મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૩.વસંતવિલાસ-કાર-વસંતવિલાસ

From Ekatra Wiki
Revision as of 04:49, 6 August 2021 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search


૩.વસંતવિલાસ-કાર-વસંતવિલાસ

રમણ સોની

એના કવિનું નામ મળતું નથી – નતર્ષિ/રત્નાકર/ મુંજ એવાં અનુમાનો થયેલાં એને કોઈ આધાર નથી, એટલે કવિનામ અ-જ્ઞાત છે. દુહામાં લખાયેલું આ ‘વસંતવિલાસ’ એક ઉત્તમ રસપ્રદ ફાગુકાવ્ય છે. વસંતઋતુના ઉદ્દીપક વર્ણન સાથેનું આ પ્રેમવિહારનું કાવ્ય અંતર્યમકવાળી, પદમધુર ભાષાની સુંદરતા પણ પ્રગટ કરે છે. એની એક પ્રતમાંનાં ચિત્રો રાજપૂત કે મોગલ શૈલીથી જુદાં અને વિશિષ્ટ છે.

વસંતવિલાસ-માંથી

(કાવ્યના આરંભે, પહેલાં તો સરસ્વતીનું અર્ચન-વંદન કરીને વસંત ઋતુનું અને રસિક યુવાન યુગલો પર એના પ્રસન્ન પ્રભાવનું આલેખન કરે છે. મહોરેલા આંબા, મલયસમીર, ભ્રમર-ગુંજારવ, કોકિલકૂજન – એવો વસંતવૈભવ; અનંગ કામદેવની યોગી તેમજ વિયોગી નરનારીઓ પર થતી અસર; રૂપસૌંદર્યનું અને સંયોગના શૃંગાર-આનંદનું શબ્દ અને અર્થના સુંદર અલંકારોથી આલેખન – ૧૪મી સદીની આ સ-રસ ગુજરાતી ભાષા થોડાક પ્રયત્નથી જરૂર વાંચી શકાશે.)

પહિલૂં સરસતિ અરચીસૂં (રચીસૂં વસન્તવિલાસ),
વીણ ધરઈ કરિ દાહિણ, વાહણ હંસલુ જાસ.          ૧

પહુતીય તિઉણી હિવ રતિ વરતિ; પહુતી વસન્ત.
દહ દિસિ પસરઈ પરિમલ; નિરમલ થ્યા નભ-અન્ત.          ૨
સીત ગિઊં હિમવન્તિ; વસન્તિ લિઉ અવતાર.
અલિ મકરન્દિ મુરિઆ; કહુરિઆ સવિ સહકાર.          ૩

મયણ તણા ગુણ ગહગહ્યા, મહમહ્યા મહુ મહકાર.
ત્રિભુવનિ જયજયકાર પુકારઈ પિક અપારિ.          ૪

પદ્મિની-પરિમલ બહિકઈ. લહિકઈ મલય-સમીર.
મયણ જિહાં પરિપન્થી, પન્થી ધાઇ અધીર.          ૫

માનિની જન મન ખોભન સોભન વાઉલા વાઈ.
નિધુવન કેલી પામી કામી અંગિ સુહાઈ.          ૬

સ્મર મુનિનાં મન ભેદઈ, છેદઈ માનિની માન,
કામી મનિ આનન્દઈ, કન્દઈ પથિક પરાણ.          ૭

વનિ વિરચ્યા કદલીહર દીહર મણ્ડપ માલ;
તલિયા તોરણ સુન્દર; ચન્દરવા છિ વિસાલ.          ૮

ખેલન વાવિ સુખાલી; (જાલી ગૂખ વિસ્રામ).
મૃગમદપૂરિ કપૂરહિં પૂરહિ જલ અભિરામ.          ૯

રંગભૂમિ સજકારી, ઝારી કુડ્કુમ ઘોલ,
સોવનસાંકળ સાંધી, બાંધી ચમ્પકદોલ.          ૧૦

તિહાં વિલસઇં સવિ કામુક જામક હૃદયચિરંગ.
કામુ જિસ્યા અલવેસર વેસ રચઈ વર અંગિ.          ૧૧

અભિનવ પિરિ સિણગારી નારી રમઇં વિસેસિ.
ચન્દનભરી કચોલી ચોલી મણ્ડન રેસિ.          ૧૨

નવ જોબન અભિરામ તિ રામતિ કરંઈ સુરંગિ,
સ્વર્ગિ જિસ્યાં સુર ભાસુર રાસુ રસઈં વર અંગિ.          ૧૩

જયરણિ રોધઈ તીવન જીવન તણૂં સુવાન.
વાસભવનિ તિહાં વલસઈં જલસઈ અલિઅલ આન.         ૧૪

કામુક જન મન જીવન તી વન નગર સુરંગ.
રાજુ કરઈ અભંગિહિ રંગિહિં રાઉ અનંગ.          ૧૫

અલિ જન વસઈં અનન્ત, વસન્ત તિહાં પરધાનું.
તરુઅર વાસનિકેતન. કેતન કિસલસંતાન.          ૧૬

ચન્દન વન અવગાહી, નાહી સરવર-નીરિ,
મન્દ-સુરભિ-હિમ-લક્મણ દક્ખિણ વાઈ સમીર.          ૧૭

વનિ વિરચઈ સિરિ નન્દન ચન્દન ચન્દચુ મીત.
રતિ પ્રીતિ-સ્યૂં સોહઈ, મોહઈ ત્રિભુવન ચીત.          ૧૮

ગરુઉ મદન મહીપતિ દીપતિ સહિણુ ન જાઈ.
કરઈ નવી નવી જુગતિ; જુગતિ પ્રતાપ ન માઈ.          ૧૯

કુસુમ તણૂં કરિ ધણહ રે, ગુણ હ રે ભમરમાલ;
લખ લાઘવિ નવિ ચૂકઈ; મૂકઈ સર સુકુમાલ.          ૨૦

મયણજિ વયણનિરોપઈ લોપઈ કોઈ ન આણ.
માનિની જનમન હાકઈ; તાકઈ કિસલકૃપાણ.          ૨૧

ઈમ દેખી રિદ્ધિ કામની કામિની કિનરકણ્ઠિ
નેહગહેલી માનિની માનની મૂકઈ ગણ્ઠિ.          ૨૨

કોઈલિ આંબુલાડલી, આલી! કરઈ નિનાદ.
‘કામ તણુ કરી આઈસુ’ આ ઈસુ પાડઈ સાદ.          ૨૩

જં ભણુ થિર ન પયોહર, મોહરચુ મગ માર,
માન રચુ કિસ્યા કારણિ? તારુણ દીહ બિચ્યારિ.          ૨૪

નાહુ નિસિ છઈ ગામટિ, સામટિ મય વય જાણિ.
મયણ મહા ભડ ન સહી અ, સહી! અસુ હણઈ બાણિ.         ૨૫

ઈણ પરિ કોઈલિ કૂજઈ; પૂજઈ જુવતિ મણોર.
વિધુર વિયોગિની ધૂજઈ. કૂઝઈ મયણ કિશોર.          ૨૬

વિણસઈ, જિમ જિમ વિહસઈ, સહસઈ માનિની માન.
જોબન મદિહિં ઊદમ્પ તી દમ્પતી થાઈ જુવાન.          ૨૭

જે કિ ઈમ ગતિ ચાલઈ, સાલઈ વિરહિણી અંગ;
બાલઈ વિરહકારલી બાલી તે બહુ ભંગ.          ૨૮

ઘૂમઈ મધુપ સકેસર કેસર મુકુલ અસંગ,
ચાલતિ રતિપતિ સૂરઈં પૂરઈં સુભટ કિ શંગ.          ૨૯

બઉલવિલૂધલા મહુઅર બહુ અ રચઈં ઝણકાર;
મયણર હઈઆણન્દણ વન્દણ કરઈ કઈ વાર.          ૩૦

ચાંપુલા તરુઅરની કલી નીકલી સોવનવાન.
માર-માર્ગ ઉદ્દીપક દીપક જઈ સમાન.          ૩૧

કામિની બાંધઈ તરકસ તરકસ પાડલ ફૂલ.
માંહિ રચ્યાં કિ રે કેસર કે સરનિકર સમૂલ.          ૩૨

આંબુલિ માંજર લાગી, લાગી મધુકરમાલ,
મૂકઈ હિઈ કે વિરહિઅ વિરહિ અ ધૂમવિરાલ          ૩૩

કેસૂ-કલી અતિ વાંકુડી આંકુડી મયણચી જાણિ,
વિરહિણીનાં ઈણ કાલિ ન કાલિજ કઢાઈ તાણિ.          ૩૪

વીર સુભટ કુસુમાયુધ. આયુધ સાલ અશોક.
કિસલ જિસ્યાં અસિ, ઝબકંઈ ઝબકંઈ વિરહિણી લોક.          ૩૫

પથિક ભયંકર કેતુ કિ કેતકીદલ સુકુમાર,
વિરહિઅ હિઅઅ-વિદારણ દારુણ કરવત-ધાર.          ૩૬

ઈમ દેખી વન-સંપઈ કમ્પઈ વિરહિણી-સાથ;
આંસૂઈ નયણ નિશા ભરઈમ, સાંભરઈ જિમ નાથ.          ૩૭

વિરહિ કરાલી બાલી ફાલી, ચોલી, ચંગ
વિસય ગિણઈ ત્રિણ તોલઈ; બોલઈ તે બહુ ભંગ.          ૩૮

રહિ, રહિ, તોરી. જો, અલી કોઈલી! સ્યૂં બહુ વાસિ?
નાહુ અજી નવિ આવઈ. ભાવઈ મું ન વિલાસ.          ૩૯

હાર તે ભાર મું ઉર વરિ. સઈરિ! સિંગાર અંગર.
ચીંત હરઈ નવિ ચંન્દન, ચન્દ નહિ મનોહર.          ૪૦

સખિ! દીહ દૂખ અનીઠઊં. દીઠઊં ગમઈ ન ચીર.
ભોજન આજ ઊછીઠઊં. મીઠઊં સદઈ ન નીર.          ૪૧

સકલ કલા તૂં, નિસાકર! સા કરિ સઈરિ સંતાપ?
અબલા મ મારિ, કલંગી! સંગી હુવઈ પાપુ.          ૪૨

ભમરલા! છાંડિ ન પાખલ. ખાંખલ થ્યાં અહ્મ સઈર.
ચાંદુલા! સઈર-સંતાપણ! આપણ તાં નહિ વઈર.          ૪૩

બહિનૂ! રહિ નહિ મનમથ મન મથતુ મુહ અરાતિ;
અંગ અનોપમ સોસઈ; પોસઈ વઈરણિ રાતિ.          ૪૪

કહિ, સહિ! મુઝ પ્રિય વાતડી. રાતડી કિમહિ ન જાઈ.
દોહિલઉ મકરકેતન. ચેત નહીં મુઝ ઠાઈ.           ૪૫

સખી! મુઝ ફરકઈ જાંઘડી; તાં ઘડી વિલગઈ આજ.
દૂખ સવે હવં વામીસૂં, પામીસૂં પ્રિય તણૂં રાજુ.          ૪૬

વિરહ સહૂ તે ભાગલુ કાગલુ કરલઉ પેખિ.
વાયસના ગુણ વરણઈ, અરણ ઈ તાજિ વિશેખિ.          ૪૭

ધન ધન, વાયસ! તૂં સર. મૂં સરવસ તૂં દેસું.
ભોજનિ કૂર કરાંબલુ. આંબલુ જરહુ લહેસુ.          ૪૮

દેસુ કપૂરચી વાસિ રે, વાસિ રે સર એઉ,
સોવન ચાંચ નિરુપમ, રુપમ પાંખડી બેઉ.          ૪૯

સકુન વિચારિ સંભાવિઆ આવિઆ તિહાં વાલમ્ભ.
નિસિ ભરિ નિજ પ્રિય નિરખી હરખી દિઈ પરિરમ્ભ.          ૫૦
           ૦
મકરન્દિ માતી પદ્મિની પદ્મિની જિમ નવ નેહિ,
અવસરિ લેવુ રસુ મૂકઈ, ચૂકઈ ભમરલુ દેહિ.          ૮૩

ભરમ! પલાસ કરાં બલા; આંબલા આંબલી છાંડિ.
કુચફલિ ફલિત કિ તરુણી કરણી સિઉ રતિ માંડિ.          ૮૪

દમનહ ગુણિ મદમાતઉ રાતઉ રુપિહિં ભૃંગુ
કુન્દ કુસુમ રમાડઈ; છાંડઈ ચાંપુલા સંગ.          ૮૫

ઈણ પરિ નિતુ પ્રિય રગ્જુવઈણ ઈણ ઠાઈ.
ધન ધન તે ગુણવન્ત, વસન્તવિલાસ રે ગાઈ.          ૮૬