મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ભોજો પદ ૧

From Ekatra Wiki
Revision as of 09:37, 18 August 2021 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search
પદ ૧

દુનિયા દીવાની કહેવાશે રે
દુનિયા દીવાની કહેવાશે રે, ભૂંડી ભીંતોમાં ભટકાશે.

પાપ જ્યારે એનું પ્રગટ થશે ત્યારે, ભૂવા-જતિ ઘેર જાશે;
ધૂણી ધૂણી એની ડોક જ દુ:ખશે, ને લેનારો લેઈ ખાશે રે.
દુનિયા
સ્વર્ગમાં નથી સૂપડું ને નથી ખાંડણિયો ને ઘંટી;
દૂધ-ચોખાના જમનારા તમે, કેમ કરી જમશો બંટી રે?
દુનિયા
ઢોંગ કરી ધૂતવાને આવે ત્યારે, હાથ બતા’વા સૌ જાશે;
ક્યારે આના કર્મનું પાનું રે ફરશે, અને ક્યારે પુત્ર થાશે રે.
દુનિયા
કીમિયાગર કોઈ આવી મળે, ત્યારે ધનને વાસ્તે ધાશે;
ભોજો ભગત કહે ભ્રમણાંમાં ભમતાં ગાંઠની મૂડી ગમાશે રે.
દુનિયા