કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૩૨. ઝાકળની પિછોડી
Revision as of 12:42, 30 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૨. ઝાકળની પિછોડી|બાલમુકુન્દ દવે}} <poem> જૂઠી ઝાકળની પિછોડી મ...")
૩૨. ઝાકળની પિછોડી
બાલમુકુન્દ દવે
જૂઠી ઝાકળની પિછોડી
મનવાજી મારા! શીદ રે જાણીને તમે ઓઢી?
સોડ રે તાણીને મનવા! સૂવા જ્યાં જાશો ત્યાં તો —
શ્વાસને સેજારે જાશે ઊડી
મનવાજી મારા જૂઠી ઝાકળની પિછોડી!
બળતા બપ્પોર કેરાં અરાંપરાં ઝાંઝવાંમાં —
તરસ્યાં હાંફે રે દોડી દોડી;
મનનાં મરગલાંને પાછાં રે વાળો વીરા!
સાચાં સરવરિયે દ્યોને જોડી.
મનવાજી મારા જૂઠી ઝાકળની પિછોડી!
સાચાં દેખાય તે તો કાચાં મનવાજી મારા!
જૂઠાં રે જાગર્તિનાં મોતી;
સમણાંને ક્યારે મોરે સાચાં મોતી-મોગરાજી!
ચૂની ચૂની લેજો એને તોડી.
મનવાજી મારા! જૂઠી ઝાકળની પિછોડી!
એવું રે પોઢો મનવા! એવું રે ઓઢો મનવા!
થીર રે દીવાની જેવી જ્યોતિ;
ઉઘાડી આંખે વીરા! એવાંજી ઊંઘવાં કે —
કોઈ નોં શકે રે સુરતા તોડી.
મનવાજી મારા! જૂઠી ઝાકળની પિછોડી!
૧૯૫૪
(બૃહદ્ પરિક્રમા, પૃ. ૧૨૨)