કાંચનજંઘા/પરિચય

From Ekatra Wiki
Revision as of 04:51, 24 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પરિચય| ભોળાભાઈ પટેલ}} {{Poem2Open}} સાહિત્યકાર ભોળાભાઈ એટલે વિવેચ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પરિચય

ભોળાભાઈ પટેલ

સાહિત્યકાર ભોળાભાઈ એટલે વિવેચક અનુવાદક નિબંધકાર. એના મૂળમાં અભ્યાસીની જિજ્ઞાસા-વૃત્તિ અને સર્જકનું વિસ્મય એકસરખાં છે. હિંદીના અધ્યાપક, ગુજરાતીના લેખક. પ્રૉફેસર થયા પછી પણ ભણતા ગયા –અંગ્રેજીમાં એમ.એ., ભાષાવિજ્ઞાનમાં ડિપ્લોમા કર્યું. સંસ્કૃત-બંગાળી-અસમિયા-ઓડિયા-ફ્રેન્ચ ભાષાઓ શીખ્યા. નવલકથા-નાટક-કવિતા-વિવેચનનાં પુસ્તકોના અનુવાદો કર્યા. વિવેચન-સંપાદનના મહત્ત્વના ગ્રંથો આપ્યા. પણ પ્રવાસરસિક ભોળાભાઈના સર્જનાત્મક નિબંધોમાં એમનું તાજગીભર્યું કુતૂહલ ને અખૂટ અભ્યાસવૃત્તિ એકસાથે ખીલી ઊઠયાં.

સાહિત્ય પરિષદના સામયિક ‘પરબ’નું ઘણાં વર્ષ સંપાદન કર્યું. અગ્રણી સાહિત્યસંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યા.

ભોળાભાઈ પટેલ એટલે તાજગીભર્યું સાતત્ય – પ્રવાસમાં, અભ્યાસમાં, લેખનમાં અખૂટ રસવાળો વિહાર.

કૃતિપરિચય : કાંચનજંઘા

પ્રવાસના અનુભવોને આલેખતા આ નિબંધોમાં સ્થળવર્ણન, સાહિત્ય-સ્મરણ, સાંસ્કૃતિક વિમર્શ તો છે જ, પણ એ કરતાં અહીં અંગત સંવેદનનો ઊર્મિઉછાળ – એક પ્રકારનો લિરિકલ ટોન વધુ ઊપસે છે. ઘણુંખરું એ શાંતિનિકેતન-નિવાસ વખતે લખાયેલા, વર્તમાનપત્રમાં, સામયિકોમાં છપાયેલા, કેટલાક રેડીઓ પરથી પ્રસારિત થયેલા છે. પૂર્વ ભારતનાં કાંચનજંઘા, કલકત્તા, શાંતિનિકેતન, અસમ, માઝુલી; તો મધ્યપ્રદેશનું સાંચી; ઉત્તરમાં આબુ વગેરે સ્થળોનાં સૌંદર્યના રસાનુભવો આપણને પણ એવો જ રસાનુભવ કરાવે છે.

એ નિબંધોની ભાષામાં લાલિત્ય છે, એનાં વાક્યોમાં, પદાવલીમાં, ઉપમા આદિ અલંકારોમાં લેખકનું રુચિર સંવેદન સરસ ઊપસ્યું છે. દેશના વિવિધ ભાગોનાં આ ભ્રમણોની સાથે ઘર-વતનનાં ઉષ્માભરેલાં સ્મરણો પણ એટલાં જ રસપ્રદ રીતે નિરૂપણ પામ્યાં છે.

‘આ ફૂલનું નામ શું?’ એ નિબંધ તો એક પ્રસંગ-આધારિત છતાં પૂરેપૂરો લલિત નિબંધ છે. કેટલાક નિબંધો ઋતુકેન્દ્રી આહ્લાદને આલેખે છે.

પાછળના થોડાક નિબંધો ચિંતન અને ઊર્મિનું સમરસ નિરૂપણ કરતા, ને એમ વિશિષ્ટ સર્જકતા દાખવનારા છે. એવા એક નિબંધમાં લેખક કહે છે : ‘આપણે બસની રાહ જોતા હોઈએ, ત્યારે કંટાળીને ઘડિયાળ જોયા કરીએ એને બદલે આસપાસની એ સમયની આવનજાવન માણી શકીએ તો…’

ભોળાભાઈની આવી લાક્ષણિક સર્જકતાને માણવા હવે એમની સૃષ્ટિમાં જ પ્રવેશીએ…

– રમણ સોની