કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૪૪. ઉત્કંઠેશ્વરમાં
Revision as of 08:10, 11 July 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૪. ઉત્કંઠેશ્વરમાં| જયન્ત પાઠક}} <poem> ગગન ફરૂકે ગેરુઓ, ફડફડ હો...")
૪૪. ઉત્કંઠેશ્વરમાં
જયન્ત પાઠક
ગગન ફરૂકે ગેરુઓ, ફડફડ હોલા-પાંખ
ખળખળ વાત્રકવ્હેણ ને ઝળઝળ સૂરજ-આંખ;
કોતર ભરીને કારમાં આળોટે અંધાર
પવન અડ્યે ફકફક હસે જરાજરામાં ઝાડ;
કાંઠો-કાતર વેતરે ભૂરું કપ્પડ-આભ
ધબ્બ ધરાજલમાં પડે સૂરજ, ઊડે ડાઘ;
ઘુમ્મટ નીચે ગર્ભમાં ગોખે બળતો દીપ
મૂકી મણિ મણિધર ફરે શિવના લિંગ સમીપ;
ઘંટાવરમાં ઘૂમતો ઘેરે દેરું ધૂપ
નંદી નસકોરાં ભરી પગ વાળીને ચૂપ;
શ્વેત શિખર કૈલાસ ને નીલગગન નીલકંઠ!
ધરતી પારવતી નીચે તપતાં તપ ઉત્કંઠ!
૧૬-૪-૧૯૮૩
(ક્ષણોમાં જીવું છું, પૃ. ૪૦૫-૪૦૬)