બોલે ઝીણા મોર/ઇતિહાસમાં વાનર કહેવાશે
ભોળાભાઈ પટેલ
દેશળજી પરમારની દેશપ્રેમ વિષેની એક કવિતામાં યુવાનોને સંબોધીને કહેવામાં આવ્યું છે કે દેશના નવઘડતરમાં યુવાનોએ પોતાની જાતને ચુપચાપ સમર્પિત કરવી જોઈએ:
પુરાતા પાયાના ચણતર મહીં પથ્થર થવું. અમર ઇતિહાસે ભળી જવું.
પાયાના પથ્થરોએ તો હંમેશ માટે જગતની આંખોથી પણ વિલીન થઈ જવાનું. સમર્પણની યશગાથા પણ નહિ. એ વખતે દેશની આઝાદીની એવી તમન્ના હતી કે આવો આદર્શ યુવા દિલોમાં રહેતો. અનેક અનામી યુવકો દેશના નવનિર્માણના પાયાના પથ્થરમાં ખરેખર ચણતર બની ખોવાઈ ગયા.
હવે એ દેશમાં એમના સમર્પણનાં ફળ ખાવા માટે જે લાલચુ ટોળાં ભેગાં થયાં છે, તે જોઈ ઘણી વાર આક્રોશ સાથે આંખ ભીની બની જાય છે. આવા લોકો માટે આ યુવાનોએ ‘વંદે માતરમ્’ કહી પોતાની કોડભરી જુવાનીમાં મોતને વહાલું કર્યું હતું?
પણ ઇતિહાસની આ વાસ્તવિકતા છે.
આજે દેશની પરિસ્થિતિ જુદી છે પણ ઇતિહાસની પૅટર્ન એની એ છે. જુદી જુદી રાજદ્વારી પાર્ટીઓ ચૂંટણીઓમાં વિજય મેળવવા માટે એક આંતરિક માળખું તૈયાર કરે છે. એના ભાગ રૂપે ક્યારેક સેવાદળને નામે, ક્યારેક બજરંગદળને નામે, ક્યારેક રાષ્ટ્રીય સંઘને નામે, ક્યારેક શિવસેનાને નામે યુવકો-તરુણોનાં દિલ તૈયાર કરવામાં આવે છે, તેમાં કેટલાક યુવકો પોતાની સમજ અને પ્રતિબદ્ધતાથી જોડાય છે, પણ મોટાભાગના રાજદ્વારી પાર્ટીઓનાં પ્રલોભનોથી.
‘નેતાજી’ આવવાના છે. હજારો સ્વયંસેવકો એમનો જયજયકાર કરવા હાજર થઈ જાય. ભાષણોમાં તાળીઓના ગડગડાટ કરે. ‘નેતાજી ઝિંદાબાદ’ બોલે, ‘નેતાજી આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈં’નાં કૂચગીતો લલકારે. એ રીતે પાર્ટીનું પીઠબળ વધારે. ચૂંટણીના દિવસે એમાંથી કેટલાક ‘નેતાજી’ને જિતાડવા અપમૃત્યુ વહોરી લે, ઘાયલ થાય. નેતાજી એમને જોવા ઇસ્પિતાલમાં જાય, નેતાજી ઘાતકને જેલમાંથી છોડાવવા સૂચના આપે. પરંતુ કોક માતાનો લાલ તો મૃત્યુને ભેટી ગયો. શા માટે? એને શું મળ્યું? પ્રતિપક્ષ હાર્યો. ‘નેતાજી’ જીત્યા. પ્રધાન થયા. સ્વયંસેવકોનું શું? શું રામાયણના સમયમાં પણ ઇતિહાસની આવી જ પૅટર્ન હતી? હિન્દીના પ્રસિદ્ધ કવિ અજ્ઞેયજીની એક નાનકડી કવિતા છેઃ
જો પુલ બનાયેંગે વે અનિવાર્યતઃ પીછે રહ જાયેંગે. સેનાએં હો જાયેંગી પાર મારે જાયેંગે રાવણ જયી હોંગે રામ, જો નિર્માતા રહે ઇતિહાસમેં બંદર કહલાયેંગે.
આ કવિતા ઇતિહાસની કઠોર વાસ્તવિકતાની અભિવ્યક્તિ છે. રામ-રાવણની લડાઈમાં, પાંડવો-કૌરવોની લડાઈમાં હંમેશાં આપણે રામના પક્ષે કે પાંડવોના પક્ષે રહેતા આવ્યા છીએ. એમના વિજયથી આપણે ધન્ય ધન્ય થઈ જતા હોઈએ છીએ; પરંતુ એમને વિજય અપાવનાર બધા ક્યાં? આ કવિતા આપણને જરા જુદી રીતે વિચારવાને બાધ્ય કરે છે. અહીં રામ અને રાવણ પ્રતીક છે. પુલ પણ પ્રતીક છે અને બંદર પણ પ્રતીક છે. વાલ્મીકિના એ પ્રાચીન કાવ્યનો આધુનિક સંદર્ભ જ કવિ અજ્ઞેયજીને તો અભિપ્રેત છે.
રામનો અર્થ છે બધા પ્રકારના વિજેતાઓ, જે પોતાની વૈયક્તિક આવશ્યકતા માટે (એક કવિએ એવો પ્રશ્ન ઉઠાવ્યો છે કે સીતાની પ્રાપ્તિ રામની અંગત આવશ્યકતા હતી.) પ્રતિપક્ષને આહ્વાન આપે છે.
અને ‘રામ’ જ્યારે આહ્વાન આપે છે, ત્યારે એ મૈત્રી કરે છે વાનરોથી, રીંછથી. એમને એ પોતાની લડાઈના આંતરિક માળખામાં આવશ્યક ગણે છે. એ પુલ પણ બનાવશે, લડાઈમાં ખપી પણ જશે કે જેથી ‘રામ’ વિજયી બને. પણ એમની પોતાની ઓળખ શી?
કવિ, ઉત્તમ કવિ કદીય માંડીને વાત ન કરે. પોતાના વાચકોની ગ્રહણશક્તિમાં એ વિશ્વાસ ધરાવે છે. એટલે બધું કહી દેવાની, સમજાવી દેવાની રીતિ એમની કવિતામાં નથી હોતી. વાચક પોતે પેલા સંકેતને આધારે આખી વાત સમજવા પ્રવૃત્ત થાય છે. એ મથામણમાં વાચકનો આનંદ રહેલો છે.
આ કવિતા પણ એવી છે. રામરાવણનો કે સેતુનો તો નિર્દેશ છે. આ રામાયણની કથાની વ્યાખ્યા નથી, આ આજની સ્થિતિ પરનું રામાયણની કથાના સંકેતોથી આલેખન છે. એ સંકેતોમાં અદૃષ્ટ રીતે, બે શબ્દો કે બે પંક્તિ વચ્ચેના અવકાશમાં અનુભવાતી કવિની વ્યંગ્યદષ્ટિ કવિતાને ઘાટ આપે છે.
કવિ કહે છે કે સેનાનીઓ માટે પુલ બનાવનાર હંમેશાં ‘અનિવાર્યપણે’ પાછળ રહી જતા હોય છે. ઇતિહાસની એ પૅટર્ન છે. એ બનેલા પુલ ઉપરથી લશ્કરો પસાર થશે અને આક્રમણ કરનાર વિજેતા બનશે. રામ એ આક્રમણ, સત્યાર્થી કે ધર્માર્થે આક્રમણ કરનારના પ્રતિનિધિ છે. એટલે રાવણ સામે વિજય થશે, તે રામનો વિજય કહેવાશે.
જયી હોંગે રામ
આ માત્ર એક ‘રામ’ની વાત નથી, અનેક અનેક ‘રામ’ની વાત છે.
હવે પછીની પંક્તિઓમાં ધારદાર ચોટ છે. કવિએ લાગે કે સીધી જ – સપાટ બયાનીમાં વાત કરી છે.
જો નિર્માતા રહે
- ઇતિહાસ મેં
બન્દર કહલાએંગે.
રાવણ સામેની લડાઈમાં રામને માટે પુલનું નિર્માણ કરનાર, લંકાને ભૂમિસાત્ કરનાર કોણ હતા? એ સાચેસાચ કંઈ ‘વાનર’ નહોતા. આપણે હજી પણ રીંછ અને વાનર એમ જ જાંબુવાન કે હનુમાનને જોઈએ છીએ; પણ એ તો સમયની આદિમ જાતિઓ હતી, અરણ્યવાસી ‘મનુષ્યો’ હતા – આદિ મનુષ્યો.
પણ ઇતિહાસે એમને કેવી રીતે ઓળખ્યા? વાનરો તરીકે, પૂંછડીવાળા વાનરો તરીકે, અને જે જીત્યા છે તે સૌ ‘રામ’ કહેવાયા.
આજના કોઈ પણ રાજકીય પક્ષની જય-પરાજયગાથામાં પુલના નિર્માતા અને લડવૈયાઓને માત્ર રામાયણ પછીના કાળ માટે નહિ, ભવિષ્ય માટે પણ ‘વાનર’નું જ બિરુદ મળશે.