કાંચનજંઘા/ભીડ
ભોળાભાઈ પટેલ
આ યુગનું સૌથી મોટું લક્ષણ, તે છે ભીડ. ઘરમાં, રસ્તામાં, બજારમાં, મેદાનમાં સર્વત્ર ભીડ. બસમાં, ટ્રેનમાં, પ્લેનમાં પણ ભીડ. અરે નદીના ઘાટ પર, સાગરના તીર પર, પહાડના શિખર પર પણ ભીડ. ભીડથી ક્યાંય મુક્તિ નથી. આ ભીડ એટલે તેનું બીજું નામ સમૂહ માણસ. આ સમૂહ માણસનો પોતાનો એક ચહેરો છે, જેમાં એક વ્યક્તિનો અલગ ચહેરો તારવવો મુશ્કેલ છે. બધા એકસરખા, કોઈ કોઈમાં કશો ફેર નહિ. એક કવિએ કહ્યું છે તેમ એક છાપાની હજારો નકલ જેવા, બધી નકલ એકસરખી. એટલે જ માણસને ભીડમાં ખોવાઈ જવાની બીક લાગે છે. કોઈ મેળામાં બાળક વિખૂટું પડી જાય, તેમ વિખૂટા પડી જવાની બીક લાગે છે. પણ કોનાથી વિખૂટા પડી જવાનું છે? બાળક પોતાનાં મા-બાપથી વિખૂટું પડી જાય છે, પણ આપણે? ખબર નથી પડતી અને છતાં ખોવાયાનો, વિખૂટા પડી જવાનો ભય લાગે છે. આ ભીડમાં, અને પરિણામ એ આવે છે કે ભીડમાં હોવા છતાં માણસ એકલો બની જાય છે. એનો ચહેરો શોધવા એ મથે છે, ક્યાં છે એનો ચહેરો?
અને પછી આ એકલતા જિરવાતી નથી. અને તે પછી ભીડનો આશરો શોધવા નીકળી પડે છે. મેળાવડાઓમાં જાય છે, સભાઓમાં જાય છે, મેળાઓમાં જાય છે, નાટક-સિનેમાઓ જોવા જાય છે, જલસાઓમાં જાય છે જ્યાં પાછી ભીડ છે, જ્યાં એને લાગે છે કે તે બધાની વચમાં છે. એકલા પડી જવાના ખ્યાલને તે ભીડમાં ડુબાડી દે છે. સમૂહ માણસ બની જાય છે. એ પોતાના ચહેરાને હવે શોધતો નથી. એ હવે સ્વીકારી લે છે કે તે સમૂહમાણસ છે.
આ એક સ્થિતિ છે, શું તેની ઉપર જઈ શકાય ખરું? જરા વિચારીએ તો ભીડનો અનુભવ કે એકલતાનો અનુભવ તે તો મનની એક સ્થિતિ છે. એટલે મન ધારે તો ભરી ભરી ભીડમાં, ખોવાયા વિના, ચહેરાને ભૂંસાવા દીધા વિના રહી શકાય. ભીડની વચ્ચે પોતાનું એકાન્ત વસાવવાની માણસ પાસે એક શક્તિ હોય છે. એ ભીડમાં રહીને પણ અળગો બની જાય. આ પ્રક્રિયામાં વિખૂટા પડી જવાની બીક નથી હોતી, ખોવાઈ જવાની બીક નથી હોતી. આ ભીડમાં એકાન્ત કેમ વસાવી શકાય એ જ પ્રશ્ન છે. બસની ભીડમાં છો, ટ્રેનની ગિરદીમાં છો, મેળાની ધક્કાધક્કીમાં છો. જરા પોતાને ખેંચી લો, અલગ થઈ જાઓ અને બધા કોલાહલો દૂર દૂર ચાલ્યા જશે. ભીડ હશે, પણ ભીડની ભીંસ નહીં હોય. એ કોલાહલ ‘શાન્ત કોલાહલ’ હશે.
અને એવી રીતે આપણા એકાન્તને પણ સભર બનાવી શકાય છે. એ એકાન્તમાં એક અવનવી ભીડ વસાવી શકાય, જે પેલી બહારની ભીડથી જુદા પ્રકારની છે. એકલા છો? એકલતાની અનુભૂતિ થવા દો. પછી ધીરે ધીરે કોઈ વાર જોયેલા કોઈ સુંદર દૃશ્યને ઊપસવા દો, તેમાં ખોવાઈ જાઓ. કોઈ કવિતાની પંક્તિ ઊગવા દો, તેની સાથે એકતાર થાઓ. કોઈ સંગીતની લહરી ગુંજવા દો, તેની સાથે ઓગળી જાઓ. કોઈ મિત્રના ચહેરાને તમારા એકાન્તના ફલક પર પ્રકટવા દો. ઘર, માર્ગ કે નગર, આ બધાંને આવવા દો. તમારું એકાન્ત સભર બનશે અને છતાં તેમાં તમે હશો. તમે વસાવેલી એ ભીડ તમારી સાથે હશે, એ તમને છાઈ નહીં દે, માત્ર તમારી એકલતા પૂરશે. એ ભીડની ભીંસ નહિ હોય. તો આપણે ભીડમાં એકાન્ત વસાવીએ અને એકાન્તમાં ભીડ, જેમાં ખોવાવાની બીક ન હોય. ૧૯૭૫