કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૪૨. વનવાસ
Revision as of 07:55, 11 July 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૨. વનવાસ|જયન્ત પાઠક}} <poem> લો, આ છેલ્લું ખેતર, અહીં લો સંસ્કૃત...")
૪૨. વનવાસ
જયન્ત પાઠક
લો, આ છેલ્લું ખેતર, અહીં લો સંસ્કૃતિની હદ પૂરી;
હવે ઊઘડતો વગડો, ડુંગરીઓ ભૂખરી ને ભૂરી.
તમરાં ત્રમ ત્રમ કરે, પાંદડાં ખરે, ડરે અંધારું,
ત્રાડ-ફાળથી ખખડે પ્હાડી પ્રથમીનું તલ-સારું;
ધીગાં તરુથડ ઓથે ટેકરીઓની સંતાકૂકડી
નાની નદીઓ રમે પાંચીકે, જાય ઓઢણી ઊડી;
કાંઠાની કણજીને છાંયે આડાંઅવળાં બેઠાં
વાગોળે બપ્પોર ઢોર, ચરી પ્હાડ ઊતર્યાં હેઠાં;
કેડી અહીંથી જરાક ચાલે આગળ કે ખોવાતી
ડૂબકી મારી નીકળે વીંધી ઊભા ખડકની છાતી;
ચારે બાજુ પ્હાડ પ્હાડ ને વચમાં ગોળ કૂંડાળે
ઊભા હોઈએ જાણે કોઈ સુક્કા કૂપ વચાળે;
પવન પાંદડાં ચારે, રહી રહી પડઘામાં ડચકારે
બેસું બેસું થતી ઊંટટેકરીઓ પથ્થર-ભારે;
વૃક્ષો પરથી વળી વળી વાનર કૌતુકમાં ભાળે
ઓળખ હોય પુરાણી જાણે, ઊતરે નીચી ડાળે!
૬-૬-૧૯૮૪
(ક્ષણોમાં જીવું છું, પૃ. ૩૯૩)