કોડિયાં/દ્વિધા

From Ekatra Wiki
Revision as of 11:10, 14 September 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|દ્વિધા|}} <poem> પણે ઊભરતા મહઉદધિ અશ્વપીઠે ચડી, અપાર પૃથિવી તણા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
દ્વિધા


પણે ઊભરતા મહઉદધિ અશ્વપીઠે ચડી,
અપાર પૃથિવી તણા સકળ પાર લેવા લડી:
ઊડી ગગન ફૂંકફૂંક નભદીપ હોલાવવા:
સરું વિતલ નાગપુત્રી વરમાળધારી થવા:
અને અહીં ખળંત આ ઝરણ, ને ઊભા ડુંગરા,
વચાળ નવપલ્લવે લચિત ઝૂંપડી, સુંદરા
પ્રતિક્ષણ પ્રતીક્ષતી-નીતરતી પીળાં પોપચે;
મૂકી સકળ કૂચવું! હૃદય જુદ્ધ ભારી મચે!
અજંપ મુજ અંગમાં; હૃદય રાગભારે ભર્યું;
જ્વલંત મુજ ભાવનારુધિર ક્યાંક થોડું ઠર્યું;
અપ્રાપ્ય સહુ પામવું: નહિય મેળવ્યું છોડવું,
વિરાટ હૃદયી થવું!-સકળ વિશ્વ જેમાં જડ્યું.
ઊઠીશ પુલકી કદીક જગ મૃત્યુનાં ખોળવા!
વિષાદ પણ વ્યાપશે જીવનવિશ્વ છોડી જવા!
સમાન્તર સુરેખ બે

સમાન્તર સુરેખ બે ઉભય આપણે વીંધતાં
જશું જીવન આપણું: સકલ પૃથ્વી પે મૂકતાં
જશું ચરણચિહ્નની અતૂટ વાધતી વીથિકા,
વિજોગ મહીંયે સમી ગ્રથિત પ્રેમની લિપિકા:

સમાન્તર સુરેખ બે ઉભય એકમેકાકુલા
હું-તું સદય દોડશું વર, વિરાટ રુદ્રં, મહા,
અપ્રાપ્ય સમ પામવા મહદ કાલના અન્તને:
અનન્ત કદી અન્તમાં વિલીન થયા શ્રદ્ધા મને!

સમાન્તર સુરેખ બે ઉભય વેગળીવેગળી;
છતાંય પથ, લક્ષ્ય ને તલપ એક: સાથે મળી
અસ્પૃશ્ય સ્પર્શે અડી સકળ જંદિગી બેકલાં
રહી જગત ઝૂઝશું ઉભય એકલાંએકલાં.

સમાન્તર સુરેખ બે અખિલ કાલગંગાતટે
કદી નવ મળે, અડેય નહિ; તોય સારી વદે
પ્રમા ગણિતશાસ્ત્ર : એય મળતી અનન્તે નકી!
ખરે? ઊગમ એક: ને અગમ ભાવિ; આશા થતી!

મૂકી તુરગ મોકળા પવન-પાણી-પન્થા હવે
સખી! જીવનદેવતા! ઉભય દોડશું આ ભવે
કૂદંત પુરપાટ, વક્ષસ્થળ ફાટ, સાથે - જુદાં,
ઊગ્યાં ત્યમ અલોપવા પ્રણયએકમે,
અનન્ત મહીં જાગવા ઉભયમાં! — સૂતેલાં જુદાં!

અને જીવન વીંધતી સરિતના સમા તીર બે
અસ્પૃષ્ટ — અતિસ્પૃષ્ટ, એક પથ-પાન્થ, યાત્રી બની,
પ્રવાહ સદસાધના, સ્વપનસિદ્ધિનો તો કરી,
અનન્ત ધરી લક્ષમાં જીવનશું — સખી, કોલ દે!
10-10-’33