યુરોપ-અનુભવ/રોદાંના સૌન્દર્યલોકમાં
જર્મન કવિ રિલ્કેના કાવ્યજગતમાં વિચરણ કરતી વખતે સ્વાભાવિક રીતે જ એમના જીવન – વિશેષે કલાજીવન વિષે પણ જાણ્યું હતું. વીસમી સદીનો પહેલો દાયકો અનેક કલાઆંદોલનોના પ્રસ્થાનબિન્દુ જેવો હતો. પિકાસો જેવા ચિત્રકારોએ કલાજગતમાં ક્રાન્તિ લાવી દીધી હતી. શિલ્પ ક્ષેત્રે રોદાં જેવા વિખ્યાત શિલ્પકારો થયા. રિલ્કે એ દિવસોમાં પૅરિસ આવીને રહેલા. પૅરિસ હતું આધુનિક કલાઓનું ધબકતું કેન્દ્ર. એ કવિને અન્ય કલાઓમાં રસ જ નહિ, ઊંડી જાણકારી પણ. એમણે આ મહાન શિલ્પી રોદાં વિષે પુસ્તિકા લખેલી. ખરેખર તો એ વખતે કલાકારો અને કવિઓ જાણે એક તરંગ પર સવાર હોય એમ કલા અને કવિતા અને કથામાં આમૂલચૂલ ફેરફારો લાવી રહ્યા હતા. રિલ્કે પોતે જ પ્રતિભાશાળી કવિ અને એ રોદાં વિષે પુસ્તિકા લખે, એટલું જ નહિ રોદાંના રહસ્યમંત્રી તરીકે પણ થોડાંક વર્ષ પૅરિસમાં રહે એ વાતથી એટલું તો અનુમાન કરી શકાય કે, રોદાં પૅરિસના કલાજગતની કેટલી મોટી હસ્તી હશે!
લુવ્રથી જરાય ઓછું નહિ એવું રોદાં મ્યુઝિયમ (Musee Rodin)નું આકર્ષણ હતું. આ મ્યુઝિયમ લુવ્રના પ્રમાણમાં એક નખ જેવડું કહેવાય. પણ રિલ્કે અહીં રહેલા એ વાત પણ અમારે મન મહત્ત્વની હતી. અઢારમી સદીમાં બનેલી એક હોટલ બીરોનમાં આ મ્યુઝિયમ છે, જેમાં રોદાંની લગભગ ૫૦૦ જેટલી શિલ્પકૃતિઓ છે, જે ૧૯૧૭માં, મૃત્યુ સમયે તેમણે રાષ્ટ્રને સમર્પિત કરી હતી. તેમાં કેટલીક સફેદ આરસપહાણમાં કંડારવામાં આવી છે, કેટલીક કાંસામાં.
મ્યુઝિયમમાં પ્રવેશ કરતાં જ જમણી તરફ એક ખંડ હતો, જેમાં એક તખતી પર લખેલું કે રાઇનેર મારિયા રિલ્કે ૧૯૦૮થી ૧૯૧૧ અહીં રહ્યા હતા. રિલ્કેની કવિતા, વિશેષે ‘ન્યૂ પોએમ્સ’ સંગ્રહમાં પ્રાપ્ત કવિતાઓ પર વિવેચકો રોદાંની કલાદૃષ્ટિનો પ્રભાવ જુએ છે.
વિશાળ જગ્યા છે. એમાં ગાર્ડન પણ છે. પ્રવેશની ડાબી તરફ જે શિલ્પ છે તે ‘બર્ગર્સ ઑફ કાલાઈ (કેલે?)’ એટલે કે કાલાઈના નાગરિકોનું છે. ચારપાંચ આધેડવયના પુરુષો જુદી જુદી મુદ્રામાં વાતો કરતા ઊભા છે. શિલ્પકલાની રીતે એની વિવેચના કરવી મારા જેવા માટે મુશ્કેલ છે; માત્ર આ જ નહિ, બીજાં શિલ્પો કે ચિત્રોની પણ. પણ એક ભાવક તરીકેની નજરે જ વાત કરી શકાય. પ્રસિદ્ધ સાહિત્યકારો વિક્ટર હ્યુગો અને બાલ્ઝાક – બાલ્ઝાક કાંસ્યમૂર્તિ રૂપે છે – નાં શિલ્પ તો ઓળખી શકાય. બાલ્ઝાકનું શિલ્પ ત્યાંની મ્યુનિસિપાલિટીએ રોદાંને બનાવવા કહેલું, પણ એને જાહેરમાં મૂકવાનો ભારે વિવાદ થયેલો. (ઈ.સ. ૧૮૭૭ના છાપાંનાં કટિંગ્જ સચવાયેલાં છે.)
રોદાં વિષે વધારે જાણવા એક વખતે ડેવિડ વાઈસની રોદાંના જીવનકેન્દ્રિત નવલકથા ‘નેકેડ કેઇમ આઇ’ (આ ધરતી પર હું નગ્ન અવતર્યો છું અને અંતે નગ્ન રૂપે જવાનો છું એ – એની ડૉન ક્વિક્ઝોટમાં આવતી પંક્તિનો તેમાં સંદર્ભ છે.). એક કલાકારનો જીવનસંઘર્ષ એમાં નિરૂપાયો છે, પણ કેન્દ્રમાં વાત છે મનુષ્ય દેહના ઓજ અને લાવણ્ય વિષેની. એની કારકિર્દીના આરંભમાં એણે ‘એઝ ઑફ બ્રોન્ઝ’ શિલ્પ બનાવેલું. એ શિલ્પમાં પુરુષની નગ્ન આકૃતિ છે. જેવું એ શિલ્પ પ્રદર્શિત થયું કે ૧૯મી સદીની કલારસિક પૅરિસનગરીમાં પણ હોહા મચેલી. ધરાર નગ્ન! પછી તો રોદાંએ એવાં પુરુષો અને નારીઓનાં અનેક શિલ્પો કર્યા છે. એના સ્ટુડિયોમાં મોડેલોને નગ્ન જ રહેવાનું રહેતું, જે સ્ટુડિયોના ઉદ્યાનમાં સ્વાભાવિકપણે ફરતાં હોય. રોદાં તેમાંના એકાદના દેહની કોઈ રેખા, કોઈ વળાંક જોઈ, એને ત્યાં થંભાવી દે, પછી અંકિત કરી લે.
રોદાંના ‘ચુંબન’ (Kiss) નામના જગવિખ્યાત શિલ્પમાં મૉડેલ તરીકે એની પ્રેયસી અને સ્વયં ઉત્તમ શિલ્પલેખા એવી કામિલે હતી. એ શિલ્પ કેમ ઘડાતું ગયું, મનુષ્યદેહની ઉષ્મા રોદાં ઠંડા પથ્થરમાં કેવી રીતે ઉતારી શક્યો એની વાત નવલકથામાં રોમાંચક રીતે કહેવામાં આવી છે. રોદાંની સર્જનપ્રક્રિયા પર એ પ્રકાશ ફેંકે છે. એ રીતે રોદાંનાં શિલ્પોમાં મનુષ્યદેહનો અદ્ભુત મહિમા છે, માત્ર ચહેરો જ આત્માનું પ્રતિબિંબ નથી હોતો, શરીરનો કોઈ પણ અંશ આત્માને પ્રતિબિંબિત કરે છે. એનાં શિલ્પોમાં દેહનાં રમ્ય લાવણ્ય અને કાઠિન્ય પણ પ્રકટ થાય છે. અહીં આપણને ભારતીય પ્રસિદ્ધ શિલ્પપરંપરા અવશ્ય યાદ આવે. ચુંબન, સંભોગનાં શિલ્પો કે નારીના સ્તનમંડળનો મહિમા કરતાં શિલ્પોમાં ભારતીય કલાકારોને કોઈ ન પહોંચે. તે ઉપરાંત પણ ભારતીય શિલ્પકારોનું મૂર્તિવિધાન અને ભાસ્કર્યકર્મ પણ અનન્ય છે.
એનાં બધાં શિલ્પો પર નજર કરતાં પસાર થઈએ એટલા ઓછા સમયમાં કે એ વિષે વાત કરવી નરી પ્રગલ્ભતા ગણાય, પણ જેવું ‘ચુંબન’ શિલ્પ જોયું કે થંભી ગયાં. સફેદ આરસમાં ચુંબનની મુદ્રામાં સંપૂર્ણ નગ્ન નર અને નારી બેઠેલી મુદ્રામાં છે. પોતાનો ડાબો હાથ પ્રિયજનના ગળામાં નાખી જમણી તરફ મોં રાખી એના મોંને ચૂમતાં જે રીતે પ્રિયતમાની આવેગસભરતા પ્રકટ થઈ છે તે તો કહેવાય કે એના દેહનાં સમગ્ર અવયવો આત્માને પ્રતિબિંબિત કરે છે, પુરુષનો અસંપ્રજ્ઞાત હાથ પ્રિયતમાના ખુલ્લા જઘન પર આંગળીઓની ચેતના પ્રકટાવતો રહેલો છે – અને એમના પગ?
એથી વિભિન્ન શિલ્પ – અત્યંત જાણીતું – ‘ચિંતક’ (Thinker)નું, મૂર્તિમાન વિચાર જ જાણે. પથ્થર પર બેઠેલ મનીષી જરા આગળ ઝૂકી જમણા હાથની હડપચી મોં પર રાખી ડાબો હાથ જાનુ પર એ રીતે રાખી બેઠેલ છે કે – કહ્યું તેમ – જાણે અમૂર્ત એવા વિચારનું મૂર્તરૂપ. એવી રીતે વેદના(Sorrow)નું શિલ્પ. અમૂર્તનું મૂર્ત રૂપ. ઈવનું શિલ્પ પણ પ્રભાવક છે, આદમ અને ઈવનું એક પથ્થરમાં સાથે પણ છે – શયનની મુદ્રામાં. ઈવના ઢીંચણ ઊંચા, કોણી ઊંચી. બીજા શિલ્પોમાં ‘ધરતી અને ચંદ્ર’, ‘ઉષા’, ‘વિનસની સજાવટ’… એકલા હાથનાં શિલ્પ પણ અનેક છે.
નીકળતાં નીકળતાં વળી કેટલાંક શિલ્પો ફરી નજીકથી જઈ જોયાં. તેમાં ‘ચિંતક’ અને ‘ચુંબન’ તો હોય જ ને!