એકદા નૈમિષારણ્યે/અને હું –

From Ekatra Wiki
Revision as of 12:07, 30 June 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અને હું –| સુરેશ જોષી}} {{Poem2Open}} કોઈકે પૂછ્યું: ‘ હવે કોણ બાકી ર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


અને હું –

સુરેશ જોષી

કોઈકે પૂછ્યું: ‘ હવે કોણ બાકી રહ્યું?’

મારું નામ બોલાયું, હું કહેવા જતો હતો કે હું તો અહીં છું જ. પણ ઘોંઘાટમાં મારું વાક્ય કોઈને સંભળાયું નહીં.

ખાસ કશો કાર્યક્રમ નહોતો. કોઈને તુક્કો સૂઝ્યો: આજે રાતે આપણે ઊંઘવાનું નથી. આખી રાત કોઈની કારમાં બેસીને શહેરમાં રખડવાનું છે. આમેય તે ઘરે રહેવા છતાં કોણ રાતે ઊંઘી શકતું હતું! અતુલના બાપને કેન્સર હતું એટલે આખી રાત એમનો પીડાને કારણે કણસવાનો અવાજ કોઈને જંપવા દેતો નહોતો. ધનુને પ્રેમનું લફરું હતું. જયાએ દગો દીધો હતો ને કોઈ સુખી શેઠિયાનો દીકરો એણે શોધી લીધો હતો. પ્રતાપને ક્ષય હતો ને સાંજથી જ તાવ ચઢતા ઊંઘી નહોતો શકતો. શોભાને તો બે વાર આપઘાત કરતાં બચાવી લીધી હતી. વિરજાને ઘરે ખાવાનાં ફાંફાં હતાં. એને બહાર ફરવાની છૂટ હતી. નટવરની પાસે પૈસો ખૂબ હતો, કશું કરવાનું નહોતું. એને ઘડીનો કરાર નહોતો. અને હું –

નટવરની ખખડધજ ડેમ્લરમાં અમે ઘણુંખરું રખડવા નીકળતા; એવું નહિ કે હંમેશાં ગપસપ ચાલ્યા જ કરે, ટોળટિખ્ખળ ચાલ્યા જ કરે. કોઈ વાર બધાં સાવ મૂગાં હોય. કોઈ વાર શોભા કશું દર્દનાક ગીત ગાતી હોય. પ્રતાપને તાવ ચઢ્યો હોય ત્યારે ખૂબ બોલતો. નવી નવલકથા લખવાનો આખો મુસદ્દો બોલી જતો. એમાં અપહરણ, ખૂન, એકલતા, હિંસા, ધર્મપ્રવચન, ફિલસૂફી – બધું માફકસરની માત્રામાં આમેજ કરવામાં આવતું. શોભા હવે પછીનો એનો આપઘાતનો પ્રયત્ન કેવી રીતે સફળતાથી પાડ પાડવો તે વિશે બુદ્ધિપૂર્વક યોજના ગોઠવતી. ધનુ જયાની દગાખોરીનું વેર લેવાના મનસૂબા ઘડતો. વિરજા નાના બાળકની જેમ નટવર પાસે આ કે તે ભાવતી ચીજ લેવડાવીને ખાધે રાખતી. અતુલ એના બાપના ત્વરિત મરણથી પ્રાર્થના કરતો. અને હું –

પણ કોઈ વાર બધાં એક સાથે ચૂપ થઈ જતાં. શેરીના દીવાઓ વચ્ચે અમારા પડછાયાને લંબાતાટૂંકાતા જોઈ રહેતાં. આખરે કોઈક બોલી ઊઠતું: ‘જો તો, શોભા કશીક ટીકડી ગળી તો નથી ગઈ ને?’

તરત જ શોભાનું અટ્ટહાસ્ય સંભળાતું. નટવર એક હાથ સ્ટીઅરિંગ પર રાખીને પાસે બેઠેલી વિરજાની મદદથી નવી સિગારેટ સળગાવતો. પ્રતાપ નવું ભાષણ કરવા તત્પર થઈ જતો. ધનુ દાંત કચકચાવીને હવામાં મૂઠી ઉગામતો, અતુલ મર્સીકિલિંગના ઇંગ્લેંડમાં થયેલા કાયદાની વાતો કરતો. અને હું –

નટવરે ડેમ્લર રસ્તામાં ઊભી રાખી. એ સિગારેટનું પૅકૅટ લેવા ગયો, વિરજા પણ સાથે ઊતરી. પાનની દુકાને ઊભેલા એક દાદાએ આંખ મીચકારીને અશ્લીલ ગાળ પિચકારી સાથે છોડી. પ્રતાપને એની વાર્તામાં ખૂનનો પ્રસંગ યોજવાનો નવો નુસખો સૂઝ્યો. ખૂન મોહક નારી દ્વારા જ થવું જોઈએ એવો એનો આગ્રહ હતો. એ કહેતો: ‘આખરે સંસારમાં નારી સિવાય હત્યા કોણ કરે છે? એને નથી જોઈતું ખંજર કે નથી જોઈતું ઝેર. નારી હોવું એટલું જ એને માટે પૂરતું છે.’ ધનુ આ સાંભળીને પ્રતાપ સામે ઘૂરકિયાં કરતો જોઈ રહેતો. શોભા ગાંડી સ્ત્રીની જેમ હસતી, અતુલ કાનમાં આંગળી નાખીને મોઢું બગાડતો. અને હું –

માહીમ કોઝવે આગળનાં ઝૂંપડાંમાંથી નટવર બિયરની સાત બાટલી ઉઠાવી લાગ્યો. અતુલે પૂછ્યું: ‘પણ આઇસ વગર?’ નટવરે કહ્યું: ‘જો તો ખરો યાર, બિલકુલ ચીલ્ડ છે.’ પ્રતાપે તાવથી તપેલા હાથે એની ઠંડક લોભી બનીને માણ્યા કરી. ધનુ અધીરો બન્યો. નટવરે કહ્યું: ‘અહીં નહીં, કાલીના જઈએ,’ વિરજા ગભરાઈને બોલી ઊઠી: ‘બાપ રે, ત્યાં તો ગુંડાઓ છે.’ શોભા હસીને બોલી: ‘ગુંડાઓ અહીં ક્યાં નથી?’ અતુલે એની ગળચી દબાવી, શોભાએ ડોક ઢાળી દઈને ડોળા ચઢાવી મરી જવાનો ઢોંગ કર્યો. નટવરે કહ્યું: ‘મરતાં તો નહીં આવડ્યું પણ મરવાનો અભિનય કરતાં તો તું શીખી ગઈ.’ વિરજાએ કૃત્રિમ ગુસ્સો કર્યો ને નટવરને બચકું ભર્યું. પ્રતાપ બોલ્યો: ‘નારીએ હજી એની મોહકતા પાછળ પશુના નખ અને દાંત સંતાડી રાખ્યાં છે.’ ધનુએ અકળાઈને કહ્યું: ‘નટવર ડેમ્લરને સ્ટાર્ટ કર, નહીં તો હું ધક્કો મારું.’ એમ કહીને એ મારી સામે જોઈ રહ્યો. અને હું –

ડેમ્લર આગળ વધી. બિયરની છોળો છલકાવા લાગી. સાન્તાક્રુઝનું એરોડ્રોમ આવ્યું. એની પાછળના રસ્તેથી અમે જઈ રહ્યાં હતાં ત્યાં એકાએક શોભાએ નટવરને કહ્યું: ‘જરા અહીં મોટર ઊભી રાખ.’

નટવરે પૂછ્યું: ‘કેમ?’

શોભાએ કહ્યું: ‘તને ધીમે ધીમે નશો ચઢતો જાય છે. એ સ્થિતિમાં હાઇવે પરના કોઈ ખટારા જોડે અથડાઈને ખતમ થઈ જવાનો વારો આવે તે પહેલાં આ મોટું વિમાન જોઈ લઉં.’

અતુલે હસીને કહ્યું: ‘તારા જેવી પુણ્યશાળી નારીને તો તેડવા માટે સ્વર્ગનું વિમાન આવશે. તને આવા વિમાનનો શો મોહ?’

બધું ઝળાંઝળાં થઈ ગયું હતું. રાક્ષસી કદનું વિમાન ઊભું હતું. દૂરથી અમે બધી પ્રવૃત્તિ જોઈ રહ્યાં હતાં. પ્રતાપે ધનુને કહ્યું: ‘મારી નવલકથાના નાયકનું મૃત્યુ કેવી રીતે યોજવું તેનો વિચાર કરતો હતો. પ્રોપેલરથી કપાઈને એના ટુકડેટુકડા ઊડે ને એ જ વિમાનમાં એની બેવફા પ્રેયસી જવાની હોય –’

નટવરે હસીને કહ્યું: ‘એવું સાવ મેલોડ્રામેટિક લખીશ નહીં; એના ટુકડા ઊડતા જોઈને પેલી બેવફા પ્રેયસીને કશું થઈ જવાનું નથી. એ તો એનાં સમોસાં તળીને ખાશે.’

ધનુ ચિઢાયો. એણે સ્ટીઅરિંગ હાથમાં લઈ લીધંુ ને ગેસ પેડલ દાબીને મોટર ત્યાંથી ખસેડી લીધી. બે વાર તો ખટારા સાથે મોટર અથડાતી રહી ગઈ. વિરજા ગભરાઈને નટવરને વળગી પડી. નટવર અકળાયો. પ્રતાપને તાવનો નશો ચઢ્યો હતો. એણે બોલવાનું શરૂ કર્યું: ‘અકસ્માતથી આપણે બધાં સાથે મરી જઈએ તો? તો મારી સાથે સ્વર્ગમાં કોણ કોણ આવશે? કદાચ સ્વર્ગમાં જનારો હું એકલો જ હોઈશ.’

શોભાએ કહ્યું: ‘તો તું અમને મૂકીને સ્વર્ગમાં જશે ખરો?’ નટવરે કહ્યું: ‘સ્વર્ગ તો સતજુગમાં જ હતું. હવે તો એ ખાલસા થઈ ગયું છે.’

ડેમ્લર દોડવા લાગી. ધીમે ધીમે અંધારું વધતું ગયું. દીવાઓ જાણે લાંબે અન્તરે આવવા લાગ્યા. બધાના ચહેરાઓને બદલે જાણે પડછાયાઓ જ રહી ગયા. કોઈ કશું બોલતું નહોતું. ઘડીભર તો જાણે ડેમ્લર કોઈ માયાવી લોકમાંથી પસાર થઈ રહી હોય એવું લાગ્યું. બધું સૂમસામ હતું. પવનનો પણ અવાજ નહોતો સંભળાતો. ડેમ્લરનો દોડવાનો અવાજ જ એક માત્ર અવાજ હતો. કોઈકના શાપથી જાણે પથ્થરનાં પૂતળાં બનીને બેઠાં હતાં. અમારાં બધાંનો સરવાળો બનીને જાણે એક મોટો પડછાયો બેઠો હતો.

ત્યાં પ્રતાપે લુખ્ખી ઉધરસ ખાવા માંડી. મોઢામાંથી થોડું લોહી નીકળ્યું. શોભાએ એ જોયું ને એ ગભરાઈ ઊઠી. પ્રતાપ કાંઈક વિલક્ષણ સન્તોષથી હસ્યો. એની આંખમાં તાવનો ચમકારો હતો. એની ઉધરસ અટકી ત્યાં એ બોલવા માંડ્યો: ‘મને તમને સૌને જોઈને ને તમારી વાતો સાંભળીને હસવું આવે છે. તમે સૌ બેફિકરાઈનું નાટક માંડી બેઠા છો. ‘મરણ’ શબ્દને જાણે કશીક સ્વાદિષ્ટ વસ્તુ હોય તેમ મોઢામાં મમળાવો છો. પણ ઊંઘની ટીકડી જોડે ઢીંગલીની જેમ રમવું એ મરણ? આપણે સૌ શોભાને સાચવીએ છીએ, સાથે ને સાથે રાખીએ છીએ. રખેને એ આપઘાત કરી બેસે તો? શોભાને એ અભિનયમાં હવે રસ પડી ગયો છે. રખે એમ માનતા કે હું આમ કહું છું એથી એ મોટરમાંથી ભૂસકો મારશે…’

શોભાએ પ્રતાપને એક તમાચો ખેંચી કાઢ્યો. પ્રતાપ ફરી એનું વિલક્ષણ હાસ્ય હસ્યો. ફરી એણે બોલવા માંડ્યું: ‘અહીં કોને મરવાનું બાકી છે? આ નટવર સુખના નાના ખાબોચિયામાં સડતો પડ્યો છે, આ વિરજા પોતાના શબને સ્થૂળ શરીરમાં સંતાડીને ફરે છે, આ અતુલ મનમાં ને મનમાં કેટલીય વાર પિતાની હત્યા કરીને રીઢો હત્યારો બની ગયો છે, આ ધનુ પ્રેમનો ફાંસો ખાઈને બધું ભાન ભૂલી ગયો છે. આપણામાંના કોઈની પાસે મરણ સુધ્ધાં આગવું નથી. થોડા થોડા ધીમે ધીમે બધાં મરતાં જાય છે. આ ડેમ્લર દોડ્યા કરશે, થોડી વાર પછી એ દોડ્યા કરે છે એ વાત પણ આપણે ભૂલી જઈશું. બધાં પાસે ટુકડો ટુકડો મરણ છે, તેને ચૂસતાં બેસી રહીશું –’

ત્યાં નટવરે એકાએક મને યાદ કર્યો અને પૂછ્યું: ‘ક્યાં છે અજય?’ હું બોલ્યો તો ખરો પણ મારો અવાજ મને જ નહીં સંભળાયો. નટવર બોલ્યો: ‘ધનુ, ચાલો અજયને તેડી લાવીએ.’ ફરી હું બોલ્યો કે હું તો આ રહ્યો, પણ કશું સંભળાયું નહીં. ડેમ્લર દોડીને મારા ઘર પાસે આવી પહોંચી. નટવરે બારણું ઠોક્યું, બારણું ખૂલ્યું . નટવર અંદર ગયો ને મૂંગો મૂંગો બહાર આવ્યો. શોભા અંદર ગઈ ને જડવત્ પાછી ફરી. પ્રતાપ અંદર ગયો ને યંત્રવત્ આવીને પાછો બેસી ગયો, ધનુ અંદર ગયો ને ગળેથી જાણે ગાળિયું દૂર કરતો હોય તેવું કરતો કરતો પાછો આવ્યો. વિરજા ગઈ ને બે હાથે આંખો ઢાંકી દઈને લથડતી લથડતી પાછી આવી, અને હું –

હું ઘરમાં ગયો ને જોયું તો મોભ સાથે દોરડાનો ફાંસો બાંધ્યો હતો. ફાંસો ખાઈને હું જ લટકતો હતો. ફરી મારી જગ્યાએ બેસી જવા હું બહાર નીકળ્યો. જોયું તો દૂર દોડી જતી ડેમ્લરનો લાલ દીવો દેખાતો હતો. હું પાછો ફર્યો. ફાંસો ખાઈને લટકતા એ શરીરમાં હું બરાબર ગોઠવાઈ ગયો ને ઝૂલવા લાગ્યો.