પરકીયા/શૂન્યની ઝંખના
Revision as of 07:23, 3 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શૂન્યની ઝંખના| સુરેશ જોષી}} <poem> અનાશ્વસ્ત પ્રાણ મારા, એકદા...")
શૂન્યની ઝંખના
સુરેશ જોષી
અનાશ્વસ્ત પ્રાણ મારા, એકદા સંઘર્ષે હતો હર્ષ તને;
આશા એડી મારી દોડાવતી દ્રુત વેગે;
એ ના હવે પલાણવા ચાહે તને, બેસી પડ છોડી લાજ,
પદે પદે ઠોકરાતા જીર્ણ અશ્વ! લંબાવી દે તારાં અંગ.
પોઢી જા હૃદય મારા, પશુ જેમ નંદિરના ઘેને.
પરાજિત ક્લિન્ન પ્રાણ, હવે તારે સરખું બધું ય:
સમ્ભોગનો આનન્દ કે દલીલની પટાબાજી.
વદાય હે કાંસ્ય ગાન, બંસરીના કરુણ નિ:શ્વાસ!
પ્રલોભન પ્રમોદનું નહિ, મગ્ન વિષાદે જે ચિત્ત તેને.
વસન્ત આદરણીય, ખોઈ બેઠી સૌરભસમ્પદ્!
ક્ષણેક્ષણે ઘેરી વળી ખેંચી જાય ગર્તે મહાકાળ,
અવિરત હિમપાતે લુપ્ત થાય જેમ કાષ્ઠ સમું શબ;
ઊર્ધ્વથકી નિહાળું આ પૃથિવીના ગોલકને
વાસ કરવાને હવે કુટીરનો શોધું ના આશ્રય.
હે હિમપ્રપાત! ખેંચી લેને મને તવ ધ્વંસ સાથે!