કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૩૦. ધૂળિયો જોગી

From Ekatra Wiki
Revision as of 12:36, 30 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૦. ધૂળિયો જોગી|બાલમુકુન્દ દવે}} <poem> એક ધૂળિયો જોગી રમે :: રમે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૩૦. ધૂળિયો જોગી

બાલમુકુન્દ દવે

એક ધૂળિયો જોગી રમે
રમે એક ધૂળિયો જોગી રમે.
આભમંડલમાં ઊડે ઓડિયાં
પગ ધરતી પર ભમે,
અંગન અંગન અલખ જગાવે
કાયા કષ્ટે દમેઃ
હે જી એક ધૂળિયો જોગી રમે
રમે એક ધૂળિયો જોગી રમે.

આંખ જોગીની અલખ વાંચતી
વાણી વેદ ઓચરે,
એની ધૂણીના શીળા ધખારા
પ્રેમલ તણખા ઝરેઃ
હે જી એક ધૂળિયો જોગી રમે
રમે એક ધૂળિયો જોગી રમે.

કંઠી બાંધી સોઈ નર જીત્યા
નૂગરા હારે બાજી,
ભવનું ભાથું બાંધ લિયો ભાઈ
છોડ દિયો પતરાજીઃ
હે જી એક ધૂળિયો જોગી રમે
રમે એક ધૂળિયો જોગી રમે.

ભૂમિ, દોલત, માલ, ખજાના
સંગ ચલે ના કોડી,
મૂઠી, ટોપલે, ખોળે, ખોબલે
દૈ દેજો ભાઈ દોડીઃ
હે જી એક ધૂળિયો જોગી રમે
રમે એક ધૂળિયો જોગી રમે.
જે દેશો તે થશે સવાયું
કીમિયાગર ભિખારી,
ઓળખી લેજો આયો સદાશિવ
ગોકુલમાં અલગારીઃ
હે જી એક ધૂળિયો જોગી રમે
રમે એક ધૂળિયો જોગી રમે.

૨૪-૯-’૫૩
(બૃહદ્ પરિક્રમા, પૃ. ૧૧૩-૧૧૪)