તથાપિ/પાંચ અંકનું નાટક

From Ekatra Wiki
Revision as of 10:41, 3 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પાંચ અંકનું નાટક| સુરેશ જોષી}} <poem> રાતનું પાંચ અંકનું નાટક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પાંચ અંકનું નાટક

સુરેશ જોષી

રાતનું પાંચ અંકનું નાટક પૂરું થવા આવ્યું છે
ત્યારે,
છેલ્લા અંકના છેલ્લા દૃશ્યમાં,
મારો જ મૂગો ચહેરો,
થાક્યોપાક્યો;
દૃષ્ટિ અન્ધકારને અન્ધકાર સાથે રેણ
કરીને જોડતી;
જીભ શાપ ઉચ્ચારવા અર્ધી બહાર નીકળેલી –
હું અચરજ પામીને જોઈ રહું છું.

હા, કેવળ જોઈ રહું છું.
‘હું અહીં ક્યાંથી?’
‘આ હું જ છું?’
આવા ગૂઢ આધ્યાત્મિક પ્રશ્નો હું પૂછતો નથી.
છતાં અચરજ તો થાય જ છે:

હું એક અદનો આદમી,
નાના ઘરની નાની બારી પાસે બેસીને
નાનું આકાશ જોનારો;
પુણ્યશાળી તો નહિ,
પાપી પણ નહિ,
પાપ પણ મને તુચ્છ ગણે,
મારી સાથે આંખ મેળવ્યા વિના જ
ચાલી જાય;

દાદાનાં, જૂનાં, સંકેલીને પેટીમાં મૂકેલાં,
વસ્ત્રોમાં સચવાયેલો તેટલો જ ધર્મ
મારો વારસો

દીવાલ પર ભગવાનની છબિ,
એની પાછળ માળો બાંધનાર ચકલી
એમને જેટલા જાણે તેટલા જ હું પણ ઓળખું.
પ્રેમના અઢી અક્ષર જોડવા જેટલી
મેં નથી જોઈ કોઈ નારી!

દુ:ખ એટલે એકાદ નાનું વાદળ
જે કદિક મારી બારીને ઢાંકે,
સુખ એટલે બારીમાંથી પ્રવેશી શકે તેટલા
ચાંદાસૂરજ.
રહસ્ય એટલે થોડા નહિ ઓળખાયેલા
પડછાયા;
ભય એટલે ખોવાઈ ગયેલી ચાવીવાળું
બંધ તાળું.
બાકી તો થોડું આળસ, થોડો કંટાળો.
બસ, આથી વિશેષ ખાસ કશું નહિ,
ને છતાં
હું આ નાટકનું પાત્ર?
ના, નાયક તો નહિ જ હોઉં,
નાયક કાંઈ છેલ્લા અંકમાં આવે?
પણ… પણ…
બીજાં પાત્રો ક્યાં છે?
(કે પછી આ એકપાત્રી નાટક હશે?)
હું અવળી ગતિ કરીને
પાંચમા અંકમાંથી પહેલા અંકમાં જાઉં?
પહેલા અંકમાં હશે કોઈ નાયિકા,
પ્રેમ કરવાની એની વય થઈ હશે –
કેવી હશે એની આંખ?
પૃથ્વી પરના તૃણને આકાશના તારા સાથે
જોડનારી?
કે પછી પોતાની જ સંતાડેલી ભીરુ
ગભરુ લાગણીની છાયાથી કાળી કાળી?
સિંહઘન અરણ્યમાં એકલી સિંહણ?
એનાં ચરણમાં
નતજાનુ પ્રમથ?
કેવડાના વનમાં સરતા નાગના
જેવા એના શ્વાસ?
બસ, બસ, બસ –
(આ કોણ બોલ્યું? ખલનાયક?)
‘ખરેખર તારે જોવી છે નાયિકા?
પાંચમા અંકમાં એ હવે થઈ છે
આડત્રીસની;
એની કાયા એટલે અહીંતહીં વેરાયેલી
વરવી પુષ્ટતાની ટેકરીઓ,
હોઠ પર રૂવાંટી, એને ઢાંકવા મથે પાવડરથી;
આંગળીનાં ટેરવાં ચપટાં,
એના પર ટાઇપરાઇટરના અક્ષરોનો દાબ;
એની પર્સમાં હજી પડ્યો છે
પાંચ વર્ષ પર લખાયેલો છેલ્લો પ્રેમપત્ર.
એના બે હાથ છલકાઈ જાય છે ફાઇલોથી;
પચાસ વર્ષના હેડક્લાર્કની ખંધી ટેવાયેલી
આંખો
કદિક ટહેલવા નીકળે છે એની કાયા પર.
દોડીને બસ પકડતી વખતે એનાં ઘૂંટણના સાંધા
કળે છે.
કોઈક વાર જાય છે પિકનિક પર
કશુંક બનશે એવી આશાએ.
દર વખતે કશુંક બનતાં બનતાં
રહી જાય છે;
સંસ્કાર, સંકોચ, ભય –
બધું ગણવા બેસે છે ને અર્ધેથી છોડી દે છે.
પણ હજી પાંચમો અંક પૂરો થયો નથી.

આશા છે, આશા છે, આશા… છે!

મને સંભળાય છે ખલનાયકનું ખંધું હાસ્ય.
કોણ હશે એ?
જાણું છું કે દુનિયામાં ખલનાયક જુદા વસતા નથી.
એ હોય છે તો આપણા જેવા જ,
કદિક આપણાથી વધુ સોહામણા:
આંખમાં કરડાકી નહિ, સ્નિગ્ધતા;
વાણીમાં ચીકણી મધુરતા.
બિઝનેસ એક્ઝિક્યુટિવની અદાથી ફરનારા
અથવા મૃદુભાષી સમાજસેવક,
અથવા –
અથવા, આગળ શા માટે જાઉં?
અથવા હું કે તમે.
ને નાયક?
શાલપ્રાંશુ, વ્યૂઢોરસ્ક, આજાનુબાહુ…
આટલેથી જ અટકું.
કદાચ નાયકની હથેળીએ પરસેવો વળતો હશે,
પિસતાળીસ પછીની મેદવૃદ્ધિથી
એ અકળાતો હશે,
સિગારેટની અનેક બ્રાન્ડ બદલીને હવે
પાઇપને યોગ્ય ખૂણે ગોઠવતો હશે.
વાંચતો હશે માત્ર રેલવેનું ટાઇમટેબલ
અને ટેલિફોનની ડિરેક્ટરી.
રાતના દસે ઘરે પહોંચતી વેળાએ
જાગી ઊઠતા અન્તરાત્મા સાથે ઝઘડતો હશે.
એકાદવાર છાનો છાનો આપઘાતના સાહસનો
વિચાર કરી જોયો હશે –
પછી એ વિચારને વ્હીસ્કીમાં ઓગાળીને
ગટગટાવી ગયો હશે.

કદાચ છેક ત્રીજા અંકમાં એ નાયિકાને
મળ્યો હશે,
અને તે પણ ખલનાયકની યોજનાથી.
હવે પાંચમો અંક પૂરો થાય તે પહેલાં
ખલનાયકને હંફાવવાની એને આશા છે,

આશા છે, આશા… … છે.

હવે કોણ રહ્યું?

એમ તો રહ્યાં ઘણાં ય પાત્રો
અલપઝલપ આવીને જનારાં
જેને કારણે તમારે
કોઈ લાગણી ખરચવી ન પડે;
જેનાં પાત્રાલેખનની વિદ્યાર્થીઓ પણ
ચિન્તા ન કરે.
અલ્પમાત્ર સમયના એ હકદાર.
એ સમય દરમિયાન ખલનાયક
નવું કાવતરું ઘડે;
નાયિકા થોડા નિ:શ્વાસ નાખીને
આડે પડખે થાય;
નાયક ટાઇનો નોટ સરખો કરી લે.

પણ પાંચમા અંકમાં, છેક છેવટે,
આવીને
હું શું કરીશ?
હવે તો પહેલા અંકમાં ફૂલદાનીમાં ગોઠવેલાં
પ્લાસ્ટિકનાં ફૂલ પણ કરમાયાં છે,
ખૂણામાં મૂકેલો ટેલિફોન
હવે રણકતો નથી.
બધે નરી શાન્તિ જ શાન્તિ છે,
પ્રેક્ષકો નિ:સ્તબ્ધ છે,
કદાચ નાટકકારે મને
કશાકનું પ્રતીક બનાવ્યો હશે!

શેનું પ્રતીક? ભયનું? મરણનું?

મને વહેમ જાય છે:
કદાચ છેલ્લા અંકના છેલ્લા દૃશ્યમાં
મારા સિવાય બીજું કોઈ પાત્ર નહિ હોય.

આ નાટક કરુણાન્ત હશે?
કરુણ અને હું? અમારે શો સમ્બન્ધ?
દુ:ખ શેનાથી થાય તે જ
હું ભૂલી ગયો છું.
પિતાજી ગયા તો ય આંસુ પાડી શક્યો નથી;
મને આશા હતી કે થોડાંક તો આંસુ હશે,
હું હળવો થઈશ,
સગાં સન્તોષ પામશે.
કહેશે:
ના, લાગણી તો ખરી!
બાપની છત્રછાયા ગઈ, દુ:ખ ન થાય?
એ બિચારાને હવે…

પણ આંસુ વગરની રુક્ષ આંખો લૂછીને
મેં સન્તોષ માન્યો.
ના, કરુણને ને મારે કાંઈ સમ્બન્ધ નથી.
અત્યાર સુધી નાટકકારે કરુણની કશી
ત્રેવડ કરી નહિ,
હવે છેલ્લી ઘડીએ શું એ અકસ્માત યોજશે?

પણ ભલા,
મારું તો આ જીવવું એ જ એક અકસ્માત્.
ના, હું સુફિયાણી ફિલસૂફી ડહોળતો નથી.
કદાચ, નાટક ભયાન્ત હોઈ શકે.
જાણું છું કે આ સાંભળીને તમે હસશો;
સુખાન્ત નાટક હોય,
કરુણાન્ત નાટક હોય,
પણ ભયાન્ત નાટક?

પણ અન્તનો આધાર જો મારા પર જ હોય
તો
મને કશું કહેવાનો અધિકાર નહિ?

મને ભય લાગે છે,
શરીરે વિના કારણે પરસેવો વળે છે.
ના, મેં કોઈ વિકરાળ પશુ જોયું નથી,
મેં નથી જોયો કોઈ હત્યારાને.
માણસોને મરતાં જોયાં છે:
ગોળી ખાઈને, કશું ન ખાઈને,
જીવવાનું ભૂલી ગયા તેથી.
પણ એથી હું ભયભીત થયો નથી.

તમારો ભય તો ઊંચી જાતનો હશે,
આધ્યાત્મિક હશે.
તમારે મન કદાચ ભય અને ભગવાન એક હશે.

પણ મારો ભય તો મારા જેવો જ –
સરલ, નિરુપદ્રવી.

એને તમે તો તુચ્છ જ ગણો.
એના હાથમાં નહિ ખંજર
કે નહિ ભાલો.
એના હાથમાં માત્ર બ્રીફકેઇસ.
એ આપણી જેમ જ રસ્તો ઓળંગે.
ખભે હાથ મૂકે,
પણ મને એ ભયભીત કરી મૂકે.
યુદ્ધ મેં જોયાં નથી,
કદિક દૂરથી મોટરનું ટાયર ફાટવાનો અવાજ
સાંભળ્યો છે.
કે પછી શીશી ફૂટવાનો અવાજ.

પણ સાચું કહું?
મારામાં એક શેતાન વસે છે,
એ મને અવનવું દેખાડે છે:

બાગમાં જાઉં છું તમારી જ જેમ,
ફૂલો જોઉં છું
ને એકાએક વિચાર આવે છે:
આ ફૂલોને સ્થાને
ખોપરીઓ ખીલી ઊઠે તો?

રસ્તા પર નાળ જડેલા બૂટ ઠપકારીને
ચાલતા
સૈનિકોને જોઉં છું
ને મારી નજરે આસ્ફાલ્ટનો રસ્તો
બની જાય છે
કુંવારી કન્યાઓના પ્રશસ્ત ઉન્નત વક્ષ:સ્થળ.

તમારી જેમ જ સભાસરઘસમાં જાઉં
અને
મને હાડપિંજરો હસતાં દેખાય;
કાળો કાગડો જોઉં
અને
ગભરાઈ જાઉં:
હમણાં જ એ ગીતાનો શ્લોક બોલશે કે શું?

મને કોઈ વૃક્ષ પર વિશ્વાસ નથી,
બધાં જ મીંઢાં કાવતરાંખોર લાગે.
જલનો સ્પર્શ
મને
ખુશામતિયાની ચાપલુસી જેવો લાગે.
રેલવે સ્ટેશન
જંગલ જેવું બિહામણું લાગે.

કોઈ
મારા તમારા જેવો માનવી
બોલવા હોઠ ખોલે ને
હું ગભરાઈ જાઉં.
એના મુખની બખોલ પાછળ
શુંનું શું જોઈને છળી મરું,
મ્યુઝિયમમાં મને કોઈ
કાચ જેવું ધારદાર ચૂનેરી
હસતું સંભળાય.
મારા ઘરનો ચતુષ્કોણ સમય
મને
એનાં ખાનાંમાં પૂરી દે.
કચેરીમાં ભરવાના ફોર્મમાંના પ્રશ્નો:
જન્મ્યા ક્યારે? મરશો ક્યારે?
શું કમાયા? શું ખોયું? –
મને ક્ષકિરણોની જેમ આરપાર વીંધે.

સૌથી વધુ ભય મને પડછાયાનો –
એ કદી પીછો છોડે નહિ.
અન્ધકાર અને પવન –
એ બે કોઈએ મોકલેલા ગુપ્તચર,
ચહેરો ભૂંસીને ફરે,
બધું જુએ,
બધું સાંભળે.

તમારો હાથ હાથમાં નહિ લઉં તો માફ કરજો,
પાંચ તો ઠીક
એક આંગળીને ય હું સહી શકતો નથી.
હું મારી નજર
તમારા પરથી નહિ ખસેડું તો
માઠું નહિ લગાડશો.
જે નજરની બહાર જાય
તેના પર મને વિશ્વાસ નથી.

સાચું કહું છું:
હું ભયભીત છું.
તમે જે નથી જોયું તે મેં જોયું છે.
ભયને અનુભવવાની
મારામાં એક નવી ઇન્દ્રિય ખીલી છે.
આ ભયાન્ત નાટકના
પાંચમા અંકનું
હું છેલ્લું જ પાત્ર હોઈશ
એવી તમે આશા રાખજો.

મનેય એવી આશા છે, આશા છે,
આશા… છે.

એપ્રિલ, 1974