કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૧૮. વિરહના આંસુ
Revision as of 15:42, 16 July 2021 by KhyatiJoshi (talk | contribs) (KhyatiJoshi moved page કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૧૮. વિરહના આંસુ to કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૧૮. વિરહના આંસુ)
૧૮. વિરહના આંસુ
ઉશનસ્
જુઓ તો, રસ્તામાં સ્મિત ઘર જતાં તો રડી પડ્યાં!
ભરાયાં ખૂણે જૈ, પથ ઉપર જે ધોરી રખડ્યાં!
ન જાણ્યુંઃ ક્યારે એ અતલ ઉરની કોક છીપમાં,
સરી જૈ સેવાયાં, અવ તગત મુક્તાફલ સમાં,
પૂરેપૂરાં પાકી અઁસવન થઈ પાંપણ ઝૂલે!
નિશીથે ઓશીકે નયનઅણીથી મોતી ખરતાંઃ
રૂડાં વીણી વીણી ફરીથી મૂકવા જોગ નયને!
રહું ન્યાળી મારા રમણીય વ્યથાના વિભવને,
અહો શી આવે છે ભીતર-ભરતી છોળ રતિની,
જતી મૂકી મોતી અમૂલખ અહીં લોચનતટે!
રહે છે છોળોથી મરુપથ શી આ જિંદગી ભીની,
ભલે આવો આંસુ, નહિ લૂછું, પૂછું ના પરિચયે,
હું જાણુંઃ જે આવ્યા અધર પર શુભ્ર સ્મિત થઈ
સ્વયં તે આંખોથી અવ નીતરતા રે રહી રહી.
૫-૩-૬૨
(સમસ્ત કવિતા, ‘રસ્તો અને ચહેરા’ સૉનેટ-ગુચ્છમાંથી, પૃ. ૨૭૬)