કોડિયાં/ કોડિયાં-1957 (કૃતિ)

From Ekatra Wiki
Revision as of 11:52, 25 August 2021 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search
કોડિયાં-1957 (કૃતિ)

આઠમું દિલ્હી


દિલ્હી દૂર નથી. કો શૂર તણીય જરૂર નથી, મગદૂર નથી દિલ્હી ચઢવાને. જીતનારના મ્હેલ વસે જેને જીત્યા’તા. કર લેનારા કબરો નીચે; કર દેનારા રાજ્ય કરે, ને વીંચે આંખ ક્ષમાની; ભૂલી જે વર્ષો વીત્યાં’તાં. દિલ્હી દૂર હતું, હા, દૂર હતું એક’દા. દિલ્હી નૂર હતું કો ક્રૂર તણું ને, હા, ચણાવનારના નામ થકી મશહૂર હતું. પણ આ વૃંદ-વાંસળી વાગી આજે જમનાજીને તીર ચણનારા હાથો પર સંગીત રચી સુધીર. સંગેમરમર જાળી જોતાં જાગી ઊઠે સ્પંદ, ઊભરાવ્યા જે આંગળીઓએ પાણામાંથી છંદ. જો, ફાટ્યું ત્યાં ગુંબજ શિવ! છટક્યો ઈંડામાંથી જીવ! સાચું! ભવ્ય હશે ખંડેરો કો’દી આ જ જતન કરી ચણીએ સાચવવા અદકું પ્રાપ્ત સ્વરાજ. ભવિષ્યની કોદાળી જ્યારે નમશે —- નવી પેઢીઓ રટશે કે અવગણશે —- એક ચરુનો નકી થશે ટંકાર. રૂપિયા, પૈસા નયા નીકળશે; ભાતભાતના સિક્કા મળશે; નહિ જડશે તાજની છાપ; કોસી નાથવા કાજે મૂકી મોટે પેટે કાપ.


થર પર થર ખડકાયા. સાત વંશ તો સાત પ્રકરણે છે સપડાયા. મહાગ્રંથ ઇતિહાસ તણો ને કોરા છે અધ્યાય. સાત સલ્તનતો લથડી, નવને ભવિષ્ય ના દેખાય. લૂ-ધક્કેલ્યાં પડ્યાં હાડકાં, મસ્તકહીન મિનાર. મ્હેલાતોમાં મ્હેક માત્ર જ્યાં સૂતાં નર ને નાર. અહીં પડ્યા ઇતિહાસ, અને ઇતિહાસી બન્ધન વિદારવાના યત્ન. અહીં છે થનગન અશ્વ હજાર તણાં ડગલાં જે સૂતાં ધરણી-મન. ડુંગરનાં ધણ દોડી, ઊભરી કદમ અહીં અટકાવે. ધરણી પડી સપાટ અહીં જ્યાં યવનો આવે. દેશ રક્ષવા કાજ મોરચા પ્રથમ રચાતા અહીં. ચાંદનીચોકે જાતાં. સ્વર્ણ, સુંદરી મદિરા તરસ્યાં સો સો લશ્કર. લોહીનાં પુષ્કર. અહીં થઈ લડાઈ પુત્ર, પરદેશી વચ્ચે. અસત્યને પણ આ સ્થળમાં ઊથલાવ્યું સચ્ચે.


કુરુક્ષેત્ર છે અહીં, પાણીપત પણ છે પાસે. અહીંથી ભાગ્યા કૃષ્ણ ગોપી ગોપી કંકાસે. સ્વર્ગ અહીં છે! એમ કવિવર ધૂણતા ત્રણ ત્રણ વાર. કળશ અહીં ભારતને ચડિયો; અહીં થયું હિન્દ ખુવાર. અહીં મર્યા ગાંધી કે જેનાથી જીવે ભારતવર્ષ. મુક્તિ મળી તો આગળ ધપવું એશિયાઈ ઉત્કર્ષ. ગઈ કાલ તણી ધૂળ ઊડે, જામે. ખાત હાડનું ખાઈ ખડ શક્તિ પામે. નીલ ગાલીચો ન્હાનો રણમાં! ભારત-દર્શન એક જ કણમાં! ભૂત-ખભા પર ચડી ભાવિ ડોકિયાં કરતું. મૂવું હતું તે કુતૂબ કૂદી બે વારા મરતું.


ગંગાએ કાશીને આપ્યું એક અનુપ મહત્ત્વ. દિલ્હીએ જમનામાં વેર્યાં ગંગાનાં સૌ તત્ત્વ. જાત્રાનું સ્થળ સર્વશ્રેષ્ઠ આ, આવે વીર ચતુર; વેપારીનાં આવે ઘોડા-પૂર; અને કાશ્મીરી નૂર; મીર દેશના દૂર. સર્વવ્યાપ્ત સરકાર બિરાજે, કવિને કરતી ભાટ; જંગલ છોડી દિલ્હી-કાંઠે યોગી માંડે હાટ; પદવી છે, પહેરામણ છે, છે બિલ્લાં એક અનેક; રાજ્યસભા છે, લોકસભા છે, ને જાવું જો છેક, રચજો કવિતા, લખજો નાટક, કરજો રાજ્યપ્રચાર! નવ દિલ્હીના આકાર! ભવિષ્યની કોદાળી જ્યારે નમશે —- નવી પેઢીઓ રટશે કે અવગણશે જો ત્યાં સુધીમાં વિશ્વ નહિ શૂનકાર —- એક ચરુનો નકી થશે ટંકાર. રૂપિયા, પૈસા નયા નીકળશે; ભાતભાતની મ્હોરો મળશે; નહિ જડશે તાજની છાપ. જડશે ચંદ્રક એક અનેક;

નહિ જડશે શુદ્ધ વિવેક!


એડન


જરા ચરણ ટેકવું, સ્મરણ-સંહિતા વાજતી: નવેનવ દ્વીપે હતી અરબ-ઘોષણા ગાજતી: કુરાન-કલમા પઢી, હય પરે ચઢી, કૂચતા અસંખ્ય નરવીર, ધર્મવીર હાલકે ઝૂઝતા:

અને ચરણ આ પડ્યા વરદ, દિવ્ય, પૈગમ્બરી! મશાલ ધરી આંખમાં, ઉચરતા ખુદાની તુરી; ઝનૂની જનલોકના હૃદયપ્હાણમાં સંસ્કૃતિ તણું ઝરણ પ્રેરતા! — અહીં રમે બધે આ કૃતિ!

અહીં પુરવ-સંહિદ્વાર! શતલોક રાખી જમા મથે વિફર નાથવા પુરવ-કેશરી, કારમા રચી છલન, દાવપેચ! પણ આવશે કો’ સમા જદિ સકળ જાગશું! ગરજશુંય આ દ્વારમાં.

અમેય પરદેશીના ચેણદાસ આજે ખરા!

કરીશું કદી ઘેર તો ધરણીમાતા — વિશ્વંભરા!


અરબી રણ


ક્ષિતિજ પણ રેતની! ઢગ પરે ઢગો વિસ્તર્યા; કરાલતમ ભૂખરા ખડક તો કરે દાંતિયાં! દિશા સકળ ભેદતી ગરમ લૂય ખાવા ધસે; કશેય નવ ઝાંખરું—તનખલું ન લીલું લસે! વિરાટ સૃજી વિશ્વની નીલમ વાડી, થાકી જરા, પ્રજાપતિ મુખેથી એક ધગતો નિસાસો સર્યો. અને અહીં હજાર ગાઉ તક ઝાળતો એ ઝર્યો; ક્યહીં રચત રેતીના ઢગ, ક્યહીં સૂકા ડુંગરા! બધે નજર વિસ્તરે! અતૂટ ચક્રવાલો ચહુ નથી નજર ભાંગવા કશું વિવિધ કે કૈં નવું! વિરાટ નભટોપને સકળ કોરમાં આવરી સપાટ પૃથિવી પડી સુકલ છાતી ખુલ્લી કરી! ત્યહીં જનમ ‘એક માત્ર વિભુ!’ કલ્પનાનો થતો!

—- ‘કરાલ નિજ લોચને સકલ લોકને નાથતો!’


માલ્ટા ટાપુ


તને ઝડપવા ઝૂકેલ સહુ બાઝ શા દેશ, ને તને જકડવા રચેલ સહુ પાશવી વેશ; ને વહેલ નદીઓ રુધિર તણી, દંગ થાતાં ખડાં ધડો, વિકલ મસ્તકો શરીરનાં; — તને નાથવા!

સુવર્ણ-ઇતિહાસના ઊગમથી તને લક્ષ લૈ સહસ્ર-શઢ કાફલા ઊતરતા, વળી ભાગતા; કદીક તુરકો, કદી જરમનો અને ફ્રેન્ચ કૈં! અને સકળ પાછળે બ્રિટનનાંય થાણાં થતાં!

ભૂમધ્ય જલસાગરે શરીર આપીને આ રૂડું લખેલ વિધિએ કપાળ તવ ભાગ્ય ઊંધું — કૂડું! સહુ જલધિબાલરાષ્ટ્ર તણી કૂંચી તું! — હાથમાં લઈ જગત લૂંટવા, ડળક ડોળ સૌ રાષ્ટ્રના!

રુધિર થકી મેળવ્યું, રુધિરથી પડે રક્ષવું!

હજાર મનવાર આ અહીં ખડી રટે, ભક્ષવું!


ગીઝાના પિરામિડો 0

પૃથ્વી તણી પથ્થર-કાય તોડી મહાનદો સ્નિગ્ધ કરે વસુંધરા. રુધિરના રાગ-વિષાદ છોડી બની રહે પ્રાણ તણી પયોધરા.


તીરેતીરે આથડતા પ્રવાસી આવી, વસી, ઠામ કરી ઠરંતા. શરીરની ભૂખ જતાં વિકાસી ઊંડું ઊંડાં અંતરમાં તરંતા.


અને અહીં સંભવ સંસ્કૃતિના વિકાસ તો માનસ-વ્યાપૃતિના, વિરાટ કો આરસની કૃતિના, પ્રકંપ ત્યાં થાય શ્રુતિ-સ્મૃતિના!


પૃથ્વી તણા તપ્ત પ્રચંડ અંગે મહાનદો તો લચતાં પયોધરો. ધાવી લઈ સંસ્કૃતિ-બાળ, રંગે વિકાસતું સર્જનનાં પડો-થરો!


ફર્યો હતો સિન્ધુ તણા કિનારે, પુરાણથીએય પુરાણ સંસ્કૃતિ દ્રવિડીની, સર્જનની સવારે, ખીલી હતી; — તેની સ્મરંત વિસ્મૃતિ!


આર્યો તણી સંસ્કૃતિ-માત ભવ્ય, કાલંદીિ ને ગંગની છાતીઓ પે ચડ્યો હતો બાલક હું, સ્મૃતવ્ય સ્મરી, ભરી અંતરચક્ષુઓ બે!


જીવિતનો ધન્ય ઊગ્યો સવિતા! ત્રીજી મહાસંસ્કૃતિ-માત દર્શી! ઈજિપ્તની ઊછળતી શી ગીતા સમી દીઠી નાઈલ: ક્રાન્તદર્શી નથી; છતાં ભૂત-ભવિષ્યનાં સહુ ભેદી પડો, દર્શન અંતરે લહું!


કાંઠે જમા દંગલ રેતી કેરાં; — પરે વળી પથ્થર દંગલો ભરી, — આકાશનો ઘુમ્મટ ઘેરવા કરી! — કર્યા ઊભા ભવ્ય, મહા, વડેરા ગીઝા તણા ચાર પિરામિડો! — તૂટ્યા! આશ્ચર્ય તો પૃથ્વી તણાં ન ફૂટ્યાં!


અને નીચે શાશ્વત સોણલામાં સરી જવા, માનવ કોઈ સૂતાં; મૃત્યુ તણી જીવતી કો’ કલામાં ભળી જવા, જીવન છોડી જૂઠાં!


જાગી જશે! અંદર સોણલે પડ્યું! બ્હીને! — કર્યો મંદ ત્વરિત ઊંટિયો. ને આંખથી અશ્રુ ઊનું નીચે દડ્યું, પ્રતપ્ત રેતી મહીં એ ગયું ગળી.


આ સૂર્યનો ધોમ પ્રચંડ તાપ ભેદી શકે પથ્થર-દંગ કેમ? મસ્તીભરી નાઈલના પ્રલાપ પૂછી શકે અંદરના ન ક્ષેમ?


ત્યજી દઈ જીવન જૂઠડાં આ, મૃત્યુ તણું જીવન જીવવાને સૂતેલ જે અંદર, તે મડાં ના, — જીવી રહ્યાં જીવતદાન દાને!


સોનારૂપા ઓપી સહસ્ર ભારે રચી હતી ભવ્ય, વિરાટ શય્યા! સમૃદ્ધિ રાખી સઘળા પ્રકારે, ત્યજ્યા હતા પ્રાણ તણા બપૈયા!


સુવાસને સંઘરવા સજાનો. પ્રદીપવા ખંડ દીવી સુવર્ણની. અંગાંગને સાજવવા ખજાનો સામગ્રી ત્યાં સાથ તમામ વર્ણની.


જીવિતનો સાગર પાર પામવા સાથે લઈ હોડી અને હલેસાં સૂતેલ, તેને મૃત કેમ માનવાં? હશું નહીં આપણ સૌ મરેલાં? — ખરે મને તોય અદમ્ય શંકા! બાજી રહે છાતી મહીંય ડંકા!


નહીં! અહીં તો સઘળાં નગારાં પડ્યાં દીસે, ગૌરવગાન પીટવા મિથ્યાભિમાની નરપુંગવોનાં; — ત્રિકાલના કર્ણ વિદારવા મહા!


‘અમાપ છે શક્તિ અમારી’ એવી ચણી દીધી તો નહીં હોય ઘોષણા? હસી રહી હોય ન દૈવદેવી પછાડીને પથ્થરપ્હાણ તો ઘણા?


મહાન કો’ રાજવીનું, મહાન સામ્રાજ્યનું કોઈ વિરાટ સોણલું ઠરી ગયું; તે નહિ હોય થાન? — ભવિષ્યના વારસે મહામૂલું?


મનેય આજે બળતા બપોરે જાગી રહે ભીષણ એક એષણા: બનું કદી રાજવી દૈવ-જોરે! પિરામિડો હુંય ચણાવું સો-ગણા! — ઊંચાઊંચા આથીય અભ્રભેદી! અને રચું અંદર એક વેદી!


સ્મશાનથી સૌ પરમાણ ગોતી ભેગું કરું માતનું દેહ-મોતી! સોના તણી સાત સુવર્ણપેટી મહીં દઉં એ દવલું લપેટી! અને પછી હું બનીને પ્રતિમા રક્ષી રહું વેદીની સર્વ સીમા!


ધીમે પળું હું નમણી નિશામાં!

જ્યાં ઊંટની દોરવણી! — દિશામાં!


મોના લિસાનું સ્મિત


કહું કદીક: ગૂઢ મર્મ સ્મિતનો લિસા! મેં ગ્રહ્યો! —વિવેચક હજારને જીવન વેડફ્યે ના મળ્યો! સહુ ભમ્રર ભાંગશે વિકલ: બેસ, ડાહ્યો થયો :! જરાક લવતાં શીખ્યો, જરીક પાંગર્યો, ત્યાં છળ્યો! છતાંય વદું: લુવ્રને જીવન આપતાં હાસ્યની પ્રતિચ્છવિ પડી હૃદે, જગ ચળાવતા લાસ્યની! અજેય સ્મિત આ દીધું નહિ હતું તને વિન્ચીએ! —- ન જે રચી શકાય હાસ્ય ખુદ વિશ્વકર્માથીએ! —


જગે સ્વરૂપ વેરવા, અનુપ મૂર્તિ સર્જાવવા, અકારણ તને હતી કદીક ચીતરી વ્યાપવા. પરંતુ શત લોક ચારુ તુજ લોચનો પેખતાં, કદી ઝઘડતાં, કદીક છળતાંય, ગાંડાં થતાં!


અને તુજ કપોલમાં કરચલી ઊઠી પાતળી, જરીક ઊપસેલ તે અધરનીય રેષા ઢળી. અસંખ્ય જનની સહી ઉર વિદારતી મૂર્ખતા, જરાક કરુણાર્દ્ર ચક્ષુ અવહેલનાયે ઢળી!


ઠરેલ તુજ ચીતરેલ મુખ તેમ મર્મે હસ્યું! કપોત તુજ છાતીનું જરીક ઊછળીને લસ્યું! પ્રદીપશિખ પાતળાં વિકલતા વળ્યાં આંગળાં! સહસ્રશત વાળની વિકિરતીય સોળે કળા!


નહિ સ્વપનમાંય ખ્યાલ સ્મિતનો લિઓનાર્દને! કહો, ક્યમ વિવેચકોય તણી પાસ ખુલ્લો બને? વિશાળ તવ લોચનો નીરખી માનવી પામરો, જરીક હસતાં રડી રચત ફિલસૂફીના થરો!


અને તુજ સ્વરૂપના ચીતરનારના માનસે

મનુષ્ય-દિલદીનતા હસતું હાસ્ય કેવું હશે!


દ્વિધા


પણે ઊભરતા મહઉદધિ અશ્વપીઠે ચડી, અપાર પૃથિવી તણા સકળ પાર લેવા લડી: ઊડી ગગન ફૂંકફૂંક નભદીપ હોલાવવા: સરું વિતલ નાગપુત્રી વરમાળધારી થવા: અને અહીં ખળંત આ ઝરણ, ને ઊભા ડુંગરા, વચાળ નવપલ્લવે લચિત ઝૂંપડી, સુંદરા પ્રતિક્ષણ પ્રતીક્ષતી-નીતરતી પીળાં પોપચે; મૂકી સકળ કૂચવું! હૃદય જુદ્ધ ભારી મચે! અજંપ મુજ અંગમાં; હૃદય રાગભારે ભર્યું; જ્વલંત મુજ ભાવનારુધિર ક્યાંક થોડું ઠર્યું; અપ્રાપ્ય સહુ પામવું: નહિય મેળવ્યું છોડવું, વિરાટ હૃદયી થવું!-સકળ વિશ્વ જેમાં જડ્યું. ઊઠીશ પુલકી કદીક જગ મૃત્યુનાં ખોળવા! વિષાદ પણ વ્યાપશે જીવનવિશ્વ છોડી જવા! સમાન્તર સુરેખ બે


સમાન્તર સુરેખ બે ઉભય આપણે વીંધતાં જશું જીવન આપણું: સકલ પૃથ્વી પે મૂકતાં જશું ચરણચિહ્નની અતૂટ વાધતી વીથિકા, વિજોગ મહીંયે સમી ગ્રથિત પ્રેમની લિપિકા:

સમાન્તર સુરેખ બે ઉભય એકમેકાકુલા હું-તું સદય દોડશું વર, વિરાટ રુદ્રં, મહા, અપ્રાપ્ય સમ પામવા મહદ કાલના અન્તને: અનન્ત કદી અન્તમાં વિલીન થયા શ્રદ્ધા મને!

સમાન્તર સુરેખ બે ઉભય વેગળીવેગળી; છતાંય પથ, લક્ષ્ય ને તલપ એક: સાથે મળી અસ્પૃશ્ય સ્પર્શે અડી સકળ જંદિગી બેકલાં રહી જગત ઝૂઝશું ઉભય એકલાંએકલાં.

સમાન્તર સુરેખ બે અખિલ કાલગંગાતટે કદી નવ મળે, અડેય નહિ; તોય સારી વદે પ્રમા ગણિતશાસ્ત્ર : એય મળતી અનન્તે નકી! ખરે? ઊગમ એક: ને અગમ ભાવિ; આશા થતી!

મૂકી તુરગ મોકળા પવન-પાણી-પન્થા હવે સખી! જીવનદેવતા! ઉભય દોડશું આ ભવે કૂદંત પુરપાટ, વક્ષસ્થળ ફાટ, સાથે - જુદાં, ઊગ્યાં ત્યમ અલોપવા પ્રણયએકમે, અનન્ત મહીં જાગવા ઉભયમાં! — સૂતેલાં જુદાં!

અને જીવન વીંધતી સરિતના સમા તીર બે અસ્પૃષ્ટ — અતિસ્પૃષ્ટ, એક પથ-પાન્થ, યાત્રી બની, પ્રવાહ સદસાધના, સ્વપનસિદ્ધિનો તો કરી, અનન્ત ધરી લક્ષમાં જીવનશું — સખી, કોલ દે!

10-10-’33


પુરુષ અડતો સ્ત્રીને


અમે જઈ ઊભાં ઊંચે લળતી નાળિયેરી તળે, સમુદ્ર મરજાદ શી નીલમ વેલ લૂમે વળે નીચે પગ કને: તિમિર તણી પાંખ માંહી જરી લપાઈ સુણતા પણે મુખર સાગરી ખંજરી.


પુરુષ અડતો સ્ત્રીને પ્રથમ વાર, ને સ્ત્રીય તે વ્રીડા પ્રથમ ચુંબને ધરત; ને ઉન્હી સંગતે સમુદ્ર, તરુ, વેલીઓ, સમીર ને દીવા દૂરના, ત્રિલોક ગળતું મિષે ઉભય નેહના નૂરમાં.


જરીક થડકી ઊઠી હું અણચંતિવ્યા પ્રશ્નથી: પ્રિયા! પ્રિયતમા! કહે, ક્યમ તું આટલાં વર્ષથી હતી વરી ચૂકી છતાંય મુજથી રહી વેગળી? તમેય... હુંય ઉચ્ચરી, ક્યમ ન વાંસળી સાંભળી?


અમે વરસ વેડફ્યાં ઉભય પ્રીતની શંકમાં.

કદી ન અળગાં થશું! જીવશું એકડા અંકમાં!


સુકાન પર ટેકવી


સુકાન પર ટેકવી સબળ વક્ષ, ને હાથની પડાળ કરી આંખને, કમરથીય નીચે નમી, પ્રિયે! નિરખતો હતો ધરણી-પ્રાન્ત ઊભી તને; હતી અમૂલ બે ઘડી જલધિ પાર જાવા મને.


અને ત્યહીં દીઠી ઢળેલ તવ પોપચે તોરણે રચી નીતરતી સુધાંશુ સમ મૌક્તિકો પાંપણે, સરી ગયુંય એક અશ્રુ મુજ નેનથી કારમું, મહાન, દવલું, ઊનું, અમુલ પ્રેમના સારનું.


સહસ્ત્રશત જોજનો જલધિના વચે ઘૂઘવે; અને જલધિ આ મહાન નીરખી વ્રીડા સંભવે; હશેય અવડું, મહાન, દવલું, ઊનું આંસુડું! રડેલ ચખનું હશેય વળી કેવું હૈયું વડું!


મહાન જ્યમ સર્જનો મહદ તેમ તેની વ્યથા! સખીરી ! મુજ — તાહરી ટચુકડીય વ્હીલી કથા!

15-5-’34


ઘરજાત્રા


પાર કર્યો પહેલો મહેરામણ           અમુક્ત માનસ નીતરવા; ઘર લથડેલો નીચો ઝંડો           પર ઓથે ઊંચો કરવા. ફૂલ મળ્યાં, આશ્વાસન પામ્યો,           ના એકલ હું, સમજાયું; લડાઈ સૌની જુદી જુદી,           એક થતાં સત રોપાયું. અખબારો આહ્લેક પુકારે,           બીજો સમદર વીતી આવ! દોડધામની દુનિયામાં તું           અનહત હિન્દી ઢોલ બજાવ! દુશ્મનના ધડાકારા વચ્ચે           અહીં તહીં ગયા સાચા સૂર; રોજિંદી એ કલમે મારા           ના ઊતર્યાં હૈયાનાં પૂર. ત્રીજે ટેકે રચ્યાં પુસ્તકો           અર્થશાસ્ત્ર ઇતિહાસ ભરી; ચોથો દરિયો પાર કરીને           પરભાષાને આપ્ત કરી. આત્મકથા સરજાવી ત્યારે           જમણી મારી ફરકી આંખ; વાત અનોખી સૂણી પૂર્વની           પરદેશોએ લીધો પાંખ. નવલકથા નાટક સર્જાતાં           ઓળંગ્યા બે દરિયા સાથ; પરભાષામાં મળ્યાં ચુંબનો,           પરભાષામાં લીધી બાથ. પરદેશણ ભર્યા જોબને           પરદેશીએ માંડી મીટ; આંખ વીંચાણી એ તંદ્રામાં           શિર પર ત્યાં તો ડગ્યો કિરીટ. યાત્રા કેરો અંત જણાયો,           સર્વ જીત્યો એવું જ્યાં થાય; સાત સમુંદર ઓળંગેલી           કવિતાની કેડી પરખાય. કમાન જેવો દેહ પાતળો,           પકડું, પકડું, છટકી જાય; પકડી, આળોટ્યાં જ્યાં, નીચે           સ્વભોમનું ધ્રો-ખડ પથરાય! ઊખડેલા નવ આંબા ઊગે!           ઘરે ઊગેલા આભે પૂગે!

16-9-’48


બારી અનન્ત પરે


કાંચનજંઘાની જાંઘ પરે એક ગામડામાં એક ખોરડું છે, એ ખોરડામાં એક ઓરડો છે. એક બારી ખરી એ ઓરડામાં; સાંકડી બારીમાં દૃશ્ય મઢ્યું વિરાટ તણું; કાળ અનન્ત ને સર્જન સર્વ પરે સાંકડી બારી ડોકિયું દ્યે.


માણસ માણસને મન છે, મગજ છે, જિગર છે. એક માપના ઓરડા સમ. એક માપની બારી ખરી મનને, મગજને, જિગર પર, બધે. કદ માનસનાં આંહીં ઘટે તો આંહીં વધે; ક્યાં બારી પડે? — (જાળિયું કૂપ તળે? અરીસા ઉપરે?)

— કાંચનજંઘાની હાર પરે?


લઘુતમ સાધારણ અવ્યય


અંધારાના ઢગલા જેવાં           વૃક્ષો ઝૂમે બંને હાથ; વચમાં રસ્તો વળે સાંકડો,           અકળાતાં રજનિની બાથ.           મોટર-બત્તી તેજ કરું!           પ્રકાશ-કેડી હું પ્રગટું! વેગ વધાર્યો, ઢાળ આવતાં,           આગળ કો મોટર દેખાય—- સરકંતા અંધારા જેવું           કાળમુખમાં લબકું જાય.           મુજ બત્તીનું તેજ ઝીલી!           બારી આગળ જાય ખીલી! મોટા શ્યામ ગુલાબ સરીખો           અંબોડો રૂપકોર મઢ્યો. બટમોગરની ચક્ર વેણીએ           તિબેટ-શાલીગ્રામ જડ્યો.           અર્ધ ઊંઘમાં એ દર્શન!           થાતાં સ્મૃતિઓનાં થનગન! કોણ હશે? ક્યાં જાતી આજે?           ઘેર ભાઈને? કે અભિસાર? જે મુખ અંબોડાએ ઢાંક્યું,           કેમ પામવો એ આકાર?           એવી વેણીવાળાં કૈં કૈં           મુખનો મનમાં થાય ઉચ્ચાર! વિહ્વળતા વધતાંની સાથે           સુપ્ત સ્મૃતિના થર ઊખડ્યા. ધુપેલ, વેણી, સો અંબોડા,           સો સો ચિત્રો ત્યાં ખખડ્યાં.           અમુખને મોઢું આપું!           રુઝેલ સો ભીંગડ કાપું! હશે શેવતી? — ભણતાં સાથે;           બાળા? — સફર કરેલી એક; હશે આરતી? — તરવા જાતાં;           આશા? — કાવ્ય સ્ફુરેલ અનેક.           બીજ? — પાતળી; રાધા? —જાડી;           પ્રેમી? — જેણે ના પાડી. મૂરખ, કવિ ! જો મોઢું દેવું,           જગદંબા આદ્યા સર્જાવ! અંબોડે અંબોડે ગૂંથ્યા           લઘુતમ શા ઈશ્વરના ભાવ! પ્રેમજોશ તો લઘુતમ અવ્યય           જેનું ‘પ્રત્યેકા’ ભાજક. કવિ કને જે વિશ્વવિજય તે,           સંત મને પહેલું ત્યાજક. શક્તિ સરખી, સંત, કવિની! છે મ્હોંકાણ જ્વલંત છબીની!

5-9-’50