કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૨૦. લ્યો કેસૂડાં
Revision as of 12:02, 30 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૦. લ્યો કેસૂડાં| બાલમુકુન્દ દવે}} <poem> હો રંગ ઊડે પિચકારીએ ક...")
૨૦. લ્યો કેસૂડાં
બાલમુકુન્દ દવે
હો રંગ ઊડે પિચકારીએ
કેસૂડે કામણ ઘોળ્યાંઃ
લ્યો લ્યો કેસૂડાં!
હો પાસેવાળાં પડી રહ્યાં
આઘાંને રંગે રોળ્યાંઃ
લ્યો લ્યો કેસૂડાં!
હો કોઈનો ભીંજે કંચવો —
જી કોઈનાં સાડી-શેલાંઃ
લ્યો લ્યો કેસૂડાં!’
હો કોઈ ના કોરું રહી જશે
જી કોઈ મોડાં, કોઈ વહેલાંઃ
લ્યો લ્યો કેસૂડાં!
હો છાબડીએ છલકાઈ રહ્યાં
જી વેચાતાં વણમૂલેઃ
લ્યો લ્યો કેસૂડાં!
આ નથી રમત જી રંગની
ઉર ધબકે ફૂલેફૂલેઃ
લ્યો લ્યો કેસૂડાં!
આ રંગ ઊડે પિચકારીએ
કેસૂડે કામણ ઘોળ્યાંઃ
લ્યો લ્યો કેસૂડાં!
(બૃહદ્ પરિક્રમા, પૃ. ૬૭)