દેવતાત્મા હિમાલય/પરિચય

Revision as of 09:46, 23 August 2021 by MeghaBhavsar (talk | contribs)


પરિચય

ભોળાભાઈ પટેલ

સર્જક-પરિચય
Bholabhai-Patel-239x300.jpg
ભોળાભાઈ પટેલ (જ. ૭ ઑગસ્ટ ૧૯૩૪ – અવ. ૨૦ મે ૨૦૧૨)

સાહિત્યકાર ભોળાભાઈ એટલે વિવેચક અનુવાદક નિબંધકાર. એના મૂળમાં અભ્યાસીની જિજ્ઞાસા-વૃત્તિ અને સર્જકનું વિસ્મય એકસરખાં છે. હિંદીના અધ્યાપક, ગુજરાતીના લેખક. પ્રૉફેસર થયા પછી પણ ભણતા ગયા –અંગ્રેજીમાં એમ.એ., ભાષાવિજ્ઞાનમાં ડિપ્લોમા કર્યું. સંસ્કૃત-બંગાળી-અસમિયા-ઓડિયા-ફ્રેન્ચ ભાષાઓ શીખ્યા. નવલકથા-નાટક-કવિતા-વિવેચનનાં પુસ્તકોના અનુવાદો કર્યા. વિવેચન-સંપાદનના મહત્ત્વના ગ્રંથો આપ્યા. પણ પ્રવાસરસિક ભોળાભાઈના સર્જનાત્મક નિબંધોમાં એમનું તાજગીભર્યું કુતૂહલ ને અખૂટ અભ્યાસવૃત્તિ એકસાથે ખીલી ઊઠયાં.

સાહિત્ય પરિષદના સામયિક ‘પરબ’નું ઘણાં વર્ષ સંપાદન કર્યું. અગ્રણી સાહિત્યસંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યા.

ભોળાભાઈ પટેલ એટલે તાજગીભર્યું સાતત્ય – પ્રવાસમાં, અભ્યાસમાં, લેખનમાં અખૂટ રસવાળો વિહાર.

કૃતિપરિચય

હિમાલયને કવિ કાલિદાસે ‘દેવતાત્મા’ કહ્યો છે – એ શ્રદ્ધાભર્યું સંવેદન અપનાવીને લેખકે આ પુસ્તકના પૂર્વાર્ધમાં ઉત્તરાખંડી હિમાલયનાં સૌંદર્ય-તીર્થસ્થાનો – હરદ્વાર, હૃષીકેશ, મસૂરી, ગંગોત્રી, કેદારનાથ, વગેરેના – પોતાના યાત્રા-પ્રવાસનું મનોરમ વર્ણન કર્યું છે. ભાગીરથી ગંગાની સાથે સૌમ્ય મંદાકિની, રુદ્રગતિ અલકનંદાનાં અનોખાં રૂપો પણ આલેખ્યાં છે. પૌરાણિક કથાઓ, કાલિદાસની, રવીન્દ્રનાથ ટાગોરની, ઉમાશંકર જોશીની કવિતા પણ આ સૌંદર્યસ્થાનોની સમાંતરે લેખકની સ્મૃતિમાં ઊપસતી રહે છે. એથી સ્થળદર્શનના આનંદને વિશેષ પરિમાણ મળે છે.

આ હિમાલય-દર્શન ઉપરાંત આ પુસ્તકના ઉત્તરાર્ધમાં, રાણકપુરનું જૈન તીર્થ (જેને લેખક ‘આરસપહાણનું અરણ્ય’ કહે છે.), ઈડરની પર્વતાવલિ, આબુ પર્વત, ગિરનાર, ઘૂમલી, ઉજ્જયિની અને મહાકાલ મંદિર, ‘ગુલાબી જાંયનું નગર’ જયપુર, ભોપાલ, ચંડીગઢ – એવાં વિભિન્ન સ્થળે સાહિત્યિક-વિદ્યાકીય કાર્યક્રમો પ્રસંગે કે ભ્રમણેચ્છાથી જવાનું થયું – એના પણ બહુ દિલચશ્પ નિબંધો છે.

ભોળાભાઇના આ લેખો-નિબંધોમાં સહજ રીતે નોંધાયેલી ઉપયોગી માહિતી છે, અંગત-પારિવારિક યાત્રાનુભવોનું બયાન પણ છે અને એક રુચિસંપન્ન સાહિત્યકારે કરેલું રસ-સૌંદર્ય-દર્શન પણ છે.

એથી આ પુસ્તકમાંથી પસાર થવાનો આનંદ વિસ્મય અને જ્ઞાનનો આનંદ પણ અવશ્ય બની રહેશે. —રમણ સોની