દૃશ્યાવલી/દિલ્હી : સ્નૅપશૉટ્સ
એક ઝોલા હાથ મેં હો
એક ચેલા સાથ મેં હો
બંબઈ, મદ્રાસ, મધ્ય પ્રદેશ
ઔર બિહાર ક્યા હૈ?
ગગન કે ઉસ પાર ક્યા હૈ?
ગગન કે ઇસ પાર ક્યા હૈ?
આપ ગોષ્ઠી મેં બુલાવે—
મેં ન આઊં, યહ અસંભવ!
હૈ મુઝે સ્વીકાર સબકુછ
આપકો સ્વીકાર ક્યા હૈ?
મારે માટે આત્મચિકિત્સા કરવી જરૂરી લાગી. મને થયું કે દેશના વિદ્ધત્ સમાજના સમાગમનો હંમેશાં લોભ રહ્યો છે. વિદ્યાને તો કણકણ અને ક્ષણક્ષણ મેળવવી એવું માનતો રહ્યો છું. હંમેશાં જાતને વિદ્યાર્થી જ ગણી છે, પણ એટલે કદાચ હું પ્રોફેશનલ સેમિનારિસ્ટોની કોટિમાં મુકાઈ જાઉં છું, એવી સ્થિતિ આવી તો નહિ જાય! નામવરસિંહની સાથે હસતાં હસતાં ગંભીર થઈ જવાયું.
પણ વિચારું છું કે, ચારેક દિવસનું દિલ્હીદર્શન કોરો મૂકી ગયું નથી. સેમિનારમાં તો લાભ થાય જ છે, જુદા જુદા દૃષ્ટિકોણ, વિચારધારાઓ સાથેની ટકરાહટથી. જે.એન.યુ. કૅમ્પસ તો ડાબેરી વિચારસરણી માટે જાણીતું છે, તેમાંય ડૉક્ટર નામવરસિંહ અને એમનું વૃન્દ. એટલે જે.એન.યુ.ની ગોષ્ઠીમાં સાહિત્યના ડાબેરી દૃષ્ટિકોણ પર ઘસાતું બોલવું એટલે જ ચર્ચાઓની, પ્રહારોની ઝડીનું નિમંત્રણ આપવું, પણ એથી આપણા વિચારોને પણ ધાર મળે છે એ મેં જોયું. જૂના વખતમાં દરેક રાજાના દરબારમાં પંડિતો રહેતા. બીજા રાજ્યના પંડિતો ત્યાં આવે અને વાદવિવાદો થાય. તેમાં તો હારવા-જીતવાના પ્રશ્નો રહેતા. હવે હારવા-જીતવાની વાત નથી, પણ ઉગ્ર વાદવિવાદ તો થાય છે.
આવા વાદવિવાદો પરિસંવાદની બહાર વધારે જામે છે. એ વખતે આપણા વિદ્યાકીય ક્ષેત્રમાં નવું નવું શું લખાઈ રહ્યું છે, કયા પ્રશ્નો, પુસ્તકો, સાહિત્યિક સમસ્યાઓ દેશવિદેશમાં અત્યારે કેન્દ્રમાં છે તેની જાણ થાય છે. આપણે ક્યાં છીએ એનું સરવૈયું પણ કાઢી શકીએ. જે.એન.યુ. દિલ્હી રેલવેસ્ટેશનથી ઘણી દૂર દક્ષિણ દિલ્હીના વિસ્તારમાં છે. પરંતુ એનું સીટી ગેસ્ટહાઉસ જે ગોમતી ગેસ્ટહાઉસ નામથી પ્રસિદ્ધ છે તે દિલ્હીના એક સૌથી સુંદર વિસ્તાર મંડી હાઉસ વિસ્તારમાં છે. એટલે અહીં ઊતરવાના એકાધિક લાભ છે. અહીંથી નજીકમાં જ સાહિત્ય અકાદેમી, લલિતકળા અકાદેમી, સંગીત નૃત્યનાટ્ય અકાદેમી આવેલાં છે. ત્રિવેણી કલાકેન્દ્ર બાજુમાં છે. શ્રીરામ પર્ફોર્મિંગ આર્ટ સેન્ટરની ઊંચી ઇમારત અડીને જ છે, અને છે નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા, મંડી હાઉસની ભવ્ય ઇમારત તમારું ધ્યાન ખેંચ્યા વિના ન રહે. ઝૂલૉજિકલ મ્યુઝિયમમાં પણ તમે ત્રણેક મિનિટમાં પહોંચી શકો અને ભૂખ લાગે તો થોડાંક કદમ ચાલતાં ચાલતાં બંગાલી માર્કેટમાં પહોંચી જાઓ. નહિતર એક વિરાટ, હરિયાળા ટ્રાફિક સર્કલમાં સાંજ પડ્યે એક વૃક્ષ નીચેની બેંચ પર બેસી દોડતા રહેલા દિલ્હી નગરને સાક્ષીભાવે જોવાનો આનંદ લઈ શકો. ફેબ્રુઆરી-માર્ચ દિલ્હીમાં ઉત્તમ સમય છે. વસંતનું આગમન એના વિશાળ માર્ગોની બન્ને બાજુએ ઊભેલાં વૃક્ષોમાં જોઈ શકો. દિલ્હીના અનેક ચહેરા છે, પણ આ વિસ્તારનો ચહેરો સુંદર, સૌમ્ય અને સંસ્કારી છે.
પાર્લામેન્ટ હાઉસના ચહેરાની વાત જુદી. રાષ્ટ્રપતિ ભવન વગેરેનો રુઆબ આપણને ભોંઠા પાડી દે. પણ કોઈ ઝાકળભીની સવારે ઇન્ડિયા ઇન્ટરનૅશનલ સંસ્થાને અડીને આવેલા વિશાળ ‘લોદી ગાર્ડન્સ’માં ફરવાનું મળે તો ધન્યતાનો અનુભવ થાય. આપણને થાય કે કોઈ એક એના હરિયાળા ટાપુ પર પહોંચી ગયા છીએ, જે આ કુટિલ રાજકારણથી ખદબદતા દિલ્હી નગરમાં તો હોઈ શકે નહિ.
ગોમતી ગેસ્ટહાઉસથી જે.એન.યુ.નો કૅમ્પસ ઘણો દૂર છે, પણ આખો માર્ગ અને આજુબાજુનો વિસ્તાર રમણીય. મેં ઇલાહાબાદથી આવેલા એક અધ્યાપકને કહ્યું કે, ખરેખર દિલ્હી સુંદર નગર છે. ત્યારે એ કહે : પણ એ નિર્લેપ અને નિષ્ઠુર નગર છે. આ નગર સાથે પોતાપણાનો ભાવ ક્યારેય જાગતો નથી.
પણ એના બીજા દિવસના સાંધ્યટાણે, જ્યારે સૌ યાત્રીઓ ચાલ્યા ગયા હતા ત્યારે કુતુબમિનારના પરિસરમાં ભમતાં લાગ્યું કે દિલ્હીનગર એટલું બધું નિર્લેપ નથી. વિદ્યાર્થી અવસ્થામાં કુતુબમિનાર જોયેલો, ત્યારે તો ઉપર ચઢવા દેતા. એનાં પગથિયાં ગણતાંગણતાં, હાંફતાંહાંફતાં છેક ઉપર ચઢીને દિલ્હી નગરનું દર્શન કરેલું. હવે ઉપર ચઢવા દેવામાં આવતું નથી. કુતુબમિનારના પરિસરમાં જે ખંડિયેરો છે તે પ્રાચીન ભારતના સંસ્કારો જગાડે. તેમાં પેલો લોહસ્તંભ, એને પીઠ અડકાડી અવળે હાથે વીંટાળી શકો તો મનોવાંછના પૂરી થાય. બે વર્ષ પહેલાં બકુલ અને એનાં મમ્મી સાથે અહીં આવવાનું મળેલું ત્યારે હું એમાં સફળ થયેલો, પણ મનોવાંછા–?
મેં મને પૂછેલુંઃ શું મનોવાંછા હતી મારી? ત્યાં દુઃખ તો થયેલું. નજીકની મસ્જિદ જોઈ. એના થાંભલા રાજસ્થાનમાં જોધપુર પાસેના ઓશિયાના મંદિરોના છે. શિલ્પો છોલી કાઢવામાં આવ્યાં છે.
આ પરંતુ આ વેળાએ સાંજ ટાણે મિત્ર નિરંજન સેઠ અને એમનાં લેખિકાપત્ની રાજી સેઠની સાથે આ વિસ્તારમાં ફરતાં કોણ જાણે કેમ પણ એક આશ્વસ્તીભરી શાંતિ અનુભવાતી હતી. અલબત્ત અમે યાદ કરતાં હતાં : ચારેક વર્ષ પહેલાંનો ૩૧મી ઑક્ટોબરનો ઇન્દિરાજીની હત્યાનો પેલો ગોઝારો દિવસ, અને એ પછી દિલ્હીના દિવસો. એ વખતે આ સેઠદંપતી મને એમની આ જ ગેસ્ટહાઉસમાંથી વેળાસર દક્ષિણ દિલ્હીના ‘સાકેત’ના એમના ઘરે લઈ ગયેલાં. પછી તો સાત દિવસ સુધી દિલ્હીની બહાર નહિ નીકળાયેલું. છાપાંઓમાં ઠક્કરપંચ અને એને લગતી વાતો. છાપામાંથી વળી પાછું એ માનસિક વાતાવરણ અનુભવાય. પણ એ સાંજે મનમાં શાંતિ હતી.
દિલ્હીથી નીકળવાને દિવસે જોવા મળેલ લલિતકલા અકાદમીએ આયોજિત કરેલ રાષ્ટ્રીય ચિત્રશિલ્પના પ્રદર્શનથી પ્રભાવિત થવાયું. આજની ભારતીય ચિત્રકલા અને શિલ્પકલા કઈ દિશામાં છે, તેનો અનુભવ થયો. ત્રણેક કલાક જાણે ભૂલી જવાયું કે દિલ્હી નામના નગરમાં છું. પછી જ્યારે ત્યાંથી નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામાના પ્રાંગણમાં ગયો, તો જુદાં જ ‘તેવર’. હમણાંહમણાંથી હિન્દીમાં ‘તેવર’ શબ્દ બહુ વપરાય છે. ‘નયે તેવર’ વગેરે. તેવર એટલે તો ભવાં. પણ હિન્દીમાં વપરાય છે નવી દૃષ્ટિભંગી માટે. સ્કૂલના પ્રાંગણમાં છત્રછાત્રાઓ હડતાળ ઉપર ઊતરેલાં. અનેક સૂત્રોનાં પાટિયાં ચીતરેલાં : ‘તોડ દો જુલ્મી ઝંઝીર’ વગેરે. બધી વાત જાણવા મળી. ગુજરાતી વિદ્યાર્થિની રૂપલ પટેલ મળી. એણે કહ્યું કે અમારી હડતાળ સારું ભણવા માટે છે. અમારા અધ્યાપકો વર્ગ લેતા નથી. અભ્યાસ પૂરો કરાવતા નથી. આખા દેશમાંથી વિદ્યાર્થીઓ આવે છે, પણ અંગ્રેજીમાં ભણાવવાને લીધે ઘણા નાટકકથામાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ન્યાય થતો નથી. અભ્યાસક્રમ આપતા નથી. એમને રામગોપાલ બજાજ નામના અધ્યાપક સામે બહુ રોષ હતો. ત્યાં હડતાળ પર ઊતરેલા છાત્રોની સહાનુભૂતિમાં અનેક કલાકારો આવતા. પેલા ‘હમલોગ’ પ્રસિદ્ધ બસેશ્વર આવેલા. એ છોકરીઓને ગવડાવવા લાગ્યા :લડત ભી ચલો
કહતે ભી ચલો…
એક ઝોલા હાથ મેં હો
એક ચેલા સાથ મેં હો…