સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/ગુજરાત મોરી મોરી રે

From Ekatra Wiki
Revision as of 12:26, 26 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે. ભારતની ભોમમાં ઝ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત
ગુજરાત મોરી મોરી રે.
ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત
ગુજરાત મોરી મોરી રે.
સાબરનાં મર્દાની સોણલાં સુણાવતી,
રેવાનાં અમૃતની મર્મર ધવરાવતી,
સમદરનાં મોતીની છોળે નવરાવતી,
ગુજરાત મોરી મોરી રે.
ગિરનારી ટૂકો ને ગઢ રે ઇડરિયા,
પાવાને ટોડલે મા’કાળી મૈયા,
ડગલે ને ડુંગરે ભર દેતી હૈયાં,
ગુજરાત મોરી મોરી રે.
આંખની અમીમીટ ઊમટે ચરોતરે,
ચોરવાડ વાડીએ છાતી શી ઊભરે!
હૈયાનાં હીર પાઈ હેતભરી નીતરે,
ગુજરાત મોરી મોરી રે.
કોયલ ને મોરને મેઘમીઠે બોલડે,
નમણી પનિહારીને ભીને અંબોડલે,
નીરતીર સારસ શાં સુખડૂબ્યાં જોડલે,
ગુજરાત મોરી મોરી રે.
નર્મદની ગુજરાત દોહ્યલી રે જીવવી,
ગાંધીની ગુજરાત કપરી જીરવવી,
એક વાર ગાઈ કે કેમ કરી ભૂલવી?
ગુજરાત મોરી મોરી રે.
ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત
ગુજરાત મોરી મોરી રે.
મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત
ગુજરાત મોરી મોરી રે.
[‘સમગ્ર કવિતા’ પુસ્તક: ૧૯૮૧]