દૃશ્યાવલી/રોમાન્ટિક રોડ
કવિ નિરંજન ભગતે મને કહેલું કે યુરોપમાં જોવા જેવાં મુખ્યત્વે ચાર નગર : પૅરિસ, રોમ, એથેન્સ અને લંડન. તેમાં પૅરિસ માટેનો એમનો પક્ષપાત બહુ જાણીતો છે. પૅરિસનો પાછલાં ૫૦૦ વર્ષનો ઇતિહાસ તો એ જાણે જ છે. એની ગલીએ ગલીને પણ એ જાણે છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. દિવસો સુધી ભમી ભમીને એમણે પૅરિસને ‘પદગત’ કર્યું છે. પૅરિસમાં ત્રણ દિવસ હોઈએ તો શું જોવું, અને, ક્યાંથી જોવાનો આરંભ કરી અંત કરવો, એ બધું હાથમાં રહેલા આમળાની જેમ મને સમજાવી દીધું. પછી કહ્યું કે સેન નદીને કાંઠે ચાલતાં ચાલતાં કોંકોડ સુધી જઈ ત્યાંથી શરૂ થઈ. નેપોલિયને બંધાવેલા ‘વિજય-તોરણમ્’ (આર્ક દ ત્રિઑંફ) સુધી જતાં શાંઝલિઝે નામથી વિખ્યાત રોડ ઉપર તમે ન ચાલો તો તમારી યુરોપયાત્રા અધૂરી.
પૅરિસના એ રમ્યભવ્ય રોડની વાત તો પછી, પણ એ પહેલાં એક બીજા રોડની વાત કરવી છે, જેની કવિશ્રીએ વાત નહોતી કરી. યુરોપ-યાત્રામાં જર્મનીને અમે છ દિવસ આપવાના વિચારેલા, તે એમને વધારે લાગેલા. કહે: પૅરિસ કે પછી રોમમાં વધારે રહેજો, પરંતુ એમણે જો જર્મનીના ફ્રાન્કફર્ટથી મ્યૂનિક સુધીના માર્ગની ૩૫૦ કિલોમીટરની બસયાત્રા કરી હોત તો પૅરિસના શાંઝલિઝે જેવો આગ્રહ આ રોડ માટે કર્યો હોત.
જર્મનીના એ રોડનું નામ જ છે ‘રોમાંટિશે સ્ટ્રાસે’. અંગ્રેજી ગુજરાતીમાં કહીશું રોમાન્ટિક રોડ. વુઝબર્ગથી ફ્યુઝન એટલે કે નદી માઈનને કાંઠેથી આલ્સની ગિરિમાળ સુધીના માર્ગે જનાર યાત્રિક વિરલ પ્રાકૃતિક સૌંદર્યની સાથે મધ્ય યુરોપીય ઇતિહાસ, સંસ્કૃતિ અને કલાની સમૃદ્ધ પરંપરાનો અણસાર પામી જાય. દ્રાક્ષલતાઓથી વીંટળાયેલાં ગામકસબા નયનમાં વસી જાય.
પણ આપણે રોમાન્ટિક રોડ પર જ આવીએ. જેને કોટ-કિલ્લા, દુર્ગ-ગઢમાં રસ હોય તે એને સમાંતર એવો બીજો માર્ગ ‘બુર્ગન સ્ટ્રાસે’ એટલે કે કૅસલ રોડ લઈ શકે. એ માર્ગ હાઇડેલબર્ગને કિનારે વહેતી નેકરને કાંઠે કાંઠે જાય. વચ્ચે આવતાં રોશનબર્ગમાં બન્ને માર્ગ જોડાય. અમારું ચાલે તો વારાફરતી બન્ને માર્ગે જાત, પણ એક જ માર્ગની પસંદગી હતી, એટલે લીધો રોમાન્ટિક રોડ.
ફ્રાન્કફર્ટના સ્ટેશને લૉકર્સમાં અમારો મુખ્ય સામાન મૂકેલો હતો. સ્ટેશન નજીકની એક હોટેલ, જ્યાં અમે ઊતરેલાં, ત્યાં ભરપૂર નાસ્તો કરી, થોડો વધારાનો સામાન મૂકી રાખી, ચેક આઉટ કરીને જ નીકળ્યાં. રાત્રે મોડેથી પાછા આવી વિયેના જતી ગાડી પકડવાની હતી. સવાર ખુલ્લી હતી. કાચા તડકામાં સ્વચ્છ ફ્રાન્કફર્ટ તાજું તાજું લાગતું હતું. અમારે સ્ટેશન પાસેના બસ પ્લૅટફૉર્મ નંબર-૯ ઉપર ઊભાં રહેવાનું હતું. અહીંથી ‘યુરોપાબસ’ સવા આઠ વાગે અમને લઈ જવાની હતી. અમારી જેમ બીજા વિદેશી પ્રવાસીઓ ઊભા હતા. ભારતમાં પ્રવાસ કરતાં હોઈએ ત્યારે ગમે ત્યાં જાઓ ત્યાં જેમ બંગાળીઓ મળી જાય એમ યુરોપ-અમેરિકામાં જાપાનીઓ મળી જાય.
એક પ્રવાસી બસ આવી. અમે તો તત્પર હતાં, પણ કંડક્ટરે કહ્યુંઃ તમારી બસ આવવામાં છે. બરાબર આઠ ને દસ મિનિટે બસ આવી. અમે અમારા યુરેઇલ પાસ બતાવ્યા. યુરેઇલ પાસ મુખ્યત્વે તો રેલવે-મુસાફરી માટેના છે, પણ યુરોપમાં તો અનેક બસ-મુસાફરીઓ અને સરોવરોમાં નૌકાયાત્રા માટે – પણ ચાલે છે. યુરેઇલ પાસ ન હોય તો અમારે આ માર્ગયાત્રાની ૧૦૦ જર્મન માર્ક એટલે કે લગભગ એક હજાર રૂપિયાની ટિકિટ લેવી પડે. અહીં રેલવે અને બસની મુસાફરી અત્યંત મોંઘી હોય છે. યુરેઇલ પાસ ન ખરીદ્યો હોય તો આપણે તો લૂંટાઈ જઈએ એવું લાગે. યુરેઇલ પાસ બતાવતાં જ ભૂરી આંખોવાળી કંટક્ટરે કહ્યું : બેસી જાવ.
બસ ઊપડી. અડધી ખાલી હતી. કંટક્ટરે પોતાનું અને ડ્રાઇવરનું નામ કહ્યું. એનું નામ હતું ક્લોડિયા. વચ્ચે વચ્ચે જર્મનમાં અંગ્રેજીમાં સૂચનાઓ આપતી જાય. સ્થળોનો પરિચય આપતી જાય. ફ્રાન્કફર્ટની સડકો પર બસ ચાલી જતી હતી. ફૅક્ટરીઓની ચીમનીઓ દેખાતી હતી, પણ નગર ધોયું ધોયું હતું. એટલામાં આવી નદી માઇન્ઝ. ભરપૂર પાણી. સાબરમતી આવી ભરેલી હોય તો આપણું અમદાવાદ કેટલું શોભી ઊઠે એવો વિચાર મનમાં ઝબકી ગયો. નદીના સ્વચ્છ પાણીમાં કેથિડ્રલના ઊંચા અણીદાર શિખરોની છાયા દેખાઈ ગઈ. થોડી વારમાં તો બસ નગરની બહાર નીકળી. યુરોપના લાંબા બસ-રૂટનો આ અમારો પ્રથમ અનુભવ. જર્મનીના માર્ગ આખા યુરોપમાં અવ્વલ નંબરના ઑટોબાન કહેવાય છે. આપણે ત્યાં અમદાવાદ-વડોદરા વચ્ચે એવો એક્સપ્રેસ માર્ગ બાંધવાની વાત ચાલે છે. મુંબઈ સુધી પણ લંબાવાય. એ ભારતમાં એવો પ્રથમ ‘એક્સપ્રેસ વે’ હશે. થશે?
ખુલ્લા આકાશ નીચે બન્ને બાજુ વૃક્ષરાજી અને વચ્ચેના માર્ગો પર અસંખ્ય મોટરગાડીઓ દોડી જાય. હૉર્ન તો આખા યુરોપમાં એક વાર પણ સાંભળ્યું નથી. ભાગ્યે જ કોઈ મોટરગાડીનું હોર્ન વગાડે. અવાજનું પણ પ્રદૂષણ નહીં. આટલા લાંબા માર્ગ પર રસ્તે એક પણ બંધ પડેલી ગાડી કે ઊંધો કાચબો થઈ ગયેલી ટ્રક કે બસ-મોટર જોયાં નહીં. આવા માર્ગો પર કોઈ ચાલતું તો હોય જ શાનું? ઉપર આકાશમાં જેટ વિમાન ધૂમ્રસેર છોડતું પસાર થયું. તેમ છતાં એવું લાગે નહીં કે આપણે એકદમ અદ્યતન નગરસંસ્કૃતિના પરિસરમાં છીએ. એટલું અરણ્ય જેવું લીલું લાગે.
બસમાં યાત્રીઓને કશું ખાવાની મનાઈ હતી. સ્વચ્છતાનો આગ્રહ છેડા સુધીનો. મારી સમાંતર સીટ ઉપર એક ઇન્ડોનેશિયન દંપતી હતું. તરુણી પત્ની ઘણી સુંદર, ગોરો રંગ, પણ યુરોપ-અમેરિકાનો નહીં, પૂર્વ એશિયાઈ. એમનું નાનું બાળક જોઈ મારો પૌત્ર અનન્ય યાદ આવી ગયો. એવું ચીની નાક. કવિ કાલિદાસ હોત તો બાળકને ધવડાવતી એ તરુણી મા વિશે અવશ્ય કવિતા કરી હોત. બાળ ઈશુને ધવડાવતી મેડોનાનાં અનેક ચિત્રો તો, પછી રોમ, ફ્લૉરેન્સ અને પૅરિસના લુવ્રના મ્યુઝિયમોમાં જોયાં.
માઇન નદી આવી. પર્વતમાળા આવી. પર્વતમાળા પર જંગલો હતાં. જંગલો પર તડકો હતો. ક્ષણે ક્ષણે લેન્ડસ્કેપ બદલાતો જાય. ‘માઇલોના માઈલ મારી અંદર પસાર થાય.’ – કવિ ઉમાશંકરની આ પંક્તિ પ્રમાણતો હતો. ગાઢ અરણ્યો પસાર થાય. વળી ખુલ્લાં ઢળતાં ખેતરો આવી જાય. લીલા રંગની કેટલી બધી છટાઓ આંખમાં અંજાતી જાય! ખુલ્લાં ખેતરોમાં બહુ લોકો દેખાય નહીં. બહુ લોકો શું, કોઈ દેખાય નહીં. આ ખેતરો કોણ ખેડતું હશે, વાવતું હશે, લણતું હશે?
શાન્ત જળમાં હોડી સરકતી હોય એમ જર્મનીના આ વિખ્યાત રોમાન્ટિક રોડ ઉપર યુરોપા-બસ સુંવાળી રીતે દોડતી હતી. એકાએક મનમાં વિચાર ઝબકી ગયો: બીજા વિશ્વયુદ્ધમાં આ જર્મની કેવું ધ્વસ્ત થઈ ગયું હતું અને પછી જોતજોતામાં કેવું બેઠું થઈ ગયું. મારે મન જર્મની હતું – કવિ ગેટે અને શિલરનું, કવિ રિલ્કે અને ટોમસ માનનું. સંસ્કૃત પંડિત મેક્સમ્યુલરનું પણ. બીજુંય એક જર્મની હતું અને તે હિટલરનું. જે જર્મન ભાષામાં ઉચ્ચતમ દાર્શનિક ચિંતન અને સૂક્ષ્મતમ હૃદયસંવેદનાઓ પ્રકટી હતી એ ભાષામાં લાખો નિર્દોષોની નૃશંસ હત્યાના આદેશો આપી એને હિટલરે કેવી ભ્રષ્ટ કરી દીધી! જર્મનીનાં શહેરોમાં જર્મન ભાષા સાંભળવા મળતી હતી. જર્મન ભાષાસાહિત્યનો વર્ષો પહેલાં કરેલો અભ્યાસ કામ આવતો હતો. સાઠના દાયકામાં જર્મન ભાષાનો અભ્યાસ એટલા માટે કર્યો હતો કે, જર્મની જવું છે. એ વખતે જર્મન ભૂગોળ નજર સામે રહેતી. રાઇનને કાંઠે ભમવાની હોંશ હતી. જોકે પછી ક્યાં જવાનું બન્યું?
ના, બન્યું. આજે આ યુરોપા બસ જર્મનીના વિખ્યાત બવેરિયા પ્રાન્તના સુંદરતમ માર્ગે મને લઈ જઈ રહી છે. ભૂરી આંખોવાળી ફ્રાઉલાઇન (કુમારી) ક્લોડિયા કહી રહી છેઃ હવે વુર્ઝબર્ગ આવશે. ત્યાં બસ થોડી વાર થોભશે. અમે આ મધ્યકાલીન નગરમાં આંટો મારી શકીશું. વુર્ઝબર્ગનો સીમાપ્રદેશ ઢળતી ટેકરીઓવાળો. એ ટેકરીઓ પર આંખો પહોંચે ત્યાં સુધી દ્રાક્ષની વાડીઓ જ વાડીઓ. દૂર-નજીક વૃક્ષની છતરીઓ તો હોય જ. માઇન નદીનો જળપ્રવાહ પસાર થયો. વુર્ડ્ઝબર્ગ માઇનને કાંઠે છે. કલોડિયાએ કહ્યું કે : બહાર જુઓ! નદીના પુલની બન્ને બાજુ પંદરમી સદીમાં મૂકેલાં ખ્રિસ્તી સંતોનાં હારબંધ પૂતળાં હતાં.
વુર્ઝબર્ગમાં પંદર મિનિટનો વિરામ હતો. અમે જડેલા પથ્થરની સડક ઉપર ચાલવા લાગ્યાં. અઢારમી સદીનાં બેરોક શૈલીનાં મકાનો છે એમ કહેવામાં આવેલું. બેરોક શૈલી એટલે? સોળ, સત્તર અને અઢારમી સદીના યુરોપમાં ખ્રિસ્તી ધર્મ અનુમોદિત ચિત્રશિલ્પ સ્થાપત્યની એક વિશિષ્ટ કલાશૈલી માટે એ સંજ્ઞા વપરાય છે. માઇકેલ ઍન્જેલોની કળામાં એનાં મૂળ છે. વુર્ઝબર્ગ એ રીતે એક વિરાટ કલાપ્રદર્શનમાં ગોઠવાયેલું નગર લાગ્યું, જેની ગલીઓમાં પ્રવાસીઓનાં ટોળાં ઊભરાતાં હોય. આ યુનિવર્સિટી ટાઉન પણ છે. માઇન નદી ઘણી નીચાણે વહે છે, એટલે એના પ્રવાહ સુધી પહોંચવાનો અમારો ઉત્સાહ મંદ પડી ગયો. નદીના ઊંચાણે એક ટીંબા પર મારીયનબર્ગનો કિલ્લો દેખાતો હતો. એ એટલો ઊંચો હતો કે ત્યાં જઈ પાછા આવવામાં કલાક થઈ જાય, એટલે ત્યાં જવાનો વિચાર પણ ઊઠ્યો એવો શમી ગયો.
તે જર્મનીનાં ઘણાંબધાં નગરો-કસબાઓની વાત કરતાં બીજા વિશ્વયુદ્ધ સાથે એનો સંદર્ભ જોડાય. બીજા વિશ્વયુદ્ધમાં એ બચી ગયું કે બીજા વિશ્વયુદ્ધમાં એ તારાજ થયું? તારાજ થયું તો કેટલા ટકા? વુર્ઝબર્ગ ૮૦ ટકા તારાજ થયેલું, પણ એની સડક પર ચાલતાં એ ખ્યાલ ન આવે એટલું બેઠું થઈ ગયેલું છે.
વળી યુરોપ-બસ ઊપડી. વળી દ્રાક્ષની વાડીઓ શરૂ થઈ ગઈ. ક્લોડિયાએ બવેરિયા વિસ્તારના વિખ્યાત દારૂની વાત કરી. યુરોપ અને પછી અમેરિકાના ભ્રમણમાં એ વાતની પ્રતીતિ થઈ કે, દારૂ એ અહીંની પ્રજાઓની સંસ્કૃતિ કહો તો સંસ્કૃતિ, ધર્મ કહો તો ધર્મ, સામાજિકતા કહો તો સામાજિકતાનું અભિન્ન અંગ છે. દ્રાક્ષ ઉગાડી એમાંથી જાતજાતના દારૂ બનાવવાનું વિજ્ઞાન વિકસિત થયેલું છે, જેને અંગ્રેજીમાં Oenology કહેવાય છે. (અમેરિકાનાં ન્યૂયૉર્ક રાજ્યમાં સેનેકા લેકને કાંઠે આવેલી કેટલીક ‘વાઇનરી’માં જવાનું પછી બન્યું. દ્રાક્ષ ઉગાડવાથી માંડી દારૂ બનવા સુધીની પ્રક્રિયાઓ જોઈ. જાતજાતના વાઇન ચાખી જોયા! નાયગરા વિસ્તારની દ્રાક્ષના આ વાઇન બહુ વિખ્યાત છે.) ક્લોડિયાએ કહ્યું : ૧૭૧૮ના વર્ષમાં અહીં વાઇન ભરવા ચામડાની વિશિષ્ટ આકારની બૉટલ અસ્તિત્વમાં આવી. એ પછી ગ્લાસ બોટલ. અહીં દ્રાક્ષની વાડીઓમાં વાઇન ડ્રિન્કિંગનો મહિમા છે.
રોમાન્ટિક રોડ તો આગળ ને આગળ જતો હતો. અનેક નાનાં ગામ આવે અને પસાર થઈ જાય. લાલ નળિયાંનાં ઢળતાં છાપરાંવાળાં ઘર, ઝૂમખાંઓમાં વેરાયેલાં હોય. એકાદ ચર્ચનો ઊંચો ક્રૉસ ગામની સ્કાયલાઇન રચતો દેખાય. પણ ક્યાંય લોકો ઝાઝા નજરે ન પડે. એક ગામની ભાગોળે વૃક્ષની ઝાડી વચ્ચે એક નાની નદી વહેતી જતી હતી. ત્યાં બસ ધીમી પડી. ક્લોડિયાએ નદીકિનારે એક શિલ્પ બતાવ્યું. ‘રાઇડર ઑન ધી ઑક્સ.’ નંદી પર બેઠેલો અસવાર. નંદી માત્ર શિવજીનું જ વાહન હોય એવું થોડું છે! આ શિલ્પનો પ્રસંગ એવો છે કે, આ અસવાર નંદી પર બધાને નદી પાર કરાવતો, પણ એથી એની આવી યાદગીરી? કદાચ એણે એમ કરતાં ક્યારેક કોઈને પોતાના પ્રાણને ભોગે બચાવ્યું હોવું જોઈએ. તો જ આ પાળિયો હોય ને!
અત્યાર સુધી આકાશ ખુલ્લું હતું, પણ હવે વાદળ દેખાવા લાગ્યાં હતાં, પણ આ ‘મેઘાલોકે’ તો રોમાન્ટિક રોડ વધારે રોમાન્ટિક બન્યો. બસની બારી બહાર રમ્ય દૃશ્યોની પરંપરા વેગથી વહી જતી હતી. શું કોઈ સ્વપ્નભૂમિમાંથી પસાર થઈએ છીએ! જર્મન ભણતા ત્યારે એક શબ્દ ગમી ગયેલો : સ્લારાફનલાન્ડ, સ્વપ્નભૂમિ. આ જ સ્લારાફનલાન્ડ. પછી આ બધું હું સ્વપ્નિલ આંખે જોતો હતો?
ટાઉબર નદી અને એની ખીણમાં વસેલું ગામ મર્ગેનથાઇમ પસાર થયાં. આ ગામમાં ગરમ પાણીના કુંડ છે. આવાં સ્થળોને કહે છે ‘સ્પા – SPA.’ આપણે ત્યાં ઊના કે તુલસીશ્યામમાં આવા ગરમ પાણીના કુંડ છે. છેક બદરીધામના ઠંડા પ્રદેશમાં પણ છે આવા ‘સ્પા.’ જર્મન નવલકથાકાર નોબેલઇનામવિજેતા હાઇનરિખ બ્યોલની એક નવલકથાનું શીર્ષક છેઃ ‘ટ્રાવેલર ઇફ યુ કમ ટુ સ્પા.’
હું ટ્રાવેલર છું અને સ્પા પાસેથી પસાર થાઉં છું. બોલો, હેર (મિસ્ટર) બ્યોલ! તમારા ‘ઇફ’નું શું? હેર બ્યોલ કહેશે. પસાર થયે ન ચાલે. રોકાઈ જવું પડે. મનોમન આવો કંઈક સંવાદ ચાલે ન ચાલે, એટલામાં ટાઉબરને ડાબે કાંઠે આવેલું વાઇકરશાઇમ પસાર થયું. દૂરથી દેખાતા એક મહેલ તરફ ક્લોડિયાએ નજરો ફેરવાવી. એ મહેલની રચનામાં રેનેસાં, બેરોક અને રોકોક્કો કલાશૈલીઓ પ્રયુક્ત છે. નગરમાંથી પસાર થતાં ફરી દ્રાક્ષની વાડીઓ…ટાઉબર અમારી સાથે સાથે રહેતી હતી. બરાબર બપોરના રોશનબર્ગ આવ્યું. એનું આખું નામ છે : રોશનબર્ગ ઑબ દેર ટાઉબર.’ (ટાઉબર કાંઠે વસેલું રોશનબર્ગ). અહીં નગરદર્શન માટે અમને પૂરો દોઢ કલાક આપવામાં આવ્યો! એક બસસ્ટૅન્ડ ઉપર જેવા ઊતર્યાં કે એની ઓતરાદી બાજુની જૂની ઇમારતને પડખે એક જૂની બંધ હાથલારી (વાગન) હતી. એ જોતાં જ એક સહપ્રવાસી અનિલા દલાલને જર્મન નાટ્યકાર બર્તોલ્ત બ્રેખ્તનું નાટક ‘મધર કરેજ’ યાદ આવ્યું. એ નાટકમાં જર્મનીના ઇતિહાસમાં ખૂંખાર ગણાતી સત્તરમા સૈકાની ત્રીસ વર્ષની લડાઈની પૃષ્ઠભૂમિમાં એક માતા આવી હાથલારીમાં જાતજાતની ચીજવસ્તુઓ વેચતી ફરે છે. લારી એના બે છોકરા ખેંચતા હોય છે. એક છોકરો પછી માર્યો જાય છે અને એક છોકરાને સૈનિકો પકડી જાય છે. પછી મા અને દીકરી રહે છે. છતાં લારી તો ચાલતી રહે છે. એટલે તો બ્રેખ્તે માનું નામ આપ્યું – ‘મધર કરેજ’ મૂળ જર્મનીમાં ‘મુતર કોરાઝ.’ ગુજરાતીમાં શું કહીશું? આ વાગન જોતાં થયું કે એ સત્તરમા સૈકાની આ ગાડી છે. દીપ્તિ, રૂપા, નિરૂપમા અને હું એ વાગન પાસે ઊભાં રહી ગયાં અને એ વાગન પાસે તસવીરો પડાવી.
અમે મધ્યકાલીન ઇતિહાસનાં પૃષ્ઠો પર ચાલતાં હતાં કે રોશનબર્ગની પથ્થર જડેલી સાંકડી સડકો અને ગલીઓ પર? ઓછામાં પૂરું બે ઘોડા જોડેલી એક બગ્ગી દોડતી દોડતી સડક ઊતરી ગઈ. આ નગરનો ઇતિહાસ ઈ.સ. પૂર્વે ૫૦૦ સુધી જાય છે. સેલ્ટિક જાતિઓ સૌપહેલાં અહીં આવીને વસેલી. દશમી સદીમાં આ નગરને ફરતો કોટ બંધાયો, જેની ઉગમણી બાજુની કોટની રાંગ હજી સાબૂત છે. ઈ.સ. ૧૪૦૦માં આ નગરની વસ્તી ૬૦૦૦ની નોંધાઈ છે. વચ્ચેનાં અનેક વર્ષો ચઢાઈ અને લડાઈનાં છે. એક સેનાપતિ ટીલીએ આ નગર જીતી લીધું. એ વખતે વિજેતા સેનાપતિએ એક શરત મૂકી કે, જો કોઈ એક ઘૂંટડામાં એક ગૅલન દારૂ પી જાય તો આ નગરનો એ ધ્વંસ નહીં કરે. એ વખતે એ નગરના એક પૂર્વ મેયરે એક ઘૂંટડામાં ગૅલન દારૂ પી જઈ આ નગર બચાવેલું.
આવી શરત દ્રાક્ષવાડીઓના આ દેશમાં થાય.
જર્મન ભાષામાં એ ઘૂંટડાને ‘માઇસ્ટર ડ્રુંક’ કહે છે. આ ઘટના વિષે નાટકો લખાયાં છે અને ફેસ્ટિવપ્લે તરીકે ભજવાય છે. એટલું જ નહીં, પણ ત્યાંના ટેવર્નના એક ટાવરઘડિયાળમાં આ દૃશ્ય દરરોજ બતાવાય છે.
બીજા વિશ્વયુદ્ધમાં આ નગરનો કેટલોક ભાગ તારાજ થયેલો. અમદાવાદના નામશેષ કોટના જેમ પ્રેમદરવાજા, દિલ્હી દરવાજા, રાયપુર દરવાજા હજી ઊભા છે, તેમ આ નગરના જૂના કોટના દરવાજા છે. અનેક ટાવર છે. ખાસ તો જૂના ચર્ચના આ નગરમાં એક મ્યુઝિયમ ઑફ ક્રાઇમ છે, જેમાં માણસે માણસ પર અત્યાચાર કરવામાં, ત્રાસ આપવાનાં જે સાધનો શોધી કાઢ્યાં છે – ખાસ તો મધ્યકાળમાં – તે બતાવાય છે. મને પેલી કવિતાની પ્રસિદ્ધ લીટી યાદ આવી – ‘વૉટ મેન હૅઝ મેડ ઑફ મેન.’ આજે પણ વિનાશક શસ્ત્રો શોધતા વૈજ્ઞાનિકો એ જ કરે છે ને? એક બાજુ માણસ અત્યાચાર કરવાનાં એ સાધનો તો બીજી બાજુ નગરની બારીએ બારીએ ઉગાડેલાં રંગબેરંગી ફૂલો!
ટાઉબરની લીલીછમ ખીણ તરફ જતાં રોશનબર્ગની એક જૂની કોટની રાંગે એક ઘરને આંગણે સુંદર ગુલાબ જોયું અને ત્યાં એક ચહેંકતું પંખી. એ વખતે એ સાચે જ મધ્યકાલીન પરીકથાઓના નગર જેવું લાગ્યું. રૂપા, દીપ્તિ, નિરૂપમા તો રોશનબર્ગની દુકાનોમાં પણ ભમી વળ્યાં અને સુવેનીર લીધાં. પછી પેલા વાગન પાસે આવ્યાં. ત્યાં એક બેંચ પર બેસી જમ્યાં.
આ નગરમાં કેટલા બધા યાત્રીઓ ઊતરી પડ્યા હતા. પછી જ્યારે સાંજ પડ્યે એ ચાલ્યા જતા હશે, છેલ્લી બસ પસાર થઈ જતી હશે, ત્યારે આ નગર ખરેખર મધ્યકાળની આબોહવામાં પાછું શ્વાસ લેતું હશે!
વળી પાછો રોમાન્ટિક માર્ગ. અમારી બસમાંથી કેટલાક યાત્રીઓ અહીં ઊતરી ગયેલા, કેટલાક નવા જોડાયા. બસયાત્રામાં પછી બીજો વિરામ દિકલ્સબ્યુલમાં મળ્યો. આ પણ જર્મનીનું મધ્યકાલીન શહેર. આ શહેર પર એક વેળા સ્વિસ રાજાએ હુમલો કર્યો હતો અને એને જીતી લીધું, ત્યારે નગરનાં બાળકોએ નગરનો નાશ કરવા ઉદ્યત રાજાને વિનંતી કરી કે નગરનો નાશ ન કરો. બાળકોની વિનંતી રાજાએ સ્વીકારી અને નગર બચી ગયું. બાળકોની કૃતજ્ઞતાની યાદમાં નગરજનો આજે પણ જ્યાં દરેક જુલાઇની મધ્યમાં ‘બાલોત્સવ’ ઊજવે છે એ સેન્ટ જૉન ચર્ચ જોયું. આ શાન્ત નગરના એક સ્ટોરમાંથી જ્યૂસ ખરીદ્યો અને બધાંએ પીધો. અહીં પાણી તો જલદી મળે નહીં. નગરની અનેક દુકાનો પર અંકોડીના ભરતવાળાં સુંદર કલાત્મક ક્રૉસે જોઈ બહેનોનું મન તો ‘વાહવાહ’ કરી લલચાઈ જતું. પણ એની કિંમત જોતાં ‘આહ ‘ કહી થીજી જાય. તોયે પાછાં કંઈ ને કંઈ ખરીદે તો ખરાં જ, યાદગીરી માટે.
હવે વાદળ ગગનને ઘેરી રહ્યાં હતાં. વળી અમારી બસ દ્રાક્ષની વાડીઓ, મધ્યકાલીન ગામો-નગરો વચ્ચેથી જાય. વાસર સ્ટાઇન નામના એક નગરના ચૉકમાં પ્લેગની મહામારીનું શિલ્પ જોયું. પ્લેગના કોપમાંથી બચવા નગરવાસીઓએ અઢારમી સદીમાં ઊભું કરેલું છે. પછી તો એવું બીજું એક વિયેના શહેરમાં પણ જોયું.
રોમાન્ટિક રોડ સાથેનું અમારું સખ્ય પૂરું થવામાં હતું. અમારી બસ મ્યુનિક સુધી જવાની હતી, પણ અમે વચ્ચે આઉસબર્ગ ઊતરી ગયાં. અમારો સામાન ફ્રાન્કફર્ટમાં હતો. એ સાથે હોત તો મ્યુનિચથી વિયેનાની ગાડી લેત, પણ હવે અહીંથી ટ્રેનમાં પાછાં જઈ ફ્રાન્કફર્ટથી વિયેનાની ગાડી લઈશું. આઉસબર્ગ પણ જૂનું નગર. ૨૦૦૦ વર્ષો પહેલાં રાજા ઑગસ્ટસે બંધાવેલું. એ રીતે રોમન કહેવાય. જર્મનીના સ્વાબિયા પ્રાંતનું આ સાંસ્કૃતિક નગર છે. અહીં આ વિસ્તારનું સૌથી મોટું ઓપન એર ઑપેરા થિયેટર છે. આઉસબર્ગમાં ઊતરી સ્ટેશન સુધી ચાલવાનું હતું. ગાડી અડધા કલાક પછી હતી, પણ સ્ટેશને અનિલાબહેનની નજર ઇન્ડિકેટર પર પડી કે ફ્રાન્કફર્ટની એક ગાડી બીજી જ મિનિટે ઊપડવામાં છે. અમે સૌ પ્લૅટફૉર્મ પર ધસી ગયાં. ગાડીમાં બેઠાં ન બેઠાં ને ગાડી ઊપડી. ગાડીની બારીમાંથી વળી પાછાં નયનહારી દૃશ્યો. જોકે વચ્ચે વચ્ચે વરસાદ થઈ જતો. સંધ્યા સમયે વાદળ હટી જતાં એકદમ લાલ સૂરજ દેખાયો, ત્યારે પોણા નવ તો થયા હતા. હવે આવતાં સ્ટેશનો એકદમ શાંત. ભાગ્યે જ અવરજવર. પેલા રોમાન્ટિક રોડ ઉપર અમારી બસ ફ્યુઝન પહોંચવામાં હશે. સરોવરની સન્ધિમાં, આલ્પ્સની ગિરિમાળા વચ્ચે, અરણ્યોના ઢોળાવ પર વેગથી દોડતી દોડતી ટ્રેનની બારી પાસે બેસી હું રોમાન્ટિક રોડના એ અંતિમ દૃશ્યની કલ્પના કરતો હતો… એક ભૂરું ફૂલ નજર સામે ખીલી ઊઠ્યું. સૌંદર્યના ઝુરાપાનું ફૂલ. જર્મન રોમાન્ટિસિઝમનું પ્રતીક.