કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨૧. જૂના ચ્હેરા જાગે
Revision as of 15:45, 16 July 2021 by KhyatiJoshi (talk | contribs) (KhyatiJoshi moved page કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨૧. જૂના ચ્હેરા જાગે to કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨૧. જૂના ચ્હેરા જાગે)
૨૧. જૂના ચ્હેરા જાગે
ઉશનસ્
જૂના ચ્હેરા જાગે, ગત સમય કેરા રહી રહી.
સ્મશાને જાણે કે રજકણ ઊઠે છે સળવળી,
ઊઠે નાની’મસ્તી મૂઠી ધૂળ તણી આંધીલહરી
દિયે પાછો આ સાંપ્રતસમય સૌનેય ઢબૂરી.
ગમે તેવા ગાળા સુખસમયના હોય તદપિ,
કરે ગાળે ગાળે અચૂક ઊભું માથું સ્મરણમાં;
હસી ર્હે છે કોઈ ગમગીન, રહે તાકી કરુણું,
બીજા કો સંતાડે નયનજલ આડા ફરી જઈ.
બધાયે ચ્હેરાપે પઢી રહું ઉપાલંભની લિપિ,
ખરું છે : આયુષ્યે તમ વિણ હસ્યો છું પછીથીયે
ખરું : મેં સંબંધો જગ સહ દીધા ન ટૂંકવી,
ક્ષમસ્વ, ક્યારે તો રમૂજ જીવવામાંય પડી છે;
જૂના ચ્હેરા જાગે
અને જાણે મારા
ખુલાસાઓ માગે.
૭-૯-૬૧
(સમસ્ત કવિતા, ‘રસ્તો અને ચહેરા’ સૉનેટ-ગુચ્છમાંથી, પૃ. ૨૮૩)