બાળનાટકો/2 પીળાં પલાશ
દૃશ્ય પહેલું
(મોટા જંગલની મધ્યમાં ઊંચી ટેકરી ઊભી છે. ટેકરી ઉપર સુંદર બાગ છે અને બાગની વચમાં મોટો મિનાર છે : જાણે રજનીગંધાનો છોડ સ્થિર થઈ ઊભો છે! ચકરાવો લેતાં પગથિયાં સૌથી ઉપલા ખંડને ઉંબરે જઈ અટકે છે. આસપાસ ઊંચા થતા સરુનાં ઝાડો પણ ઉપલા ખંડમાં ડોકાઈ શકતાં નથી એટલો તો ઊંચો મિનાર છે. બ્રહ્માનાં ચાર મોઢાં જેવી ખંડને ચાર બારીઓ છે. ગાઉઓના ગાઉ સુધી પથરાયલી ઝાડી દૃષ્ટિને અવરોધે છે. વાઘવરુની ત્રાડો અને પવનની ઝડીઓની વારેવારે વાત આવે છે. ઊડતાં અને ફરતાં, આવતાં અને જાતાં પંખીઓ કિલકિલાટ કરતાં જાય છે. મહારાજાની એકની એક કુંવરીનો આ એકાંતવાસ છે. મનગમતાને જ વરવાનું એને વર છે. ભાગ્યશાળી કુંવરને મહારાજાનું રાજ્ય જાય એમ છે. દેશદેશાવરથી રાજકુમારો જીવનની હોડ રમવા નીકળી ચૂક્યા છે. પણ કુંવરીની કસોટી આકરી છે. કેમકે રજનીગંધા એનું જેમ નામ છે, તેમ રજનીગંધા જેવો એનો વાન છે. પૂનમના ચાંદા જેવું એનું મોં અને એની ઉપર સવા લાખ જેટલી તો ગૂંચળા ખાતી સોનેરી વાળની વેલીઓ છે. આંખોમાં અમીકુંડ ભર્યા છે તો હથેળી ઉપર અને પાની પર દશદશ પ્રદીપશિખાઓ મુકાયેલી છે. ચોમાસાની સવારનો ઠંડો પવન આવે છે અને આખા વનની એકત્રિત સુવાસ લાવે છે. બારીના બારસાખ ઉપર માથું ટેકવી રજનીગંધા એકતારાના સૂરમાં પરોવાયેલું નીચેના ખંડમાંથી આવતું ગાન સાંભળી રહી છે. બે દાસીઓ મોરપીંછનાં ચમ્મર ઢોળી રહી છે. મખમલમઢી બેઠકો ખાલી પડી છે.)
*‘સોનાપરી અને...’ 1957 (વોરા એન્ડ કં.)ની આવૃત્તિ પ્રમાણે *ગજુભાઈનું પ્રાસ્તાવિક ‘સત્કાર’ પરિશિષ્ટ 2
(ઉપર ભાવતું ગીત : આવળ બાવળ બોરડી ને ઊભાં આડાં સરુનાં ઝાડ: ઊંડી ખીણો ઊંડી કંદરા ને ઊંચા ઊભા છે પથ્થર પ્હાડ, કેડી વિનાનાં જંગલ તારાં! સાગરને વળી હોય ઓવારા! નીચેના ખંડમાં ચાબુક પડ્યાનો અવાજ થાય છે. તરત જ ચીસ પડે છે.) રજનીગંધા : (ઝબકી ઊઠી) દોડો, દોડો દાસી! અરે એને કોઈ બચાવો! બધા ભેગા થઈ એને મારી નાખશે. (દ્વાર પાસે જઈ) તમે આમ મારી સામે શું તાકી રહ્યાં છો? સંભળાતું નથી કોઈ? અરે કોઈ દોેડો? એક દાસી : શાંત થાઓ, બા! એમાં આપણો ઉપાય નથી. રજનીગંધા : ઉપાય કેમ નથી? એને આપણાથી મરવા કેમ દેવાય? અને એમાં એનો શો અપરાધ? મને ગમે છે અને ગાય છે. મારે માટે ગાય છે, એમાં એનો શો અપરાધ? હું કહું છું અને એ ગાય છે. મારાથી કહ્યા વિના રહેવાતું નથી, અને એનાથી કર્યા વિના રહેવાતું નથી. એમાં અમારો શો અપરાધ? જાવ, એને કોઈ બચાવો! બીજી દાસી : પણ મહારાજાને એ જ પસંદ નથી. દેશ-દેશાવરમાં વાતો ચાલી છે કે મહારાજકુંવરી રજનીગંધા એક ભરથરીના પ્રેમમાં પડ્યાં છે; અને માટે કોઈ કુંવર પસંદ પડતો નથી. એક પછી એક કુંવરો પાછા જવા લાગ્યા છે, અને મહારાજાને કુળની આબરૂ સાચવવી ભારે થઈ પડી છે. રજનીગંધા : પણ એમાં એનો શો અપરાધ? હોય તો મારો છે, અને એની સજા પણ હું ભોગવી રહી છું. મહારાજાએ પરણ્યા પહેલાં એમને મારું મોઢું બતાવવાની મના કરી છે. માટે તો હું એકલી આવીને આ કરાળ જંગલમાં વસી છું. ત્યાં પણ મને મનગમતું કરવાની છૂટ નહિ? ત્યાં પણ મારા મનને બેડીઓ પહેરાવવાની? અરે, પણ સાંભળો, સાંભળો! એ ગાય છે, એ ગાય છે. શાંતિ, શાંતિ! (ઉપર આવતું ગીત : બંધ કરી દે બોલવું રાણી, દેજે મને ના સાદ! આવ્યા વિના મન માનતું ના, ને ભોમિયો ના એકાદ! કેડી વિનાનાં જંગલ તારાં! સાગરને વળી હોય ઓવારા? (ફરી ફટકા પડે છે. આર્ત ચીસો ઉપર આવે છે.) રજનીગંધા : અરે કોઈ દોડો! એને બચાવો, એને ઉપર લાવો; ઉગારી લો ! (ઉંબ2માં જઈ) કોઈ છે કે? દ્વારપાળ! દ્વારપાળ : (નમન કરી) આદેશ, કુમારી! રજનીગંધા : આદેશ? શું તું મારો આદેશ ઉઠાવવાનો? દ્વારપાળ : મહારાજાની આજ્ઞાને અનુસરતા આપના તમામ આદેશોનો અમલ કરવાનો મને હુકમ છે, કુંવરીબા! રજનીગંધા : તો જાવ; ભરથરીને મુક્ત કરો. દ્વારપાળ : એ આજ્ઞા મહારાજાના આદેશને અનુસરતી નથી. રજનીગંધા : અનુસરતી નથી? દ્વારપાળ! તમે મારો હુકમ ઉઠાવવાને માટે છો, મને ઉપદેશ આપવાને નહિ. દ્વારપાળ : દિલગીર છું, બા! (દ્વારપાળ ચાલ્યો જાય છે.) રજનીગંધા: અરે, દાસી! કોઈ જાવ. એ રિબાતો હશે; એને મુક્ત કરો! (દાસીઓ મૌન સેવે છે.) તમે કોઈ મારું નહિ સાંભળો? કોઈ નહિ માનો? ત્યારે હું જ જાઉં. મારા દાંતથી નકૂચાને તોડી નાખીશ, અને મુક્ત કરીશ એને અને મારા મનને! (દાસીઓ બારણાં વચ્ચે ખડી થઈ જઈ કુંવરીને બહાર જતી અટકાવે છે.) ખસો, ખસો તમે આડેથી. મને મુક્ત કરો! પહેલી દાસી : માફ કરજો, બા! મહારાજની આજ્ઞા છે કે આપને અહીંથી ઊતરવા ન દેવાં. રજનીગંધા : (હતાશ થઈ બેઠકમાં પડતી) અરેરે! મારા આવાસમાં હું જ બંદીવાન? (દ્વારપાળ આવીને નમન કરે છે દ્વારપાળ : મહારાજ પધાર્યા છે, બા! રજનીગંધા: મહારાજ! બાપુ! (આંખો લૂછતી ઊભી થાય છે.) એમને અહીં બોલાવ. હું એમને પગે પડીશ; ખોળો પાથરીને વિનવીશ. દ્વારપાળ : મહારાજ બહાર ઊભા રહેશે. આપને કાંઈક કહેવા તેઓ આવ્યા છે; જોવા નહિ! (બહાર જાય છે, અને બારણાને બહારથી વાસી દે છે.) રજનીગંધા : (બારણા ઉપર હાથ પછાડતાં) ખોલો! ખોલી દો મારો દ્વાર મારે બહાર આવવું છે; મહારાજને મળવું છે!
—બહારથી : શું છે, રજનીગંધા? રજનીગંધા : અંદર આવો, બાપુ! આપને પ્રણિપાત કરવા છે. —બહારથી : મારાથી તારું મોઢું ન જોવાય, બેટા! મારું પ્રણ તૂટે. મોઢું દેખાડતા પહેલાં તારે કોઈકને માળા પહેરાવવી પડશે. રજનીગંધા : પણ માળા કોને પહેરાવું? સૌનાં ગળાં સરકી જાય તેવાં પાતળાં છે. —બહારથી : તો આજે મોટા ગળાના માનવીઓ મોકલીશ. પૃથ્વી ઉપર રાજપુત્રોનો તોટો નથી. રજનીગંધા : પણ મારે પરણવું જ નથી! —બહારથી : તો તારી ઇચ્છા! (જોરથી) પહેરેગીર! જાવ, બંદીવાનને ખીણમાં ફગાવી દો! રજનીગંધા : (કકળી ઊઠી) ક્ષમા કરો, ક્ષમા કરો, મહારાજ! હું પરણીશ પણ એને મુક્ત કરો! મને એનું મોઢું જોવા દો; પછી હું ઇચ્છાવર વરીશ. —બહારથી : તારી ઇચ્છા. તો મોકલું રાજકુમારોને? તારે માટે તેઓ જાગરણ કરતા તળેટીમાં તંબૂઓ તાણી પડ્યા છે. રજનીગંધા : હા, મોકલો પિતાજી! પણ ભરથરીનેય મોકલો. —બહારથી : એ સૌથી છેલ્લે. પહેલાં મોકલું તો રાજકુમારોને હીણપણ લાગે! રજનીગંધા : જેવી ઇચ્છા આપની! (પગથિયાં ઉપરથી કોઈ ઊતરી જાય છે. રજનીગંધા ઢગલો થઈ સોફામાં પડે છે. બારણાં ઊઘડે છે અને અનેક ક્ષણ સુધી રાહ જોતો વાયુ એના કેશગુચ્છોમાં પેસી સંતાકૂકડી આરંભે છે. દાસીઓ વીંજણા વીંઝે છે.) (ઉપર આવતું ગીત : ડગલે પગલે ઠેશ પડે ને, આંખ ફરૂકે આજ! અપશુકનમાં દોડતો આવું, પાણીને હોય ના પાજ! કેડી વિનાનાં જંગલ તારાં! સાગરને વળી હોય ઓવારા?) રજનીગંધા : બંધ કરો, બંધ કરો બધાં બારીબારણાં! નથી સહાતું, નથી સહાતું એનું ગાન! (દાસીઓ ઊઠી બારીઓ બંધ કરે છે. એક રાજકુમાર પ્રવેશ કરે છે.) કાંચન : મારું નામ કાંચનકુમાર, રજનીગંધા! તમારી અને અમારી રાજધાનીના સીમાડા અથડાય છે. એક વખત રૂપવતી નદીમાં ઘોડો પાવા ગયો હતો. પગનાં આંગળાંઓમાં સોનેરી વાળ આવી વીંટળાયા. પ્રતિજ્ઞા કરી કે પરણું તો એ સુવર્ણકેશીને! ગોરમહારાજે કહ્યું કે એ વાળ તો રજનીગંધાના, વિશ્વમોહિની! તારા હાથની માગણી કરું છું. (ગોઠણ પડે છે.) રજનીગંધા : સમજી, રાજકુમાર! પણ મને પરણનારને કસોટીમાંથી પસાર થવાનું છે. હું રજનીગંધા છું. રજનીગંધાને મનગમતું ફૂલ જોઈએ! નસીબ અજમાવો. આ આવડું મોટું જંગલ પથરાઈ પડ્યું છે; શોધી લાવો એક ફૂલ. ગમશે તો હું તમારી! કાંચન : તો હું જાઉં છું, રાજબાળા! એક અઠવાડિયા સુધી મારી રાહ જોજો. (રાજકુમાર કટકટ પગથિયાં ઊતરી જાય છે. બીજો રાજકુમાર પ્રવેશ કરે છે.) કુન્દન : મારું નામ કુન્દનકુમાર, કુંવરી! વિશ્વેશ્વરપુરનો હું પાટવી રાજદરબારમાં આવી ભાટચારણોએ તારા ઉર્વશી સમાન સ્વરૂપનાં બિરદ ગાયાં! સુખશાંતિ અળગી કરી ચાલી નીકળ્યો છું. તારો હાથ ચાહું છું, ઉર્વશી! (ગોઠણભર પડે છે.. રજનીગંધા : આવડું મોટું વન વિસ્તર્યું છે, જાવ, રાજકુમાર! એક ફૂલ પસંદ કરી આવો. તમે પસંદ કરેલું મનેય પસંદ આવશે તો હું તમારી. કુન્દન : એક અઠવાડિયાની રાહ જોજો, રાજબાળા! (જાય છે. ત્રીજો કુમાર આવે છે.) કાજળ : મારું નામ કાજળકુમાર, સુંદરી! હું જન્મ્યો તે રાત અમાવાસ્યાની હતી. દૂરદૂર દક્ષિણમાં મારું રાજ્ય છે. પણ સૂર્ય ઢાંક્યો રહે નહિ, અને વાતો તો વા પણ લઈ જાય. વર્ષોથી તારી પ્રતિમા અંતરમાં કોતરી રાખી છે. તું મારી થા એટલી માગણી કરું છું. (ગોઠણ પડે છે.) રજનીગંધા : અઠવાડિયાની મહેતલ આપું છું. દક્ષિણેશ્વર! પાર વિનાનાં પુષ્પો આ જંગલમાં ઊઘડે છે. હું પણ જંગલનું પુષ્પ છું. અને પુષ્પને પુષ્પ જોઈએ. જાવ પસંદ કરી આવો કોઈ એક કાજળ : આદેશ, માનસપ્રતિમા!
રજનીગંધા : (પાછળ ફરી) અને દાસી! જાવ, નીચે જઈ બાકીના સર્વ રાજકુમારોને મારી આજ્ઞાથી સંભળાવી છે કે એક અઠવાડિયામાં સૌએ એક-એક ફૂલ ચૂંટી લાવવાનું છે. રજનીગંધાને જેનું ફૂલ ગમશે તેની તે થશે. (દાસી પ્રણામ કરી જવા જાય છે.) ઊભી રહે. અને કોઈને પણ ઉપર ન આવવા દેવાની દ્વારપાળને આશા દેતી આવજે. દાસી : આજ્ઞા, બા! (જાય છે. રજનીગંધા બીજી દાસીના હાથમાંથી વીંજણો આંચકી લઈ પોતાની મેળે જ પવન નાખે છે. થોડી વાર બારીમાંથી બહાર જોયા કરે છે; પછી બેઠકમાં પડે છે. બે પહેરેગીરો બંદીવાન ભરથરીને ઘેરી લાવે છે. એના પગમાં બેડીઓ છે. ગૂંચવાયેલાં એનાં જુલફાંઓ ઊડી રહ્યાં છે. રજનીગંધા ઊભી થઈ જાય છે. ઘણી વાર સુધી એની સામે તાકી રહે છે. પછી એકાએક) રજનીગંધા : (હીબકાં ભરતી) ભરથરી! મારા ભરથરી! (એના પગમાં માથું મૂકી રોવા લાગે છે.) ભરથરી : (આઘો ખશી) રડો નહિ, રાજકન્યા! રજનીગંધા : (ઊભી થઈ જાય છે. ફરી એની આંખોમાં તાકવા લાગે છે.) ભરથરી! તારી આ દશા? અને તે મારે કારણે? ભરથરી : કાંઈ નહિ, રજનીગંધા! મહારાજાએ કહ્યું કે કાં તો હજારો રૂપિયા ઉઠાવી પરદેશ ચાલ્યો જા, અને કાં તો આ મિનારના ભોંયતળિયામાં બંદીવાન બની રહે. મેં પાછલું કબૂલ કર્યું. મારે ‘એક ગીત ગા, ઓ ભરથરી!’ એવા તારા શબ્દો સાંભળ્યા કરવા હતા, અને તારે માટે ગાયા કરવું હતું. રજનીગંધા : ઓ ભરથરી! મને માફ કર. મારો અપરાધ થયો છે. મને ક્ષમા કર. ક્ષમા કર! (ફરી પગમાં પડે છે. ભરથરી દૂર ખસી જાય છે.) ભરથરી : રજનીગંધા! માફ મારે તે કરવાનું હોય? માફ તો તમારે કરવાનું છે કે આજકાલ સારી રજની બિછાનામાં ચોળાયેલાં તમારાં ફૂલ પાંખડી-પાંખડી થઈ વનવંટોળમાં ઊડી જાય છે અને હું એકઠાં કરી સંઘરી શકતો નથી! ઊભાં થાવ; આમ મને અકળાવો નહિ, રજનીગંધા : (એકદમ ઊભી થઈ જઈ ક્રુદ્ધ દૃષ્ટિએ પહેરેગીરો સામે જોઈ રહે છે.) ખોલી નાખો, ખોલી નાખો આ પગની બેડીઓ! (પહેરેગીરો ભરથરીની બેડીઓ ખોલી નાખે છે. ભૂત ભરાયું હોય તેમ રજનીગંધા ભરથરીનો સમસ્ત દેહ ધારીને નીરખી રહે છે.) ભરથરી, મારા ભરથરી! આવ, આપણે બે ઘડી બેસીએ — જલદી કર! મહારાજાની આજ્ઞા છે કે તને તરત જ આ મિનારની બહાર કરવો. ચાલ, એ પહેલાં તને ધારી ધારીને જોઈ લઉં. આવ, બેસ મારી પડખે. (રજનીગંધા જઈને આસન પર બેસે છે. પછી ભરથરીના આવવાની રાહ જોતી તેની સામે જોઈ રહે છે.) નહિ આવે અહીં? ભસ્થરી : ના રજનીગંધા : અને કશુંય નહિ બોલે? ભરથરી : શું બોલું રજનીગંધા? રજનીગંધા : કંઈક, તને જે ગમે તે! તને જે ગમે તે મને ગમશે. (ભરથરી ફરીથી ચૂપ થઈ ઊભો રહે છે.) (આરજૂથી) બોલ તો! યાદ છે તને? તું ગીત ગાઈ રહેતો ત્યારે હું એક ફૂલ ફગાવતી; કાં? ભરથરી : હા. રજનીગંધા : પછી એનું હું શું કરતો ? ભરથરી : ખબર નથી મને. રજનીગંધા : કહેવું નથી એમ કહે! ભરથરી : એમ કહેવું પડે? રજનીગંધા : એક દિવસે તો મોગરો ફગાવેલો. ગુલછડી અને પારુલના પણ વારા આવી ગયેલા. હવે શું ફગાવવું તેના વિચારમાં છું. બોલ, તને કયું ફૂલ ગમશે? ભરથરી : તને ગમશે તે. રજનીગંધા : તે તો નક્કી કરવાનું છે. (નીચે જોઈ જાય છે. ઘણી વાર સુધી કોઈ કશું બોલતું નથી.) રજનીગંધા : (એકદમ ઊંચે જોઈ) આ તી બહુ ખરાબ! કોઈએ તો કાંઈ બોલવું જોઈએ : કાં તારે ને કાં મારે. આમ ગૂંગા શે બેસ્યું જાય? (ભરથરી મૂંગો જ રહે છે.) રજનીગંધા : બોલને, ભરથરી! ભરથરી : મને બોલતાં નથી આવડતું; કહે તો ગાઈ સંભળાવું. રજનીગંધા : તો, ગા! (ઊભી થઈ એકતારો લાવે છે.) ભરથરી : (ઊભો થઈ જાય છે. રજનીગંધાની સામે જઈ સૂર મેળવે છે. પછી ધીરે ધીરે ગીત છેડે છે.) આવળ બાવળ બોરડીને ઊભા આડાં સરુનાં ઝાડ ઊંડી ખીણો ઊંડી કંદરા ને ઊંચા ઊભા છે પથ્થર પહાડ, કેડી વિનાનાં જંગલ તારાં! સાગરને વળી હોય ઓવારા બંધ કરી દે બોલવું રાણી, દેજે મને ના સાદ : આવ્યા વિના મન માનતું નો ને ભોમિયો ના એકાદ : કેડી વિનાનાં જંગલ તારાં! સાગરને વળી હોય ઓવારા? ડગલે પગલે ઠેશ પડે ને, આંખ ફરૂકે આજ : અપશુકનમાં દોડતો આવું, પાણીને હોય ના પાજ : કેડી વિનાનાં જંગલ તારાં! સાગરને વળી હોય ઓવારા? રજનીગંધા : (ગોઠણભર પડી) બંધ કર, બંધ કર, ઓ ભરથરી! બંધ કર તારું ગાન! બોલવા કરતાં મોઢું બંધ રાખવું જ સારું છે તેની હવે મને જાણ થઈ. (ભરથરી મોં ફેરવી ઊભો રહે છે.) ભરથરી, ઓ ભરથરી! આમ તો જો! એમ માઠું ન લગાડ. (થોડી વારે) ઠીક લે, બોલ તારે બોલવું હોય તે! (ભરથરી મોં ફેરવ્યા વિના જ ઊભો રહે છે. રજનીગંધા ઊભી થઈ એની સામે જ જાય છે.) રજનીગંધા : શો વિચાર કરે છે, ભરથરી? ભરથરી : જવાનો. રજનીગંધા : ક્યાં? ભરથરી : તું મોકલે ત્યાં. રજનીગંધા : સાચે જ! (ભરથરી મૂંગો રહી જવાબ આપે છે.) રજનીગંધા : તો જા આ જંગલમાં, અને શોધી લાવ એક ફૂલ! ભરથરી : કયું ફૂલ? અને કેમ? રજનીગંધા : મહારાજને મનાવવા મેં ઇચ્છાવર વરવા નક્કી કર્યું છે. આઠ દિવસની અવધ આપી ઉમેદવારોને આ જંગલમાં પાઠવ્યા છે. સૌએ એક-એક ફૂલ ચૂંટી લાવવાનું. જેનું ગમશે, તે મને ગમશે. તુંય જા, ભરથરી! તારું જો ગમશે તો હું તારી! ભરથરી : ના. રજનીગંધા : (ચમકી) પણ હું મોકલું ત્યાં જવાનું તેં વચન આપ્યું છે! ભરથરી : પણ આમાં અન્યને અન્યાય થાય, રજની! તને મનગમતું ફૂલ હું લાવીશ એમ નહિ બને; પણ હું લાવીશ તે તને મનગમનું થશે! છતાંય તું કહે છે તો આ...
(મિનારનાં પગથિયાં ઊતરી જાય છે.)