અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/ગામને કૂવે
Revision as of 06:55, 10 July 2021 by MeghaBhavsar (talk | contribs)
ગામને કૂવે
ઉમાશંકર જોશી
ગામને કૂવે પાણીડાં નહિ ભરું,
કૂવે કળાયલ મોર, મોરી સૈયરું,
ગામને કૂવે પાણીડાં નહિ ભરું.
ગામને સરવરિયે ઝીલણ નહિ કરું,
સરવરિયે ચિત્તડાનો ચોર, મોરી સૈયરું,
ગામને...
ગામની વાડીમાં કદી નહિ ફરું.
વાડીમાં પિયુનો કલશોર, મોરી સૈયરું,
ગામને...
ગામને ચૌટે ઘડીભર નહિ ઠરું,
ચૌટામાં ચમકે ચકોર, મોરી સૈયરું,
ગામને...
ગામમાં માતી હું ન’તી ઘૂમતાં,
તોડ્યો એણે મનડાનો તોર, મોરી સૈયરું,
ગામને કૂવે પાણીડો નહિ ભરું.