કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/ ૩. પરકમ્માવાસી
Revision as of 11:06, 30 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩. પરકમ્માવાસી|બાલમુકુન્દ દવે}} <poem> આવી ચડ્યાં અમે દૂરનાં વ...")
૩. પરકમ્માવાસી
બાલમુકુન્દ દવે
આવી ચડ્યાં અમે દૂરનાં વાસી,
પ્રથમીની અમે પ્રીતનાં પ્યાસી;
મનખે મનખે ધામ ધણીનું —
એ જ મથુરા ને એ જ રે કાશી :
ભોમકાનાં ભમનાર પ્રવાસી.
સંત મળ્યા તેને સાંઈડું લીધું,
ને શઠ મળ્યા તેને ગઠડી દીધી;
અમે લૂંટાવીને લાભિયાં ઝાઝું!
ખાલી ખભે ખેપ ખેડશું ખાસી :
ભોમકાનાં ભમનાર પ્રવાસી.
વેમાનની અમે વાટ ના જોતાં,
વૈકુંઠને કાજ આંસુ ના ખોતાં;
પેદલ ચાલતાં ચાલતાં મા’લતાં
ભમવા નીસર્યાં લખચોરાશી :
ભોમકાનાં ભમનાર પ્રવાસી.
થીર મુકામમાં જંપ વળે ના,
વાટ ને ઘાટના જીવ આ પ્યાસી;
ધરતીના કણકણમાં તીરથ —
એનાં અમે પરકમ્માવાસી :
ભોમકાનાં ભમનાર પ્રવાસી.
૪-૪-’૫૪
(બૃહદ્ પરિક્રમા, પૃ. ૫)