શાલભંજિકા/પરિચય
સાહિત્યકાર ભોળાભાઈ એટલે વિવેચક અનુવાદક નિબંધકાર. એના મૂળમાં અભ્યાસીની જિજ્ઞાસા-વૃત્તિ અને સર્જકનું વિસ્મય એકસરખાં છે. હિંદીના અધ્યાપક, ગુજરાતીના લેખક. પ્રૉફેસર થયા પછી પણ ભણતા ગયા –અંગ્રેજીમાં એમ.એ., ભાષાવિજ્ઞાનમાં ડિપ્લોમા કર્યું. સંસ્કૃત-બંગાળી-અસમિયા-ઓડિયા-ફ્રેન્ચ ભાષાઓ શીખ્યા. નવલકથા-નાટક-કવિતા-વિવેચનનાં પુસ્તકોના અનુવાદો કર્યા. વિવેચન-સંપાદનના મહત્ત્વના ગ્રંથો આપ્યા. પણ પ્રવાસરસિક ભોળાભાઈના સર્જનાત્મક નિબંધોમાં એમનું તાજગીભર્યું કુતૂહલ ને અખૂટ અભ્યાસવૃત્તિ એકસાથે ખીલી ઊઠયાં.
સાહિત્ય પરિષદના સામયિક ‘પરબ’નું ઘણાં વર્ષ સંપાદન કર્યું. અગ્રણી સાહિત્યસંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યા.
ભોળાભાઈ પટેલ એટલે તાજગીભર્યું સાતત્ય – પ્રવાસમાં, અભ્યાસમાં, લેખનમાં અખૂટ રસવાળો વિહાર.લેખો વિવિધ રૂપે વિલસે છે. ‘ખંડિયેરમાં હજાર વર્ષની પ્રેમકવિતા’ વાર્તાસરખો છે : ‘ખંડહર’ ફિલ્મની સ્મૃતિ અને પ્રવાસનું વાસ્તવ એમાં સમાન્તરે વહે છે; ‘ભલે આ નદીનું નામ…’ તો એક વિલક્ષણ પ્રવાસ-કથનમાં વણાયેલી નરી વાર્તા જ છે જાણે! ‘ઝર ઝર ઝર વારિ ઝરે છે’ વર્ષાના અનુભવને અનેક સ્મરણોની તદ્રૂપતાથી આલેખતો, સુરેશ જોશીની કોટિનો લલિત નિબંધ છે — અલબત્ત, એના પર મુદ્રા ભોળાભાઈની પોતાની છે. આ પુસ્તકના નિબંધોમાં લિરિકલ ટોન — ઊર્મિસૂર — ઉપર તરી આવેલો છે એ વાચકને માટે આસ્વાદ્ય બની રહેશે.
સ્થળસૌંદર્યનું આલેખન તો ભોળાભાઈમાં અચૂક હોવાનું. અહીં ‘ગ્રાન્ડ કેન્યન’ પણ છે ને ‘પાષાણસુંદરી’ પણ છે. એમાં રસાસ્વાદ સાથે કલાપારખુ તુલના પણ છે. લેખક કહે છે, પૌર્વાત્ય અને પાશ્ચાત્ય નગ્ન-શિલ્પોના સૌંદર્યમાં એક પાયાની ભિન્નતા છે — આદર્શીકરણની અને નર્યા વાસ્તવની. કહે છે : ‘રાણીની વાવની પાષાણસુંદરી પાસે વિનસને મૂકી જોઈએ…’
અહીં બે ચરિત્રનિબંધો પણ છે : એક છે, ‘શબ્દના પારેખ’ નગીનદાસ વિશેનો ને બીજો નાની વયે મૃત્યુ પામેલા એક ઉત્તમ અધ્યાપક ‘એક વંટોળ નામે ડિરોઝિયો’ વિશેનો.
આવા વિવિધ સ્વાદ લેવા પ્રવેશીએ — ‘શાલભંજિકા’માં…{{Right|—રમણ સોની