કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૧૨. ગાન

From Ekatra Wiki
Revision as of 08:41, 3 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૨. ગાન|નલિન રાવળ}} <poem> આંખની શી રીતભાત? સખી, તું વાત કહે ભલી ભ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૨. ગાન

નલિન રાવળ

આંખની શી રીતભાત?
સખી, તું વાત કહે ભલી ભાત.
પલમાં ફોરાં શ્રાવણીનાં જલ લોલમાં ઝૂલી
હેતની ખીલે કુસુમકલી,
પલમાં ગાઢાં આષાઢબાદલ છાઈ ર્‌હે, વળી
આગથી ભરી વીજ ઝબૂકી!

આંખની શી રીતભાત?          સખી, તુંo

પલમાં કેવી આતુર મને આંજવા તારી આંખ
કરે લખ વાનાં,
પલમાં આઘો દૂર ફંગોળી પૂછતી મને
કોણ છો અને ક્યાંના?

આંખની શી રીતભાત?          સખી, તુંo

પલમાં એવાં લાડ લડાવે,
નજરની ફૂલ હળવી એવી થપકી મારી
મનને મારા શુંય હુલાવે,
પલમાં તાતી તોછડી આંખે વેરતી
અગનઝાળથી રોમેરોમ જલાવે!

આંખની શી રીતભાત?          સખી, તુંo
(અવકાશપંખી, પૃ. ૨૧)