કાંચનજંઘા/આ ફૂલનું નામ શું?

From Ekatra Wiki
Revision as of 05:21, 26 July 2021 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search


આ ફૂલનું નામ શું?

ભોળાભાઈ પટેલ

શાંતિનિકેતનમાં બુધવાર એટલે ઉપાસના મંદિરમાં જવાનો દિવસ. સવારમાં મંદિરનો ઘંટ આખા શાંતિનિકેતનમાં પોતાનો આવાહન નાદ ગુંજરિત કરી દે છે. ઘંટનો એક ટકોરો પડે, પછી જે તરંગો નાદ રૂપે ગુંજી ઊઠે, તે જ્યાં સુધી વિલીન ન થઈ જાય ત્યાં સુધી બીજો ટકોરો એ રણરણિત ઘંટ પર ન પડે. એક એક ટકોરાનો આરંભ અને વિલયન નિજમાં સંપૂર્ણ. એક ટકોરો બીજા ટકોરાને અતિક્રમી ન જાય, એ રીતે બે ટકોરા વચ્ચેનો અવકાશ. એક એક ટકોરો એટલે આ અવકાશની અદૃશ્ય ડાળી પર સ્વયં પર્યાપ્ત રીતે ખીલી રહેતું એક સંપૂર્ણ નાદપુષ્પ.

આ શ્રુતિગોચર નાદપુષ્પોની એક સુદીર્ઘમાળા જાણે રચાતી જાય છે, અને ઉપાસના મંદિરમાં અદૃશ્ય દેવતાને કંઠે પહેરાવાય છે. આમેય આ દિવસોમાં શાંતિનિકેતનમાં ફૂલો ઓછાં થઈ ગયાં છે. નહિતર તો માર્ગે જતાં-આવતાં વિવિધરંગી ફૂલો ધ્યાનભંગ કર્યા જ કરે. પણ હમણાં તો નજર જ્યાંત્યાં ફૂલો જોવાને ઝંખ્યા કરે.

સામાન્ય રીતે ઉપાસના મંદિરથી આમ્રકુંજ અને શાલવીથિને માર્ગે હું પંચવટીના મારા આવાસે જવાનું પસંદ કરું. અહીં રસ્તે ગુરુદેવ રવીન્દ્રનાથનો ‘દેહલી’ નામે આવાસ આવે. ‘ગીતાંજલિ’નાં ઘણાં ગીતો આ ઘરમાં લખાયાં હતાં. દેહલી પછી પૂર્વપલ્લીને રસ્તે તડકો પથરાયો હોય, રવીન્દ્રસંગીતના સૂરો કાનમાં ભરી તડકે ચાલવાનું ગમે.

પરંતુ એ દિવસે રતનપલ્લીને માર્ગે ચાલ્યો. આ માર્ગ વાંકોચૂકો અને આસપાસના વસવાટથી સાંકડો બની ગયો છે. કેટલીક દુકાનોની ભીડ થઈ ગઈ છે. એ વટાવી બેત્રણ વળાંક લઈ આગળ જઉં ત્યાં એક બેઠા ઘાટના ઘરના કંપાઉન્ડમાં શ્વેત ફૂલોથી આચ્છાદિત પાંચેક ફૂટ ઊંચો છોડ જોતાં નજર થંભી ગઈ. નખશિખ છોડ આખોય ઝાકળભીનાં ફૂલોથી ભરપૂર. કાચા તડકામાં પોતાની શોભાના ભારથી લચી પડતો હતો.

ગતિમાં હું આગળ ચાલી તો ગયો, પણ પછી ઊભો રહી ગયો અને પાછો વળ્યો. રસ્તો નિર્જન હતો, પણ પછી ઘરના વરંડામાં એક કિશોરીને ઊભેલી જોઈને ખમચાયો. પરંતુ પુષ્પિત છોડની શોભાનું આકર્ષણ અમોઘ હતું. કિશોરીએ પાછા વળેલા મારી સામે કંઈક જિજ્ઞાસાભાવથી જોયું. આ સવારમાં એ પણ બરડામાં પથરાયેલા ખુલ્લા કેશે પ્રસન્નકર મુખમુદ્રા લઈ આ પ્રફુલ્લિત છોડની સ્પર્ધામાં ઊભી હોય એમ લાગ્યું. હવે મારે કંઈક પૂછવું જ રહ્યું. મેં પૂછ્યું – એઈ ફૂલટાર નામ કી? – આ ફૂલનું નામ શું?

એ પણ ખીલેલા છોડ સામે જોઈ રહી એક ક્ષણ. પછી કહે, ‘ઍક ટુ દાંડાન’ – જરા ઊભા રહો, એ વરંડામાંથી ઘરમાં ગઈ. ‘દિદિ!’ મને બહાર અવાજ સંભળાયો. થોડી વારમાં એક નાતિવયસ્ક યુવતી બહાર આવી. એ પણ મુક્તકુંતલા. સુંદર ચહેરા પર પ્રશ્નાર્થ સાથે ઊભી. હવે આ ફૂલછોડને જોઉં કે આ બંને સાથે ઊભેલી કિશોરયુવતીને જોઉં? બંનેય સસ્મિત. સૌંદર્યાનુભૂતિનો એક ટકોરો ગુંજરિત થઈ વિલય પામે તે પહેલાં બીજો ટકોરો બજી ઊઠ્યો હતો!

યુવતીએ કહ્યું – આ ફૂલનું નામ ને? અને પછી ‘પ’થી શરૂ થતું પાંચ-છ અક્ષરનું કોઈક નામ બોલી પોતાની નજરથી એ ફૂલોને જાણે પસવારી રહી. મેં સ્પષ્ટ થવા ફરીથી નામ પૂછ્યું – એ જ અસ્પષ્ટ મૃદુ ઉચ્ચારમાત્ર પકડાયો. પણ હવે ફરી ફરી કંઈ પુછાય? એટલે મેં ફૂલછોડની શોભાની પ્રશંસા કરી. ‘કી દારુણ!’ ‘કેટલું સુંદર!’ કિશોરી અને યુવતી બંનેએ એકબીજા સામે જોઈ, પછી અજાણ્યા એવા મારા તરફ જોઈ હસતાં હસતાં સ્વીકૃતિસૂચક માથું હલાવ્યું. એમણે કહ્યું – ‘આ કેટલાક દિવસ થયાં ખીલેલું છે.’ મેં કહ્યું – ‘આજે જ આ રસ્તે નીકળતાં મારી નજર પડી. બહુ જ સુંદર છે. લાગે છે કે કોઈ વિદેશી ફૂલ છે?’

યુવતીએ હા કહી. કિશોરી યુવતીની બાજુમાં ઊભી હતી. પણ એ હવે એ છોડને જાણે નવી નજરે પંપાળતી લાગી. મારે ફૂલનું નામ બરાબર જાણવું હતું. પણ હવે કેમ ઊભા રહેવાય? રસ્તે જતાં અજાણ્યા તરીકે આમ ભદ્ર ઘરની સુંદર તરુણીઓ સાથે ફૂલ વિશે વાત કરવી એ ભદ્રતા તો નથી જ.

આભાર માની, સસ્મિત મસ્તક નમાવી હું ચાલવા લાગ્યો. પેલી બંને તરુણીઓની કૌતુકભરી નજર મને અનુસરી રહી છે. મારે બરડે સ્પર્શી રહી છે એવું મને લાગ્યું. પરંતુ હું પાછું જોયા વિના ચાલતો રહ્યો. મનમાં ફૂલનું સ્થાન હવે એ બે તરુણીઓએ લીધું હતું. એ બંનેનાં નામ પૂછી લીધાં હોત તો? નામ વિના એમને મારા સ્મૃતિદોરમાં કેવી રીતે ગૂંથી રાખીશ? પેલા ફૂલનું નામ પણ બરાબર મળ્યું હોત તો – કંઈ નહિ તો એ નામથીય આ કેટલીક સુંદર ક્ષણોને જોડત.

હું જાણું છું કે એ ખીલેલાં પીતાભ શ્વેતફૂલો મોસમી છે, અને થોડા દિવસમાં એમની મોસમ જતાં ખરી પડશે. આમ તો હુંય એક મોસમી અતિથિ છું અને થોડા દિવસમાં અહીંથી ચાલ્યો જઈશ. પણ આ એક સવારે એકાએક ચાલતો ચાલતો મારગે જતો ‘સુંદર’ સાથે થયેલો સાક્ષાત્કાર તો મારી ચેતના સાથે જડાઈ રહેશે.

વિચારું છું કે એ માત્ર એક પુષ્પિત છોડ, એ માત્ર એક કિશોરી અને એક તરુણી? જગતનાં અસંખ્ય ફૂલો અને અસંખ્ય તરુણીઓમાં મારે માટે એમનો કોઈ વિશિષ્ટ પરિચય નહિ? શું ફરી જઈને પૂછી શકાય કે આ ફૂલનું નામ શું? મને બરાબર કહો. પણ માત્ર એ ફૂલનું નામ મારે જાણવું છે કે ખીલેલાં ફૂલ જેવી પેલી બે તરુણીઓનાં નામ પણ?

એક ટકોરાનું ગુંજરિત અનુરણન પૂરું થઈ વિલય પામે, તે પહેલાં જ બજી ઊઠેલા ટકોરાનું ગુંજન તેમાં ભળી જઈ મારી ચેતનામાં સંવાદી બની વિસ્તરતું જાય છે, વિસ્તરતું જાય છે. એ જાણે એક જ ટકોરાનો વિસ્તાર છે. પંચવટી
શાંતિનિકેતન
૧૯૮૩