ચૈતર ચમકે ચાંદની/ગોલકોંડાનું કોહિનૂરથીય મૂલ્યવાન રત્ન
ખંડેરોનું એક અજબનું સમ્મોહન હોય છે. ઈંટોના કે પથ્થરોના ઢગલા થઈ ગયા હોય કે જીરણ દીવાલો પરની છત અંદર ઢબી પડી હોય અને અહીંતહીં ઘાસ ઊગી ગયું હોય, અંતઃપુરોનાં હમામખાનાં ઉઘાડાં પડ્યાં હોય, ગર્ભગૃહોમાંથી દેવતાઓનો વાસ ઊઠી ગયો હોય અને દીવાલો પરની ખંડિત, અર્ધખંડિત કે અખંડિત શિલ્પમૂર્તિઓ કાલજયી સ્મિત વેરી રહી હોય અને આવામાં પરસ્પરથી અજાણ્યા મુસાફરોની ટૂરમાં કોઈ ચતુર વાચાળ ગાઇડ દંતકથાઓ પર દંતકથાઓ કે રાજમહેલોની રહસ્યકથાઓ અને ભક્તોની ચમત્કારકથાઓ કહેતો જતો હોય ત્યારે એક જુદા મુડમાં – એક જુદી માનસિકતામાં પ્રવેશી જઈએ છીએ. એ માનસિકતામાં એક વેરાનનો, એક ઊધ્વસ્તતાનો ભાવ પ્રધાન બની જતો હોય છે. કુતૂહલપ્રિય ટુરિસ્ટો વચ્ચે એકલા પણ પડી જવાય એમાં તો નવાઈ શાની હોય! જ્યારે પરિચિતોની વચ્ચે પણ અપરિચિતતાનો બોધ છવાઈ જતો હોય. ખંડેરો તમને એમ ને એમ છોડતાં નથી. જો તમે થોડા પણ સંવેદનશીલ હો, તો એ તમારી ચેતનામાં પ્રવેશી જાય છે, મગજમાં ચઢી જાય છે.
આવી રીતે તડકામાં ગોલકોંડાના પ્રસિદ્ધ કિલ્લાના, ખંડેર કિલ્લાનાં પગથિયાં ચઢતો હતો. હૈદરાબાદની પાસેના કુતુબશાહી બાદશાહોના મકબરાઓ વચ્ચેથી ગોલકોંડાના કિલ્લાનું ઉજ્જડ પ્રોફાઇલ જોઈને આખો ભૂતકાળ સળવળવા લાગ્યો હતો. ગ્રૅનાઇટના કોટવાળો આ કિલ્લો જમીનદોસ્ત કર્યો અને કુતુબશાહીને ખતમ કરી ત્યારે ઔરંગઝેબે આલમગીર નામ ધારણ કરેલું.
કોંડાનો અર્થ તો ટીંબો થાય છે. ગોલકોંડા એટલે ગોવાલ કોંડા – ભરવાડનો ટીંબો, જેમ નાગાર્જુન કોંડા. ગોલકોંડાનો વૈભવ જેવોતેવો નહોતો. દુનિયાભરમાં પ્રસિદ્ધ હતું ગોલકોંડા તેના હીરાની ખાણો માટે. કોહિનૂર તે આ ગોલકોંડાનો. કોહિનૂર એટલે જ તેજનો પર્વત. ગોલકોંડા અત્યારે તો માત્ર તડકાના તેજમાં ઉઘાડો પડ્યો છે અને એ તેજનો પર્વત-કોહીનૂર મોગલો પાસે થઈ અત્યારે બ્રિટિશ તાજમાં તેજ વેરી રહ્યો છે!
ગોલકોંડા દુર્ગની તળેટીના વિશાળ પ્રવેશદ્વારે ગાઇડ ઊભો રહી ગયો. આમતેમ ડાફેરો મારતા પ્રવાસીઓ એની આજુબાજુ ગોઠવાઈ ગયા–પછી એ જાણે જાદુ કરવાનો હોય તેમ કહેવા લાગ્યો. દરવાજામાં એક સ્થળે ઊભા રહી એણે તાળી પાડી – ત્યાં દૂર અનેક ઊંચે કિલ્લાની એક રાંગે ઊભેલી વ્યક્તિએ તાળી પાડી પ્રત્યુત્તર વાળ્યો. ત્યાંથી અવાજ નીચે આવ્યો. વિસ્મિત થયેલા પ્રવાસીઓને ગાઇડ કહેતો હતો – કિલ્લાની રચનામાં ગોઠવાયેલી ‘સાઉન્ડ સિસ્ટમ’ વિષે. સાચે જ આશ્ચર્યજનક સંરચના હતી. કેટલું બધું અવકાશી અંતર, છતાં અહીંના શબ્દો ત્યાં અને ત્યાંના શબ્દો અહીં પહોંચતા હતા!
ગાઇડે અગાઉ કહી દીધું હતું કે આ હૈદરાબાદ શહેરનું પ્રથમ નામ હતું ભાગ્યનગર. મોહમ્મદ કુલી કુતુબશાહ એક નર્તકીના પ્રેમમાં પડી ગયા હતા. એનું નામ ભાગ્યવતી-ભાગવતી. એને એ પરણ્યા અને જે નવું નગર ગોલકોંડાની નજીક વસાવ્યું તેને નામ આપ્યું ભાગ્યનગર. ચારસો વરસ થઈ ગયાં એ વાતને. એનું નામ પણ બદલાઈ ગયું અને ભાગ્ય પણ. ગોલકોંડાના જૂના મહેલો, મહેલોમાં અવરજવરના માર્ગો, એનો ઇતિહાસ. ગોલકોંડાના બાદશાહો સાહિત્યકલાપ્રિય હતા. દખિની હિંદી-ઉર્દૂ અહીં વિકાસ પામી – એ સાથે સંસ્કૃત – અને તેલુગુને પણ પ્રોત્સાહન મળ્યું હતું.
ઉપર જવાનાં પગથિયાં ચઢતાં ચઢતાં ગાઇડે એક બાજુના રસ્તે અમને લીધા. એક બારણા વિનાના દરવાજામાં થઈ અમે પ્રવેશ કર્યો તો પથ્થરમાં કોતરેલ એક લાંબી ઊંચી ગુફા જેવું. ઉપર એક નાનું બાકોરું હતું. દરવાજો બંધ હોય તો માત્ર તેમાંથી જેટલો પ્રકાશ આવે એટલો ખરો.
દરવાજા પાસે જ એક બાઈ તંબુર લઈ ભજન ગાતી હતી, નવાઈ લાગી. ત્યાં ગાઇડે કહ્યું – અહીં રામદાસને પૂરવામાં આવ્યા હતા – બાર વરસ સુધી. તાનાશાહ તરીકે ઓળખાતા અબુલ હસનના શાસનકાળમાં તેના દીવાન મદન્નાની ભલામણથી એક ગોપન્ના કરીને તેના ભત્રીજાને ભદ્રાચલમમાં તલાટી-તહેશીલદાર તરીકે નીમવામાં આવેલો. ગોપન્ના રામભક્ત હતો. એવો રામભક્ત કે તેનું નામ રામદાસ-રામદાસુ પડી ગયું. તેલુગુમાં નામને ‘ઉ’ પ્રત્યય લાગી જાય છે.
રાજ્યના મહેસૂલમાંથી એણે ભદ્રાચલમાં રામનું મંદિર બંધાવ્યું, મંદિરની મૂર્તિઓ સજાવી. એની ખબર પડતાં રામદાસુને અહીં કારાગારમાં પૂરવામાં આવ્યા. અહીં પણ એમની રામભક્તિ ચાલુ રહી. પછી રામલક્ષ્મણે ગુપ્ત વેશે જઈ રામદાસુએ સરકારનું જેટલું દ્રવ્ય મંદિરમાં વાપર્યું હતું તેટલી કિંમતનું સોનું તાનાશાહને આપી કહ્યું કે અમે રામદાસુના માણસો છીએ અને હવે તેમને મુક્ત કરો.
ગાઇડ તો વાત કરીને ટોળાને લઈને ચાલવા લાગ્યો, પણ હું જલ્દી બહાર નીકળી ન શક્યો. પેલી બાઈ હળવે સૂરે ભજન ગાતી જતી હતી – રામદાસનું કારાગાર ખાલી હતું –પથ્થરનું અણઘડ કારાગાર ઉપર એક કાણું – જેમાંથી કેદીને ખાવાનું નાખવામાં આવતું હશે.
પહેલાં તો જાણે મને જ મૂંઝારો થવા લાગ્યો – બાર વરસ અહીં બંધ. ઉપર માત્ર એક કાણું. બંદી દશાની એક અસ્તિત્વવાદી બેચેની મને અશાંત કરી રહી. રામદાસુએ બાર વર્ષ કેવી રીતે કાઢ્યાં હશે–? રામનામને બળે. ભક્તિની પ્રચંડ શ્રદ્ધાને બળે. જેની પાસે આવી શ્રદ્ધા ન હોય તે? પણ પછી રામદાસુની શ્રદ્ધાની વાત મનમાં ટંકાઈ ગઈ. કારાગાર મંદિર બની ગયું. પેલી બાઈ ભજન ગાતી જતી હતી.
હું ઘણો પાછળ રહી ગયો હતો. તડકામાં ખડકો બધા તપવા લાગ્યા હતા. આમેય હૈદરાબાદની આજુબાજુ ખડકો જ છે. હરિયાળી ઝાઝી નથી. ખડકો હોય તો જ હીરાની ખાણો હોય ને? હા, તો હવે ઉપર ચઢતાં મારા મનમાં રામદાસુના વિચારો આવતા હતા. પછી તો છેક ઉપર પહોંચી ગયો. ગાઇડ વળી પાછો ‘સાઉન્ડ સિસ્ટમ’નો પ્રત્યક્ષ કહો કે પ્રતિ – કર્ણ પુરાવો આપતો હતો. અહીંથી છેક નીચે દરવાજે ઊભેલા દરવાનને તાળી પાડવા કહેતો હતો. ત્યાં તાળી પડી – અહીં અવાજ સંભળાયો. રામદાસુ પથ્થરના કારાગારમાંથી રામલક્ષ્મણ જાનકીને વિનય કરતા હશે—કોણ સાંભળતું હશે.
જેને સાંભળવાનું હતું તે જ. ભક્તિનો આ ચમત્કાર છે. ચમત્કાર માનવા ન માનવાનો પ્રશ્ન જ નથી. ચમત્કારને ચમત્કાર તરીકે લેવાનો. ઊતરતી વખતે પણ કિલ્લાની મહોલાતનાં ખંડેરો. ક્યાંક ગઢના કોટમાં બાકોરું પડી ગયું છે અને એ બાકોરું બની ગયું છે એક ફ્રેમ – નીચે દૂર પથરાયેલા હૈદરાબાદ નગરને જોવાની. પણ અહીં આસપાસ તો પીળું પડી ગયેલું ઘાસ તડકામાં તગતગે છે.
ધીમે ધીમે ઊતરી ગયા, પણ રામદાસુના કારાગારના વિચારો આવતા રહ્યા. નરસિંહ મહેતાએ જૂનાગઢમાંથી હૂંડી લખી આપી હતી. શામળશા શેઠને નામે. એમને તો ગાવાનું હતું – ‘મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી રે!’ અને ભક્તની નહિ, પણ પોતાની લાજ રાખવા શામળિયાએ શામળશા શેઠ થઈને હૂંડી સ્વીકારી હતી!
નરસિંહ મહેતા જેવા જ શ્રદ્ધાવાન હતા રામદાસુ. નરસિંહે જેમ શામળા ગિરધારીને, તેમ રામદાસુએ ભદ્રાચલ સ્વામી રામને ઢંઢોળવા માંડ્યા પોતાનાં ભજનોથી. એકાંત કારાગારમાં પુરાયેલા રામદાસુના એક ભજનનો ભાવ છેઃ
‘રામ તમે ક્યાં ગયા, ક્યાં ગયા તમે રામ? હું તમારી કૃપાની યાચના કરું છું. હું તમને મારી આંખે જોવા માગું છું, તેવે વખતે રામ તમે ક્યાં ગયા? અંધકાર, કારાગારના આક્ષેપમાંથી મને છોડાવો. તાનીશા આવશે અને આરોપનામું ફરમાવશે. બાકી રહેતું મારું દેણું તમે ચૂકવી દઈને મને કેમ છોડાવતા નથી રામ? રામ, તમે ક્યાં ગયા? ભદ્રાચલ સ્વામી રામ, તમે ક્યાં ગયા?’
બિલકુલ નરસિંહ મહેતાની હૂંડી જેવી પ્રાર્થના. પણ ભદ્રાચલના સ્વામી રામચંદ્રે રામદાસુને બરાબર બાર વરસ રાહ જોવડાવી હતી. બાર વરસ રામદાસુ પેલા એકમાત્ર કાણાવાળા અંધારિયા કારાગારમાં ભદ્રાચલના સ્વામીનાં ભજનો રચતા રહ્યા! બીજા એક ભજનમાં તો તેમણે રામચંદ્રને સંભળાવી દીધું :
‘હે ઈક્ષ્વાકુતિલક, હજી મને કેમ જવાબ આપતા નથી? તમે મને નહિ બચાવો તો કોણ બચાવશે? હે રામચંદ્ર, તમારા મંદિરને સુંદર કોટ ચણાવ્યો, તેમાં મને દશ હજાર મુદ્રાનું ખર્ચ આવ્યું, તમારા મંદિરનું ભવ્ય શિખર બનાવ્યું છે, એક અપરિચિતની જેમ મારા તરફ વર્તાવ ન કરો. ભરતજી માટે રત્નચંદ્રક બનાવ્યો, તેના દશ હજાર થયા, શત્રુઘ્નજી માટે કમરબંધ ઘડાવ્યો, તેની દશ હજાર મહોરો થઈ, સીતામૈયા માટે આમલીના પાનના આકારનો ચંદ્રક ઘડાવ્યો, એના દશ હજાર થયા. તમારે માટે જાતજાતના રથ બનાવડાવ્યા, તમારે માટે સુંદર મુકુટ બનાવ્યો છે, જે ધારણ કરીને તમે ગર્વથી હર્ષ પામો છો, અને આ બધાંના બદલામાં મારા પગમાં લોખંડની જંજીરો પડી છે, હે રામ!’
આ તો મેં મૂળ સંગીતમય રચનાઓનો અંગ્રેજી અનુવાદ પરથી ભાવ આપ્યો છે, એ જ્યારે મૂળમાં ગવાતાં હશે ત્યારે ભક્તિભાવ આપમેળે પ્રકટ થતો હશે. પણ રામદાસુ માત્ર ભક્તકવિ નથી, પરમ ભાગવત ગણાય છે.
દક્ષિણના મહાન સંગીતકાર ત્યાગરાજે એમનાં ભજનોને સંગીતમાં રાગબદ્ધ કર્યાં છે. રામદાસુ ગોલકોંડાનું મહાર્ઘ રત્ન છે.
ત્રણ વર્ષ પહેલાં લંડન ગયો ત્યારે લંડન ટાવરના મ્યુઝિયમમાં ગોલકોંડાનો કોહિનૂર હીરો જોવાની વાત મિત્રોએ કરી હતી, પરંતુ કોણ જાણે આપણી પરાજયગાથાના પ્રતીક જેવો એ કોહિનૂર જોવાની ઇચ્છા થઈ જ નહિ. મારે મન ગોલકોંડાના એ બ્રિટિશ તખ્ત શોભાવતા ઇતિહાસપ્રસિદ્ધ કોહિનૂર કરતાં ગોલકોંડાના આ રામદાસુ જેવા ભક્તનું મૂલ્ય વિશેષ છે. ગોલકોંડાનાં એ ખંડેરોમાં એમનો અચાનક ‘ભેટો’ થઈ ગયો. પછી તો એ સંત મૃદુ પગલે મારી ચેતનામાં પ્રવેશી ગયા છે.૧પ-૩-૯૨