તેની સચોટ અને સરળ અંગ્રેજી ભાષાને લઈને લોકપ્રિય બન્યા હતા. અમેરિકાથી પ્રસિદ્ધ થતાં "True Story અને True Romances" વગેરેની ભાષા કેટલી સાદી, સરળ અને હળવી છે ? આ ઉદાહરણો તો સાદી, સરળ અને હળવી ભાષાના પ્રયોગને માટે જ શરૂ કર્યાં છે, જોકે અંગ્રેજી ભાષા તો એક જ છે. સ્કોટલેંડ, આયર્લેંડ, અને વેલ્સ વગેરે જુદા જુદા પ્રદેશોમાં વપરાતી ભાષામાં ઘણી ભિન્નતા માલમ પડે છે, પરંતુ સમગ્ર આંગ્લભૂમિના ‘અંગ્રેજી સાહિત્ય’માં એક જ ભાષા વપરાય છે. ભલે પારસીઓ ઘરમાં ઘરગથ્થુ ગુજરાતી બોલે, પરંતુ સાહિત્ય તો એક જ શુદ્ધ અને શિષ્ટ ભાષા દરેક પાસેથી માગે છે, પારસી કોમ જેવી શિષ્ટ અને સંસ્કારી કોમ અસંસ્કારી ભાષાનો પ્રયોગ કર્યા કરે એ ચલાવી લઈ શકાય નહિ. હ્રસ્વ ‘ઇ’ અને દીર્ઘ ‘ઈ’, અને હ્રસ્વ ‘ઉ’ અને દીર્ઘ ‘ઊ’, હ્રસ્વ ‘ુ’ અને દીર્ઘઉ ‘ૂ’ હ્રસ્વઇ ‘િ’ અને દીર્ઘઇ ’ી’ વચ્ચેના તફાવતો અને ઉપયોગનું સંપૂર્ણ જ્ઞાન પારસી લેખકોએ મેળવવા પ્રયત્ન કરવો જોઈએ. આવી ભૂલો લોકમાન્ય અને સિદ્ધહસ્ત લેખકો કરે છે એમ માનવું ભૂલ ભરેલું છે. પારસી ગુજરાતીના ૧૦૦ વર્ષના ડાઘને છેલ્લા દશ વર્ષમાં થએલા તેમજ તે પહેલાં થએલા પારસી લેખકોએ ભૂંસી નાંખ્યો છે. આ લેખકોમાં મુખ્ય તો સદ્ગત સર જીવણજી મોદી, ફરેદુન દાદાચાનજી, પાલનજી બરજોરજી દેસાઈ, શો. મ. દેસાઇ, માણેકજી એદલજી વાચ્છા, પી. ઇ. પોલીસવાળા, સોહરાબ પાલમકોટ, દાદી તારાપોરવાળા, મલબારી, કેકી ભાયા વગેરે છે. એ લેખકોએ ભાષાને શુદ્ધ અને સંસ્કારમયી બનાવવામાં ભગીરથ પ્રયત્ન કર્યો છે. આધુનિક લેખકોમાં શુદ્ધ, સંસ્કારમય ભાષાલેખકો ઘણાયે છે. કરાંચીવાળા શ્રી. ફિરોઝશાહ રૂસ્તમજી મહેતા અને નરીમાન ગોળવાળા, દસ્તુર ધાલા, જહાંગીર દેસાઇ, જમશેદ મહેતા, દીનશાહ પાવરી, નાનાભાઇ મામા, બહેરામ ભરૂચા, ડોસાભાઈ ગોળવાળા, એરચ તરાપોરવાળા માણેકશાહ મિસ્ત્રી, જહાંબક્ષ વાચ્છા, મંચેરશાહ ભમગરા, ડૉ. સંતોક, શ્રીમતિ ભીખાઇજી, લીમજી પાલમકોટ મહેરબાનુ ભોટ (એમ. માર. બી.), શ્રીમતિ પેરીન મીરઝા (‘ઝરીન’, ‘પરવીઝ’, ‘રોશન’) ધનમાય સુબેદાર, જરબાનુ કોઠાવાળા, મહેરબાનું એડનવાળા, શ્રીમતિ મહેલ ફરેદુન વગેરે લેખકો અને લેખિકાઓ, શુદ્ધ, શિષ્ટ અને સંસ્કારય ગુજરાતી ભાષા લખે છે. આધુનિક ઊગતા તારલાઓમાંના ઘણાએ ભવિષ્યમાં શુદ્ધ, શિષ્ટ ભાષા લખશે એવી ખાત્રી આપે છે. આ છતાં હિંદુઓની દૃષ્ટિ શ્રી. ખબરદારથી આગળ જતી નથી. ભાઈશ્રી જહાંગીર માણેકજી દેશાઇના ‘ચમકારા’ નામક કાવ્યગ્રંથની પ્રસ્તાવનામાં સદ્ગત આનશંકર ધ્રુવ ટીકા કરે કે, ‘પારસી ગુજરાતીની અશુદ્ધિઓ અને શૈલીમાં અંગ્રેજીમાંથી થતા વિચિત્ર અનુવાદ જોઈ ઘણા હિંદુઓ હસે છે, અને કેટલાક તો ઘડી રમુજ મેળવવા જ પારસીઓનાં ગુજરાતી લખાણો વાંચે” છે. સદ્ગત શ્રી. ધ્રુવ પારસી લેખકોથી અજ્ઞાત દીસે છે. એઓશ્રી સ્વર્ગવાસી થયા છે. અને ભલે પારસી ભાષાને હસી ગયા હોય, આ ટીકા ઉપર વિવાદ આવશ્યક છે. પરંતુ “પારસીઓના ગુજરાતી લખાણો” એ પ્રયોગ તો અવશ્ય ખૂંચે જ છે. એમની ટીકા સમગ્ર લેખકોને આવરે છે કે છોકરવાદી, શાળા, કૉલેજમાંથી ઉત્તિર્ણ થઇ કલમબાજ થઇ પડેલા વિદ્યાર્થીઓને આવરે છે એ કલ્પવું મુશ્કેલ નથી. અહિં જે જે ભાઈ બહેનોનાં નામો ટાંક્યાં છે, તેમાંથી અશુદ્ધ ભાષા લખનારાઓ અને અંગ્રેજી ઉપરથી ખોટા અનુવાદો કરનારાઓને કોણ પકડી આપશે? જે જે નામો લખ્યાં છે તેમાં તો ઘણા વિદ્ધાનો છે, એટલું જ નહિ પણ ૫૦થી ૧૦૦ ગ્રંથોના લેખકો છે. હશે-આવા પ્રહારો પારસી લેખકોએ અવગણવા જ રહ્યા. ઇ.સ. ૧૯૨૬ની આઠમી ગુજરાતી સાહિત્ય પરિષદ્ના પ્રમુખ સદ્ગત સર રમણભાઇ નીલંકઠે એક પ્રેરક ભાષણમાં કહ્યું હતું, "ગુજરાતી ભાષા બોલનારી વિવિધ કોમો ગુજરાતી સાહિત્યની ઉન્નતિના કાર્યોમાં સામેલ થવા ઇંતેજાર છે. એ સંતોષજનક છે. જૈન, પારસી, મુસલમાન, સર્વ કોમો સાહિત્ય સેવામાં પોતાનું સાહિત્ય રજૂ કરે છે. અને એ સર્વેના સંમેલનથી ગુજરાતના વિસ્તાર તથા મહત્વનું દર્શન થાય છે. આ બાબતમાં એક સાવચેતી ધ્યાનમાં લેવાની છે અને તે એ છે કે, જુદી જુદી કોમો વચ્ચેનો મતભેદ આગળ કરવો ન જોઈએ, પણ સર્વ એક ભાષા બોલનાર છે એ કારણથી ઉપજતું ઐકચ આગળ કરવું જોઈએ.” સદ્ગત શ્રી. રમણભાઈ નીલકંઠના આવા મમતાળુ શબ્દો માટે સર્વ કોઇએ આભાર માનવો જોઈએ. એમની જેમ અન્ય સાક્ષરો દરેક કોમની ભાષાઓમાં રહેલા ભેદોને ભૂલી જઈ ટીકા ન કરે તો અવશ્ય તેમના જ તરફથી મળેલા પ્રેરણા વડે ભાવિ પારસી લેખકો ગુજરાતના ભવિષ્યના ઘડતરમાં અનન્ય અને ઉત્કૃષ્ટ ફાળો આપવાને અવશ્ય શક્તિમાન બનશે. ન્યાય દૃષ્ટિવાળા કોઈપણ માણસ કહેશે કે આજથી ૫૦ કે ૧૦૦ વર્ષ ઉપર જે પારસી ગુજરાતી ભાષા હતી તે આજે છે કે કેમ? જૂની ભાષા જૂઓ અને આજની ભાષા જૂઓ અને કહો કે વર્તમાન ગુજરાતી ભાષાનો આજના શિષ્ટપારસી લેખકોએ અંગિકાર કર્યો છે કે નહિ? ગુજરાતના ઘણાં ખરા લેખકોએ રૂચિ અને રૂઢિને આધીન રહી ભાષા પ્રયોગ કર્યા છે. આ આ બાબતમાં વાચકગણની રૂચિ અને સમજ શક્તિનો વિચાર કરવો ઘટે છે. એક સાક્ષર સંસ્કૃતમય લેખ લખે અને તેના અનુયાયીઓ તેની સ્તુતિ કરે એમાં શી મઝા રહેલી છે? નવલરામે કહ્યું છે તેમ એક સાક્ષરની ભાષા સામાન્ય વાચક વર્ગ ન સમજે તો પછી તેના લેખની શી કિંમત? પાંડિત્યના પ્રદર્શન માટે નહિ; પરંતુ શિક્ષણના સાધન તરીકે લેખોને સ્થાન મળવું જોઇએ, ભાષાનો ખરો અર્થ તો એ હોઈ શકે કે મનુષ્યની મનોવૃત્તિ અને હૃદયવૃત્તિનો ઉદ્ગાર, અર્થાત મનમાં ઉત્પન્ન થએલ વિચાર અંતઃકરણમાં ક્ષોભ થતાં સર્જાએલ જે તરંગ તે રૂપ આપવું તે શિષ્ટ ભાષામાં પણ સરળતા આવશ્યક છે. કેટલાક હિંદુ લેખકોએ ચર્ચામાં કહ્યું કે કેવળ ગુજરાતી શબ્દનો પ્રયોગ કરવાથી ભાષાની પ્રૌઢતા, ઉચ્ચતા કે શિષ્ટતા આવી શકતી નથી. એ હકીત સ્વીકારવા જેવી છે કે સંસ્કૃત શબ્દોથી ભાષામાં ગાંભિર્ય આવે છે. પરંતુ જ્યાં સુધી વજનદાર અને રૂઢ ગુજરાતી શબ્દો મળી આવે ત્યાં સુધી કઠણ સંસ્કૃત વાપરવાની લાલચથી દૂર રહેવું એ આવશ્યક છે. સંસ્કૃત શબ્દો વિના ભાષામાં ગાંભિર્ય અને પ્રૌઢતા ન આવી શકે અને વિચારોને ઓપ ન આપી શકાય એ દલીલ સ્વીકારીએ તો શું પ્રશ્ન ન ઉદ્ભવે કે, મીરાંબાઈએ સરળ ભાષામાં તત્વજ્ઞાન નથી લખ્યું? નરસિંહ મહેતાના કાવ્યો શું છીછરાં છે? શામળભટ્ટ, નરભેરામ, અખો, દયારામ, પ્રિતમદાસનો સમૂહ લો, અને તેમના પછી નર્મદાશંકર, દલપતરામ વગેરેનો સમૂહ લો. તેમના ઉપર થયેલી ટીકા પછી કોઈ એમ માની લેવાને તૈયાર છે કે તેમણે રચેલું સાહિત્ય મૃતઃપ્રાય દશામાં જઇ પડ્યું છે. ગુજરાતમાં નરસિંહરાવ, બળવંતરાય કે ધ્રુવ જેવા લેખકોની દુર્ગમ્ય ભાષાની જરૂર નથી. એક નમુનો આ રહ્યો :- “પછી ત્રણવાર વિરામ લઇને પાછા બોલ્યા : હે રાજા! પાપરહિત થઈને સ્થૂળ દેહ અને મનની શુદ્ધિ કરવા ઈચ્છનાર પુરુષે ચાર અથવા છ ઘડી રાત્રિ રહે તે વેળા પ્રતિદિન ઊઠવું; ને બીજી કોઈ વાતમાં ચિત જવા ન દેતાં માત્ર પરમ મંગળરૂપ એવા જગન્નિયતા પ્રભુનું પ્રેમથી સ્મરણ કરવું જોઇએ. પછી શુભ વસ્તુઓનું અવલોકન કરી બન્ને કરજોડી ભૂદેવીને વંદન કરી શૌચ સ્નાન કરી, વસ્ત્ર ધારણ કરી, દર્ભાસન કે કૃષ્ણાજીન કે ઊનના વસ્ત્ર ઉપર એકાંત અને પવિત્ર ભૂમિમાં શાંત ચિત્તે પૂર્વાભિમુખે પલાંઠી મારી બેસવું." "નીચે અચ્યુત માર્ગ ઉપર થતી સર્વ ક્રિયા અદ્ભૂત વિમાનમાં રહેલા પૂણ્યજનો ઈત્યંભૂત જોઈ રહ્યાં હતાં. પૂણ્યજનો પોતપોતાનાં સંધ્યોપાસનાદિક નિત્યકર્મને લઈને પ્રવૃત્ત થઈ ગયા અને પથિકાશ્રમને વિષે એકાગ્રતાથી જોવા લાગ્યા.

(વૈદ્યશાસ્ત્રી મણિશંકરકૃત "મૂક્તા")

ત્યારે પારસી લેખકોએ કયા હિંદુ વિદ્વાનોનું ગુજરાતી વ્યવહારમાં મૂકવું જોઇએ? સદ્ગત ગોવર્ધનરામ ત્રિપાઠીથી માંડી શ્રી. મુન્શી સુધીનાં સાહિત્યકારોમાંના ઘણાયેની ભાષા સંસ્કૃતમય છે. પારસી લેખકો અર્વાચીન લેખકોની શૈલી પકડે તે આજના સંસ્કારી યુગમાં તેની ઠેકડી તો જરૂર જ થાય. અર્વાચીન લેખકોમાં કાળ જોઇએ તો નરસિંહ મહેતાથી મંડી નર્મદાશંકરની શૈલી પારસીઓએ ગ્રહણ કરવા જેવી ખરી. નરસિંહ, મીરાં, અખો, ભોજો આદિની કવિતાઓમાં તત્વજ્ઞાન રહેલ છતાં ભાષા સુંદર છે. ભક્ત અખાની ભાષા એકંદરે ખરબચડી અને સમજાય એવી છે છતાં "ચિત્ત-વિચાર સંવાદ”ની ભાષા પારસીઓને સમજવી કઠણ થઇ પડે. સૌથી સુગમ્ય ભાષા જો કવિ પ્રેમાનન્દથી ગણીએ તો ઠીક. "સુદામા ચરિત્ર” અને “કુંવરબાઈનું મામેરું” એ કાવ્યો કેટલાં સરળ છે? પરંતુ "રોષદર્શિકા સત્યભામાખ્યાન”ની ભાષા પારસીએને દુર્ગમ્ય થઇ પડે. આજનો પારસી લેખકગણ કવિ નર્મદાશંકરનું અનુકરણ કરે તો ઠીક થઈ પડે. કવિનું “નર્મગદ્ય” જેવા અનેક પુસ્તકો પારસી લેખકો હોંશથી વાંચી શકે એમ છે. દલપતશૈલી પણ પારસીઓને માટે અનુકરણીય છે. એથીય સરળભાષા તો મહાત્મા ગાંધીજીએ વાપરી છે. ‘નવજીવન’ના એમનાં લેખો અને “આત્મકથા”માંની ભાષા સાદી, સરળ ભાષાના ઉત્તમ નમુના છે. ગુજરાતી ભાષા એ આપણી ગરવી ભાષા છે, અને તે એવી સરળ હોવી જોઈએ કે તેની સરળતામાં પણ શૃંગારરસ, અલંકાર વગેરે શોભી ઊઠે. જો પારસી ભાઈબહેનો અશુદ્ધ ભાષા ન લખતાં સરળ, સાદી ભાષા લખે તો શું ગુજરાતી ભાષાનું ગૌરવ ન સચવાઈ રહે? સરળ ભાષાના ઉપાસક સદ્ગત શ્રી. નારાયણ હેમચંદ્ર કહે છે, “જ્યાં સમાન અર્થવાચક ગુજરાતી શબ્દો પણ નિપૂણ લખનાર સમજી અને યોજી શકે ત્યાં વિના કારણ પોતાનું પાંડિત્ય પ્રગટ કરવાને મોટા મોટા ડોળદાર શબ્દો લખવા ઠીક નથી. સાધારણ વાચક વર્ગને તો એથી જ તે ભાષા અણગમતી થઈ પડે છે.” વળી સદ્ગત શ્રી. રતનરામ ઉત્તમરામ ભટ્ટ ‘સાહિત્ય વિલાસ’માં કહે છે, “આજકાલ સાધારણ રીતે લોકોનું વલણ સંસ્કૃતમય અને અઘરી ભાષા તરફ વધારે જોવામાં આવે છે.... પણ ગુજરાતી ભાષાને પગથી માથા સુધી સંસ્કૃતનાં જ વસ્ત્રો પહેરાવવાં એ યોગ્ય લાગે છે. આમ કરવાથી અર્થગૌરવ વધવાને બદલે ઘટે છે અને એવો ભ્રમ થાય છે કે, શુદ્ધ ગુજરાતીમાં લેખો લખવા માટે જોઈતા શબ્દોની ખોટ છે. ભાષા સામાન્ય બુદ્ધિના માણસોથી સમજી શકાય એવી સાદી અને સરળ, અને જેને માટે આપણે લખીએ છીએ તે આપણી ભાષા સમજી શકે એની કાળજી રાખવી જોઈએ.” હિંદુ મિત્રોએ જાણ્યે અજાણ્યે પારસી લેખકોની ભાષા ઉપર હુમલો કર્યો છે. સદ્ગત દલપતરામે શરૂઆત કરી હતી; અને ત્યાર પછી એ વિષે અનેક ચર્ચાઓ ચાલી. આ પ્રકરણમાં જૂની પારસી અને આધુનિક પારસી ગુજરાતી વિષે ઉલ્લેખ થઈ ગયો છે. પરંતુ પારસી કોમના ઇષ્ટ મિત્ર ગણાતા મહાત્મા ગાંધીજીએ જ્યારે પારસી સાહિત્યને હાડમાંસ ધ્રુજાવનારી નવલકથામાં જ અપનાવાની હાંકલ કરી ત્યારે તો કોઇપણ પારસી લેખક યા લેખિકાને ખેદ થયા વિના ન રહ્યો હોય. મહાત્મા ગાંધીજીએ કયા કયા પારસી લેખકોના પુસ્તકો વાંચ્યા છે? પારસી સાહિત્ય પારસી નવલકથાઓ આગળ અટકતું છે એવો મહાત્મા ગાંધીજીનો અભિપ્રાય સત્ય હોય તો તેઓએ પારસી સાહિત્યનો ઊંડો અભ્યાસ કર્યો નથી. શું પારસી સાહિત્ય હાડમાંસ ધ્રુજાવતી નવલકથાઓમાં જ રહેલું છે? ડૉ. ધાલાના પુસ્તકોનો તેમણે કેટલો અભ્યાસ કર્યો છે? જી. કે નરીમાનના કેટલાં કેટલાં પુસ્તકોનું વાંચન એમણે કર્યું છે? શો. મ. દેસાઇના પુસ્તકો એમણે કેટલાં વાંચ્યા છે? પાલનજી દેસાઈ, મનસુખ અને બંગાળીના પુસ્તકો શું ચીંથરા સમાન છે? અસંખ્ય પારસી લેખકોએ ઉચ્ચ વિચારયુક્ત પુસ્તકો લખ્યાં છે. આ બધાંને મહાત્મા ગાંધીજી હાડમાંસ ધ્રુજાવનારા અને શ્રી. ધ્રુવ “હાસ્ય પુરતા” ભલે માને. આ બન્ને વિદ્વાનોએ કેટલા પારસીઓના લેખો વાંચ્યા છે? રખે એમનો અભ્યાસ ઉપર ટપકેનો હોય? પંડિત ચતુરસેન કહે છે, “જો કોઇપણ ભાષાના સાહિત્યમાં માનવ હૃદયની વિરતા, દયા, સહાનુભુતિ અને કરૂણાના ભાવોને ઉત્તેજિત કરતા વિષયો ઉપર લખાયેલા ગ્રંથો નહિ હોય, તો તે ભાષાનું સાહિત્ય તે ભાષા ભાવી જનતાની જાતિયતાનો એક ભયાનક અને ગુપ્ત શસ્ત્રની પેઠે સર્વ નાશ કરી દેશે.” તો શું પ્રશ્નો ઉદ્ભવી ન શકે કે પારસી પારસી ગુજરાતી સાહિત્યમાં ‘હાડમાંસ’ અને હાસ્ય જ છે? શું તેમાં દયા, સહાનુભુતિ, વિરતા નથી? તેમાં પ્રેરક બળો નથી? હૃદયને વિર, સાહસી, ત્યાગી પરોપકારી બનાવે એવું ઉચ્ચ ઉર્મિઓ યુક્ત પારસી સાહિત્ય નથી? “શાહનામુ” ફીરદુસીએ લખેલ; પણ ગુજરાતી અનુવાદ તો પારસી લેખકોએ કર્યો છે. શું “શાહનામા”માં વિરતા નથી? પોતાના વિરરસ યુક્ત ઈતિહાસને લઈને જ પારસી સમાજની રગેરગમાં ઈરાની રક્ત વહે છે. વીરતા જીવન રૂપી ફેફેસાંનું મુખ્ય હાડકું છે, હૃદયનું રક્ષક છે. પારસીઓનું સાહિત્ય વીરતા યુક્ત અને વીરતા પ્રેરક છે જ. ધર્મ પુસ્તકો જુઓ. એ ધર્મ પુસ્તકો પારસીઓના પ્રાણ છે અને એ ધર્મ પુસ્તકોના આધારને લઈને જ પારસીઓ જીવી રહેલા છે. તત્વજ્ઞાનનું સાહિત્ય પણ તેટલા જ ઉમંગથી અને દૃઢતાથી આગે કદમ ભરે છે. સાહિત્યની દરેક દિશાઓમાં પારસીઓએ પ્રવાસ કરી સુગંધીદાર પુષ્પો વીણી સાહિત્યને ચરણે મુક્યા છે. જેઓ વિશાળ હૃદય અને ઉદાર દૃષ્ટિવાળા છે તેઓ જ તેનું દર્શન કરી શકે છે. પોતાના કનકોત્સવ પ્રસંગે કરેલ ભાષણમાં કવિ શ્રી. ખબરદારે ઉદારભાવે સ્વીકાર્યું હતું, કે આપણા પૂર્વજોએ ગુજરાતી ભાષામાં જ a દેશમાં છાપખાના સ્થાપી પછી સાહિત્ય લખવા માંડ્યું, અને આપણા પારસીઓએ ગુજરાતી સાહિત્યની તેમની જેવી તેવી ભાષાથી પણ ઘણી સારી સેવા બજાવી છે, તે કોઈ હિંદુ સુજ્ઞ સજ્જન ના પાડતો નથી. પારસી લેખકોનું સાહિત્ય સર્જન જ્યારે પૂર્વ કરતાં સુન્દર બન્યું છે ત્યારે હજીયે પારસીઓને અશુદ્ધ ભાષા લખવાનો દોષ આપવો યોગ્ય નથી. જેમ રમણભાઈ નીલકંઠે હાકલ કરેલી તેમ ભિન્ન ભિન્ન કોમો વચ્ચેના મતભેદ આગળ ન ધરતાં સર્વ એકજ ગુજરાતી ભાષા બોલનાર, લખનાર છે એ કારણથી ઉત્પન્ન થતું ઐક્ય આગળ કરવું જોઈએ. ગુજરાત વિદ્યાપીઠનો શબ્દકોષ સૌથી સુધારેલો કોષ ગણાય છે. શ્રી.ગાંધીજીએ એના માટે અભિપ્રાય આપ્યો છે કે “હવે કોઈને પણ સ્વેચ્છાએ જોડણી કરવાનો હક નથી” ભાષા માટે આમ છતાં સાક્ષરો ગમે તેવી જોડણી કરે છે. જ્યાં સુધી ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી સંસ્થા જોડણી સંબંધી એકીય બંધારણ ઘડે નહિ ત્યાં સુધી આમ ચાલ્યા કરશે. પારસી લેખકો ગુજરાત વિદ્યાપીઠનો શબ્દ કોષ લેખન વાચનમાં ઉપયોગ કરે તો તેઓ એક હિંદુ લેખક જેમ સારું સાદુ ગુજરાતી જરૂર લખી શકશે. પારસી અને ગુજરાતી સાહિત્ય એ પછી નોખાં પણ ન રહેવા પામશે. જેમ પ્રો. એરચ તારાપોરવાળાએ એક લેખમાં કહ્યું છે તેમ " We are all beginning to realise that we are all children of the same land, that Hindu or Musalman, Parsi or Chaistian makes no difiesance to the pride we feel in speaking the language which was spoken by the Mehta, by Premchand, and by Dayaram, and which is the language of so many time men and women to-day. The two. or rather the three streans the Hindu, the Farsi and Moslem are rapidly conversing to what shall be the true Triveni Sanjan for Gujarati, we all then stand together on the banks of this great Gange steam of our Gujarati tongue and will sing with one heart and voice the words of our poet.

“અમે દેશી, દેશી! ઓ દિવ્ય અમારો દેશ."