મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૧૧.જનાર્દન-ઉષાહરણ
રમણ સોની
જનાર્દન (૧૫મી સદી ઉત્તરાર્ધ) ઉમરેઠના ખડાયતા બ્રાહ્મણ કવિ. કડવાબદ્ધ આખ્યાન-પદ્ધતિનોે આરંભકાળ બતાવતી એમની ૩૨ પદો અને ૨૨૨ કડીઓની કૃતિ ‘ઉષાહરણ’ જાણીતા ઓખાહરણની કથા આલેખે છે. એમાં દેશી બંધો અને આંતરપ્રાસ-રચના નોંધપાત્ર છે.
‘ઉષાહરણ’માંથી
કડવૂં ૧
ગણપતિ ગુણનિધિ વીનવૂં. સરસતિ કરઉ પસાય.
નારાયણસુત ગાયસ્યૂં અનિરુદ્ધ ઉખાનુ વિવાહ.
એક-મના જે ગાયઈ, સાંભલઈ જે રાસ,
તૃતીય જ્વર પીડઈ નહીં, પામઈ પૂર્ણ વિલાસ.
સિરિગુરુચરણઈ પરણમૂં, કવિજન માગૂં માન.
જો ગાતાં પદ વીસરઈ, તો મ દેસ્યુ અપમાન.
સોણિતપુર પાટણ ભલૂં, રાય બાણાસુર નામ.
સાંભલતાં દુસ્ક્રિત હરઈ હરિહરનુ સંગ્રામ.
બિ સઈ વીસઈ પદ ભલાં, રાગ બત્રીસઈ વાણિ.
અમરાવતીઈ ઊપનુ ગ્રન્થ રત્નની ખાણિ.
સંવત પનર અડતાલ વરસ, માસ દામોદર સાર,
ભણઈ જનાર્દન કાર્તિગી એકાદશી ગુરુવાર.
કડવું ૧૨
ઉખા માઝમ રાયણી જાગી રે,
અંગ અનંગજ્વાલા લાગી રે;
‘મુહુનઈ કલંગ લાગૂં રે,
કન્યાવ્રત માહારું ભાંગૂં રે.’
સહિયર ભણિ: ‘સુણુ, બાઇ રે!
કન્યાવ્રત કેમઈ નહીં જાઈ રે.’
ઉસા કહઈ: ‘મુઝ તે વરુ રે;
અવર પુરુસ પિતા ગુરુ રે.
વર વરસ્યૂં એ જોખી રે.
નહિતુ પ્રાણ તજૂં તન સોખી રે.’
‘ઉષા! પ્રતિજ્ઞા નવિ લીજઈ રે,
સહિયરનૂં તે વાર્યૂં કીજઈ રે.’
સુહણઈ તે લાખ બન્ધાઈ રે,
તે વિહાણઈ મિથ્યા થાઈ રે.’
જનાર્દન ભણઈ ઉખા ભોલી રે:
તુહનિ રક્ખા કરઈ હિંગોલી રે.
તૂં મનિ નવિ આણે તાપ રે.
ઉમા સંકર સિર માય-બાપ રે.