કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/૨૧. વાતી લૂ
Revision as of 09:17, 3 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૧. વાતી લૂ|નલિન રાવળ}} <poem> આભે તપતો સૂરજ તાતો પ્હાડ તણો બરડો...")
૨૧. વાતી લૂ
નલિન રાવળ
આભે તપતો સૂરજ તાતો
પ્હાડ તણો બરડો ચિરાતો
વાતી લૂ
સૂકો ભંઠ પડેલો ઊભો
ખેતર વચ્ચે રડે ચાડિયો
વાતી લૂ
ધરતીના સાથળ સુકાણા
પંખીનાં ગાણાં ઓલાણાં
વાતી લૂ
થાન વછોયું બાળક રુએ
પડ્યું કોઈ પથરાળા કૂવે
વાતી લૂ
ભડકો થઈને નાસે ભૂત
ઝાડ જુએ નૈં એની પૂંઠ
વાતી લૂ
વાદળ-ઝંખી રાતી આંખ
એક અઘોરી પાડે રાડ
વાતી લૂ.
(અવકાશપંખી, પૃ. ૪૩)