તરુરાગ અને નદીસૂક્ત/વૃક્ષો

From Ekatra Foundation
Revision as of 08:38, 5 July 2026 by Artimundra (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧.વૃક્ષો}} {{Poem2Open}} ઍમર્સન કહે છે : Trees are imperfect men – ‘વૃક્ષો અપૂર્ણ માનવીઓ છે.’ જેનાથી આપત્તિને તરી જવાય તે તરુ એવી ‘તરુ’ શબ્દની વ્યુત્પત્તિ પણ અપાઈ છે. શોભામાં અને ઉપયોગિતામાં વૃક્ષ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧.વૃક્ષો

ઍમર્સન કહે છે : Trees are imperfect men – ‘વૃક્ષો અપૂર્ણ માનવીઓ છે.’ જેનાથી આપત્તિને તરી જવાય તે તરુ એવી ‘તરુ’ શબ્દની વ્યુત્પત્તિ પણ અપાઈ છે. શોભામાં અને ઉપયોગિતામાં વૃક્ષથી ચઢિયાતું કોઈ સર્જન પ્રકૃતિમાં ભાગ્યે જ હશે. જીવતાં અને મરણ પછી એ અનેક રીતે કામ આવે છે. એનું દર્શન આંખને તેમજ ચિત્તને જેટલું આકર્ષણ એટલું જ ટાઢક આપનારું પણ છે. ક્યારેક તો એના દર્શનથી આધ્યાત્મિક શાતા અનુભવાય છે. ટાગોરે પોતાને થયેલી એવી એક આધ્યાત્મિક અનુભૂતિની નોંધ પણ એમનાં સંસ્મરણોમાં લીધી છે. આપણા ઋષિમુનિઓના તપોવનો, રામ જેવા અવતારપુરુષોનો વનવાસ, આશ્રમવ્યવસ્થામાં વાનપ્રસ્થાશ્રમ –આ બધું આપણી સંસ્કૃતિમાં અરણ્યોનું જે સ્થાન હતું તેની સાખ પૂરે છે. આપણી સંસ્કૃતિને આરણ્યક સંસ્કૃતિ કહીને આપણે અરણ્યનો અને એટલે વૃક્ષોનો કેટલો મહિમા અને આદર કરીએ છીએ! વૃક્ષો વગર માણસ જીવી ન શકે. આ વિધાન જીવનના સ્થૂળ રૂપ પરત્વે જેટલું સાચું છે તેટલું જ તેની સૂક્ષ્મ સત્તા માટે પણ સાચું છે. વૃક્ષો વરસાદ લાવે છે ને ધરતીને ફલવતી કરે છે. એ એનાં ફળ-ફૂલ અને છાયાથી પોષણ, શોભા અને શાતા આપે છે. એનાં લાકડાંના વિવિધ ઉપયોગથી આપણે રક્ષણ અને સગવડ પામીએ છીએ. અરે હિંદુઓ માટે તો એ મૃત્યુ વખતે ભડભડ બળીને દેહવિસર્જનનું સાધન બને છે! આજની નગરસંસ્કૃતિમાં માણસને જે ઘોંઘાટ, ધમાલ અને ઉત્તાપ વચ્ચે જીવવું પડે છે, તેમાં વૃક્ષોનું દર્શન એને માટે સંજીવનીની ગરજ સારે છે. આથી તો સુધરેલા દેશો એમનાં નગરોને, ફરતા હરિયાળીના વલય સર્જવાની હિમાયત ને યોજનાઓ કરે છે, માનસિક સંતાપથી મુક્ત થવા માટે સાંજે ઉપવન-ઉદ્યાનમાં જાય છે. જીવનને આમ ભૌતિક અને આધ્યાત્મિક સહાય આપનારું વૃક્ષો જેવું પ્રકૃતિમાં બીજું કોઈ સર્જન નથી. વૃક્ષોની આવી ઉપયોગિતા અને એના આવા ઉપકારો છતાં આપણે વૃક્ષનું મૂલ્ય પૂરું સમજ્યા નથી. અતિપરિચયથી આપણને એ જાણે અવજ્ઞાપાત્ર લાગે છે. વસ્તુનું પૂરું મૂલ્ય કદાચ એના અભાવમાં સમજાય છે. જ્યાં વૃક્ષોનું નામનિશાન નથી, યોજનો સુધી ધરતી લુખ્ખી અને રેતાળ છે, ડુંગરા વૃક્ષ વગરના બોડા છે ત્યાં રહેનાર માણસ વૃક્ષને કેવી ઉત્કંઠાથી ઝંખે છે! એકાદ તૃણ પણ ઊગી ગયેલું જોતાં એનું હૃદય આનંદ અને આશ્ચર્યના ભાવથી ભરાઈ જાય છે. પણ આપણે તો વૃક્ષોને કશા વિવેક વગર કાપી નાખીએ છીએ; જંગલ કાપીને ખેતી માટે જમીન ખુલ્લી કરીએ છીએ; આમ કરતી વખતે આપણે એ વાત ભૂલી જઈએ છીએ કે વૃક્ષો વગર ખેતી માટે વરસાદ ક્યાંથી આવશે? વૃક્ષો વગર જમીનને શીતળ કોણ રાખશે? ઉન્નત, મહાકાય વૃક્ષો વગર પ્રચંડ સૂર્યને પ્રતપ્ત આકાશથી પૃથ્વીને રક્ષણ કોણ આપશે? પૃથ્વીની માટીને પાણીથી ધોવાઈને દરિયામાં વહી જતી કોણ રોકશે? આપણી સ્વાર્થદૃષ્ટિ લાંબું જોઈ શકતી નથી અથવા એમ કહો કે તાત્કાલિક લાભના લોભમાં આપણે લાંબા ગાળાનો સ્વાર્થ વીસરી જઈએ છીએ. જાતજાતનાં વૃક્ષોની અલૌકિક શોભા અને તેમના ઉપયોગી અસ્તિત્ત્વથી અહોભાવ અનુભવીને જ માણસ વૃક્ષોને દેવ તરીકે પૂજાતો થયો હશે. કલ્પતરુની કે પારિજાત જેવા વૃક્ષની અલૌકિકતાની કલ્પના માણસને વૃક્ષોના સૌંદર્ય અને ઉપયોગિતાને લીધે જ આવી હશે. ઋગ્વેદના એક ઋષિ એ ‘અરણ્યાની સૂક્ત’ રચ્યું છે. અરણ્યની અધિષ્ઠાત્રી દેવતાને ઉદ્દેશીને રચાયેલા આ હૃદયંગમ કલ્પનાસભર સૂક્તમાં ઋષિ અરણ્યાની દેવીનું એટલે કે અરણ્યનું એટલે કે વૃક્ષોનું મંગલ, પોષક કે ઉપકારક સ્વરૂપ વર્ણવતાં કહે છે : ‘જો કોઈ હિંસક વૃત્તિથી આક્રમણ ન કરે તો અરણ્યની દેવી મારતી નથી. મીઠાં ફળ ખાઈને માણસ આનંદથી લેટે છે.’ મૂંગા મૂંગા ઊભેલાં દેખાતાં વૃક્ષો જાણે પર્ણમર્મરમાં ધીમેશથી ફરિયાદ સંભળાવે છે : ‘અમારી પ્રત્યે ક્રૂર વર્તન કરવામાં આવે છે, અમારી તરફ કૃતઘ્નતાથી વર્તવામાં આવે છે, અમને અન્યાય કરવામાં આવે છે.’ આપણે એ ફરિયાદ સાંભળીશું? ક્યારે સાંભળીશું?